હું મહારાજને પગે નહિ લાગું Yashvant Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હું મહારાજને પગે નહિ લાગું

નવલિકા

હું મહારાજને પગે નહિ લાગું

-યશવંત ઠક્કર

આમ તો ઘટના સામાન્ય હતી. બાંધકામ ઉદ્યોગ સાથે જોડાયેલા બંસીભાઈની ‘સ્નેહવાટિકા’નામે નવી સાઇટ તૈયાર થઈ ગઈ હતી અને એ સાઇટ પર શ્રીકુંવરજી મહારાજની પધરામણી થઈ હતી. ભક્તોએ ઠીક ઠીક કહેવાય એવી રકમ મહારાજના ચરણોમાં ધરીને વંદન કર્યાં હતાં પરંતુ તક્ષુ આ વિધિથી દૂર રહી હતી. કાંતાબહેનની સીસીટીવી જેવી નજરમાં તક્ષુની આ હરકત ઝડપાઈ ગઈ હતી. પ્રસંગ પૂરો થયો અને બધાં વિખેરાઈ રહ્યા હતાં ત્યારે કાંતાબહેને મોકો જોઈને મધુબહેનના કાનમાં આ ઘટના રેડી દીધી, ‘તમારી તક્ષુવહુ મહારાજને પગે નથી લાગી. આ તો ધ્યાનમાં આવ્યું એટલે કહું છું. મારી તો તબિયત ઠીક નહોતી તોય જોર કરીને આવી અને મારી કિંજલવહુને પણ સાથે લેતી આવી. આવો મોકો ફરી ક્યારે મળે.’

‘તક્ષુ, તમે આજે મહારાજને પગે લાગ્યાં હતાંને?’ ઘરે આવીને મધુબહેને તક્ષુની ઉલટતપાસ કરી.

‘ના મમ્મી.’ તક્ષુએ જવાબ આપ્યો.

‘કેમ?’

‘હું ઈશ્વર અને વડીલો સિવાય કોઈને પગે લાગતી નથી.’

‘કેમ? શ્રીકુંવરજી મહારાજ ઈશ્વરનું રૂપ નથી? આ બધાં અમસ્તાં એમના પગમાં પડે છે?’

‘શ્રીકુંવરજી મહારાજ એક ધાર્મિક વડા હશે પણ એ ઈશ્વર હોવાનું હું માનતી નથી.’

‘એટલે અમે બધાં ગાંડાં અને તમે એકલાં ડાહ્યાં એમને?’

‘હું એવું નથી કહેતી મમ્મી, જેને ઠીક લાગ્યું એ ભલે એમને પગે લાગતાં પણ મને એ ઠીક નથી લાગતું.’

‘તમારાં માબાપે તમને આવા સંસ્કાર આપ્યા છે?’

‘હા. મારાં માબાપે જ મને જેનાતેના પગમાં નહિ પડવાનું શીખવાડ્યું છે અને મને એ વાત યોગ્ય લાગે છે.’

‘તો તમારા માબાપે સત્સંગી પરિવારમાં દીકરી નહોતી આપવી. આ પરિવારના સભ્ય તરીકે સત્સંગી પંથના નિયમો પાળવા પડશે. મનમાની નહિ ચાલે.’

‘મમ્મી, આ કોઈ મોટી સમસ્યા નથી. તમે શા માટે આટલાં ગુસ્સે થાવ છો?’

‘સમસ્યા મોટી છે. આ પરિવારમાં રહેવું હશે તો આસ્તિક થવું પડશે. નાસ્તિક બનીને નહિ રહેવાય.’

‘હું આસ્તિક છું જ મમ્મી. નાસ્તિક નથી. હું ઈશ્વરમાં માનું છું. પ્રાર્થના, ભક્તિ એ બધાંમાં પણ માનું છું. પણ મારી માનવાની રીત તમારાં બધાં કરતાં થોડી જુદી છે.’

‘થોડી નહિ, ઘણી જુદી છે. મારી વાત પર વિચાર કરજો.’

તક્ષુએ જવાબ આપ્યો નહિ. વાત ધૂંધવાતી ધૂંધવાતી સાંજે સપન સુધી પહોંચી.

‘તક્ષુ આ ઠીક નથી થયું. તારે મમ્મીના પગમાં પડીને માફી માંગવી જોઈએ.’

‘હું મમ્મીના પગમાં એક વખત નહિ, સો વખત પડવા તૈયાર છું પણ મહારાજને પગે નહિ લાગું.’

‘હજારો લોકો એમને પગે લાગે છે તો તને વાંધો કેમ છે એ મને નથી સમજાતું.’

‘હજારો લોકો એમને પગે લાગે છે ને હું એક ન લાગુ તો એમાં કોઈને પણ વાંધો કેમ હોય, મને એ નથી સમજાતું.’

‘આ ઘરની પરંપરાને તારે માનવી પડશે અને મમ્મીની સામે તું દલીલો કરે છે એ તો હું જરાય નહિ ચલાવી લઉં.’

‘અચ્છા. વાત તો છેવટે ત્યાં જ આવીને ઊભી રહી ગઈ છે કે આ ઘરમાં મારે તમારી ઇચ્છા પ્રમાણે જીવવાનું છે. તમે જે વિચારો એ જ મારે વિચારવાનું. તમારી પસંદગી એ જ મારી પસંદગી. મારી પસંદગીનું કોઈ મહત્ત્વ જ નહિ.’

‘તક્ષુ, તને આ ઘરમાં કોઈ જાતનું દુઃખ હોય તો બોલ. ખાવામાં, ઓઢવામાં, પહેરવામાં, હરવાફરવામાં કોઈ કમી હોય તો બોલ.’

‘કોઈ કમી નથી. બધી વાતે સુખી છું. બસ, મને મારી રીતે વિચારવાની આઝાદી નથી.’

‘એ કાંઈ દુઃખ ન કહેવાય.’

‘આમ જુઓ તો દુઃખ ન કહેવાય ને આમ જુઓ તો આનાથી કોઈ મોટું દુઃખ નહિ. સપન, હું આ રીતે રહેવા ટેવાયેલી નથી.’

‘તારે એ ન ભૂલવું જોઈએ કે આ તારું સાસરું છે. પિયર નથી. તારા પિયરનું ડહાપણ આ ઘરમાં નહિ ચાલે.’

‘વાહ સપન! તેં પણ મને પિયર અને સાસરીનો તફાવત સમજાવી દીધો. ’

‘સીધી જ વાત છે. હવે તું તારા પિયરમાં રહેતી હતી એમ રહેવા જઈશ તો રોજનો કકળાટ થશે. હું કેટલું ટેન્શન લઈને ફરું છે એ તને ખબર છે? મારી પાસે આવી મગજમારી કરવાનો ટાઇમ જ નથી.’

તક્ષુએ જવાબ ન આપ્યો. એને એમ કે વાત પૂરી થઈ ગઈ.

પરંતુ વાત પૂરી નહોતી થઈ. રાત્રે મધુબહેને પરિવારનાં સભ્યોને ભેગાં થવાનો આદેશ આપ્યો. આ આખા મામલાથી દૂર રહેવા માંગતા સપનના પપ્પા એટલે કે સનતભાઈને પણ મધુબહેનના આદેશથી હાજર રહેવું પડ્યું. ચર્ચાની શરૂઆતમાં જ એમણે આ મુદ્દો પડતો મૂકવા માટે કહ્યું પણ મધુબહેને દર વખતની જેમ એમને ઝાટકી નાખ્યા, ‘તમે ચૂપ રહો. સમજ ન પડતી હોય તો બોલતા જ નહિ.’ પછી તો સનતભાઈએ મનમોહનસિંહ છાપ મૌન ધારણ કરી લીધું.

તક્ષુએ ધીરેથી સપનને કહ્યું : ‘સપન, આ પરિવારમાં મમ્મી જ સર્વોપરી છે. એ પપ્પાની સામે કેવું બોલે છે! આપણા પરિવારની આ પરંપરા છે?’

‘તમે ગુચપુચ નહિ કરો.’ મધુબહેન મોટા અવાજે બોલ્યાં, ‘આજે અને અત્યારે જ ફેંસલો થઈ જવો જોઈએ કે આ પરિવારની વહુ પરિવારના સંસ્કારોનું પાલન કરશે કે નહિ? પરિવારની પરંપરા અપનાવશે કે નહિ?’

તક્ષુએ દલીલ કરી કે, ‘કુંવરજી મહારાજ મારા દુશ્મન નથી. પણ એમને ઈશ્વરનો અવતાર માનવામાં આવે, એમનાથી પણ મોટી ઉમરના લોકો એમના પગમાં પડે, એમને જોઈને ઘેલાં ઘેલાં થઈ જાય, દેખાદેખીમાં એમને રૂપિયા ધરવામાં આવે આ બધું સારું ન કહેવાય.’

‘ભાવ હોવો જોઈએ ભાવ. તમારા મનમાં ભાવ જ નથી એટલે આવી બધી દલીલો કરો છો. મહારાજને રૂપિયાની ભૂખ નથી. એમના નામ પર લાખો રૂપિયા આપવાવાળા પડ્યા છે. આ તો ભક્તોની શ્રદ્ધાને માન આપવા પધરામણી કરે છે અને નાનીમોટી ભેટ સ્વીકારે છે.’ મધુબહેન પાસે પણ દલીલોની ખોટ નહોતી.

ચર્ચાના અંતે મધુબહેને તક્ષુને કહ્યું : ‘આ સત્સંગી પરિવાર છે. તમારે જો આ પરિવારના સંસ્કારોનું પાલન ન કરવું હોય તો તમે ખુશીથી તમારા પિયર જઈ શકો છો. ત્યાં તમારે જેમ રહેવું હોય એમ રહેજો. બોલો જવાબ આપો. તમારે શું કરવું છે?’

ઘરમાં સન્નાટો છવાઈ ગયો.

‘મને એક દિવસનો સમય આપો. હું કાલે જણાવીશ.’ તક્ષુએ જવાબ આપ્યો અને ઊભી થઈને પોતાના ઓરડામાં ચાલી ગઈ. સપને તો ધાર્યું જ નહોતું કે વાત આ હદે પહોંચી જશે. એણે પણ મધુબહેનને સમજાવવા પ્રયાસ કર્યો પણ એમણે ગુસ્સામાં કહી દીધું : ‘તારે મને શિખામણ આપવાની જરૂર નથી.’

સપન ઓરડામાં જઈને તક્ષુની લટુડાવેડા કરવા લાગ્યો : ‘તક્ષુ ડાર્લિંગ, મમ્મી વતી હું તારી માફી માંગુ છું. બસ? તું જે નિર્ણય લે એ આપણા ભવિષ્યનો વિચાર કરીને લેજે. મમ્મી ગમે તેમ તોય વડીલ કહેવાય. એમના વિચારો જૂના હોય. તું નમતું મૂકી દઈશ તો વાત આગળ નહિ વધે. નહિ તો બહુ ખોટું થઈ જશે.’

‘સપન, તું ચિંતા ન કર. મારે કાલે જવાબ આપવાનો છે તો આપી દઈશ. અત્યારે તું સૂઈ જા. તારા માથા પર આમેય ટેન્શન બહુ હોય છે. આ ટેન્શન મારા પર છોડી દે.’ તક્ષુ રજાઈ ઓઢીને સૂઈ ગઈ.

સપન આખી રાત પડખાં ફેરવતો રહ્યો.

સપને, સનતભાઈએ અને ખુદ મધુબહેને માન્યું હતું કે તક્ષુ પોતાની જિદ નહિ છોડે અને પિયરભેગી થઈ જશે. પરંતુ એ ત્રણેયની ધારણા ખોટી પડી. બીજે દિવસે સવારમાં જ તક્ષુ મધુબહેનના પગમાં પડી અને બોલી : ‘મારી ભૂલ થઈ ગઈ મમ્મી, હું આ પરિવારનાં સંસ્કાર અને પરંપરા જાળવીશ. હવે પછી જ્યાં કુંવરજી મહારાજની પધરામણી થશે ત્યાં સહુથી પહેલાં એમનાં ચરણોમાં હું વંદન કરીશ.’

મધુબહેને એને ઊભી કરી અને તેઓ કશું બોલે તે પહેલાં તો તક્ષુ દોડીને ‘મને માફ કરો’ના રટણ સાથે સનતભાઈના પગમાં પડી ગઈ. ત્યાંથી ઊભી થઈને એ સપનના પણ પગમાં પડી ગઈ અને બોલી : ‘તમે પણ મને માફ કરો. પતિ તો પરમેશ્વરનું રૂપ કહેવાય. મેં તમને પણ દુઃખ આપ્યું છે. મારો અપરાધ માફ કરો.’

તક્ષુનું આ પરિવર્તન ત્રણેયને આઘાત સાથે આનંદ આપનારું નીવડ્યું. જાણે એક સંભવિત વાવાઝોડું ટળી ગયું.

હવે તક્ષુ બધાં સાથે ખૂબજ આદર સાથે વાત કરવા લાગી. હવે એ સપનને ‘તું’ના બદલે ‘તમે’થી સંબોધન કરવા લાગી. સપનને આ કઠયું. એણે વાંધો પણ ઊઠાવ્યો કે, ‘તું મને તમે તમે કરે છે એ મને નથી ગમતું. તને આ શું થયું છે?’

‘પતિને તુંકારો કઈ રીતે કરાય? એ આપણા સંસ્કાર નથી. અત્યાર સુધી ભૂલ થઈ ગઈ પણ હવે તો જાગ્યા ત્યાંથી સવાર.’

હવે તક્ષુ જાણે તક્ષુ જ નહોતી રહી. પહેરવામાં, ઓઢવામાં, બોલવામાં એ બધાંમાં એ હવે સાદગી, સંસ્કાર અને પરંપરાને ધ્યાનમાં લેવા લાગી. પિત્ઝા ખાવાની વાત આવે તો એ કહે કે, ‘ન ખવાય! આપણી પરંપરા તો રોટલા, શાક, ખીચડી.’ સપન સાથે હોટેલમાં જવાની વાત આવે તો કહે કે, ‘બહારનો કચરો ખાવાની આપણી પરંપરા નથી.’ ફિલ્મ જોવા જવાની વાત આવે તો કહે કે, ‘સત્સંગી પરિવારના સભ્યોથી મનને વિકૃત્ત કરે એવી ફિલ્મો ન જોવાય. એના કરતાં ચાલોને મંદિરે જઈ આવીએ.’ વાતવાતમાં મધુબહેનને પરિવારનાં સંસ્કાર અને પરંપરા બાબત પૂછે, ‘આપણાથી બ્રેડ ખવાય? મારાથી અનારકલી ડ્રેસ પહેરાય? હું ટીવી જોઉં? મારાથી કઈ ચેનલ જોવાય ને કઈ ન જોવાય?’ મધુબહેન બપોરે કજિયા કંકાસથી ભરેલી સિરિઅલ જોવા બેસે ત્યારે પોતે પણ બેસે અને કચકચ કર્યા કરે કે, ‘અરેરે! આપણા સંસ્કાર ક્યાં ગયા? આવી સિરિઅલ હોતી હશે? આ ચેનલો જ બંધ થવી જોઈએ.’ જૂના જૂના રીવાજો યાદ કરી કરીને એને અમલમાં મૂકવાની વાત કરે. દિવસમાં એકાદ વખત તો મધુબહેનને પૂછે જ કે, ‘હેં મમ્મી, કુંવરજી મહારાજની ચરણવંદનાનો લાભ મને ક્યારે મળશે?મારે મારી ભૂલ સુધારવી છે.’ મધુબહેન પણ જવાબ આપી આપીને થાકવા લાગ્યાં.

એ શુભ દિવસ પણ આવી પહોંચ્યો. એક સંબંધીને ત્યાં કુંવરજી મહારાજની પધરામણી થવાની હતી. એ જાણીને તક્ષુના આનદનો પાર ન રહ્યો. ‘મમ્મી, આજે તો કુંવરજી મહારાજનાં દર્શને જવાનું છે તો આપણા પરિવારની પરંપરા મુજબ કેવાં કપડાં પહેરું?’ એણે મધુબહેનને હરખથી પૂછ્યું.

‘તમને ઠીક લાગે એ પહેરો. મારું માથું ન ખાવ.’ મધુબહેને ગુસ્સે થઈને બોલ્યાં.

‘પણ મમ્મી, ઈશ્વરનાં દર્શને જવાનું છે તો તમે થોડું માર્ગદર્શન આપું તો સારું.’ તક્ષુએ એવા તો ભોળાભાવે પૂછ્યું કે મધુબહેને એને તૈયાર કરવામાં રસ લેવો પડ્યો.

‘આ સો રૂપિયા રાખો. મહારાજનાં ચરણોમાં ધરવાનું ભૂલતાં નહિ.’ મધુબહેને તક્ષુને સો રૂપિયાની નોટ આપતાં આપતાં કહ્યું.

‘બસ આટલા જ? સો રૂપિયા સારા લાગશે? મારી પાસે થોડી બચત છે તો વધારે મૂકવાનો વિચાર છે.’

‘ભલે’

મધુબહેનને એમ કે સો રૂપિયાના બદલે બસો રૂપિયા ધરશે પણ જયારે કુંવરજી મહારાજની પધરામણી થઈ ત્યારે તક્ષુ દોટ મૂકી અને એમનાં ચરણોમાં પૂરા પાંચ હજાર રૂપિયાનો ઢગલો કરીને વંદન કરવાં બેસી ગઈ. જોનારાં તો જોઈ જ રહ્યાં. ચરણવંદના તો સામાન્ય રીતે સો બસો કે પાંચસો રૂપિયાથી થતી હતી. આ તો રૂપિયાનો ઢગલો! તક્ષુ હાથ જોડીને કુંવરજી મહારાજને વંદન કરવા બેઠી તો બેઠી પણ પાછી ઊભી થતી નહોતી. છેવટે મહારાજના સેવકે કહ્યું કે ‘બહેન, વંદન કરી લીધાં હોય તો હવે બીજાનો વારો આવા દ્યો.’ તક્ષુ ઊભી તો થઈ પણ તોય મહારાજ સામે વારંવાર જોઈને વંદન કરવાનું તો ચાલુ જ રાખ્યું. કુંવરજી મહારાજના ચહેરા પર પણ હાસ્ય ફરકી ગયું.

તક્ષુએ રૂપિયાની થોકડી મૂકી એટલે બીજા ભકતોએ પણ મને કમને જોર કરવું પડ્યું. દસવીસ રૂપિયાવાળા તો આઘાપાછા જ થઈ ગયા. ભેટ પેટે સારી એવી રકમ ભેગી થઈ ગઈ.

કાંતાબહેને આ વખતે મધુબહેનના કાનમાં હરખ રેડયો : ‘તમારી વહુએ તો જબરો ધડાકો કર્યો. ગઈ વખતે મહારાજને પગે નહોતાં લાગ્યાં એનું સાટું વાળી દીધું.’

‘કુંવરજી મહારાજના ચરણોમાં આટલા બધાં રૂપિયા ધરવાની શી જરૂર હતી?’ ઘરે આવ્યા પછી મધુબહેને તક્ષુને ઠપકો આપવાના હેતુથી કહ્યું.

‘મમ્મી, ઈશ્વરને ધર્યા છેને? પછી અફસોસ શાને? ખાલી હાથે આવ્યાં છીએ ને ખાલી હાથે જવાનાં છીએ. સાથે શું લઈને જવાનું છે? હું તો આજે ધન્ય ધન્ય થઈ ગઈ.’ તક્ષુએ ભોળો ભોળો જવાબ આપ્યો અને આગળ બોલી, ‘પણ મમ્મી, કુંવરજી મહારાજનું વ્યક્તિત્વ કેવું અદ્ભુત છે નહિ? કેટલી નાની ઉમરના છે નહિ? દેખાવે પણ કેવા રૂપાળા છે. ફિલ્મ લાઇનમાં ગયા હોત તો સલમાનખાનને પણ પાછળ પાડી દેત.’

‘તમે મહારાજની સરખામણી જેનીતેની સાથે નહિ કરો અને તમારું કામ કરો.’

ત્યારપછી એકેય દિવસ એવી નહિ ગયો હોય કે તક્ષુના મોઢેં કુંવરજી મહારાજની વાત ન આવી હોય. કુંવરજી મહારાજ ટીવીની કઈ ચેનલ પર ક્યારે પધારવાના છે એનું ધ્યાન એ રાખવા લાગી. કુંવરજી મહારાજના કાર્યક્રમની માહિતી મેળવવા માટે સવારમાં જ બધાં છાપાં ફેંદવા લાગી. ઓળખીતા ન હોય એવા લોકોને ત્યાં મહારાજની પધરામણી થવાની હોય તો ત્યાં પણ જવાની મીઠી હઠ કરવા લાગી.

કુંવરજી મહારાજના પ્રવચનના એક કાર્યક્રમમાં મધુબહેનની સાથે એ પણ ગઈ. કુંવરજી મહારાજે પોતાના પ્રવચનમાં યુવાન પેઢીને સત્સંગી બનવા આગ્રહ કર્યો. પ્રવચનના અંતે પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ પણ થયો. તક્ષુએ ઊભાં થઈ થઈને ઉપરાછાપરી પ્રશ્નો પૂછ્યા : ‘સત્સંગનું શું મહત્ત્વ છે? કંઠી બંધાવવાનું શું મહત્ત્વ છે? સંસ્કારો અને પરંપરા કઈ રીતે જાળવવા? ચરણવંદના શા માટે જરૂરી છે? કોઈ વ્યક્તિને ઈશ્વર માની શકાય?’

સત્સંગી પંથ તરફ યુવાન પેઢીને આકર્ષિત કરી શકાય એ માટે કુંવરજી મહારાજને પણ આવા પ્રશ્નોની અને મંતવ્યોની જ રાહ હતી. એમણે તક્ષુના તમામ પ્રશ્નોના ઉત્તર ખૂબ જ ઠાવકાઈથી આપ્યા. સત્સંગ, સંસ્કાર, પરંપરા, કંઠી, ચરણવંદનાનું મહત્ત્વ સમજાવ્યું. કઈ વ્યક્તિને ઈશ્વર માની શકાય એ વિષે પણ પોતાના વિચારો જણાવ્યા. યુવાન પેઢીને ઠપકો આપતાં એમણે કહ્યું કે, ‘તમે લોકો સભામાં પૂતળાંની જેમ બેસી રહો છો. આ બહેનને જૂઓ. એમને ધર્મ, સંસ્કાર, પરંપરા વિષે જાણવાની કેટલી બધી જિજ્ઞાસા છે? યુવાન પેઢીમાંથી આવાં વધુ ને વધુ લોકો સત્સંગી પંથમાં જોડાશે તો આપણા સમાજની કાયાપલટ થઈ જશે એવો મને વિશ્વાસ છે.’

એ દિવસે સભામાં તક્ષુ છવાઈ ગઈ. એક પ્રતિભાશાળી યુવતી તરીકે એનો ઓળખ બની ગઈ. કાંતાબહેન જેવાં કેટલાંયને તક્ષુએ વધારે પડતું ડહાપણ ડોળ્યું હોય એવું લાગ્યું. એમણે આ વખતે મધુબહેનના કાનમાં ચેતવણી રેડી : ‘તમારી તક્ષુવહુ બહુ આગળ વધી ગઈ હોય એવું લાગે છે.’

ત્યારપછીના ટૂંક સમયમાં જ તક્ષુને કુંવરજી મહારાજની આસપાસનો કિલ્લો તોડવામાં સફળતા મળી ગઈ. કુંવરજી મહારાજના માનીતા લોકોમાં એની ગણના થવા લાગી. કુંવરજી મહારાજ પણ વિચાર વિમર્શ માટે એને સામેથી આમંત્રણ આપવા લાગ્યાં. હવે કોઈને કુંવરજી મહારાજ સાથે સંપર્ક કરવો હોય તો એક મહત્ત્વના માધ્યમ તરીકે તક્ષુની ગણના થવા લાગી. તક્ષુનો મોબાઇલ નંબર સાર્વજનિક થઈ ગયો. કુંવરજી મહારાજના સંપર્ક માટે કેટલાક લોકો તો મધુબહેનના ઘરે પણ આવવા લાગ્યાં. મધુબહેનને તો સમજણ જ નહોતી પડતી કે. ‘શું કરવું? હરખાવું કે અકળાવું?’

એક દિવસ સપન હાથમાં એક કાગળ સાથે અકળાતો અકળાતો મધુબહેન પાસે આવીને બોલ્યો : ‘મમ્મી, તમે જ તક્ષુને કુંવરજી મહારાજના રવાડે ચડાવી છે. હવે એ કુંવરજી મહારાજ વિષે ભાતભાતનાં ગીતો લખે છે. એક નવા ગીતની શરૂઆત જુઓ.’

મધુબહેને કાગળ હાથમાં લીધો અને ગીતની પંક્તિ વાંચી: ‘દુનિયા જોઈ દુનિયાદારી જોઈ, મારા તો કુંવરજી પ્રભુ બીજું ન કોઈ...’

અકળાયેલાં મધુબહેને તક્ષુને બોલાવી અને કાગળ બતાવીને પૂછ્યું : ‘તમે આવાં ગીતો લખવાના રવાડે ચડ્યાં છો? મીરાંબાઈ બની જવું છે?’

‘મમ્મી, હું મીરાંબાઈ બનું એવાં મારાં નસીબ ક્યાંથી? પણ કુંવરજી મહારાજ તો ઈશ્વર છે. હું એમનાં ગુણગાન ગાઉં તો તમારે રાજી થવું જોઈએ. થોડાંક ગીતો લખાયાં છે. હજી થોડાં લખાશે એટલે આપણે એક ગીતસંગ્રહ બહાર પાડીશું. કુંવરજી મહારાજના હસ્તે એનું વિમોચન કરાવીશું. આનંદ આનંદ થઈ જશે.’

‘સારું, હવે કામે લાગો. આપણે એવા આનંદની જરૂર નથી. આવું બધું સારું ન લાગે. સમજ્યાં?’ મધુબહેને તક્ષુને રવાના કરી અને સપનને આશ્વાસન આપ્યું કે, ‘તું ચિંતા ન કર. હું કોઈ રસ્તો કાઢીશ.’

મધુબહેને ખૂબ વિચાર કર્યા અને છેવટે એક નિર્ણય પર આવ્યા.

એ નિર્ણયના અમલની શરૂઆત કરવી હોય એમ એમણે એક દિવસ સવારમાં જ તક્ષુને કહી દીધું : ‘જુઓ, આજે ધનસુખ માસાને ત્યાં કુંવરજી મહારાજ પધારવાના છે. હું અને તમારા પપ્પા જઈશું. તમે અને સપન ન આવો તો ચાલશે.’

‘પણ મમ્મી, મારેય મહારાજની ચરણવંદનાનો લાભ લેવો છે.’

‘હું કહું એમ કરો. ખોટી દલીલો ન કરો. તમે હજી નાનાં છો. તમારા સંસારમાં ધ્યાન આપો. અમારી ઉમર થઈ છે એટલે અમને ભક્તિ કરવા દો.’

તક્ષુ ચૂપ થઈ ગઈ. પરંતુ એને જે જોઈતું હતું એ મળ્યાનો ભાવ એના ચહેરા પર પ્રગટ થઈ ગયો.