ખરખરો Yashvant Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખરખરો

નવલિકા

ખરખરો

યશવંત ઠક્કર

જહાજ ડૂબવાનું થાય ત્યારે સૌથી પહેલાં ઊંદરડાં તેમાંથી કૂદી પડેને? એટલે જ, જ્યારે શેઠ ઓધવજી ડૂબવાના થયા ત્યારે, સૌથી પહેલાં એમને આશરે પડી રહેનારો એમનો જુવાન ભાણિયો 'ભાગો… ભાગો, મામાને ત્યાં તો ખાવાપીવાનાય ઠેકાણાં નથી રહ્યાં'ની બૂમો પાડતો હાથમાં જે આવ્યું એ લઈને પોતાના ગામ ભેગો થઈ ગયો. ઓધવજી શેઠે પોતાનો ધંધો બંધ કરતા પહેલાં છેલ્લી છેલ્લી ઉઘરાણી પતાવવાનું કામ એને સોંપ્યું હતું. એ ઉઘરાણીના દસ હજાર રૂપિયા જેટલી રકમ પણ એણે પોતાની પાસે જ રાખી લીધી. વિધવા બહેનના દીકરાઓની દયા ખાનાર શેઠ ખુદ દયાજનક સ્થિતિમાં મુકાઈ ગયા. પડતાંને પાટુ વાગી ગયું.

સમૃદ્ધિએ શેઠની જિંદગીમાં રહેલો પોતાનો રહ્યોસહ્યો પડાવ પણ ઉઠાવી લીધો. એ જ જગ્યાએ ગરીબીએ ધામો નાંખ્યો. ગરીબીને એકલવાયું ન લાગે એટલા માટે તેની પાછળ પાછળ દમની માંદગી પણ આવી. વૈદ્યો, ડૉક્ટરો, દવાની શીશીઓ, ખબર કાઢવાવાળાઓ, સલાહો, સૂચનાઓ, ટીકાઓ, દયા, સહાનુભૂતિ અને એ તમામથી ડહોળાયેલા વર્તમાને ઓધવજી શેઠના ભૂતકાળને હતો ન હતો કરી નાંખ્યો.

ઘરની હવામાં હવે આનંદ અને ઉલ્લાસને બદલે નિસાસા, ઉંહકારા અને વેદના ઠલવાવા માંડ્યાં. ઘરની દીવાલો પર બારે મહિના જે રંગો છવાયેલા રહેતા હતા એ રંગો ખરવા લાગ્યા અને દીવાલો પર ઓધવજી શેઠની અવદશાની ચાડી ખાતા ચિત્રવિચિત્ર આકારોની ભાત પડવા લાગી. ભવ્ય ભૂતકાળના અવશેષ સમી ચીજવસ્તુઓ વેચાવા માંડી. ચોપાટ રમવા માટે વારંવાર ભૂલા પડનારા મહેમાનો હવે ઓધવજી શેઠની ડેલી તારવતા થયા.

દુનિયાના સ્વાર્થી વ્યવહારો સ્વીકારી લેવાની સમજ ઓધવજી શેઠ અને ગોદાવરી શેઠાણીમાં હતી પરંતુ ચૌદ વર્ષના નાદાન પુત્ર મનુમાં નહોતી. શેઠશેઠાણીના ત્રણત્રણ સંતાનોએ તો જન્મતાંની સાથે જ લેણાદેવી પૂરી કરી હતી. ચોથું સંતાન મનુ બચી ગયો હતો. પરંતુ એ મોટો થાય ત્યાં સુધીમાં શેઠની જાહોજલાલી બચી નહોતી. રમવાની ઉમરે એણે એના બાપુજીની બીમારી, અવદશાનું આગમન અને સગાઓના મતલબી વ્યવહાર જોયાં. એને સગાંઓ તરફ નફરત થઈ ગઈ. એમાંય ગિરધરની વાત નીકળે ત્યારે તો એ અકળાયા વગર રહેતો નહિ.

મનુ અકળાતો ત્યારે એની અકાળે વૃદ્ધ થયેલી બા એને શાંત પાડવા એક જ વાત કહેતી, 'બધું સારું થઈ જશે. તું થોડો મોટો થઈ જા એટલી વાર છે.' તો જવાબમાં મનુ પણ એક જ વાત કહેતો, ‘બા, હું મોટો થઈ જઈશ ત્યારે ગિરધરને તો આપણી ડેલીમાં પગ પણ મૂકવા નહિ દઉં.'

ગિરધર સિવાયનાં સગાંસંબંધીઓ બીમાર ઓધવજી શેઠની છેલ્લી છેલ્લી ખબર કાઢવાનો વહેવાર સાચવવા માટે આવવા લાગ્યાં. ચા, નાસ્તો અને જમણનો ખર્ચો વધવા લાગ્યો. પડતીના દિવસોમાં આ ઘસારો મનુની બાને આકરો લાગવા માંડ્યો . ઓધવજી શેઠને તો હવે જીવવામાં રસ જ રહ્યો નહોતો. એ માનવા લાગ્યા હતા કે, ' હવે પોતે જેટલા વધારે જીવશે એટલો જ પોતાનો છોકરો વધારે ગરીબ થશે.'

આવું વાતાવરણ જોઈને અકળાતા મનુને એની બાએ સમજાવ્યો હતો કે, 'દીકરા, હમણાં એક વાતનું ધ્યાન રાખજે. તારા બાપુજીની ખબર કાઢવા બધાં આવશે અને જાતજાતની વાતો કરશે પણ તું શાંતિ રાખજે.’

‘બા, આ બધાં ખરેખર ખબર કાઢવા આવે છે કે રિવાજ પાળવા આવે છે? આપણે તો બધાંની સરભરામાંથી નવરાં જ નથી પડતાં. વળી, બધાં વાતો પણ એવી કરે છે કે આપણું દુઃખ ઘટવાના બદલે વધતું જ જાય છે.’

‘એવું જ હોય દીકરા. એનું જ નામ જિંદગી. પણ તું તારું મગજ કાબુમાં રાખજે. ગિરધરભાઈ આવે તોય વિવેક ન ચૂકતો.’

મનુની બાને તો મનમાં આશા હતી કે, ભલે ગિરધર પૈસા લઈને બારોબાર જતો રહ્યો હોય પણ એના મામાની બીમારીના સમાચાર સાંભળીને જરૂર ખબર કાઢવા આવશે. જો ભલું થવાનું હશે તો એના હૈયે રામ વસશે અને એ પૈસા લઈને જ આવશે. બાપ વગરના છોકારાને મેં આટલો સાચવ્યો છે તો એ સાવ નગુણો તો નહિ જ થાય.

પરંતુ, એવું ન થયું તે ન જ થયું. મામાની બીમારીના સમાચાર મળવા છતાં ગિરધર ખબર કાઢવા ન આવ્યો. ખાલી હાથે પણ ન આવ્યો.

છેવટે એક દિવસ ઓધવજી શેઠને આ ફાની દુનિયા છોડવામાં સફળતા મળી.

ઘરની હવામાં હવે રુદન ભળ્યું. મનુનાં ડૂસકાં ભળ્યાં. ઘરના જે ખૂણામાં ઓધવજી શેઠનો ખાટલો રહેતો હતો એ ખૂણો હવે ખાલી થઈ ગયો. મનુનું મન ઈશ્વરને ફરિયાદ કરવા લાગ્યું કે, 'ભગવાન, તેં મારા બાપુજીને બહુ વહેલા બોલાવી લીધા છે. હજી અમારે એમની જરૂર હતી.’

ઓધવજી શેઠના અવસાન પછી એમના ખરખરાનો દોર શરૂ થયો. મનુની બાની હાલત કફોડી થઈ ગઈ. એક તરફ રુદન અને શોકને લગતા સામાજિક નિયમો સાચવવાના તો બીજી તરફ આવનારાં સગાંવહાલાંને સાચવવાનાં ને ત્રીજી તરફ મનોમન કોચવાતા મનુને સાચવવાનો.

મનુની આંખોમાં એના બાપુજીની બળતી ચિતાનું દૃશ્ય મઢાઈ ગયું હતું. એ ચિતામાં ભવિષ્યનાં સપનાં, ઉમંગ, ઉત્સાહ એ બધું જ બળીને રાખ થઈ ગયું હતું. બાપુજી વગરની દુનિયા એણે નકામી લાગવા માંડી હતી. સ્મશાનનું વાતાવરણ એનાથી ભુલાતું નહોતું. કેટલાક લોકો તો સ્મશાનમાં પણ ગુચપુચ કરતા હતા. પોતાને જેટલો ફરક પડ્યો હતો એટલો બીજાને પડ્યો નહોતો.

ગણતરીબાજ સગાં મનુને માત્ર સલાહો અને ઠપકો આપવા લાગ્યાં હતાં. સહાનુભૂતિના નામે લૂખી દયા વ્યકત કરતા સગાંસંબંધીઓના શબ્દો એને વગર બોલાવ્યે આંગણે આવી ચડતા લપળા કૂતરા જેવા લાગવા માંડ્યા હતા.

મનુની બા હવે થાકી હતી. મનુ જ એના માટે જીવવાનું એક બહાનું હતું. ધંધો રહ્યો ન હતો. મનુ શહેરમાં જઈને આગળ ભણે એ જરૂરી હતું. પોતે તો ગામમાં સુખેદુઃખે પડી રહે પણ પૈસા વગર મનુને શહેરમાં મોકલવો કેમ? બસ, એના મનમાં એક જ આશા હતી કે ગિરધાર દસ હજાર રૂપિયા લઈને આવે અને એને રાહત આપે.

મનુને એની માએ સમજાવ્યો હતો કે, ‘દીકરા મનુ, હવે જ તારી કસોટી છે. જે થયું છે એને સહન કરવું જ પડશે. હવે તારે વહેવારિક થવું પડશે.જે થવાનું હતું એ થઈ ગયું છે. હવે તું હિંમત હારતો નહિ. જે કોઈ ખરખરે આવે એને છાના રાખજે. ભૂલેચૂકેય ગિરધરભાઈ આવે તો ખાસ ધ્યાન રાખજે. જરાય આકરો થાતો નહિ.'

અને એક દિવસ ગિરધર મામાના ખરખરે આવ્યો. ગામને પાદરથી જ એણે માથે ટુવાલ ઓઢીને રડવાનું શરૂ કર્યું.

મામાની ડેલીએ આવીને એણે ઠૂઠવો મૂક્યો. ‘એ મામા...ગજબ કર્યો રે..એ મામા... અમે ઉઘાડા થઈ ગયા રે...'

ઘરની ઓસરીમાં ખરખરે આવેલાં લોકો બેઠાં હતા. એમણે કુતૂહલ થયું કે, આટલું બધું કોણ રોવે છે!

'એ તો ગિરધરભાઈ છે.' કોઈ બોલ્યું.

'ગિરધરભાઈને તો રોવું આવે જ ને. ઓધવજીભાઈ તો એના બાપની જગ્યાએ હતા.'

'પણ એને કોઈ છાનો તો રાખો. મનુ...એ મનુ... ક્યાં ગયો મનુ?'

'એ મનુ, જા દીકરા જા. ગિરધરભાઈને છાના રાખ.'

મનુ ડેલી બહાર ઉભડક બેસીને ઠૂઠવા મૂકતા ગિરધરના માથા પર હાથ મૂકીને બોલ્યો, ' છાના રહી જાઓ. ભગવાનના ઘર આગળ આપણું કાંઈ ચાલતું નથી.'

પરંતુ ગિરધર તો વધારે ને વધારે મોટેથી રોવા માંડ્યો.

'એ મામા... તમે ગજબ કર્યો રે... એ... અમારું તો છતર લુંટાઈ ગયું રે...'

‘છતર કોનું લુંટાયું છે અને દેખાવ કોણ કરે છે!’ મનુને અચરજ થયું કે કોઈ માણસ આટલું બધું નાટક પણ કરી શકે.

મનુનું મન પહેલેથી જ તંગ તો હતું. ગિરધરનાં નાટકથી એ વધારે તંગ થવા લાગ્યું. એને વિચાર તો આવ્યો કે, 'ગિરધરના માથા પરથી ટુવાલ ખેંચી કાઢું ને કહી દઉં કે, ‘ગિરધરભાઈ, અત્યારે અમારે તમારા રુદન કરતાં પૈસાની વધારે જરૂર છે. માટે છાનામના મારા બાપુજીના પૈસા કાઢો.’ પરંતુ, બીજી જ ક્ષણે એને માની શિખામણ યાદ આવી ગઈ. એ લાચાર થઈને ગિરધરને જોઈ રહ્યો.

‘એ મામા...અમને આમ રેઢા મૂકીને વયા નો જવાય. એ મામા...’ ગિરધર તો અટકવાનું નામ જ નહોતો લેતો અને મનુના મનમાં ધૂંધવાટ વધતો જતો હતો.

‘છાના રહી જાવ ગિરધરભાઈ.’ મનુ બોલ્યો. એ બીજું બોલે પણ શું? એને બીજું બોલતાં આવડે પણ શું?

ત્યાં તો ગિરધર એક વધારે ઠૂઠવો મૂકીને બોલ્યો કે, 'એ મામા... હવે આ ડેલીએ આવકારો કોણ દેશે...? એ હવે તો અંધારું થઈ ગ્યુંરે...'

‘અંધારું કરનારો તું જ છો. તને આવકારો આપવો હોય તોય કેમ આપવો?’ મનુ મનમાં જ બોલ્યો.

‘એ મામા...હવે મને લાડથી કોણ બોલાવશેરે...એ મામા હવે તો આ ડેલી સૂની થઈ ગઈરે...’

અને મનુને શું સૂઝ્યું કે એણે, ડેલીના ખાનામાં કૂતરાને મારવાની લાકડી પડેલી એ લઈને એક નહિ, બે નહિ પણ પૂરા ત્રણ ત્રણ ઘા ગીરધરના બરડા પર ફટકારી દીધા.

ડેલી બહાર ઊભેલા ગામના માણસો ‘હાંવ... હાંવ’ કરતાં દોડ્યા. એમણે મનુને પકડીને એના હાથમાંથી લાકડી છોડાવી લીધી.

અણધાર્યા હુમલાથી આઘાત પામેલા ગિરધારે માથેથી ટુવાલ ઉતારી નાંખીને, આંસુ વગરની કોરી આંખો વડે જોયું તો કેટલાક લોકો મનુને ઓસરીમાં લઈ જતા હતા અને ગુસ્સાથી લાલાચોળ થયેલો મનુ વારંવાર પાછું વળીને મોટેથી બોલતો હતો, ‘હરામખોર, લૂંટારા, નાટકિયા તું મારા બાપુજીના દસ હજાર રૂપિયા લઈ ગયો છો એ પાછા આપને.’

તમાશો કહેવાય એવી હકીકત બની ગઈ. લોકો ભેગા થઈ ગયા. ગિરધર બધાંને પોતાનો બરડો ઉઘાડો કરીને બતાવીને કહેવા લાગ્યો, ‘જુઓ. મામાના ખરખરે આવવાનું આ પરિણામ! હું એટલે જ આવતો નહોતો. બાકી, મામા બીમાર હોય ને હું ન આવું?પણ મને ખબર જ હતી કે મારું આવવું આ મનુને નહિ ગમે. મેં મારા મામાની જિંદગીભાર સેવા કરી એનો બદલો આ મનુએ કેવો આપ્યો!’

ગિરધર ડેલીમાં પગ મૂકવાની ના પાડવા લાગ્યો. પાણી પીવાની પણ ના પાડવા લાગ્યો. ‘આ ડેલીમાં હવે પગ મૂકવા જેવું ક્યાં રહ્યું છે? આ ઘરની ખાનદાની મારા મામાની હારે જ ગઈ.’ એવી વાતો કરવા લાગ્યો. પરંતુ, ખરખરે આવેલાં સગાંઓએ અને ગામના લોકોએ એને સમજાવ્યો કે, ‘મનુ તો છોકરું કહેવાય. એનામાં તો અક્કલ નથી.પણ તું તો સમજ. તારી મામીના મોઢે ખરખરો કરી આવ.’ થોડી રકઝક પછી એ માન્યો અને ડેલીમાં આવ્યો. એને સમજાવનાર લોકોના મોઢા પર વ્યવહારિકતા દાખાવ્યાનો સંતોષ ફરી વળ્યો.

સંજોગો જોતાં ગિરધરના આ શબ્દો લોકોની સહાનુભૂતિ મેળવવા માટે પૂરતા હતા. હાજર હતા એ લોકો મનુને ‘ફટ ફટ’ કહીને ધૂત્કારવા માંડ્યા. એક ડોશીએ તો ‘બાપનું નામ બોળવા બેઠો છો?’ એમ કહીને મનુને બે તમાચા ખેંચી કાઢ્યા.

‘પણ મારા બાપુજીના દસ હજાર રૂપિયા...’મનુથી આગળ બોલાયું નહિ. એના મનમાં બાકી રહેલો રોષ એનાં આંસુ સાથે વહેવા લાગ્યો.

‘રૂપિયા રૂપિયા શું કરે છે? રૂપિયાની વાતો કરવાનું આ ટાણું છે? જરાક તો શરમ રાખ. તું કોનો દીકરો છો એનો તો વિચાર કર.’ બીજા એક વડીલે મનુને ઠપકો આપ્યો.

‘રૂપિયાની વાત કરવી હોય તો મારા મામા પાસે મારે લેવાના થાય છે. પણ આવી દુઃખની ઘડીએ હું એ વાત કરું તો ઠીક ન કહેવાય.’ ગિરધર ઠાવકો થઈને બોલ્યો.

મનુ, ગિરધરના હળાહળ જુઠાણાનો જવાબ આપવા જતો હતો પણ ત્યાં તો એની બા ઊભી થઈને દોડી. એણે મનુ પાસે જઈને એના મોં પર પોતાનો હાથ દાબી દીધો અને બોલી, ‘તું અત્યારે કાંઈ પણ બોલે તો તને મારા સમ છે. આ આપણો બોલવાનો વખત નથી. સાંભળવાનો વખત છે.’

મનુ માનો હાથ છોડાવીને બોલ્યો, ‘નહિ બોલું બા, હવે બોલવા જેવું શું રહ્યું છે? આ સગાં! આ સમાજ! બોલવાની તો ક્યાં વાત છે! આ બધાં પર થૂકીને થૂક પણ બગાડવા જેવું નથી.’

એ ઘરના જે ખૂણામાં એના બાપુજીની પથારી રહેતી હતી ત્યાં જઈને બેસી ગયો અને ધ્રૂસકે ધ્રૂસકે રોઈ પડ્યો.

ખરખરે આવેલાં બધાં એકબીજાના ચહેરા જોવા લાગ્યાં. વ્યવહારના નામે મનુ અને એની બા પર સતત દબાણનું સર્જન કરનારાંઓએ તો ધાર્યું જ નહોતું કે પરિસ્થિતિ આવો વળાંક લેશે. એ બધાં એકબીજાના ચહેરા જોવા લાગ્યાં. દરેકની આંખોમાં પ્રશ્ન હતા કે, ‘હવે શું કરવું? ઊભા થઈને રજા લેવી કે પછી બેસી રહેવું?’

‘મામી, ચિંતા ન કરતાં. બધાં સારાં વાનાં થઈ જશે.’ જમાનાનો ખાધેલ ગિરધર વાતાવરણ સામાન્ય બનવવાના હેતુથી બોલ્યો.

‘ભાણિયાભાઈ, તમે તો ન બોલો એમાં જ ભલાઈ છે. મનુએ જે વર્તન કર્યું એ બદલ હું માફી માંગુ છું. પણ તમેય તમારા અંતરાત્માને પૂછજો કે સાચું શું છે અને ખોટું શું છે. હવે જે બોલો એ તમારા અંતરાત્માને પૂછીને બોલજો. જો અંતરાત્મા હોય તો.’ મનુની બા હાથ જોડીને બોલી

મનુની બાની આંખોમાં આંસુ અને છાતીમાં ડૂમો હતાં. ઘરમાં મનુ હજી ડૂસકાં ભરતો હતો. ગિરધર નીચું જોઈને બેસી રહ્યો. બીજાં બધાં શું કરવું એની મૂંઝવણમાં હતાં.

બધાંની મૂંઝવણનો અંત લાવવા માંગતી હોય એમ મનુની બાએ છાતીના ડૂમાને ઢબૂરી દીધો. એ ઊભી થઈ. એણે ખરખરે આવેલાં બધાંને હાથ જોડ્યાં અને બોલી, ‘અમારી ભૂલો માફ કરજો અને હવે તમે બધાં રજા લો. આ ખરખરો પૂરો કરો. ગિરધરભાઈની પીઠ પરના ઘા તમને દેખાય છે પણ અમારાં કાળજે વાઘેલા ઘા તમને દેખાતા નથી. દેખાશે પણ નહિ. હવે પછી ખરખરાના ઇરાદે કોઈ ન આવતાં. મારા મનુને ખભે હાથ મૂકવો હોય, એને હૂંફ અને હિંમત આપવાની ખરેખર દાનત હોય એ જ આવજો. અમે પડ્યાં છીએ. અમને ઊભાં કરે એવાં સગાંની અમને જરૂર છે. પડ્યાં પર પાટાં મારે એવાંની નહિ. અમારાં કાળજાંમા આગ છે. આગ ઠારવી હોય તો આવજો. આગ ભડકાવવી હોય તો ન આવતાં. જય શ્રીકૃષ્ણ.’

એક પછી એક બધાં ઊભાં થઈને જવા લાગ્યાં. થોડી વારમાં જ ઓસરી ખાલી થઈ ગઈ.

મનુની બાને પણ લાગ્યું કે કાળજામાંથી કશું ખાલી થયું છે. એટલામાં તો ઘરમાંથી મનુ બહાર આવ્યો. એની આંખો લાલ હતી પરંતુ ચહેરા પર મક્કમતા હતી. એ સીધો પાણિયારે ગયો. એણે માટલામાંથી પાણીનો લોટો ભર્યો. પોતાનાં આંસુ છેલ્લી વખત ધોતો હોય એમ બહાર દઈને પોતાનો ચહેરો ધોયો. એણે પાણીનો લોટો ફરીથી ભર્યો અને એની બાને આપ્યો અને બોલ્યો, ‘બા, બહુ થયું. હવે તમે પણ આંસુ ધોઈ નાખો.’

[સમાપ્ત]