Mahasangraam books and stories free download online pdf in Gujarati

મહાસંગ્રામ

નવલિકા

‘મહાસંગ્રામ’

લેખક : યશવંત ઠક્કર

પત્ર લખ્યા પછી સરિતા એ પત્ર ત્રણ વખત વાંચી ગઈ. ત્રણે વખત, ‘શોભાને થોડા દિવસો માટે અહીં મોકલશો’ એ લીટી વાંચતી વખતે એને લાગ્યું કે પોતે કશું ખોટું કરી રહી છે.

‘આટલા મોટા અનર્થની હું ભાગીદાર થઈ શકું ખરી?’ એનાં મનમાં પ્રગટેલા સવાલે એના સમગ્ર અસ્તિત્વને ઢંઢોળી નાંખ્યું. એ સવાલની પાછળ પાછળ બીજા સવાલો પણ પ્રગટ થયા...

‘શું હું ખરેખર શક્તિહીન છું?લાચારીનું પોટલું છું?’’

‘એક કઠપૂતળી છું કે જેમ સંજય નચાવે એમ નાચ્યા કરું?’

‘મારો સંસાર જોખમમાં ન મુકાય એ માટે બાંધછોડ કરવાની પણ કોઈ હદ ખરી કે નહિ?કે પછી હાર્યો જુગારી બમણું રમે એમ એક પછી એક બધું દાવમાં મૂકતી જ જઉં?’

‘મેં તો મારું સ્વમાન લગ્નના દિવસથી જ સંજયને ભેટ ધરી દીધું છે પણ શોભાનાં સ્વમાન અને ઇજ્જત સંજયને ભેટ ધરી દેવાનો મને અધિકાર ખરો?’

‘મોટીબહેને જ પાપના ભાગીદાર થવાનું સ્વીકાર્યું હતું એ વાતની શોભાને જયારે ખબર પડશે ત્યારે?’

સરિતાને લાગ્યું કે : ‘આવા અંતહીન સવાલોથી મારું માથું ફાટી જશે. હવે વિચારવાનું બંધ કરવું જોઈએ. કશું નક્કર કરવું જોઈએ નક્કર!’

‘વિદ્રોહ! વિદ્રોહ! વિદ્રોહ!’ એનાં મનમાં વિચાર નહિ, જાણે મશાલ પ્રગટી. એના બંને હાથની મુઠ્ઠીઓ વળી ગઈ.

એને થયું કે : ‘આ જ ક્ષણે હું મારા હાથ ઊંચા કરીને ‘ઇન્કિલાબ ઝિંદાબાદ’ની ગર્જનાથી આ ઘરની દીવાલોને ધ્રુજાવી નાખું. આ જ દીવાલોએ મને દસ દસ વર્ષોથી ઝૂકતી, તૂટતી અને વેરવિખેર થતી જોઈ છે. આ દીવાલો જ મારા આંસુઓની સાક્ષી છે. દીવાલોની બહારની દુનિયાને તો ખબર જ નથી કે નસીબદાર ગણાતી સરિતા કેટલી બદનસીબ છે.’

દીવાલ પર લટકતી ઘડિયાળ પર નજર પડતાં જ એના હાથની મુઠ્ઠીઓ ઢીલી પડી ગઈ. એની આંખોમાં વિદ્રોહની જ્વાળાના બદલે ડર, લાચારી અને લાગણીનો ત્રિવેણી પ્રવાહ વહેવા લાગ્યો. સંજયનો આવવાનો સમય થઈ ગયો હતો. થોડીક જ ક્ષણો પછી સંજય શંકાશીલ આંખો સાથે, ક્રોધિત ચહેરો લઈને, કઠોર અવાજમાં ધગધગતા કોલસા જેવા શબ્દોનો મારો ચલાવતો ઊભો હશે ત્યારે એનો વિરોધ કરવાનું કામ હવે એને અશક્ય લાગવા માંડ્યું.

એનું મનમાં નબળા વિચારો ઉમટી પડ્યા. ‘હું સંજયનો વિરોધ કરીશ તો પણ એ વિરોધની આવરદા લાંબી નહિ હોય. તરુણ અને નેહા સ્કૂલેથી આવીને ‘મમ્મીપપ્પા... મમ્મીપપ્પા’ કરી મૂકશે ત્યારે એ વિરોધ માટીપગો પૂરવાર થઈ જશે. એવું તો અનેક વખત બની ચૂક્યું છે. છેવટે તો મેં મારો સંસાર સચવાઈ રહે એવી સમજદારીથી જ કામ લીધું છે. આજે પણ એ જ સમજદારીથી કામ લેવું હોય તો વિરોધ શું ને વિદ્રોહ શું?’

જેમ જેમ એ વિચારતી ગઈ એમ એમ એણે લાગ્યું કે એણે શરૂઆતથી જ ભૂલ કરી છે. ભૂલની શરૂઆતનો એ દિવસ એને સાંભરી આવ્યો.

એ દિવસે બપોરે પોતે કૉલેજથી ઘરે આવી ત્યારે, વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ આવવા બદલ એણે મેળવેલો શિલ્ડ એનાં હાથમાં હતો. ‘આપણા દેશને સ્વતંત્રતા સસ્તામાં મળી છે?’ એ વિષય પર એણે રજૂ કરેલા વિચારો એનાં મનમાં ઝગમગ ઝગમગ થતા હતા. શ્રોતાઓએ પાડેલી તાળીઓનો ગડગડાટ હજુ એના કાનમાં અકબંધ હતો. એનું મન એવા ખ્યાલોમાં નાચતું હતું કે : ‘ઘરનાં બધાં જ મારી સફળતાથી ખુશ થઈ જશે. આખો દિવસ ઘરમાં મારી જ વાતો થશે. પચીસ પચીસ વક્તાઓ વચ્ચેની સ્પર્ધામાં પ્રથમ ક્રમમાં આવવું એ કાંઈ જેવીતેવી વાત નથી. આ માત્ર છેલ્લા પંદર દિવસોની તૈયારીનું પરિણામ નથી. આ તો મારા આજુ સુધીનાં વાંચનનો અને વિચારોનો નિચોડ છે.’

પરંતુ એણે ઘરે આવીને જાણ્યું કે આજે કોઈ છોકરો એને જોવા માટે સપરિવાર આવવાનો છે. ‘છોકરો સારો છે. ભણેલો છે. પોતાનો ધંધો કરે છે. ઠીક ઠીક કમાય છે. કુટુંબ ખાનદાન છે. બીજું શું જોઈએ?’ આવી વાતો આગળ પોતે વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ આવી એ ઘટનાનું કોઈ મહત્ત્વ જ નહોતું રહ્યું. ઘરમાં, એની એ સફળતા કરતાં છોકરો એને જોવા આવવાનો છે એ ઘટનાનો હરખ વધારે હતો.

એને તો કહેવાનું મન થયું હતું કે : ‘હું આજે સ્પર્ધા જીતીને આવી છું એ વાત તમારા માટે કશા મહત્ત્વની નથી પણ હું બોલતી હતી ત્યારે વારંવાર તાળીઓનો કેટલો ગડગડાટ થતો હતો એની તમને ખબર છે? તમારે જાણવું જોઈએ કે આજે કેટકેટલાં લોકોએ મને શાબાશી આપી છે! હું મારી કોલેજનું જ નહિ, આપણા પરિવારનું પણ નામ રોશન કરીને આવી છું. તમને મારી સફળતાની કશી જ પડી નથી?’

એને તો એ વાત પણ કહી દેવાનું મન થયું હતું કે : ‘મને શિલ્ડ મળ્યો ત્યારે દૂર ઊભી ઊભું કોઈ એટલું તો ખુશ થઈ રહ્યું હતું કે જાને શિલ્ડ મને નહિ પણ એને મળ્યો હોય.’

પરંતુ, એ એવું કશું જ બોલી શકી નહોતી. એની મમ્મીએ એને વહાલથી કહ્યું હતું કે : ‘બહુ થઈ ગયું દીકરી, હવે આપણે બહુ આગળ વધવું નથી. જલ્દી જલ્દી તારાં લગ્ન થઈ જાય તો અમારા પરથી ભાર ઊતરે. શોભાને તો હજી વાર છે પણ તારી ચિંતામાં ને ચિંતામાં તો તારા પપ્પાની ઊંઘ હરામ થઈ ગઈ છે.’

મમ્મીપપ્પા તરફની લાગણીના જોરે એ સંજયને ઇન્ટરવ્યૂ આપવા તૈયાર થઈ ગઈ હતી. સંજય બનીઠનીને આવ્યો હતો. ઇન્ટરવ્યૂમા સંજયે ચવાઈ ગયેલા પ્રશ્નો પૂછ્યા હતા અને એણે ફટાફટ જવાબો આપ્યા હતા. એણે સંજયને એક પણ પ્રશ્ન પૂછ્યો નહોતો. પૂછવાનું મન પણ થયું નહોતું.

સંજય એને પસંદ પડ્યો નહોતો. એ જાણીને એનાં મમ્મીપપ્પાને આઘાત લાગ્યો હતો. એમનુ માનવું હતું કે - ‘આવું ઠેકાણું હાથમાંથી જવા દેવા જેવું નથી.’

એની મમ્મીએ એની પીઠ પર હાથ ફેરવતાં પૂછ્યું હતું કે : ‘દીકરી, છોકરો તો સારો છે. તને કેમ ન ગમ્યો?’

એણે જવાબ આપ્યો હતો : ‘મમ્મી, મને એની આંખો ન ગમી.’

‘કેમ? છોકરાની આંખોમાં નંબર હોય એવું લાગે છે?’ એની મમ્મીએ પૂછ્યું હતું.

એણે રડમસ થઈને કહ્યું હતું : ‘મમ્મી, હું એ રીતે નથી કહેતી. પણ મને એની આંખોમાં જરા પણ આદર ન દેખાયો. એ જાણે ટીવી કે ફ્રીઝ ખરીદવા આવ્યો હોય એ રીતે મને જોતો હતો. મને એની નજર ખરાબ લાગી છે.’

‘ગાંડી, બહુ બધું વાંચી વાંચીને અને નાટકો કરી કરીને તું બહુ વેદિયાવેડા કરતી થઈ ગઈ છો. દીકરી, જિંદગીમાં આ રીતે ન વિચારાય. પુરુષની નજર તો એવી જ રહેવાની. અમે બધી તપાસ કરાવી લીધી છે. બધેથી એવા જ રિપોર્ટ મળ્યા છે કે છોકરો સારો છે અને એનું ખાનદાન પણ સારું છે. તું સમજદારીથી કામ લઈશ તો સુખી થઈશ. હું તારા ભલા માટે જ આ કહું છું.’ એની મમ્મીએ એને દુનિયાદારીની સમજ પાડી હતી. કેટકેટલા દાખલાઓ આપીને, દલીલો કરી કરીને એને સમજાવી હતી.

છેવટે એ માની ગઈ હતી અને ઘરમાં આનંદ આનંદ થઈ ગયો હતો.

એણે વિરોધ ત્યારે જ કરવો જોઈતો હતો પણ કરી શકી નહોતી. મમ્મીપપ્પાની ચિંતા દૂર કરવા માટે એણે મનમાં ‘ના’ હોવા છતાં ‘હા’ પડી દીધી હતી. લગ્ન પછી તો જેમ સંજય જીવાડે એમ જીવી રહી હતી. એણે પોતાની જાતને અપમાન અને ત્રાસ સહન કરવાની આદત પડી દીધી હતી. પરંતુ, જ્યારે એ એનાં મમ્મીપપ્પાને મળતી હતી ત્યારે સુખી હોવાનો દેખાવ કરી લેતી હતી.

લગ્ન પછી મહિનાઓ સુધી સરિતાની સાસુએ એને મહેણાં માર્યા હતાં કે : ‘તારા પપ્પાએ જાનને બરાબર સાચવી નહિ. રસોઈ બરાબર નહોતી. આઇસક્રીમમ ખૂટ્યો હતો. ગોર નમાલો હતો.’ જાતજાતના બહાનાં કાઢીને એ સરિતાને દુઃખી કરતી રહી અને સંજય હેંહેંહેં કરીને એની મમ્મીને સાથ આપતો રહ્યો. એ એની મમ્મીને એટલું પણ નહોતો કહી શકતો કે ‘મમ્મી, જાનમાં સો માણસો લઈને જવાનું નક્કી થયું હોવા છતાં આપણે પૂરા બસો માણસો જાનમાં લઈ ગયાં એ આપણી ભૂલ કહેવાય.’

વળી, એ જાનૈયાએ પણ કેવું વર્તન કર્યું હતું! એમણે ઉપરાઉપરી હુકમો છોડ્યા હતા. વ્યવસ્થાની મજાક ઉડાવી હતી. એ જાન નહોતી. જાણે ડાકુઓની ફોજ હતી. સરિતાને એ દિવસનો એના પપ્પાનો લાચાર ચહેરો આજસુધી યાદ રહ્યો હતો.

સરિતાએ નાટકોમાં આભિનય કર્યો હતો અને હવે જિંદગીમાં સુખી હોવાનો અભિનય કરી રહી હતી. પરંતુ સંજય પણ ઓછો ખેલાડી નહોતો. બીજાંની હાજરીમાં એ સરિતાને ‘હોમ મિનિસ્ટર’ કે ‘બોસ’ જેવાં હુલામણાં નામથી બોલાવતો. જોનારને તો એમ જ લાગે કે આ કેવો પ્રેમાળ પતિ છે! પરંતુ એકલાં પડતાં જ એ પોતાની સભ્યતા બુરખો ઉતારી નાંખતો. સરિતાની સાચીખોટી ભૂલો કાઢીને એને ધમકાવતો. સરિતાએ કઈ રીતે વિચારવાનું, કઈ રીતે રહેવાનું અને કઈ રીતે બોલવાનું એ માટે સંજયે જાણે બંધારણ ઘડી કાઢ્યું હતું. સરિતાને કોઈની પણ સાથે હસીને વાત કરવાની મનાઈ હતી. એ કોઈની પણ પ્રશંસા કરે તો સંજયને કજિયો કરવાનું કારણ મળી જતું. સંજયને પૂછ્યા વગર એ પણ બહાર જઈ શકતી નહોતી.

સરિતા એના પિયરમાં જતી ત્યારે પણ એણે આ બધા નિયમો પાળવા પડતા હતા. જાણે દરોડો પાડવા આવ્યો હોય એમ સંજય ગમે ત્યારે ઓચિંતો આવી ચડતો અને પછી કોઈને કોઈ બહાને સરિતાને ઉદાસ કરી નાંખતો. સરિતાના મમ્મીપપ્પા જમાઈરાજાને સાચવવા માટે ગજા બહારનો ખર્ચો કરી નાંખતાં. છતાંય સંજયની કપાળની રેખાઓ સદાય તંગ રહેતી.

પોતાના આવા વર્તનના બચાવમાં સંજય સરિતાને કહેતો કે : ‘ હું તને અતિશય ચાહું છું. તારી લાગણી માત્ર મારા તરફ જ હોવી જોઈએ. એમાં કોઈ ભાગ પડાવે એ મારાથી સહન થતું નથી.’ સરિતા પણ મન મનાવતી કે : ‘ભલે શંકાશીલ રહ્યો પણ મને પ્રેમ તો કરે છે. એની લાગણીને સાચવી લઈશ તો વહેલાંમોડું બધું સારું થઈ જશે. ત્યારે મમ્મીપપ્પા પણ રાજી થઈને કહેશે કે – દીકરી, તેં અમારા સંસ્કાર દીપાવ્યા.’

પરંતુ માબાપના સંસ્કાર દીપાવવાના પ્રયાસોમાં સરિતાના ચહેરા પરથી તેજ ઊડી ગયું હતું. શરીર પણ ફિક્કું પડી ગયું હતું. સાસુએ સેવા કરાવી કરાવીને એને થકવી નાંખી હતી. સસરા તરફથી ત્રાસ નહોતો પણ એ સરિતા તરફ થતા ત્રાસને અટકાવવા માટે લાચાર હતા. એના સસરા ટૂંકી અને એની સાસુ લાંબી બીમારી ભોગવીને અવસાન પામ્યાં હતા. પછી તો પરિસ્થિતિ સુધારવાના બદલે વધારે બગડી હતી. હવે સંજયને રોકનાર કે ટોકનાર કોઈ નહોતું.

સંજયે સરિતાને તન અને મનથી તો લૂંટી હતી. હવે એ મજાકના બહાને બીજી સ્ત્રીઓ પર દાનત બગાડતો હતો. પરંતુ હદ તો ત્યારે થઈ ગઈ કે જ્યારે એણે સરિતા સમક્ષ વાતોવાતોમાં શોભા માટેની પોતાની વાસના પ્રગટ કરી. ત્યારે સરિતા સખ્ત નારાજ થઈ ગઈ હતી અને બોલી હતી કે : ‘તમને આ શોભતું નથી.’

‘એમાં શું થઈ ગયું? સાળી તો અર્ધી ઘરવાળી કહેવાય.’ સંજયે નફફટ થઈને કહ્યું હતું. ‘ હું તો ખાલી મજાક કરું છું.’ એમ કહીને સંજયે વાત વાળી લીધી હતી. પરંતુ સરિતાનું મન છોલાઈ ગયું હતું. ‘સાળી અને બનેવી વચ્ચે હસી મજાકના સંબંધો હોવા છતાં બનેવીએ તો છેવટે સાળીના બાપ કે મોટાભાઈ તરીકે રહેવું જોઈએ.’ એવી સમજ સંજયમાં નહોતી.

સરિતાને ડર હતો જ કે સંજય કોઈ વાત ભૂલે એવો નથી. એ ડર સંજયની રગેરગના પરિચયમાંથી જન્મ્યો હતો. એનો એ ડર સાચો પણ હતો. સંજય એ વાત ભૂલ્યો નહોતો. એ વારંવાર સરિતાને કહેતો હતો કે : ‘શોભાને થોડા દિવસો માટે રહેવા બોલાવ. એને પણ બહેનનું ઘર જોવાનો હક છે.’ સરિતા વાત ટાળતી રહેતી હતી. પણ સંજયે છેલ્લું શાસ્ત્ર છોડતો હોય એમ કહ્યું હતું : ‘તને મારા પર વિશ્વાસ નથી એટલે જ તું શોભાને તેડાવતી નથી.’ એ વાત પર ઘરમાં અવારનવાર ઝધડા થતા રહ્યા. નાનકડાં તરુણ અને નેહા પણ દુઃખી થતાં રહ્યાં અને સરિતા તરફ કરુણાભરી નજરે જોતાં રહ્યાં.

છેવટે આજે સરિતાએ નમતું મૂક્યું હતું. એણે પિયરમાં કાગળ લખ્યો હતો. એટલું જ નહિ પણ શોભાને પણ તેડાવી હતી. સંજયની જીત થઈ હતી. એ સરિતા પાસે ધાર્યું કરાવવાની રીત જાણતો હતો.

આવનારી આપત્તિનો બોજ સરિતાના મન પર અત્યારથી જ આવી પડ્યો હોય એમ એ પરાણે પરાણે ઊભી થઈ. ખોટો નિર્ણય એના પગમાં બેડી બનીને વળગ્યો હોય એમ એ માંડ માંડ કબાટ સુધી પહોંચી. એણે ઘડી વાળીને કાગળ કબાટમાં મૂક્યો.

પરંતુ કબાટ બંધ કરીને એ ઊભી રહી ગઈ. એને લાગ્યું કે પોતે કબાટમાં એવું કશું જોયું છે કે- જેના લીધે એના મગજની નસો ઝણઝણવા લાગી છે. એનાં લોહીમાં ગરમી વ્યાપવા લાગી છે. એની આંખો પણ પહોળી થઈ ગઈ છે. - ઘણા વર્ષો પછી એણે આવું અનુભવ્યું.

એણે કબાટ ફરીથી ઉઘાડ્યો. કબાટના ખાનામાં નેહાની એક નોટબુક પડી હતી. એ નોટબુકના પૂંઠા પર રાણી લક્ષ્મીબાઈનું ચિત્ર હતું. ચિત્રની નીચે લખ્યું હતું : ‘મેરી ઝાંસી નહીં દૂંગી’.

સરિતાએ નોટબુક હાથમાં લીધી. હાથમાં ખુલ્લી તલવાર સાથે ઘોડા પર બેઠેલી લક્ષ્મીબાઈને એ જોઈ જ રહી. અચાનક જ એની ડોક ટટ્ટાર થઈ ગઈ. એનું મસ્તક ઊંચું થઈ ગયું. હાથની પકડ મજબૂત થઈ ગઈ. દૃઢ વિશ્વાસ સાથે એનાથી ગર્જના થઈ ગઈ : ‘મેરી ઝાંસી નહીં દૂંગી’.

શાળાના છેલ્લા વર્ષમાં ભજવેલા નાટક ‘રાણી લક્ષ્મીબાઈ’ની જોશભરી એકેએક ક્ષણ એની મનોભૂમિ પર જીવંત થઈ ગઈ. રાણી લક્ષ્મીબાઈનું પાત્ર ભજવતી વખતે જે જોશ એણે અનુભવ્યું હતું એવું જ જોશ એ આજે પણ અનુભવવા લાગી.

શ્રેષ્ઠ અભિનય માટે ઇનામ આપતી વખતે પ્રસિદ્ધ લેખિકા વિનોદિની બહેને એને કહ્યું હતું કે : ‘જીવનમાં પણ આવી જ બહાદુર રહેજે.’ એણે એ દિવસે ‘હા’ પાડી હતી અને મનમાં ગાંઠ પણ વાળી હતી કે : ‘હું અન્યાય સામે કદી નહિ ઝૂકું.’ એનું એ જોશ કૉલેજના દિવસોમાં પણ ટક્યું હતું. લબડું છોકરાઓ અને પૂર્વગ્રહોથી ભરેલા પ્રોફેસરો સામે એણે અવારનાવર રણછંડીનું રૂપ ધારણ કર્યું હતું.

પરંતુ આજે તો એ પોતે જ કોઈના અન્યાય સામે જાણ્યે અજાણ્યે ઝૂકી ગઈ હતી. ‘આજે મારી આ દશા?’ એનું મન પોકારી ઊઠયું. ‘ક્યાં ખોવાઈ ગઈ એ ધસમસતી સરિતા? હું એક ખાબોચિયું બનીને રહી ગઈ? ના... ના હું એટલી કાયર નથી.’

એણે નોટબુક કબાટમાં મૂકી દીધી અને પોતે લખેલો કાગળ હાથમાં લીધો.

પણ, કાગળના ટૂકડા કરતાં પહેલાં એના હાથ અટકી ગયા. ‘હું ખોટાં આવેશમાં આવી ગઈ છું. રાણી લક્ષ્મીબાઈને તો દુશ્મનો સામે લડવાનું હતું જ્યારે મારે તો મારાં જ સ્વજનો સામે લડવાનું છે. વાસ્તવિકતા બહુ આકરી છે. આમાં ઐતિહાસિક પાત્રનો જુસ્સો કામ નહિ લાગે.’

એ કાગળ ફરીથી કબાટમાં મૂકવા ગઈ અને ફરીથી એની નજર રાણી લક્ષ્મીબાઈના ચિત્ર પર પડી. એને લાગ્યું કે કોઈ એને ઢંઢોળી રહ્યું છે. એને હાકલ કરીને કહી રહ્યું છે કે : ‘જાગ...જાગ. બહુ નિદ્રા કરી. અન્યાય સામે તારું માથું ઊંચું કર. અન્યાય સામે માથું ઊંચકવું એ તારો અધિકાર પણ છે અને એ તારી ફરજ પણ છે. દરેક સમયે દરેકને વાસ્તવિકતા નડતી જ હોય છે. એમ વાસ્તવિકતાથી ડરી ગયાં હોત તો રાણી લક્ષ્મીબાઈએ અંગ્રેજો સામે તલવાર ન ઉઠાવી હોત. ભગતસિંહે બોમ્બ ન ફોડ્યો હોત. ગાંધીજીએ ગોળીઓ ન ખાધી હોત. એ બધાં સમાધાન કરી શક્યા હોત. તેઓ ખતરાથી પોતાની જાતને બચાવી શક્યાં હોત. જે રીતે હજારો અને લાખો સામાન્ય માનવીઓ પોતાની જાતને બચાવી લે છે. આ રીતે જીવવાની એમને ટેવ પડી ગઈ હોય છે. અન્યાય એ આખરે અન્યાય છે. ચાહે દુશ્મનો તરફથી હોય કે ચાહે સ્વજનો તરફથી હોય. તારે લડવાનું છે સ્વજનો અને એમની નબળાઈઓ સામે. આગળ વધ. હવે પીછેહઠ કરવાનો પ્રશ્ન જ નથી.’

અને એના હાથે કાગળના બે ટૂકડા થઈ ગયા. પછી તો જાણે એ સર્વ બંધનોને તોડતી હોય એમ એણે કાગળના નાના નાના ટૂકડા કરી નાંખ્યા. એ ટૂકડા કચરા ટોપલીમાં નાંખવા જતી હતી ત્યાં તો એણે ઝાંપો ખખડવાનો અવાજ સાંભળ્યો. એણે બારીમાંથી જોયું તો સંજય ફળિયામાં દાખલ થઈ રહ્યો હતો. એણે પોતાના હાથમાં રહેલા કાગળના ટૂકડા બારીમાંથી બહાર ફેંક્યા.

જેમાંના કેટલાક ટૂકડા, સંજયને આવનારી પરિસ્થિતિથી વાકેફ કરવા માંગતા હોય એમ એના તરફ ઊડતાં ઊડતાં જવા લાગ્યા.

[સમાપ્ત]

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED