પ્રસાદ સાહેબનો ચહેરો Yashvant Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રસાદ સાહેબનો ચહેરો

નવલિકા

પ્રસાદ સાહેબનો ચહેરો

લેખક- યશવંત ઠક્કર

રણજીતે ઊભા થઈને અરીસામાં અજોયું. અરીસામાં માણસ જેવો માણસ હતો. ગિરનાર જેવો ચહેરો હતો. ચહેરા પર મૂછો હતી. એવી જ મૂછો જેવી મૂછો કલેન્ડરમા શિવાજીને હતી. છતાંય એને પોતાની જાત પર શરમ આવી ગઈ. એણે પોતાની આંખો બંધ કરી તો પ્રસાદ સાહેબનો ચહેરો નજરે પડ્યો. એ ચહેરા પર પણ મૂછો હતી. પરંતુ એ મૂછો હિટલરી હતી. હિટલરી મૂછો ધરાવતો ચહેરો શિવાજી જેવી મૂછો ધરાવતા રણજીતની પાછળ પડી ગયો હતો. બરાબરનો પાછળ પડી ગયો હતો.

રણજીત આરોગ્ય ખાતાની ઓફિસમાં નોકરી કરતો હતો અને પ્રસાદ સાહેબ એ ઓફિસનો બોસ હતા. પ્રસાદ સાહેબનો મુખ્ય ખોરાક રૂપિયા હતો. એ ખાણીપીણીના વેપારીઓને એવા તો મજબૂર કરતાં કે વેપારીઓ પાસે પ્રસાદ સાહેબને રૂપિયા ધરવા સિવાય કોઈ રસ્તો જ નહોતો રહેતો. તેઓ મને કમને પણ પ્રસાદ સાહેબને રૂપિયા ધરતા. જો વેપારીઓ રૂપિયા ન ધરે તો એમના પર તેઓ ગ્રાહકોના આરોગ્ય સાથે રમત રમતા હોવાના કેસ થાય. આગળ જતા દંડ પણ ભરવો પડે. ધંધાનું લાયસન્સ પણ રદ થઈ જાય. એવા લફરામાં પડવા કરતાં પ્રસાદ સાહેબને રૂપિયા ધરી દેવામાં વેપારીઓને ફાયદો જણાતો. વેપારીઓ તો ઘરાકો પાસેથી રૂપિયા કમાઈ લેતા. પણ રણજીત ક્યાં કમાવા જાય?

પ્રસાદ સાહેબની રૂપિયાની ભૂખ વધતી જ ગઈ હતી. એમને વેપારીઓ તરફથી ધરાતા રૂપિયા ઓછા પડતા હતા. એટલે એમણે ઓફીસના કર્મચારીઓને આદેશ આપ્યો હતો કે : ‘તમે પણ ગમે તેમ કરીને વેપારીઓ પાસેથી રૂપિયા મેળવો અને પછી એમાંથી અર્ધા તમે ખાવ અને અને અર્ધા મને ધરો.’ જે કર્મચારીઓએ પ્રસાદ સાહેબના આદેશને માન આપ્યું તેઓ પર પ્રસાદ સાહેબની કૃપા થવા લાગી અને જેમણે માન ન આપ્યું એમના પર પ્રસાદ સાહેબ કોપાયમાન થવા લાગ્યાં. ધીરે ધીરે બધાં કર્મચારીઓએ પ્રસાદ સાહેબની વાત માની લીધી. સિવાય કે રણજીત.

રણજીતને પ્રસાદ સાહેબની વાત ગળે ઉતરતી નહોતી. એનું કહેવું એમ હતું કે : ‘મારે ખોટું કરવું નથી. નોકરીમાં ભૂલ ન થાય એની જવાબદારી મારી હોય. પણ, નોકરીમાં ભૂલ કરવાની જવાબદારી હું શા માટે લઉં?’ બીજા કર્મચારીઓ એને સમજાવતા કે : ’બહુ સિદ્ધાંતવાદી બનાવામાં મજા નથી. સત્તા આગળ શાણપણ નકામું છે. માની જા નહિ તો પ્રસાદ સાહેબ તારી નોકરી ખરાબ કરી નખાશે.’ પણ રણજીત પોતાની જિદ પર મક્કમ રહ્યો હતો.

પ્રસાદ સાહેબ અને રણજીત વચ્ચે શિકારી અને શિકારનો ખેલ શરૂ થયો. પ્રસાદ સાહેબ અવારનવાર મોઢું પહોળું કરીને રણજીતનો શિકાર કરવા લપકતા પણ રણજીત દર વખતે છટકી જતો હતો. ક્યારેક પતંગિયું બનીને તો ક્યારેક ઝરણું બનીને. પરંતુ હમણાં હમણાં પ્રસાદ સાહેબનું મોઢું વધારે ને વધારે પહોળું થતું જતું હતું. એટલું પહોળું કે એમાં રણજીતનું સર્વસ્વ સમાઈ જાય અને પછી ચવાઈ જાય. રણજીતનું સર્વસ્વ એટલે રણજીતની સર્વિસબુક, એની કેરેક્ટર-બુક, એનો પગાર વધારો, એનું ભથ્થું, એનું પ્રમોશન વગેરે વગેરે. એક નોકરિયાત માણસ માટે તો આ જ સર્વસ્વ હોયને?

પ્રસાદ સાહેબે રણજીતને ઉપરાઉપરી લેખિત ઠપકા આપ્યા હતા અને ઉપરથી મૌખિક ચેતવણી આપી હતી કે : ‘રણજીત, તું મને સરખો જવાબ નહીં આપે તો હું તારો રિકોર્ડ બગાડી નાખીશ.’ પ્રસાદ સાહેબના શબ્દકોશ મુજબ સરખો જવાબ એટલે રોકડા રૂપિયા. રૂપિયા પ્રસાદ સાહેબનો . પ્રસાદ સાહેબે રણજીતને એક હજાર રૂપિયા રોકડા ધરવાનું કહ્યું હતું.

પ્રસાદ સાહેબ માટે એક હજાર રૂપિયાની રકમ મામૂલી હતી પરંતુ રણજીત માટે તો એક હજાર રૂપિયા એટલે એના નાનકડા છોકરા માટેનું આખા મહિનાનું દૂધ! પ્રસાદ સાહેબને એક જ ઝાટકે એક હજાર રૂપિયા આપ્યા પછી એટલા રૂપિયા ફરીથી ભેગા કરતાં કરતાં અર્ધું વરસ નીકળી જાય. કદાચ, અર્ધા વરસ પછી પણ ભેગા ન થાય.

પ્રસાદ સાહેબે રણજીતની નોકરી પર તરાપ મારવાની શરુ કરી દીધું હતું. પ્રસાદ સાહેબે પહેલી તરાપ મારી તો રણજીતની કેરેક્ટરબુકમાં ‘લેસ એફિશન્સી’ની નોંધ લખાઈ ગઈ. બીજી તરાપ મારી તો રણજીતનો પગાર વધારો અટકી ગયો. ત્રીજી તરાપે તો રણજીતનું પ્રમોશન ઊછળીને છેક હિમાલયની ટોચે પહોંચી ગયું હતું. પ્રસાદ સાહેબને જોઈતો હતો સરખો જવાબ જે જવાબ રણજીત આપતો નહોતો. પ્રસાદ સાહેબે મુદ્દત પણ આપી દીધી હતી.

એ મુદ્દત આજે પૂરી થતી હતી. હવે જો પ્રસાદ સાહેબ તરાપ મારે તો રણજીત નોકરીમાંથી સસ્પેન્ડ થઈ જાય. રણજીતને જાણ થઈ ગઈ હતી કે પ્રસાદ સાહેબ ચોથી તરાપ મારવાની તૈયારી કરી લીધી છે.

રણજીતે આંખો ખોલી. ફરીથી અરીસામાં જોયું તો અરીસામાં એક ઘેટાનો ચહેરો દેખાયો. રણજીતે અરીસાને ખેંચીને એનો ધા કર્યો. અરીસાના ટુકડા થઈ ગયા. ટુકડામાંથી પ્રસાદ સાહેબનો ચહેરો ડોકિયાં કરવાં લાગ્યો.

રણજીત ઘરની બહાર નીકળ્યો અને સીધો ઓફિસે પહોંચ્યો. એ પ્રસાદ સાહેબની ચેમ્બરના દરવાજે જઈને ઊભો રહ્યો. ‘મેં આય કમ ઇન સર?’ એણે પ્રસાદ સાહેબને પૂછ્યું.

‘યસ’ પ્રસાદ સાહેબે આશાવાદી અવાજમાં કહ્યું.

રણજીતે અંદર જઈને પ્રસાદ સાહેબની સામે જઈને ઊભો રહ્યો. એણે પોતાના બે હાથ જોડ્યા અને બોલ્યો : ‘પ્રસાદ સાહેબ, હું આ પહેલી અને છેલ્લી વખત હાથ જોડીને કહું છું કે હવે બસ કરો. નહિ તો અનર્થ થઈ જશે.’

‘તમે આડી અવળી વાત જવા દો. તમે સરખો જવાબ લાવ્યા છો?’ પ્રસાદ સાહેબે પૂછ્યું.

‘નથી લાવ્યો અને લાવવાનો પણ નથી. તમારાથી થાય તે કરી લો.’ રણજીતે મક્કમ અવાજમાં કહ્યું.

‘યૂ નોનસન્સ. હું તમને અત્યારથી જ સસ્પેન્ડ કરું છું. ગેટ આઉટ.’ પ્રસાદ સાહેબે ચોથી તરાપ મારી.

રણજીત પાછો ફર્યો. દરવાજા સુધી. ત્યાંથી ફરી પ્રસાદ સાહેબ તરફ દોડ્યો અને સીધો એમના ટેબલ પર કૂદ્યો. જરૂર પડ્યે બેલ મારવા માટે ટેવાયેલા પ્રસાદ સાહેબનો હાથ બેલ સુધી પહોંચે તે પહેલાં તો રણજીતના હાથ પ્રસાદ સાહેબના ગળા સુધી પહોંચી ગયા.

રણજીતે પ્રસાદ સાહેબનું ગળું દબાવતાં પૂછ્યું : ‘બોલો પ્રસાદ સાહેબ, મારું કેરેક્ટર કેવું છે?’

પ્રસાદ સાહેબથી માંડ માંડ બોલાયું : ‘ગૂડ.’

પ્રસાદ સાહેબે રણજીતની પકડમાંથી છૂટવા માટે ધમપછાડા કર્યા તો એ ખુરશી સહિત નીચે પડ્યા. રણજીત પણ પોતાની પકડ છોડ્યા વગર ટેબલ પરથી નીચે કૂદ્યો અને પ્રસાદ સાહેબની છાતી પર ચડી બેઠો.

‘બોલો પ્રસાદ સાહેબ, મારી એફિશન્સી કેવી છે?’ રણજીતે પ્રસાદ સાહેબના ગળા પરની પકડ વધારે મજબૂત કરતાં પૂછ્યું.

‘પરફેક્ટ.’ પ્રસાદ સાહેબ વેરવિખેર થતાં થતાં બોલ્યા. ગરોળીની કપાયેલી પૂછડી ચટપટે એમ પ્રસાદ સાહેબના પગ ચટપટવા લાગ્યા.

‘પ્રસાદ સાહેબ, તમારે સરખો જવાબ જોઈતો’તોને? આ રહ્યો જવાબ. રિસીવ કરો.’ રણજીતે પ્રસાદ સાહેબના ગળા ફરતે ભીંસ વધારતાં ત્રાડ નાખી. એ ત્રાડ આખી ઓફિસમાં ફરી વળી.

રણજીતની ત્રાડ સાંભળીને પોતપોતાનાં કામ પડતાં મૂકીને બધાં પ્રસાદ સાહેબની ચેમ્બર તરફ દોડ્યાં. તેઓ પહોંચે એ પહેલાં એ પહેલાં તો પ્રસાદ સાહેબના મોઢામાંથી ફીણ નીકળી ચૂક્યાં હતાં.

રણજીતની આંખો લાલઘૂમ હતી. ઓફિસનાં લોકોએ રણજીતનું આવું બિહામણું રૂપ પહેલી વખત જોયુ. ભલભલાને ડર લાગે એવું દૃશ્ય હતું. છતાંય કેટલાક લોકોએ હિંમત કરીને એને પ્રસાદ સાહેબની છાતી પરથી દૂર કર્યો અને એક ખુરશી પર બેસાડી દીધો.

પરંતુ બીજી જ ક્ષણે જ રણજીત ખુરશી પરથી ઊભો થયો અને વોટર કુલર પાસે ગયો. એણે ઠંડા પાણીની ધાર નીચે પોતાનો ચહેરો ધરી દીધો.

...પોલીસ આવી ત્યારે એ ખડખડાટ હસવા લાગ્યો. આખા આયખાનું ભેગું કરી રાખેલું હાસ્ય એકી સાથે હસી નાંખવું હોય એમ એ હસ્યો અને બોલ્યો: ‘આ સાલા પ્રસાદ સાહેબને ગમે એમ કરીને ઉઠાડો અને એની સામે મારી ફાઇલ ધરો. આજે એ મારા પ્રમોશનનો ઓર્ડર કાઢશે.’

એ દિવસે ઓફિસમાં પ્રથમ વખત એવું બન્યું કે મૃત્યુંનો મલાજો ન જળવાયો. કેટલાક લોકોએ ખુશાલીમાં ચા પીધી અને પીવડાવી.

અને રણજીત! એનાં માટે હવે આનંદ કે શોક બધું સરખું હતું.