પોતપોતાના રંગ Yashvant Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

શ્રેણી
શેયર કરો

પોતપોતાના રંગ

પોતપોતાના રંગ – યશવંત ઠક્કર

વેદભાઈ એટલે કે વેદપ્રકાશ, મોટા ચોપડામાં લખ લખ કરવાનું રોજિંદું કામ લઈને બેઠા હતા. મલેક પોતાની બક બક કરવાની આદત લઈને એની સામેની ખાલી ખુરશીમાં બેસી ગયો અને બકવાસ ચાલુ કર્યો. ‘શું ભલા માણસ, ઊંધું ઘાલીને કામ કર્યા કરો છો. ઓફિસમા શું નવાજૂની થાય છે એમાં પણ ધ્યાન આપતા રહો.’

‘એ કામ તને સોંપ્યું.’ વેદપ્રકાશે હસીને જવાબ આપ્યો.

‘તમે તો જાણે ભારતના વડાપ્રધાન હો એવી વાત કરો છો. આખી ઓફિસનો ભાર માથે લઈને ફરો છો. ક્યારેક તો લીલું લીલું જોતા રહો. નહિ તો ચશ્માંનાં નંબર વધી જશે. પછી કહેતા નહિ કે મને ચેતવ્યો નહિ. વેદભાઈ, ખબર પડી? નવી આઇટમ આવી છે. જોરદાર છે.’

‘ના ભાઈ ના. હું એવી ખબર રાખતો નથી.’

‘બરાબર છે. પણ મારી તો ફરજ છે ને કે તમને જાણ કરવી. આઇટમ અમદાવાદથી આવી છે. ચાલો ઊભા થાવ. અત્યારે જ દર્શન કરાવું.’

‘મેં કહ્યુંને? એ બધું કામ તારું. મને મારું કામ કરવા દે તો મહેરબાની.’

મલેક તો એવી મહેરબાની કરવા આવ્યો નહોતો એટલે એણે વેદભાઈને જે માહિતી આપવાની હતી એ આપી દીધી. ‘આઇટમનું નામ શિલ્પા છે. તમે તો હજી જોઈ જ નહિ હોય. મોટા ભાગે ઉપર જ હોય છે. ને કા તો કેન્ટીનમાં! આમ તો લફરાવાલીi છે. એનો હસબન્ડ આપણા જ ડિપાર્ટમેન્ટમા હતો. હાર્ટએટેકમાં ઓન ડ્યુટી ખલાસ થઈ ગયો. એટલે ડિપાર્ટમેન્ટે બાઈને રહેમ રાહે નોકરી આપી દીધી. બહુ ભણેલી નથી એટલે ઓફિસનાં નાનાં મોટાં કામ માટે રાખી લીધી છે. પણ તમે જુઓ તો લાગે નહિ કે આ બાઈ ઓછું ભણેલી છે. માભો તો એવો કે આપણાં દક્ષા મેડમ ઝાંખા પડે. અમદાવાદમાં તો એણે કેટલાયને લટ્ટુ બનાવ્યા છે. આ બાઈ બદલી કરાવીને અહીં આવી તો એક કાકો અમદાવાદથી રોજ અહીં ફિલ્ડિંગ ભરવા આવતો’તો. પણ પછી સમજી ગયો કે અહીં તો ફિલ્ડિંગ ભરનારા એક એકથી ચડે એવા છે. આમાં આપણો કલાસ નહિ લાગે. એટલે પછી બંધ થઈ ગયો. તમે જ કહો કે ઘનશ્યામ, સુભાષ, અરવિંદ જેવા એક એકથી ચડે એવા જુવાનિયા હોય પછી ડોહાડગલાનો નંબર લાગે ખરો?’

‘કેમ? એ યાદીમાં તારું નામ નહીં?’ વેદપ્રકાશ આમ સીધા પણ ક્યારેક આવી મજાક કરી નાખે.

‘હું ક્યાં ના પાડું છું? ચાલુ ગાડીમાં ચડવા મળતું હોય તો કોણ ના પાડે? એ પણ વગર ટિકિટે! પણ વેદભાઈ, સાચું કહું તો આપડે તો ટાઈમપાસ કરવાની વાત છે.’

‘તો જાને ટાઈમ પાસ કરવા. અહીં મારી સામે શું કામ બેઠો છો?’

‘તમે નહીં કો તોય જવાનો જ છું. ચાલો આવજો. તમારું કામ અટક્યું હોય તો સોરી.’

‘મહેરબાની.’

‘મહેરબાની તો ખરી જ ને? નહીં તો તમારી સાથે ખપાવવા કોણ નવરું છે?’ કેબીનની બહાર નીકળતાં નીકળતાં પણ મલેકનું બુલેટીન ચાલુ જ હતું.

એકાદ કલાક પછી કાપડિયા સાહેબે બૂમ પાડીને કેન્ટીનમાં આવવા ઈશારો કર્યો એટેલે વેદપ્રકાશે કહ્યું કે ‘તમે પહોંચો. હું આવ્યો.’

વેદપ્રકાશ કેન્ટીનમાં દાખલ થયા ને મલેકનો અવાજ આવ્યો. ‘વેદભાઈ, આવો ઓળખાણ કરાવું. આ અમદાવાદથી આવ્યાં છે એ શિલ્પા મેડમ.’ વેદપ્રકાશે જોયું તો એક ખુરશી પર, મલેક જેને શિલ્પા કહેતો હતો એ યુવતી બેઠી હતી. એની આસપાસ મલેકે જે નામ આપ્યાં હતાં એ બધા બેઠા હતા. વેદપ્રકાશે વિવેક ખાતર નજીક ગયા અને શિલ્પાને હાથ જોડીને ‘નમસ્કાર’ કર્યા. શિલ્પાએ સામે હાથ જોડ્યા.

‘આ વેદભાઈ છે. ભગવાનના માણસ. આમારા જેવા નહિ.’ મલેકે વેદપ્રકાશનો પરિચય આપ્યો.

‘આ દુનિયામાં કોઈ ભગવાનનું માણસ નથી. બધા તકની રાહ જોતા હોય છે.’ શિલ્પા વેદકાશને માપતી હોય એવી નજરે જોતાં જોતાં બોલી.

શિલ્પાના એ વિધાન પર બધા જે હસ્યા છે! વેદપ્રકાશને લાગ્યું કે અહીં તો વિવેક પણ કરવા જેવો નહોતો. એ ભોઠા પડીને કાપડિયા સાહેબ જ્યાં બેઠા હતા ત્યાં જતા રહ્યા.

‘કચરો છે.’ કાપડિયા સાહેબે ધીરે રહીને વેદપ્રકાશને કહ્યું.

‘આપણે શો મતલબ?’ વેદપ્રકાશે જવાબ આપ્યો અને પછી ઓફિસના કામની વાતોએ વળગ્યા.

‘મારે તો મતલબ ન હોય તો પણ રાખવો પડે છે. આ બાઈએ આજે જ ભવાડો કર્યો હતો. તમને હવે ખબર પડશે. મારા અને પ્રસાદ સાહેબ સિવાય કોઈ જાણતું નથી. બાર વાગ્યાની આસપાસ જ પ્રસાદ સાહેબનો ફોન આવ્યો કે તમે જલ્દી મારી ચેમ્બરમાં આવો. મારે દોડીને જવું પડ્યું. જઈને જોયું તો પ્રસાદ સાહેબ ધ્રુજતા હતા ને સામે આ બાઈ એમને ધમકાવતી હતી. ‘મિસ્ટર કાપડિયા, તમે ગમે તેમ કરીને આ મેડમને અહીંથી લઈ જાવ. મારું બીપી વધી ગયું છે.’ પ્રસાદસાહેબે મને રિક્વેસ્ટ કરી. એટલે હું આ બાઈને સમજાવીને બહાર લઈ આવ્યો. પણ પ્રસાદ સાહેબ હવે જિંદગીમાં ક્યારેય આનું નામ નહીં લે.’

પછી કાપડિયા સાહેબે શિલ્પાએ કરેલા પરાક્રમની વાત કરી : ‘શિલ્પા કામ નથી કરતી અને બીજાને પણ કરવા નથી દેતી, બધાને ભેગા કરીને ઓફિસનું વાતાવરણ બગાડે છે. એવી ફરિયાદ પ્રસાદ સાહેબ સુધી પહોંચી હતી. એટલે પ્રસાદ સાહેબે શિલ્પાને બોલાવીને ચેતવણી આપવાનો પ્રયાસ કર્યો. પણ, શિલ્પાએ વળતી ચેતવણી આપી કે –પ્રસાદ સાહેબ, મારી વાતમાં બહુ મગજમારી કરવી નહીં. હું બહુ ખતરનાક છું. કેવી ખતરનાક છું એ જાણવું છે? હમણાં જ મારાં કપડાં ફાડીને બૂમો પાડું છું કે પ્રસાદ સાહેબે મારી ઇજ્જત પર હાથ નાખ્યો છે. – એમ કહીને એણે પોતાનો દુપટ્ટો ઉતાર્યો ત્યાં તો પ્રસાદ સાહેબનાં હાજા ગગડી ગયા ને મને ફોન કર્યો.’

વેદકાશને શિલ્પાનો આ પહેલો પરિચય. આ પરિચયના બીજા જ દિવસે શિલ્પા પાણીના ગ્લાસ લઈને વેદપ્રકાશના ટેબલ પાસે આવી પહોંચી. ‘વેદભાઈ, તમે તો ઊંધું ઘાલીને કામ કરો છો. લો પાણી પીઓ.’ એ લટુડાપટુડા કરતી હોય એ રીતે બોલી.

‘નહીં. તમે ખોટી મહેનત કરી. હું પીવાનું પાણી ઘરેથી જ લઈને આવું છું. ઓફિસનું પાણી પીતો જ નથી. પીતો હોત તો પણ ઊભો થઈને પી લેત. કોઈને તકલીફ આપત નહીં.’ વેદપ્રકાશે કામ અટકાવીને કહ્યું.

‘એમાં મને તકલીફ શાની? મારું તો કામ જ છે તરસ્યાને પાણી પીવડાવવાનું.’

‘પણ હું તરસ્યો નથી.’ વેદપ્રકાશે હસીને જવાબ આપ્યો.

‘એ તો તમને પહેલી વખત જોયા ત્યારથી જ મને ખબર પડી ગઈ છે. તમે તમારા સંસારથી સુખી અને સંતોષી લાગો છો. બાકી, અહીં તો બધા ભૂખ્યા તરસ્યા જ ભેગા થયા છે. પ્રસાદ સાહેબ સુધી ફરિયાદ પહોંચાડી છે કે શિલ્પા પાણી નથી પાતી. તમે જ કહો કે એકાદ વખત જાતે પાણી ન પીવાય? મારા જ હાથનું જ પાણી પીવું જરૂરી છે? હવે આ પાણીની તરસ છે કે પછી બીજી કોઈ જાતની?’ કહેતાં કહેતાં શિલ્પા વેદપ્રકાશના ટેબલ સામેની ખાલી ખુરશી પર બેસી ગઈ.

‘હું તો એ બાબતમાં શું જાણું?’ વેદપ્રકાશે ચોપડામાં લખવાનું કામ ચાલુ કરતાં કહ્યું.

‘પણ હું જાણું છુને. પાણી પીવાના બહાને મને અડવાનું મળે, આડુંઅવળું બોલવાનું મળે, તાકીતાકીને જોવાનું મળે. એટલે શિલ્પા શિલ્પા કર્યા કરે. મારી પહેલાં રેવામાસી હતાં એને તો કોઈ પાણી પીવડાવવાનું કહેતા જ નહોતા! પેલો નકટો મલેક તો કહે છે કે રસ વગરની કેરી સામે કોણ જુએ? કૂતરા છે સાલા!’

વેદપ્રકાશને થયું કે આ બલા અહીંથી જાય તો સારું. પરંતુ શિલ્પા તો જાણે નિરાંત લઈને આવી હતી. ‘વેદભાઈ, કાલે હું બોલી એનું ખોટું ન લગાડતા. તમારી વાત અલગ હશે પણ હું મારા અનુભવથી બોલી હતી. અમદાવાદ હતી ત્યાં પણ અહીંનાં જેવો જ સ્ટાફ હતો. બાંકડે બેઠી હોઉં તો કોઈને કોઈ આવીને પડખામાં ભરાઈ જાય. અજાણતાં અડતા હોય એમ ન અડવાની જગ્યાએ અડી જાય અને રાજી થાય. કેટલાકની હિંમત ન ચાલે એટલે દૂર ઊભાં ઊભાં આ બધું જોઈને રાજી થાય. વોચમેનથી માંડીને તે મોટા સાહેબ સુધી બધાની એક જ નજર.’

‘શિલ્પા, આજે કોટેચા તરફથી વડાપાઉં છે. ખબર છેને?’ ઘનશ્યામે આવીને બૂમ પાડી એટલે શિલ્પા ઊભી થઈ.

‘ચાલો વેદભાઈ, વડાપાઉં ખાવા આવવું છે?’ શિલ્પાએ ઊભા થતાં પૂછ્યું.

‘ના. તમે ખુશીથી જાવ.’

‘આવજો. ફરી ક્યારેક સત્સંગ કરીશું.’ કહીને શિલ્પા ગઈ.

એ દિવસ પછી પણ શિલ્પા અવારનવાર વેદકાશ પાસે આવતી ગઈ અને એના જીવનના લાલ અને કાળાં પત્તાં ખોલતી ગઈ.

એ પત્તાં કાંઈક આવાં હતાં... ‘વેદભાઈ, હું પહેલાં આટલી છૂટછાટવાળી નહોતી. એકદમ સાદીસીધી હતી. મારો હસબંડ તો મને ગામડિયણ કહેતો. એણે બિચારાએ મહેનત કરી કરીને મને ઘણું બધું શીખવાડ્યું. સારાં કપડાં પહેરતાં શીખવાડ્યું. અણે જ મને ફેશનેબલ બનાવી. પાંચ માણસમાં ઊભા રહેતાં શીખવાડ્યું. પણ એનું આયુષ્ય ઓછું હતું. એટલે સાજોસમો જ હાર્ટએટેકમાં જતો રહ્યો. પછી મારી કઠણાઈ શરૂ થઈ. મારી દીકરી ત્યારે નવમાં ધોરણમાં હતી. ભણવામાં હોશિયાર હતી. એણે મારે ભણાવવી હતી. પૈસાની ખરી જરૂર હતી. મારા હસબન્ડનું અવસાન થવાથી મને ડિપાર્ટમેન્ટમા નોકરી મળી ગઈ. પણ નોકરી મેળવતાં મેળવતાં મારો દમ નીકળી ગયો. અમદાવાદની ઓફિસમાં મોટા સાહેબનું કહેવું એમ હતું કે તને નોકરી મળે એમાં મારું શું? હું પૈસા ખવડાવવા તૈયાર હતી પણ એને તો મારાથી મતલબ હતો. છેવટે યુનિયનના લીડરે સલાહ આપી કે મોટા સાહેબને મીઠું મીઠું બોલીને પટાવી લે. તને નોકરી મળ્યા પછી તું એને ખુશ કરીશ એવી વાત એના ગળે ઉતારી દે. પછી હાથ અધ્ધર કરી દેજે. મેં એ દાવ માર્યો અને સીધો ઊતર્યો. પછી તો યુનિયનનો લીડર પણ મારી પાસે વળતર લેવા આવ્યો. એને પણ મારાથી મતલબ હતો. ખખડાવીને કાઢી મૂક્યો. પછી તો કૂતરાઓને લબડાવતા આવડી ગયું. ગાડી ચાલે છે. બીજું શું જોઈએ વેદભાઈ?

‘એના કરતાં ફરીથી લગ્ન કરી લો. જિંદગીમાં કોઈનો કાયમી સહારો તો હોવો જ જોઈએ. આવી રીતે આખી જિંદગી કેમની જાય?’ વેદપ્રકાશે એક વખત કહ્યું હતું.

‘જાય છેને? લગ્ન તો કરવાં જ નથી. બીજાં લગ્ન કરું તો નોકરી જાય. નોકરી જાય એ હવે ન પોસાય. હા, તમારી વાત સાચી છે કે કોઈ તો જિંદગીમાં હોવું જોઈએ. તો એક મળી ગયો છે. એની ને મારી બેઉની જરૂરીયાત પૂરી થાય છે. મને સાચવે છે અને મારી દીકરીને પણ સાચવે છે. મને લેવા ઘણી વખત આવે છે. આ વખતે આવશે ત્યારે ઓળખાણ કરાવીશ.’ શિલ્પાએ જવાબ આપ્યો હતો.

આવાં હતાં શિલ્પાની જિંદગીનાં લાલ અને કાળાં પત્તાં! પરંતુ, એ પત્તાંમાંથી લાલ રંગનાં પત્તાં ફાટતાં ગયાં. રહ્યાં માત્ર કાળાં પત્તાં! એક તરફ હુકમના પત્તા જેવી જુવાની ઝાંખી પડવા લાગી. બીજી તરફ શરીરમાં તકલીફો શરૂ થઈ. પરેજી પાળી નહીં એટલે વધતી ગઈ. અન્નનળી અને અને લીવરમાં સમસ્યાઓ ઊભી થઈ. ચામડી પરથી ચમક ગઈ તો ટોળે વળનારા દૂરથી જ પસાર થવા લાગ્યા.

એક દિવસ એ ઊભી હતી ને મલેક એની સામે જ જોયા વગર પસાર થવા લાગ્યો. શિલ્પાથી રહેવાયું નહીં. એણે મલેકને બોલાવ્યો. પણ મલેકે જવાબ આપ્યો કે ‘મારે બહુ કામ છે.’

‘એ ય ભડવા, હું સાજીસમી હતી ત્યારે કામ નહોતું? હવે કામ ભાગ્યું જાય છે? કૂતરા, મારી પાસે ન આવ તો કાંઈ નહીં, મને અડ નહીં તો કાંઈ નહીં પણ દૂરથી ખબર તો પૂછ.’ શિલ્પાએ રાડ નાખી જે આખી ઓફિસમાં ફરી વળી. લોકો પોતપોતાનું કામ મૂકીને દોડ્યા.

‘જો શિલ્પા, બોલવામાં ધ્યાન રાખ. બોલતા તો મને પણ આવડે છે.’ મલેકે વળતો જવાબ આપ્યો.

‘તેં મારી સાથે આડુંઅવળું બોલવામાં કશું બાકી રાખ્યું છે? હું સાજીસમી હતી ત્યારે કામ નહોતું? આજે હું ઝાંખી પડી ગઈ છું એટલે તું દૂર ભાગે છેને? ખોટી શરાફત ઠોકે છે. હિંમત હોય તો સાચી વાત કરને. બાયલા!’ આટલું કહેતાંની સાથે તો શિલ્પાએ મલેકની પાસે જઈને એને એક તમચો ઠોકી દીધો.

ગુસ્સાથી ધ્રુજતી શિલ્પાને બધા જોઈ જ રહ્યા. એની આંખોમાંથી આંસુ વહેવાં લાગ્યાં હતાં. કોઈ કશું કહી શક્યું નહીં. કોઈને દુખ થયું તો કોઈને મજા પડી.

કાપડિયા સાહેબે સમજાવીને બધાને વિખેર્યા. શિલ્પા ઓફીસના ઓટલે બેસી ગઈ. સાવ એકલી. એ રડતી હતી પણ એણે છાનું રાખવા કોઈ આવ્યું નહીં. ન ઘનશ્યામ. ન સુભાષ. ન અરવિંદ.

‘મેડમ, મોઢું ધાઈ નાખો. એટલે આપણે ચા પીવા જઈએ.’ રિસેસના સમયે એણે વેદપ્રકાશનો અવાજ સાંભળ્યો. એને પહેલાં તો માનવામાં જ ન આવ્યું. પણ એ હકીકત હતી.

‘વેદભાઈ, તમે મારી સાથે ચા પીવા આવશો?’ શિલ્પાએ પૂછ્યું. એને ખુશી પણ થઈ અને નવાઈ પણ લાગી.

‘હા, કેમ ન અવાય?’ વેદપ્રકાશે હસીને જવાબ આપ્યો.

થોડી વાર પછી બન્ને કેન્ટીનમાં બેઠાં હતાં. વેદપ્રકાશ કેન્ટીનમાં બેસીને શિલ્પા સાથે વાતો કરે છે એ વાત ઓફિસમાં ફેલાઈ ગઈ હતી અને ભાતભાતની વાતો થવા લાગી હતી.

‘ગજબ થઈ ગયો. વેદભાઈ શિલ્પાની જળમાં આવી ગયા.’

‘વેદભાઈ પણ છેવટે તો માણસ જ ને?’

‘સ્ત્રીચરિત્ર કોને કહેવાય? સ્ત્રી ભલભલાના તપ ભંગ કરાવે તો વેદભાઈ તો બિચારો પામર માણસ! એનો શો વાંક?’

મલેકે પણ વિધાન કર્યું કે : ‘કેરી જ્યારે ચૂસવા લાયક હતી ત્યારે વેદભાઈ ભગવાનના માણસ બનીને રહ્યા ને હવે કેરી સુકાઈ ગઈ છે ત્યારે એમને કેરીમાં રસ પડ્યો છે! હવે એમને ભગવાન બચાવે!’

શિલ્પાએ જિંદગીનાં બાકી રહેલાં કાળાં પત્તાં વેદપ્રકાશ સામે ખૂલ્લાં કર્યાં. એ પત્તાં કાંઈક આવાં હતાં... ‘વેદભાઈ, મલેકે આપણી વચ્ચે ઓળખાણ કરાવી તે દિવસે ભલે હું મનમાં આવે એવું બોલી ગઈ હતી. પણ મને એ ઘડીએ જ ખાતરી થઈ ગઈ હતી કે તમે ખરેખર ભગવાનના માણસ છો. મને માણસની ઓળખ થતા વાર નથી લાગતી. એટલે મને તમારા પર વિશ્વાસ છે. તમે મારી વાત ઘ્યાનથી સાંભળશો. મને ખબર છે કે હવે હું લાંબુ જીવવાની નથી. મને મોતની ફિકર નથી. મને મારી દીકરીની ફિકર છે. એ બિચારી સાવ ભોળી છે. સ્કૂલ અને ટ્યૂશન કલાસ સિવાય એણે બીજું કશું જોયું નથી. મારા મર્યા પછી ડિપાર્ટમેન્ટ તરફથી કાયદેસર મળવાની રકમ એને જ મળે એનું તમે ધ્યાન રાખજો. એ આ ઓફિસમાં આવશે ત્યારે કૂતરાઓ એને હેરાન ન કરે એ તમારી જવાબદારી છે. એને બનતી મદદ કરજો. હું બીમાર પડ્યા પછી પેલાને મારામાં રસ રહ્યો નથી. પણ એને મારા પૈસામાં રસ છે. જરૂર પડે તો મારી દીકરી સાથે બેન્કમાં જવાની પણ તકલીફ લેજો. એ હેરાન ન થાય એની જવાબદારી તમારી. હું જાણું છું કે મારો તમરા પર કોઈ હક નથી. પણ તમે ભગવાનના માણસ છો એટલે આટલું તો કરશો જ.’

શિલ્પાની આંખોમાં આંસુ હતાં. વેદપ્રકાશ એને આશ્વાસન અને હિંમત આપવા લાગ્યા કે ‘ચિંતા ન કરો મેડમ, બધું સારું થઈ જશે.’

‘નહીં વેદભાઈ, હવે મારું પૂરું થવા આવ્યું છે. હું તો જેવું આવડ્યું એવું જીવી ગઈ. પણ મારી દીકરી એવું ન જીવે એ મારી છેલ્લી ઇચ્છા છે. તમે મને ખાતરી આપો કે તમે મારી દીકરીનું ધ્યાન રાખશો.’

‘ભલે.’ વેદપ્રકાશ બોલ્યા.

‘ભલે.’ વેદપ્રકાશે ઉચ્ચારેલા એ એક શબ્દ સામે શિલ્પાની બીમારી હારી ગઈ. એના ફિક્કા ચહેરા પર ઘણા દિવસો પછી ખુશાલી ફરી વળી.

[સમાપ્ત]