પથ્થર Yashvant Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પથ્થર

નવલિકા- પથ્થર

લેખક: યશવંત ઠક્કર

[૧]

આ એક સામાન્ય વાત છે. મુસાફરો સહિત એક આખેઆખી બસ સળગાવી દેવામાં આવે એવી સામાન્ય વાત અથવા તો બીમાર મા માટે દવા લેવા નીકળેલો માણસ લાશ તરીકે પાછો ફરે એવી સામાન્ય વાત! ‘ઇન્કિલાબ ઝિંદાબાદ’ના નારા પોકારતા યુવાનનું માથું ફૂટી જાય એવી સામાન્ય વાત અથવા તો ફરજ પર ગયેલો સિપાઈ ઘરે પાછો ન ફરે એવી સામાન્ય વાત!

હું જે માણસની વાત કરી રહ્યો છું એ માણસે કદી હિંસા કરી ન હતી. કોઈને ક્યારેય થોટથપાટ પણ કરી ન હતી. સાદું જીવન જીવતો હતો. એ નોકરી કરતો હતો. વધારે કમાણી કરવા ઓવરટાઈમ કરતો હતો. પરંતુ કમાણી માટેના બીજા રસ્તા એને ગમતા નહોતા. એ સમાજના નિયમોને માનતો હતો. મોંઘવારી સામે ઝઝૂમતો હતો. લડાઈ ઝઘડાથી દૂર રહેતો હતો. ‘આપણે સારા તો બધાં સારાં’ એવું એ દિલથી માનતો હતો. કેટલાંક લોકોએ એને મજાકમાં ’મહાત્મા’ કહેવાનું શરૂ કર્યું હતું અને સમય જતાં એનું નામ જ ‘મહાત્મા’ પડી ગયું હતું.

વિશાખા મહાત્માની પત્ની છે. એ જયારે કુમારી વિશાખા હતી અને દસમાં ધોરણમાં ભણતી હતી ત્યારે એણે શાળાના એક અવળચંડા છોકરાને જોરદાર તમાચો ખેંચી કાઢ્યો હતો. એ ઘટનાને પચાવી નહિ શકેલા આચાર્યશ્રીએ એને ઠપકો આપ્યો હતો અને ચેતવણી પણ આપી હતી કે ‘ભવિષ્યમાં આવી રીતે કાયદો હાથમાં લેશો તો તમને શાળામાંથી કાયમને માટે રવાના કરી દઈશ.’ ત્યારે વિશાખાએ જવાબ આપ્યો હતો કે ‘સાહેબ, મેં જે કર્યું એ તમે કરી શકવાના નહોતા એટલે મારે જે કરવું હતું એ કરી નાખ્યું. ભવિષ્યની વાત ભવિષ્યમાં!’

સ્વાભાવિક રીતે જ મહાત્માના અને વિશાખાના વિચારો આમને સામને હતા. દૂરના સગાને ત્યાં સારાનરસા પ્રસંગે જવાની વત આવે ત્યારે વિશાખા કહેતી કે ‘ન જઈએ તો ચાલે.’ પરંતુ મહાત્મા કહેતો કે ‘ન ચાલે. જવું જ પડે.’ આ ‘પડે’ શબ્દ સામે વિશાખાને હંમેશા વાંધો પડતો. કેટલાંય એવાં બંધનો હતાં કે જે મહાત્માને મંજૂર હતાં અને વિશાખાને મંજૂર નહોતાં. છતાંય બંનેનો સંસાર સરળતાથી ચાલતો હતો કારણ કે બંને એકબીજાંની કદર કરતાં હતાં. મહાત્માની નબળાઈઓને વિશાખા ઢાંકી દેતી હતી અને વિશાખાની હરકતોને મહાત્મા ઢાંકી દેતો હતો. અને આ બંનેનાં નાનાંમોટાં દુઃખોને નાનકડી શિતુ કાલીકાલી બોલીથી ઢાંકી દેતી હતી.

શિતુ મહાત્મા માટે સર્વસ્વ હતી. એ જે કાંઈ કરતો તે શિતુ માટે. મહાત્માનો નોકરી પરથી આવવાનો સમય થતો ત્યારે વિશાખા શીતુને લઈને ઘરના ઓટલે બેસતી. ક્યારેક મહાત્માને ઓવરટાઈમ માટે રોકાવું પડતું અને એ મોડો આવતો. વિશાખા ઘણી વખત મહાત્માને ઓવરટાઈમ ન કરવા માટે સમજાવતી. એને મહાત્માની તબિયત બગડવાની બીક લાગતી. પરંતુ મહાત્મા માનતો હતો કે શિતુના ભવિષ્ય માટે પણ જેટલું કમાવાય એટલું કમાઈ લેવું જોઈએ. એ શિતુને સારી રીતે ઉછેરવા માંગતો હતો. એણે ખૂબ ભણાવવા માંગતો હતો.

પોતાને માટે કપડાં સિવડાવવાની વાત આવે ત્યારે મહાત્મા વિશાખાને કહેતો કે : ‘મારે તો હમણાં ચાલે એમ છે. તું અને શિતુ સિવડાવી લો.’ પોતે બીમાર પડે ત્યારે પણ દવા પાછળ વધારે ખર્ચ ન થઈ જાય એનું ધ્યાન રાખતો. વિશાખા અને શિતુના સુખમાં જ એનું સુખ પણ આવી જતું હતું. એના આવા સ્વભાવના કારણે વિશાખા પણ એને પ્રેમથી ‘મહાત્મા’ કહેતી.

[૨]

શહેરમાં તોફાનોની આકરી ઋતુ આવી ગઈ હતી. એ દિવસે પણ શહેરમાં વાતાવરણ તંગ હતું. તેથી ઑફિસના કર્મચારીઓમાં ગભરાટ હતો. મહાત્મા સિવાય બીજું કોઈ કામમાં ધ્યાન આપતું નહોતું. કેટલાક કર્મચારીઓએ ભેગા થઈને સાહેબને રજૂઆત કરી કે: ‘શહેરમાં તોફાનો ફેલાયા છે. વાતાવરણ તંગ થતું જાય છે. અમને છોડી મૂકો તો અમે વહેલાસર ઘરભેગા થઈએ.’ સાહેબ આનાકાની કરતા રહ્યા ને બધા ઑફિસ છોડીને નીકળી ગયા. મહાત્મા એકલો જ પોતાનું કામ કરતો રહ્યો. સાહેબે એને કહ્યું કે: ‘મહાત્મા, તમે પણ ઉપડો. તમને કશું થશે તો સ્ટાફ મારા પર તૂટી પડશે.’

મહાત્મા ઘરે જવા નીકળ્યો. ઘરેથી બહાર નીકળ્યાનો અફસોસ અને ભયભીત ચહેરાઓ લઈને લોકો ઘર તરફ ભાગતા હતા. વાહનોની ઝડપ રોજ કરતા વધારે હતી. ખાલી રિક્ષાઓ પણ ઊભી ન રહેતાં સડસડાટ દોડી જતી હતી. બસો બંધ થઈ ગઈ હતી. વાતાવરણ બગડ્યું હોવાની સાબિતી આપતી હોય એમ પોલીસની ગાડીઓ દોડવા લાગી હતી. અને એ ગાડીઓથી પણ વધારે ઝડપથી હુમલાની, ખંજરબાજીની, પથ્થરમારાની, આગની, દુકાનો તૂટવાની અફવાઓ દોડવા લાગી હતી.

મહાત્માએ સાઇકલની ઝડપ વધારી. એ એક વખત શેરી સુધી પહોંચી જાય તો એને કોઈનો ડર નહોતો. શેરીના તો બધા જ એણે ઓળખતા હતા. મહાત્મા! કોઈ કહેતા કોઈ આંગળી ન અડાડે. પરંતુ શેરી ન આવે ત્યાં સુધી કશું કહેવાય નહીં. ભાગંભાગીમાં એ કોઈના ધક્કે ચડીને પડી જાય તો ઊભો કરવા પણ કોઈ ન રોકાય. અને કોઈ જીવનું તરસ્યું ટોળું આવી ચડે તો શું ન કરે? એવું કશું જ ન થાય પણ આગળ કર્ફ્યુ લાગી ગયો હોય તો એને ક્યાં રોકાવું? વિશાખા કેટલી ચિંતા કરે! અને શિતુ ક્યાં સુધી ‘પપ્પા...પપ્પા’ કર્યા કરે?

મહાત્માને ઘર નજર સામે તરવરવા લાગ્યું. એણે કલ્પના કરી કે વિશાખા અને શિતુ ઘરની બહાર ઓટલા પર આવીને બેઠાં હશે. વિશાખા તો પારેવાની જેમ ફફડતી હશે. સવારમાં જ એણે મહાત્માને કહ્યું હતું કે : ‘થોડા દિવસ રાજા મૂકી દોને. આ તોફાનોમાં મારો જીવ ગભરાય છે. મહાત્માએ જવાબ આપ્યો હતો કે : ‘આવાં છમકલાં તો થયા કરે. આ તો રોજની વાત થઈ. એમ રજા મૂક્યા કરું તો કેટલી રજાઓ વપરાઈ જાય? અને કામ ભેગું થાય એ વધારામાં. બીજાને તકલીફ પડે એ જોવાનું નહીં?’

વિશાખાએ જવાબ આપ્યો હતો કે: ‘તમે કેટલા ભોળા છો? કામ, જવાબદારી, ફરજ, માનવતા, દેશભક્તિનાં વળગણ તમારાથી છૂટતાં નથી. જયારે લોકો તો આ બધા સંસ્કારો પર ખડખડાટ હસી રહ્યા છે!’

ને મહાત્માએ સાઇકલને જોરથી બ્રેક મારી દીધી. થોડે દૂર એક બસ આખેઆખી સળગતી હાલતમાં ઊભી હતી. લોકો ભાગવાની તૈયારી સાથે જોઈ રહ્યા હતા. એટલામાં તો પોલીસ આવી ને લોકો ભાગ્યા. મહાત્માએ પણ સાઇકલને એક ગલીમાં ભગાવી. એક ભલા છોકરાએ સલાહ આપી કે: ‘કાકા, જલ્દી આહીથી નીકળી જાવ. પોલીસ આવી જશે તો દંડા પડશે.’ એ છોકરાએ ગલીમાંથી બહાર નીકળી જવાનો બીજો રસ્તો પણ બતાવ્યો.

મહાત્મા ફરીથી મુખ્ય રસ્તા પર આવ્યો. એની છાતીમાં વધી ગયેલાં ધબકારા ધીમા પડ્યા. એને વિચાર આવ્યો કે: ‘આ ઉમરે છોકરાઓના હાથમાં એકાદ સારું પુસ્તક, સંગીતનું કે રમતનું સાધન હોવું જોઈએ. એના બદલે પથ્થર!’

આજે મહાત્માનું ઘર જાણે કે દૂર ને દૂર ભાગતું હતું. એના હાથ હવે ધ્રૂજવા લાગ્યા હતા. આંખોમાં જળજળિયાં આવી ગયાં હતાં. નજર સામેથી વિશાખા અને શિતુ હટતાં ન હતાં. એને થયું કે હવે તો શિતુ ચોક્કસ રડતી હશે અને વિશાખા સમજાવતી હશે કે: ‘પપ્પા હમણાં આવશે હોં. તારા માટે કેરી લેતા આવશે.’ એને યાદ આવ્યું કે આજે તો શિતુ માટે કેરી લઈ જવાની છે. પણ કોઈ કેરી વેચવાવાળાને આજે વેપાર કરવામાં રસ નહોતો. બધા સંકેલો કરીને ભાગવાની તૈયારીમાં હતા.

મહાત્માને ખાલી હાથે ઘેર જવું ઠીક ન લાગ્યું. ‘પપ્પા, મારા માટે ભાગ લાવ્યા?’ એવું શિતુ પૂછશે તો પોતે શો જવાબ અપાશે? એ વિચારની સાથે એણે સાઇકલ ઊભી રાખી દીધી. એની નજર એક નાનકડી દુકાન પર પડી. દુકાનદાર દુકાન બંધ કરી રહ્યો હતો. મહાત્મા ઝડપથી દુકાને પહોંચ્યો અને દુકાનદાર પાસેથી બિસ્કિટનું પેકેટ માંગ્યું. ‘હવે નહીં મળે. મારે દુકાન બંધ કરવી છે.’ દુકાનદાર કડવાશથી બોલ્યો. મહાત્માએ આજીજી કરી કે: ‘ભાઈ, નાની દીકરી માટે માંગુ છું. નારાજ થઈ જશે. આપો તો મહેરબાની.’ દુકાનદારે ચાર રૂપિયા છૂટા હોય એ શરતે આપવાની તૈયારી બતાવી. મહાત્માએ પાંચ રૂપિયાની નોટ આપતાં કહ્યું કે: ‘એક રૂપિયો પાછો નહીં આપો તો ચાલશે.’

મહાત્માએ બિસ્કિટનું પેકેટ લઈને સાઇકલ ફરીથી દોડાવી. ‘શિતુ બિસ્કિટનું પેકેટ જોઈને શિતુ રાજી રાજી થઈ જશે અને નાચવા લાગશે. ‘પપ્પા મારા માટે ભાગ લાવ્યા, પપ્પા મારા માટે ભાગ લાવ્યા.’ એવા કાલા કાલા શબ્દોથી આખું ઘર ગુંજી ઊઠશે.’ આવી કલ્પનાઓના કારણે એનો ઉમંગ વધી ગયો હતો.

એની શેરી હવે સામે જ દેખાતી હતી. એણે સાઇકલની ઝડપ ઓછી કરી અને એણે રાહતનો શ્વાસ લીધો. એણે થયું કે: ‘હવે શી ફિકર? શેરી તો આવી ગઈ.’ ત્યાં તો એની પાસેથી પોલીસની ગાડી ઝડપથી પસાર થઈ ગઈ. એ પડતાં પડતાં માંડ બચ્યો. એને ખ્યાલ આવ્યો કે તંગદીલી એની પોતાની શેરી સુધી પણ પહોંચી છે.

મહાત્માએ સાઇકલની ઝડપ વધારી. એ શેરીના નાકા સુધી તો આવી પહોંચ્યો ને જોયું તો ત્યાં લાઠીધારી પોલીસોની ફોજ ખડકાઈ ગઈ હતી. એક પોલીસે એને રોકીને કડકાઈથી પૂછ્યું: ‘એય, ક્યાં જવું છે?’

‘મારા ઘરે. આ શેરીમાં જ છે.’ મહાત્માએ જવાબ આપ્યો.

‘આ પથ્થરમારો થાય છે એ દેખાતું નથી. મરવું છે?’

મહાત્માએ જોયું તો શેરીનો રસ્તા પર પથ્થરો, ઇંટો અને કાચના ટૂકડાઓ પથરાયેલાં હતાં. એક ધાબા પરથી પથ્થરો ફેંકાતા હતા.

મહાત્મા પાછો ફરવા જાય તે પહેલાં તો એક પથ્થર એના માથા સુધી આવી પહોંચ્યો. ધડીંગ!

લોહી! લોહી! ને લોહીથી રંગાયેલાં બિસ્કિટ!

તમ્મર! તમ્મર! ને ધબાકો!

અંધારું! અંધારું ને નર્યું અંધારું!

[3]

‘મમ્મી, પપ્પા ક્યારે આવશે?’ શિતુ વારંવાર પૂછ્યા કરતી હતી.

‘આવશે બેટા, આજે તો વહેલા છૂટી ગયા હશે. હવે આવતા જ હશે.’ વિશાખા સમજાવતી હતી.

પરંતુ મહાત્મા રસ્તા પર પડ્યો હતો. જેને એ પોતાની પોળ માનતો હતો એ પોળના નાકે. આમ તો મહાત્માને આખી પોળ ઓળખતી હતી. કોઈ આંગળી પણ ન અડાડે. પણ પથ્થર કોની ઓળખાણ રાખે છે? તેને ક્યાં દિશાનું ભાન હોય છે? તે ગમે ત્યાંથી આવી શકે છે અને ગમે તેને વાગી શકે છે. એના માટે દેશના વડાપ્રધાન કે સામાન્ય મજૂર બંને સરખા છે. તે દોષિત અને નિર્દોષ વચ્ચે ભેદભાવ રાખતો નથી. પથ્થરને કર્ફ્યુ રોકી શકતો નથી કે કાયદો પકડી શકતો નથી.

મહાત્મા ફરીથી ઊભો ન થયો. એના પર કોઈ પણ જાતનું દેવું ન હતું. થોડું લેણું મૂકીને ગયો. દુકાનદાર પાસે ગલ્લામાં એક રૂપિયો હતો છતાં એણે મહાત્માને આપ્યો નહોતો.

અને મહાત્મા ઘરે આવ્યો. એક જોરદાર ચીસ સાથે વિશાખા મહાત્માને વળગી પડી. નાનકડી શિતુ હેબતાઈ ગઈ. ‘મમ્મી, તું કેમ રડે છે? પપ્પા કેમ સૂઈ ગયા છે? પપ્પાએ મારી કિટ્ટા કરી છે? હવે હું તોફાન નહિ કરું. ભાગ નહિ માંગુ. પપ્પા...પપ્પા... મમ્મી તું પપ્પાને ઊઠાડને.’ શિતુના સવાલોનો વિશાખા પાસે કોઈ જવાબ નહોતા. પરંતુ નાનકડી ઢીંગલીને ખાતર એણે પોતાની જાત પર કાબુ મેળવ્યો. એણે શીતુને પોતાની છાતી સાથે વળગાડી.

આંસુ, રુદન, ડૂસકાં, વલોપાતના સહારે વિશાખાએ રાત પસાર કરી. સવારના અખબારમા પહેલા પાને તોફાનમાં મૃત્યુ પામેલાઓમાં મહાત્માના નામનો સમાવેશ થઈ ગયો હતો.

આ સામાન્ય વાત અહીં પૂરી થાય છે. થોડા દિવસો પછી બધું થાળે પડી જશે. મદદ માટે સરકાર દ્વારા લશ્કરને બોલાવી લેવાયું છે. શાંતિ સમિતિની સ્થાપના પણ થઈ ગઈ છે. તોફાનો કરનારા પણ કેટલા દહાડા કરશે? આખરે તો થાકશે જને? વહેલામોડું બધું રાબેતા મુજબ થઈ જશે.

હવે મહાત્માની ઑફિસના કર્મચારીઓ વાતો કરશે કે : ‘બિચારો જતો રહ્યો! આ દુનિયા સાલી કેવી છે? સારા માણસની કશી કદર નથી. આપણો બોસ સાલો નાલાયક છે. એણે આપણને જો વહેલા છોડી મૂક્યા હોત તો આવું ન બનત. તોય એમ કહો કે મહાત્માનો વીમો છે. ડેથસ્કીમનો પણ લાભ મળશે. કમસેકમ બૈરીછોકરાં દુઃખી નહિ થાય.’

મહાત્માની ઑફિસમાં પણ બધું રાબેતા મુજબ થઈ જશે. સિવાય કે મહાત્માનું ટેબલ કોઈ બીજું સંભાળશે. મહાત્માની ઑફિસમાં એક કલાર્ક છે. મિ. ભાડસાવલે. આવી કોઈ પણ વાત સાંભળીને એ કહે છે કે: ‘આવું તો ચાલ્યા કરે. એમ દુઃખી થઈ જઈએ તો જીવાય કેમ?’

પરંતુ સાંજના મહાત્માના ઘરે આવવાના સમયે શિતુ જ્યારે કહેશે કે: ‘મમ્મી, ચાલ ઓટલે બેસીએ. પપ્પા આવશે.’ ત્યારે? ત્યારે વિશાખા શિતુનું મન રાખવા એની સાથે ઓટલે તો બેસશે પણ જયારે શિતુ થાક્યાપાક્યા શબ્દો વડે સવાલો કરશે કે: ‘મમ્મી, પપ્પા બહુ દૂર જતારહ્યા છે? હવે પાછા ક્યારે આવશે? કહેને, પપ્પા ક્યારે આવશે?’

ત્યારે?

[સમાપ્ત]