અંજામ—૩૧ Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંજામ—૩૧

અંજામ—૩૧

( આગળ આપણે વાંચ્યુઃ બાપુના ફાર્મ-હાઉસના ડ્રોઇંગરૂમમાં બાપુ જીગર સાથે શું ઘટના ઘટી હતી તેનું બયાન આપે છે. વીજય અને ગેહલોત ખુલ્લા મોં એ આશ્વર્યચકિત થઇને જીગરની કહાની સાંભળી રહયા હોય છે....હવે આગળ વાંચો.....)

“ એક મહિનો....પુરો એક મહિનો અમે હોસ્પિટલમાં રહયા. અમારા માટે સમય જાણે થંભી ગયો હતો. અહીના ડોકટરોએ અથાગ મહેનત કરી છતા કોઇ રીઝલ્ટ ન મળતા છેક લંડન અને અમેરિકાથી દિગ્ગજ ડોકટરોને અમે બોલાવ્યા હતા....તેમણે પણ જીગરને ભાનમાં લાવવા મેડિકલ સાયન્સની છેલ્લામાં છેલ્લી તકનીક વાપરી જોઇ પરંતુ તેનુ કોઇ પરીણામ મળ્યુ નહી.... આખરે થાકી હારીને જીગરને અમે અહી, પંચાલગઢમાં લઇ આવ્યા અને અહી જ તેની સારવાર ચાલુ કરી....” પંચાલ બાપુની આંખોમાં ગમગીનીના ઓછાયા તરતા હતા. તેમના સ્વરમાં એક ન સમજાય કે ન સહેવાય એવો ખાલીપો વર્તાતો હતો. ડ્રોઇંગરૂમનું વાતાવરણ સ્તબ્ધ હતુ. અરે... વીરજી અને વીરા જેવા લાગણીશૂન્ય માણસોની આંખો પણ બાપુનો વલોપાત જોઇને ભીની થઇ ગઇ હતી....વીજયને ખુદને પણ પસ્તાવો જનમ્યો હતો પણ તે કશું કરી શકે તેમ નહોતો. ભુતકાળનો સમય વહી ચુકયો હતો અને તે તેનાથી બદલી શકાવાનો નહોતો. એક નિર્દોષ રમતનું આટલું ભયંકર પરિણામ આવશે તેની જો કલ્પનામાત્ર પણ તેને હોત તો કયારેય તેણે એ રમત રમી ન હોત....

“ ડોકટરોનું કહેવુ હતું કે જીગરને માથાના પાછળના ભાગે સીટની લોંખડની એંગલ વાગવાથી ખોપરીના હાડકામાં જે ક્રેક થયુ હતું તેના કારણે મગજમાં લોહી પહોંચાડતી અમુક નસો તૂટી ગઇ હતી....તેની શક્ય એટલી સારવાર તેમણે કરી નાંખી છે છતા પણ અમુક ખામીઓ રહી ગઇ છે જેના કારણે જીગર કોમા માંથી કયારે બહાર આવે તે તેઓ કહી શકે તેમ નહોતા... ખેર, પણ અમે તો જીવતે જીવ અમારા ગઢપણનો સહારો ગુમાવ્યો હતો. મારુ તો ઠીક છે કે ગમે તેમ કરીને આ વિકટ પરિસ્થિતીને હું પચાવી રહયો હતો પરંતુ કેસરબાની હાલત ગંભીર બનતી ગઇ હતી. પહેલા વહાલાસોયો પુત્ર અને વહુ ગુમાવ્યા અને હવે પૌત્ર પણ મરણ પથારીએ પડયો હતો આ હકીકત તેઓ કેમેય કરીને સ્વિકારી શકતા નહોતા. જીગર કરતા તો હવે મને તેની ફીકર વધુ થતી હતી કે જો થોડો સમય વધુ કેસરબાની હાલત આવી જ રહી તો કયાંક તેમને ગાંડપણ ન આવી જાય.... એ તો ભલુ થજો મીનળનું કે જેણે અણીના સમયે અમારા ઘરમાં પગલા માંડયા....એ છોકરીને હું જેટલા ધન્યવાદ આપુ એટલા ઓછા પડશે. જીગરની સાથે તેની સગાઇ થઇ તેને બહુ લાંબો સમય નહોતો થયો. હજુ આ વર્ષે તો તે બંનેના લગ્ન લેવાનું ગોઠવ્યુ હતું તેમાં જીગરની આ હાલાતની વાત તેના કાને પહોંચી એટલે તેના ઘરવાળાના વિરોધ છતા એ છોકરી અહી, આ પંચાલ પરીવાર માટે એક દેવી બનીને રહેવા આવી ગઇ....મીનળના સહવાસથી કેસરબામાં પણ થોડી હિંમત આવી હતી...અને પછી શરૂ થઇ જીવન જીવવાની અમારી જદ્દો-જહેદ...એ સમય ખુબ કઠીન હતો. એક બાજુ જીગરની સારવાર ચાલુ હતી અને બીજી તરફ મારા મનમાં પ્રતિશોધની આગ પ્રજ્વલીત થઇ ચૂકી હતી. તમારી એક બેવકુફભરી રમતના કારણે જીગરની જે હાલત થઇ હતી એવી જ હાલત તમારા બધાની થાય એવુ હું ઇચ્છતો હતો...તેમાં એક દિવસ પંચાલગઢની બજારમાં ચાલી જતી એક છોકરીને જોઇને મારા મનમાં અચાનક એક પ્લાન ઘડાયો....”

“ શું હતો એ પ્લાન....?” ગેહલોતે પુછયું.

“ એ જ કહું છું..... જ્યારે આટલું કહયુ છે તો હવે બધુ જ કહીશ....એ છોકરી રીતુ હતી. મારા આ માણસો થકી મેં તેના નાના ભાઇનું અપહરણ કરાવ્યું અને શરત મુકી કે જો તે મારુ કહયું કરશે તો તેના ભાઇને અમે છોડી મુકીશું.....બસ, પછી શું છે.....? મેં તેનું એડમીશન તમારી કોલેજમાં કરાવી દીધુ અને પ્લાન પ્રમાણે રીતુ તમારા ગૃપમાં ભળી ગઇ.....પછી અમે રાહ જોવાની શરૂ કરી. મારે કોઇક એવા મોકાની તલાશ હતી જે સમયે તમે બધા એક-સાથે મારી બીછાવેલી જાળમાં ફસાઇ જાવ.....એ મોકા ઉભો કર્યો મોન્ટીએ.....”

“ મોન્ટીએ...? પણ તમને કેવી રીતે તેની જાણ થઇ....?” વીજયે પુછયું. થોડીવાર પછી તેને ખુદને જ પોતાના એ સવાલ ઉપર હસવું આવ્યુ. એ તદ્દન બેવકુફીભર્યો પ્રશ્ન હતો.

“ રીતુ....” તે બોલ્યો.

“ હાં...રીતુ. મોન્ટી આબુ જવાનો છે રીતુએ જ અમને જણાવ્યું હતુ. બસ.... પછી આગળનું કામ અમારા માટે સાવ આસાન હતું.....અને થોડુ ઘણુ જે બાકી રહી જતુ હતું એ સુંદરવન હવેલીમાં મઘમાખીઓએ પુરુ કરી નાંખ્યું....”

“ ઓહ...હવે મને સમજાય છે કે તમે લોકોએ શું કર્યુ હશે....!!” વીજય બોલી ઉઠયો.

“ મેં કહયું ને....તમને લોકોને ફસાવવા બહુ સરળ હતું. મોન્ટી સુંદરવનમાં આવ્યો તેના બીજા દિવસે મઘમાખીઓએ ત્યાં કાળો-કેર વર્તાવ્યો હતો. મારા માણસો અગાઉથી ત્યાં હાજર હતા અને પળે-પળની માહિતી મને આપતા હતા. મધમાખીના હલ્લા વખતેજ આ વીરજી અને વીરાએ મોન્ટીને ઉઠાવી લીધો હતો અને તેના ફોનથી તમને બધાને આબુ આવવાનું આમંત્રણ મોકલ્યુ હતું....તમે એ જાળમાં આસાનીથી ફસાઇ ગયા....રીતુને એ સમય દરમ્યાન મેં પંચાલગઢ બોલાવી લીધી હતી અને તેને મોન્ટીનો ફોન આપ્યો હતો જેથી તે તમારી સાથે રહીને તમને જેવી પરિસ્થિતી હોય એ મતલબનો મેસેજ કરી શકે....”

“ અને જેવા અમે આબુ પહોંચ્યા કે તરત તમે અમને બધાને રીતુના હાથે દારૂમાં બેહોશીની દવા ભેળવી પીવરાવી અને એક પછી એક તમામના ખૂન કરી નાંખ્યા....” વીજયે બાપુની વાતનું અનુસંધાન જોડી આપ્યુ.

“ નાં...એ ખૂન મેં કે મારા માણસોએ નથી કર્યા...” બાપુએ હળવી કાતીલ મુસ્કાન સાથે કહ્યું. “ તમારા મોત નિપજાવવાનો મારો કોઇ ઇરાદો નહોતો. એ તો સાવ અચાનક બનેલી ઘટના હતી....તમારી ચીઠ્ઠી ઉછાળવા વાળી રમતની જેમજ..”

“ તો ખૂન કોણે કર્યા....? કે પછી તમે હવે છટકવા માંગો છો.....?”

“ કોનાથી છટકવાનું....? અને શું-કામ....? આટલી શાંતીથી હું તને આખો ખેલ સમજાવી રહયો છું છતા તને સંતોષ થતો ન હોય તો બધા જવાબ આપમેળે જ મેળવી લે ને ભાઇ....” કટાક્ષભર્યા અવાજે બાપુએ વીજયને કહયું

“ એ જે હોય તે.... પણ મને એ જાણવામાં વધુ રસ છેકે મારા મિત્રોના મોત પાછળ કોનો હાથ છે....?”

“ રધુ કબાડી અને માધોસીંહનો....” બાપુએ ધમાકો કર્યો.

“ હેં......?” વીજય અને ગેહલોત બંને એક-સાથે બોલી ઉઠયા. તેમને જાણે પોતાનાજ કાનો ઉપર વિશ્વાસ આવ્યો નહી કે બાપુ જે બોલ્યા છે એ સત્ય છે કે ફરેબ...!! આખી વાર્તા જાણે ગોળ-ગોળ ઘુમી રહી હોય એવું તેમને લાગ્યુ.

“ હાં.... તમારા દોસ્તોના ખુન રઘુ અને માધોસીંહે કર્યા છે....”

“ પણ કેમ....? મતલબ શું-કામ.... તેમને શું દુશ્મની હતી અમારી સાથે.....?” વીજયે હેરાનીથી પુછયુ. તેની અને બાપુ વચ્ચેનો વાર્તાલાપ ખુબ લાંબો થતા ગયો હતો. બાપુ એક પછી એક ડુંગળીના પડ ઉખડે એમ રહસ્યના પડળ ઉઘાડી રહયા હતા. કયારેક તો વીજયને એવુ લાગતુ હતુ કે બાપુ કોઇ નાના છોકરાને લોલીપોપ આપીને પટાવી લે એમ તે તેને અને ગેહલોતને એક અસંભવ લાગતી વાર્તા સંભળાવી ને પટાવી રહ્યા છે....પણ એમાં તેમનો શું મકસદ હતો એ તે સમજી શકતો નહોતો.

“ રઘુ અને માધો તો સાવ અચાનક જ આ ચીત્રમાં આવ્યા હતા અને મેં તેનો ભરપુર ઉપયાગ કર્યો હતો....પરંતુ મને ખુદને જાણ નહોતી કે એ લોકો આવી ભયંકર રીતે ખૂનની હોળી ખેલશે...મને તો હજુ પણ વિશ્વાસ નથી થતો કે એ લોકોએ કેમ આટલી ક્રુરતાભર્યુ કૃત્ય આચર્યુ હશે. મારે ફકત તમારા લોકોના બ્રેઇનવોશ કરવા હતા....તમારા બધાની યાદદાસ્ત જતી રહે અને તમે બધા જીંદગીભર પાગલપણાની અસર હેઠળ જીવતા રહો એવું મારે કરવુ હતુ. રીતુએ તે રાત્રે તમને જે દારૂ પીવરાવ્યો હતો તેમાં માનવીના મજ્જાતંતુને ભારે નુકશાન કરે એવુ કેમીકલ મેં અગાઉથી જ ભેળવી રાખ્યુ હતુ. એ કેમિકલથી માનવી મરી તો ન જાય પરંતુ તેની હાલત એક માનસીક રોગી વ્યકિત જેવી થઇ જાય...મારે તમને બધાને એક એવી દોઝખભરી જીંદગી આપવી હતી જેમાં જીવન કરતા મૃત્યુ વહાલું લાગવા માંડે.... જે હાલતમાં અત્યારે મારો જીગર જીવે છે કંઇક એવી જ હાલત હું તમારી કરવા માંગતો હતો....પરંતુ રઘુ અને માધોએ મારા પ્લાનમાં ફાચર મારી હતી....એ રાત્રે તેઓ અચાનક ત્યાં આવી ચડયા હતા અને આ વીજીએ તેમને જોયા હતા. વીરજી મને ફોન કર્યો હતો અને અચાનક મારા મનમાં એક વિચાર ઝબકયો....”

“ જ્યારે રીતુ ઓલરેડી અમને બઘાને એ કેમિકલ યુક્ત દારૂ પીવડાવી ચુકી હતી તો પછી રઘુ અને માધોને તેમાં શામિલ કરવાની શું જરૂર હતી...?” વીજયે પુછયુ. તે જેમ-જેમ બાપુની કથની સાંભળતો જતો હતો તેમ-તેમ નવા ગૂંચવાડા તેની સમક્ષ ઉભરી રહયા હતા. ગેહલોતે રઘુ અને માધોને સુંદરવન હવેલી માંથી ગિરફતાર કર્યા હતા અને અત્યારે તે બંને ઓલરેડી પોલીસ લોક-અપમાં હતા એટલે બાપુ જો ખોટુ બોલતા હોય તો તેની ખરાઇ તેઓ રઘુ પાસે કરાવી શકે તેમ હતા.... તેમ છતા ધણી વિરોધાભાસ ભરેલી કહાની બાપુ સંભળાવી રહયા હતા.

“ તમને લોકોને દારૂના બે-ત્રણ હેવી ડોઝ પીવડાવવા જરૂરી હતા....કારણ કે તો જ તેમાં ભેળવેલુ કેમિકલ તમારા મગજને પુરેપુરુ ખોખલું કરી શકે. મને ખબર હતી કે રીતુ એ કામ કરવાની આના-કાની કરશે એટલા માટે મેં રઘુ અને માધોને વીરજીને કહી અમારી સાથે ભેળવ્યા જેથી કરીને રીતુએ તમને પાયેલા પહેલા ડોઝની અસર ખતમ થવા આવે કે તરત રઘુ અને માધો તમને બીજો ગ્લાસ પીવડાવી દે....બીજા પછી ત્રીજો અને ચોથો ગ્લાસ ....જો તમે આસાનીથી ન પીવો તો બળજબરીથી પીવડાવે.....” બાપુ બોલ્યો. આ સમગ્ર વાર્તાલાપ દરમ્યાન તેમની એક નજર સતત વીરજી ઉપર મંડાયેલી હતી. વીરજી દાદર પાસે ઉભો હતો અને હવે તે હળવે-હળવે રેવાના માથા ઉપર હાથ પસવારી રહયો હતો. જાણે તે ઘુરકાટ કરતા રેવાને શાંત પાડવાની કોશીષ કરતો હોય એવી તેની ચેષ્ટા હતી.....જો કે વીરજીના મનમાં એક ખતરનાક વિચાર આકાર લઇ ચુક્યો હતો. તેને બસ.... એક મોકાની તલાશ હતી અને એ મોકો તેને બહુ જલ્દી મળવાનો હતો.

“ રઘુ અને માધો આસાનીથી તમારી સાથે કામ કરવા રાજી થઇ ગયા....?” વીજયે પુછયુ.

“ તેમની પાસે બીજો વિકલ્પ નહોતો. તેમનું ડ્રગ્સ તેમણે એ હવેલીમાં સંતાડયુ હતુ અને એ ડ્રગ્સ વીશે બીજા કોઇને ખબર પડે એ તેમને પાલવે એમ નહોતું....”

“ ઓ.કે.... માની લઇએ કે તમે જે કહયું એમ જ થયુ છે અને રઘુએ ખુન કર્યા છે તો પછી તે પોલીસ લોક-અપમાં કબુલતો કેમ નથી....?”

“ એ મને શું ખબર.....? મને તો હજુ પણ નથી સમજાયું કે તેણે એ હત્યાકાંડ શું-કામ કર્યો હતો....?”

“ તમે પુછયું નહી હોય....?”

“ હું પુછું એ પહેલાતો આ ગેહલોતે એ બંનેને દબોચી લીધા હતા.....”

“ લોક-અપમાં મેં તેમની આકરી પુછપરછ કરી હતી છતાં તેઓએ ખુનની બાબત કબુલી નહોતી....” ગેહલોત બોલ્યો.

“ તેઓ રીઢા ગુનેગાર છે..... તું તો શું, કદાચ ખુદ વિધાતા આવીને તેમને પુછેને તો પણ તેઓ સત્ય કહે નહી....” ઉપહાસભર્યા અવાજે બાપુ બોલ્યા. “ અને હવે જો તમને સંતોષ થયો હોય તો તમારે જે કરવા યોગ્ય લાગતુ હોય એ કરવા માંડો એટલે એક કામ પતે....આમ વાતોમાં સમય બગાડશો તો હાથમાં કંઇ નહિ આવે....”

“ વીજય...ગમે ત્યાંથી પહેલા એક રસ્સી શોધી લાવ અને બાપુના હાથ-પઘ બાંધી દે. જો રસ્સી ન મળે તા ચાદર કે ઓશીકાના કવર, સોફાના કવર....જે પણ મળે તેનાથી સૌથી પહેલા બાપુને અને પછી તેના બંને માણસોને બાંધ.... ત્યાં સુધીમાં હું ફોન કરીને પોલીસ ફોર્સ મંગાવી લઉ છું....” ગેહલોતે વીજયને કહયું અને ખિસ્સામાંથી ફોન કાઢવા લાગ્યો....વીજયને ગેહલોતની વાત ઉચિત લાગી એટલે તેણે ત્યાં ઉભા-ઉભા જ ડ્રોઇંગરૂમમાં દોરડા જેવી કોઇ વસ્તુ શોધવા નજર ઘુમાવી. એક નજરમાં તો એવુ કંઇ તેને ઝડયુ નહી એટલે આખરે તેણે સોફા ઉપર પાયરેલી આછા કાપડની નેટવાળી સોફા-મેટ ઉપર પસંદગી ઉતારી અને એ સોફાના કવરને ઉઠાવવા આગળ વધ્યો..

બરાબર એ જ સમયે એક સાથે બે હરકત થઇ. એક તો ગેહલોતે પોલીસ કંન્ટ્રોલરૂમમાં ફોન લગાવ્યો હતો જેના લીધે તેણે બાપુ તરફ તાકેલી ગનનું નીશાન હલ્યુ હતું....અને બીજુ, આ મોકાનો ભરપુર લાભ વીરજીએ ઉઠાવ્યો હતો. વીરજી કયારનો ઉભો-ઉભો રેવાની કાળી ચામડી પર હાથ ફેરવી રહયો હતો પરંતુ તેનું સમગ્ર ધ્યાન ગેહલોત અને વીજય ઉપર કેન્દ્રીત હતુ. જેવા તે બંને થોડા અસાવધ થયા કે તરત જ તેણે રેવાના ગળામાં બાંધેલા પટ્ટાનો હુંક ખોલી નાંખ્યો હતો....ગળામાં ભેરવેલા કાંઠલા માંથી દાદરે બાંધેલો પટ્ટાનો હુંક ખુલતા જ રેવા આઝાદ થયો હતો. બે સેકન્ડ-માત્ર બે સેકન્ડ તે ઉભો રહયો....ડ્રોઇંગરૂમમાં તેની સામે ઉભેલા બાપુ, ગેહલોત અને વીજય તરફ તેની કાળી આંખો મંડાણી....અને પછી સૌથી નજીક, સોફામાંથી કવર ઉંચકી રહેલા વીજય ઉપર તે ભયાનક વેગથી કુદ્યો...ગણતરીની ચંદ સેકન્ડોમાં આ બન્યુ હતુ.....કોઇ કંઇ સમજે એ પહેલા જ રેવા છુટયો હતો અને તેણે વીજયની પીઠ ઉપર જમ્પ લગાવ્યો હતો.... વાંકા વળી સોફા ઉપર પાથરેલી સોફા-મેટ ઉઠાવવામાં મગ્ન વીજયને અચાનક તેની પીઠ પાછળ કંઇક સળવળાટ સંભળાયો અને તે ઝડપથી પાછળ ફર્યો...પરંતુ ત્યા સુધીમાં ઓલ-રેડી રેવાએ જમ્પ લગાવી દીધો હતો....શરીરની એક સ્વાભાવીક રીએકશન પ્રણાલી પ્રમાણે જ વીજયે તેના બંને હાથ રેવાને ખાળવા આગળ ધરી દીધા. તેના હાથમાં સોફા ઉપરથી ઉઠાવેલી મેટ હતી જે તેના જમણા હાથ ઉપર વીંટળાઇ ગઇ હતી....રેવાના ખતરનાક અણીવાળા દાંત એ મેટમાં ખૂંપ્યા....જમ્પ મારી કુદેલા રેવાને ખાળવા વીજયે હાથ આડા કર્યા હતા જેના લીધે રેવાએ તેનું પ્રથમ બટકુ વીજયના જમણા હાથ ઉપર ભર્યુ. એ હાથમાં સોફાનું કવર વીંટળાયેલુ હતુ તેમાં રેવાના કાતીલ દાંત ખૂંપ્યા અને લોંખડના ખીલ્લા જેવા લાંબા દાંત હુંકની જેમ વીજયના કાંડામાં ભરાયા.... જાણે કોઇએ ધગધગતા લોંખડના પાંચ-સાત સળીયા એક સાથે કાંડામાં ખૂંપાવી દીધા હોય એવુ વીજયને લાગ્યુ અને તેના મોંમાંથી ભયાનક દર્દની એક આહ નીકળી ગઇ....પીન્શર ડોગનો દેહ પાતળો હોય છે અને એ દેહના પ્રમાણમાં તેનું મોંઢુ-જડબુ નાનુ અને પાતળુ હોય છે પણ તેના પાતળા દેહમાં અસીમ તાકાત સમાયેલી હોય છે. તેના મોંઢાનું જડબુ જાણે વજ્રનું બનેલુ હોય એટલુ સખત અને મજબુત હોય છે જેની પ્રતીતી અત્યારે વીજયને થઇ રહી હતી.....

ભયાનક દર્દથી વીજય કરાહી ઉઠયો અને આપમેળે તેના પગ પાછળ ધકેલાયા. પાછળ સોફો હતો જેની ધાર સાથે તેના પગ ટકરાયા અને બેલેન્સ ગુમાવી તે સોફામાં ફંગોળાયો.....પણ, આ સાથે બીજી પણ એક ઘટના ઘટી હતી. જેવો પીન્શર કુતરો વીજય ઉપર કુદયો કે ગેહલોતે ગભરાહટમાં તેના હાથમાં પકડેલી ગનનું ટ્રીગર દબાવી દીધુ હતું....એ સાવ આકસ્મિક ક્રિયા હતી. જાણે પોતાના સ્વ-બચાવમાં ગેહલોતે ટ્રીગર દબાવ્યુ હોય એવી જ.....તેની ગનમાંથી છુટેલી ગોળી સીધી બાપુ ના ડાબા પગમાં પહેરેલી મોજડીના પાછળના ભાગે ખૂંપી ગઇ. બાપુને જોરદાર ઝટકો લાગ્યો અને તેઓ પાછળ તરફ ઉછળ્યા. તેઓ જે સોફામાંથી ઉભા થઇને આગળ આવ્યા હતા એ જ સોફામાં ઉછળીને તેઓ પડયા. ગેહલોતની ગોળી તેમના ડાબા પગની મોજડીને વીંધી ઘૂંટી અને તળીયા વચ્ચેના હાડકામાં ખલાઇ ગઇ હતી અને મોજડીમાંથી લોહીની સરવાણી ફુટી નીકળી હતી....બાપુને ઉછળતા જોઇ વીરજી અને વીરા બંને એકસાથે દોડયા.

“ વીરા....તું બાપુને સંભાળ...” વીરજીએ દોડતા જ કહયું અને ભયાનક વેગથી તેણે પોતાના ભારેખમ છ-ફુટ ઉંચા શરીરને ગેહલોત ઉપર ફંગોળ્યુ. ગેહલોત તેના હાથે અચાકન છુટેલી ગોળીના આઘાતમાંથી બહાર નીકળે એ પહેલા તો ધસમસતા પહાડ જેવો વીરજી તેના શરીર સાથે કોઇ ભારેખમ ટ્રક અથડાય તેમ અથડાયો હતો....ગેહલોતના પગ એ ટક્કરથી જમીન ઉપરથી ઉખડયા અને તે પીઠભેર ડ્રોઇંગરૂમની લીસી ચમકદાર ફર્શ ઉપર પથરાયો. વીરજીએ તેના શરીરને ગેહલોતના શરીર ઉપર રીતસરનું પડતું જ મુકયુ હતુ. ચત્તાપાટ પડેલા ગેહલોત ઉપર વીરજી નામનો તોતીંગ પહાડ ખાબક્યો હતો અને માત્ર ચંદ સેકન્ડોમાં જ ગેહલોત વીરજીના ભાર તળે ગુંગળાવા લાગ્યો હતો..

ઘડીના છઠ્ઠા ભાગમાં આ દ્રશ્ય ભજવાયુ હતુ. કોઇ કંઇ સમજે-વીચારે એ પહેલા તો આ અજીબ ઘટના બની ગઇ હતી. બાપુ તેમના ડાબા પગને બન્ને હાથે પકડી સોફામાં બેઠા કરાહી રહયા હતા. અસીમ દર્દથી તેમની આંખોમાં પાણી છવાઇ રહયુ હતુ....એ જોઇ વીરા ત્યાં સોફા નજીક જ બેસી ગયો. આવી હાલતમાં શું કરવું જોઇએ એની કંઇ જ ગતાગમ તેને પડતી નહોતી....આજ દિ સુધી તેણે વાંકા વળીને બાપુની ચાકરી જ કરી હતી એટલે અત્યારે બાપુની હાલત જોઇને તેને કંઇક વિચિત્ર અનુભુતી થતી હતી....તે ઘડીક એમ જ, સાવ અનિર્ણિત દશામાં બેસી રહયો. આખરે, હિંમત કરીને તેણે બાપુનો પગ પોતાના હાથમાં લીધો....ઝડપથી તેણે પહેરેલા પહેરણના ગજવામાંથી રૂમાલ કાઢયો અને બાપુના પગની ઘૂંટીની ઉપર કચકચાવીને બાંધ્યો. વીરા એ આટલુ કર્યુ તેમાં પણ બાપુના હોશ ઉડી ગયા હતા. ગનમાંથી છુટેલી ગોળી ઘૂંટીની બરાબર નીચેના હાડકા સાથે ટકરાણી હતી અને એ હાડકાને તહસ-નહસ કરતી પગના તળીયામાં કયાંક અટવાઇ ગઇ હતી. પગના પંજાને ઘૂંટી સાથે જોડતુ હાડકું ન જાણે કેટલા ટુકડામાં ભાંગ્યુ હતુ. ગનીમત એ હતુ કે તેમનો પગ ઘૂંટીથી અલગ પડયો નહોતો.

તેનાથી પણ ભયંકર હાલત વીજયની હતી. તે રેવાના જડબામાં ઝકડાયેલા હાથને છોડાવવા રીતસરનો ઝઝૂમી રહયો હતો. સોફા ઉપર પીઠના બળે તે ખાબકયો હતો અને રેવા તેની છતી ઉપર ચડી બેઠો હતો. વીજયનો જમણો હાથ સોફાના કવર સાથે રેવાના મોંમાં હતો. જો એ સોફા-મેટ તેના હાથમાં વીંટળાયેલી ન હોત તો અત્યાર સુધીમાં રેવાએ વીજયનો હાથ રીતસરનો ચાવી નાંખ્યો હોત...એમ છતા અત્યારે જે પરિસ્થિતી હતી એ પણ ઘણી ગંભીર હતી. રેવા તેના દાંતની ભીંસ વધાર્યે જ જતો હતો અને સાથે-સાથે તેના બંને પગના પંજાના અણીદાર નખ વીજયની છાતી અને મોં ઉપર ખૂંપાવવાની કોશીષ કરી રહયો હતો. વીજય મહા મેહનતે રેવાને ખાળી રહયો હતો. તેનો ડાબો હાથ છુટ્ટો હતો જેનાથી તે રેવાના બંને પગને વારા ફરતી ઝાટકી રેવાને નીચે પાડવાની કોશીષ કરતો હતો. રેવાના મોંઢામાંથી ભયાનક ઘુરકાટ નીકળતો હતો અને તે પોતાનું માથુ ઝનૂનપુર્વક હલાવતો વીજયના હાથને તેના કાંડામાંથી છૂટ્ટો પાડવા ઝઝૂમી રહયો હતો....એ દ્રશ્ય ભયાનક હતુ. જંગલમાં સિંહના મોંઢામાં ફસાયેલા નાજૂક હરણા ના શરીરની જે બેરહમીથી સિંહ મીજબાની ઉઠાવે...તેના શરીરની અંદરના અંગોને ભારે ઝનૂનપૂર્વક ખેંચીને બહાર કાઢે એવાજ ઝનૂનપૂર્વક અત્યારે રેવા વીજયના કાંડાને તેના હાથથી છુટો કરવા બળ કરી રહયો હતો. જો થોડો વધુ સમય આ જ સ્થિતી રહી તો ચોક્કસ રેવા કામયાબ નીવડવાનો હતો...પરંતુ સાવ અચાનક જ વીજયે પેંતરો બદલ્યો. તેના પોતાના શરીરમાં હતુ એટલુ જોર કરીને તેણે સોફા ઉપરથી ઉભા થવાની કોશીષ કરી અને સાથો-સાથ તેણે પોતાની ડાબી તરફ પડખું ફર્યુ....એટલુ કરવામાં પણ તે હાંફી ગયો પરંતુ તેની એ કોશીષ કામીયાબ નીવડી....ડાબી બાજુ પડખું ફેરવવાથી તેની છાતી ઉપરથી રેવા ડાબી બાજુ સોફા ઉપર પડયો અને એ સાથે જ ઝટકા સાથે ઉભા થઇ વજયે પોતાના ખુલ્લા ડાબા હાથે રેવાનું ગળુ પકડયું અને પછી તેના ઉપર ચડી બેઠો....થોડીવાર પહેલા જે પોઝીશનમાં વીજય હતો એ પોઝીશનમાં હવે રેવા આવ્યો હતો....પરિસ્થિતી પળે-પળે ખતરનાક રંગ બદલી રહી હતી. બે ખૂંનખાર પ્રાણીઓ આપસમાં પોતાનું અસ્તિત્વ બચાવવા ભયંકર રીતે ઝઝુમી રહયા હતા.

વીજય પોતાના શરીરની સમગ્ર તાકાત એકઠી કરી રેવાનું ગળુ ભીંસી રહયો હતો. તેનો હાથ ધ્રુજતો હતો...તેની આંખોમાં લાલાશ તરી આવી હતી....સામા પક્ષે રેવાએ હજુ પણ વીજયનો જમણો હાથ છુટો કર્યો નહોતો....પરિસ્થિતી પલટાવાથી એ પ્રાણી જોકે થોડુ ગભરાયુ હતુ....તેમ છતાં તે એક ખતરનાક લડાયક મીજાજનું પ્રાણી હતું એટલે આસાનીથી હાર માનવાનું તેના સ્વભાવમાં નહોતુ.

( ક્રમશઃ)