Anjam Part - 7 books and stories free download online pdf in Gujarati

Anjam Part - 7

અંજામ

પ્રકરણ - 7

સસ્પેન્સ થ્રીલર નવલકથા

પ્રવિણ પીઠડીયા

કારની પાછલી સીટ પરથી ગેહલોત ઉપર જમ્પ મારીને કુદેલા શખ્શે ગેહલોતને નીચે જમીન પર પછાડી દીધો હતો. અને તેનું ગળુ ભીંસી મારી નાખવા માંગતો હોય તેમ બળ કરી રહ્યો હતો. દુર ઉભેલા પુરોહીત અને માધોસીંહે તે જોયું અને તેઓ દોડી આવ્યા હતા. પુરોહીતે તે શખ્શને પાછળથી પકડ્યો અને તેને દુર ખેંચવાની કોશીષ કરવા લાગ્યો જ્યારે માધોસીંહે એ શખ્શના બન્ને હાથ પકડી તેને ગેહલોતના ગળા પરથી હટાવવાની કોશીષ કરી. ભારે જહેમત બાદ તેઓ સફળ થયા. પુરોહીતે તે વ્યક્તિને પોતાની બાંહોમાં જકડીને ઉચકી લીધો હતો. તેની જેવા હટ્ટા કટ્ટા વ્યક્તિને પણ એ સમયે પરસેવો વળી ગયો. ભારે ઝનુન અને અસામાન્ય તાકાત કારમાંથી પીઠ પાછળથી આગળ સરકાવીને કોઈ નાના બાળકને ઉચકે તેમ ઉંચકીને ગોળ ફર્યો હતો. આટલુ કરવામાં પણ તેને હાંફ ચડી ગયો હોતો. તે વ્યક્તિ પુરોહીતના હાથમાંથી છુટવા ભારે ધમપછાડા કરી રહ્યો હતો... તેના પર જાણે ઝનુન છવાયુ હોય એમ તે બળ કરી તેના હાથ-પગ ઉછાળી રહ્યો હતો... માધોસીંહ, ગેહલોતને ઉભા કરવામાં પરોવાયો. ગેહલોત અધુકડો બેઠો થયો. ગળુ દબાવાના કારણે તેની આંખો લાલ થઈ ગઈ હતી, અને પાણી ઘસી આવ્યુ હતું. તે લગભગ મરવાની કગાર સુધી પહોંચી ગયો હતો. તે શખ્શે એક જ વારમાં તેને પછાડી દીધો હતો... ગેહલોતે પોતાની પુરી જીંદગીમાં આવી ખતરનાક સ્થિતિનો સામનો ક્યારેય કર્યો નહોતો... પુરોહીત અને માધોસીંહે જો થોડો વધુ સમય લગાડ્યો હોત તો જરૂર તેના રામ રમી ગયા હોત તે નિર્વિવાદ હતુ...

માધોસીંહે ગેહલોતને ઉભા થવામાં મદદ કરી. આસ્તેથી ગેહલોત ઉભો થયો. તેનું ગળુ ચચરતુ હતુ. તેની પિસ્તોલ અને મોબાઈલ ઉડીને ક્યાંક પડ્યા હતા. સૌથી પહેલા તેણે પોતાની પિસ્તોલ ગોતી અને પછી મોબાઈલ. પિસ્તોલને હોલસ્ટરમાં ગોઠવી તે પુરોહીત તરફ ચાલ્યો... માધોસીંહ તેની પાછળ દોરવાયો. પેલા શખ્શના ધમપછાડા થોડા ઓછા થયા હતા. વિક્રમ ગેહલોતે તેના માથાના વાળ પોતાના ડાબા હાથની મુઠ્ઠીમાં પકડ્યા, તેનું માથુ થોડુ ઉંચુ કર્યું અને ભારે ઝનુનથી જમણા હાથની એક ઝન્નાટેદાર ચપાટ તેના ગાલે વિંઝીં... ચટાક... સુંદરવન હવેલીના શાંત વાતાવરણમાં એક અવાજ ગુંજ્યો... અને પછી વિક્રમે ઉપરા-ઉપરી બે-ત્રણ ઝાપટ તે શખ્શના ગાલે ઝીંકી દીધી... તે શખ્શનો હોઠ ચીરાયો અને હોઠના ખૂણેથી લોહીની ધાર નીકળી. પસ્ત થઈને તે ઢીલો પડ્યો. તેના હાથ-પગ ઉછળતા બંધ થયા...

‘‘પુરોહીત... હથકડી પહેરાવ સાલાને... અને જીપમાં બેસાડી તેના પગ પણ બાંધ...’’ ગેહલોતે ખારથી કહ્યું.

‘‘તેની પુછતાછ કરવી પડશે... આ હરામખોર અહીં કારમાં ક્યાંથી આવ્યો અને તેનું આ બનાવ સાથે શું કનેક્શન છે. એ જાણવું પડશે... સૌથી પહેલા તો આ બન્ને કારની તલાશી લેવી જરૂરી છે. તું એને સાચવ ત્યાં સુધી હું અહી તપાસ કરુ છું...’’

‘‘ઓ.કે. સર...’’ પુરોહીતે કહ્યુ અને તે પેલા શખ્શને લઈને જીપ તરફ ચાલ્યો.

ગેહલોત ફરી પાછો પાર્કિંગ લોટમાં મુકાયેલી પેલી બન્ને કારો તરફ ચાલ્યો... માધોસીંહ પુરોહીતની પાછળ ગયો.

જે કારમાંથી પેલો શખ્શ કુદ્યો હતો એ કાર ‘‘સ્કોર્પીયો’’ હતી. ગેહલોતે ઝીણવટથી તેની તલાશી આદરી. તેમાંથી તેને એક મોબાઈલ મળી આવ્યો હતો. આ એ જ મોબાઈલ હતો જેમાં ગેહલોતે હજુ હમણા થોડીવાર પહેલા રીંગ વગાડી હતી. ગેહલોતે તે મોબાઈલને પોતાના ખીસ્સામાં સરકાવ્યો... અહીં જે વારદાત થઈ હતી તેમાં આ મોબાઈલ ઘણો મહત્વનો હતો એ તે સારી રીતે સમજતો હતો. કારની તલાશીમાં આ સીવાય મહત્વનું બીજુ કંઈ મળ્યુ નહિ.

વિક્રમ ગેહલોત સમજી ચૂ્ક્યો હતો કે આ કેસ તેની જીંદગીનો સૌથી મહત્વનો અને સૌથી વધુ ચેલેન્જીંગ કેસ સાબીત થવાનો છે. અહીં ‘સુંદરવન’ હવેલીમાં જે કાંડ સર્જાયો છે તેના પડઘા સમગ્ર રાજસ્થાન, ઉપરાંત ગુજરાત અને પુરા દેશમાં પડ્યા વગર રહેવાના નથી... અને એટલે જ તે આ કેસની ડીટેલ ભેગી કરવામાં કોઈ કચાશ રાખવા માંગતો નહોતો જેથી કરીને ભવિષ્યમાં તેના માથે એ બાબતે માછલા ન ધોવાય...

HO પરથી આવેલા કોન્સ્ટેબલોએ સમગ્ર હવેલીને ખુંદી નાખી હતી. ખૂણે-ખૂણાની તલાશી લેવામાં આવી હતી. જે કમરામાં લાશો મળી આવી હતી તેને સીલ કરવામાં આવ્યો હતો... સૌથી વધુ હેરાન કરે તેવી વિચિત્ર બાબત એ હતી કે આ હત્યાકાંડ વીશે ક્યાંય કોઈ અન્ય સુરાગ મળ્યો નહોતો...

સમગ્ર ઘટનાક્રમમાં ચાર લાશો મળી હતી... બે સુરત પાસિંગની કાર હતી... એક ઝનુની વ્યક્તિ પકડાયો હતો... અને એક મોબાઈલ મળ્યો હતો... બસ, આટલા સબુત ગેહલોત પાસે હતા જેના દ્વારા તેણે આ કેસને ઉકેલવાનો હતો... અને હાં... ‘સુંદરવન’ હવેલી પણ હતી...

પુરોહીત પેલા શખ્શને લઈને જીપ પાસે આવ્યો અને તેને જીપના પાછળની સીટ પર ધક્કો મારીને ચડાવ્યો. પેલો વ્યક્તિ સીટ પર બેઠો એટલે પુરોહીતે તેના હથકડી પહેરાવેલા હાથને ઉંચા કરી જીપના હુડમાં લગાવેલા સળીયા સાથે હથકડી બાંધી... પછી સીટની નીચેથી દોરડુ કાઢી તેના પગ બાંધ્યા અને તે વ્યક્તિના ચહેરા તરફ દેખાવે રૂપાળો હતો. તેના ચહેરા પર બે ત્રણ દિવસની દાઢી ઉગી નીકળી હતી. કપડા મેલા અને અસ્તવ્યસ્ત હતા. તેની આંખો જાણે શૂન્યમાં તકાયેલી હોય તેમ સ્થીર હતી... સારા ઘરનો છતા પાગલ વ્યક્તિ હોય એવા તેના દેદાર પહેલી નજરે દેખાઈ આવતા હતા... પુરોહીત ધ્યાનથી તેને જોઈ રહ્યો...

‘‘સાહેબ... હવે હું જાઉં...?’’ માધોસીંહે પુરોહીતને પુછ્યુ. તે તેની પાછળ આવ્યો હતો.

‘‘તમે ક્યાં જવાના માધોસીંહ... તમારે હજુ પોલીસ થાણે આવવું પડશે...’’ પુરોહીતે માધોસીંહ તરફ ફરતા કહ્યું.

‘‘પણ માઈબાપ... મેં જે જોયું હતું એ બધુ તમને જણાવી દીધુ. હવે મારુ શું-કામ ? મને ઘરે જવાદો... મારી રાહ જોવાતી હશે...’’ માધોસીંહે કરગરતા અવાજે કહ્યું.

‘‘અરે ભાઈ... ગભરાવાની બિલકુલ જરૂર નથી તું આ કેસમાં મહત્વનો સાક્ષી છો એટલે તારે પોલીસથાણે તું આ કેસમાં મહત્વનો સાક્ષી છો એટલે તારે પોલીસથાણે તો આવવું પડશેને... ત્યાં ફરીથી તારુ બયાન લેવાશે અને પછી તને જવા દેશું.’’ પુરોહીતે કહ્યું. તમે માંથી તે અચાનક તું પર આવ્યો હતો. માધોસીંહને સમજાયુ હતુ કે તે આ કેસમાં બરાબરનો ફસાવાનો છે. પોલીસવાળા આસાનીથી તેને છોડશે નહિ.

‘‘ઠીક છે સાહેબ... તો હું મારા ઘરે ફોન તો કરી શકુને... જેથી તેઓ મારી રાહ ન જુએ...’’

‘‘હાં ફોન કરીને જણાવી દે કે તને આવતા સમય લાગશે...’’

માધોસીંહે, ફોન કર્યો અને પુરોહીત ઉભો હતો ત્યાંથી દુર ચાલ્યો... સુંદરવનના ડ્રાઈવ-વેમાં તેઓ ઉભા હતા ત્યાંથી માધોસીંહ ગેટ તરફ ચાલતો થયો... ચાલતા-ચાલતા જ તેણે ફોનમાં એક નંબર ડાયલ કર્યો અને ફોન કાને મુક્યો... બે-ચાર રીંગ વાગી અને પછી સામા છેડે ફોન ઉંચકાયો...

‘‘હલ્લો...’’ ફોનમાં એક ઘોઘરો અવાજ આવ્યો. પોલીસ ગોઠવાઈ ચૂકી છે. હમણા કોઈ હલચલ કરતા નહી નહિતર મર્યા સમજજો... વધુ વાત નહિ થાય... બાકી, રૂબરૂ મળીએ ત્યારે... આટલુ કહીને માધોસીંહે ફોન કટ કરી નાખ્યો. સામેવાળો શું કહે છે એ સાંભળવા પણ તે રોકાયો નહી. તેના કરચલીવાળા ચહેરા પર આટલી વાત કરતા પણ પરસેવો ફુટી નીકળ્યો હતો. તે ધડકતા હ્યદયે ફરી પાછો પુરોહીત પાસે આવ્યો.

ભારે ધમાચકડી મચી હતી... માઉન્ટ આબુમાંથી નિકળતા લોકલ છાપાવાળાઓએ સુંદરવન હેવલી ઉપર રીતસરનો હલ્લો બોલાવ્યો હતો. તેઓ માટે આ ન્યૂઝ ગરમા-ગરમ શીરા જેવા હતા. ચાર-ચાર ખુન થયા હતા આ કોઈ નાનીસુની બીના નહોતી. આ સમાચાર વાવાઝોડાની જેમ ચો-તરફ ફેલાયા હતા અને લોકલ ન્યૂઝપેપર તેમજ ન્યૂઝ ચેનલવાળાઓએ આ ઘટનાને રાષ્ટ્રીય સ્તરે ફેલાવવાનું શરૂ કર્યું હતું... જેના કારણે રાજસ્થાન અને ગુજરાતના પોલીસ બેડામાં ભારે હલચલ શરૂ થી હતી.

રાજસ્થાનના આઈ.જી.પી. કેદાર શર્માએ આ ઘટનાની તમામ ડિટેલ પોતાને તાત્કાલીક ધોરણે મળે એવા હુકમ રીલીઝ કર્યા... વિક્રમ ગેહલોતે આઈ.જી.પી. કેદાર શર્માને ફોન કર્યો હતો અને ફોન પર જ તેણે જે કાર્યવાહી કરી હતી એ વીશે માહિતગાર કર્યા હતા... આઈ.જી.પી. કેદાર શર્માને ગેહલોતની કામગીરીથી સંતોષ થયો હતો એટલે આગળની તપાસની સંપૂર્ણ જવાબદારી તેમણે ગેહલોતને સોંપી... વિક્રમ ગેહલોતને આ નિર્ણયથી ઘણી રાહત થઈ હતી અને તે ઝનુનપૂર્વક કેસની તપાસમાં લાગી ગયો હતો.

સુંદરવન હવેલીને સીલ કરવામાં આવી. ચાર કોન્સ્ટેબલોને ત્યાં જ રહેવા દઈ બાકીની ફોર્સ પોલીસથાણે રવાના થઈ હતી... લગભગ સાંજના છ-વાગ્યે નખીલેકનું પોલીસ થાણુ વિવિધ ગતીવીધીઓથી ધમધમી ઉઠ્યુ... સુંદરવનના પાર્કિંગ લોટમાં પાર્ક થયેલી કારમાંથી ગેહલોત પર હુમલો કરનાર યુવાનને હથકડી સહીત લોક-અપમાં પુરવામાં આવ્યો. આ ઘટનામાં તે યુવાન એક મહત્વપૂર્ણ કડી હતો એટલે તેની સઘન પુછપરછ કરવી જરૂરી હતી... કદાચ તે જ ખુની હોય એ શક્યતાવીશે પણ ગેહલોતે વિચાર્યું હતું... પ્રેસવાળાઓને ચોકીથી બહાર જ રોકવામાં આવ્યા હતા... આ ઉપરાંત સુરત પાસિંગની જે બે કારો સુંદરવનમાં હતી તેની ડીટેલ મેળવવાની કાર્યવાહી પણ ચાલુ થઈ હતી... પોલીસ ચોકીના લોક-અપમાં પેલા યુવાનની પુછ-પરછ કરતા પહેલા ગેહલોત તેની ઓફીસમાં આવ્યો અને ખુરશીમાં બેઠો. વહેલી સવારથી ચાલુ થયેલી ધમાચકડીના કારણે તેને બપોરનું જમવાનું પણ યાદ આવ્યું નહોતું. અને ફક્ત તે જ શું કામ...? તેની સાથે હતા તે તમામ પોલીસવાળા ભૂખ્યા જ પોતાની ડ્યુટી નીભાવી રહ્યા હતા. ગેહલોતે હુકમ કરી તમામ માટે ચા અને નાસ્તાની વ્યવસ્થા કરવાનું કહ્યું...

‘‘પુરોહીત... માધોસીંહને લઈ આવતો...’’ ગેહલોતે કેપ ઉતારી ખુરશી પર બેસતા કહ્યું.

‘‘માઈબાપ... હું તો અહી જ છુ...’’ બે હાથ જોડતો માધોસીંહ તરત ગેહલોત સામે હાજર થયો.

‘‘બેસ...’’ ગેહલોતે સામેની ખુરશી તરફ ઈશારો કરતા કહ્યું એટલે માધોસીંહ ખુરશીમાં ગોઠવાયો.

‘‘માધોસીંહ... તને શું લાગે છે...?’’ ગેહલોતે પુછ્યું. આ વિક્રમસીંહ ગેહલોતની રીત હતી... તે પોતે તો ઘણુ વિચારતો પરંતુ આ ઉપરાંત તે કોઈપણ ઘટનામાં સંડોવાયેલા તમામ પાત્રો શું વિચારે છે એ જાણવાની કોશીષ કરતો જેથી ક્યારેક એમાંથી તેને અણધારી ‘લીડ’ મળતી. પ્રશ્ન પુછુને તે માદોસીંહના ચહેરાને તાકી રહ્યો... માધોસીંહ સતર્ક થયો.

‘‘શેનું શું લાગે છે માઈ-બાપ...?’’

‘‘આ ખુન થયા છે એ વિશે તું શું વિચારે છે...? કોણે કર્યા હશે આ ખુન...?’’

‘‘માઈ-બાપ... એ તો મને શું ખબર હોય... હું તો ગોવાળ છું... આ તો મેં જે જોયુ એ તમને જણાવ્યુ. બાકી મને કંઈ ખબર નથી...’’

‘‘હં...મ્...મ્... અચ્છા, એક કામ કર. સામે જે કોન્સ્ટેબલ બેઠો છે તેને તે જે જોયુ હોય તેનું ફરીથી સ્ટેટમેન્ટ લખાવી દે. તારુ સરનામું અને ફોન નંબર પણ લખાવ જે અને પછી તું જઈ શકે છે...’’

‘‘ઠીક છે માઈ-બાપ...’’ માધોસીંહ ઉભો થયો અને એક ખૂણામાં બેઠેલા કોન્સ્ટેબલ તરફ ચાલ્યો.

‘‘અરે અબ્દુલ... આ માધોસીંહનું સ્ટેટમેન્ટ નોંધી લેજે ને...’’ ગેહલોતે દુરથી જ તે કોન્સ્ટેબલ સાંભળે તેમ ઉંચા અવાજે કહ્યું.

‘‘જી-સર...’’ અબ્દુલે પણ હાંક મારી. અા સમય દરમ્યાન ચોકીમાં ચા-નાસ્તો આવ્યો હતો એટલે તમામે તેને ન્યાય આપ્યો...

‘‘પુરોહીત... લોક-અપ ખોલ અને મારી સાથે આવ...’’ નાસ્તો પત્યો એટલે વિક્રમે પુરોહીતને કહ્યુ. પુરોહીત તેની મોટી કાયા ડોલાવતો ઉભો થયો અને લોકઅપ ખોલ્યું. તે અને ગેહલોત થોડી જ વારમાં પેલા શખ્શની સામે હતા.

તે યુવાન હજુ પણ શૂન્યમાં જ તાકતો બેઠો હતો. લોકઅપની ગંદી ફર્શ પર તે પગ ફેલાવીને દિવાસે પીઠનો ટેકો લઈને બેઠો હતો... તેણે ગેહલોત અને પુરોહીતની અંદર આવવાની સહેજે નોંધ લીધી નહોતી. ગેહલોતને એ રુચ્યુ નહી. તેણે ત્યાં ખુણામાં પડેલા માટલામાંથી પાણીનું એક ટબ ભર્યું અને તે યુવાનના ચહેરા પર ફેંક્યુ... અચાનક ચહેરા પર પાણી છાંટવાથી તે યુવાન જાણે એકા-એક ભાનમાં આવ્યો હોય એમ હડબડીને સંકોચાયો અને બે હાથ પહોળા કરીને ચિખી ઉઠ્યો...

‘‘મને મારશો નહિ... મને મારસો નહિ... છોડી દો... છોડી દો...’’ અને પછી સાવ અચાનક જ તે ધ્રુસકે ધ્રુસકે રડવા માંડ્યો. ગેહલોત ભારે આશ્ચર્યથી તેને તાકી રહ્યો. તે તેની નજદીક સરક્યો અને તેની સામે ઉભડક બેઠો.

‘‘શું નામ છે તારુ...?’’ ગેહલોતે પુછ્યું, પણ પેલા યુવાને જાણે સાંભળ્યુ ન હોય તેમ રડવાનું ચાલુ રાખ્યું. તેની આંખોમાંથી આંસુઓની સરવાણી ફુટી નીકળી હતી. ગેહલોતે તેને રડવા દીધો... ઈશારો કરીને તેણે પુરોહીતને પાણી લાવવા કહ્યું. પુરોહીત ટબ ભરીને લાવ્યો એટલે ગેહલોતે ટબ યુવાન તરફ લંબાવ્યું. પેલા યુવાને રડતી આંખે ટબ લીધુ અને જાણે વર્ષોથી તરસ્યો હોય એમ એક જ ઘુંટડે પાણી પીધુ... થોડીવાર પછી તે શાંત થયો.

‘‘હવે કહે... શું નામ છે તારુ...?’’ ગેહલોતે પ્રશ્ન દોહરાવ્યો. યુવાને કોઈ જવાબ ન આપ્યો. તેણે ફરીથી લોક-અપની છત તરફ... શૂન્યમાં તાકવાનું ચાલુ રાખ્યું.

‘‘તને પુછુ છુ... જવાબ આપ... તારુ નામ કહે... જો તું જવાબ નહિ આપે તો મારે બીજો રસ્તો વિચારવો પડશે...’’ ગેહલોતે કહ્યું. પરંતુ ગેહલોત વધુ કંઈ પુછે કરે એ પહેલા તે યુવાન ફર્શ પર ઢળી પડ્યો. તેની આંખો બિડાઈ અને તે બેહોશ થઈ ગયો...

‘‘માય ગોડ પુરોહીત... આ તો બેહોશ થઈ ગયો લાગે છે... સાલુ અજબ ઝે... હાથ લગાવ્યા વગર કોઈને બેહોશ થતા આજે પહેલીવાર જોયું...’’ ગેહલોત ત્યાંથી ઉભા થતા બોલ્યો.

‘‘આને ભાનમાં લાવવાની કોશીષ કર...’’

‘‘જી સાહેબ...’’ પુરોહીતે કહ્યું. ગેહલોત લોકઅપમાંથી બહાર નીકળ્યો અને ફરી પાછો તે પોતાની ખુરશીમાં ગોઠવાયો.

‘‘અરે અબ્દુલ...’’ તેણે કોન્સ્ટેબલ અબ્દુલને હાંક મારી.

‘‘જી સાહેબ... આવ્યો...’’ અબ્દુલ ઉભો થઈને ગેહલોત સાહેબના ટેબલ પાસે આવીને ઉભો રહ્યો.

‘‘હુકુમ સાહેબ...’’

‘‘પેલો, માધોસીંહ ગયો કે...?’’

‘‘જી સાહેબ...’’

‘‘તેનું બયાન વિસ્તારથી લીધુ છે ને...?’’

‘‘જી સાહેબ...’’

‘‘હં...મ્...મ્...’’ ગેહલોતે હુંકાર ભણ્યો અને વિચારમાં ખોવાયો.

‘‘એક કામ કર... એક માણસને તેની પાછળ લગાવી દે... તેની તમામ ગતીવીધીઓ પર ધ્યાન રાખી શકે એવા માણસને ગોઠવજે.’’

‘‘જી સાહેબ... શું તમને માદોસીંહ પર સંકા છે...’’ અબ્દુલે પુછ્યુ... તેને પોતાના ઉપરી સાહેબની અા વાત ગળે ઉતરતી નહોતી. તેને માધોસીંહમાં કંઈ દમ લાગતો નહોતો અને એટલે જ તેણે કેહલોત સાહેબને સવાલ પુછવાની હિંમત કરી હતી... જો કે અબ્દુલે સવાલ પુછ્યો એ સવાલ તો ગેહલોતના પોતાના મનમાં પણ ઉદ્દભવ્યો હતો કે શું માધોસીંહ પર શક કરી શકાય ખરો ? ખરેખર તો તેણે જ આ કેસની સૌપ્રથમ માહિતી પોલીસને આપી હતી... તો શું તેના પર શક કરવો યોગ્ય ગણાય ખરો...?

પરંતુ નહિ... વિક્રમ ગેહલોત અા કેસમાં કોઈ ચાન્સ લેવા માંગતો નહોતો. સુંદરવન હવેલીકાંડ સાથે જોડાયેલા એકપણ શખ્શને તે ક્લિનચીટ આપવાના મુડમાં નહોતો... માધોસીંહ ઉપર વોચ રાખવા માણસ ગોઠવીને તેણે એક ચાન્સ લીધો હતો. તેણે સમજોને કે અંધારામાં તીર ચલાવ્યું હતું... અને ગેહલોતનું એ તીર બરાબર નીશાને જઈને લાગ્યુ હતું.

‘‘કહી ન શકાય અબ્દુલ પણ આપણે આપણી ફરજ તો બજાવવી રહી. આ કંઈ નાનોસુનો કેસ નથી. આપણે દરેક શક્યતાઓ વિચારીને પગલા ભરવા પડશે... એક નાનકડી કડી પણ ક્યારેક અણધારી સફળતા અપાવી શકે. તું કોઈ યોગ્ય વ્યક્તિને માદોસીંહ પાછળ લગાવ...’’

‘‘જી સાહેબ...’’ અબ્દુલે સલામ ઠોકી, પણ ખખડાવ્યા અને ત્યાંથી રવાના થયો.

વિક્રમ ગેહલોત ફરી પાછો વિચારે ચડ્યો. દેખીતી રીતે જ બહુ ક્રુરતાથી ચાર ખુન કરવામાં આવ્યા હતા. અને તેની પાછળ કોઈ સબુત છોડાયા નહોતા... ત્રણ ખુન હવેલીની અંદર અને એક હવેલીથી થોડે દુર જંગલ વિસ્તારમાં... એવું કેમ...? એક ખુન શા-માટે જંગલમાં થયું...? અને આ હત્યાકાંડ માટે સુંદરવન હવેલી જ શું કામ પસંદ કરવામાં આવી...? અને એક વાત તો તરત સમજાય એવી હતી કે મરનાર તમામ પાત્રો જરૂર એક-બીજાને ઓળખતા હશે, કદાચ તેઓ મિત્રો હોઈ શકે... ગેહલોત ઉંડા વિચારોમાં ગરકાવ થઈ ગયો... એક કડી તેના હાથે લાગી હતી... પેલો કારમાંથી તેના પર ઝપટેલો યુવાન... તે જ આ કેસમાં કોઈ રોશની પાડીશકે તેમ હતો... સબુતના તૌર પર તેના હાથમાં આ યુવાન, સુરતની બે ગાડીઓ, માધોસીંહ અને સુંદરવન હવેલીનો ખાલીખમ વિસ્તાર હતો... ગેહલોતે એક ઉંડો શ્વાસ લીધો... સાવ અચાનક જ તેના મનના કોઈ ખૂણે એક આછો ઝબકારો થયો અને એ ઝબકારમાં તેને એક નામ ઝબક્યુ... ‘‘સુંદરવન’’. વર્ષોથી ખાલી પડેલી ‘સુંદરવન’ હવેલીની તમામ ડીટેલ મેળવવા તે કામે વળગ્યો. તે જાણતો તો હતો જ કે સુંદરવન જેની માલિકીની જગ્યા છે એ જ માલિકીની તે ઉપરાંત બીજી ત્રણ હોટલો પણ છે. આબુ જેવા નાનકડા અમથા પ્રવાસધામમાં આવી જાણકારી લગભગ બધાને હોય છે તેમ ગેહલોતને પણ હતી... તેણે પોતાની તપાસનો સીલસીલો શરૂ કર્યો.

સૌ-પ્રથમ તો મરનાર યુવાનો કોણ હતા એ જાણવું જરૂરી હતું. ઘટનામાં મરનાર એક હતભાગી યુવાનનું નામ તો તેને ખબર હતી... નયન કાંતીલાલ સુરતી. આ સીવાય બીજા કોણ છે અને ક્યાંના રહેવાસી હતા એ જાણવું જરૂરી હતું. વિક્રમ ગેહલોતે ફોન ઘુમાવવાનું શરૂ કર્યું.

તે દિવસે સાંજે જ મરનાર યુવાનો અને તેમના સાથીદારો વીશે તમામ જાણકારી મળી હતી. ‘‘સુંદરવન’’ હવેલીના માલિક શ્યામલાલ અગ્રવાલની અાબુમાં બીજી ત્રમ હોટલો હતી. ત્યાં આ સમાચાર પહોંચ્યા એટલે ‘ઉપવન’ હોટેલનો મેનેજર સતીષ ચૌધરી દોડતો પોલીસ થાણે આવ્યો હતો. તેણે ઈન્સ. વિક્રમ ગેહલોતને જે જણાવ્યુ તેનાથી આખો કેસ સ્પષ્ટ થયો હતો. સતીષ ચૌધરીના બયાનમાં એ હતભાગી યુવાનો કોણ હતા તે જાણવા મળ્યુ હતુ. એ યુવાનો અહી પીકનીક મનાવવા આવ્યા હતા. મોન્ટી ઉર્ફે મનોજ અગ્રવાલ કે જે આ હવેલીઓના માલિક શ્યામલાલ અગ્રવાલનો પુત્ર હતો તેણે તેમના સુરત સ્થિત મિત્રોને અહીં પીકનીક મનાવવા બોલાવ્યા હતા... મરનાર વ્યક્તિઓ મોન્ટીના મિત્રો હતા... સતીષ ચૌધરીની આ કેફીયતથી ઘણા ખુલાસાઓ થયા હતા.

સતીષ ચૌધરીને આ સમાચાર મળ્યા ત્યારે તે ચોંકી ઉઠ્યો હતો. હજુ હમણા બે-ત્રણ દિવસ પહેલા જ સુંદરવન ઉપર મધમાખીઓએ હલ્લો કર્યો હતો. એ ઘટનાની સ્યાહી હજુ સુકાઈ પણ નહોતી કે આ નવી ઘટના એ જ હવેલીમાં બની હતી. તેની સમજમાં નહોતુ આવતું કે સુંદરવનમાં જ કેમ એક પછી એક ભયાનક ઘટનાઓ બની રહી છે. આ ઉપરાંત તે અન્ય એક મુંઝવણ અનુભવતો હતો તે એ કે તેના માલિક શ્યામલાલનો પુત્ર મોન્ટી ઘણા દિવસથી ગુમ હતો... મતલબ કે તેણે મોન્ટીને મળ્યાને, જોયાને ઘણા દિવસો વિત્યા હતા... સુંદરવન હવેલીમાં મધમાખીઓએ હલ્લો કર્યો ત્યારે મોન્ટી તેનો સામાન લઈને ઉપવન હોટલમાં શીફ્ટ થયો હતો. તેણે સતીષ ચૌધરીને જણાવ્યુ હતુ કે થોડા દિવસ તે અહી ઉપવનમાં જ રહેશે. આ ઉપરાંત તેણે સતીષને એમ પણ કહ્યું હતુ કે તે તેના મિત્રોને આબુ બોલાવી રહ્યો છે જેથી તેઓ અહી સાથે મળીને એન્જોય કરી શકે...

પરંતુ આ વાત થઈ તેના બીજા જ દિવસે મોન્ટી હોટલમાંથી પોતાની કાર લઈને ક્યાંક ચાલી ગયો હતો. આ વાતને બે-ત્રણ દિવસ થયા છતા તે પાછો આવ્યો નહોતો... ઈવન કે તેનો કોઈ ફોન પણ આવ્યો નહોતો... સતીષ ચૌધરીને આશ્ચર્ય જરૂર થયુ હતુ કે મોન્ટી આમ સાવ કંઈપણ જણાવ્યા વગર ક્યાં ગયો હશે... પરંતુ તેણે આ બાબતને ગંભીરતાથી લીધી નહોતી. તે આવા મોટા શ્રીમંત લોકોના છોકરાઓના લક્ષણોથી ભલી-ભાતી વાકેફ હતો. તેઓ ક્યારે શું કરશે એ કોઈ કહી શકતુ નહી. અને એટલે જ સતીષે મોન્ટી વીશે તપાસ કરી નહોતી. તેને એમ હતુ કે જરૂર મોન્ટી તેની બીજી બે હોટલોમાંથી એકમાં રોકાયો હશે... આ વાત તેણે શ્યામલાલને પણ જણાવી નહોતી કારણ કે તે આ બાબતે ગંભીર નહોતો...

પરંતુ આજે બપોરે જે ઘટના સુંદરવનમાં ઘટી હતી તેનાથી તે ચોંકી ઉઠ્યો હતો. તે મારતી ગાડીએ પોલીસથાણે આવી પહોંચ્યો હતો અને તેણે ઈન્સ. વિક્રમ ગેહલોતને તમામ હકીકત જણાવી દીધી હતી. તેણે એ પણ જણાવ્યુ કે તેના શેઠનો પુત્ર મોન્ટી પણ ગાયબ છે...

‘‘તું આ લોકોના નામ, સરનામા, ફોન નંબર વગેરે જાણે છે...’’ વિક્રમે સતીષને પુછ્યું.

‘‘સર... હું ફક્ત એટલુ જાણુ છુ કે મોન્ટીએ તેના મિત્રોને અહી આબુ આમંત્ર્યા હતા. એ લોકોના નામ, સરનામાની મને નથી ખબર. ઈવન કે હું તેમને રૂબરૂ મળ્યો પણ નથી.’’ સતીષ ચૌધરીએ ગેહલોતને જણાવ્યુ.

‘‘ઓ.કે... મી.ચૌધરી... તમે એ લોકોને ઓળખી શકો ખરા...? મતલબ કે જે લાશો અમને સુંદરવનમાંથી મળી છે એમના ડેડબોડી જોઈને કદાચ તમને ઓળખાણ પડે...’’

‘‘જોઉં તો ખ્યાલ આવે સર...’’

‘‘ઓ.કે... હું તમારી સાથે એક કોન્સ્ટેબલ મોકલુ છું. આબુની સીવીલ હોસ્પિટલમાં એ ડેડબોડીઓ છે તમે જોઈ આવો... અરે ભાનુ... આ સાહેબ સાથે સીવીલ હોસ્પિટલે જા...’’ ગેહલોતે એક કોન્સ્ટેબલને બોલાવ્યો અને સતીષ ચૌધરીને ડેડબોડીઓની ઓળખાણ માટે રવાના કર્યો.

ધીરે-ધીરે કેસ ગહેરો થતો જતો હતો. ઘણા ક્લૂ મળ્યા હતા છતા સ્પષ્ટ ચિત્ર ઉપસતુ નહોતુ. ગેહલોતે પેલો મોબાઈલ હાથમાં લીધો જે તેને સુંદરવનના પાર્કીંગમાં ઉભી હતી એ કારમાંથી મળ્યો હતો. તેણે ફોનમાં ડાયલીંગ નંબર સર્ચ કર્યા... ફોનમાં કોઈ જ નંબર ડાયલ થયેલો નહોતો. મતલબ સાફ હતો કે કોઈ કે તમામ નંબર ડીલીટ કરી નાખ્યા હતા. ગેહલોતે કોન્ટેકમાં સેવ કરેલા નંબર તપાસ્યા સીમકાર્ડ કે ફોનમાં એકપણ નંબર હતા નહીં... ગેહલોત હેરાનીથી જોઈ રહ્યો. તેણે ફોનના તમામ એપ્લીકેશન ચેક કરી જોયા... બધુ જ ખાલી હતુ... ન તો કોઈ ફોટા હતા. ન ગીત, કોન્ટેક નંબર નહિ. રીસીવ કે ડાયલ કરેલા નંબર પણ નહી... કોઈકે આખા ફોનને ફોર્મેટ કરીને એ કારમાં મુક્યો હતો... ગેહલોત ગુસ્સે ભરાયો અને તેણે જોરથી ફોનને ટેબર પર પછાડ્યો અને બરાડી ઉઠ્યો...

‘‘પુરોહીત... આ ફોનની તમામ ડીટેલ મને જોઈએ, અને એ પણ જલદી. છેલ્લા ચાર-પાંચ દિવસમાં આ ફોનનું લોકેશન ક્યાં ક્યાં હતુ... આમાથી કોને ફોન થયા અને કોના ફોન આવ્યા એ તમામ ડીટેલ સર્વિસ પ્રોવાઈડર કંપનીમાંથી તાત્કાલીક ધોરણે મેળવ... કાલ સવાર સુધીમાં તમામ વિગતો અને તેના માલિકો વીશે ઝીણામાં ઝીણી ડીટેલ ભેગી કરો...’’

‘‘જી...સાહેબ...’’

‘‘તે હવેલીના માલિક શ્યામલાલ અગ્રવાલને ફોન કરીને અહીં બોલાવો. તેની પાસેથી જરૂરી કંઈક જાણવા મળશે... અને મને તો એ સમજાતું નથી કે તેનો યુવાન છોકરો બે-ત્રણ દિવસથી લાપતા છે છતા હજુ સુધી તેમણે તપાસ સુદ્ધા કરી નથી... કમાલ છે આ પૈસાવાળા માણસો પણ... કે પછી આમાં બીજુ કંઈ રહસ્ય છુપાયેલું છે...?’’ ગેહલોત બોલ્યો. ગુસ્સાથી તે ધમધમી ઉઠ્યો હતો. તે ખુરશીમાંથી ઉઠ્યો અને ઝડપી ચાલે ચાલતો ચોકીમાંથી બહાર નીકળ્યો. ચોકીના કંમ્પાઉન્ડમાં જીપ ઉભી હતી તેમાં તે ગોઠવાયો અને તેણે ભારે વેગમાં જીપને ચોકીના ગેટમાંથી બહાર કાઢી...

(ક્રમશઃ)

વધુ આવતા અંકે...

Whatsapp : 9099278278

Facebook.com/Praveen Pithadiya

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED