અંજામ-૩૦ Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંજામ-૩૦

અંજામ-૩૦

( આગળના પ્રકરણમાં આપણે વાંચ્યુઃ વિષ્ણુસીંહ બાપુના ફાર્મ હાઉસમાં અજબ ટેબ્લો રચાય છે..... ગેહલોતની ગન બાપુના માથે ટેકાય છે જેના લીધે તેઓ મોન્ટીને વધુ સારવાર માટે ડો.ભૈરવસીંહના કિલનીકે રવાના કરવાની સંમતી આપે છે. મોન્ટી સાથે રીતુ અને બાપુનો ડ્રાઇવર જેન્તી પણ ત્યાંથી રવાના થાય છે..... હવે આગળ વાંચો....)

ફાર્મ હાઉસના વિશાળ ડ્રોઇંગરૂમમાં એક સોફા પર બાપુ બેઠા હતા. તેમની બરાબર પાછળ ગેહલોત ઉભો હતો.....તેના હાથમાં નાનકડી ઇમ્પોર્ટેડ જર્મન બનાવટની ગન હતી જે તેણે બાપુના સફેદ, જથ્થાબંધ વાળમાં ખૂંપાવી રાખી હતી.... અદ્દલ હિન્દી ફિલ્મોમાં ભજવાતા દ્શ્ય જેવો એ સીન હતો. બાપુના બંને ખૂંખાર માણસો વીરજી અને વીરા દાદર નજીક ઉભા હતા. એ દાદરની કઠેડાની જાળી સાથે રેવા બૅધાયેલો હતો. રેવા વારે-વારે ઘુરકાટ કરી આગળ વધવા માટે મથામણ કરી રહયો હતો પરંતુ તેના ગળામાં બાંધેલો ચામડાનો મજબુત પટ્ટો તેને રોકી રહયો હતો. એ મુંગા જાનવરને અચાનક અહી પલટાયેલા વાતાવરણથી જાણે મુંઝવણ થતી હતી..... તેની કાળી લીસી ચામડીમાં અજીબનો થરકાટ થતો હતો અને તેની કપાયેલી નાનકડી પુંછડી વારે-વારે હલતી હતી....વીજય મોન્ટીને દવાખાને જવા વિદાય કરીને ફરી પાછો ડ્રોઇંગરૂમમાં પ્રવેશ્યો હતો અને તે સીધો જ બાપુ જે સોફા ઉપર બેઠા હતા ત્યાં પહોંચ્યો....

“ જીગર કયાં છે.....?” સાવ સપાટ સ્વરમાં તેણે બાપુની આંખોમાં આંખો પરોવી એકદમ ઠંડા લહેકાથી પુછયું. બાપુએ સવાલ સાંભળ્યો પરંતુ કંઇ બોલ્યા નહી.

“ ચુપ રહેશો તો પણ કંઇ ફરક નહી પડે..... કારણ કે મને ખબર છે કે આ બધુ તેણે જ કરાવ્યુ છે.....!! મારે ફક્ત તેના મોંઢે કબુલાત કરાવવી છે કે તેણે જ મારા મિત્રોના મોત નીપજાવ્યા છે. જેથી હું તેને સજા અપાવી શકું.....” દાંત ભીંસીને વીજય બોલ્યો. તે ઇચ્છતો હતો કે બાપુ કંઇક બોલે.... ગુસ્સે થાય, તેનો સામનો કરવાની કોશીષ કરે, પરંતુ બાપુએ એવુ કંઇ કર્યુ નહી. તેઓ સાવ નિર્લેપભાવથી ખામોશ બેઠા રહયા. બાપુના એ ઉપહાસભર્યા મૌનથી વીજયનો ક્રોધ વધ્યો હતો.

“ ઓ.કે....કમ સે કમ તેને અહી બોલાવો તો ખરા....હું પણ જોઉ કે પોતાના જ મિત્રો ને મારનાર એ શૈતાન અત્યારે કેવો દેખાય છે....!! પંચાલ ખાનદાનના લોહીમાં એવી તો શું ખરાબી આવી કે જીગર જેવો નપાવટ છોકરો તમારે ત્યાં પાક્યો....”

“ ખામોશ છોકરો....” કાળ-ઝાળ ક્રોધથી ખળભળી ઉઠયા બાપુ. તેમના ખડતલ શરીરમાં અચાનક ધ્રુજારી ઉઠી.....” હવે એક પણ શબ્દ એલ-ફેલ બોલ્યો છે મારા જીગર વીશે તો તારુ માથું તારા ધડ પર નહીં રહે.....”

“ તો પછી તમે જીગરને અહી હાજર કેમ નથી કરતા....? કે પછી તમે તેને માં ના પાલવ હેઠળ છુપાવી રાખ્યો છે.....” વીજયે ફરી ઘા માર્યો. તે જાણતો હતો કે અત્યારે તે અને ગેહલોત સિંહની ગુફામાં પ્રવેશી ડાલમથ્થા સિંહને પડકારી રહયા છે....અને તેને એ પણ ખબર હતી કે ગેહલોતના હાથમાં હતી એ નાનકડી અમથી ગન વધુ સમય બાપુ અને તેના માણસોને રોકી શકશે નહી....એટલે જ તેણે બાપુને વાતોમાં ઉશ્કેરીને ક્રોધીત કર્યા હતા જેથી ક્રોધે ભરાઇને તેઓ સચ્ચાઇ બોલી નાંખે..

“ તું શું જાણે છે મારા જીગર વીશે....? તને ખબર છે અત્યારે એ કેવી હાલતમાં છે.....?”

“ એક ખુની ને શું તકલીફ હોય...? ક્યાંક મોજ કરતો હશે હરામખોર..!!”

“ એ ખુની નથી....” ત્રાડ નાંખી બાપુએ....” મારો જીગર ખુની નથી....” એમની ત્રાડથી આખો ડ્રોઇંગરૂમ ધ્રુજી ઉઠયો.

“ એમ કંઇ તમારા કહેવાથી સચ્ચાઇ થોડી બદલાઇ જાશે...... એ તો ખુની છે જ, સાથો-સાથ તમે અને તમારા આ માણસો પણ ખુની છો. તમે બધાએ ભેગા મળીને મારા મિત્રોના કત્લ કર્યા છે અને તેની સજા તમને બધાને મળીને જ રહેશે.” વીજયના શબ્દોમાં આક્રોશ હતો, પીડા હતી. એક ન સમજાય એવી ગમગીની હતી.

“ તમને લોકોને એ જ સજા મળી છે જે સજાને તમે લાયક હતા અને તારો અંત પણ બહુ નજીક છે વીજય....તને મેં જીવતો છોડયો હતો કારણ કે હું ઇચ્છતો હતો કે તારા મિત્રોના ખુનમાં તું દોષી ઠરે અને તને એની સજા થાય. જેલમાં રીબાઇ-રીબાઇને તું જીવે..” બાપુ બોલી ઉઠયા.

“ મતલબ કે વીજયે તેના મિત્રોના ખુન નથી કર્યા એ સત્ય છે....” અચાનક ગેહલોત વચ્ચે બોલી ઉઠયો. વીજય અને બાપુ વચ્ચે ચાલતી વાત-ચીતનો સંદર્ભ તેણે કાઢયો હતો. “ એ ખુન તમે કર્યા છે....અથવા જીગરે કર્યા છે....!! કે પછી તમે કોઇના દ્વારા કરાવ્યા છે....? પણ શું-કામ....? એવી તો શી દુશ્મની હતી તમારે આ બાળકો સાથે....!!”

“ આ બાળકો નથી....શૈતાન છે શૈતાન....બાળકો એને કહેવાય જેનામાં નિર્દોષતા છલકતી હોય. જ્યારે આ લોકોએ તો મારા જીગરની જીંદગી નર્કથી પણ બદતર બનાવી નાંખી છે....”

“ પણ એવું તો શું કર્યુ હતુ અમે....? કયારનાં જીગર-જીગર કરો છો તો કહેતા કેમ નથી કે તેને તકલીફ શું છે....? અને અત્યારે તે છે કયાં....?” વીજયે પુછયુ...” છેલ્લે તેને મેં કોલેજમાં જોયો હતો. એ વાતને અત્યારે છ મહિના ઉપર સમય થયો....આ સમય દરમ્યાન તેને મળવાની વાત તો દુર રહી અમે ફોન પર વાત પણ નથી કરી....તેને જો અમારાથી કોઇ તકલીફ હોય તો તે કહી શકયો હોત, આમ પીઠ પાછળ ઘા કરવાનો શું મતલબ....! અને આટલુ બધુ થયા પછીયે જુઓને તે સામે ક્યાં આવે છે...કાયર સાલો....”

“ તારી જીભને લગામ દે છોકરા નહિતર ભોં ભારે થઇ જશે....” ફરી ક્રોધિત થઇ ઉઠયા બાપુ.

“ આવા માણસને કાયર જ કહેવો પડે.... જે પોતાના ઘરડા દાદાની પીઠ પાછળ છુપાઇને વાર કરે. તમે એક વખત જીગરને મારી સામે લાવો અને પછી જુઓ તેનો શું અંજામ થાય છે....”

“ તેનો આ દાદો જીવતો છે ત્યાં સુધી તો કોઇ તેનો એક વાળ પણ વાંકો નહી કરી શકે....અને આમ વાતોમાં સમય ન બગાડ. તારે જે કરવું હોય એ કરી નાંખ.... કયાંય એવું ન બને કે તારી ઇચ્છઓ તારા મનમાં જ રહી જાય.....” બાપુ કોઇપણ રીતે મચક આપતા નહોતા. તેઓ વીજયને વાતોમાં ઉલઝાવી સમય વેડફી રહયા હતા. તેમના મનમાં ગણતરીઓ ચાલતી હતી. આંખોના ખુણેથી તેમણે જોયુ હતુ કે વીરજી કંઇક હલચલ કરવાની ફીરાકમાં હતો. જો વીરજી હલ્લો કરે તો પછી તેઓ પણ દાવ ખેલી લેવાના મુડમાં હતા.

“ વીજય....મને નથી લાગતુ કે બાપુ કંઇ બોલે....એક કામ કર...તું પંચાલગઢ જા અને બાપુના ઘરે જે હોય તે બધાને અહી ઉંચકી લાવ....” ગેહલોત બોલ્યો. “ મને લાગે છે કે જીગર ત્યાં જ ભરાઇને બેઠો હશે....”

“ હાં...જીગર ત્યાં જ છે. અમારી કોઠીમાં એક પલંગ ઉપર સુતો છે....જાવ...જાવ....ઉંચકી લાવો તેને અહી...” અચાનક બાપુ ઉભા થઇ ગયા અને એકદમ ઉગ્ર સાદે બોલ્યા. ગેહલોતે તેમના માથે ટેકવેલી ગનની પરવા પણ તેમણે કરી નહોતી. જાણે તેમના ખડતલ શરીરમાં આવેગ છવાયો હોય એમ તેઓ ધ્રુજી રહયા હતા. તેમના ભરાવદાર વૃધ્ધ ચહેરા ઉપર લોહી ધસી આવ્યુ હતુ. “ જાઓ ....લઇ આવો તેને અહી.... તમને તમારા તમામ સવાલોના જવાબો મળી જશે....”

બાપુએ જે રીએક્શન આપ્યુ હતુ તે વીજય અને ગેહલોત બંનેની સમજ બહારનું હતુ. કંઇક અજૂગતુ હતુ એ વર્તનમાં જેના લીધે તેઓ થોભ્યા હતા.... બાપુના ઉભા થઇ જવાથી ગેહલોતની ગન તેમના માથેથી થોડીવાર માટે હટી હતી અને તેમની વચ્ચે થોડો ફાંસલો પણ વધ્યો હતો.... બાપુ સોફાની આ તરફની કિનારીએ ઉભા હતા જ્યારે ગેહલોત હજુ પણ સોફાની પાછળ ગન તાકીને ઉભો હતો. તેમની વચ્ચે જે ફાંસલો સર્જાયો હતો એ વીરજીએ બરાબર નીરખ્યો હતો અને તેણે વીરાને કંઇક ઇશારાઓ કર્યા હતા.

“ કેમ...? જીગર અહી આવી શકે એવી હાલતમાં નથી....?” વીજયે આંચકાભર્યા સ્વરે બાપુની આંખોમાં તાકતા પુછયું.

“ નહી... તે કોમામાં છે....” છેક નાંભીમાંથી નિશ્વાસ નાંખતા બાપુ બોલ્યા. અચાનક જ તેમના અવાજમાં દુનીયાભરનો થાક વર્તાવા લાગ્યો. બે સેકન્ડ પહેલા ગર્જી રહેલા બાપુ જાણે દુનીયા રસાતાળ થઇ ગઇ હોય તેમ ભાંગી પડયા. અને....તેમની વાત સાંભળીને વીજય પણ બે ઘડી આશ્ચર્યમુઢ બની ગયો. તેને જાણે પોતાના જ કાનો ઉપર વિશ્વાસ આવતો નહોતો કે બાપુ જે બોલ્યા તે સત્ય છે કે છળ છે....? કયાંક આ તેમનો નવો પેંતરો તો નથીને એવી પણ વીજયને શંકા ઉદ્દભવી. પરંતુ બાપુના ચહેરા ઉપર આવતા ભાવો તેમની સત્યતા સાબીત કરતા હતા.

“ વોટ....? જીગર કોમામાં છે....?પણ કેવી રીતે....? મતલબ કે કેમ કરતા આ બન્યુ...? ના...ના... તમે જુઠ્ઠુ બોલો છો. જીગરને બચાવવા તમે ખોટુ કહી રહયા છો....” વીજય અવિશ્વાસભર્યા શ્વરે એકધારુ બોલ્યે જતો હતો.

“ એ હકીકત છે....જીગર કોલેજ છોડીને ઘરે આવવા નીકળ્યો ત્યારથી કોમામાં છે.....” બાપુ બોલ્યા.

“ બટ હાઉ ઇઝ પોસીબલ...? તે એક દિવસ અચાનક કોઇને કહયા વગર કોલેજમાંથી ગાયબ થઇ જાય છે અને હવે તમે આટલા લાંબા સમય પછી એમ કહો છો કે કોલેજ છોડયાના દિવસથી જ તે કોમામાં સરકી ગયો છે....? મારા સમજમાં તો વાત નથી આવતી.....!! અને સૌથી મહત્વની વાત તો એ છે કે તેણે આમ સાવ અચાનક કોલેજ શું કામ છોડી દીધી.....? એવુ તો શું થયુ હતુ.....?”

“ તું સારી રીતે જાણે છે વીજય કે જીગરે શા માટે કોલેજ છોડી....!!”

“ હું જાણુ છું.....?” ભારે આશ્ચર્યથી વીજય બોલ્યો. “ તમારુ એમ કહેવુ છે કે જીગર કોલેજ છોડીને ગયો તેનુ કારણ મને ખબર છે....!! ઇટ્સ જસ્ટ ઇમ્પોસિબલ...!! જો મને ખબર હોત તો તેને હું જવા શું કામ દઉં...?”

“ મને જીગરે જ કહયું હતુ કે વીજય બધુ જાણે છે છતા તેણે કોઇને રોકયા નહોતા....” બાપુ બોલ્યા.

“ એક મીનીટ....એક મીનીટ....તમે આમ ઉખાણા ન બનાવો. જે હોય તે સાફ-સાફ શબ્દોમાં કહી દો એટલે મને ખબર પડે કે હું શું જાણુ છું અને શું નથી જાણતો....” વીજયને ખરેખર આ બધી વાતો સાંભળીને હેરાની થતી હતી.

“ ઠીક છે.... તો સાંભળ....” કહીને બાપુએ એક ઉંડો શ્વાસ લીધો. આ સમગ્ર વાત-ચીત દરમ્યાન તે અને વીજય ડ્રોઇંગરૂમમાં સાવ આમને સામને ઉભા હતા. જાણે બે આગંતુકો અચાનક મળી ગયા હોય અને વાતો કરવા ઉભા રહી ગયા હોય એવો “સીન” હતો. બાપુના છ-ફુટ ઉંચા પડછંદ દેહ સામે વીજય સાવ બાળક જેવો દેખાતો હતો... બાપુ જાણે બોલવાના મુડમાં આવ્યા હોય તેમ એક કહાની કહેવી શરૂ કરી....

“ જીગર.... અમારા બુઢાપાનો એકનો એક વહાલસોયો સહારો.... તેની સગાઇની વાત મીનળબા સાથે ચાલતી હતી એ સમય દરમ્યાન તેણે આગળ ભણવા માટે જીદ કરીને સુરતની કોલેજમાં એડમીશન લીધું અને તે સુરત ભણવા ગયો. તે આગળ ભણે તેની સામે મને કે તેની દાદી કેસરબાને કોઇ વાંધો નહોતો પરંતુ પંચાલગઢથી દુર મોકલતા અમારો જીવ નહોતો ચાલતો. મન મક્કમ કરીને અમે તેને સુરત મોકલ્યો હતો....એ સમય બહુ સારો હતો અને ઝડપથી વહયે જતો હતો. જીગર ત્યાં બહુ ખુશ હતો. તે તેના મિત્રો વીશે....એટલે કે તમારા વીશે ફોન ઉપર ઘણુ બધુ અમને જણાવતો. અમને આનંદ થતો કે અમારો જીગર ત્યાં એકલો નથી અને ખુબ ખુશ છે....અને એ ખુશી તમારા બધાના સહવાસના કારણે તેને મળતી હતી....પરંતુ એક દિવસ અચાનક તેનો ફોન આવ્યો કે તે હવે સુરતને કાયમ માટે અલવીદા કહી ફરી પાછો અમારી પાસે, એટલે કે પંચાલગઢ આવીને રહેવા માંગે છે....મને તેના ફોનથી હરખ થયો હતો અને સાથો-સાથ ફીકર પણ થઇ હતી કે એવું તે શું થયુ કે આમ સાવ એકાએક તેણે પંચાલગઢ પાછા ફરવાનો નિર્ણય લીધો....!! એ સમયે તો મેં તેને કંઇ પુછયુ નહી અને તેણે પણ વધુ કંઇ જણાવ્યુ નહી....પણ મને સંતોષ નહોતો થયો. એક અજાણ્યો ખટકો મનમાં ઉદ્દભવ્યો હતો જેનું સમાધાન જરૂરી હતુ એટલે મેં તે જ દિવસે રાત્રે ફરી વખત જીગરને ફોન લગાવ્યો અને જાણવાની કોશીષ કરી કે તે કોઇ પ્રોબ્લેમમાં તો નથીને....?” એકધારુ બોલતા બાપુ અટક્યા. તેમની કથની દરમ્યાન બંગલાના ડ્રોઇંગરૂમમાં પીનડ્રોપ સાઇલન્સ છવાયુ હતુ. અત્યાર સુધી ખામોશ રહેલો ગેહલોત ભારે અચરજથી બાપુની જુબાની સાંભળી રહયો હતો. સુંદરવન હવેલીમાં જે કત્લેઆમ મચ્યો હતો તેનું અનુસંધાન અહી આ પંચાલગઢની સીમમાં બનેલા ફાર્મ હાઉસમાં આવશે એવું તો તેણે સ્વપ્નેય વિચાર્યુ નહોતું. તે તો હજુ પણ વીજય, રઘુ અને પેલા બુઢ્ઢા માધોસીંહને કાતીલ માની આગળ વધી રહયો હતો. અત્યારે કંઇપણ બોલ્યો વગર તેણે ચુપચાપ સાંભળવાનું સ્વીકાર્ય લાગતુ હતું.

“ તમે ફોન કર્યો તો તેણે શું કહયું...?” વીજયે પુછયુ. થોડીક ખામોશી પણ તેને ખટકી હતી.

“ તે દિવસે રાત્રે જીગર ફોન ઉપર ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગ્યો હતો.... મેં તેને પંચાલગઢ પાછા ફરવાનું કારણ પુછયું હતુ અને તે બેફામપણે રડતો હતો. મને એ સમયે જ ઉડીને જીગર પાસે પહોંચી જવાનું મન થયુ પણ એ શક્ય નહોતું. કંઇપણ કહયા વગર તે બસ, રડયે જતો હતો....” બાપુ ફરી વખત અટક્યા. તેમના અવાજમાં ભુતકાળને યાદ કરતા ભીનાશ ભળી હતી.... “ અમારા પંચાલ ખાનદાનમાં આજદિન સુધી કોઇ મર્દ રડયો હોય એવો દાખલો નથી જડતો... પેઢીઓની પેઢીઓથી અમે હર-હંમેશ અમારુ મસ્તક ઉંચુ રાખીને જીવતા આવ્યા છીએ....તે દિવસે મારા કાળજે જાણે કોઇએ તલવારના ઘા માર્યા હોય એવી પીડા ઉઠી હતી. માં-બાપ વગરના એ છોકરાના આંસુઓ તો મેં નજરે નિહાળ્યા નહોતા પણ તેના ધ્રુસકામાં ભળેલી પીડાએ મને ખળભળાવી મુકયો હતો....”

“ પણ એવું તો શું થયુ હતુ કે તે આમ રડતો હતો...? વીજયે પુછયું. તેને આ સવાલનો જવાબ શું હોઇ શકે તેનો આછો-પાતળો અંદાજ આવતો હતો. તે ફફડતો હતો કે કયાંક તેની ધારણા સાચી ન નીકળે....!

“ એ દિવસે કોલેજમાં તમે લોકોએ તેની સાથે શું કર્યુ હતુ એ તેણે મને ફોનમાં કહયુ...”

“ શું થયુ હતુ કોલેજમાં....?” અધીરાઇભેર ગેહલોત વચ્ચે બોલી ઉઠયો. તેના હ્રદયના થડકારા પણ તેજ થઇ ઉઠયા હતા.

“ બધાએ ભેગા મળીને ચીઠ્ઠીઓ નાંખી હતી....એક રમત ખેલી હતી... તે ચીઠ્ઠીમાં જીગરનું નામ નીકળ્યુ હતું.....”

“ તો એમાં શું થઇ ગયુ....? કોલેજના છોકરાઓમાં એવી મસ્તી તો ચાલતી જ હોય છે....”

“ આ લોકોએ જીગરને છોકરી બનાવ્યો હતો....” બાપુ બોલ્યા.

“ હાં...તો...!!” ગેહલોતને કંઇ સમજાયુ નહી.

“ પંચાલ ખાનદાનના એક દિલેર મર્દ ને આ લોકોએ છોકરીના કપડા પહેરાવી એક કલાક સુધી કોલેજમાં ફેરવ્યો હતો....” દાંત ભીંસી બાપુ બોલ્યો. આટલા શબ્દો બોલવામાં પણ તેની આંખોમાં લોહી ધસી અવ્યુ હતુ. “ બધા દોસ્તારોએ ભેગા મળી ચીઠ્ઠીઓ ઉછાળી હતી. તેમાં જીગરનું નામ નીકળ્યુ એટલે બધાએ તેને છોકરીના કપડા પહેરી આખી કોલેજનું એક ચક્કર કાપવાની શરત મુકી...જીગરે ફોનમાં મને કહયુ હતુ કે તેણે બધા મિત્રો સમક્ષ શરત બદલવા માટે ઘણી આજીજીઓ કરી હતી.... ઘણી કાકલૂદી કરી હતી....અરે, સજા બદલે તો તે બીજુ કંઇ પણ કરવા તૈયાર હતો....પરંતુ તેના આ હરામખોર દોસ્તો માન્યા નહોતા અને જબરદસ્તીથી શરત મનાવ્યે પાર કરી હતી.”

“ એ એક રમત હતી....અને એવી તો કેટલીયે રમતો અમે સાથે રમ્યા હતા. અરે, તેનાથી પણ ઘણી ગઇ-ગુજરી હાલત થાય એવી સજા બધા દોસ્તારોને થતી....” વીજય બોલી ઉઠયો.

“ પણ એ દોસ્તોમાં પંચાલ ખાનદાનનું લોહી તો નહોતુંને....ખાનદાની શું ચીજ છે....ઇજ્જત ગુમાવવી કોને કહેવાય એ તમને લોકોને શું ખબર....? જીગરને એનો જ ઝટકો લાગ્યો હતો. શરતના ભાગરૂપે તેણે છોકરીના કપડા પહેરી તો લીધા હતા પણ તેના કાળજે એક ડંખ લાગ્યો હતો.... અધુરામાં પુરુ તમે એ હાલતમાં તેનો વિડિયો પણ ઉતાર્યો હતો. ભલે મજાક-મસ્તીમાં પણ, તમે લોકોએ તેને આખી કોલેજમાં ફેરવ્યો હતો.... આખી કોલેજ તે દિવસે તેના ઉપર હસી હતી. એક સામાન્ય માણસને પણ ઢાંકણીમાં પાણી લઇને ડુબી મરવાનં મન થાય, જ્યારે મારા જગરના શરીરમાં તો પંચાલ કુંટુંબ લોહી દોડતુ હતુ. આટલી અપમાનભરી હાલત તે જીરવી શક્યો નહી અને તે દિવસે જ તેણે કોલેજ છોડી દેવાનું નક્કી કરી લીધુ હતુ....”

“ ઓહ....એટલે તે અમને મળ્યા વગર જતો રહયો હતો....”

“ હાં....જો તમને મળવા આવે તો તમે યેન-કેન પ્રકારે તેને રોકી પાડો અને પછી કાયમ તેણે બધાની નજરોનો ઉપહાસ સહન કરવો પડે. એવુ ન થાય એ માટે તે રાત્રે જ હોસ્ટેલમાંથી પંચાલગઢ આવવા નીકળી ગયો હતો...”

“ તે કોમામાં કેવી રીતે ગયો....?” ધડકતા દિલે વીજયે પુછયું.

“ તે જે બસમાં આવતો હતો તેનું એક્સિડન્ટ થયુ. વિધિની વિચિત્રતા તો એ હતી કે આખી બસમાંથી ફક્ત તેને એકલાને જ ઇજા થઇ....”

“ ઓહ...પણ કેવી રીતે....?”

“ અમદાવાદ વટ્યા પછી હાઇ-વે ઉપર એક ટ્રક બસ સાથે ભટકાઇ.... હાઇ-વેની એક હોટલમાંથી બહાર નીકળતી એ ટ્રક પૂરપાટ ઝડપે દોડી રહેલી જીગરની લકઝરી બસ સાથે બરાબર વચ્ચેના ભાગે અથડાઇ....જીગર વચ્ચેની સીટ ઉપરજ બેઠો હતો. અચાનક તેને થડકો લાગ્યો અને તે સીટ ઉપરથી નીચે ફંગોળાઇ ગયો તેમાં બસની સીટની લોંખડની રેલીંગ તેના માથા સાથે જોસભેર અફળાઇ. ત્યાંને ત્યાં જ તે બેહોશ થઇ ગયો હતો....બીજા બધા પેસેન્જરોને નાની-મોટી ઇજાઓ થઇ હતી એક ફક્ત જીગરને જ ગંભીર કહેવાય એવું વાગ્યુ હતુ....ટ્રકવાળો તો તરત ઘટનાસ્થળેથી રફુચક્કર થઇ ગયો પરંતુ બસના ડ્રાઇવરે પોલીસ ન આવે ત્યાં સુધી બસ ત્યાંથી નહી હટાવવાની જીદ પકડી લીધી હતી એટલે જીગરને તાત્કાલીક ખાનગી વાહનમાં નાંખીને અમદાવાદ હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યો હતો....મને તો બીજા દિવસે સવારે હોસ્પિટલમાંથી ફોન આવ્યો ત્યારે ખબર પડી હતી કે જીગર ઘાયલ થયો છે. અમે મારતી ગાડીએ અમદાવાદ પહોંચ્યા ત્યારે હજુપણ જીગરને હોશ આવ્યુ નહોતું....

( ક્રમશઃ )