અંજામ
સસ્પેન્સ થ્રીલર નવલકથા
પ્રકરણ - ૪
રાતની ખામોશી ઓઢીને નેશનલ હાઇવે નં.૮ દુર સુધી પથરાયેલો પડયો હતો. હાઇવે ના એક વળાંક ઉપર વીજયની બ્લેક કલરની "સ્કોર્પીઓ" ખડી હતી. "સ્કોર્પીઓ" ની અંદર ભારેખમ ચુપકીદી છવાયેલી હતી....એ ચુપકીદીમાં એક વાવાઝોડુ ઘાર્બાયેલુ પ્રતીત થતુ હતુ. વીજય ને બોલવુ હતુ છતા તે ખામોશ હતો. રીતુ આ પરીસ્થીતીમાંથી જલ્દી બહાર નીકળવા માંગતી હતી જયારે શીવાની બધી જ વાત જાણતી હોવા છતા બોલીને બાજી બગાડવા માંગતી નહોતી....આખરે એક લાંબી ક્ષણ બાદ એ ખામોશી તુટી હતી.
સહસા વીજયનો મોબાઇલ રણકયો હતો. ચોંકી ને તેણે જમણા હાથ બાજુ ગાડીના ડેશબોર્ડ માં બનાવેલા ગ્લાસ મુકવાના ખાનામાં મુકેલા પોતાના મોબાઇલ તરફ જોયુ અને હાથ લંબાવીને ફોન ઉઠાવ્યો.....શીવાની ને હાશ થઇ. ફોન નયનનો હતો.....તેણે પોતાની કાર હાઇવેના કોઈ "પોઈન્ટ" ઉપર ઉભી રાખી હતી જેની સુચના આપવા જ તેણે ફોન કર્યો હતો. નયનને ખ્યાલ હતો કે વીજય ની કાર તેની કારની પાછળ આવે છે. તે લોકો અત્યારે વડોદરા બાયપાસ રોડ ઉપર હતા. વીજય ને તેણે જણાવ્યુ કે તેઓ કઈ જગ્યાએ ઉભા છે અને ફોન મુકયો....વીજયે એક હળવો નિશ્વાસ નાખ્યો, માથુ ધુણાવ્યુ અને ગાડીને ગીયરમાં નાખી હાઇવે ઉપર ફુલ સ્પીડમાં ભગાવી....તેનો જુસ્સો નયનના ફોન ના કારણે ઉતરી ગયો હતો. અચાનક ખલેલ પડવાની તેના મનમાં ઉઠેલી આંધી શાંત પડી હતી....
વડોદરા બાય-પાસ રોડ જયા સમાપ્ત થાય છે ત્યાં ચાર રસ્તા ભેગા થાય છે....એક ચોકડી રચાય છે....ત્યાંથી જ અમદાવાદ તરફ જવાનો એક્સપ્રેસ હાઇવે શુરૂ થાય છે. જયારે આ એક્સપ્રેસ વે નહોતો બન્યો ત્યારે વડોદરાથી અમદાવાદ તરફ જવા માટે એ ચોકડીથી ડાબી બાજુ વળવું પડતુ....ડાબી બાજુના હાઇવે ઉપર આણદ-નડીયાદ વીંધીને અમદાવાદ પહોંચાતુ. તેમા ખાસ્સા ત્રણ થી ચાર કલાકનો સમય વીતી જતો. પરંતુ જયારથી વડોદરા-અમદાવાદ વચ્ચે આ નોનસ્ટોપ એક્સપ્રેસ હાઈ-વે બન્યો હતો ત્યાર થી એ બે સીટી વચ્ચેનું અંતર એકાદ કલાકનું જ રહી ગયુ હતુ. એક્સપ્રેસ નોન-સ્ટોપ હાઈ-વે ઉપર ઈમરજન્સી સીવાય વાહન ઉભુ રાખવાની સખત મનાઈ હતી. એકવાર હાઈ-વે ઉપર એન્ટ્રી કર્યા બાદ પાછા વળવાની, "યુ-ટર્ન" લેવાની કોઈ જોગવાઈ નહોતી...જો તમારે ઈમરજન્સી એકિઝટ કરવુ હોય તો તમે આણંદ અથવા નડીયાદથી જ બહાર નીકળી શકો, એ સીવાય નહી....આ ઉપરાંત એક્સપ્રેસ-વે ઉપર કોઈ હોટલ કે ઠાબુ બનાવવાની પરવાનગી આપવામાં આવી નહોતી એટલે વડોદરાથી હાઇવે ઉપર એન્ટ્રી લેવાવાળા વાહનો ચા-પાણી, હળવો નાસ્તો કરવા માટે એ ચાર રસ્તા પાસે....પહેલા ઉભા રહી જતા હતા. હાઈ -વે ના રોડની કિનારે, થોડા-થોડા અંતરે લોખંડના લગભગ ત્રણેક ફુટ ઉંચા નાના-નાના થાંભલા ખોડીને એ થાંભલા ઉપર જાડા પતરાની આડી સળંગ અડધા એક ફુટની પટ્ટી લગાવવામાં આવી હતી.....આવી રચના હાઈ-વે ની બન્ને તરફ કરી તેનાથી રોડ ને કવર કરવામાં આવ્યો હતો....એ રેલીંગની પાછળ ખુલ્લી પડતી જમીન ઉપર નાની-નાની નાસ્તાની હાટકીઓ, ચા ની કેબીનો ઠંડા પાણી ની લારીઓ શુરૂ થઇ હતી. એ લારીઓ પાસે આવતા-જતા મુસાફરો થોડીવાર માટે પોતાનું વાહન ઉભુ રાખી ચા-નાસ્તો વગેરે કરીને થોડા ફ્રેશ થઇ આગળ વધતા....
નયને તેની 'આઇકોન' ને રેલીંગની એકદમ નજીક, એક નાનકડી એવી ચા-નાસ્તાની કેબીન પાસે લાવીને ઉભી રાખી હતી....એ ખરેખર કેબીન પણ નહોતી, વાંસના ચાર બાંબુ ચાર અલગ-અલગ દિશામાં ખોડીને તેના ઉપર સૂકા ઘાંસ અને ડાળીઓ નાખી માંચડા જેવુ છાપરુ બનાવવામાં આવ્યુ હતુ. એ માંચડા ઉપર ટાઠ, તડકો, વરસાદથી બચવા માટે જાડુ વાદળી કલરનું તાડપત્રી જેવુ પ્લાસ્ટીક ઓઠાડી તેને થોડો વ્યવસ્થિત દેખાવ આપવામાં આવ્યો હતો.....માચકની અંદર એક મોટુ લાકડાનું ટેબલ હતુ જે રેલીંગની લગોલગ ગોઠવાયુ હતુ. ટેબલ ના અડધા ભાગમાં જાત-ભાતના બિસ્કિટ, વેફર વગેરેના પેકેટ લાઈનબંધ ગોઠવ્યા હતા અને બાકીના અડધા ભાગમાં ચા બનાવવાનો પ્રાયમસ ઘમઘમતો હતો.....નયન, તૃષા અને પ્રીયા કારમાંથી બહાર નીકળ્યા અને હાથ-પગ મોકળા કર્યા....સુરતથી એકધારા થયેલા પ્રવાસના કારણે તેમને થોડો કંટાળો આવ્યો હતો. થોડી સુસ્તી ભરાઈ હતી કે ઉડાડવી જરૂરી હતી. વીજયની કાર તેઓથી ઘણી પાછળ આવતી હતી એટલે તેમની રાહ જોવા સીવાય બીજુ કંઇ કરવાનું પણ નહોતુ....લગભગ અડધા કલાક બાદ વીજયની કાર ત્યાં પહોંચી હતી. એ સમયે રાતના સાડા-આઠ થવા આવ્યા હતા. વીજય, શીવાની અને પ્રીયા નીચે ઉતર્યા હતા...મીનીટોમાં ચા-નાસ્તા પાણીનો પ્રોગ્રામ પતાવી તેઓએ ગાડીઓને અમદાવાદ તરફ જતા એક્સપ્રેસ હાઇવે ઉપર ચડાવી હતી.....
************************
બીજો હોલ્ટ પાલનપુર ચોકડીએ કરવામાં આવ્યો ત્યારે રાતના લગભગ એક નો સમય થયો હતો.....છોકરીઓ કયારની ઝોંકે ચડીને અર્ધનિંદ્રામાં સરી પડી હતી. વીજયે નયનની 'આઇકોન' પાછળ તેની 'સ્કોર્પીઓ' ને ખડી કરી....ખુલ્લા રસ્તા ઉપર ડ્રાઈવીંગ કરવુ આસાન હતુ તેમ છતા એ લોકોએ શાંતીથી ગાડી ડ્રાઈવ કરી હતી. તેનું એક કારણ એ પણ હતુ કે માઉન્ટ આબુ પહોંચવાની તેમને સહેજે જલદી નહોતી. કલારના લગભગ સી-તરે-એંશી કીલોમીટર ની સરેરાશે ગાડીઓ દોડતી હતી. જો આજ રફતાર રહે તો સવારના ત્રણ વાગ્યાની આસ-પાસ તેઓ માઉન્ટ-આબુ પહોંચી જાય એવી તેમની ગણતરી હતી. હજુ ઘણી મજલ કાપવાની બાકી હતી એટલે થોડુ ફ્રેશ થવુ જરૂરી હતુ....પાલનપુર ચોકડી વટાવી થોડે આગળ હોટલ "સર્વોતમ" ના પાર્કીંગ લોટમાં બન્ને ગાડીઓ હળવા ઝટકા સાથે ઉભી રહી હતી.....એન્જિન 'ઓફ' કરી વીજય નીચે ઉતર્યો અને ગાડીનો દરવાજો બંધ કર્યો....ગાડી થોભવાની અને દરવાજો ખોલ-બંધ થવાના અવાજને કારણે રીતુ અને શીવાનીની ઉંધમાં ખલેલ પડી હતી અને તેઓ જાગ્યા હતા....ઊંઘરેટી આંખોમાં આસ-પાસ જોતા તેઓ કઈ જગ્યાએ પહોંચ્યા છે એનો તાગ મેળવવાની કોશીષ કરી રહયા.....વીજયે રીસ્ટવોચમાં સમય જોયો, મોબાઇલ ફોન કાઠયો અને મોન્ટીનો નંબર ડાયલ કર્યો......મોન્ટીનો ફોન 'સ્વીચ ઓફ' આવી રહયો હતો. 'સર્વોતમ' ની નીયોન લાઈટોનો ઝગઝગાટ રાતના સુનકારમાં એક નોખી ભાત સર્જી રહયો હતો....અત્યારે હોટલમાં ઘણા ઓછા કસ્ટમરો હતા તેમ છતા હાઈ-વે ની આ હોટલમાં થોડી ચહલ-પહલ જરૂર હતી..... વીજયે બે-ત્રણ વખત મોન્ટીનો નંબર રી-ડાયલ છર્યો પરંતુ દરવખતે એ જ 'સ્વીચઓફ' નો મેસેજ તેના કાને સંભળાયો હતો. તેણે પ્રયત્ન પડતો મુકી ફોન ખિસ્સામાં સરકાવ્યો અને નયન તરફ ચાલ્યો. વાતાવરણમાં ઠંડક પ્રસરેલી હતી એટલે આપોઆપ તેના હાથ અદબમાં બીડાયા....નયન તેની કારમાંથી બહાર નીકળી, બોનટેની પ્રદક્ષિણા ફરી તૃષાને કંઇક પુછી રહયો હતો. વીજયને આ તરફ આવતો જોઈ ટે તેની તરફ ફર્યો....નયન લાંબા ડ્રાઈવીંગ બાદ પણ સ્વસ્થ લાગતો હતો. તેની આંખોમાં થાક કે ઉંઘનું નામોનીશાન નહોતુ. વીજય તેને જોઈ રહયો. નયન આકર્ષક વ્યક્તિત્વ ધરાવતો હતો. તેને જોતા જ એક શાંત, સૌમ્ય, મધુર વ્યક્તિત્વ ઉજાગર થતુ, વીજયને નયન પસંદ હતો.
"છોકરીઓ જમવાનું કહે છે..." તેણે વીજય તરફ જોતા કહયુ.
"ભુખ તો મને પણ લાગી છે.....સવાર પડવાને હજુ ઘણી વાર છે એટલે જમવામાં વાંધો નથી..."
"તો અહીજ ફ્રેશ થઈએ અને જમીને આગળ વધીએ..."
"હાં એ બરાબર છે. હું શીવાની ને કહુ છુ. " વીજયે કહયુ અને પોતાની કાર તરફ ફર્યો.
"અહી જમી લઈએ એવુ નયન કહે છે..." તેણે શીવાની ની ઊંઘરેટી આંખોમાં ઝાંકતા કહયુ. રીતુએ પણ એ સાંભળ્યુ. તે પાછળની સીટે માથુ ટેકવીને બેઠી હતી. શીવાની દરવાજો ખોલીને નીચે ઉતરે એ પહેલા રીતુ નીચે ઉતરી. વીજયને એ ગમ્યુ. શીવાનીના ચહેરા પર સ્મીત આવ્યુ અને તે પણ દરવાજો ખોલીને નીચે ઉતરી....એક આહલાદક અંગડાઈ લેતા તે બોલી.....
"તો ચાલો...પેટ પુજા કરી લઇએ..." અને તે બન્ને હોટલના પગથીયા તરફ ચાલી.
"અરે યાર....આ મોન્ટીને ફોન નથી લાગતો..." નયને કંઇક મોટા આવાજે વીજય તરફ જોઇને જમણો હાથ ઉંચો કરી તેને બતાવતા કહયુ. તે મોબાઇલ ફોન બતાવી રહયો હતો.
"હાં.....મેં પણ ટ્રાઈ કરી જોઇ. કદાચ તેની બેટરી ડાઉન હશે અથવાતો તે ફોન સ્વીચઓફ કરીને સુઈ ગયો હશે..."
"વોટ ધ હેલ...કમાલ છે એ પણ....તેને ખબર છે કે આપને આવી રહયા છીએ તો કમ સેકમ ફોન ચાલુ રહે તેનું ધ્યાન રાખવુ જોઈએ કે નહિ....સંજોગોવશાત આપણને તેની જરૂર પડી તો....?" નયને ચીંતા વ્યક્ત કરી. તેને સમજમાં નહોતુ આવતુ કે કયારેય મોબાઇલ બંધ ન રાખવાવાળા મોન્ટીનો આ સમયે ફોન કેમ બંધ છે....? ગમે તે કારણો સર મોન્ટીનો ફોન બંધ આવતો હતો એ તેના માટે આશ્ચર્ય ની વાત હતી.
"અરે ભાઈ....હશે કોઈ સમસ્યા .... જસ્ટ ચીલ...." વીજયે વાત ડાળતા કહયુ. પરંતુ નયને વાતનો તંતુ છોડયો નહિ......
"પણ આપણે કયાં ઉતરવાનું છે એ તો જાણવુ પડશે કે નહિ. તેણે એ તો આપણને જણાવ્યુ જ નથી. મેસેજમાં બસ તમે આબુ આવો એટલુ જ તેણે કહયુ હતુ. અને આપણે પણ એમ જ નીકળી પડયા. તને આ થોડુ અજુગતુ નથી લાગતુ....અને જો ને, હવે તેના ફોન જ બંધ આવે છે...." નયને કહયુ. તેની વાતમાં તથ્ય હતુ.
"તેના ઘરે સુરતમાં આ સમયે ફોન કરવો નકામો છે. બધા સુતા હશે. નહિતર એ એક વિકલ્પ છે..."
"યુ આર રાઈટ...." વીજય વીચારમાં પડયો. એ દરમ્યાન તૃષા અને પ્રીયા કારમાંથી નીચે ઉતરીને નયન પાસે તેમની વાતો સાંભળવા ઉભા રહી ગયા હતા.....જયારે એ વાતચીત દરમ્યાન જ શીવાની અને રીતુ તેમની પાસેથી પસાર થઇને હોટલના ટોઇલેટ બ્લોક તરફ ગયા હતા....."તો હવે શું કરીશુ....?" વીજયે પુછ્યુ. મોન્ટીના માઉન્ટ આબુ આવવાનું આમંત્રણ આપતો એસ.મ.એસ. ત્રણ દિવસ પહેલા એ તમામ મીત્રોના ફોન ઉપર આવ્યો હતો. એ પછી તેની સાથે કોઈએ કોઈજ કોન્ટેક્ટ કર્યો નહોતો......તેમને એવી જરૂર પણ જણાઈ નહોતી. એ સમય દરમ્યાન તેઓએ આબુ જવાનું નક્કી કર્યુ હતુ. રીતુ બે દિવસ તેના ગામડે જવાની હતી એટલે બે દિવસ બાદ, રીતુના પાછા ફર્યા બાદ તેઓ પીકનીક મનાવા આબુ જવા નીકળ્યા હતા.....અને હવે અધવચ્ચે પહોંચ્યા બાદ તેઓએ મોન્ટીને ફોન કર્યો હતો અને તેમના આશ્ચર્ય વચ્ચે મોન્ટીના ફોન બંધ આવતો હતો. આબુમાં કયાં રોકાવુ એ મહત્તનો પ્રશ્ન નહોતો કારણ કે જો મોન્ટી સાથે સંપર્ક ન થાય તો તેઓ કોઈ હોટલમાં રોકાઈ શકે એમ હતા...છતા મોન્ટી સાથે વાત થવી જરૂરી હતી.
"નખીલેક પાસે નજીકના સ્થળે તેની હોટલ છે એવુ તે મને કહેતો હતો. એ મને યાદ છે. નહિતર આપણે એક કામ કરીશુ....તેની બીજી એક હોટલનું નામ 'ઉપવન' છે તેની મને ખબર છે. તો આપણે પહેલા 'ઉપવન'માં જઇશુ....મોન્ટી કદાચ ત્યાં જ મળી જાય. જો એ ત્યાં નહિ હોય તો ત્યાંથી તેની બીજી હોટલનું સરનામુ મેળવી લઇશુ...."
"હાં......એ બરાબર છે. પરંતુ મોન્ટીનો ફોન....બંધ..." નયને માથુ ધુણાવ્યુ. આ વાત તેના મગજમાં ફીટ નહોતી થતી. તે મોન્ટીને સારી રીતે ઓળખતો હતો. "અશકય છે..." તે મનોમન બબડયો. વીજય માટે પણ આશ્ચર્યની વાત તો હતી જ....પરંતુ નયન જેટલી ગંભીરતાથી તેણે વિચાર્યુ નહી....જો કે આ વાત ને ગંભીરતાથી લેવા જેવી હતી.
"હવે અહી જ ઉભા રહેવુ છે કે અંદર પણ જઇશુ...?" તૃષા એ પુછ્યુ. તેને ઠંડી લાગતી હતી. ભરઉંઘમાંથી તે જાગી હતી એટલે તેની આંખોમાં હતાશ છવાયેલી હતી. તેના આછા સીષ્ક કાપડમાંથી સીવેલો ખુલતો પંજાબી ડ્રેસ પહેર્યા હતો, એ ડ્રેસના કાપડને વીંધીને ઠંડો પવન સીધો તેના મુલાયમ દેહ ઉપર વીંઝાતો હતો. એક તો તેને બેસવુ હતુ અને ઉપરથી ઠંડી પરેશાન કરી રહી હતી એટલે તે હોટલની અંદર જવા માંગતી હતી.
"આપણે અંદર જઈને ચર્ચા કરીએ તો...."
"યુ આર રાઈટ ડીયર....બટ, આફટર યુ..." વાંકા વળીને કંઇક અદાથી નયને તૃષા ને ખુશ કરતા કહયુ. તેઓ કાર પાર્કીંગમાંથી હોટલના પગથીયા તરફ આગળ વધ્યા. હજુ તેઓ હોટલના પગથીયા ચડી જ રહયા હતા કે વીજય નો મોબાઇલ રણકી ઉઠયો.....એ મેસેજ નો ટોન હતો. તેના ફોનમાં એસ.મ.એસ. આવ્યો હતો. પગથીયા પસાર કરી વિશાળ લોન્જ જેવી લોબીમાં તેઓ આવ્યા. ત્યાંથી હોટલના મેઈન હોલમાં તેઓ પ્રવેશ્યા....ત્યાં ઘણા-બધા ટેબલો અને ખુરશીઓ ગોઠવાયેલા હતા. વીજયે ખુણામાં એક ટેબલ તરફ ચાલવા માંડયુ. નયન, તૃષા અને પ્રીયા તેની પાછળ દોરવાયા. શીવાની અને રીતુ હજુ ટોઇલેટમાંથી બહાર આવ્યા નહોતા. વીજયે ખીસ્સામાંથી ફોન કાઠતા ત્યાં મુકાયેલી ખુરશી ઉપર બેઠક લીધી. મોબાઇલ ને અનલોક કરી મેસેજ ઓપન કર્યો.
ભારે આશ્ચર્યથી તેની આંખો પહોળી થઇ અને તે સ્ક્રીનને તાકી રહયો. હમણા જ આવેલો મેસેજ તેણે વાંચ્યો અને માથુ ધુણાવ્યુ....અને અચાનક તેના ચહેરા પર આછો મલકાટ વ્યાપ્યો....પછી તે ખડખડાટ હસી પડયો. નયન, તૃષા અને પ્રીયા બધાની જેમ અસમંજસથી વીજયના સોહામણા ચહેરા ઉપર આવેલા હાસ્યને સમજવા મથી રહયા. પ્રશ્નાર્થ નજરે તેઓ વીજયને તાકી રહયા. હસતા-હસતા જ વીજયે મોબાઇલ નયન તરફ લંબાવ્યો. નયને મોબાઇલ લીધો અને સ્ક્રિન ઉપર લખાયેલો મેસેજ વાંચ્યો. તેના ચહેરા પર પણ હળવુ હાસ્ય છવાયુ. મેસેજ મોન્ટીનો હતો....લખ્યુ હતુ.....
“Catch me if you can....” (જો તું મને પકડી શકે તો પકડી લે....)" અને ત્યારબાદ "સુંદરવન" હોટલનું સરનામુ લખ્યુ હતુ.
"કમબખ્ત....હાથમાં આવે એટલી વાર છે..." નયને હસતા-હસતા મોન્ટીનો એસ.મ.એસ. વાંચીને કહયુ. મોન્ટીએ મોકલેલા એસ.મ.એસ.માં લખાયેલુ “Catch me if you can....” એ એક પ્રખ્યાત કંપનીનું માર્કેટિંગ સ્લોગન હતુ જે એક સમયે ઘણુ પોપ્યુલર બન્યુ હતુ.....મોન્ટીએ જે એસ.મ.એસ. મોકલ્યો હતો તેનો સંદર્ભ વીજય અને નયન બન્ને સારી રીતે સમજ્યા હતા અને એટલે જ તેઓ હસી રહયા હતા.
હમણા બે મીનીટ પહેલા સુધી મોન્ટીનો ફોન સ્વીચ-ઓફ આવતો હતો અને જયારે તેઓએ મોન્ટીને ફોન કરવાનું બંધ કર્યુ કે તરત સામેથી તેનો મેસેજ વીજયના ફોનમાં આવ્યો હતો.....અને એ મેસેજનો મતલબ એવો નીકળતો હતો કે...."હું તમારી પહોંચથી ઘણો દુર છુ. જો તમારામાં તાકાત હોય તો મને પકડો..." એમ સમજો કે જાણે મોન્ટીએ તેના મીત્રોને ચીડવવાજ આ મેસેજ મોકલ્યો હતો.....વીજય અને નયન એટલે જ હસી પડયા હતા. તેઓ બધા મીત્રો આપસમાં ઘણી મજાક-મસ્તી કરતા. એક બીજાને ગુસ્સે કરવાની, ટાંગ ખેંચવાની કે ઇવન કયારેક સામેવાળી વ્યક્તિને ખરેખર લાગી આવે એવા પ્રકારની ગંભીર મજાક પણ તેઓ કરતા....તેમ છતા તેઓ એક-મેક ના સ્વભાવને સારી રીતે સમજતા એટલે થોડી ક્ષણો બાદ તેઓ બધુ ભુલીને ફરી પાછા એક થઇ જતા.....
"તુ મોન્ટીને ફોન લગાવ....આઈ એમ શ્યોર કે હવે તેની સાથે વાત થશે...." વીજયે કહયુ. નયને ફોન જોડયો.
"ભાઈ સાહેબ ને ઉંઘ નથી આવતી લાગતી....ફરી પાછો સ્વીચ-ઓફ આવે છે. રાતના એક વાગ્યે તેને રમત સુજે છે..." નયને આછો નિશ્વાસ છોડતા કહયુ.
"ચાર દિવસમાં તે એકલો-એકલો બોર થઇ ગયો લાગે છે...."
"પરંતુ તે ફોન બંધ શું-કામ કરી નાખે છે..? ધારોકે આપણે કોઈ ગંભીર મુશ્કેલીમાં મુકાઈએ તો તેની આ મજાક ભારે પડે કે નહિ...?"
નયન સાચુ કહેતો હતો એતો વીજય પણ સમજાતો હતો પરંતુ જયા સુધી મોન્ટીનો મેળાપ ન થાય ત્યાં સુધી તેનામાંથી કંઇ થઇ શકે એમ નહોતુ. તેઓની આપસમાં વાતચીત ચાલતી હતી એ દરમ્યાન રીતુ અને શીવાની ફ્રેશ થઇને આવી ચૂક્યા હતા એટલે જમવાનો ઓર્ડર અપાયો.
વેઈટર આવીને ડીશો ગોઠવતો હતો એ દરમ્યાન વીજય અપલક દ્રષ્ટીએ રીતુના ચહેરાને તાકી રહયો. ઉંઘથી બોઝીલ થયેલી રીતુની આંખોમાં આછી રતાશ તરી આવી હતી. તે હમલા જ ફ્રેશ થઇને આવી હતી. તેના ચહેરાની સ્નીગ્ધ ત્વચામાં મુલાયમ કુમાશ છવાણી હતી.....તે અત્યારે પણ તરોતાજા અને ખુબસુરત લાગતી હતી.
************************
આબુ પર્વતના વાંકાચૂંકા સર્યાકાર રસ્તાઓ વટાવી વીજય અને નયનની કારો નખીલેકની બજારમાં આવી ત્યારે સવારના ચાર વાગવા આવ્યા હતા. આબુ પર્વતના વાતાવરણમાં જબરદસ્ત ઠંડક ફેલાયેલી હતી. રસ્તાઓ ખામોશ અને સુમસાન હતા. ચો-તરફ શાંતી ફેલાયેલી હતી......મોન્ટીનો મોબાઇલ હજુપણ સ્વીચ-ઓફ આવતો હતો. વીજય, નયન સહીત લગભગ બધા જ મીત્રો મોન્ટી ઉપર ખરેખર અકળાઈ ઉઠ્યા હતા....જો કે મોન્ટીએ મેસેજ દ્વારા "સુંદરવન" નું સરનામુ તેમને મોકલી આપ્યુ હતુ એટલે એ હોટલ શોધવામાં કોઈ તકલીફ પડે એમ નહોતી....તેમ છતા મોન્ટી જે પ્રકારનીં મજાક અત્યારે તેમની સાથે કરી રહયો હતો એ થોડી વધુ પડતી અને સમજ બહારની હતી....
નયને તેની કારને નખીલેકની મુખ્યબજારમાં, અહી ફરવા આવતા પ્રવાસીઓની ગાડીઓને પાર્ક કરવા માટે નગરપાલીકા દ્વારા બનાવવામાં આવેલા પાર્કીંગ લોટ તરફ વાળી.....એ પાર્કીંગ લોટથી થોડેજ ઉપરવાસમાં નયનરમ્ય નખી તળાવ હતુ. પાર્કીંગ લોટ વટાવો એટલે એક સીધો રસ્તો નખી તળાવ તરફ જતો હતો જયારે ત્યાંથી ડાબી બાજુનો રસ્તો 'સનસેટ' પોઈન્ટ તરફ અને જમણી બાજુનો રસ્તો પ્રખ્યાત દેલવાડાના જૈન મંદીર અને ગુરમુખ શીખર તરફ જતો હતો. "સુંદરવન" એ બાજુ, મતલબ કે નખી તળાવની જમણી બાજુ વળતા રસ્તે થઇને જવાનું હતુ એટલે નયને એ રસ્તે કાર હંકારી......
બહાર, વાતાવરણમાં જબરદસ્ત ઠંડક હતી. એક તો પહાડના ઇલાકો, તેમાય વરસાદી સીઝન પુરી થવામાં હતી અને શીયાળામાં આગમનની તૈયારી હતી એટલે આબુ પર્વતના વાતાવરણમાં શીયાળાની પૂર્વ તૈયારી હોય એમ ઠંડા પવનોએ પોતાનું સામ્રાજ્ય ફેલાવવાનું શુરૂ કરી દીધુ હતુ....વહેલી સવારના ચાર વાગ્યાના સમયે સમગ્ર આબુ શહેર અને શહેરના તમામ રસ્તાઓ ખામોશીની ચાદર ઓઢીને પોઢેલા હતા......પહાડ ઉપર આછુ સફેદ ઘુમ્મસ ઉતરી આવ્યુ હતુ. કયાંક કોઈક ઠેકાણે ડામરના રોડના કિનારે એકાદ ચા-નાસ્તાની લારીવાળો દેહાતી માણસ પોતાના પ્રાયમસને ઘમઘમાવીને મથામણમાં પરોવાયેલો નજરે ચડતો હતો. નખીલેકની મુખ્યબજારમાં રસ્તાની બન્ને બાજુ ફેલાયેલી દુકાનોની નીયોન બોર્ડની ઝગમગ થતી રોશની ઉપરાંત અહીની મ્યુનીસીપાલટીએ ખોડેલા થાંભલા પર સળગતી ટયૂબલાઈટો નો ફેલાતો પ્રકાશ વાતાવરણમાં થોડી ઘણી જીવંતતા આણતા હતા.....એ સીવાય ચારોકોર સુનકાર છવાયેલો હતો.
એટલીજ ખામોશીથી વહયે જતી વીજય અને નયનની કારો દેલવાડાના મંદીર તરફ જતા રસ્તે વળી ચૂકી હતી.....રસ્તો નાનો અને સાંકડો હતો. આ તરફ રહેણાંક વિસ્તાર હતો એટલે અહીના મકાનોમાં રહેતા માણસોના વ્યીકલ તેમજ કાર રોડની બન્ને સાઈડે બરાબર પાર્ક કરેલી હતી. તેના કારણે સંકડો રસ્તો વધુ સાંકડો બન્યો હતો. થોડીવારમાં જ તેઓ એ રહેણાંક વીસ્તાર વટાવી ખુલ્લા રોડ ઉપર આવી પહોંચ્યા હતા.... મોન્ટીએ જે સરનામુ મેસેજ દ્વારા મોકલ્યુ હતુ એ મુજબ તેઓને આ જ રસ્તે થોડુ આગળ વધ્યા બાદ કોઇક જગ્યાએથી ડાબી બાજુ જતા રસ્તે વળવાનું હતુ. નયન સાવચેતીથી કારની હેડલાઈટના પ્રકાશમાં ચમકતા રોડને તાકતો આગળ વધી રહયો હતો....પંદરેક મીનીટના ડ્રાઇવ બાદ તેની આંખો અચાનક ચમકી ઉઠી. રોડને સમાંતર ડાબા હાથે એક બોર્ડ દેખાતુ હતુ તેમાં ઝાંખા પણ સુંદર અક્ષરે "સુંદરવન ઇન" લખેલુ તેને વંચાયુ....નયને કાર ધીમી કરી સ્ટીયરીંગને ડાબી બાજુ ઘુમાવ્યુ. વિજયે નયનની પાછળ તેની કાર વાળી...ગીચ ઝાડી-ઝાંખરા અને વૃક્ષોની વચ્ચે એક ખૂબ જ સુંદર સર્પાકાર રસ્તો બનાવાયો હતો....આ રસ્તો નખીલેકની ઉપરવાસમાં લગભગ અડધે સુધી પ્રદક્ષિણા ફરતો હતો. મોન્ટીની "સુંદરવન ઇન" પણ આજ રસ્તા ઉપર એક વિશાળ પહાડની તળેટીમાં હતી.
નયન પોતાની કાર ખૂબજ ધીરે ચલાવી રહયો હતો. રસ્તાની બન્ને બાજુ આડેઘડ ઉંગી નીકળેલા ઝાડી-ઝાંખર રસ્તા પર ચાલતી નયન અને વીજયની કારના પડખા એ મોઠીયા સાથે ઘસાતા હતા. તેઓ સાવધાનીથી ગાડી ચલાવતા આગળ વધ્યા.....
આખરે.....લગભગ પંદર-વીસ મીનીટના ડ્રાઇવ બાદ તેઓની કાર એક તોતીંગ પણ કલાત્મક લોખંડના દરવાજે આવીને અટકી રસ્તાની જમણીબાજુ એક વળાંક પર 'સુંદરવન' ની સુંદર ઇમારત આવેલી હતી....તોતીંગ દરવાજાની અંદર એક વિશાળ ચોગાન હતુ અને ચોગાન પુરુ થયે એક ત્રી-મજલી સુંદર ઇમારત દૃશ્યમાન થતી હતી. એ જ ઇમારત "સુંદરવન" હતી. દુરથી સવારના આછા અજવાશમાં "સુંદરવન" ઇમારત કોઈ વર્ષો જુના રાજપુતી મહેલ જેવી ભેંકાર અને બોઝીલ દર્શતી હતી.....નયન અને વીજય કારમાંથી નીચે ઉતરીને એ ઈમારતના દરવાજે આવ્યા. દરવાજાની અંદર દેખાતી ઇમારતને તેઓ જોઈ રહયા. આછા અંધકારમાં દુરથી નજરે પડતી હવેલી એક અગમ્ય અને અદભુત નજારો પેશ કરી રહી હતી.....હવેલીને જોતા જ વીજય અને નયનના મનમાં કોઇ અગમ્ય કારણોસર ઉદાસી છવાતી ગઇ.......અચાનક તે બન્ને ને એવુ મહેસુસ થવા લાગ્યુ કે તેમણે અહી આવવા જેવુ નહોતુ. તેઓ પોતાના મનમાં ઉઠતા ભાવોને સમજી શકતા નહોતા.....
કાશ.....તેઓ જો ત્યારે જ પાછા ફરી ગયા હોત તો એક ગમખ્વાર ભયાનક ઘટના ઘટતી અટકી હોત....
(ક્રમશ:)
(વધુ આવતા અંકે...)
By
Praveen Pithadiya
Facebook.com/praveenpithadiya
Whatsapp : 9099278278