અંજામ (પ્રકરણ - ૫) Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંજામ (પ્રકરણ - ૫)

અંજામ

પ્રકરણ - ૫

પ્રવીણ પીઠડીયા

વિજય, નયન, તૃષા, શિવાની, પ્રિય અને રીતુ તે દિવસે મળસ્કે "સુંદરવન" હવેલીએ પહોંચ્યા હતા. તેઓના રહેવાની વ્યવસ્થા મોન્ટુએ ત્યાં જ કરી હતી એવું તેણે મેસેજમાં કહ્યું હતું... વિજયે હવેલીનો તોતિંગ દરવાજો ખોલ્યો અને તેઓએ પોતાની ગાડીઓ અંદર લઇ હોટલના પોર્ચમાં લાવી ખડી કરી.... એ તેમની છેલ્લી ક્ષણો હતી. ત્યારબાદ તેઓ સાથે શું થયું એ બે દિવસ બાદ માલુમ પડ્યું હતું.

*******

બે દિવસ બાદ ની સવારે....

*******

"ટ્રીન....ટ્રીન.... ટ્રીન....ટ્રીન...." સવારના દસ વાગ્યા ના સુમારે નખીલેક પોલીસ ચોકીનો ફોન એકાએક રણકી ઉઠ્યો. કોન્સ્ટેબલ ભવાની પુરોહીતે ભારે કંટાળાથી એક અસ્સલ પોલીસવાળા ની અદાથી જાણે કોઈ મોટો પહાડ ઉચકતો હોય એમ કટાણું મોઢું કરીને ફોન ઉચકી કાને મુક્યો...

"હેલ્લો... નખીલેક પોલીસ થાણા..." ઊંઘમાં બબડતો હોય તેમ તે બોલ્યો.

"સાહેબ...." એક અત્યંત ગભરાયેલો અવાજ રીસીવર માંથી સંભળાયો.

"બોલો શું છે...?"

"સાહેબ... સાહેબ...."

"હવે આગળ પણ કંઈક બોલોને ભાઈ કે ફક્ત સાહેબ... સાહેબ જ કરશો."

"સાહેબ... આપ જલ્દી અહી આવો... અહી..."

"અરે અહી એટલે ક્યાં મારાભાઈ...." પુરોહીત ને સવારમાં કોઈ તેની નસ ખેંચે એ બિલકુલ પસંદ નહોતું. "જગ્યા નું નામ દે... અને ત્યાં શું કામ આવીએ તે કહે..."

"અહી... અહી... એટલે.... નખીલેક થી ઉગમણે....સુંદરવન હોટેલ છે ત્યાં...." રીસીવરમાંથી આવતો અવાજ ગભરાયેલો અને અસ્પસ્ટ હતો.

"પહેલા એ કહે કે તું કોણ બોલે છે....?" પુરોહીતે એક પોલીસયો સવાલ ઠોકયો. તેને હવે કંટાળો આવતો હતો. પોલીસ ચોકી માં આવતા અડધા ઉપરના ફોન તેણે જ ઉપાડવા પડતા. એમાં જાણે તે થાકી જતો હોય એવું તેને લાગતું. ફોન કરવાવાળા સાથે ખોટી માથાકુટમાં પડવું તેને જરાપણ ગમતું નહિ.

"હું....હું.... મોઘોસીંહ... માઈબાપ... ગોવાળ છું..."

" હા તો તેનું શું છે હવે એ કહે... કંઈક સમજાય એવું બોલ..."

" સાહેબ... આ અહી હોટલમાં.... આ હોટલથી...." મોઘોસીંહનો અવાજ રીતસરનો ધ્રુજી રહ્યો હતો. તે પૂરેપૂરું એકધારું બોલી પણ શકતો નહોતો. તેણે કોઈ ભુત જોઈ લીધું હોય એમ તેના અવાજમાં ડર ભળ્યો હતો.

"ખૂન... ખૂન... સાહેબ... મોત...." તે ફોનમાં બરાડી ઉઠ્યો. તેના ખુદના અવાજથી જ તેની છાતીના પાટીયા બેસતા જતા હતા.

"ખૂન...." અચાનક હેડ કોન્સ્ટેબલ સટાક કરતો પોતાની ખુરશીમાં ઉછળી પડ્યો. તેની બધી સુસ્તી પળવારમાં હવા બની ગઈ. "કઈ જગ્યાએ... ક્યાં.... કેવી રીતે....?"

"સાહેબ, સુંદરવન..... નખીલેખ.... જલ્દી..."

"તું ક્યાંથી બોલે છે....? " પુરોહીતે હજુ પ્રશ્નો મુક્યા નહી.

"મોબાઈલ..... મારા મોબાઈલ ઉપરથી.... ફોન કર્યો."

"ઠીક છે. તું ત્યાં જ રહે... અમે આવીએ છીએ... જો જે ક્યાય ભાગતો નહી નહીતર નાહકની તને શોધવાની અમારે મહેનત કરવી પડશે...." પુરોહીતે કહ્યું. તે જાણતો હતો કે આવા કેસમાં ફોન કરીને માહિતી આપવા વાળા પાછળથી ગુમ થઇ જતા હોય છે. કોઈ પોલીસ લફરામાં પડવું પસંદ કરતુ નહી.

"સાહેબ... એવું હોત તો મેં ફોન ન કર્યો હોત.... મોઘોસીહેં કહ્યું.

ભવાની પુરોહીતે ફોન મુક્યો અને તેણે પોતાની ભારેખમ કાયાને કામે લગાડી. તે લગભગ ચાલીસેક વર્ષની ઉંમર નો ઉંચી કદ કાઠી અને કરડી મૂછો ધરાવતો વ્યક્તિ હતો. તે પુરેપુરો આળસુ હતો.... તેમ છતાં ઈમાનદાર અને ફરજપરસ્ત સ્વભાવ ધરાવતો. તે ઉભો હોય તો એમ જ તેનો પ્રભાવ દેખાતો. તેની ઉંમર પ્રમાણે વધુ અનુભવ તેણે મેળવ્યો હતો. આબુ જેવા નાનકડા અમથા પ્રવાસન સ્થળમાં ભાગ્યે જ કોઈ મોટા ગુના બનતા એટલે તેને વધુ દોડા-દોડી રહેતી નહી. મોટેભાગે અહી આવતા પ્રવાસીઓની સાથે થતી છેતરપીંડી અને લુંટફાટ જેવા પ્રશ્નો સીવાય બીજી કોઈ મોટી ઘટના બનતી નહી... પરંતુ અત્યારે જે મોઘોસીંહ નામના વ્યક્તિ નો ફોન આવ્યો હતો અને તેને જે બયાન આપ્યું હતું એ ઘણું ગંભીર પ્રકારનું હતું.... ફોનની ગંભીરતાને ધ્યાનમાં લેતા તેણે તાબડતોડ પોતાના ઉપરી સાહેબને ફોન જોડ્યો... નખી તળાવ થાણાના પી.આઈ. વિક્રમ ગેહલોત આ સમયે થાણામાં હાજર નહોતા... તેઓ કોઈ કામસર બહાર હતા. વિક્રમ સાહેબને ફોન લાગ્યો કે તરત પુરોહીતે વિગતવાર બધો રીપોર્ટ આપ્યો.

માત્ર પંદરજ મીનીટમાં મારતી જીપે વિક્રમ ગેહલોત પોલીસ થાણે આવી પહોચ્યા... તેમણે ભવાની પુરોહીતને બોલાવી આખી બીના ફરીથી સાંભળી.... ફટાફટ આદેશો જરી કર્યા. થોડીવાર માં એ નાનકડી ચોકી ધમધમી ઉઠી. જે જીપમાં વિક્રમ ગેહલોત આવ્યો હતો એ જીપને પાછી ઘુમાવામાં આવી. સૌથી પહેલા ગેહલોત આગળની સીટમાં ગોઠવાયો. પાછળની સીટમાં પુરોહીત અને બીજા બે કોન્સ્ટેબલો ચડી બેઠા એટલે જીપના ડ્રાઈવર કોન્સ્ટેબલે જીપને "સુંદરવન" ની દિશામાં મારી મુકી.

*******

સુંદરવનના લોખંડના કલાત્મક અને વિશાળ ફાટક (દરવાજા) પાસે આવીને જીપ થોભી. એક છલાંગ લગાવીને રોહલોત નીચે ઉતર્યા. ધડાધડ કરતા કોન્સ્ટેબલો પણ જીપની પાછળથી નીચે ઉતરી સાહેબ પાસે આવીને ઉભા રહ્યા... તરત સુંદરવનના ગેટની બરાબર સામે એક મોટા ઝાડ નીચે ઉભેલો એક દેહાતી માણસ તેમની નજીક દોડી આવ્યો. તેણે માથે મોટી જબ્બર પાઘડી બાંધી હતી. ચૂંચવાઈ ગયેલી આંખો, પૂળા જેવી કાળી-છોળી મૂછો, કરચલીવાળો ચહેરો.... લગભગ સાઈઠેક વર્ષની ઉમર હશે તેની. તેણે અસ્સલ રાજસ્થાની પોશાક પહેર્યો હતો. જાડું, મેલું ધોતીયું અને ઉપર ભારત ભરેલું લાંબુ પહેરણ... તેના હાથમાં ભારેખમ લઠ્ઠ હતો.

"રામ... રામ... સા..." તેણે હાંફતા અવાજે ગેહલોતની નજીક આવી બે હાથ જોડતા કહ્યું. તેના ચહેરા પર દુનિયાભરના ડરના ભાવો અંકીત હતા.

"રામ-રામ... તે ફોન કર્યો હતો...?"

"હા... સાહેબ" ગેહલોત પુછ્યું એ દરમ્યાન હેડ કોન્સ્ટેબલ પુરોહીત ધારી-ધારીને તેને જોઈ રહ્યો.

"શું-જોયું તે... ? ક્યાં.... ?"

"અહીંથી ઉપરવાસમાં.... ત્યાં... આગળ....." તેણે હવેલી ની ફરતે બંધાયેલી દિવાલની પેલે પાર જંગલ તરફ હાથ લંબાવતા કોઈ જગ્યા ચીંધતા કહ્યું. "ત્યાં..."

"તું તો કહેતો હતો ને કે સુંદરવનમાં ખૂન થયું છે...." મોઘોસીંહ, સુંદરવનથી થોડે દુર ગાઢ વનરાજી તરફ આંગળી ચીંધી રહ્યો હતો એ જોઇને ગહેલોતે પ્રશ્ન ઉછાળ્યો.

"એ...એ...તો...સાહેબ.... આપને જગ્યાની નિશાની મળી રહે એટલા માટે કહ્યું હતું." મોઘોસીહે ખચકાતા અવાજે કહ્યું.

"શું જોયું તે... ?"

"ખૂન સાહેબ... ખૂન... માણસના કટકા.... કપાયેલા કટકા.... ભયાનક.... બાઈ માણસ છે...." મોઘોસીંહ ની આંખોમાં ભય તારી આવ્યો. તેના અવાજમાં ફરી વખત ધ્રુજારી ભળી અને એ ભડભાદર આદમી જાણે અંદરથી ખળભળી ઉઠ્યો.

"ચાલ..... અમને લઇ જા એ જગ્યાએ...."

"નહિ....નહિ....સાહેબ.... તમે જાઓ.... મારાથી એ નહિ જોવાય... હું નહિ આવું. તમને દુરથી બતાવી દઉં. "તે ગળચીયા ગળતા બોલ્યો.

"હવે વેવલા વેડા મુક અને આગળ થા...." ગેહલોતે મોઘોસીંહને આગળ કર્યો.

અને... એ રસાલો જંગલભણી ચાલ્યો. હજુ થોડાક જ ચાલ્યા હશે કે અચાનક આગળ ચાલતો મોઘોસીંહ અટકી ગયો. તેની આંખો ચળક - વળક થવા લાગી.

"સામે સાહેબ... જુઓ અહીંથી એ શરીરના અંગો દેખાય છે... કોઈ સ્ત્રીના છે. તમે જાઓ.

ગેહલોત અને પુરોહીત બંનેની નજર મોઘોસીહે ચીંધેલી દિશામાં મંડાણી. તેઓ જ્યાં ઉભા હતા ત્યાંથી લગભગ ત્રીસેક કદમ દુર થોડે ઉપર એક ઝાડીની વચ્ચે લાલ-પીળા કપડાનો ઢગલો નજરે ચડ્યો.

"ઓહ ભગવાન..." ગેહલોતના મો માંથી શબ્દો સર્યા અને તેના પગ એ દિશામાં ઝડપથી આગળ વધ્યા. કોન્સ્ટેબલો ગેહલોત ની પાછળ ખેંચાયા. પથ્થરોના મુરમને વટાવતા થોડી જ વારમાં તેઓ એ ઢગલા પાસે પહોંચ્યા. ગેહલોતનો ચહેરો હેરતથી તરડાયો. તેની આંખો જે જોઈ રહી હતી એ ભયાનક અને અવિશ્વસનીય હતું. તેના જેવા મજબુત દિલના પોલીસ અફ્સરનું હૃદય પણ એક ધબકારો ચુકી ગયું. આજ પહેલા તેણે પોતાની જીંદગીમાં અને જ્યારથી તેણે પોલીસ સર્વીસ જોઈન કરી હતી ત્યારથી અત્યાર સુધીમાં આવું ખૌફનાક દ્રશ્ય તેણે જોયું નહોતું.... અને ફક્ત તે જ શું કામ...? તેની પાછળ દોડી આવેલા પેલા ત્રણેય કોન્સ્ટેબલોની હાલત તો ગેહલોત કરતા પણ વધુ ખરાબ હતી. ફાટી આંખોએ તેઓ નીચે જમીન પર વિખરાયેલા માનવઅંગોને જોઈ રહ્યા....

થોડીક ભીની માટીવાળી જમીન ઉપર ઉગી નીકળેલા અડઘા ફૂટ સુધીના લીલા ઘાસની અંદર માનવ અંગોનો ઢગલો વિખેરાઈને પડ્યો હતો... એ કોઈ સ્ત્રીના અથવા યુવતીના શરીરના ટુકડા હતા. પહેલા સાથળોથી કપાયેલા બે પગ, ત્યારબાદ ઉપરનું ધડ અને ધડ થી થોડેદુર માથું પડ્યું હતું..... ત્યાં હાજર હતા એ લોકોના શરીરમાં આવું દ્રશ્ય જોઇને એક ભયાનક અરેરાટી વ્યાપી ગઈ... તેઓ સ્તબ્ધ બનીને ફાટી આંખે એ દ્રશ્ય જોઈ રહ્યા હતા. વિક્રમ ગેહલોતનું હૃદય વલોવાયું હતું અને પેટમાં ચૂંથારો થવા માંડ્યો હતો... વિક્રમ ગેહલોત ઠંડા દિમાગનો માણસ હતો. તે વિચારતો જાજુ અને બોલતો ઓછું. દરેક પરીસ્થીતીમાં તે શાંત ચિત્તે વિચારી આગળના પગલા ભરતો... પરંતુ અહી જે કાંડ ભજવાયો હતો તેના લીધે તેના શરીરની નસોમાં દોડતા લોહીમાં ધડબડાટી વ્યાપી ગઈ હતી. સામાન્ય રીતે ગમેતેવા કેસમાં પોતાના પોલીસીયા દિમાગને કાબુમાં રાખી શકનારા ગેહલોતથી અચાનક બુમ પડી ગઈ....

"પુરોહીત... જલ્દી HO પર મેસેજ મોકલ... તાબડતોડ બધાને અહી બોલાવી લે...." અને પછી સ્વગત બબડતો હોય તેમ બોલ્યો..." આ ભયાનક છે... ખરેખર ભયાનક છે..."

ભવાની પુરોહીત ફફડતો હતો. તે તરત હરકતમાં આવ્યો અને પોતાના મોબાઈલથી તેણે ફટાફટ HO (હેડ ઓફીસ) પર ફોન કર્યો... સુચના આપી વધુ ફોર્સ બોલાવી લીધી... એ દરમીયાન ઇન્સ. વિક્રમ ગેહલોત યુવતીની બોડી અને તેના આસપાસના સ્થળના નીરીક્ષણમાં પરોવાયો. તેના દિમાગમાં ભારે ઉથલ-પાથલ મચી હતી.

"પુરોહીત.... તું સામે દેખાય છે તે હોટલની અંદર જ અને ત્યાં કોઈ હોય તો તેને બોલાવી લાવ. અને હા, ત્યાં તપાસ પણ કરજે... માનસિંહ, ધીરસિંહ... તમે બંને અહી આજુ-બાજુ ના વિસ્તારમાં જરા ઝીણવટથી તપાસ કરો... અને મોઘોસીંહ, તું ભાઈ જરા દુર ઉભો રહેજે..." વિક્રમે સાથે આવેલા કોન્સ્ટેબલોને જુદી-જુદી દિશામાં રવાના કર્યા. પછી તે યુવતીના દેહ પાસે આવ્યો અને ડેડબોડી પાસે ઉભડક બેસી તેનું નિરીક્ષણ કરવા લાગ્યો.

યુવતી ઊંઘે માથે પડી હતી. તે એકદમ ભડક લાલ કલરનો ડ્રેસ પહેર્યો હતો. ત્રણ કટકામાં વહેચાયેલા તેના શરીરમાંથી પુષ્કળ લોહી વહીને આસ-પાસની માટીમાં ભળી ચુક્યું હતું. યુવતીના પગ અને તેનું ધડ પાસ પાસેજ પડ્યા હતા જયારે માથું તેની બોડી થી લગભગ દસેક કદમ દુર પડ્યું હતું. ડેડબોડીની પોઝીશન જોતા ગેહલોતને એટલું તો સમજમાં આવ્યું કે કોઈકે ભારે ક્રુરતાથી તેનું ખૂન કર્યું હશે... તે જેમ-જેમ એ ડેડબોડીનું નિરીક્ષણ કરતો ગયો તેમ તેના દિમાગમાં ભયંકર કલ્પનાઓ ઉભરવા લાગી હતી. તેની તીક્ષ્ણ નજરો જે જોઈ રહી હતી અને તેમાંથી જે પરિણામો ઉભરતા હતા તે અસામાન્ય હતા.... લગભગ પંદર મીનીટ બાદ જે તારણો તેના મનમાં નીકળ્યા હતા તે આ પ્રમાણે કે...

--- યુવતીના શરીર ઉપર અત્યંત તીક્ષ્ણ ધારદાર હથીયારથી વાર કરવામાં આવ્યા છે. એ તીક્ષ્ણ હથીયાર કદાચ કોઈ કસાઈ પાસે હોય એવા લાંબો ધારદાર છુરો હોવો જોઈએ...

--- યુવતી સામે દેખાય છે એ સુંદરવન હોટલ તરફથી આ બાજુ આવી હશે જે તેના પગલાના નિશાનો ઉપરથી સાબીત થાય છે.

--- મરતી વખતે યુવતીના ચહેરા પર ભયાનક ગભરાહટ અને ડરના ભાવો છવાયેલા હતા...

--- સૌથી પહેલા એક જ ઝટકે તેનું ગળું કપાયું હશે અને પછી તેના સાથળના ભાગે વાર થયો હશે.

--- ખૂન કરનાર જબરદસ્ત તાકાતનો માલીક હોવો જોઈએ કારણ કે એકજ ઝાટકે ગળાની સાથે સાથે યુવતીના માથાના વાળ પણ કપાયા છે...

--- ખૂન થયાને હજુ એક જ દિવસ થયો હોવો જોઈએ કારણ કે ધડ અને માથાના ભાગમાંથી હજુ પણ ઘટ્ટ લોહી નીકળી રહ્યું હતું...

--- આટલી ઘાતકી રીતે હત્યા થઇ હોવા છતાં મરનાર કમભાગી યુવતી સીવાય બીજા કોઈના પગના નિશાન નથી... આ ખરેખર આશ્ચર્યની વાત હતી...

આ ઉપરાંત પણ ગેહલોતના મનમાં ઘણા પ્રશ્નો ઉઠતા હતા જેનો કોઈ જવાબ તેને સુજતો નહોતો. તે હજુ વિચારમાં હતો કે અચાનક...

"સર... સર.... જલ્દી અહી આવો..." ની બુમો તેના કને પડી. તે ઉભો થયો અને અવાજની દિશામાં નજર ફેરવી. હેડ કોન્સ્ટેબલ ભવાની પુરોહીત હાંફળો-ફાંફળો તેની તરફ દોડતા આવતા બુમો પાડી રહ્યો હતો. તેનો ચહેરો ભારે આઘાતના કારણે બેડોળ બની ગયો હોય એવું ગેહલોતને લાગ્યું. પુરોહીત સુંદરવનમાં તપાસ કરવા ગયો હતો... પરંતુ અત્યારે જાણે તેણે સુંદરવનની અંદર ભૂતો જોઈ લીધું હોય એમ ડરનો માર્યો ભાગતો આવતો હતો.

"શું છે ભવાની... આમ નાના છોકરાની જેમ બુમો કેમ પાડે છે..."

"સર... સર... ત્યાં અંદર... " ભવાની પુરોહીત ગેહલોત પાસે પહોંચી ગયો હતો છતાં ગભરાહતના લીધે તેનાથી બોલવામાં લોચા વળતા હતા.

"તે હવેલીમાં ભૂત તો નથી જોયું ને...?"

"નહિ... પણ ત્યાં... ખૂન... હત્યા.... હત્યાઓ... થઇ છે.... લશો પડી છે." થોથવાતા અવાજે તેણે કહ્યું. હજુ હમણાં થોડીવાર પહેલા જેવી હાલત પેલા દેહાતી ગોવાળ મોઘોસીંહની હતી અત્યારે એવી જ હાલત ભવાનીની થઇ હતી. તે ભડભાદર આદમી જાણે ખળભળી ઉઠયો હતો.

"હત્યાઓ... તું શું બોલે છે...?" ભારે આશ્ચર્યો થી ગેહલોતે પૂછ્યું.

" હા સાહેબ હત્યા... એક...બે....નહિ...નહિ....ત્રણ અથવા ચાર...."

"વોટ....?" ગેહલોત ઉછળી પડ્યો. તેના માથામાં જાણે ઘણ પડતા હતા.

"સાહેબ... હોટલમાં હત્યાકાંડ સર્જાયો છે.... ભયાનક હત્યાકાંડ... તમે ચાલો જલદી...."

ભવાની પુરોહીત એટલા મોટેથી બરાડા પાડતો બોલી રહ્યો હતો કે આજુ-બાજુમાં તપાસ કરતા માનસિંહ અને ધીરસિંહ સહીત દુર ઉભેલા મોઘોસીંહ પણ નજીક દોડી આવ્યા હતા.

"એક મીનીટ... એક મીનીટ... તું પેલા શ્વાસ લે અને પછી કંઈક સમજાય એવું બોલ... તે શું જોયું હોટલમાં...?"

"તન લાશો પડી છે ત્યાં... એક હોલ માં..."

" તું તો હમણાં ચાર કહેતો હતો ને...?"

"એ તો ગભરાહટના માર્યા બોલાઈ ગયું. મેં મારી સગી આંખે ત્રણ લાશો જોઈ... હજુ ઘણું જોવાનું બાકી છે. કદાચ વધારે લાશો પણ હોય... તમે ચાલો મારી સાથે... હું બતાવું..." કહીને તે આગળ થયો. વિક્રમ ગેહલોત અને બીજા ઝડપથી તેની પાછળ દોરવાયા. ઝડપથી આગળ વધતા ગેહલોતના મનમાં ભારે ગડમથલ ચાલતી હતી. અહી શું બની ગયું હતું એ તેની સમજમાં આવતું નહોતું. પહેલા એક યુવતીની લાશ જંગલમાં મળી હતી અને હવે કોન્સ્ટેબલ ભવાની પુરોહીત બીજી લાશો જોઇને આવ્યો હતો... આ ઘટના ભારે સનસનાટી મચાવશે એનો સંદેશો અત્યારથી તેને આવવા લાગ્યો હતો. સાવ અચાનક તેને "સુંદરવન" હવેલી મનહુસ ભાસવા લાગી હતી. હજુ હમણાં બે-ત્રણ દિવસ પહેલા જ તેણે સુંદરવન હવેલીનું નામ ક્યાંક સાંભળ્યું હતું. પરંતુ કયા સંદર્ભમાં સાંભળ્યું હતું એ તેને ઝટ યાદ આવતું નહોતું...

હોટલનો ગેટ વટાવીને તેઓ હવેલીના અંદરના વિશાળ ચોગાનમાં આવ્યા. હોટલ અથવા તો હવેલીના આગળના વિસ્તારમાં બગીચો બનાવવાનું કામકાજ ચાલતું હોય અને અધૂરું મુકાયું હોય એ ગેહલોતે ચાલતા ચાલતા જ નોધ્યું. હોટલના મુખ્ય ગેટથી હોટલની ઈમારત ઘણી દુર હતી અને ત્યાં સુધી પહોચવા માટે કમ્પાઉન્ડની અંદર બંને બાજુ અર્ધ-ગોળાકાર માં ગાડીઓ માટેનો ડ્રાઈ-વે બનાવાયો હતો. તેઓ એ ડ્રાઈ-વે ના એન્ટર બાજુના વિસ્તારથી ચાલતા-ચાલતા જ હોટલના રીશેપ્સનીસ્ટ ગેટ પાસે આવ્યા... કાચના એ મુખ્ય દરવાજાની બહાર, આગળના ભાગે જમણા હાથ બાજુ, કે જ્યાંથી હોટલનો એકઝેટ ડ્રાઈ-વે શરૂ થતો હતો એ રસ્તાના એક ખૂણે બે કરો પાર્ક કરેલી તેમને નજરે ચડી... ગેહલોતે મનોમન તેની નોંધ લીધી. તે ગાડીઓની પાછળની નંબર પ્લેટ ઉપર લખાયેલા નંબરો જોતા તેને સ્પષ્ટ ખ્યાલ આવ્યો હતો કે તે બંને કારો સુરત R.T.O. પાસિંગની કારો છે. તેને નવાઈ તો લાગી પરંતુ અત્યારે તે અગત્યનું નહોતું.

હેડ કોન્સ્ટેબલ પુરોહીત સૌથી આગળ આગળ ચાલતો બધાને દોરી રહ્યો હતો. હોટલની રીસેપ્શન ફાયર વટાવીને તે કાઉન્ટરની સામે જ પહેલા માળે જવાના પગથીયા ચડ્યો... પગથીયા ની બાજુમાં ઉપર જવા માટે લીફ્ટનો કોલો હતો પરંતુ અત્યારે હોટલનું કામકાજ હજુ ચાલતું હતું એટલે તેમાં લીફ્ટ મુકાઈ નહોતી. તે કોલો ખાલી જ હતો... પુરોહીત દાદર ચડીને પહેલા માળે આવ્યો. તેની પાછળ - પાછળ ગેહલોત અને બીજા માણસો હતા.

દાદર ચડતા જ, દાદરની બરાબર સામે જે ખુલ્લી જગ્યા છોડવામાં આવી હતી ત્યાં તેઓ પહોંચ્યા... દાદર પુરો થતા થોડી ઓપન સ્પેસ છોડયો હતો અને એ સ્પેસ પુરો થતા તેની બંને બાજુ હારબંધ કમરાઓ હતા.... ભવાની પુરોહીત દાદર ચડીને એ કમરાઓની હારમાળા વચ્ચે બનેલી લોબીમાં જમણી તરફ ચાલતો છેક છેલ્લા કમરાના દરવાજા પાસે આવીને ઉભો રહ્યો.. તેનું હૃદય ધડકતું હતું. એક પોલીસ કોન્સ્ટેબલ હોવા છતાં તે અંદર કમરામાં પ્રવેશતા ડરી રહ્યો હોય એમ તે દરવાજા પાસે ખચકાઈને ઉભો રહી ગયો હતો. ગેહલોત તેની પાછળ જ હતો. પુરોહીત ઉભો રહ્યો એટલે તે પુરોહીતની બાજુમાં થઈને રૂમની અંદર પ્રવેશ્યો. કમરો વિશાળ હતો. હોટલના બે રૂમને ભેગા કરીને એક મોટો હોલ બનાવાયો હતો... શક્યત: આ હોલ બેન્કવેટ હોલ અથવા પાર્ટી હોલ હતો. તેનો ઉપયોગ પાર્ટી કરવા માટે અથવા કોઈ મીટીંગ યોજવા માટે કરવામાં આવનાર હશે... સમગ્ર હોલ લગભગ ખાલી હતો... માત્ર ત્રણ ખુરશીઓ હોલની બરાબર મધ્યમાં પડી હતી. ખુરશીઓની વચ્ચે એક નાનકડી ટીપોઈ હતી. ટીપોઈ ઉપર એક શરાબની બોટલ અને ચાર ગ્લાસ પડ્યા હતા.. અને...

ત્રણમાંથી એક ખુરશી પર એક યુવતીનો મૃત દેહ ઝૂલી રહ્યો હતો... તે ખુરશીઓથી થોડેદુર, હોલની ફર્શ ઉપર બીજા બે મૃતદેહો પડ્યા હતા. તે એક યુવતી અને એક યુવકના મૃતદેહો હતા. હોલમાં ત્રણ મૃતદેહ હતા. એ ત્રણેય મૃતદેહોના હાથ-પગ અને ડોક કંઈક કઢંગી રીતે ખેંચાઈને ત્રાંસા ફેલાયેલા હતા... મરનાર કમભાગી યુવાનોની ઉમર ૨૦ થી ૨૨ વર્ષની આસપાસ જણાતી હતી... ઇન્સ. ગેહલોતે સમગ્ર હોલમાં ઝીણવટથી એક ચક્કર લગાવ્યું. તેને પરીસ્થીતીની ગંભીરતાનો ખ્યાલ આવી ગયો હતો. ઝડપથી એક નજરમાં તેણે સ્થિતિનો તાગ મેળવ્યો અને કોન્સ્ટેબલોને હુકમો આપી કામે લગાવ્યા... હોલમાંથી જે અગત્યની વિગતો નોંધવા જેવી હતી તે પ્રાથમિક ઇન્ફર્મેશન રૂપે તેણે નોંધી... એક બાબત સ્પષ્ટપણે તેને સમજાઈ ચુકી હતી કે આ કોઈ સામાન્ય વારદાત નથી... આ "સુંદરવન" હોટલ અને તેની આજુ-બાજુ માં કોઈ ભયાનક ખૂની ખેલ ખેલાયો છે... અને તે પોતાની નજર સામે જે લાશો જોઈ રહ્યો હતો એ ઉપરથી તેના દિમાગમાં ખતરાની ઘંટડીઓ વાગવા લાગી હતી કે હજુ પણ આ હોટલમાં બીજી લાશો હોવી જોઈએ... તેની અત્યાર સુધીની પોલીસ કારકિર્દીમાં આટલી ભયાનક વારદાત તેણે આજદીન સુધી નિહાળી નહોતી. તેને ખ્યાલ તો આવી જ ગયો હતો કે આ ઘટના સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી મચાવી મુકશે... તેણે પોતાની ગતિવિધિ તેજ કરી. અચાનક તે સતર્ક બની ગયો હતો... આબુ જેવા નાનકડા વિસ્તારમાં, પ્રવાસધામમાં આ ઘટના ઘેરા પ્રત્યાઘાતો સર્જશે એ નક્કી હતું અને આ ઘટના તેના વિસ્તારમાં ઘટી હતી એટલે તેની પોતાની જવાબદારી વધી જતી હતી એ તે બરાબર સમજતો હતો... જો અહી આવતા પ્રવાસીઓમાં આ વાત પ્રસરે તો આબુના પ્રવાસન ઉદ્યોગને જરૂર ફટકો પડે એ પણ સિદ્ધ હકીકત હતી....

********

પુરોહીત હમણાં થોડીવાર પહેલાજ HO (હેડ ક્વાટર) પર ફોન કરીને પોલીસ, ફોટોગ્રાફર, ફિંગરપ્રિન્ટ અક્સપર્ટ અને પંચનામું કરનારા માણસોના કાફલાને તાબડતોડ બોલાવી લીધા હતા, એ માણસો અહી પહોંચે એ સમય દરમ્યાન વિક્રમ ગેહલોત પાસે રાહ જોવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચતો નહોતો. તેની અનુભવી આંખો જે જોઈ રહી હતી એ હેરતઅંગેજ, બીભસ્ય, રૂવાંડા ખડું કરનારું હતું... એક સાથે ચાર-ચાર લાશો મળી આવી હતી. ત્રણ લાશો અહી હોટલમાં અને એક લાશ બહાર જંગલ વિસ્તારમાં... આ કોઈ નાનીસુની ઘટના નહોતી. આના ઘેરા પ્રત્યાઘાતો પડવાના હતા... એક પોલીસ અફસર તરીકે ગેહલોત ઘણા રુક્ષ સ્વભાવનો અને મજબુત હૃદય ધરાવનાર વ્યક્તિ હતો. તેણે પોતાની કારકિર્દી દરમ્યાન ઘણા ખૂન કેસોને તપસ્યા હતા. તેમ છતાં આટલી બેરહેમીથી કોઈને મોતને ઘાટ ઉતાર્યાની વારદાત તેના ધ્યાનમાં નહોતી આવી. ભયાનક ક્રુરતા અને બેરહમીથી ચારેયને રીતસરના પ્લાનીંગ કરીને રહેંસી નાખવામાં આવ્યા હોય એવું પ્રાથમિક તપાસમાં જ જણાઈ આવતું હતું....

અને આ મરનાર હતભાગી યુવાનો કોણ હતા એ પણ જાણવાનું હજુ બાકી હતું. "સુંદરવન" હવેલી અત્યારે એક ખૂની ખેલની સાઝીશમાં લપેટાઈને ખામોશ ખડી હતી.... ઇન્સ. ગેહલોત, પુરોહીત અને બીજા કોન્સ્ટેબલો એ ખેલની આંટીઘૂંટી ઉકેલવા માં પરોવાયા હતા. એક અસામાન્ય ઘટના ઘટી હતી જેનો ઓછાયો આવનાર સમયમાં આ ઘટનામાં શામેલ તમામ વ્યક્તિઓને પોતાની આગોશમાં સમાવી લેવાનો હતો...

કોણ હતું આ વારદાતની પાછળ...? એક ગહેરો પ્રશ્ન ગેહલોતના મનમાં ઘમાસાણ મચાવી રહ્યો હતો. તેણે પોતાના માથે પહેરેલી કેપને સરખી કરી અને દાદર ઉતરીને નીચે રીશેપ્સન ફ્લોર પર આવ્યો... સમગ્ર હોટલની ઝીણવટથી તપાસ કરવી જરૂરી લાગતી હતી. ખૂન થયા હતા એ તો પ્રાથમિક દ્રષ્ટિએ જ સમજણમાં ઉતારે એવી વાત હતી પરંતુ એ ખૂન કોને કર્યા, શું-કામ કર્યા, મરનાર વ્યક્તિઓ કોણ છે અને તેઓ અહી સુંદરવનમાં કેવી રીતે અને શું-કામ આવ્યા હતા...? કયા કારણોસર આ ખૂની હોળી ખેલાઈ, સુંદરવન હવેલીમાં જ શું કામ આ કાંડ સર્જાયો, ખૂન કર્યા છે કે કરવામાં આવ્યા છે...? એક પછી એક સવાલોનો ઢગ ગેહલોત સામે ખડકાયો હતો.. અત્યારે આમાના એકપણ સવાલનો જવાબ તેની પાસે નહોતો. આ પ્રશ્નોના જવાબો મેળવવા માટે તેણે એક પદ્ધતિસરની કાર્યવાહી હાથ ધરવી પડે તેમ હતી. હવેલીનો ખૂણે-ખૂણો તપાસવો જરૂરી હતો. સૌથી મહત્વનું તો મરનારની ઓળખ મેળવવી પડે એમ હતી...

વિક્રમ ગેહલોત આસ-પાસ નજર ફેરવતો ત્યાં જ, નીચે રીસેપ્શન લાઉન્જમાં ઉભો રહ્યો હતો. તે આ હવેલીની બારીકાઈથી તપાસ થાય એવું ઈચ્છી રહ્યો હતો. ઉપર પહેલા માળે કોન્સ્ટેબલો તેમની રીતે તલાશ, તપાસ કરી રહ્યા હતા... ફોરેન્સિક ટીમ HO પરથી રવાના થઇ ચુકી હતી પરંતુ તેમને અહી પહોંચતા સમય લાગવાનો હતો એ ગેહલોત જાણતો હતો... તેણે માથું ધુણાવ્યું. રીસેપ્શન લાઉન્સ વટાવી ફરી વખત તે ઉપરના માળે જવાના દાદર પાસે આવ્યો. ત્યાં થોડીવાર એમ જ વિચારતો ઉભો રહ્યો અને કંઈક મનોમન નક્કી કરીને તે દાદર ચડ્યો... હજુ આ હોટેલના ઘણાખરા કમરાઓની તપાસ કરવાની બાકી હતી એટલે તેણે જાતે જ બધે ફરી લેવાનું નક્કી કર્યું હતું....

( ક્રમશ:)

( વધુ આવતા અંકે... )