Anjaam Chapter-10 Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Anjaam Chapter-10

અંજામ-૧૦

“હેલ્લો રઘુ...” માધોસીંહે ફોનમાં કહયુ. તે હજુ તેના ઘરે જ હતો. ગઇકાલે રાત્રે તે રઘુને મળવા ગયો હતો. તેમની વચ્ચે જે ચર્ચા થઇ તેના સંદર્ભમાં આજે તેણે ફોન કર્યો હતો.“ માધોસીંહ...હું તૈયાર જ છુ. તું ઘરેથી નીકળ. અને હાં...કોઇને જાણ ન થાય એમ તું પાછલા દરવાજેથી આવજે. ” રઘુએ કહયુ.“ ઠીક છે...”“ પુરી તૈયારી છે ને...?”“ એકદમ પુરી તૈયારી છે રઘુ. કલાકમાં તો આપણુ કામ થઇ જશે. પછી તો બસ... મોજે-મોજ...” માધોસીંહના ચહેરા પર કુટીલ હાસ્ય છવાયુ. તેણે પોતાની કાળી-ધોળી પુળા જેવી મુંછ પર હાથ ફેરવતા કહયુ.“ તો જલ્દી કર અને નીકળ... સમય બગાડવો પાલવે એમ નથી. આપણે સુંદરવન હવેલીએ ભેગા થઇએ...”“ હોવે...” માધોસીંહે ફોન કટ કર્યો. તેણે ઘરમાં ખાટલા પર મુકેલો ધાબળો ઉઠાવ્યો અને શરીરે વીટોંળ્યો. ઘરમાં તો થોડી ગરમી હતી છતા તે જાણતો હતો કે બહાર તો દાંત કડકડાવતી ઠંડી હશે એટલે ધાબળો સાથે લેવો જરૂરી હતો. ધાબળો માથે ઓઢી તે ઘરનો પાછળનો દરવાજો ખોલી બહાર નીકળ્યો. તેણે નીચે ઢોળાવમાં શેરીમાં થઇને જવાને બદલે ઘરના પાછળના રસ્તે ગોળ ફરીને જવાનું નક્કી કર્યુ... અહીથી એક નાનકડો રસ્તો ડુંગરનો ગોળ ચકરાવો લઇને નખીલેકની બજારમાં નીકળતો હતો. માધોસીંહ એ રસ્તે આગળ વધ્યો.કુદરતની બલીહારી એ હતી કે તે જ સમયે કોન્સ્ટેબલ અબ્દુલ માધોસીહના ઘરની બહાર શેરીના ઢોળાવ પુરો થતા એક ખૂણે માધોસીહના મકાન પર નજર રાખતો ઉભો હતો....જો માધોસીહ તેના ઘરના મુખ્ય દરવાજેથી બહાર નીકળ્યો હોત તો તે બન્નેનો ભેટો અવશ્ય થયો હોત....પરંતુ એવુ ન થયુ. કુદરતને કઇંક અલગ જ મંજુર હતુ. અબ્દુલને એ સમયે ખબર નહોતી કે માધોસીહ પાછળના રસ્તેથી બહાર નીકળી ગયો છે. તેને તો એમજ હતુ કે તે હજુ તેના ઘરમાં જ છે....એ સમય દરમ્યાન ભવાની પુરોહીત મારતી જીપે ત્યા આવી પહોચ્યો. અબ્દુલે સલામ ઠોકી અને કોન્સ્ટેબલોનો કાફલો જીપમાંથી નીચે ઉતરી માધોસીહના ઘર તરફ ચાલ્યો...શેરીમાં સુનકાર વ્યાપેલો હતો. મ્યુનીસીપાલ્ટી ના થાંભલે બળતા પીળા પ્રકાશમાં પોલીસોનો એ કાફલો વિચિત્ર ભાસતો હતો.ભવાની પુરોહીતે માધોસીહના ઘરના દરવાજે પહોંચી કુંડી ખટખટાવી.....” ખટ...ખટ....ખટ....”. અંદરથી કોઇ પ્રત્યુતર મળ્યો નહી. તેણે ફરી દરવાજો ઠોકયો. છતા કોઇ સળવળાટ થયો નહી. તેણે અબ્દુલ સામે પ્રશ્નસુચક નજરે જોયુ...અબ્દુલે ખભા ઉલાળ્યા. થોડી સેકંડો એમ જ વીતી.“ ઘરમાં કોઇ લાગતુ નથી...તું કહેતો હતો ને કે તે ઘરમાં જ છે”.“ તે અંદર જ હોવો જોઇએ. સવારનો બહાર નિકળ્યો નથી. મેં બરાબર નજર રાખી છે....કદાચ તે આપણને આવતા જોઇ ગયો હોય અને ગભરાઇને ઘરમાં છુપાઇ ગયો હોય એવુ બને..” અબ્દુલે કહ્યુ.“ રણજીત....દરવાજો તોડ....” પુરોહીતે થોડુ પાછળ હટતા એક કોન્સ્ટેબલને કહયુ. રણજીત નામનો કોન્સ્ટેબલ આગળ આવ્યો અને તેણે પોતાનુ ભારેખમ શરીર ઘરના દરવાજા સાથે ભારે વેગથી અફળાવ્યુ....એક કડાકો બોલ્યો, ક્યાંક દરવાજાના મીજાગરા છટકયા હોય એવો અવાજ આવ્યો અને રણજીતના એક જ ધક્કાથી એ ખખડધજ દરવાજો તેના આગળીયાથી છુટો પડયો. જાણે કોઇ ખેતર પર તીડોનો સમુહ હુમલો કરતો હોય એમ બધા પોલીસવાળા એકસાથે ધરમાં ઘુસ્યા અને ઘરના ખૂણે-ખૂણે ફરી વળ્યા. ઘરમાં કોઇ ન હતુ...ઘર ખાલીખમ હતુ. ભારે આશ્ચર્ય અનુભવતો અબ્દુલ ભવાની પુરોહીત પાસે ઉભો રહ્યો. તેને પાક્કી ખાતરી હતી કે માધોસીહ દિવસ દરમ્યાન એકપણ વખત ઘરની બહાર નિકળ્યો નથી. તો પછી એ ક્યાં ગાયબ થઇ ગયો...? “ કયાં છે માધોસીંહ...?” પુરોહિતે ભારે ખીજથી અબ્દુલને પુછયુ.“ તે અહી જ હોવો જોઇએ...ચોક્કસ હોવો જોઇએ.”“ તો પછી મને કેમ દેખાતો નથી...?”“ મને પણ તેનું આશ્ચર્ય છે.” હવે શું કરવું એ પ્રશ્ન પહાડ બનીને તેમની સામે ઉભો હતો.ગેહલોત સાહેબને જો ખબર પડશે કે માધોસીંહ તેમના હાથમાંથી છટકી ગયો છે તો તેઓ તેમની ધુળ કાઢી નાખશે એ બીક પણ પુરોહીતને હતી. હાથ મસળતો તે રૂમમાં આંટા મારી રહ્યો હતો. અચાનક તેના દિમાગમાં એક ઝબકારો થયો અને તેણે હેડ કવાટર પર ફોન લગાવી માધોસીંહના ફોનનું લોકેશન કઇ જગ્યા દર્શાવે છે તેની માહિતી માંગી.થોડી જ વારમાં તેને એ લોકેશન મળ્યુ હતુ. માધોસીંહનો ફોન અત્યારે ક્યાં હતો એ જાણીને તે ઉછળી પડ્યો હતો. સરળ રીતે સમજાય એવી વાત હતી કે જ્યાં માધોસીંહનો ફોન હતો ત્યાં જ માધોસીંહ પણ હોવાનો... પરંતુ તે જ્યા હતો એ જગ્યાનું નામ સાંભળીને પુરોહીતનું મોં આશ્ચર્યથી ખુલ્લુ રહી ગયુ હતુ. અબ્દુલે એ જોયુ હતું.“શું-વાત છે સાહેબ...તમે કેમ ચોંકી ઉઠયા...?” તેણે પુરોહીતને પુછયુ.“ અબ્દુલ...આ “સુંદરવન” હવેલી આપણને ભારે પડવાની છે. તુ લખી રાખજે મારા શબ્દો ...હું તને કહું છું ને કે આ હવેલી મનહુસ છે.”“ કેમ શું થયું...અને માધોસીંહ ક્યાં છે...?”“ તેનો ફોન સુંદરવન હવેલીનું લોકેશન દર્શાવે છે. જાહેર છે કે માધોસીંહ પણ ત્યાં જ હોવાનો ...પણ મને એ નથી સમજાતુ કે તે અત્યારે ત્યાં શું-કામ ગયો હશે...?” સુંદરવનને તો આપણે સીલ કરી છે...અને એક બાબત એ પણ છે કે સામાન્ય રીતે જે ગુનેગાર હોય તે હંમેશા ગુનાના સ્થળેથી દુર રહેવાની કોશીષ કરે...” પુરોહીત જાણે સ્વગત બબડતો હોય તેમ બોલ્યો. તેના મનમાં અવનવા ખ્યાલો ઉત્પન્ન થતાં હતા. એવું તો શું છે સુંદરવન હવેલીમાં...?”“ અબ્દુલ...ગાડી ઘુમાવ. આપણે સુંદરવન હવેલીએ પહોંચવું જરૂરી છે.”થોડી જ વારમાં પોલીસજીપ નખીલેક વટાવી સુંદરવન હવેલીની દિશામાં ભાગી રહી હતી.

* * * * * * * *

માધોસીંહ ના હદયમાં ફફડાટ વ્યાપ્યો હતો. તેણે પચાસ ઉપર દિવાળીઓ જોઇ હતી... પરંતુ અત્યારે તે જે કામ માટે જઇ રહ્યો હતો એ કામ તેને ડરાવી રહ્યુ હતું...નખીલેકના ઉપરવાસના પહાડી રસ્તે તે ચડયો હતો. આ રસ્તો સીધો સુંદરવન હવેલીની પછીતે નીકળતો હતો. પહાડી ઠંડીમાં પણ તેના કપાળે પરસેવો વળ્યો હતો. માથે ઓઢેલા ધાબળાના કારણે તે અડધી રાત્રે નીકળતા ખવીસ જેવો લાગતો હતો. અત્યારે જો કોઇ સાવ અચાનક તેની સામે આવી જાય તો ચોક્કસ બીકનાં માર્યા બેહોશ થઇ જાય...તેમ છતાં માધોસીંહ ખુદ ડરી રહ્યો હતો. એ બીકનું કારણ તે પોતે જ જાણતો હતો...તેણે પોતાની ચાલ તેજ કરી...જ્યારથી રઘુના સંપર્કમાં તે આવ્યો હતો ત્યારથી તેના જીવનમાં બદલાવ આવવા લાગ્યો હતો. રઘુએ તેને અવનવા સપનાઓ બતાવ્યા હતા અને તે રઘુની સાથે સરળતાથી ભળી ગયો હતો. તેને પણ જીવનમાં આગળ વધવુ હતુ. આ ગોવાળની કઠણાઇભરી જીંદગી છોડીને પૈસાદાર લોકો રહે છે એવી આરામની જીંદગી જીવવી હતી. તેને અઢળક રૂપિયા જોઇતા હતા અને એ રૂપિયા તેને રઘુ અપાવી શકે તેમ હતો એટલે જ તે રઘુ સાથે જોડાયો હતો.પરંતુ...સુંદરવન હવેલીમાં મચેલા કત્લેઆમે તેને હચમચાવી મુક્યો હતો. તેણે આવુ બનશે એ વિશે સ્વપ્નેય વિચાર્યુ ન હતુ. એમાં પણ જ્યારે તેણે એ દિવસે પેલી યુવતીની કપાયેલી લાશ જંગલ વિસ્તારમાં જોઇ હતી તે પછી તે ઘણો ડરી ગયો હતો. સુંદરવન હવેલીનું નામ પડતા જ તેને એક અજાણ્યો ડર ઘેરી વળતો...આજે પણ તે ક-મને જ ત્યાં જવા નિકળ્યો હતો.તેણે મનમાં ગાંઠ વાળી હતી કે આ છેલ્લી વખત તે સુંદરવન હવેલીમાં જઇને પોતાનું કામ પુરુ કરી આવશે. ત્યારબાદ તે ક્યારેય એ દિશામાં નજર સુધ્ધાં નહી નાંખે...બસ, આજની રાત તેનું અને રઘુનું કામ સારી રીતે સફળ થઇ જાય પછી તે બધા ગોરખધંધા બંધ કરીને આરામની જીંદગી વિતાવશે...ફફડતા હદયે તે નખીલેકનો ચકરાવો કાપીને સુંદરવન હવેલીની દિશામાં આગળ વધતો જતો હતો. તે રઘુ કરતા પહેલા પહોંચી માંગતો હતો. તેણે પોતાની ઝડપ વધારી.માધોસીંહ સુંદરવન હવેલીની પાછળની પહાડી ચડી રહ્યો હતો એ જ સમયે ભવાની પુરોહીત મારતી જીપે નખીલેકની બજાર પસાર કરીને સુંદરવન હવેલી જવાના વળાંકે પહોંચ્યો હતો. પુરોહીતને સમજાતુ ન હતુ કે કેમ અચાનક માધોસીંહ હવેલી તરફ જઇ રહ્યો છે...? તેના મનમાં પણ પ્રશ્નો ઉદભવતા હતા. એ સવાલોના જવાબ તેને સુંદરવન હવેલીમાં મળવાના હતા. સોગઠા-દાવમાં ગોઠવાતી બાજીની માફક અત્યારે આ કહાનીના તમામ કીરદારો પોત-પોતાના ખાનામાં ગોઠવાઇને જાણે રમત શરૂ થવાની રાહ જોતા હોય એવો માહોલ સર્જાયો હતો.કુદરત પણ બરાબર પાસાં ફેંકવા તૈયાર હતી. અને સુંદરવન હવેલી એ ભયાનક વારદાતને આવકારવા જાણે રાહ જોઇ રહી હતી.*******************************ચિતરંજન ભાઇને કંઇ જ સમજાતુ નહોતુ. તેમનો વહાલસોયો દિકરો વિજય અત્યારે આબુની જનરલ હોસ્પિટલનાં બિછાને પડયો હતો. તેના મિત્રોના કમોત થયા હતા અને એ વારદાતમાં તે એક જ વ્યકિત જીવતો રહ્યો હતો અને પોલીસવાળા તેને જ અપરાધી ગણી રહ્યા હતા. આ આફતમાંથી કેમ બહાર નીકળવુ એ તેમની સમજમાં આવતું ન હતુ. તેઓ વિજયને જે કમરામાં રાખવામાં આવ્યો હતો તેની બહાર લોબીમાં આંટા મારી રહ્યા હતા. વિજયના મમ્મી યશોદાબેન અંદર વિજયના પલંગ પાસે બેઠા હતા.પોલીસખાતાની રીત-રસમથી ચિતરંજનભાઇ ભલીભાંતી વાકેફ હતા. જો આ ખુન કેસમાં પોલીસવાળાને કોઇ અપરાધી હાથ નહી લાગે તો જરૂર તેઓ વિજયને બલીનો બકરો બનાવી દેશે. ચિતરંજનભાઇ પોતાના પુત્ર વિજયને નખ-શીખ સારી રીતે ઓળખતા હતા. તેનો પુત્ર આવુ ભયાનક કાર્ય કરે જ નહી એની ગળાસુધીની ખાતરી તેમને હતી. તેમ છતાં તેમને પોલીસખાતા પર વિશ્વાસ નહોતો. તેમણે વિજયને આ મામલામાંથી ઉગારવા અત્યાર સુધીમાં ઘણા સોર્સ કામે લગાડયા હતા. તેમને વિશ્વાસ હતો કે તેઓ પોતાના પુત્રને આ મામલામાંથી ઉગારી લેશે. તેમને પણ વિજયના ભાનમાં આવવાની રાહ હતી. ********************જીપે ચેકપોસ્ટ વટાવ્યુ એટલે ગેહલોતે હાથનો ઇશારો કરી ડ્રાયવરને જીપ ધીમી હંકારવા કહ્યુ. આબુ પર્વતથી નીચે ઉતરતા આબુ શહેરથી લગભગ એક માઇલ દુર આ ચેકપોસ્ટ આવ્યુ હતુ. અહી આબુ ઉપર આવતા અને નીચે જતા વાહનોનું ચેકીંગ કરવામાં આવતુ. ગેહલોતની જીપને જોઇને ચેકપોસ્ટ પરના કર્મચારીએ સલામ ઠોકી હતી. ચેકપોસ્ટ વટાવતા જ જમણા હાથ બાજુ થોડીક દુકાનો ચણાયેલી હતી...એ દુકાનમાંથી જ એક દુકાન રધુની હતી. એ તેનું ગોડાઉન હતુ. તેનો મોટાભાગનો સરસામાન અહી જ રહેતો. એ ગોડાઉન દુકાનોની હારમાળામાં સૌથી છેલ્લે હતુ અને ખાસ્સુ મોટુ પણ હતુ....ગેહલોતે એ દુકાન આગળ જીપ ઉભી રાખી અને જીપના આગળના દરવાજેથી નીચે ઉતરી જીપના બોનેટની પ્રદક્ષીણા ફરી રધુની દુકાનના ઓટલે આવ્યો....દુકાનનું શટર બંધ હતુ, મતલબ કે દુકાન બંધ હતી. ગેહલોતને આશ્ચર્ય થયુ... તે આગળ વધીને બાજુમાં બીજી દુકાન હતી ત્યાં પહોચ્યો. એ દુકાનના થડા પર એક મેલા-ધેલા કપડા પહેરેલો એક દેહાતી મારવાડી વ્યક્તિ બેઠો હતો. એક રુઆબદાર પોલીસ અફસરને પોતાને ત્યાં આવતો જોઇ તે તેની બેઠક પરથી ઉભો થઇ ગયો. ગેહલોત તેની પાસે પહોચ્યો....“ આ દુકાન બંધ કેમ છે...? “ તેણે રધુની દુકાન તરફ ઇશારો કરતા પુછયું.“ એ તો હજુ હમણાંજ બંધ થઇ માય-બાપ....” દુકાનદારે થોડુ નમીને કહયું. ગેહલોત એ સાંભળીને સચેત થયો.“ હમણા જ બંધ થઇ મતલબ...? અત્યાર સુઘી દુકાન ખુલ્લી હતી.....? કોણે બંધ કરી...? “ તેણે આશ્ચર્યથી પુછયુ.“ રઘુએ જ બંધ કરી સાહેબ...તે હમણાંજ અહીથી ગયો સાહેબ...” પેલાએ કહ્યું. પોલીસ અફસરની પુછપરછથી તે એટલુ તો સમજી ગયો હતો કે જરુર રઘુનો પગ ફરી કુંડાળે પડયો લાગે છે.“ હમણા એટલે કેટલી વાર થઇ...? “ ગેહલોતના મનમાં ફાળ પડી કે જો રઘુ અત્યારે હાથ નહી લાગે તો પછી જરુર તે ચેતી જશે અને તેના હાથમાંથી છટકી જશે...કારણકે પછી તેને ખબર પડયા વગર રહેશે નહી કે પોલીસ તેની પાછળ લાગી ચુકી છે.“ માય-બાપ, દસ-પંદર મીનીટ જ થઇ હશે. તેણે દુકાન બંધ કરી.....ચાવી મને આપી.....અને તેના બુલેટ ઉપર સવાત થઇને તે ગયો....” દુકાનદારે વિગતે કહ્યું. ગેહલોતના મનમાં ધમધમાટ વ્યાપ્યો. રઘુ તેના હાથમાંથી છટકી જાય એ કોઇકાળે તેને મંજુર ન હતુ. તેની રગોમાં વહેતા લોહીમાં અચાનક તેજી આવી હતી.“ કઇ તરફ ગયો તે...?”“ શહેર બાજુ...”“કયાં જવાનો છે એ કહ્યુ તને..?”“ ના માય-બાપ...પણ તમે ઉતાવળ કરો તો જરૂર તે નખીલેક બસ સ્ટેન્ડની બજાર સુધીમાં મળી આવશે...” દુકાનદારે સલાહ આપી. ગેહલોતને તેની વાતમાં દમ લાગ્યો. જો તે હમણા જ અહીથી નીકળ્યો હોય તો દસ-પંદરમાં મીનીટમાં તે બસ સ્ટેન્ડ સુધી જ પહોંચ્યો હશે...એથી વધુ તે દુર નીકળી શકે જ નહિ...અને વળી આ એક જ રસ્તો હતો જ્યાં તે ગયો હોઇ શકે... ગેહલોત ઝડપથી પાછો વળ્યો અને જીપ તરફ ચાલ્યો...અચાનક તેના મનમાં એક વિચાર ઝબક્યો અને તે અટકી પાછો એ દુકાને આવ્યો.“રઘુ તેની દુકાનની ચાવી તને સોંપતો ગયો છે ને...?”“ જી સાહેબ...”“ લાવ...એ ચાવી મને આપ...” ગેહલોતે કહ્યુ. પેલો દુકાનદાર દોડ્યો અને કાઉન્ટરના ગલ્લામાંથી એક ચાવી લઇ આવ્યો. ગેહલોત તેના હાથમાંથી ચાવી લઇને પાછો જીપ તરફ ગયો. દરમ્યાન જીપમાં આવેલા કોન્સ્ટેબલો જીપમાંથી નીચે ઉતરી જીપની પાસે જ ઉભા રહ્યા હતા.“ જીવન...આ ચાવી લે અને રઘુ કબાડીની દુકાનનો ખુણે-ખુણો તપાસી નાંખો. એક વસ્તુ ધ્યાન બહાર ન જવી જોઇએ... આખી દુકાન ફેંદી નાંખો...જોઇએ તો ખરા કે આ કબાડીની દુકાનની આડમાં તે શું ગોરખ-ધંધા કરે છે...” ગેહલોતે ચાવી એક કોન્સ્ટેબલને આપી તેને સંબોધતા કહ્યુ.“ હું રઘુની પાછળ જાઉ છુ.તમે દુકાનમાં જે મળે તેની વિગત નોંધી દુકાનને સીલ મારી દેજો. આજની રાત તમારે અહી જ રહેવાનુ છે...કામ પતે એટલે મને ફોનથી જાણ કરજો...” ગેહલોત બોલ્યો અને ઉતાવળે જીપમાં ગોઠવાયો. જીપ શરૂ કરી તેણે જીપને બસ સ્ટેન્ડની દિશામાં ભારે વેગથી ભગાવી... જીપ ચલાવતા જ તે રોડ પર નજર દોડાવી રહ્યો હતો. દુકાનવાળાએ કહ્યુ હતુ કે રઘુ તેની બુલેટ મોટરસાયકલ પર ગયો છે એટલે તેને રઘુને ઓળખવામાં મુશ્કેલી પડવાની નહોતી. કારણકે રઘુ પાસે એનફીલ્ડના જુના મોડેલોનુ લાલ કલરનું બુલેટ હતુ એ તે જાણતો હતો. ગેહલોતની ચકોર નજર એ બુલેટને શોધી રહી હતી... ચેક-પોસ્ટથી નીકળી તે ફરી આબુની બજારમાં આવ્યો... નખીલેકની બજારમાં અત્યારે ખાસ્સી એવી ચહલ-પહલ વર્તાતી હતી. હજુ રાતના નવ જ વાગ્યા હતા... ગેહલોતે જીપને રોડના એક ખુણે ઉભી રાખી... તે એવા કોર્નર ઉભો રહ્યો હતો કે તેને અહીથી નખીલેકનું બસસ્ટેન્ડ અને બજાર બન્ને દેખાતુ હતુ. તેણે ચો-તરફ નજર ફેરવી... એકજ નજરમાં સમગ્ર વિસ્તારને તેણે આવરી લીધો હતો પરંતુ લાલ કલરનું બુલેટ તેની નજરે ચડયુ નહી... તે થોડો નીરાશ થયો. કયાંક રઘુ આ તરફ આવવાને બદલે બીજા કોઇ રસ્તે તો નહી ફંટાયો હોયને એવી ચિંતા તેને પેઠી... તેણે ફરી વખત બસસ્ટેન્ડ તરફ નજર નાંખી.... અને સહસા તે ચોંકી ઉઠ્યો. તેણે રઘુની બુલેટને તો નહી પરંતુ ખુદ રઘુને ત્યાં ખુણા પર એક દુકાનના ઓટલે ઉભેલો જોયો. ગેહલોતના ચહેરા પર ખુશી છવાણી... એ ખુશીમાં રઘુની બરબાદી છુપાયેલી હતી. ગેહલોત જીપને ત્યાં જ રહેવા દઇને ભારે સાવધાનીથી રઘુ તરફ આગળ વધ્યો...એ દરમ્યાન રઘુ તે દુકાનમાં ઘુસ્યો હતો. તે શરાબની દુકાન હતી. પાંચ જ સેકન્ડમાં રઘુ ફરી વખત દુકાનની બહાર ઓટલે આવ્યો હતો. તે બહાર નીકળ્યો ત્યારે તેના હાથમાં એક સફેદ થેલી હતી. એ થેલીમાં કદાચ શરાબની બોટલ હતીરઘુ એ માધોસીંહ ફોન કરી સુંદરવન હવેલીએ આવવા કહ્યુ હતુ અને પછી તે પણ ત્યાં જવા નીકળ્યો હતો... પરંતુ તે બજારમાં રોકાયો હતો કારણ કે આજે જ્યારે તે પોતાના કામમાં કામયાબ થાય ત્યારે ઉજાણી કરવા માંગતો હતો અને એટલે જ તેણે દારૂની બોટલ ખરીદી હતી...અને એ સમય દરમ્યાન જ તે ગેહલોતની નજરે ચડી ગયો હતો. રઘુ આજે બહુ જ ખુશ હતો અને એ ખુશીમાં જ તે પોતાના બુલેટ તરફ આગળ વધ્યો જે તેણે શરાબની દુકાનની બાજુની ગલીમાં પાર્ક કરી હતી. રઘુ બુલેટ તરફ વળ્યો અને ગેહલોત રઘુ તરફ...જો રઘુ દારૂની બોટલ લેવા રોકાયો ન હોત તો કંઇક અલગ જ બન્યુ હોત... તો કદાચ તે ગેહલોતની નજરે ચડયો ન હોત અને તો એક ગમખ્વાર ઘટના બનતી અટકી હોત... પરંતુ એવુ થયુ ન હતુ... રઘુનું “બેડલક” અત્યારે ગેહલોત સ્વરૂપે તેના તરફ બીલ્લી પગે આગળ વધી રહ્યુ હતુ... રઘુ તેના બુલેટ ઉપર સવાર થયો અને બુલેટને ચાલુ કરી તેણે બજારની બહાર નીકળતા રસ્તે ગાડી ભગાવી...( ક્રમશઃ ) પ્રવીણ પીઠડીયાwtsaap 9099278278fb;- Praveenpithadiya@facebook.com