અંજામ (પ્રકરણ - 6) Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • આત્મજા - ભાગ 12

  આત્મજા ભાગ 12“શું બોલી તું..? મગજ ખરાબ થઈ ગયા છે..? મગજ ખરાબ...

 • એક પંજાબી છોકરી - 39

  સોનાલી હોસ્પિટલ તરફ દોડીને જાય છે કારણ કે તેને યાદ આવી જાય છ...

 • સમય બધું કહેશે.

  “ભલે આપણે સૌ મુસીબતના માર્યા,પરંતુ છે હિંમત, નથી હામ હાર્યા,...

 • લાડુ એટલે....

  ચૂર્માના લાડુનો મહત્ત્વ ગુજરાતી સંસ્કૃતિમાં ખૂબ મહત્વપૂર્ણ છ...

 • ત્રિભેટે - 22

  નયન કલાકો દરિયાને જોતો બેસી રહ્યો.એની પાસે બધું હતું છતાં કં...

શ્રેણી
શેયર કરો

અંજામ (પ્રકરણ - 6)

અંજામ

પ્રકરણ - ૬

પ્રવીણ પીઠડીયા

દાદર ચડી ગેહલોત પહેલા માળે આવ્યો. ફરી પાછો તે વારદાત વાળા હોલમાં દાખલ થયો. કોન્સ્ટેબલો એ ખાલીખમ કમરા જેવા હોલમાં કોઈ સુરાગ મળવાની આશાએ અહી-તહી ખાંખાખોળા કરી રહ્યા હતા. ગેહલોત હોલમાં વચ્ચે પડેલી ખુરશીઓ તરફ નજર ઘુમાવી અને ફરી પાછો તે કમરામાંથી બહાર નીકળ્યો. હજુ આ હોટલના ઘણાખરા કમરાઓની તપાસ બાકી હતી એટલે તેણે જાતે જ બધે ફરી લેવાનું નક્કી કર્યું... પહેલા માળે હેડ કોન્સ્ટેબલ ભવાની પુરોહીતે તપાસ કરી હતી એટલે તે દાદર ચડીને બીજા માળે પહોંચ્યો. અહી પણ પહેલા માળની જેમ જ કમરો બનાવવામાં આવ્યા હતા. બંને તરફ કમરાઓની હારમાળા અને વચ્ચે વિશાળ લોબી હતી... ઝડપથી તે એ બધા કમરાઓમાં ફરી વળ્યો... બીજો મળ સામાન્ય હતો. અહી કઈ અજુગતું થયું હોય એવો કોઈ અણસાર તેને મળ્યો નહી. તેણે થોડી રાહત અનુભવી. બીજા માળના દાદર ચડી તે ત્રીજા મજલે આવ્યો... દાદર ચડીને ત્રીજા મજલાની લોબીમાં પગ મુકતા જ તે થંભી ગયો. લાંબા કોરીડોરની ફર્શ પર કંઈક ભારે ધમાચકડી મચી હોય એવા નીશાનોની હારમાળા હતી. સફેદ, ધૂળભરી ફર્શ પર ઠેક-ઠેકાણે સુકાયેલા લોહીના ડાઘા નજરે ચડ્યા... ત્યાં ઘણાબધા વ્યક્તિઓના પગલાના નિશાનો ઉપરાંત કોઈકને ધસડવામાં આવ્યું હોય અથવાતો ખેંચીને દાદર તરફ લઇ જવાયું હોય એવા ચિન્હો સ્પષ્ટ વર્તાતા હતા. ગેહલોત આંખો ખેંચીને, ઝીણી કરીને એ નિશાનીઓ જોતો દાદરના છેલ્લા પગથીયે જ સ્થિર ઉભો રહી ગયો હતો. તેના મનમાં ફરી વખત ખાતરની ઘંટડીઓ વાગવા લાગી હતી. અહી પણ જરૂર કંઈક બન્યું હશે એવી દહેશત તેના દિલમાં જાગી... નીચે રૂમમાં જે લાશો પડી હતી તેના સદર્ભમાં અહીની આ નિશાનીઓ તેની તપાસમાં જરૂર મદદરૂપ બનવાની હતી એમાં તેણે કોઈ સંદેહ નહોતો રહ્યો. તેને દહેશત તો એક જ વાતની હતી કે નીચે જે વારદાત ઘટી છે એવું કઈ અહી આ માળે ન થયું હોય... તે ત્યાંથી જ પાછો ફર્યો. ફર્શ પર છવાયેલા નીશાનોમાં તે પોતાના પગલાની છાપ પાડવા માંગતો નહોતો....

ગેહલોત દાદર ઉતરતો જ હતો કે તેના કાને જીપની ઘરઘરાટી સંભળાઈ... નીચે હોટલના ફોયરમાં પોલીસ હેડક્વાટર્સ થી ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ અને પંચનામું કરવાવાળા માણસોનો કાફલો આવી પહોંચ્યો હતો. ગેહલોત નીચે આવ્યો. તેણે એ માણસોને બ્રીફ કર્યા એટલે પોલીસ ફોટોગ્રાફર પટેલે એ મોટા કમરા જેવા હોલમાં પડેલી ત્રણેય લાશોના વિવિધ એંગલથી ફોટા લીધા. પછી ગેહલોતે તેને ત્રીજમાળના કોરીડોરની ફર્શ પર પડેલા નીશાનોના ફોટોગ્રાફ્સ લેવા ઉપર મોકલ્યો... એ તમામ ફોટોગ્રાફ્સ લઈને પટેલ ત્યાંથી હોટલની બહાર જંગલ વિસ્તારમાં મૃત પડેલી યુવતીના ફોટોગ્રાફ્સ લેવા બહાર ચાલ્યો ગયો... આ સમય દરમ્યાન લાશોનું પંચનામું કરનારે તેનું કામ પૂરું કર્યું હતું. હોલની ફર્શ પર મૃત હાલતમાં પડેલા યુવકના જીન્સ અને શર્ટના ખિસ્સાની તલાશી લેવામાં આવી અને એ યુવકના પોકેટ માંથી જે સામાન નીકળ્યો તેને એક મોટા સ્કાફ જેવા રૂમાલમાં લપેટવામાં આવ્યો. એ સામાનની યાદી ડિટેલપૂર્વક લખાઈ હતી. યુવતીઓ પાસે એવી કોઈ ચીજો હતી નહી... ત્યારબાદ સમગ્ર હોલ ની ઝીણવટથી ફરીથી તલાશી લેવામાં આવી... આખા હોલમાં માત્ર ત્રણ ખુરશી, એ ખુરશીઓ વચ્ચે એક ટીપોઈ અને ટીપોઈ ઉપર એક શરાબની બોટલ તેમજ ચાર ગ્લાસ પડ્યા હતા. એ સિવાય બીજી કોઈ ચીજો હતી નહી. ગેહલોત માટે આ આશ્ચર્ય સમાન હતું. જેણે પણ આ ખૂન કર્યા હતા તે વ્યક્તિ સબુતના તોર પર ફક્ત આટલીજ ચીજો મુકતો ગયો હતો...

ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ જ્યાં જ્યાં શક્યતાઓ જણાતી હતી એવા તમામ સ્થળેથી પ્રિન્ટો લીધી હતી તેને અઢળક નિશાનો મળી આવ્યા હતા... આખરે કલાક બાદ એ ચારેય લાશોને એમ્યુલન્સ માં નાખી આબુ જનરલ હોસ્પીટલે મોકલી આપવામાં આવી હતી. આ સમય દરમ્યાન સુંદરવન હવેલીની બહાર માણસોનું નાનકડું એવું ટોળું જમા થઇ ગયું હતું અને તેઓમાં અંદરો-અંદર તરેહ-તરેહની વાતો ફેલાવા લાગી હતી. એ ટોળાને ગેટની બહારજ રોકી રાખવામાં આવ્યું હતું.

ઇન્સ. ગેહલોતે તેની સાથે આવેલા બંને કોન્સ્ટેબલો ને વારદાત વાળા હોલના દરવાજે ઉભા રાખ્યા અને તે ભવાની પુરોહીત અને પેલા દેહાતી વ્યક્તિ મોઘોસીંહને પોતાની સાથે લઈને નીચે રીસેપ્શન હોલમાં આવ્યો અને ત્યાંથી તે દરવાજો વટાવી બહાર પોર્ચમાં આવી ઉભો રહ્યો... તેની આંખો કશુક શોધી રહી હતી. તેના કપાળ ચિંતાને લીધે સળ ઉપસી આવ્યા હતા.. ખિસ્સામાંથી તેણે સિગારેટનું પાકીટ કાઢ્યું અને એક સિગારેટ ખેંચી હોઠો વચ્ચે દબાવી. બીજા ખિસ્સામાંથી લાઈટર કાઢી સિગારેટ સળગાવી એક ઊંડો કશ ખેંચ્યો અને પછી ધુમાડો હવામાં ફંગોળ્યો. તેનું દિમાગ ભયાનક રીતે વિચારી રહ્યું હતું. અહી જે ખૂના-મરકી થઇ હતી એ માઉન્ટ આબુ જેવા નાનકડા અમથા શહેરને ખળભળાવી નાખશે તેમાં કોઈ બે-મત નહોતો. અને એટલે જ તેને ચિંતા થતી હતી. તે મૂંઝાયો હતો. તે જાણતો હતો કે થોડી જ વાર માં આ સમાચાર વાવાઝોડાની માફક સમગ્ર ઇલાકામાં પ્રસરી જશે અને પછી પત્રકારો અને ન્યુઝ ચેનલોના ધાડે-ધાડા આબુ પર્વત ઉપર અહી આ સુંદરવન હવેલીમાં ઉતરી આવશે. એ લોકો અજબ ગજબની કહાનીઓ બનાવશે અને પ્રસારિત કરશે. સાથોસાથ પોલીસખાતાની ધુળ કાઢવામાં પણ કોઈ કસર બાકી નહી રાખે.. કોણ જાણે આ સમગ્ર ઘટના પોલીસની બેદરકારીને કારણે જ બની હોય એવી સ્ટોરી બનાવી તેને જનતા સમક્ષ રજુ કરવામાં આવશે... અને આવું થાય તે પહેલા ગેહલોત પોતે તમામ રીતે પ્રિપેર થવા માંગતો હતો જેથી કરીને ભવિષ્યમાં તેના માથે માછલા ન ધોવાય...

અને તેનું પણ એક કારણ હતું... આજદિન સુધી તેને એકપણ પત્રકાર સાથે ક્યારેય સારું બન્યું જ નહોતું. તેના મનમાં એક ગ્રંથી સજ્જડ રીતે ઘર કરી ગઈ હતી કે પત્રકારો હંમેશા રાઈનો પહાડ બનાવીને જ જંપતા હોય છે. સાવ સામાન્ય બાબત ને કે ઘટનાને તેઓ બહુ સહેલાઈથી એક મોટા સ્કૂપમાં તબદીલ કરી નાખે છે... જો કે અહી "સુંદરવન ઇન" માં જે ઘટના બની એ કોઈ સામાન્ય વારદાત તો નહોતી જ. ચાર-ચાર લાશો પડી હતી અને દેખતી રીતે જ ખ્યાલ આવતો હતો કે આ બહુ જ બેરહમીથી થયેલા કત્લ હતા... સબુતના તોર પર ઘણીબધી ફિંગરપ્રિન્ટો નિશાનીઓ મળી હતી. પરંતુ જ્યાં સુધી તેનું વ્યવસ્થિત રીતે પૃથ્થકરણ કરવામાં ન આવે ત્યાં સુધી કોઈ સ્પષ્ટ અભિપ્રાય કે નિષ્કર્ષ નીકળવાનો નહોતો...

વિક્રમ નીચે પોર્ચમાં આવ્યો તે દરમ્યાન પોલીસ HO પરથી બીજી જીપ પણ આવી ચૂકી હતી. તેણે જો કે પોતાના ઉપરી અધિકારીને ફોન દ્વારા આ ઘટનાની જાણ કરી કરી દીધી હતી પરંતુ તેઓ અત્યારે આબુ ઉપર નહોતા એટલે તેમણે ગેહલોતને જ તપાસની તમામ જવાબદારી સંભાળવાનું કહ્યું હતું. HO પરથી આવેલી જીપમાં જે કોન્સ્ટેબલો આવ્યા હતા તેમને વિક્રમે હોટલ અને તેની આસપાસના તમામ વિસ્તારની ઈંચે-ઇંચ જગ્યાને તપાસવાના ઓર્ડર આપ્યા હતા. તે નહોતો ઈચ્છતો કે એક નાનકડો સુરાગ પણ તેની નજરથી બચે.. જીપમાંથી નીચે ઉતરેલા કોન્સ્ટેબલો જુદી-જુદી દિશામાં ફટાઈ ને કામે વળગ્યા હતા... આ સમય દરમ્યાન વિક્રમે સીગારેટનો આખરી કાશ માર્યો, ધુમાડો બહાર કાઢ્યો, વધેલું ઠુંઠું નીચે જમીન પર ફેંકી તેને બુટની 'ટો' થી કચડ્યું. કોન્સ્ટેબલ પુરોહીત ધ્યાન થી પોતાના સાહેબની દરેક ચેષ્ટા નિહાળી રહ્યો હતો. તે વિક્રમ સાહેબના સ્વભાવથી પુરેપુરો પરિચિત હતો એટલે અત્યારે તેને તેના સાહેબના મનમાં શું ગડમથલ ચાલતી હશે એનું અનુમાન હતું. તેણે તેના સાહેબને આજ પહેલા આટલા વ્યગ્ર ક્યારેય જોયા નહોતા... એ સમય દરમ્યાન વિક્રમ ગેહલોત મોઘોસીંહ તરફ ફર્યો હતો...

"હા તો... શું નામ કહ્યું તે તારું...?"

"મોઘોસીંહ... મોઘોસીંહ રાઠોડ.... માયબાપ..." તેણે હાથમાં પકડેલા લઠ્ઠ ને બગલમાં દબાવતા બે હાથ ભેગા કરી કહ્યું. તે પોલીસવાળાઓ થી ડરીને ચાલવાવાળો માણસ હતો.

"મોઘોસીંહ રાઠોડ.... હમમ... તું અહં શું કામ આવ્યો હતો...?"

"મારા ઢોર - ઢાંખરા ચરાવવા માયબાપ..."

"હવે આ માયબાપ ની પૂછડી છોડ અને સીધી રીતે કહે કે તે અહી શું-શું જોયું અને કેવી રીતે જોયું...?" વિક્રમે મોઘોસીંહ ના કરચલીવાળા ચહેરા તરફ ધ્યાનથી જોતા પૂછ્યું.

"સાહેબ... આમ તો હું દરરોજ મારા ઘેટા-બકરા ને આ તરફ ચરાવા લઈને આવું છું પરંતુ છેલ્લા બે-ત્રણ દિવસ થું હું અહી આવ્યો નહોતો..."

"કેમ નહોતો આવ્યો...?"

"મને બીક લાગતી હતી માય બાપ..."

"બીક... શેની બીક...?" વિક્રમ અચાનક સજાગ થયો.

"મધમાખીઓની..."

"મધમાખીઓની...?" ભારે આશ્ચર્ય થી વિક્રમે પૂછ્યું. તેને મોઘોસીંહની વાત તરત સમજાઈ નહી.

"એ વળી શું-કામ...?"

"સાહેબ... આ વિસ્તારમાં મધમાખીઓનો ભારે ત્રાસ છે..."

"તે એમાં તારે શું છે...? તને શું કામ બીક લાગવી જોઈએ...?"

"એવું નથી માયબાપ... પણ ડર તો લાગે જ ને... રખેને હું મધમાખીઓની ઝપટે ચડી ગયો તો... મારા તો રામ-રમી જાયને...!"

"કંઈક સમજાય એવું બોલ ભાઈ... સીધે-સીધું કહે કે વાત શું છે...?" ગેહલોતે પૂછ્યું.

"હમણાં બે-ત્રણ દિવસ પહેલા જ કાળી ભમ્મરીયા મધમાખીઓએ આ હોટલ અને તેના આસપાસના વિસ્તારમાં કાળોકેર વર્તાવ્યો હતો... એ દિવસ પછી હું અહી આવ્યો જ નહોતો... છેક આજે આવ્યો..."

"હજુ ન સમજાયું... મધમાખીઓ..." વિક્રમ સિંહે ગેહલોત હજુ તેની વાત પૂરી કરે એ પહેલા જ મોઘોસિંહ વચ્ચેથી અટકાવીને બોલ્યો.

"સાહેબ..... બે-ત્રણ દિવસ પહેલાની વાત છે. અહી આ હોટલમાં સમારકામનું કામકાજ ચાલુ હતું કે અચાનક કોણ જાણે ક્યાંક ઉપરવાસના જંગલમાંથી કે પછી પહાડ ની ટોચેથી કાળી ભમ્મર ભમ્મરીયા મધમાખીઓના ધાડે ધાડા હોટલમાં ત્રાટક્યા હતા અને તેની અડફેટે અહી કામ કરવા આવ્યા હતા તે માણસો આવી ગયા હતા... ત્યાં ઉપર ત્રીજા માળે..." કહીને મોઘોસિંહ અટક્યો. તેણે પોતાનો હાથ હોટલના ત્રીજા મજલા તરફ લંબાવ્યો હતો.

"ત્યાં કામ કરતા ચારેક માણસો એ મધમાખીઓ ની અડફેટે ચડ્યા... પછી તો શું તેમની હાલત થઇ છે... શું કહું સાહેબ, મેં મારી આંખોએ તો એ દ્રશ્ય જોયું નહોતું પરંતુ એ પરિસ્થિતિની કલ્પના કરતા જ મારા રુંવાડા ખડા થઇ જાય છે..."

"પણ... તને કેવી રીતે ખબર પડી કે હવેલીમાં મધમાખીઓએ હલ્લો કર્યો....?" વિક્રમ ગેહલોતે પૂછ્યું. અચાનક તેને કંઈક ઝબકારો થયો હતો. તે ક્યારનો વિચારી રહ્યો હતો કે હજુ હમણાં જ ક્યાંક એકાદ-બે દિવસ પહેલા તેણે સુંદરવન નું નામ સાંભળ્યું હતું. પણ એ નામ કયા સંદર્ભમાં સાંભળ્યું હતું તે તેને યાદ આવતું નહોતું.... પરંતુ મોઘોસીહે અત્યારે એ સદર્ભ ઉજાગર કર્યો હતો. તેણે સુંદરવનનું નામ ડો. શેઠના દવાખાને સાંભળ્યું હતું એવું તેના ધ્યાનમાં આવ્યું. બે-ત્રણ દિવસ પહેલા તે ડો. શેઠ ના દવાખાને કોઈક કામસર ગયો હતો ત્યારે તેણે દવાખાના ના ઓ.પી. ડી. વિભાગમાં વિચિત્ર રીતે સુઝેલા માણસોને સારવાર આપતા જોઈ હતી. તેને આશ્ચર્ય થયું હતું અને તેણે એ બાબતે ડો. શેઠ ને પુછ્યું પણ હતું... ત્યારે ડો. શેઠે તેને સુંદરવન હવેલીમાં થયેલા કાંડ વિશે જણાવ્યું હતું. એ બનાવની કોઈ ફરિયાદ થઇ નહોતી કારણકે તે એક કુદરતી ઘટના હતી.. એ ઘટના તેના દિમાગમાં યાદ રહી ગઈ હતી અને અત્યારે મોઘોસીંહ ની વાત સાંભળીને અચાનક તે ઉજાગર થઇ હતી... હજુ હમણાં જ થોડીવાર પહેલા તેણે ત્રીજા મજલાની કોરીડોર જેવી ગેલેરીમાં જે ધમાચકડી મચેલી જોઈ હતી અને લોહીના નિશાનો જોયા હતા તેનો મોઘોસીંહ ની મધમાખીઓવાળી વાત સાથે તાળો મળતો લાગ્યો. તે વિચારમાં ખોવાયો...

"એ સમય હું મારા ઘેટા-બકરા, આ સામે દેખાય છે એ ઢોળાવમાં ચરાવી રહ્યો હતો. મને તો કઈ ખ્યાલ નહોતો આવ્યો પણ હોટલમાં કામ કરતા માણસો અચાનક ભારે અવાજે બુમો પડતા ભારે હલ્લો મચાવતા નીચે તળેટી તરફ ભાગતા હતા. તેમને જોઇને હું ચોક્યો... પહેલાતો એ લોકોની બુમો સાંભળીને મને કઈ સમજાયું નહિ પરંતુ જયારે એ ભાગતા કામદારોમાંથી એકને પકડીને મેં ઉભો રાખી પુછ્યું ત્યારે તેણે મને મધમાખીઓવાળી વાત કહી અને હોટલ માં શું બન્યું હતું એ પણ કહ્યું એટલે મને ખ્યાલ આવ્યો કે મારે પણ ભાગવું જોઈએ.... અને હું મારા ઘેટા-બકરાને ચરતા મુકીને એ લોકો સાથે નખીલેકના ઢોળાવ તરફ ભાગ્યો હતો સાહેબ... તે દિ' બાદ આજે હું અહી આવ્યો..." એકાએક મોઘોસીંહ બોલતો અટકી ગયો. તેના ચહેરા પર ભયનો ઓછાયો તરી આવ્યો. જાણે હમણાં જ તે કોઈ ભયાનક દ્રશ્ય જોઈ રહ્યો હોય એમ તે ખળભળી ઉઠ્યો. તેની વૃદ્ધ દ્રષ્ટિ શૂન્યમાં અનીમેશ નજરે તકાઈ... અચાનક વાતનો તંતુ તુટ્યો વિક્રમ સિંહને એ ન ગમ્યું...

"પછી....?" ના છુટકે તેણે પૂછવું પડ્યું.

"સાહેબ... મારા ઢોર-ઢાંખરા પાછળ હું જયારે આ ઢોળાવ ચડ્યો, અને પેલા ઝાડ પાસે પહોંચ્યો ત્યારે જે દ્રશ્ય મારી નજરોએ દેખાયું એવું ભયાનક દ્રશ્ય મેં મારી આખી જીંદગીમાં ક્યારેય જોયું નહોતું.... ભયાનક ડર થી હું છળી પડ્યો... પહેલી નજરે તરત તો મને ખ્યાલ ન આવ્યો કે એ કપડાનો ઢગલો શેનો છે. પરંતુ જયારે મને સમજાયું ત્યારે મારા હૃદયના ધબકારા બંધ પડી ગયા હતા... મહા-મુસીબતે મેં મારી જાતને સંભાળી અને તમને, એટલે કે પોલીસ સ્ટેશને ફોન કર્યો. એ છોકરીની લાશ જોઇને મને કમકમાં આવી ગયા હતા. ત્યારે ખરેખર મને ખ્યાલ આવ્યો નહોતો કે આ વારદાતનો એક છેડો છેક આ હોટલ સુધી આવશે. હોટલમાં પડેલી લાશો જોતા એમ જ લાગે છે કે અહી જરૂર કોઈ ભયાનક ખૂની ખેલ ખેલાયો હોવો જોઈએ..." મોઘોસીંહ તેની દેહાતી જબાનમાં કહ્યું.

"હમમ...." વિક્રમે તેની વાત સાંભળીને હુંકાર ભર્યો અને કંઈક વિચારીને તેણે પુરોહીતને કહ્યું...

"પુરોહિત, તું આ મોઘોસીંહનું સ્ટેટમેન્ટ નોધી લે... તેનો અક્ષરે - અક્ષર, તેણે શું જોયું, તે અહી કેમ આવ્યો વગેરે વિગતો લખજે. કઈ છુટવું જોઈએ નહી. અને ઉપરના હોલમાંથી પેલા છોકરાની પેન્ટના ખિસ્સામાંથી જે સામાન મળ્યો છે એ પોટલી મને આપ....અને હા, પોલીસ ચોકીએથી જે કોન્સ્ટેબલો આવ્યા છે તે પાછા ફરે ત્યારે તેમને સાથે રાખીને ફરીથી આ હોટલની ઇચે-ઇંચ જગ્યાની તપાસ કરો... એકપણ સબુત આપની નજરથી છૂટવો જોઈએ નહી. મારા અનુમાન પ્રમાણે આપણને ક્યાંક, કશોક અણસાર આ ઘટના વિષે મળવો જોઈએ..."

"જી સાહેબ..." પુરોહીત બોલ્યો. તેણે તેના હાથમાં પકડેલા સ્કાર્ફ જેવા રૂમાલનો વીંટો વિક્રમના હાથમાં લઇ પોર્ચમાંથી બહાર નીકળ્યો. તેણે હાઈવે ના ગોળાકાર રાઉન્ડ ઉપર મુકાયેલા એક બાકડા પર બેઠક લીધી. એ બાકડા પર પોટલી મુકી અને તેની ગાંઠો છોડી... એક આઇકાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, પાંચસો-પાંચસોની થોડીક નોટોની થપ્પી, એક લાઈટર, સફેદ કલરનો સફાઈથી ગરી કરેલો રૂમાલ, મોટો કડી આકારનો કિચનમાં ભરાવેલી બે ચાવીઓ અને એક-બે બીજી ચીજો એ સ્કાર્ફમાં હતી. વિક્રમે આરીકાઈ થી એ દરેક વસ્તુનું નિરીક્ષણ કર્યું. તેણે ડ્રાઈવિંગ લાયસન્સ હાથમાં ઉઠાવ્યું. મરનાર યુવકનો ફોટો, નામ અને સરનામું તેમાં લખેલા હતા. મોબાઈલ નંબર પણ તેમાં લખ્યો હતો...

વિક્રમે ધ્યાનથી ડ્રાઈવિંગ લાયસન્સમાં, ચોટાડેલા ફોટા ને જોયો. એમાં શંકાને કોઈ સ્થાન નહોતું કે આ ડ્રાઈવિંગ લાયસન્સ મરનાર એ કમભાગી યુવકનું જ હતું. ફોટામાં એ યુવક ઘણો સોહામણો લાગતો હતો. વિક્રમે નામ વાચ્યું... નયન કાન્તિલાલ સુરતી... સુરતી તેની સરનેમ હતી. સરનામું સુરતની કોઈક જગ્યાનું હતું અને ફોન નંબર તેમાં લખેલો હતો. હજુ તે એ ડ્રાઈવિંગ લાયસન્સ જોતો હતો કે તેના મનમાં ઝબકારો થયો. અચાનક તેને કોઈ કડી મળી હોય એમ તેની આંખો ચમકી ઉઠી અને તે મનોમન બબડ્યો પણ ખરો... "યસ ઈઝ ઈટ..." તેને જે સુઝ્યું હતું એ પહેલા યાદ આવવું જોયતું હતું. તેમ છતાં તેના ચહેરા પર થોડીવાર માટે આનંદ છવાયો. તેણે બાકડા પર બેઠા-બેઠા જ સામે, હોટલની પોર્ચમાં પાર્ક થયેલી બંને કાર તરફ જોયું. તેના નંબર તેણે હમણાં થોડીવાર પહેલા અંદર આવતી વખતે મનોમન નોંધ્યા પરંતુ એ સમયે તેણે તેના પર કોઈ ખાસ ધ્યાન આપ્યું નહોતું... પરંતુ અત્યારે ડ્રાઈવિંગ લાયસન્સ માં સુરતનું વાંચીને અચાનક તેને એ ગાડીઓ અને તેના નંબર ધ્યાનમાં આવ્યા... સાથો સાથ લાયસન્સમાં લખાયેલો મોબાઈલ નંબર જોઇને એક અન્ય વિચાર ઝબકયો...

જ્યારથી આ સ્માર્ટકાર્ડ જેવા ડ્રાઈવિંગ લાયસન્સ ચલણમાં આવ્યા હતા ત્યારથી તેમાં લાયસન્સ ઘારકનો મોબાઈલ નંબર લખવાની પ્રથા અમલમાં મુકાઈ હતી. એ પહેલા જે સાદા ડાયરી પ્રકારના લાયસન્સ આવતા તેમાં આવી નોંધ થતી નહી.... વિક્રમ ગેહલોતના હાથમાં જે નયન કાન્તિલાલ સુરતીના નામનું ડ્રાઈવિંગ લાયસન્સ હતું તેમાં લખાયેલા મોબાઈલ નંબર ને જોતા જ તેની આંખો ચમકી ઉઠી હતી અને તેણે ઝડપથી પોતાનો મોબાઈલ કશી એ નંબર ડાયલ કર્યો... નંબર લગતા થયેલા બે-ચાર પળના વિલંબે પણ તેને અકળાવી મુક્યો. આખરે નંબર લાગ્યો હતો અને સામેના છેડે ફોનની રીંગ ગુંજી ઉઠી હતી...

અચાનક જ તે ઉછળી પડ્યો.... "ઓહ...માય...ગોડ..." તેના મો માંથી શબ્દો સર્યા અને બાકડા પરથી તે ઉભો થઇ ગયો. તે હેબતાઈને ઘબરાઈ ગયો. તેના હેબતાઈ જવાનું કારણ હતું એક સુમધુર રીંગટોન... એ રીંગટોન કોઈક હિન્દી ફિલ્મનું ગીત હતું જે અહીના ખામોશ વાતાવરણમાં ગુંજી રહ્યું હતું. એ ગીત તેના કાને અફળાયું... એ એક મોબાઈલનો રીંગટોન હતો જે સામેના પોર્ચ વિસ્તારમાંથી ગુંજી ઉઠ્યો હતો....

તેણે નયનનો મોબાઈલ નંબર લગાવ્યો હતો. અને તેના પ્રતીઉત્તરમાં ક્યાંકથી વાગતી રીંગ તેને સંભળાતી હતી. એ અવાજ પોર્ચમાં પાર્ક થયેલી કારમાંથી અથવા તેની આસ-પાસ ક્યાંકથી આવી રહ્યો હતો. તેની નજરો એ દિશામાં ખેંચાઈ. હા.. એ રીંગટોનનો અવાજ પાર્ક થયેલી કારની દિશામાંથી જ આવી રહ્યો હતો. ખેંચાઈને તંગ થયેલા તેના કાન એ અવાજની દિશા પકડવા મથી રહ્યો... એક સળંગ રીંગ પુરી થઇ એટલે ખામોશી છવાઈ. ગેહલોતે ફરીથી પોતાના મોબાઈલમાં નયનનો નંબર ડાયલ કર્યો... બે જ સેકન્ડમાં ફરી પાછો એજ સુમધુર ગીતનો અવાજ વાતાવરણમાં ગુંજ્યો... વિક્રમના પગ આપોઆપ તે અવાજની દિશા પકડતા પાર્કિંગ એરિયા તરફ ખેંચાયા. પોર્ચ માં, હોટલના દરવાજાની જમણી બાજુ બે કારો પાર્ક થયેલી હતી. તે જેમ-જેમ આગળ વધતો ગયો તેમ-તેમ ગુંજી રહેલા ગીતનો અવાજ તેની વધુ નજીક આવતો ગયો અને વધુ સ્પષ્તાથી સંભળાવા લાગ્યો... તેણે ઝડપ વધારી અને એ તરફ સરક્યો. તે એક સ્કોર્પિયો કાર હતી. કદાચ એ રીંગટોન તેની અંદર ગુંજી રહ્યો હતો. સ્કોર્પિયોની બરાબર આગળ ફોર્ડ ની બીજી એક કાર પાર્ક થયેલી હતી.

ગેહલોત ચાલુ મોબાઈલે જ સ્કોર્પિયો ના દરવાજા ના કાચમાંથી અંદર જોવાની કોશિષ કરી, પરંતુ એકદમ ડાર્ક બ્લેક કલરના કાચમાંથી કારની અંદરનું કઈ દેખાતું નહોતું. હળવે રહીને તે કાચના ફ્રન્ટ ડોર તરફ સરક્યો અને સાવધાનીથી તેણે ફ્રન્ટ ડોરનું હેન્ડલ પકડી ખેંચ્યું... તેના આશ્ચર્ય વચ્ચે દરવાજો ખુલ્યો... મતલબ કે દરવાજો કોઈકે ખુલ્લો જ રહેવા દીધો હતો. તેણે પોતાના પટ્ટાની ખલેચીમાં ભરાવેલી સર્વિસ રિવોલ્વર બહાર ખેંચી પોતાના જમણા હાથમાં લીધી અને ભારે સાવચેતીથી રિવોલ્વરની નળીને કારની અંદર આગળની બંને સીટો ખાલી હતી. ગેહલોતને પાક્કી ખાતરી હતી કે તેણે મોબાઈલની રીંગ કારની અંદરથી સાંભળી હતી... કદાચ મોબાઈલ નીચે ફર્શ પર પડ્યો હશે. તેણે ફરીવખત તેના બીજા હાથમાં પકડેલા મોબાઈલમાં વિનયનો નંબર ડાયલ કર્યો. કારની પાછળની સીટમાં સુમધુર અવાજ ગુંજ્યો.. તે ઝડપથી પાછલા દરવાજે પહોંચ્યો અને એક ઝટકા સાથે તેણે પાછલો દરવાજો ખોલી નાખ્યો...

તેનો રિવોલ્વરવાળો લંબાયેલો હાથ એમને એમજ રહી ગયો. ભારે હેરતથી તેની આંખો અને મો પહોળું થયું.

"પુરોહીત..." તેના ગળામાંથી ચીખ નીકળી પડી. પુરોહીતે તે ચીખ સાંભળી. તે અને મોઘોસીંહ હજુ પોર્ચમાં જ ઉભા હતા. ગેહલોતની ચીખ સાંભળી તે બંને તેની ભણી દોડ્યા...

ગેહલોતે જેવો ગાડીનો દરવાજો ખોલ્યો કે તે સાથે બે ઘટના ઘટી.. તે એક હાથમાં મોબાઈલ રાખીને નંબર ડાયલ કરતો હતો અને બીજા હાથમાં રિવોલ્વર પકડેલી હતી... તેણે ડાબા હાથમાં મોબાઈલ પકડ્યો હતો અને એ હાથે જ તેણે કારનો દરવાજો ખેંચીને ખોલ્યો હતો. દરવાજો ખુલતા જ તેણે રિવોલ્વર અંદર તાકી... પરંતુ એમ કરવામાં તેના બંને હાથ એક-બીજાના ક્રોસ પોઝીશનમાં ગોઠવાયા હતા. જેવો તેણે દરવાજો ખોલ્યો કે અંદરથી કોઈક તેના પર ઝપટ્યું. હજુ ગેહલોત કઈ સમજે, પોતાનું સંતુલન જાળવે એ પહેલા તો ભારે વેગથી કોઈક તેના પર ઘસી આવ્યું... ગેહલોતના માથામાં જોરદાર ઝટકો લાગ્યો અને તે જમીન ઉપર ચત્તોપાટ પથરાયો... એ સાથે જ તેના મોમાંથી રાડ નીકળી ગઈ. તે ડ્રાઈવે-વેની બ્લોક બિછાવેલી જમીન પર પીઠ ભર પડ્યો હતો. તેના બંને હાથ એક-બીજામાં અટવાયા હતા જેના લીધે તે કોઈ એક્શન લઇ શક્યો નહી... પીઠભર ભારે વેગથી પડવાથી તેની કરોડરજ્જુમાં ટચાક્યો બોલી ગયો હતો અને તેને દર્દ ઉમટ્યું હતું.. કારનો દરવાજો ખોલતી વખતે આવું કઈ બનશે એની તેને બિલકુલ અંદેશો નહોતો એટલે તે સાવ અસાવધ બન્યો હતો જેનું પરિણામ અત્યારે તેની સામે હતું.... કારની પાછલી સીટમાં કોઈ વ્યક્તિ હતું જે દરવાજો ખુલતા જ તેના પર ઝાપટ્યું હતું અને તેને નીચે ભોય પર પછાડી તેની ઉપર હાવી થયો હતો... ગેહલોતના હાથમાં તેની સર્વિસ રિવોલ્વર હતી, તેની આંગળીનું પ્રેશર રિવોલ્વરના ટ્રીગર પર આવ્યું... "માય ગોડ..." તેના મોમાંથી ઉદગારો સર્યો... તે રિવોલ્વરનો સેફ્ટીલોક ખોલવાનું તો ભૂલી જ ગયો હતો... ઘટના એટલી વેગથી ઘટી હતી કે શું કરવું એ તે વિચારી શકતો નહોતો. એમ સમજો કે તેને વિચારવાનો સમયજ મળ્યો નહોતો... બીજા હાથમાં પકડેલો મોબાઈલ ઉછળીને દુર પડ્યો હતો. તેની ઉપર કારની અંદરથી જે વ્યક્તિ ઝપટ્યો હતો તે પોતાના બંને હાથથી તેનું ગળું પકડીને તેનો ટોટો ભીંસી નાખવા મથી રહ્યો હતો... બે સેકંડ... માત્ર બે જ સેકંડ માં ગેહલોતનો શ્વાસ રૂંધાવા માંડ્યો. તેના બંને હાથ એ વ્યક્તિની નીચે દબાયા હતા અને એ હાથમાં પકડેલી રિવોલ્વર તેની ખુદની જ છાતીમાં ખુંપી રહી હતી... જો રિવોલ્વરનો સેફટી લોક ખુલ્લો હોત તો તે બંનેમાથી એકની છાતી અત્યારે વીંધાઈ ચુકી હોત... ગેહલોત તે વ્યક્તિની પકડમાંથી છુટવા ભારે મથામણ કરી રહ્યો હતો પરંતુ તેના ભારેખમ શરીર નીચે તેનાથી સહેજે ચાસ્કાતું નહોતું. ગેહલોતની આંખોમાં લોહી ઘસી આવ્યું. તેના ગળાના હડીયા પર જાણે સાણસો ભીંસાયો હોય એવું તેણે અનુભવ્યું. શ્વાસ લેવા માટે તે રીતસરનો હવાતિયા મારવા લાગ્યો હતો. તે હંમેશા સતર્ક રહેવા વાળો માણસ હતો પરંતુ અત્યારે તેની તમામ શકતી જાણે નિચોવાઈ ગઈ હતી... અને તેની ઉપર હાવી થયેલી પેલી વ્યક્તિ જાણે તેની સમગ્ર તાકત લગાવીને ગેહલોતને મોતને ઘાટ ઉતારવા માંગતી હોય એમ પોતાના બંને હાથે ભારે બળથી ગેહલોતનું ગળું ભીંસી રહી હતી...

ગેહલોતની બુમ સાંભળીને નજીકમાં જ ઉભેલા પુરોહીત અને મોઘોસીંહ ત્યાં દોડી આવ્યા હતા. ત્યાં ભજવાઈ રહેલું દ્રશ્ય જોઇને બે-ઘડી તો તેઓ પણ સ્થંભી ગયા. તરત તે બંનેના સમાજમાં આવ્યું નહી કે શું બની રહ્યું છે... અને જયારે સમજાયું ત્યારે બંને એકસાથે ઝપટ્યા અને તેમણે ગેહલોતની માથે સવાર થયેલી વ્યક્તિના બંને હાથ એક-એક બાજુથી પકડ્યા અને તેને દુર ખેંચવાની કોશિષ કરી...

( ક્રમશ : )

( વધુ આવતા અંકે... )