બદચલન વહુ...કે કુંતી.. Triku Makwana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • એક પંજાબી છોકરી - 39

  સોનાલી હોસ્પિટલ તરફ દોડીને જાય છે કારણ કે તેને યાદ આવી જાય છ...

 • સમય બધું કહેશે.

  “ભલે આપણે સૌ મુસીબતના માર્યા,પરંતુ છે હિંમત, નથી હામ હાર્યા,...

 • લાડુ એટલે....

  ચૂર્માના લાડુનો મહત્ત્વ ગુજરાતી સંસ્કૃતિમાં ખૂબ મહત્વપૂર્ણ છ...

 • ત્રિભેટે - 22

  નયન કલાકો દરિયાને જોતો બેસી રહ્યો.એની પાસે બધું હતું છતાં કં...

 • નિલક્રિષ્ના - ભાગ 12

  આમ તો જે રસ્તેથી એ આવ્યાં હતાં, એ જ રસ્તો શોધીને એને ફરી ત્ય...

શ્રેણી
શેયર કરો

બદચલન વહુ...કે કુંતી..

બદચલન વહુ...કે કુંતી..?

જીવીબાનું મન છેલ્લા કેટલાક દિવસોથી અજંપે ચડ્યું હતું, એમ કહોને કે અજંપો તેમનું કાળજું કોતરી રહ્યો હતો. પીડા પણ કેવી? ના સહી શકાય કે ના કોઈને કહી શકાય.

જીવીબા મૂળ ગામડાની સ્ત્રી, ગામડાના રીત રીવાજો, સંબંધોના આટાપાટા સારી રીતે સમજે. પાછો હેતાળ અને આનંદી જીવ.

નાનપણથી દાદીમાં સાથે કોઈ સ્ત્રીની સુવાવડ કરાવવી હોય ત્યારે સાથે જતા. અને ધીરે ધીરે આ કામમાં ફાવટ આવી ગઈ.

હજુ પરણીને સાસરે આવીને થોડા દિવસો થયા હશે ને ગામની એક સ્ત્રીને વેણ ઉપડી. કેસ ગંભીર બન્યો અને તાકડે ગામની સુયાણી ગામતરું કરવા ગયેલ. શહેરના ડોકટરને બોલાવ્યો પણ તેની કારી ફાવે નહિ.

ત્યારે જીવીબા જીવીવહુ હતા, જીવીવહુને આ વાતની ખબર પડી અને દોડતા પ્રસુતા સ્ત્રીના ઘેર ગયા. તેમણે ગજબની કુનેહ દાખવી, પ્રસુતા સ્ત્રીને હિમંત આપતા જાય અને પોતાનો અનુભવ કામે લગાડી સુખરૂપ સુવાવડ કરાવેલ ત્યારે ડીગ્રીધારી ડોકટર પણ મોં વકાસીને એક બાજુ ઉભો રહી ગયેલ. ત્યારથી આ કામ માટે જીવી વહુનો ડંકો વાગી ગયો.

જીવી દાદીમાં સાથે સુવાવડ કરાવવા જતી ત્યારે નવજાત બાળકને ધ્યાન પૂર્વક નીરખી રહેતી. ખાસ તો. બાળકના મુખને નિહાળ્યા. કરતી અને ત્યાર બાદ સમયાંતરે બાળકને જોયા કરતી. બાળક કોના પર ગયું છે? નાક કોના જેવું છે? આંખો કોના જેવી છે? કાન કોના જેવા છે? તેનો ઝીણવટથી અભ્યાસ કરતી. તેમાં તેને અનેરો આનંદ આવતો.

જીવીવહુ પછી બાળક એક મહિનાનું થાય ત્યારે ફરી પાછી પ્રસુતાના ઘેર જતી. અને બાળકને નીરખી નીરખીને જોતી. ધીમે ધીમે જીવીવહુને બાળકને નીરખ્યા કરવાનું એક શોખ જેવું થઇ પડ્યું. બાળકના કાન કોના જેવા છે, નાક કોના જેવું છે, આંખો કોના જેવી છે, વગેરે અને બાળક કોની ઉપર ગયું છે તેની સ્પષ્ટ ખાતરી થવા લાગી.

આમાને આમાં જીવીવહુને એક અલગ જ દુનિયાના દર્શન થયા, ઘણીવાર એવું બનતું કે બાળકમાં પ્રસુતાના કુટુંબનો અને તેના પતિના કુટુંબના કોઈ સભ્યનો જરા સરખો અણસાર પણ ન આવતો. ત્યારે જીવી વહુને અચંબો થતો. પણ પછી પ્રસુતાના ઘેર ક્યારેક કોઈ મહેમાન આવતું ત્યારે જીવીવહુનો કોયડો ઉકલી જતો. અને જીવીવહુને કુંતા માતા યાદ આવી જતા. તેમનો એક પણ પુત્ર પાંડુ રાજાનો નહોતો છતા તેમના પુત્રો પાંડવ કહેવાયા. મહાભારત કાળથી જ પુત્રનું હોવું મહત્વનું હતું, અને પુત્રનો પિતા પોતાનો પતિ ન પણ હોય અને કોઈ બીજું જ હોય તેવું સ્પષ્ટ શાસ્ત્રોમાં દર્શાવેલ હતું. શાસ્ત્રોના મત પ્રમાણે પુત્રનું હોવું જરૂરી હતું, પતિ જ પુત્રનો પિતા હોય તેવું જરૂરી નહોતું એ વાત જીવીબા બરાબર જાણતા હતા.

પછી વર્ષો વહી ગયા, જીવીવહુ હવે જીવીબા બન્યા થોડા વધુ મજાકિયા અને સાચું કહેનારા થયા. સુવાવડ કરાવવામાં પણ વધુ કાબેલ બન્યા.

જીવીબા હવે બાળક કોનું છે તે સચોટ પારખી શકતા. અને જે તે સ્ત્રીને આ બાળકનો પિતા ફલાણો છે ને? એવું પૂછતા ત્યારે સ્ત્રી પહેલા તો ના પાડતી પણ જીવીબાની મક્કમતા જોઈ શરમાઈને હા કહી દેતી. પણ ગામમાં એક વાતની શાંતિ હતી કે આ વાત જીવીબાના મુખમાંથી ક્યારેય બહાર ન આવતી.

જે સ્ત્રીના બાળકનો પિતા તેનો ન પતિ હોય અને કોઈ બીજી જ વ્યક્તિ હોય અને જીવીબાને તે બાબતની જાણ હોય અને તે સ્ત્રીના ઘર સાથે ગમે તેટલો મોટો ઝઘડો થાય તો પણ જીવીબા આ બાબત હંમેશા ગોપનીય રાખતા. આને કારણે ગામની સ્ત્રીઓ જીવીબાના પગ પૂજતી.

* * *

જયારે રમેશ સાથે જીવીનું લગ્ન થયું ત્યારે જીવીનો પતિ રમેશ જીવીના રૂપથી અંજાઈ ગયેલ. લગ્ન પહેલા રમેશના મિત્રો ઓછા હતા, પણ જીવીનું રૂપ જોઈ ગામના જુવાનીયા રમેશના મિત્રો બનવા તલ પાપડ બન્યા.અને ઘણા રમેશના ઘેર ચા પાણી પીવા આવતા. રમેશના મિત્રો રમેશના ઘેર આવીને રમેશને પડતો મૂકી જીવી સાથે વધુ વાતો કરતા, ક્યારેક દ્વિઅર્થી મજાક પણ કરતા. કેટલાક મિત્રો રમેશની ગેરહાજરીમાં પણ રમેશના ઘેર આવતા.

એક મિત્ર તો રમેશ જયારે ઘરમાંથી બહાર નીકળે તેની રાહ જોઇને બેસી રહેતો અને પછી જ રમેશના ઘેર આવતો. એક વખત તો લાગ અને એકાંત જોઇને જીવીને અડપલું કરવા ગયો પણ જીવીએ કચકચાવીને એક ડાબા હાથની અડબોથ લગાવી કે દોડતો બહાર ભાગ્યો.

પછી જીવીએ રમેશને સમજાવી દીધેલ કે તેના મિત્રો ચા પાણી પીવા નહિ પણ મારે લીધે આવે છે એટલે ધીરે ધીરે રમેશે મિત્રોને ઘેર લાવવાનું બંધ કર્યું.

જીવી અને રમેશનો સંસાર જીવીના હેત અને રમેશની નિર્દોષતાથી મહેકી ઉઠતો. દિવસે જીવી સાસુ સસરાની મર્યાદામાં રહેતી. પણ રાત પડ્યે રાતરાણીના ફૂલની જેમ ખીલી ઉઠતી. અને એવી ખીલતી કે રમેશ પણ પ્રીતના મધદરિયામાં રસબોળ થઇ ઉઠતો. તેમની બંનેની પ્રણય ચેષ્ટા જોઈ ઓરડો પણ શરમાઈ જતો. જીવી અને રમેશના હેતનું ફળ ભગવાને તેમને નવ મહિનામાં જ આપી દીધું.

જીવીવહુને પુત્ર જન્મ્યો ત્યારે તેના સાસુ અને સસરા આનંદથી ઝૂમી ઉઠ્યા. તેના સસરાએ આખા ગામમાં સાકાર વહેંચી. ઘરમાં આનંદ આનંદ થઇ ગયો, પુત્ર જીવી પર ગયો હતો. પુત્રનું નામ મનન રાખવામાં આવ્યું.તેની બાલ સહજ ક્રીડાનો ઘરના સહુ આનંદ લેતા હતા.

મનન દેખાવડો, ખુબ ચપળ અને મિલનસાર સ્વભાવનો હતો, નર્સરીથી જ તેના ઘણા મિત્રો હતા. આગળ જતા પ્રાથમિક શાળામાં પણ તેણે તેજસ્વી વિદ્યાર્થી તરીકે નામ કાઢેલ અને અભ્યાસ સિવાય ઈતર પ્રવૃત્તિમાં પણ ન માત્ર આગળ પડતો ભાગ લેતો પણ ઇનામ પણ મેળવતો.

મનન માત્ર શિક્ષક અને શિક્ષિકાઓનો માનીતો નહોતો પણ સ્કુલના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓમાં પણ એટલો જ લોકપ્રિય હતો. તેના મિત્ર બનવા માટે છોકરીઓ અને છોકરાઓમાં પડાપડી થતી. ધર્મિષ્ઠા તેને બહુ ગમતી તે તેની સાથે જ ભણતી.

શાળામાં મનન, ધર્મિષ્ઠા, કેતન, નુપુર, તારક, કસક વગેરે એક વર્ગમાં જ ભણતા અને સાથે ને સાથે જ રહેતા. મનનને ધર્મિષ્ઠા ગમતી, પણ ધર્મિષ્ઠાને કેતન ગમતો, તારક અને કસકની તો જાણે ભગવાન "શંકર” અને માતાજી ”પાર્વતી"ની જેમ જોડી જ હતી. પણ નુપુરને મનન વિના સહેજ પણ ગમતું નહિ.

ધોરણ ૪થી ધોરણ ૮ બધાજ મિત્રો મુગ્ધાવસ્થાના કુતુહલ અને એક અજાણી લાગણીઓથી ઘેરાયેલા હતા. તેઓના મનમાં પ્રેમના અનેરા સ્પંદનો ઉઠતા. ક્યારેક મનનને ધર્મિષ્ઠા ગમતી, તો કયારેક નુપુર તેના દિલના તાર ઝણઝણાવી જતી, તો ક્યારેક કસકના નામની દિલમાં એક ટીસ ઉઠતી.

કોઈ વાર મનન અને ધર્મિષ્ઠા વાતોના ગપાટા લગાવતા હોય અને કોઈ મજાક પર એક બીજાને તાળી દેતા હોય ત્યારે નુપુર દુરથી જોઈ રહેતી. તેને પલ વાર માટે ધર્મિષ્ઠાની ઈર્ષા થતી, પણ પછી તે પણ તેમની વચ્ચે જઈ તેમાં સામેલ થઇ જતી. અને મનન જયારે કોઈ વાત પર નુપુરને તાળી દેતો ત્યારે મનનના સ્પર્શથી નુપુરને આખા શરીરમાં મીઠી ઝણઝણાટી પ્રસરી જતી.

મુગ્ધાવસ્થાના તે દૌરમાં સહુના મનમાં મીઠી મુંજવણ રહેતી, છોકરાઓને છોકરીઓનો સાથ ગમતો પણ તેઓ પોતાની લાગણીઓ વ્યક્ત ન કરી શકતા. છોકરીઓનું પણ એવું જ રહેતું, પણ છોકરીઓ મોટે ભાગે શરમાળ બની રહેતી. ઘરમાં પણ તેઓ આ ઉમરે ટીકાનું પાત્ર બનતા પોતાની બુદ્ધિથી કોઈ કામ કરે તો સંભાળવા મળતું કે તું હજુ નાનો છે કે નાની છો. જયારે તેઓને ધમાચકડી મચાવવાનું મન થાય અને તેઓ ધમાચકડી મચાવતા ત્યારે એવો ઠપકો મળતો કે તમો હવે નાના નથી રહ્યા, તેઓ હંમેશા અવઢવમાં રહેતા કે તેઓ હજુએ નાના કિકલા છે કે પછી સમજદાર વ્યક્તિઓ?

ધોરણ ૧૦થી ધોરણ ૧૨માં ના સમય ગાળા દરમ્યાન મનન, ધર્મિષ્ઠા, કેતન, નુપુર, તારક, કસક વગેરેની મિત્રતા વધુ ગાઢ બની તેઓ વધુ પરિપકવ બન્યા. ક્યાય ફરવા જવાનું હોય કોઈ કે પાર્ટી હોય અથવા સિનેમા જોવા જવાનું હોય ત્યારે સહુ સાથે જ જતા.

આ ગાળા દરમ્યાન તેઓ મિત્રતાનો નવો આયાસ પામ્યા, અદમ્ય વિજાતીય આકર્ષણ અને તેમાંથી ઉદભવતી પ્રેમની કુંપળો. એક બીજા માટે કશું કરી છુટવાની તમન્ના. આ બધું તેમને માટે નવીન હતું. તેઓ તેમની જિંદગીને વિસ્મયથી જોયા કરતા. લાગણીઓનો ધોધ તેમની વચ્ચે ઉછાળા માર્યા કરતો. તેઓ પતંગિયાની માફક ઉડ્યા કરતા. એક બીજાને ગમ્યા કરતા.

સમય વીતતો ગયો અને તેઓ કોલેજ કાળમાં પહોંચી ગયા. કોલેજનો ગાળો સહુ મિત્રો માટે આશીર્વાદ સમાન નીવડ્યો, ધર્મિષ્ઠા અને કેતન વધુ નજીક આવ્યા, નુપુર મનનને અનહદ ચાહ્યા કરતી. તારક અને કસકને તો એક બીજા વિના ચેન જ પડતું નહિ. હવે તેઓ કોલેજમાં કોઈ પણ લેકચર છોડી ફરવા નીકળી શકતા. એક બીજાના હાથમાં હાથ પરોવી નજીકના ગાર્ડનમાં કલાકો સુધી પ્રણય ચેષ્ટાઓ કર્યા કરતા.

તેમને જીંદગી જીવવા જેવી લાગતી.

તેઓ પ્રેમ નામના કોઈ અલગ પ્રદેશમાં ભૂલા પડ્યા હતા, અહીં ઈર્ષ્યાનું કોઈ નામોનિશાન નહતું. સહુની પોત પોતાની અલગ જિંદગી હતી. મનનને ધર્મિષ્ઠા બહુ ગમતી, પણ જયારે તેને ખબર પડી કે ધર્મિષ્ઠા તો કેતન પર મરે છે, મીટે છે. એટલે મનને નુપુરનો હાથ થામી લીધો.

નુપુર મનનનો હાથ પકડતી ત્યારે તેને અવર્નીય આનંદ આવતો, ધર્મિષ્ઠા અને કેતન કોઈ અલગ દુનિયામાં જ ખોવાય જતા. તારક કસકના ખોળામાં લંબાવતો ત્યારે ઇન્દ્ર રાજાના સિંહાસન કરતા પણ વધુ રોમાંચ અનુભવતો.

તેઓએ ક્યારેય પ્રેમના થોથાઓ વાંચ્યા નહોતા, કે ન કોઈ પ્રેમની કવિતા કરતા. તેઓ તો પ્રેમ જીવતા હતા, પ્રેમ પહેરતા હતા. પ્રેમ ઓઢતા હતા. પ્રેમને પાથરતા હતા.

કોલેજ જીવન પૂર્ણ થયું, તારક એન્જીન્યર તરીકે એક અગ્રગણ્ય કંપનીમાં જોડાયો. તારકે અને કસકે તેમના તેમના માં- બાપની સમંતિથી પ્રભુતામાં પગલા પાડ્યા. સપ્તપદીની સાખે તારક અને કસક વચને બંધાયા. ધામ ધૂમથી તેમના લગ્ન થયા. કસકે નોકરી કરવાને બદલે ગૃહિણી થવાનું પસંદ કર્યું.

કેતનને બેંગ્લોરમાં મલ્ટી નેશનલ કંપનીમાં મેનેજર તરીકે જોબ મળી. મનન અને ધર્મિષ્ઠાને પોતાના શહેરમાં જ નોકરી મળી ગઈ. નુપુરને નોકરી માટે છેક ચેન્નાઈ સુધી લાંબુ થવું પડ્યું.

શરુ શરૂમાં કેતન અને ધર્મિષ્ઠા વચ્ચે પત્ર વ્યવહાર અને ટેલીફોનીક વાતચીત ચાલતી રહી. પણ ધીરે ધીરે કેતનના ધર્મિષ્ઠા ઉપર આવતા પત્રની સંખ્યા ઘટવા લાગી. ક્યારેક ધર્મિષ્ઠા ફોન કરે તો કેતન હું હમણા બીઝી છું, પછી તને ફોન કરું એમ કહેતો અને પછી ફોન આવતો જ નહિ. ધર્મિષ્ઠા કંટાળીને ફોન કરે તો ફોન સ્વીચ ઓફ આવતો.

ધર્મિષ્ઠાની હાલત દયનીય થઇ ગઈ, એટલે ના છુટકે મનનને બેંગ્લોર જવું પડ્યું. ત્યાં જઈને જોયું તો કેતન પોતાની સહ કર્મચારી ઝલક જોડે માયામાં લપેટાયો છે. મનને કેતનને સમજવાનાના ઘણા પ્રયત્નો કર્યા પણ બધું પત્થર પર પાણી સાબિત થયું. મનન નિરાશ વદને પાછો ફર્યો.

સાચી વાત જાણી ધર્મિષ્ઠા ડીપ્રેશનમાં જતી રહી, ત્યારે રાત અને દિવસ મનન તેની સાથે રહ્યો. ધર્મિષ્ઠાએ બે વખત આત્મ હત્યાનો પ્રયાસ પણ કર્યો. હવે તેને જીવન આકરું લાગવા માંડ્યું. ઘણી વાર તે સુનમુન બેસી રહેતી. મનને મનોચિકિત્સક પાસે યોગ્ય સારવાર કરાવી. તેને નિયમિત દવા આપે, સાથે બહાર ફરવા લઇ જાય. આમ કરતા કરતા ધર્મિષ્ઠાને નોર્મલ થતા એક વર્ષ લાગ્યું.

જીવીબાને આ વાતની ખબર પડી એટલે તેમનું હૃદય દ્રવી ગયું. તેઓ ધર્મિષ્ઠાને મળ્યા, ધર્મિષ્ઠાને મળ્યા પછી તેમને લાગ્યું કે હવે ધર્મિષ્ઠા મનનને દિલના ઊંડાણથી ચાહે છે. જો હવે મનન પણ ધર્મિષ્ઠાથી મોઢું ફેરવી લેશે તો ધર્મિષ્ઠાને ફરીથી ડીપ્રેશનનો હુમલો આવી શકે જે ધર્મિષ્ઠા માટે ઘાતક સાબિત થશે.

નુપુરને પરિસ્થિતિ તાગ મળ્યો ત્યારે તેણે અઢળક વેદના અનુભવી. મનન જ તેના માટે સર્વસ્વ હતો. પણ ધર્મિષ્ઠા ફરી પાછી ડીપ્રેશનમાં જાય તેના કરતા નુપુરને પોતાના પ્રેમનું બલિદાન આપવું યોગ્ય લાગ્યું. અને તેણે જીવનભર કુંવારા રહેવાનું નક્કી કરી લીધું.

જીવીબાએ તારક - કસક, નુપુર, અને થોડા સગાઓને લઈને સાદાઈથી મનન અને ધર્મિષ્ઠાના લગ્ન કરાવ્યા. નુપુર પોતાની આંખોમાંથી આવતા આંસુ રોકી ન શકી. પોતાનો પ્રેમી તેનાથી સદાને માટે છીનવાઈ ગયો.

ધર્મિષ્ઠા અને મનનનું લગ્ન જીવન આનંદથી કિલ્લોલવા લાગ્યું. જીવીબા ધર્મિષ્ઠાને દીકરી કરતા પણ સારી રીતે રાખતા.

જે ઓરડામાં જીવીવહુ અને રમેશે પ્રેમના બીજ રોપ્યા હતા તે ઓરડામાં ધર્મિષ્ઠા અને મનન પ્રેમની ગોષ્ઠીઓ કરતા. ક્યારેક રીસામણા પણ થતા, પણ મનન ધર્મિષ્ઠાને મનાવી લેતો. પોતાની બાહુઓથી ધર્મિષ્ઠાને ભીંસી નાખતો. તેના અધરોમાં મધ ભરી દેતો. બદલામાં ધર્મિષ્ઠા મનનને પ્રીતનું પાન ખવડાવતી.

જોત જોતામાં ધર્મિષ્ઠા અને મનનનું લગ્ન જીવનને પાંચ વર્ષ વીતી ગયા. હજુ સુધી ધર્મિષ્ઠાનો ખોળો નથી ભરાયો તે જોઇને જીવીબા દુખી રહેવા લાગ્યા.. તે ધર્મિષ્ઠાને લઈને લગભગ બધા જ ડોકટરને ત્યાં ફરી વળ્યા. દરેક જગ્યાએ ચેક કરાવતા ધર્મિષ્ઠાનો રીપોર્ટ નોર્મલ જ આવે પણ પારણું ન બંધાયું. જીવીબા મંદિર, દરગાહ, ગુરુદ્વારા, દેવળ બધે જ ફરી વળ્યા. આકરા વ્રત અને જાત જાતની બાધા આખડી બાદ પણ ધર્મિષ્ઠાનો ખોળો ન ભરાયો તે ન જ ભરાયો.

એક સાંજે મનન ધર્મિષ્ઠા અને જીવીબા વાળું કરીને બેઠા છે અને મનનનો મોબાઈલ બેંગલોરથી કેતનનો ફોન રણક્યો. કેતનના ડુંસકા સંભળાય છે. ઝલકે કેતનને છોડીને તેના સહ કર્મચારી સાથે લગ્ન કરી લીધા છે. કેતન હતાશ થઇ ગયો છે.

બીજે દિવસે મનન બેંગ્લોર જવા નીકળ્યો. ધર્મિષ્ઠાએ પણ સાથે જવા જીદ પકડી , જીવીબાએ ધર્મિષ્ઠાને રોકવા પ્રયત્ન કર્યો પણ જીભ ન ઉપડી. લગભગ એકાદ મહિનો મનન અને ધર્મિષ્ઠા કેતનને ઘેર રોકાયા. કેતનની સ્થિતિ નોર્મલ બનતા બંને ઘેર પાછા ફર્યા.

બેંગ્લોરથી કેતનના ઘેરથી આવ્યા બાદ ધર્મિષ્ઠા પહેલા કરતા વધુ ખુશ રહેવા લાગી. ધર્મિષ્ઠા અને મનન બંનેએ સાથે મળી કેતનની સમસ્યાનું સમાધાન કરી આપ્યું તેની ખુશીમાં ધર્મિષ્ઠાનું મુખ વારે ઘડીએ મલકાયા કરે છે.

હજુ બેંગલોરથી આવીને થોડા દિવસ થયા કે ધર્મિષ્ઠાને ઉલટી જેવું થયું. ઉબકા આવતા હોય તેવું અનુભવાય છે. અને ચક્કર આવે છે. જીવીબાના મનમાં ખુશીની લહેર દોડી ગઈ.

જીવીબા વસ્તુ સ્થિતિ સમજી ગયા, તેમણે ઈશ્વરનો આભાર માન્યો. આખરે ઈશ્વરે તેમની સામે જોયું ખરું.

જીવીબા હવે ધર્મિષ્ઠાની સેવા ચાકરીમાં લાગી ગયા. ધર્મિષ્ઠાને નોકરીમાંથી ફરજીયાત રજા લેવડાવી. ધર્મિષ્ઠાને સવારે અને સાંજે મંદિરે દેવ દર્શને લઇ જાય છે. ખાવા પીવાની વસ્તુઓ પોતે જાતે જ તૈયાર કરી આપે છે. સારા સારા પુસ્તકો વાંચવા માટે લઇ આવે છે. ધર્મિષ્ઠા પોતાને પિયર પણ ક્યારેય આવો પ્રેમ પામી નથી. તે ગદગદિત થઇ જીવીબાનો ઉમંગ જોઈ રહે છે.

પુરા નવ માસ બાદ ધર્મિષ્ઠા એક સુંદર પુત્ર રત્નને જન્મ આપ્યો આખા ઘરમાં આનંદનું વાતાવરણ છવાઈ ગયું., જૂની ટેવ મુજબ બાળક કોની પર ગયું તે માટે ધારી ધારીને જીવીબાએ બાળકને નીરખ્યા કર્યું.

બાળક તેમના કુટુંબ પર નથી ગયું કે નથી ધર્મિષ્ઠાના કુટુંબ પર ગયું તો બાળક કોના પર ગયું તે જીવીબા વિચાર્યા કરે છે પણ કોઈ ઘડ બેસતી નથી. પહેલી વાર જીવીબાને બાળકના પિતા પારખવામાં મુશ્કેલી પડી.

સાંજે મનન પર બેંગલોરથી કેતનનો બાળકના જન્મને અભિનંદન માટે ફોન આવ્યો. અને એકાએક જીવીબાના મનમાં ઝબકાર થાય છે અરે આનો અણસાર તો કેતન જેવો આવે છે. અને ધબ્બ કરતા બેસી જઈ એક મણ જેટલો નિસાસો નાખી જીવીબાના મુખમાંથી માત્ર એક જ શબ્દ નીકળ્યો....કુંતી.