Suhag raat books and stories free download online pdf in Gujarati

સુહાગ રાત

સુહાગ રાત

આજે રાધિકાને સમગ્ર પુરુષ જાત પર તિરસ્કાર આવી રહ્યો હતો, ક્યાંય સુધી જગતના તમામ પુરુષોને ફિટકાર આપતી રહી. નયનોમાંથી અશ્રુ ધારા સત્તત વહી રહી હતી. માથું પણ દુખતું હતું. આખી રાત ઊંઘ આવી ન હતી.

ઘડિયાળનો કાંટો બપોરના બે વાગ્યાઓનો સમય બતાવતો હતો. બાપ રે,.......તેનાથી ચીસ પડાઈ ગઈ આજ તો ઘેર જવાનું હતું. તે અને તેની સહેલીએ કોલેજના અભ્યાસ અર્થે રૂમ રાખેલ હતો. પણ સહેલી વેકેશન હોવાને કારણે કાલે રાત્રે પોતાને વતન ગઈ હતી.

તે ધીરેથી પથારીમાંથી બેઠી થઇ, હજુ માથું ભારે લાગતું હતું. બેઠા બેઠા જ તે મનોરમ્ય ભૂતકાળમાં સરી પડી. હવે તેને સારું લાગ્યું. તે અને સાગર એક નાના ગામમાં સાથે જ ભણતા. સાગર ગોરો ચીટ્ટો છોકરો, ભણવામાં બહુ હોંશિયાર હતો, પણ બહુ શરમાળ હતો. બંનેના ઘર બાજુ બાજુમાં હોવાથી નાનપણથી જ દોસ્તી થયેલ.

સ્કુલની દોસ્તી ક્યારે પ્રેમમાં પલટાઈ ગઈ તેની ન તો રાધિકાને ખબર પડી કે ન સાગરને જાણ થઇ. નાના હતા ત્યારે ગામમાં વર- વહુની રમત તે બંને રમતા. પણ તે સ્વાભાવિક હતું. રાધિકા સાગર પર રોબ પણ જમાવતી. અને નાની હતી ત્યારે પણ સાગર બીજી કોઈ છોકરી જોડે વાત કરે તે ગમતું નહિ. જયારે કોઈ ચબરાક છોકરી સાગર સાથે વાત કરે ત્યારે રાધીકાનું મુખ ગુસ્સાથી લાલચોળ થઇ જતું.

સાગર અંતર્મુખી હોવાને કારણે કોલેજમાં પણ કોઈ જોડે વધુ ભળતો નહિ, અને ગરીબ કુટુંબમાંથી આવતો હોવાથી કોલેજ સિવાયનો મોટા ભાગનો સમય કોલેજની લાયબ્રેરીમાં કાઢતો. કોલેજમાં લગભગ મોટા ભાગના વિદ્યાર્થીઓ - વિદ્યાર્થીનીઓ પ્રેમ નામના કોઈ તત્વથી જોડાયેલ રહેતા. અને દરેકની પ્રેમની વ્યાખ્યાઓ અલગ અલગ હતી. કોઈને મન પ્રેમ એટલે હાથમાં હાથ પરોવીને સાથે પિક્ચર જોવું. તો કોઈ હાથથી થોડા આગળ વધતા. અને કેટલું આગળ વધવું કે વધારવું તે સામેના પાત્ર પર નિર્ભર રહેતું. અને જો કોઈ ડફોળ વિદ્યાર્થી આ રીત રસમ સમજી ન શકે તો, તેનો પ્રેમ તો શહીદ થતો જ, પણ સાથે સાથે દોસ્તીનું પણ બલિદાન લેવાય જતું. અને એ ડફોળ વિદ્યાર્થીને ખબર પણ પડતી નહિ કે ક્યા ગુનાની સજા તેને મળી.

અને આ બલિદાનનો લાભ એવા વિદ્યાર્થી લેતા કે જેઓ "છુપા રુસ્તમ" તરીકે ઓળખાતા. તેમની પ્રેમિકા કેટલી હશે તે તેઓને પોતાને પણ ખબર નહોતી રહેતી. તેઓ મોટેભાગે સારા કપડા પહેરતા. મોંઘી ગાડી ફેરવતા અને બેફામ ખર્ચ કરતા. તેમની પાસે છોકરી પટાવવાના જાતજાતની તરકીબો રહેતી. તેઓ ક્યારે ડાર્લિંગ શબ્દ વાપરવો અને ક્યારે બહેન શબ્દ વાપરવો તેનો પાકો ખયાલ રાખતા. પોતાની જાતને સતી માનતી છોકરીઓ પણ તેમની જાળમાં ફસાય જતી. અને એક વાર ફસાયા પછી બધું ગમે પણ ખરું.

શરૂઆતમાં સાગરને બે ત્રણ છોકરીઓએ પટાવવાની કોશિશ કરી, પણ અહીં દાળ નહિ ગળે તેમ લાગવાથી અને વધારે સમય બગાડવાથી બીજી ગાડી પણ ઉપડી જશે એવો ડર લાગવાથી પોતાના પ્રયત્નો પડતા મુક્યા.

રાધિકા અને સાગર કોલેજથી ટુર માટે ગયા હતા. જો કે સાગર તો આવા ખોટા ખર્ચા કરવામાં માનતો પણ નહોતો. એટલે તેણે તો ટુરમાં જવા માટે નનૈયો જ ભરી દીધો હતો, પણ રાધિકાએ સાગરની ટુરના પૈસા ભરી દીધા હતા એટલે કમને પણ સાગરને ટુરમાં આવવું પડ્યું હતું. રાતની બસ હતી. સાગર અને રાધિકા બાજુ બાજુમાં જ બેઠા હતા. રાધિકાના મનમાં આનંદની હેલી ચડી હતી. આજે પહેલી વાર મનના માણીગર સાથે આખી રાત ગાળવા મળશે તેવા ઉન્માદથી તેનું હૈયું હરખથી ઘેલું બન્યું હતું. સાગર તો નિર્લેપ ભાવે બારીની બહાર રાત્રીનું સૌન્દર્ય જોવામાં તલ્લીન હતો. રાધિકાએ હળવેથી સાગરનો હાથ પોતાના હાથમાં લીધો. તેના સમગ્ર શરીરમાં મીઠી ઝણઝણાટી ફરી વળી. સાગરનો હાથ એકદમ મૃદુ અને કોમળ હતો. સાગરે બીજા હાથ વડે તેનો હાથ દબાવ્યો. બસ પોતાની રફતારથી જઈ રહી હતી. ઘેરી કાજળ ભરી રાત વીતી રહી હતી. સાગરે ધીમેથી બસમાં નજર કરી એક માત્ર બસ ડ્રાઈવર એક જ જાગતો હતો તે સિવાય બધાજ વિદ્યાર્થીઓ- વિદ્યાર્થીનીઓ સુઈ ગયા હતા. સાગર રાધિકાના કાનમાં ગણગણ્યો. આઈ લવ યુ.................રાધુ.....માય ડાર્લિંગ. …….. માય રાધિકે…..

આટલા શબ્દો સંભાળવા રાધિકાએ કેટ કેટલું કર્યું હતું. કોલેજમાં કેટલી વાર તેનાથી રિસાઈ હતી. કેટલી વાર છોકરી હોવા છતાં બોયઝ હોસ્ટેલમાં સાગરના રૂમ પર ગઈ હતી. અરે ઘણી વાર તો તે એકલો હોય ત્યારે જ તેના રૂમમાં જતી. પણ સાગર ક્યારેય આવો મોકો આવવા દેતો નહિ. એકવાર તે એકલો હતો ત્યારે જાણી જોઇને તેની રૂમે ગઈ હતી, અને સાગરને વળગી પડી હતી. ત્યારે સાગર કોઈ પુસ્તક વાંચતો હતો. અને એવી જોરદાર ત્રાડ પડેલ કે તે છળી મરત. તે તો ડઘાઈ જ ગઈ તેની આંખોમાં આંસુ આવી ગયા. અને રડતા રડતા તે બહાર ચાલી ગઈ. તેને સાગર પર બહુ ગુસ્સો આવ્યો. પછી સાગરે મનાવવાની બહુ જ કોશિશ કરી ત્યારે માંડ તે માની હતી.

રાધિકે માય ડાર્લિંગ આઈ લવ યુ સાગર ગણગણતો હતો, તેના હાથ રાધિકાના લીસ્સા અને સુંવાળા વાળને રમાડતા હતા. રાધિકા આવા જ પ્રેમની તરસી હતી, તેણે પોતાનું દિલ બચપણથી જ સાગરને સોંપી દીધું હતું. તે પ્રેમ સાગરમાં ધીરે ધીરે ડૂબી રહી હતી. સાગરના હાથ રાધિકાના મુખ પર આવ્યા. રાધિકા નવવધૂની જેમ શરમાઈ ગઈ. તેની ધડકનો તેજ થતી ગઈ. સાગરે ધીરેથી રાધાના વણ બોટ્યા હોઠ પર પોતાના સાવ કાચા કુંવારા હોઠ મુક્યા. બે માદક દિલો છલક્યા. જાણે હજારો વર્ષથી અતૃપ્ત ધરતી પણ અનરાધાર મેધો વરસ્યો. અને આજે સાગર અને રાધિકાને સમજાયું કે પ્રેમની કોઈ ભાષા નથી હોતી. બંનેના શરીરના રોમે રોમ ખીલી ઉઠ્યા. બંને સાન ભાન ગુમાવી બેઠા.

ચર..............ર....ર.... બસની વચ્ચે એક કુતરું આવી જવાથી ડ્રાઈવરે અચાનક બ્રેક લગાવી. અચાનક બ્રેક લગાવવાથી બસ થોડી ઉછળી અને બેઠેલા બધાને આંચકો લાગ્યો તેથી જાગી ગયા. સાગર અને રાધિકા પાછા ભાનમાં આવ્યા.

બસ ટુર પૂરી કરીને પછી વળતી હતી. સાગર અને રાધિકાના ચહેરા ખીલી ઉઠ્યા હતા. આખા પ્રવાસ દરમ્યાન બંનેએ એક બીજાના હાથ પકડી રાખ્યા હતા. સાગર તટે પણ બંનેએ ખુબ મસ્તી કરી હતી.

પછી તો સાગર અને રાધિકા એક બીજામાં ઓતપ્રોત થઇ ગયા હતા. હવે સાગર અને રાધિકા પિક્ચર જોવા, ફરવા, શોપિંગ કરવા એક સાથે જ જતા. નવરાશના સમયે તેઓ ગાર્ડનમાં ફરવા જતા ત્યારે એકાંત વાળી જગ્યા જ પસંદ કરતા. સાગરને રાધિકાના ખોળામાં માથું રાખી લંબાવવું બહુ ગમતું. રાધિકા તેના વાંકડિયા વાળને પ્રેમથી સંવાર્યા કરતી. ક્યારેક ક્યારેક સાગર અચાનક બેઠો થઇ તેની બાંહોમાં રાધિકાને જકડી લેતો. રાધિકા પણ વળતા જવાબ રૂપે તેને ચુમીઓથી નવડાવી દેતી. સાગર જયારે રાધિકાના નર્મ હોઠો પર પ્રગાઢ ચુંબન કરતો ત્યારે બંનેના રોમ રોમમાં મધુર કંપનો ઉઠતા. શરીરમાં અજીબ તરંગો ઉઠતા. મીઠી મીઠી લાગણીઓ જાણે હોઠમાંથી પ્રવાહિત થઈને હૃદયના એક અનજાન ખૂણામાં પ્રસરતી રહેતી. માદક, આલ્હાદક, સરવાણી બંનેના શરીરમાં ફરી વળતી.

એક વાર રાધિકા સાગરના રૂમ પર ગયેલી ત્યારે સાગર એકલો જ હતો. રાધિકાએ રૂમનો દરવાજો બંધ કરી દીધો. સાગર હજુ ઉઠ્યો નહોતો તેણે ઉપરના ભાગમાં કોઈ વસ્ત્ર પહેરેલ ન હતું. તેની તેની સુદઢ કાયા, માંસલ દેહ કોઈ યોધ્ધા જેવો લાગતો હતો. રાધિકા સાગરને વળગી પડી. અને તેના હોઠોને ચૂમવા લાગી. સાગરે રાધિકાને બાંહોમાં લીધી, અને મજબુત આલિંગનમાં બાંધી દીધી. હવે રાધિકા બેકાબુ બની. તેનું મન શરીર સુખ માણવા આતુર બન્યું. પણ સાગર પોતાના પૌરુષ સભર ઘેરા અવાજે સમજાવવા લાગ્યો ના ...... રાધિકે .......ના.........

તો પછી આપણા અને કોલેજના બીજાઓ વચ્ચે શું ફરક રહે? તેઓ શરીર સુખ માણવા પ્રેમ કરે છે, જયારે આપણે તો જનમો જનમના પ્રેમી. અને તેઓ તો પછી તેમના લગ્ન વખતે વાસી સુહાગ રાત ઉજવશે. તેમના જીવન સાથી જોડે ફરેબ કરશે. જયારે આપણે આપણી સુહાગ રાતને દિવસે આપણે આપણા કૌમાર્યની ભેટ એકબીજાને આપીશું. અને મારા મતે લગ્ન જીવનની તે જ ભેટ સર્વોતમ છે.

સાગરને અચાનક વતન જવાનું થયું. રાધિકાએ સાગરની બેગ ગોઠવી આપી. મીઠી ચૂમી લીધી, સામેથી મધુરું આલિંગન મળ્યું. અને સાગરને સ્ટેશને મુકવા ગઈ.

જયારે સાગર વતનથી આવ્યો ત્યારે તે ફિક્કો પડી ગયો હતો. કદાચ કેટલાય દિવસથી તે ઊંઘ્યો ન હતો. તેની આંખો સુજી ગઈ હતી, તે રાધિકાને મળ્યો ત્યારે માત્ર એટલું જ કહી શક્યો કે આપણા લગ્ન શક્ય નથી. અને રાધિકાના ગુસ્સાનો પર ન રહ્યો. કેટ કેટલો ચાહ્યો હતો સાગરને. સાગર એક અને માત્ર એક તેની પ્રીત હતી, તેની જિંદગી હતી. ધડકન હતી. અને તેણે પણ અંતે દગો દીધો જ. સમગ્ર પુરુષ જાત પરથી રાધિકાનો વિશ્વાસ ઉઠી ગયો. રાધિકાને સમગ્ર પુરુષ જાત પર તિરસ્કાર આવી રહ્યો હતો, ક્યાંય સુધી જગતના તમામ પુરુષોને ફિટકાર આપતી રહી. નયનોમાંથી અશ્રુ ધારા સત્તત વહી રહી હતી.

સાગર માથે આભ તૂટી પડ્યું, તેના ઘરનાએ અમેરિકાથી ભારતમાં લગ્ન માટે આવેલ રેખા જોડે તેનું લગ્ન નક્કી કરી નાખ્યું હતું. રેખાનું વતન તેની બાજુનું જ ગામ હતું, અને રેખાનું આખું ફેમીલી અમેરિકાનું ગ્રીન કાર્ડ ધરાવતું હતું. તેણે પહેલા તેની મમ્મીને પોતે રાધિકાને પ્રેમ કરે છે તેવું કહ્યું, ત્યાર બાદ તેના પપ્પાને પણ કહેવાની ફરજ પડી. છેલ્લે રાધિકાના માં બાપને પણ મળ્યો. પણ બધું જ વ્યર્થ ગયું. આપઘાત કરવાની ધમકી આપી ત્યારે તેના પપ્પાએ તેને સમજાવ્યો. જો બેટા ભલે આપણે ગરીબ ઘરના રહ્યા પણ આપણા સમાજના રીવાજ પ્રમાણે આપણે તારી બંને બહેનોને દહેજ આપીશું તો જ તેમના સારા ઘરમાં લગ્ન થશે. અને જો તું આ લગ્ન કરી અમેરિકા જઈશ તો તારી બહેનના લગ્ન માટે મુરતિયાઓની પડાપડી થશે. નહિ તો તારી બંને બહેનો લગ્ન વિના રખડી પડશે. બાકી તારી મરજી.

સાગર મનમાં ને મનમાં ઘુંટાતો રહ્યો, રાત્રીઓ વેરણ બની, કેટલી મથામણ કરી. રાધિકા તેની જિંદગીનો એક માત્ર પ્રેમ હતી. પણ સવાર પડતા તેની બહેનોના ચહેરાઓ ધ્યાન પૂર્વક જોઈ રહેતો. તેને લાગ્યું કે તે પાગલ બની જશે. દિવસના એકલો તે ગામના તળાવ, સીમ, નિશાળ બધે ફરી વળતો. એક એક જગ્યા જાણે ચીખીને, પોકારીને રાધિકાની યાદ દેવડાવતી. તેણે તળાવમાં આપઘાત કરવાનું વિચારી લીધું. પણ પછીની સ્થિતિનો વિચાર કરતા તેને પરસવો વળી ગયો. અંતે ઘણા મનો મંથન બાદ તેણે સમાધાન કરી લીધું. આ સમાધાન એટલે રાધિકા અને તેના પ્રેમનો અંત. તેણે આવી કલ્પના પણ નહોતી કરી, અને આજે તે ખુદ રાધિકા અને તેના પ્રેમનો હત્યારો બન્યો હતો. હા આજે તે એક નિર્દોષ પ્રેમનો હત્યારો હતો. તે જાણતો હતો કે રાધિકા તેના વિના જીવી નહિ શકે. અરે તે ખુદ પણ રાધિકા વિના જીવી શકે તેમ ન હતો. પણ કુદરત માનવી પાસે કેવા કાળા કામ કરાવે છે.

તે તેની બહેનો અને મમ્મી રેખાને ઘેર રેખાને જોવા માટે ગયા. રેખાએ સહુને પહેલા પાણીના ગ્લાસ આપ્યા. પછી ચા અને ગરમ ગરમ નાસ્તાથી તેઓનું સ્વાગત કર્યું. પછી તેને રેખાના રૂમમાં લઇ જવાયો. તેણે રેખાને ધ્યાનથી જોઈ, રેખા સપ્રમાણ ઉંચાઈ, સ્લીમ બોડી ધરાવતી સુંદર છોકરી હતી, ગુલાબી કલરના ડ્રેસમાં તે શોભી ઉઠતી હતી. પણ તેનો ચહેરો ઉદાસ લાગતો હતો.

રેખાએ જ સામેથી પ્રશ્ન કર્યો.

લગ્ન વિષે તમારા વિચારો શું છે?

તે આ સવાલનો જવાબ આપવા માટે મનથી તૈયાર નહોતો, તેના મોં માંથી અનાયાસ નીકળી ગયું કે મારી બે બહેનોના લગ્ન બાકી છે.

એમ?

રેખા વ્યંગ ભર્યું હસી.

તે ભોંઠો પડી ગયો.

અચ્છા તો પ્રેમ વિષે તમારા શું વિચારો છે.

પ્રેમ લગ્ન ઉચિત ગણાય કે લગ્ન પછી પ્રેમ પાંગરે?

કદાચ પ્રેમ કોને કહેવાય તે વિષે તેના સિવાય બીજું કોઈ પણ જાણતું નહિ હોય તેમ તેને લાગ્યું. પણ તે મૌન રહ્યો.

એવું જાહેર કરવામાં આવ્યું કે છોકરો અને છોકરી એક બીજાને પસંદ કરે છે. જલ્દી બંને સગાઈના બંધનમાં બંધાયા. પણ જયારે વીંટી પહેરવાની રસમ નિભાવવામાં આવી ત્યારે કોણ જાણે કેમ પણ બંનેને એક બીજાની આંગળીઓમાં વીંટી બરાબર ફીટ ન થઇ શકી. અને એક ક્ષોભ જનક સ્થિતિ ઉભી થઇ. આખરે બીજી વીંટીઓ મંગાવવામાં આવી જે બંનેને થોડી મોટી પડતી હતી. પણ પ્રસંગ સચવાઈ ગયો.

થોડા દિવસમાં ધામ ધૂમથી સાગર અને રેખાના લગ્ન લેવાયા. રેખાના માં બાપે લગ્નમાં ખુબ ખર્ચ કર્યો. દહેજમાં ૬૦ તોલા સોનાના દાગીના રેખાને અપાયા. મોટી એવી રોકડ રકમ પણ આપવામાં આવી. સાગરના મમ્મી પપ્પા બહુ ખુશ હતા. તેમને હવે તેમની બંને દીકરીઓના લગ્નની ચિંતા ટળી ગઈ હોય તેવું તેમના ચહેરા પરથી લાગતું હતું. સાગરની બંને બહેનો પણ ખુબ ઉલ્લાસ અને આનંદમાં હતી. તેમની ભાભી પરી જેવી સુંદર હતી. અને ભાભીના બંને ભાઈ પણ હસમુખા અને સોહામણા હતા. રેખાના બંને ભાઈઓએ લગ્ન વખતે સાગરની બહેનોની ખુબ ફીરકી ઉડાવી હતી.

આખરે સાગરે જીવન ભર જે રાતની કલ્પના કરી હતી. તે "સુહાગ રાત"નો સમય આવી ગયો. આ રાત માટે તેણે પોતાનું કૌમાર્ય અકબંધ રાખેલ હતું. તે દિવસે રાધિકા જોડે તેનું સ્ખલન થઇ જ ગયું હોત પણ તેણે કેટલો મન પર કાબુ રાખ્યો હતો. તે વિચારી રહ્યો હતો.

તે ધીમા પગલે શયન કક્ષમાં ગયો, ધીમી અને માદક ખુશ્બુથી રૂમ મઘમઘી રહ્યો હતો. ગુલાબ, પારીજાત, ચંપો,ચમેલીના ફૂલોથી તેમનો પલંગ સજાવવામાં આવ્યો હતો. ટીપોય પર કાજુ, બદામ અને અન્ય સુકા મેવા મિશ્રિત દુધના બે ગ્લાસ ભરીને પડ્યા હતા. રેખા નવવધૂના પોશાકમાં સુંદરતાની મૂર્તિ જેવી લાગતી હતી.

જેવો તે પલંગ પર બેસવા ગયો કે રેખા પલંગ પરથી ઉભી થઇ ગઈ. અને ધીમા પણ મક્કમ અવાજે કહેવા લાગી, જુઓ મિસ્ટર સાગર ધ્યાનથી સાંભળો.

તેનું મગજ બહેર મારી ગયું. મિસ્ટર સાગર?

તે વિસ્ફારિત નજરે રેખા સામે જોઈ રહ્યો હા મિસ્ટર સાગર બરાબર ધ્યાનથી અને કાન ખોલીને સાંભળી લો, તમે મારા પતિ માત્ર કાનૂની રીતે જ રહેશો.. હું મારા જીજાજીને ચાહું છું. પણ તેની સાથે મારા લગ્ન શક્ય જ નહોતા. અને મારા જીજાજીનું બાળક મારા ગર્ભમાં વિકસી રહ્યું છે. મને પ્રેગનેન્ટ થયે એક મહિનો થયો. અને પ્રેમ શું કહેવાય એ તમને શું ખબર પડે? જીંદગીમાં ક્યારેય કોઈને પ્રેમ કર્યો છે ખરો? તમને તો દહેજ જોઈતું હતું તે મળી ગયું. પણ તમે મારા શરીરને ક્યારેય સ્પર્શી નહિ શકો. હું આ વાત કોઈને પણ નહિ કહું. હા તમારે બહાર જે લફરા કરવા હોય તેની છૂટ.

સાગર સ્તબ્ધ થઇ ગયો, જીવનભર તેણે “સુહાગ રાતના” સપનાઓ દિલમાં સજાવીને રાખ્યા હતા. તે બધા જ સપનાઓ સળગીને રાખ થઇ ગયા હતા. હવે તેના જીવનમાં ક્યારેય " સુહાગ રાત" નહિ આવે. તેને પૃથ્વી ગોળ ગોળ ફરતી હોય તેમ લાગ્યું. તે ધડામ અવાજ સાથે નીચે પટકાયો અને બેહોશ થઇ ગયો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED