Ek a safad kavi samelan books and stories free download online pdf in Gujarati

એક અ સફળ કવિ સંમેલન

એક અ સફળ કવિ સંમેલન

તારક ફેસબુકના રવાડે લગભગ ત્રણેક વરસથી ચડ્યો હતો, શરૂઆતમાં તે જ્યાં નોકરી કરતો ત્યાંના કર્મચારીઓ તેના ફેસબુક મિત્રો હતા. ત્યાર બાદ અજાણી છોકરીઓ, વિદેશની છોકરીઓ તેની મિત્ર બની. ત્યાં સુધી બધું બરાબર ચાલ્યું, નોર્મલ માણસો સાથે ફેસબુકમાં કોઈ કડવા કે મધુર અનુભવો ન થયા. વાસ્તવિક મિત્રોની જેમ જન્મ દિનની વધામણી આપવી, કોઈએ ફોટોગ્રાફ મુકેલ હોય તો તેને લાઈક કરવા અને યોગ્ય કોમેન્ટ કરવી વગેરે પહેલાની જેમ નોર્મલ જ ચાલતું હતું.

એવામાં ફેસબુકમાં તેની સ્ત્રી મિત્રની સરસ રચનાઓ આવવા લાગી, કવિતાઓ પણ આવી, અને Quotes પણ આવવા લાગ્યા. તારકને તો તેમાં મજા પડવા લાગી. અને તારકે વગર વિચાર્યે ફેસબુકીયા સાહિત્યમાં ઝંપલાવ્યું. એટલે તેણે લેખકો, લેખિકાઓ, કવિઓ કવિયત્રીઓ, નવોદિત સાહિત્યકારો જે ભવિષ્યમાં ભારતનું નામ રોશન કરવાના હતા તે સૌને પ્રેમથી ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલવા લાગ્યો એમાની ઘણી ખરી સ્વીકારવામાં આવી, રીજેક્ટ પણ થઇ. પણ તારકને તે બાબતની કોઈ પડી નહોતી.

તારકની એક ખાસિયત હતી કોઈ પણ કોઈ પણ વિષયમાં પડવું એટલે તેને મન ધુબાકો મારવો. આમતો તે કોલેજ કાળમાં તે જોડકણા જેવું લખતો અને કોલેજની છોકરીઓ ફિદા પણ થતી. પણ તે વખતે કન્યાઓ હોંશિયાર હતી, વળી તે સમયે કવિને પરણવું કે આપઘાત કરવું તે બેય સરખું એવું કન્યાઓના માબાપ માનતા. એટલે તારકનું કોલેજમાં સાથે ભણતી કોઈ કન્યા જોડે ન ગોઠવાયું. તે વાતને સારો એવો સમય વીતી ગયો હતો. વળી તારક પાછો થોડો અળવીતરો ને સહેજ બાઘો પણ હતો. એટલે તે સાચે સાચી કોમેન્ટ કરે. સાવ સાચું હોય પણ પોતાને ન ગમતું હોય તેવું ઈશ્વરને કહો તો તે પણ ગુસ્સે થઈને શ્રાપ આપી દે, ત્યાં માણસની શું વિસાત? એટલે લોકો બ્લોક કરવા લાગ્યા. અને અહીં લોકો પોતાને દેખીતો ફાયદો થતો હોય તો જ સાચું બોલે, અને થોડું પણ નુકશાન થવાની શક્યતા હોય ત્યાં લોકો મૌન રહે. અને પોતાના ફાયદા માટે ગમે તેવું જૂઠ લોકો બોલી નાખે છે તેનાથી તારક અજાણ હતો. એકવાર તેના એક ફેસબુક મિત્રે BMW કાર સાથે પોતાનો ફોટો મુક્યો, તો તારકે લાઈક આપી કોમેન્ટ કરી કે ક્યારે લીધી?, કેટલામાં પડી? તેના મિત્રને બહુ ગુસ્સો આવ્યો. તેણે ચેટ બોક્ષમાં તારકને ખખડાવી નાખ્યો. ડફોળ, ફેસબુકમાં એવું જરૂરી નથી કે ગાડી પોતાની હોવી જોઈએ. મેં વટ પાડવા જ્યાં આ ગાડી પાર્ક કરેલ હતી, ત્યાં ફોટો પાડેલ. વટ પાડવા જાત જાતનું કરવું પડે. પણ તારક વિચાર્યા વગર સાચું બોલી નાખે પછી તે પ્રમાણે તેને નુકસાન થઇ જાય.

જયારે તારક ફેસબુકીયા સાહિત્યમાં પડ્યો ત્યારે તેને વિચિત્ર અનુભવો થયા અને લોકોના નામ ખુબ વિચિત્ર હતા. "મને કોઈ બોલાવતું નથી, લઘર વઘર અમદાવાદી, નાનું બાવ, મોટું બાવ, શિયાળ, વનનો રાજા, જંગલી હાથી, મોરલો, સસલાની એક આંખ, નાનું ગલુડિયું, મોટું ગલુડિયું” જેવા નામો જોઈ તે જંગલમાં તો ભૂલો નથી પડી ગયો ને એમ તેને લાગ્યું. અહીં કવિના નામ પણ વિચિત્ર હતા જેમાં એક નામ " ચરણ રજ" હતું , પુછતા ખબર પડી કોઈ ખ્યાતનામ કવિનું ઉપનામ ચરણ હતું, તો બીજાએ પોતાનું નામ “ચરણ રજ “ ધારણ કર્યું હતું. તેવા જ એક કવિનું ઉપનામ ત્રણ દિલ હતું. એ પણ પ્રખ્યાત કવિ "બેદિલ" ની લોકપ્રિયતા જોઈએ કરવામાં આવ્યું હતું. જયારે કવિને તારકે આનો અર્થ પૂછ્યો ત્યારે તે કવિએ ચોંકાવનારો જવાબ આપ્યો. તેના મતે બેદિલ એટલે પ્રેમી અને પ્રેમિકા એમ બે દિલ, જયારે તેને ત્યાં હમણાજ પારણું બંધાયું હોઈ પોતે પત્ની ,અને બાળક એમ ત્રણ દિલ થતા તેણે પોતાનું ઉપનામ ત્રણ દિલ રાખ્યું. એક બિન ગુજરાતી કવિયત્રીએ તેનું નામ ઝાકળ રાખ્યું પણ પછી ખબર પડી કે આ નામ તો એલોટ થઇ ચુક્યું છે એટલે તેણે " ડાકણ" રાખ્યું પણ કોઈએ કહ્યું કે આનો અર્થ ચુડેલ કે ડાયન થાય એટલે પાછું નામ બદલી પાંપણ રાખ્યું.

ફેસબુકમાં સાહિત્યની સફર મોટા ભાગની નવોદિત કવિયત્રી હાયકુથી કરતી, કારણ કે એમાં બંધારણ ખાસ નડતું નહિ, મૂળ તો આ જાપાની સાહિત્યની શોધ હતી, પણ તમે ફેસબુકનું સાહિત્ય ચકાસો તો આ તમને ભારતની જ શોધ લાગે. એક નવોદિત કવિયત્રીએ આ પ્રમાણે હાયકુ ઠપકાર્યું.

પતિ અમારા

માંદા પડ્યા ખુબજ

ચાકરી કરું?

જોત જોતામાં તો ૩૦૦ લાઈક અને ૧૫૦ કોમેન્ટ આવી ગઈ, અને કવિયત્રી નવોદિત હોવાથી ખુબજ ફુલાઈ ગયા. પતિને પડતા મૂકી રીપ્લાય કરવા લાગી ગયા. આવી રીતે કોઈ હાયકુથી આગળ વધી ચાર લીટી લખતા થયા. અને ફેસબુક જગતમાં સ્ત્રીઓનું ઘણું સન્માન હોય છે. એટલે સ્ત્રીઓને પુરતું પ્રોત્સાહન મળી રહે છે. એક સાહિત્ય પ્રેમી એમ પણ કહેતો હતો કે હાયકુ થી પણ નાની રચના હોવી જોઈએ. માત્ર બે અક્ષરની. જેમ કે " રાધા, શ્યામ" વગેરે તો બાકીની સ્ત્રીઓ પણ ઉમળકા ભેર સાહિત્યમાં ભાગ લઇ નવા વિક્રમો સર્જશે. ૧૭ અક્ષર જરા વધારે પડે છે. સદભાગ્યે કોઈએ તે તરફ ધ્યાન આપ્યું નહિ.

એવામાં સરકાર તરફથી એક કવિ સંમેલન યોજાયું અને તેનું સંચાલન ગગનભાઈને પોતાની બહોળી વગ અને ઓળખાણને લીધે આપવામાં આવ્યું. હવે ગગનભાઈની સાહિત્યમાં કોઈ ઉપલબ્ધી હતી નહિ, પણ પોતાની ઓળખાણને કારણે તેમની વાર્તા "ચોપાટી" ને કોઈ સામયિકમાં ભૂલથી સ્થાન મળી ગયું હતું ત્યારથી તે જમીનથી બે વેંત અધ્ધર ચાલતા. તેમણે આજ સુધી એક પણ ગઝલ કે કવિતા રચી ન હતી પણ તેઓ બે લીટી કે ચાર લીટીના જોડકણા બનાવવામાં માહેર હતા. વળી મિત્ર વર્તુળ પણ સારું હતું એટલે તેમને લાયક કોમેન્ટ અને લાઈક મળી રહેતા. સ્ત્રીઓ પ્રત્યે તેમનો સ્વભાવ બહુ દયાળુ હતો. કોઈ પણ સ્ત્રી કંઈ પણ લખે તો લાઈક આપવી તેવો તેનો નિયમ હતો. જો કોઈ પુરુષ તે રચનાની ખામી દર્શાવે તો તે અને તેની સ્ત્રી મિત્રો પેલા પર તૂટી પડતા. અને તે પુરુષના ફેસબુક સાહિત્યનો મૃત્યુ ઘંટ વગાડી દેતા.

સરકાર દ્વારા ગગનભાઈને કવિ સંમેલનનું સંચાલન આપવાથી સાચુકલા કવિઓ ઘણા નારાજ થયા. અને બધાજ સાચુકલા કવિઓએ આ સંમેલનનો બહિષ્કાર કર્યો. આ બાજુ સરકાર પણ જિદ્દે ભરાઈ. સરકાર માટે સ્વમાનનો પ્રશ્ન થઇ ગયો. સરકારે ગગનભાઈને કોઈપણ ભોગે આ સંમેલન સફળ બનાવવાનું આહ્વવાન આપ્યું. ગગનભાઈ પણ જમાનાના ખાધેલ હતા, તેમણે સરકારને હૈયા ધારણ બંધાવી. અને ફેસબુકના નવોદિત કવિ કવિયત્રીનું એક ગ્રુપ તૈયાર કર્યું.

એક નવોદિત કવિયત્રીનું એક જોડકણું ધોરણ ૪ માં નોટીસ બોર્ડ પર લાગ્યું હતું, ત્યારથી તેના મનમાં સાહિત્યનુ ભુંસું ભરાય ગયું હતું, પણ તેમણે મોકલેલ સ્વરચિત રચનાઓ કોઈ મેગેઝીન, પેપર કે બીજે ક્યાય પણ પ્રકાશિત થતી નહિ. એટલે ધીમે ધીમે તેનો સાહિત્ય રસ ઓછો થઇ ગયો. પછી તો લગ્ન થઇ ગયા અને બાળકો પણ મોટા થઇ ગયા અને હમણા છોકરાઓના લગ્ન થઇ જવાથી ખાસ કંઈ પ્રવૃત્તિ રહેતી નહિ, તેમણે ફેસબુકમાં તેના જેવા સમદુઃખીયા ઘણા જોયા. એટલે સાહિત્ય રસે પાછો ઉથલો માર્યો. અને વળી પૈસા પાત્ર પણ હતા. એમાં ફેસબુકિયાની વાહ વાહ ભળી એટલે હાયકુથી શરુ કરી તેની સાહિત્ય યાત્રા કહેવાતી કવિતા સુધી લંબાઈ હતી.અને ગગનભાઈના પણ તેઓ ચહિતા હતા.

બીજા એક નવોદિત કવિ વિદેશમાં રહેતા હતા. અને તેમને માતૃભાષાની ખુબ ખોટ એટલા માટે સાલતી હતી કે તેમને અંગ્રેજી બરાબર આવડતું નહોતું. જો કે ગુજરાતી પણ તેમનું બહુ સારું નહોતું પણ ફેસબુકમાં ચાલી જાય તેમ હતું. તેઓ ગગનભાઈને ખુબ માન આપતા. દિવસમાં દશ વખત પ્રણામ કરતા. અને ગગનભાઈને નમે તે વધારે ગમતા. બીજા પણ નવોદિત કવિ - કવિયત્રીઓ વિશાળ સંખ્યામાં ફેસબુકમાં હતા. એટલે જે જેટલું ગગનભાઈને નમે તેટલી તેમની તક ઉજ્જવળ બને તેમ હતું. અને ગગનભાઈએ ફેસબુકમાં આવું ઘણું ભગીરથ કાર્ય ભૂતકાળમાં કરેલ, જે લોકો સારું લખતા તેમને નિરુત્સાહિત કરી મુકતા પણ જે તેમને પ્રણામ કરે તેમના જોડકણામાં એવી કોમેન્ટ કરતા કે નવોદિત કવિ- કવિયત્રીને એમજ થતું કે ભવિષ્યમાં ગુજરાતી સાહિત્યનો વારસો તેમને જ સંભાળવો પડશે.

નિયત સમયે સરકારી કવિ સંમેલન શરુ થયું. ઇનામ અકરામ તો આપવાના નહોતા, એક ગુલાબનું ફૂલ આપવાનું હતું. શ્રોતાઓ વિશાળ સંખ્યામાં આવે એટલા માટે ચા નાસ્તો અને જમવાનું ફ્રી હતું. જેને કારણે વિશાળ શ્રોતા ગણ હતો. તેમાં આજુબાજુના નવરા માણસોની સંખ્યા વિશેષ હતી. એકાદ બે તો ભીખારીઓ પણ શ્રોતાઓની ખુરશીમાં ગોઠવાઈ ગયા હતા. કવિ સંમેલન માટે જે મકાન પસંદ કરવામાં આવેલ તે ખુબ જુનું અને ખખડ ધજ હાલતમાં હતું. કવિ ગણમાં એક ૯૦ વર્ષના કવિ અને ૮૮ કવિયત્રીનો જુસ્સો સૌનું ધ્યાન ખેંચતા હતા. તેવા બીજા પણ અલગ અલગ પ્રકારના કવિઓ કવિયત્રીઓ આવ્યા હતા. તેમના મનમાં આજે ગાંધીજીનો પ્રસિદ્ધ નારો " કરો યાં મરો" ગુંજતો હતો. દીપ પ્રાગટ્યની વિધિ દીપ પ્રગટાવીને કરવામાં આવી. અને સંચાલન ગગનભાઈએ પોતાના હાથમાં લઇ લીધું. તેમની પણ એક વિશેષતા હતી. તેમને માઈક અદમ્ય આકર્ષણ હતું. હાથમાં આવેલ માઈક તેમના હાથમાંથી જલદી છૂટતું નહોતું.

હવે વિધિવત પ્રોગ્રામ શરુ થયો. એક નવોદિત કવિનું નામ એનાઉન્સ થયું. કવિએ પોતાની રચના પ્રસ્તુત કરી.

'મેં ધરાને ચાહ્યા જ કરી ન ગગનની પરવા કરી'

વન્સ મોર, વન્સ મોરનાં પોકારો થયા

કવિએ ફરીથી શરુ કર્યું

'મેં ધરાને ચાહ્યા જ કરી ન ગગનની પરવા કરી'

આવું ઘણી વાર ચાલ્યું કવિને આગળ બોલવાની તક જ ન મળી અને કવિને પોતાની રચના પૂરી કર્યા વિના બેસવાની ફરજ પડી. કવિની ચેતના હણાય ગઈ. તેણે બાજુના કવિને કારણ પૂછ્યું તો જાણવા મળ્યું કે આજના કાર્યક્રમન સંચાલક ગગનભાઈ છે તેમની પત્નીનું નામ ધરાબેન છે એટલે સહુને મજા પડતી હતી. તેથી વારંવાર વન્સ મોર કરતા હતા. તે પછી એક નવોદિત કવિનું નામ બોલાયું. તેમણે તેમની કવિતા પહેલા માઈક ટેસ્ટ કરવા હેલ્લો હેલ્લો શબ્દનું ઉચ્ચારણ એટલું મોટેથી કર્યું કે દિવાલમાંથી બે ત્રણ ઢેફા નીચે પડ્યા. એક બાળક ગભરાઈને રડવા લાગ્યું. અને જયારે કવિતા શરુ કરી ત્યારે આજુ બાજુના રહીશો કોઈ મોટો ઝઘડો થયો છે તેમ સમજી ઘરમાંથી બહાર નીકળી ઘટના સ્થળે પહોંચી ગયા.

ત્યારબાદ એક કવિયત્રીનું નામ પોતાની રચનાના પઠન માટે બોલાયું, તેમણે પોતાની રચના ગાઈને રજુ કરી. તેઓ પોતે બીજા લતા મંગેશકર છે તેવું તેમના ફેસબુક મિત્રોએ તેમના મનમાં ઠસાવેલ. એટલે તેઓ એવાજ ભ્રમમાં હતા, પણ જયારે તેઓએ ગાવાનું શરુ કર્યું ત્યારે શ્રોતાઓ સ્તબ્ધ થઇ ગયા. નાના બાળકો રડવા લાગ્યા. શેરીના કુતરાઓ આપણા સમાજનું કોઈ ભયંકર દુઃખમાં આવી પડ્યું છે તેમ સમજી સાથ પુરાવવા લાગ્યા. અને હવે શ્રોતાઓ પેટ પકડી હસવા લાગ્યા. સંચાલકે કોઈ સ્ત્રી પર અત્યાચાર થઇ રહ્યો છે તેમ સમજી કોઈ પોલીસને ૧૦૦ પર ફોન કરી પોલીસને બોલાવશે તેવો ભય લાગતા તેમને અધવચ્ચે બેસાડી દીધા.

હવે આયોજક દ્વારા મધ્ય વિરામ અને ભોજનની ઘોષણા કરવામાં આવી. મોટાભાગના શ્રોતા આ માટે જ આવ્યા હતા. ધમાચકડી મચી ગઇ, કોઈના ચપ્પલ તૂટ્યા તો કોઈને વાગ્યું, પણ અત્યારે શ્રોતાઓ અનેરો ઉત્સાહ અનુભવતા હતા. લાંબી લાંબી કતારો લાગી. જેનો બુફે ટેબલ પર વારો આવ્યો તેઓ બધી જ વાનગીઓ પ્લેટમાં જેટલી સમાય તેટલી ભરવા લાગ્યા કારણ કે પાછળથી કદાચ ન મળે તેવો તેમને ભય હતો. રસોઈ ખુબ સારી હતી તેવું એક ભિખારી બીજા ભિખારીને કહેતો હતો. નવોદિત કવિ - કવિયત્રીઓ પણ પેટ ભરીને જમ્યા. આજુ બાજુના રહેવાશી જે અહીં ઝઘડો થયો છે તેમ સમજી આવ્યા હતા તેમને મનોરંજન સાથે ભોજન પણ મળ્યું. એટલે તે લોકોનો પણ કર્મ કરીએ તો ફળ મળે જ તે ભોજન મળવાથી આ સૂત્ર ઉપર પાકો વિશ્વાસ બેઠો.

હવે બીજું સત્ર ભોજનના વિરામ બાદનું શરુ થયું. પણ સહુના આશ્ચર્ય વચ્ચે શ્રોતા કક્ષ ખાલી હતો. બધા મજાની રસોઈ જમીને બહાર નીકળી ગયા હતા. ગગનભાઈ રસોઈ વિશે વખાણ કરવાની ચાર લીટી બનાવી રાખી હતી. પણ આખું શ્રોતા ગણ જ અદ્રશ્ય થઇ જતા તેમણે બનાવેલી રચના વિસરાઈ ગઇ અને તેમનું મુખ ક્રોધથી લાલચોળ થઇ ગયું. પણ કંઈ થઇ શકે તેમ નહોતું. તેમણે નવોદિત કવિ - કવિયત્રીઓને મંચ પરથી નીચે બોલાવ્યા. જેથી શ્રોતાનો ખંડ સાવ ખાલી ન દેખાય. અને કવિ કવિયત્રીને એવું ફિલ ન થાય કે તેઓ ખુરશી સમક્ષ પઠન કરે છે. અને જેમને કાવ્ય પઠન કરવાનું હોય તેનેજ ઉપર રહેવું તેવો આદેશ આપ્યો.

હવે વયોવૃદ્ધ ૯૦ વર્ષના કવિના નામનું એલાન થયું. તેઓ ચાલી શકે તેમ હતા નહિ, વળી સ્ટેજ થોડું દુર હતું એટલે તેમને ચાર જણની મદદથી મંચ પર ચડાવવામાં આવ્યા. તેમના બધાજ દાંત પડી ગયેલ હતા. એટલે જયારે કાવ્ય પઠન શરુ કર્યું ત્યારે લોકો હસી હસીને બેવડ વળી ગયા. તેનું કારણ એવું હતું તે જે શબ્દ બોલતા તેનો ઉચ્ચાર વિચિત્ર થતો. એટલે સહુને હસવાની બહુ મોજ પડી.

સૌથી છેલ્લી એન્ટ્રી ગગનભાઈની થઇ અને હાજર રહેનાર સર્વેએ તેમને તાળીથી વધાવી લીધા. કારણ કે તેઓને આજે જે તક મળી તે ગગનભાઈને કારણે જ મળી હતી. સર્વેને ખબર હતી તેમના કરતા ઘણા સરસ કવિઓ ફેસબુકમાં હતા. પણ ગગનભાઈને પ્રણામ કે વાહ વાહ તેઓ કરતા નહોતા એટલે તેમને તક મળી ન હતી.

ગગનભાઈએ એક શેર રજુ કર્યો

"નહોતી ખબર કે આટલી તાળી મળવાની,

નહિ તો દુશ્મનોને પણ બોલાવી લાવત "

વાહ, વાહ, જોરદાર વગેરે શબ્દોથી આખો શ્રોતા ખંડ ઉભરાય ઉઠ્યો. એક નાનું ભુલકું પણ જે એક કવિયત્રીનું હતું તે પણ કુદકા મારવા લાગ્યું. અને આમ એક સફળ કવિ સંમેલનનું સમાપન થયું ત્યારે ગગનભાઈની છાતી ફુલાઈને ૫૬ ઈંચની થઇ ગઇ. અને નવોદિત કવિઓ - કવિયત્રીઓ પોતે દેશ માટે કશું કરી છૂટ્યા હોય એમ સહુએ ગૌરવ અને અભિમાનની લાગણી અનુભવી.

બીજા દિવસે દૈનિક પત્રોમાં ગગનભાઈનો કવિ સંમેલનનો અહેવાલ આવ્યો તે આ પ્રમાણે હતો.

માનનીય સરકાર તરફથી નવોદિત કવિ- કવિયત્રી માટે એક સંમેલન યોજવામાં આવેલ તે ખંડ પાંચ તારક હોટેલને શરમાવે હતો. અને રોશનીથી આખો ખંડ દુલ્હનની જેમ શણગારવામાં આવ્યો હતો. અને મોટી સંખ્યામાં સાહિત્યકારોએ ભાગ લીધેલ. જેમાં ૯૦ વર્ષના કવિ પણ પોતાની તબિયત નાદુરસ્ત હોવા છતાં ભાગ લીધેલ. લતા મંગેશકરના અવાજમાં ફલાણા કવિયત્રીના સુરોથી આખો વિસ્તાર ડોલી ઉઠેલ અને આજુ બાજુ ના રહીશો પણ તેમના સ્વરને કારણે પોતાના ઘરમાંથી બહાર આવી કાર્યક્રમને ખુબ જ માણ્યો. સહુથી આકર્ષક પાસું સંચાલન રહ્યું. સંચાલકના શેરોને સહુથી વધુ દાદ મળી. આવા સફળ કવિ સંમેલન માટે શહેરના સર્વ સાહિત્ય રસિકો, સંગીતના ચાહકો અને સરકાર સર્વેનો ખુબ ખુબ આભાર માનું છું.

ગગનભાઈ દવે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED