Badlo books and stories free download online pdf in Gujarati

બદલો

બદલો.

આખું શહેર હબક ખાઈ ગયું. શહેરના સૌથી ધનિક, રાજકીય વગ ધરાવનાર પ્રતિષ્ઠિત ખોરડું. જેને દ્વારે જવું એટલે પોતાનું અહોભાગ્ય સમજતા તમામ શહેરી જનોને વાતો માટે એક તદ્દન નવો અને તાજો વિષય ગપસપ માટે મળ્યો. ચોરે અને ચૌટે એક જ ચર્ચા ચાલી રહી. આખરે લાવણ્યએ પોતાને શાહરૂખ ખાન માનતા જયદીપનું માગું ઠુકરાવ્યું કેમ ?

જયદીપ ન માત્ર શહેરના પ્રતિષ્ઠિત માબાપનું એક માત્ર સંતાન હતો, તે પોતે પણ એક કાબેલ ઈજનેર હતો. તે પોતે અમેરિકા ભણીને પોતાનો સ્વતંત્ર બીઝનેસ ચલાવતો હતો. દેખાવ પણ ફિલ્મના હીરો જેવો હતો. શહેરની ઘણી બધી કુંવારી કન્યાઓનો તે ભાવી ભરથાર હતો, અને શહેરની મોટાભાગની કન્યાઓના માબાપે ઘણીવાર જયદીપના માબાપ પાસે એક વાર પોતાનું આંગણું પવિત્ર કરવાની આજીજી કરી હતી, પણ જયદીપ પોતાના બિજનેસને સેટલ કરવામાંથી ઉંચો નહોતો આવતો.

જો કે લાવણ્યને જાણનારાને આમાં કંઈ અચરજ જેવું લાગતું નહોતું, ભૂતકાળમાં લાવણ્યને ઘેર સારા ઘરના છોકરાઓનું માગું લાવણ્ય દ્વારા વારા ફરથી ઠુકરાવી દેવામાં આવતું. લાવણ્ય જોવા આવનાર છોકરા સાથે મીઠું મીઠું હસતી, છોકરાના દરેક પ્રશ્નોના કાળજી પૂર્વક જવાબ આપતી, પૂરી અદબથી વર્તતી. છોકરાને પણ પ્રશ્નો પૂછતી, પોતે તેને ગમે છે કે નહિ તે જાણી લેતી. પણ પોતાની તરફથી કશું સ્પષ્ટ જણાવતી નહિ. પણ જયારે છોકરાના વડીલ દ્વારા જયારે વાત આગળ વધારવાની વાત આવતી, ત્યારે પોતાને છોકરો પસંદ નથી એમ કહીને આખી વાત પર ઠંડુ પાણી રેડી દેતી. પહેલા તો લાવણ્યના માબાપને કશી ગંધ ન આવી પણ આવું જયારે ત્રીસેક વાર બન્યું. ત્યારે તેમનાથી ન રહેવાયું. અને તેના પપ્પાએ બરાબરની ધમકાવી. અને જો હવે આવું નાટક કરશે તો ઘરની બહાર કાઢી મુકાશે તેવી ધમકી પણ આપી.

હવે એક વખત બન્યું એવું કે લાવણ્ય પોતાની સખીઓ સાથે બજારમાં કંઈક કામ માટે નીકળેલ, અને તેજ સમયે જયદીપ પણ પોતાના નવા પ્રોજેક્ટ માટે મટીરીઅલ લેવા બજારમાં નીકળેલ. જયદીપ તો લાવણ્યને જોઇને જોતો જ રહી ગયો. તેને તો પહેલા લાગ્યું કે હિન્દી ફિલ્મની કોઈ હિરોઈન કોઈ ફિલ્મના શુટિંગ માટે આવેલ હશે. પણ પુછતા જાણ થઇ કે તે લાવણ્ય આ જ શહેરમાં રહે છે. ત્યારથી લાવણ્યને પોતાની બનાવવા જયદીપનું મન તલ પાપડ થયું.

ઘણા સમયથી જયદીપના માતા- પિતા જયદીપના લગ્ન બાબતે ઉતાવળ કરતા, પણ જયદીપ હજુ કેરીઅર બનાવવાની છે, આ કંઈ લગ્ન કરવાની ઉમર કહેવાય?, લગ્ન જ નથી કરવા, એમ કોઈને કોઈ બહાના બતાવતો. જયારે શહેરમાં લગ્ન માટે સૌથી યોગ્ય ઉમેદવાર હોવાથી રોજનું એક એ હિસાબે માગા આવતા રહેતા, પણ દરેક વખતે જયદીપ આગળ બતાવ્યા પ્રમાણે કોઈ ને કોઈ બહાનું કરી માં બાપની આશાને ધૂળ ધાણી કરી મુકતો. માબાપને પણ હવે જયદીપના લગ્ન બાબતે ચિંતા રહેતી. માં તો કહેતી પણ ખરી બેટા તું લગ્ન કરી લે તો અમે શાંતિથી ચાર ધામની યાત્રા કરી, બધી માયા છોડી દઈએ.

એટલે જયારે સામે ચાલીને જયદીપે કોઈ છોકરીમાં રસ દાખવ્યો એટલે જયદીપની માંની ખુશીનો પાર ન રહ્યો. તેના પિતાને પણ ઘણો આનંદ થયો. તે દિવસ સૌના માટે મંગલમય બની ગયો. જયદીપના પિતાએ મુનીમને લાવણ્યના ઘેર મોકલ્યો. લાવણ્યના માં બાપુ રાજીના રેડ થઇ ગયા. અને લાવણ્યને જોવા આવવા માટે દિવસ નિર્ધારિત કરવામાં આવ્યો. અને લાવણ્યને પણ પહેલા તો ખુબ સમજાવી કે આવો મુરતિયો બીજે ક્યાંય મળશે નહિ. અને છેલ્લે એવી તાકીદ પણ કરવામાં આવી કે જો તું માનીશ નહિ તો ઘરમાંથી કાઢી મુકતા પણ કોઈ અચકાશે નહિ.

નિર્ધારિત કરેલ દિવસે જયદીપ, તેના મમ્મી - પપ્પા, બહેન બીજા બે જયદીપના મિત્રો લાવણ્યના ઘેર પધાર્યા. જયદીપે લગાવેલ અતરથી આખો ઓરડો મહેકી ઉઠ્યો, જયદીપે સુંદર વસ્ત્રો પરિધાન કરેલા. અને તે ખુબ શોભતો હતો, વળી વાણીમાં પણ મીઠાશ હતી. જયારે લાવણ્ય અને જયદીપને વાતચીત માટે અલાયદા રૂમમાં લઇ જવાયા ત્યારે જયદીપની બહેન પણ સાથે ગઈ. જાણે વર્ષોથી પરિચિત હોઈ તેમ ત્રણે જણ ચર્ચા કરવા લાગ્યા. જાણે તે રૂમ રૂમ નહિ પણ ત્રણ પંખીઓ કોઈ ઉદ્યાનમાં આવ્યા હોય તે રીતે ઓરડો ચહેકી ઉઠ્યો. જયદીપની બહેને તો કહી પણ દીધું ભાભી હવે તમને લેવા ક્યારે આવીએ?

ક્ષણ વાર લાવણ્યની આંખો ચમકી, પણ બીજી જ પળે પૂર્વવત થઇ ગઈ. પણ તે તરફ કોઈની નજર નહોતી, જયદીપની બહેને પણ મૌનનો અર્થ હકારમાં કાઢ્યો. એટલે બંને કુટુંબમાં આનંદ આનંદ છવાઈ ગયો. લાવણ્ય અને જયદીપ બંનેના માબાપના મન પરથી જાણે લાખ મણનો બોજો દુર થઇ ગયો.

પણ જો એમ બધું સરળ અને સીધું ચાલે તો ભગવાનને માને કોણ ? જેવું લગ્ન માટે જયદીપના પપ્પાએ મુનીમ જોડે કહેણ મોકલ્યું, કે લાવણ્યબેને ફટાક કરતા ધડાકો કર્યો. મને જયદીપ પસંદ નથી. લાવણ્યના પિતાને હાર્ટ એટેક આવી ગયો, તેની મમ્મી સુનમુન બની ગઈ. પેલી બાજુ જયદીપના પિતાની તો કાપો તો લોહી ન નીકળે તેવી હાલત થઇ, શહેરમાં આજ સુધી તેનો બોલ કોઈએ ઉથાપ્યો હોય તેવું તેના ધ્યાનમાં નહોતું. અને આ બે બદામની છોકરી તેની આબરૂ ઉપર પાણી ફેરવી ગઈ. અને શહેરમાં જાણે એક ધરતીકંપ થઇ ગયો. જયદીપનું મન બહેર મારી ગયું. તે અને તેની બહેન ક્યાં વેતરાયું તેની મથામણ કરવા લાગ્યા. જે છોકરીઓના પિતાને જયદીપ જવાબ નહોતો આપતો તે બધા મૂછમાં હસવા લાગ્યા. આ ચર્ચાએ એટલું જોર પકડ્યું કે સ્થાનિક અખબારના મહિલા તંત્રીને જયદીપના પપ્પાએ લાવણ્ય પાસે મોકલ્યા કે આખિરકાર લાવણ્ય ઈચ્છે છે શું?

સ્થાનિક અખબારની મહિલા તંત્રીને આ કોયડો માનસિક લાગ્યો, તેણે સાથે એક મનોચિકિત્સકને લીધો. અને પહોંચ્યા લાવણ્યને ઘેર. અને લાવણ્યના મનમાં જે વ્યથા ભરી હતી. તે આંસુઓની પાળ તોડી, ધ્રુસકે અને ધ્રુસકે એ રીતે નીકળી જાણે ભર્યા ચોમાસામાં સમુદ્રે કોઈ વહેતી નદીનો સ્વીકાર કરવાની ના પાડી દીધી હોય,અને પછી અતૃપ્ત નદી પોતાનો ગુસ્સો તેની હડફેટે જે આવે તેને ભરખી જવા કાળોતરી બની હોય લાવણ્યના શબ્દો ધાણી ફૂટે તેમ છૂટતા હતા.

ત્યારે હું માંડ ૧૦ વર્ષની હોઈશ, મારી મોટી બહેન નમણી, વાન સ્હેજ શ્યામ માત્ર સ્હેજ જ, યોગ્ય ભણતર, પ્રમાણસર ઉંચાઈ,ઘરકામ કે બીજા કામ એટલી ચપળતાથી કરે કે ક્યારે કામ શરુ કરે ને ક્યારે પૂરું થાય તેની ખબર જ ન પડે. પણ આ સ્હેજ શ્યામ વાનના ઘાવ જિંદગીભર ભૂલાયા નહિ, છોકરો જોવા આવે એટલે બહેનને શણગારીએ, ઘરને વ્યવસ્થિત કરીએ, ચા નાસ્તો કરાવીએ. સામા સામા પ્રશ્નો પુછાય, અને આશા પણ બંધાય.

પણ હજુ બહેનની આશા બંધાય ન બંધાય ત્યાં છોકરા તરફથી નેવું મણનો નાં આવી ગયો હોય.. માંડ આ દુઃખ ભૂલાય ત્યાં બીજો મુરતિયો આવ્યો હોય અને ફરી પાછું એનું એજ કરુણ નાટક ભજવાય. કુલ ૨૦ છોકરા આવીને મારી બેનને રીજેક્ટ કરતા ગયા. પુરા વીસ. હવે તો મમ્મી પપ્પાના ચહેરા પર વિષાદની રેખાઓ અંકાવા લાગી. દર વખતે મારી મોટી બહેનના આંસુ મેં જોયેલ છે. માત્ર મેં., અને એક દિવસ તેણે આ બધાથી કંટાળી ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો. મેડમ તેના અપમૃત્યુ માટે આખો સમાજ જવાબદાર છે. કહીને લાવ્ણ્યે પાસેની બોટલમાંથી પાણી પીધું.

બસ મેડમ ત્યારથી મેં નક્કી કરી લીધું જો છોકરાઓના લીધે મારી બહેને આપઘાત કરવો પડ્યો, તો હું પણ તેની નાની બેન છું. હું એક પણ છોકરાને નહિ છોડું. જે પણ છોકરો મને જોવા આવશે તેને દરેકને સ્વાદ ચાખાવીશ. તો જ તેમને છોકરીઓની વ્યથા સમજાશે. એટલે જાણી જોઇને હું પહેલા તો મને જોવા આવનાર દરેક છોકરાને યોગ્ય પ્રતિભાવ આપતી હતી, પણ જેવો કોઈ છોકરો મને પસંદ કરે કે મારી અંદરની આત્મા મને મારી બહેનની યાતનાઓની યાદ અપાવતી. અને હું તેને રીજેક્ટ કરી દેતી. મેડમ હું દુનિયાના દરેક છોકરાને રીજેક્ટ કરવા માગું છું. અને લાવણ્યનું ભયાનક અટ્ટહાસ્ય દીવાલને ભેદીને દુર દુર સુધી પડઘાય રહ્યું હતું.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED