Nirdosh chhuta chheda books and stories free download online pdf in Gujarati

નિર્દોષ છુટા છેડા

નિર્દોષ છૂટાછેડા.

આ બાજુ ભાઈ ફૂલ ફટાક હતા, અને બીજી બાજુ બહેનજી પણ સહેજ પણ કમ નહોતા. આમ તો હાલ સ્ત્રીઓ ન ફક્ત પુરુષ સમોવડી બની રહી છે, પણ ઘણી જગ્યાએ બેવડી ત્રેવડી બની રહી છે. મહિલા વાચક વર્ગ ગુસ્સે ન થશો, હું તો માત્ર વજન અને સાઈજની જ વાત કરી રહ્યો છું. આમ તો ઘણા ફેસબુકીયા વિદ્વાનો એમ પણ કહે છે કે સ્ત્રી શક્તિ છે, તો પુરુષ સહન શક્તિ છે. પણ આપણે આવા વિવાદોમાં ફસાઈને આપણો અમુલ્ય સમય નહિ બગાડીએ. આ ખાસ કિસ્સામાં ભાઈને કોઈ દેતું નહોતું અને બહેનને કોઈ લેતું નહોતું. આમાં વ્યક્તિગત બંનેમાંથી કોઈનો રતીભાર પણ વાંક નહોતો, પણ બંનેની આકાન્ક્ષા વધુ હતી, જયારે લાયકાત ઓછામાં ઓછી હતી.

મોહન અને મોહિનીની ઓળખાળ ફેસબુકના માધ્યમથી થઇ ત્યારે બંનેમાં ઘણી બધી સામ્યતા હતી. તેમની એક સામ્યતા બંનેએ પોતાના પ્રોફાઈલ પિક્ચરમાં ૬ વર્ષ પહેલાનો ફોટો દર્શાવેલ, અને આજની ટેકનોલોજીનો ઉપયોગ કરી જેટલા મહત્તમ સુંદર દેખાય તેવો બંને તરફથી પ્રમાણિક પ્રયત્ન કરવામાં આવેલ. આનું સીધું પરિણામ એવું આવ્યું કે જયારે ફેસબુક મિત્રો મોહન અને મોહિની ફેસ ટુ ફેસ મળ્યા ત્યારે મુદ્દલ ઓળખી ન શક્યા. અને જે જગ્યાએ મળવાનું નક્કી કરેલ તે જગ્યાએ બંને અડધી કલાક વહેલા પહોંચી ગયેલ અને એક જ બેંચ પર બેઠેલા હોવા છતાં મોબાઈલ ફોન દ્વારા જયારે મોહને મોહિનીએ પૂછ્યું ત્યારેજ મોહનને જાણ થઇ કે પોતે જેને આંટી સમજી બેઠો છે તે જ મોહિની છે. અને સામે પક્ષે મોહિનીને પણ બાજુમાં જે કાકા બેઠલ છે તે જ મોહન છે તેની જાણ થઇ. જો મોબાઈલ ફોનની શોધ ન થઇ હોત અને માત્ર ફેસબુક થકી જ જો મળવાનું હોત તો કદાચ સાત જન્મો સુધી મોહનને મોહિનીની અને મોહિનીને મોહનની ભાળ જ ન મળત.

બીજું, બંનેનું કોમન ફેક્ટર એ હતું કે બંનેના કોઈ કાયમી મિત્રો નહોતા, આમ તો બંનેના માબાપ જ કાયમી હતા, તે સિવાય ભાઈ બહેનોએ પણ તેમનો સાથ છોડી દીધેલ. એટલે એવું બનતું કે જો કોઈ મિત્ર સાથે ઉતરાયણ વખતે પતંગ ચગાવી હોય તો ધૂળેટી વખતે રંગાવા માટે કોઈ નવા જ મિત્રે તૈયાર રહેવું પડતું. આવું એટલા માટે બનતું કે જો કોઈ ભૂલથી પણ મોહન કે મોહિનીના મિત્ર બન્યા હોય તે પછી પંદર દિવસમાં જ તેમના મિત્રનો દોસ્તી ઉપરથી જ વિશ્વાસ જ ઉઠી જતો. અને એકાદ બે જણનો તો દુનિયામાંથી જ વિશ્વાસ ઉઠી ગયેલ, અને હિમાલયની ગોદમાં વૈરાગી જીવન વિતાવવા નીકળી ગયેલ.

ઓલી કહેવતમાં કીધું છે તેમ "કીડીને કણ, હાથીને મણ અને બૈરીને જણ" મળી જ રહે છે. અથવા એવું પણ કહેવાય કે ભૂતને પીપળો મળી રહે છે એ કહેવતને સાર્થક કરવા માટે જ કદાચ ઈશ્વરે આ બંને મોહન - મોહિનીનું સર્જન કરેલ હશે તેમ બંનેને એક બીજાને જોઈ અપાર આનંદ થયો. આંટીમાંથી અચાનક મોહિની પ્રગટ થઇ અને સામેની બાજુ કાકામાંથી મોહનનો ઉદભવ થયો. અને કાકા અને આંટી અદ્રશ્ય થયા. પળ વાર તો બંનેને હીર - રાંજા, લયલા - મજનું, રોમિયો - જુલીયટની પ્રેમ કહાનીઓ નજર સમક્ષ એક પછી એક પસાર થતી હોય તેવું લાગ્યું. અને બંનેને એવો પાક્કો વિશ્વાસ બેઠો કે હવે પછીની પેઢીઓ હીર - રાંજા, લયલા - મજનું, રોમિયો - જુલીયટને સદંતર ભૂલી જશે અને મોહન - મોહિનીનું નામ આદર્શ પ્રેમી - પ્રેમિકા તરીકે યુગો સુધી અમર રહેશે.

હવે શિષ્ટાચાર કહો તો શિષ્ટાચાર, પ્રેમ કહો તો પ્રેમ, મોહનને જ મોહિનીને સારી હોટેલમાં ચા નાસ્તો કે કોલ્ડ્રીંક કે "કોફી વિથ મોહન"માં લઇ જવી પડે. પણ અહીં તો મજબૂરીનું બીજું નામ મોહન હતું. મોહનભાઈ અને મજબુરીનો નાતો એટલા માટે ગાઢ હતો કે ભાઈ શ્રી મોહન નોકરીમાં કોઈ પણ જગ્યાએ ૬ મહિનાથી વધારે ટકતા નહોતા. મોટેભાગે તો તે જ્યાં નોકરી કરતા હોય ત્યાની દરેક સ્ત્રીમાં પોતાની ભાવી પત્ની નજર આવતી. એટલે તેઓ સ્ત્રીઓનો છેડો જટ છોડે નહિ. અને ના છુટકે બોસ મોહનભાઈને નોકરી પરથી છુટા કરી દે. એટલે તેમના ઘરમાં હાંડલા હડીયું કાઢતા. અને ખિસ્સામાં પરચુરણ સિવાય વધુ કશું મળતું નહિ.

આવે વખતે તેમનો એક માત્ર કહેવાતો મિત્ર જેઠાલાલ કામમાં આવતો. મોહને જેઠાલાલને મોહિનીથી છુપાઈને બહાર જઈને ફોન કરી રૂપિયા ૫૦૦ માંડ માંડ મેળવ્યા. અને મોહનલાલના આનંદની સીમા ન રહી. મધ ઝરતા શબ્દોથી મોહન અને મોહિની એક બીજાને પ્રભાવિત કરતા રહ્યા. અને પ્રસન્ન ચિતે બંને રેસ્ટોરંટમાંથી બહાર આવ્યા ત્યારે તેઓ એકબીજાએ એ સમજાવવા સફળ રહ્યા કે આ તેમનો પ્રથમ પ્રેમ છે. જો કે હકીકત કંઈક આ પ્રમાણે હતી. મોહનજી કુલ આઠ વાર પ્રેમ રોગના શિકાર બન્યા હતા. અને મોહિનીએ સાત વખત પ્રેમના ફળ ચાખ્યા હતા. પણ આ ફળ કાચા, ખાટ્ટા, કડવા વગેરે હોઈ જીવન સાથી શોધવામાં મોહિનીએ સફળતા નહોતી મળી.

પછી તો બંનેના પ્રેમ દીપકને રોજ રોજ નવું ઇંધણ મળતું ગયું. ભૂતકાળમાં બંનેએ કરેલી ભૂલો અત્યારે અમુલ્ય અનુભવ અને માર્ગ દર્શક તરીકે કામ લાગ્યા. અને બંને એક બીજાની વધુ પડતી કાળજી લેવા લાગ્યા. અને બંને હૃદય ભગ્ન તો હતા જ. અને ભૂતકાળમાં તેમના પ્રેમી - પ્રેમિકાને તો પૈસા અને શરીર માં જ રસ હતો. એટલે જેવા પૈસા અને રસની સમાપ્તિ થતી, સાથે સાથે તેમના સંબંધોનો પણ અંત આવતો. પણ અહીં ભૂતકાળનો અનુભવ કામ આવ્યો એટલે બંને વચ્ચે સ્નેહની ગાંઠ પણ બંધાઈ. એક બીજાને સમજવા લાગ્યા, એક બીજા માટે કઈ પણ કુરબાન કરવા હર હમેંશ તૈયાર રહેવા લાગ્યા. ભૂતકાળના ઘા ભૂલાવા લાગ્યા. અને કોઈ નવો ઘા ન પડે તેની બંને તરફથી તકેદારી રાખવામાં આવી. ટૂંકમાં બંને સ્વાર્થી, લુચ્ચી, દગાબાજ દુનિયામાંથી દુર દુર સ્વર્ગના કોઈ મધુવનમાં જ્યાં માત્ર સચ્ચાઈ, પ્રેમ, બલિદાન વગેરે જ હોય તેવી દુનિયામાં જઈ ચડ્યા.

હવે બંને જ્યાં પણ ફરવા જાય કે શોપિંગ કરવા જાય કે ફિલ્મ જોવા જાય ત્યારે મોહન વધુને વધુ પૈસા ખર્ચવા મથતો, જયારે મોહિની ઓછા માં ઓછી ડીમાંડ કરતી. આ બાબત બંને માટે નવીન હતી. અત્યાર સુધીમાં બંનેને જે પ્રેમ પ્રસંગો બન્યા હતા તેમાં મોહન જે છોકરી સાથે ફરવા ઈત્યાદી જતો, તેમાં તેની સ્ત્રી મિત્ર હંમેશા વધુ મોંઘી ગીફ્ટ, કે મોંઘા રેસ્ટોરંટ કે મોંઘા સિનેમાઘરમાં જવાની જીદ કરતી. જે મોહિનીની સરખામણીમાં વિપરીત હતું. એટલે મોહનને મોહિની આદર્શ ગૃહિણીની વ્યાખ્યામાં બરાબર ફીટ થતી હોય તેવું લાગ્યું. જયારે સામા પક્ષે મોહિનીને જે પુરુષ મિત્રો મળેલ તે ધાક જમાવવા વાળા, પઝેસીવ, ઓછો ખર્ચ કરવા વાળા મળેલ. એટલે તેને પણ મોહનમાં યોગ્ય પ્રેમાળ પતિના દર્શન થવા લાગ્યા. અને બંને આમ ને આમ ખુશ રહેવા લાગ્યા તેથી બંનેના મુખ પર ચમક પણ આવી.

હવે બંને એક બીજાને પૂરક લાગવા માંડ્યા એટલે ત્વરિત લગ્નનો નિર્ણય લેવાયો. મિત્ર વર્તુળ જવું કે સગા સબંધીઓ જેવું ખાસ કંઈ હતું નહિ. બંનેના માતા પિતા અને રડ્યા ખડ્યા મિત્રોનો સાથ લઇ કોર્ટમાં સાદાઈથી લગ્ન લેવાયા. જરૂરી કાગળોમાં સહીઓ થઇ. અને મોહન - મોહિની એકબીજાના થઇ ગયા. નાની સરખી પાર્ટી રાખવામાં આવી. અને બંને પ્રભુતામાં પગલા પાડી દુલ્હા દુલ્હનના વેશમાં એકબીજાના થયા ત્યારે બંનેના મનમાં એક જ સંકલ્પ હતો કે આ અમારો સાથ માત્ર આ જન્મનો નહિ પણ સાત જન્મોનો રહેશે.

પણ ધાર્યું ધણીનું થાય અથવા એમ કહીએ કે આપણે ઈચ્છતા હોય કંઈક અને થાય કંઈક. આવું જ મોહન અને મોહિનીના લગ્ન જીવનનું થયું. અત્યાર સુધી બંને પોતાના મૂળ સ્વભાવને પ્રગટ થવા નહોતા દેતા. પણ લગ્નને બરાબર બારમે દિવસે નાની વાત પરથી ઉગ્ર ઝઘડો થઇ ગયો. વાત સાવ નાની હતી, મોહનને તે દિવસે ભીંડાનું શાક ખાવું હતું અને ભૂલમાં મોહિનીએ રીંગણનું ભડથું બનાવ્યું. અને ભડથાએ મોટો ભડકો સર્જ્યો. આને મીકેનીકલ ભાષામાં સમજીએ તો જો સ્પ્રીંગને જેટલી દબાવીએ તેટલી વધારે ઉછળે. અત્યાર સુધી બંનેએ પોતપોતાના મૂળ સ્વભાવને દબાવી રાખ્યા હતા. હવે મૂળ સ્વભાવે ઉછાળો માર્યો. ઝઘડો ઘરની બહાર પહોંચ્યો અને મોહન અને મોહિનીને સમજાયું કે બંને ગંદી ગાળો બોલવામાં, હાથ ઉપાડવામાં, મોટેથી બરાડવામાં એક બીજાથી ટપી જાય તેમ છે. આ તો પાડોશીઓએ દરમ્યાનગીરી કરી મામલો શાંત પાડ્યો નહિ તો બે માંથી એક આગલા જનમ માટે ઉપડી જાત.

પછી તો બંને એક બીજાને શંકાની નજરે જોવા લાગ્યા. એટલે બંનેમાંથી કોઈના મોબાઈલમાં ફોન આવે તો પણ આગળના કોઈ પ્રેમી કે પ્રેમિકાનો જ હશે તેમ સમજી વાત વણસી જતી. અને આપણા સમાજમાં ચોવટિયા તો હોય જ. તેઓ પણ પોતાની પવિત્ર ફરજ સમજી એક બીજાના કાન ભરવા લાગ્યા. અને જે સબંધને સાત જન્મો સુધી લઇ જવાનો હતો તે ૭૦ દિવસ ખેંચશે કે કેમ તે અંગે પણ શંકાઓ થવા લાગી. અને સારા માણસોની સલાહથી બરાબર બાવીસમાં દિવસે બંનેએ અલગ રહેવાનું શરુ કર્યું. અને થોડા દિવસમાં બંને તરફથી એક બીજાને છુટા છેડાની નોટીસ પણ મળી ગઈ. પણ છુટા છેડા મેળવવા પણ લગભગ એક વર્ષની રાહ જોવી જરૂરી હતી. અને આખરે બંનેને છુટા છેડા મળી ગયા.

બસ પછી તો છુટા છેડાના બીજા જ દિવસે શહેરના બધાજ પ્રતિષ્ઠિત દૈનિક પત્ર હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી ભાષાના અખબારોમાં એક સમાચાર મોહન અને મોહિની જે સોસાયટીમાં ૨૨ દિવસનું લગ્ન જીવન વિતાવેલ તેમના માટે ભારે કુતુહલ સર્જતા હતા.

સમાચાર તો ન કહેવાય પણ લગ્ન વિષયક વિજ્ઞપ્તિ હતી, અને બંને એકબીજાની પાસે હતી.

જીવન સંગીની જોઈએ છે : - નિર્દોષ છુટા છેડાવાળા યુવક માટે જે શહેરમાં પ્રતિષ્ઠિત કુટુંબના પુત્ર, સારી નોકરી કરતા, દેખાવડા, નમ્ર. વિવેકી એવા યુવક માટે જીવન સંગી જોઈએ છે. (જ્ઞાતિ બાધ નથી ): નીચેના મોબાઈલ પર સંપર્ક કરે. **********

જીવન સાથી જોઈએ છે : - નિર્દોષ છુટા છેડા વાળી યુવતી માટે - દેખાવે ગૌર, લાંબા વાળ, સલીમ બોડી, ગુણીયલ, શહેરના પ્રતિષ્ઠિત કુટુંબની પુત્રી માટે, યોગ્ય જીવન સાથી જોઈએ છે. (જ્ઞાતિ બાધ નથી ): નીચેના મોબાઈલ પર સંપર્ક કરે. **********

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED