ભાડાનું ઘર Yashvant Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • આત્મજા - ભાગ 12

  આત્મજા ભાગ 12“શું બોલી તું..? મગજ ખરાબ થઈ ગયા છે..? મગજ ખરાબ...

 • એક પંજાબી છોકરી - 39

  સોનાલી હોસ્પિટલ તરફ દોડીને જાય છે કારણ કે તેને યાદ આવી જાય છ...

 • સમય બધું કહેશે.

  “ભલે આપણે સૌ મુસીબતના માર્યા,પરંતુ છે હિંમત, નથી હામ હાર્યા,...

 • લાડુ એટલે....

  ચૂર્માના લાડુનો મહત્ત્વ ગુજરાતી સંસ્કૃતિમાં ખૂબ મહત્વપૂર્ણ છ...

 • ત્રિભેટે - 22

  નયન કલાકો દરિયાને જોતો બેસી રહ્યો.એની પાસે બધું હતું છતાં કં...

શ્રેણી
શેયર કરો

ભાડાનું ઘર

નવલિકા

ભાડાનું ઘર - યશવંત ઠક્કર

‘મહિને પાંચ હજાર રૂપિયા ભાડું થશે.’ મકાનમાલિક મહેશભાઈએ શરતો મૂકવાની શરૂઆત કરી.

‘ભલે’ અજયે કહ્યું.

‘લાઈટબિલ અલગથી આપવું પડશે. તમારું મીટર અલગ હશે એટલે જે બીલ આવે તે તમારે ભરવું પડશે.’

‘સારું.’

‘પાણીની મોટરનું બિલ અર્ધુ અર્ધું વહેંચવું પડશે.’

‘ભલે’

‘કંપાઉંડમાં લાઈટ વપરાશ પેટે બસ્સો રૂપિયા અલગથી આપવા પડશે. અને એ સગવડનો દુરુપયોગ કરવાનો નથી.’

‘ભલે.’ અજયે ખાતરી આપી. પોતે વીજળીના ઉપયોગ બાબતે કેટલો ગંભીર છે તેની સાબિતી આપવા માંગતો હોય એમ બેચાર ઉદાહરણો પણ આપ્યાં.

‘મુખ્ય વાત એ છે કે આ મકાન તમને અગિયાર મહિના માટે ભાડે આપીએ છીએ એમ માનવાનું છે. અમને ઠીક લાગે તો તમને વધારે રહેવા દઈશું એ અલગ વાત છે. પણ અગિયાર મહિના પછી મકાન ખાલી કરવાનું કહીએ તો કરી દેવું પડશે.’

‘ભલે.’

‘આ બધી શરતો લેખિતમાં હોય એવો ભાડા કરાર તૈયાર થશે અને એને નોટરી પાસે એફિડેવિટ કરાવવો પડશે. એને લાગતો બધો ખર્ચ તમારે ભોગવવો પડશે.’

‘ભલે.’

‘અચ્છા. ડીપોઝીટ કેટલી આપશો?’

‘કેટલી આપીએ?’ મનુભાઈએ પૂછ્યું. મનુભાઈ અજયના મિત્ર હતા અને મકાનમાલિક સાથે એમને ઓળખાણ હતી. આવી વાત વખતે અજયે ચૂપ રહેવાનું હતું એટલે એ ચૂપ જ રહ્યો.

‘આમ તો દસ હજાર લઉં છું પણ તમે વચ્ચે છો એટલે પાંચ હજાર ચાલશે.’ મહેશભાઈએ મનુભાઈ તરફ જોઇને કહ્યું.

મનુભાઈએ આંખથી ઈશારો કર્યો એટલે અજયે પાંચ હજાર રૂપિયા ગણીને મહેશભાઈને આપ્યા.

‘જુઓ. ભાડૂઆત તો ઘણા મળે છે પણ અમે ખાસ ઓળખાણ વગર અમારું મકાન કોઈને ભાડે આપતા નથી. આ તો મનુભાઈની ઓળખાણ લઈને આવ્યા છો એટલે આપીએ છીએ. મકાનને કોઈ પણ જાતનું નુકસાન ન થાય એનું તમારે ધ્યાન રાખવાનું છે. જેમ ફાવે એમ ઉપયોગ કરવાનો નથી.’

‘એની જવાબદારી મારી.’ મનુભાઈએ કહ્યું.

‘તમને ફરિયાદ કરવાનો મોકો જ નહિ આપીએ.’ અજયે પણ ખાતરી આપી.

આ રીતે વાત નક્કી થઈ ગઈ. અજયે રાહતનો શ્વાસ લીધો. એક મહિનાની દોડાદોડી પછી જેવું જોઈએ એવું મકાન મળ્યું હતું. એ પણ સારા વિસ્તારમાં. મનુભાઈની ઓળખાણ વગર એ શક્ય નહોતું.

અજયે ઘરે આવીને રમાને વાત કરી. રમાએ તુરત જ મૃદુલાબહેનને વાત કરી કે : ‘અમને બીજું ઘર ભાડે મળી ગયું છે એટલે આ મહિનો પૂરો થતાં તમારું ઘર ખાલી કરી દઈશું.’

મૃદુલાબહેન છેલ્લા એક મહિનાથી મકાન ખાલી કરવા માટે વારંવાર કહ્યા કરતાં હતાં. ‘સારું થયું.’ મૃદુલાબહેન મીઠું મીઠું બોલ્યા: ‘તમને ઘર ખાલી કરાવતાં તો અમારો જીવ જ નથી ચાલતો. પણ શું થાય? અમને સંકડાશ પડે છે એટલે ખાલી કરાવવું પડે છે. બાકી તમારી જેવા ભાડૂઆત ક્યાંથી?’

ફરીથી સામાન બંધાયો. ફરીથી ટેમ્પો આવ્યો. ફરીથી ‘આવજો...આવજો’ અને ‘બોલ્યું ચાલ્યું માફ કરજો’ એવો વિવેક થયો. અજય, રમાં અને નાનકડો સંજુ ફરીથી નવી જગ્યાએ સામાનને અને પોતાની જાતને ગોઠવવાના કામે લાગી ગયાં. સંજુ હજુ એના જૂના ભાઈબંધોને યાદ કરતો હતો.

આ કેટલામું મકાન ભાડે રાખ્યું હતું એ આંકડો અજયને મોઢે રહ્યો ન હતો. મકાનો બદલાવી બદલાવીને એનું પરિવાર થાકી ગયું હતું. શહેરનો એક પણ વિસ્તાર બાકી રહ્યો નહોતો. એક જગ્યાએથી પોતાની જાતને ઉખેડવી અને બીજી નવી જગ્યાએ ફરીથી રોપવી અને વિકસાવવી એ પ્રવૃત્તિ પરિવારના સભ્યોને ત્રાસદાયક લાગવા માંડી હતી. દરેક જગ્યાએ એક જ સરખો અનુભવ! બધું સરખી રીતે ગોઠવાય અને સ્થિરતા જેવું થોડું લાગે ત્યાં તો મકાનમાલિક તરફથી મકાન ખાલી કરવાનો આદેશ!

અજયના દિવસો સંઘર્ષના હતા. એને થોડી સ્થિરતાની જરૂર હતી. વારંવાર મકાન ન બદલવું પડે એવી સ્થિરતા. વિવિધ જગ્યાએ સરનામું બદલાયું હોવાની જાણ ન કરવી પડે એવી સ્થિરતા. વિઝિટિંગકાર્ડનો ખર્ચો માથે ન પડે એવી સ્થિરતા. આમ તો એ એક કારખાનામાં મેનેજરની કામગીરી સંભાળતો હતો. પરંતુ એને એવો વિશ્વાસ હતો કે : ‘જો પાંચેક વર્ષ રહેવા માટે સ્થિરતા મળી જાય તો હું મારું પોતાનું એક નાનકડું કારખાનું શરૂ કરી શકું.’ એની આંખોમાં અનેક સપનાં સ્થિર હતાં. પરંતુ એની જિંદગીમાં સ્થિરતા નહોતી. પોતાનું ઘર નહોતું. અને જે ઘર ભાડે મળતું હતું એ ખાલી કરી કરું પડતું હતું.

હવે અજયને સ્થિરતા હાથવગી લાગવા માંડી હતી. નવું મકાન બધી રીતે સગવડ ધરાવતું હતું. મકાનમાલિક મહેશભાઈનું પરિવાર ઉપર જ રહેતું હતું પરંતુ એ પરિવારમાંથી કોઈની ટકટક નહોતી. મકાન ભાડે આપતી વખતે અજયને મહેશભાઈ જેટલા અઘરા લાગ્યા હતા એટલા જ હવે સરળ લાગતા હતાં. મહેશભાઈને પણ જેવાં જોઈતાં હતાં એવાં જ ભાડૂઆત મળી ગયાં હતાં. તેઓ પોતે એક બેંકમાં કલાર્ક તરીકેની અને એમનાં પત્ની અરુણાબહેન એક સરકારી શાળામાં શિક્ષિકા તરીકેની ફરજ બજાવતાં હતાં. બંનેએ લોન મેળવીને મોટું મકાન તૈયાર કરવાનું સાહસ કર્યું હતું. સુખસગવડ માટે જરૂરી સાધનો પણ વસાવી લીધાં હતાં. લોનના હપ્તા ભરવાની જવાબદારીના લીધે બંનેનાં મનમાં સતત ચિંતા રહેતી હતી. પરંતુ ચિંતા સાથે જીવવાની એમને ફાવટ આવી ગઈ હતી. લોનના હપ્તા ભરવામાં રાહત રહે તે માટે મકાનની નીચેનો ભાગ ભાડે આપતાં હતાં અને ભાડૂઆત અજય અને રમા જેવાં સરળ માણસો હોય એ બાબતનો ખાસ ખ્યાલ રાખતાં હતાં.

અજય નોકરીના લીધે દિવસના મોટા ભાગે ઘરની બહાર જ રહેતો હતો. ઓવરટાઈમ પણ કરી લેતો હતો. રમાને નોકરી નહોતી એટલે એ આખો દિવસ ઘરે જ રહેતી હતી. મહેશભાઈ અને અરુણાબહેન બંને રમાબહેનના ભરોસે ઘર મૂકીને નોકરી કરવા જઈ શકતાં હતાં. અરુણાબહેન વહેલી સવારે રસોઈ બનાવી નાખતાં. એમનાં બંને છોકરાં પંકજ અને ફોરમની નિશાળ સવારની હતી. બંને છોકરાં નિશાળેથી આવે ત્યારે એમનાં મમ્મી-પપ્પા તો ઘરે હોય જ નહિ. રમા બંનેને જમવાનું આપી દેતી. છોકરાં જમીને સૂઈ જતાં. ઊઠીને લેશન કરતાં અને રમતાં. રમા સતત એમનું અને આખા ઘરનું ધ્યાન રાખતી. સંજુ પણ એ બંને છોકરાં સાથે હળીમળી ગયો હતો. અરુણાબહેનની ગેરહાજરીમાં જ એમના કામવાળાં બહેન કામ કરી જતાં. અરુણાબહેનની ગેરહાજરીમાં એમનું કામ અટકતું નહિ. આથી અરુણાબહેનને પણ ઘણી રાહત રહેતી હતી. એ પણ રમાબહેન સાથે સારું વર્તન રાખતાં હતાં. એમ લાગતું હતું કે જાણે કોઈ મકાનમાલિક નહોતું, કોઈ ભાડૂઆત નહોતું. જાણે એક જ પરિવારના સભ્યો હતા.

મકાનમાલિકના સારા વર્તાવના કારણે રમા ખુશ રહેતી. એ ઘણી વખત અરુણાબહેનનાં વખાણ કરતી. અજય વારંવાર કહેતો કે: ‘ભણેલા ગણેલા માણસો સારા જ હોય. આપણાથી એમને કશી તકલીફ ન પડવી જોઈએ. બસ, પાંચેક વરસ આવી રીતે નીકળી જાય તો ભયોભયો.’ એ અવારનવાર રમાને, મકાનમાલિક સાથે સંબંધ ન બગડે એ માટે કાળજી રાખવાનું અને થોડુંઘણું સહન કરવું પડે તો કરી લેવાનું કહેતો. મકાનમાલિક નારાજ થાય ને મકાન ખાલી કરવું પડે તો ફરી અસ્થિરતા આવી પડે. અજય એવી અસ્થિરતાથી ગભરાતો હતો. એવી અસ્થિરતા એનાં સપનાંની દુશ્મન હતી.

અજયના નાનકડા પરિવાર સાથે સોસાઈટીનાં બીજાં લોકોનો વ્યવહાર પણ ઘણો સારો હતો. એમનાં બાળકો પણ ફોર્મ અને પંકજની જેમ જ સમયપત્રક મુજબ જ ભણનારાં અને રમનારાં હતાં. સોસાઈટીમાં બાળકો માટે અવારનવાર સાંસ્કૃતિક કાર્યક્રમો થતા. રમા સંજુને પણ એમાં હોંશે હોંશે ભાગ લેવડાવતી. સંજુને ઇનામો પણ મળતાં. નવરાત્રીના તહેવારોમાં ગરબા હરીફાઈમાં રમાને પણ ઇનામ મળ્યું હતું. અજયના પરિવારને આ પહેલાં આવું વાતાવરણ મળ્યું નહોતું. ક્યારેક ક્યારેક તો એવા વિસ્તારોમાં રહેવા જવું પડ્યું હતું કે જે વિસ્તારોમાં ગંદકી અને કજિયા કાયમી હતાં. પરંતુ હવે પરિવારને મનગમતું વાતાવરણ મળ્યું હતું. આ નવા વાતાવરણથી અને બદલાતી જતી રહેણીકહેણીથી તેઓ ખુશ હતાં. ‘ફક્ત પાંચ વરસ આ રીતે નીકળી જાય તો હું મારાં પરિવારનું ભવિષ્ય બદલી નાખીશ.’ એવો અજયનો વિશ્વાસ વધારે ને વધારે મજબૂત બનતો જતો હતો.

સુખના દિવસો ઝડપથી પસાર થવા લાગ્યા.

...એક દિવસ એવું બન્યું કે રમતાં રમતાં સંજુના હાથે ફોરમના કપાળે બેટ વાગી ગયું ને ઢીમચું થઈ ગયું. એ ધ્રૂસકે ને ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી. રમાએ તરત જ એના કપાળે બરફ ઘસી દીધો અને છાની રાખી. ફોરમ થોડી વારમાં જ બધું ભૂલી ગઈ અને રમવા પણ માંડી. જાણે કશું બન્યું જ નહોતું. અરુણાબહેન નોકરી પરથી આવ્યા પછી એમને આ વાતની ખબર પડી. આવી કોઈ ઘટનાની જ રાહ જોતાં હોય એમ એમણે સંજુનો કાન પકડીને ધમકાવ્યો કે : ‘હવે પછી ક્યારેય મારાં છોકરાને માર્યું છે તો અહીંથી કાઢી મૂકીશ. ભાડે રહેવું છે અને ઉપરથી ચરબી કરવી છે?’

સંજુ હેબતાઈ ગયો રડવા જેવો થઈ ગયો. રમા સંજુનો રડમસ ચહેરો જોઈ રહી. એને દુઃખ તો થયું પણ એ કશું બોલી નહિ. એણે અરુણાબહેનનું આવું ક્રોધિત રૂપ પહેલી વખત જોયું. એણે મન મનાવ્યું કે: ‘અરુણાબહેન નિશાળેથી કંટાળીને આવ્યાં હશે એટલે ગુસ્સે થઈ ગયાં હશે. ગુસ્સો ઉતરશે એટલે ફરીથી હસતાં બોલતાં થઈ જશે. વાત વધારવી નથી.’

રાત્રે વાળું કર્યા પછી રમાએ અજયને વાત કરી તો અજયનું ચહેરો ઝાંખો થઈ ગયો. એણે રમાને ધ્યાન ન રાખવા બદલ ઠપકો આપ્યો. સંજુને પણ ધમકાવ્યો. રમાએ પોતાનો અને સંજુનો ઘણો બચાવ કર્યો. પરંતુ અજય અજયનો ચહેરો ઝાંખો જ રહ્યો. અજયને વાત કરવા બદલ રમાને પસ્તાવો થયો.. ‘ઘરનું મકાન નથી એટલેને? નહિ તો મારા દીકરાને આવું સહન ન કરવા દઉં ખરી?’ એને વિચાર આવ્યો. એક જ ઘટનાથી સમગ્ર ઘરનું વાતાવરણ નંદવાઈ ગયું.

છતાંય રમાને એક આશા હતી કે બીજે દિવસે અરુણાબહેનનો ગુસ્સો ઊતરી જશે અને બધું બરાબર થઈ જશે. પરંતુ બીજે દિવસે પણ અરુણાબહેનનો ગુસ્સો ઉતાર્યો ન હોય એમ એ રમા સાથે બોલ્યાં નહિ. રમા તરફ એક નજર પણ ન નાખી. રમાએ દિલસોજી વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો તો એમણે મોઢું બગાડ્યું અને વળતો કશો જ જવાબ ન આપ્યો. એમણે પોતાના ઘરની ચાવી પણ રમાને આપવાના બદલે બીજા પાડોશીને આપી. પંકજ અને ફોરમ પણ નિશાળેથી આવીને સીધાં પાડોશીને ત્યાં જ ચાવી લેવા ગયાં. ચાવી લઈને ફોરમ સડસડાટ દાદરો ચડી ગઈ. એણે પંકજને પણ તરત જ ઉપર બોલાવી લીધો. રખેને સંજુ સાથે રમવા માંડે.

આવું પહેલાં ક્યારેય બન્યું ન હતું. સંજુ તોફાન કરતો ત્યારે અરુણાબહેન એને પ્રેમથી સમજાવતાં. રમા ખિજાઈને સંજુને તોફાન કરવાની ના પાડતી તો તેઓ રમાને સમજાવતાં કે : ‘છોકરાં તો તોફાન કરે. એમાં શું થઈ ગયું? મારાં ફોરમ અને પંકજ પણ નાનાં હતાં ત્યારે તોફાની જ હતાં.’ લીલવા ફોલવા જેવાં, પાપડ વણવા જેવાં કે અથાણાં તૈયાર કરવા જેવાં કામ તેઓ સાથે મળીને કરવાનો અગ્રહ રાખતાં. પણ હવે તો એમની આંખોમાંથી નર્યો અણગમો જ વહેતો હતો.

રમા જેમ જેમ વધુ વિચારતી ગઈ એમ એમ એના મનમાં એક દહેશત આકાર લેતી ગઈ. એના મોઢા પરથી નૂર ઊડી ગયું. એને ખાતરી થઈ ગઈ કે : ‘વાત બહુ આગળ વધી ગઈ છે. હવે સુધારો થાય એમ નથી. માએ દીકરીને પણ નફરત કરતાં શીખવાડી દીધું છે.’ સંબંધ જાળવવાની એક સાંકળ હતી એ પણ જાણે તૂટી ગઈ!

‘આન્ટી, ચાવી આપો ને અમને ખાવા આપો.’ આ જ ફોરમ નિશાળેથી આવીને રમાને કહેતી. રમા પોતાના ઘરકામની કે આરામની પરવા કર્યા વગર ફોરમ અને પંકજનું ધ્યાન રાખતી. સંજુની સાથે સાથે એમને પણ રમાડતી. એમનું લેશન પણ કરાવતી. આ રીતે અરુણાબહેનની અર્ધી ચિંતા ઓછી થઈ જતી.

પરંતુ આજે બધું જ બદલાઈ ગયું હતું. આખો દિવસ ‘આન્ટી આન્ટી’ કરનારી ફોરમ પણ બદલાઈ ગઈ હતી. દાદરો ચડતી વખતે એણે રમા તરફ જોયું પણ નહિ. સંજુ સાથે રમવા ઊતરી પણ નહિ અને પંકજને પણ ઊતરવા ન દીધો. સંજુ દાદરા તરફ જોઈજોઈને વારંવાર રમાને પૂછતો રહ્યો : ‘મમ્મી, પંકજ ને ફોરમ રમવા ક્યારે આવશે?’ એ વારંવાર રમાને ખાતરી આપતો રહ્યો કે : ‘હવે હું ફોરમને નહિ વગાડું.’ પરંતુ રમા લાચાર હતી અને એ લાચારી નાનકડા સંજુને સમજાતી નહોતી.

સાંજે અરુણાબહેન આવ્યાં ત્યારે દાદરો ચડતાં ચડતાં જ એમણે રમાને ઠપકો આપ્યો કે : ‘તમે લોકો કંપાઉંડની લાઈટ બહુ વાપરો છો. બિલ કેટલું બધું આવે છે! તમે લોકો તો બસ્સો રૂપિયા દઈને છૂટી જાવ છો. માર તો અમને પડે છે.’ રમાએ તરત જ લાઈટ બંધ કરી દીધી. હવે એને પોતાની દહેશત સાચી પડતી હોય એવું લાગ્યું. અનાયાસે જ એની દૃષ્ટિ માતાજીના ગોખલામાં ટમટમતા દીવા તરફ ગઈ.

રાત્રે વાળુ કર્યા પછી અજયે સામેથી જ પૂછ્યું: ‘આજે કશું બન્યું તો નથીને?’ રમાએ બધી વાત કરી.

‘ખબર નથી પડતી કે અરુણાબહેનને એકાએક શું થઈ ગયું?’ અજય ખુરશીમાં ફસડાઈ પડતાં બોલ્યો.

‘મને તો લાગે છે કે...’

બારણે ટકોરા પડ્યાં અને રમાના હોઠ સિવાઈ ગયા. એણે ઊભા થઈને બારણું ખોલ્યું. ફોરમ હતી. એ કડકડાટ બોલી ગઈ : ‘અંકલને મારા પપ્પા બોલાવે છે.’

અજય ખમીસ પહેરીને ઉપર ગયો. રમા પલંગ પર બેસીને ઊંઘતાં સંજુના વાંસા પર હાથ ફેરવવા લાગી. રાજાના સૈનિકો આવીને કોઈ પ્રજાજનને રાજદરબારમાં લઈ જાય એવી વાર્તા એને સાંભરી આવી.

અજય પાછો આવ્યો ત્યારે એના ચહેરા પર અનોખું હાસ્ય હતું.

‘કેમ? શું કામ હતું?’ રમાએ અધીરાઈથી પૂછ્યું.

‘બીજું શું હોય? ઘર ખાલી કરવાનું છે.’ જાણે સાવ સામાન્ય વાત હોય એમ એણે હસીને કહ્યું. પરંતુ એ હાસ્યની પાછળનું દર્દ રમાથી છાનું ન રહ્યું.

રમાની દહેશત સાચી પડી હતી. એણે આવો આઘાત સહન કરવા માટે પોતાની જાતને તૈયાર રાખી હતી.

‘ક્યાં સુધીમાં ખાલી કરવાનું છે?’ એણે પૂછ્યું.

‘એક મહિનાની મુદ્દત આપી છે.’

‘પણ મકાન ખાલી કરાવવાનું કારણ? આપણા નાનકડા છોકરાની એક ભૂલ માટે ખાલી કરાવે છે?’

‘કારણ તો હજાર આપે. સાચું કારણ એ કે આ ઘર આપણે ભાડે રાખ્યું એને દસ મહિના થઈ ગયા છે.’

‘તો શું થઈ ગયું?’

‘તને ખબર નથી? આપણને અગિયાર મહિનાથી વધારે કોઈ મકાનમાલિકે રહેવા દીધાં છે?’

‘પણ...’

‘ભાડાના ઘરનો અફસોસ શો? બીજું શોધીશું.’

‘પણ એ લોકોએ આપણા પર મૂકેલો ભરોસો, એ લાગણી, એ ઘર જેવો સંબંધ એ બધાંનો કશો અર્થ નહિ?’

‘આપણે એમ માનવાનું કે એ બધું જ આપણને આ ઘર સાથે ભાડે મળ્યું હતું. એનો પણ અફસોસ ન કરાય.’ અજય હનુમાનજીના ફોટા સામે ઊભો રહીને બોલ્યો. હનુમાનજી પાસેથી શક્તિની યાચના કરતો હોય એમ એ હનુમાનજીની ગદા તરફ જોઈ જ રહ્યો.

રમાએ આગળ દલીલ કરી નહિ. હવે દલીલ કરવાનો કશો અર્થ નહોતો. બધું ભાડાનું હતું. કાયમી કશું નહોતું. એણે સામાન બાંધવાની માનસિક તૈયારી કરી લીધી.

ભીની આંખો સાથે એણે નાનકડા સંજુ તરફ નજર કરી. એ ઊંઘમાં જ હસતો હતો.

[સમાપ્ત]