દાદા નો પોતાના પૌત્ર ને પત્ર Yashvant Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દાદા નો પોતાના પૌત્ર ને પત્ર

Yashvant Thakkar

9427539111

asaryc@gmail.com

‘લિખિતંગ દાદા’ -યશવંત ઠક્કર

પ્રિય પ્રિય પ્રિય અતિ પ્રિય અદ્વિત,

દાદાના બે હાથ જોડીને જય શ્રીકૃષ્ણ. બોલ જય શ્રીકૃષ્ણ.

હું તને આ પત્ર લખી રહ્યો છું ત્યારે તારી ઉમર બે વર્ષની છે. એટલે કે તારી ઉમર હજુ કશું વાંચવાની નથી. મારે એવી ઉતાવળ પણ નથી કે તું જલ્દી જલ્દી વાંચતો થઈ જાય. તારી ઉમર તો હજી કાલુ કાલુ બોલવાની છે. જો કે હવે તો તું ઘણું ચોખ્ખું ચોખ્ખું બોલવા લાગ્યો છે. વળી, આખા આખા વાક્યો બોલવા લાગ્યો છે. એ પણ વિવિધ પ્રકારના ભાવ સાથે! મને તો નવાઈ લાગે છે કે આ બધું તને કોણ શિખવાડે છે!

મજાની વાત એ છે કે તું ક્યારેક અસલ કાઠિયાવાડી લહેકા સાથે તારી દાદીને કહે છે કે : ‘દાદી, આંયાં આવો. આંયાં આવો.’ ત્યારે મને દૂર દૂરથી આપણો મલક સાદ પાડતો હોય એવું લાગે છે. તું ક્યારેક બોલે છે કે : ‘દાદા, આ રોટી સરસ છે. દાદા, આ રોટી બહુ સરસ છે.’ તારા મોઢેંથી ‘સરસ’ શબ્દ વારંવાર સાંભળીને મને તો બહુ સરસ સરસ લાગે છે અને તને બાથમાં લઈને બહુ બહુ બહુ બધી બચીઓ ભરી લેવાનું મન થાય છે. વળી, તારાં મમ્મા સાથે વાત કરતી વખતે તું હિંદીમાં વાત કરે છે! કારણ કે એ મોટા ભાગે હિંદી બોલે છે. ‘ખાના નહીં ખાના હૈ. સો જાના નહીં હૈ.’ અને તારા પપ્પા સાથે વાત કરતી વખતે બધું જ ભેગું! ભેળપૂરી!

તું વાચતાં શીખ્યો નથી છતાંય તને આ પત્ર લખવાનું કારણ એ છે કે જયારે તને વાચતાં આવડી જાય અને તું આ પત્ર વાંચે ત્યારે તને ખબર પડે કે -તારું બાળપણ કેવું મજાનું હતું! આ સૃષ્ટિમાં તારું આગમન એ આપણા પરિવાર માટે કેવી સુખદ ઘટના હતી! તારા આગમનનો એ દિવસ એટલે અમારે મન તો પવિત્રમાં પવિત્ર દિવસ.

એ દિવસે મોડી રાત્રે આ સૃષ્ટિમાં તારું આગમન થયાના સમાચાર આવ્યા ત્યારે અમે બધાં ખુશ થઈને એકબીજાને વધાઈ આપવા લાગ્યાં હતાં. ધારા ફોઈએ અને ધરતી ફોઈએ તો થાળી વગાડીને તારા આગમનને વધાવ્યું હતું. પછી અમને થયું હતું કે રાત્રે બહુ અવાજ ન કરાય એટલે પછી શાંત પડ્યાં હતાં. પણ અમને કોઈને ઊંઘ નહોતી આવતી. અમે મોડે સુધી જાગ્યાં. બધાંના મનમાં એક જ વાત કે ક્યારે સવાર પડે ને ક્યારે તારાં પવિત્ર દર્શન કરીએ.

બીજે દિવસે હોસ્પિટલમાં તારાં દર્શન કર્યાં ત્યારે મને થયું કે આ તો કેવું નાનું નાનું, નાજુક નાજુક, વહાલું વહાલું બબલુ છે! તને મારા ખોળામાં લીધો ત્યારે મને બીક લગતી હતી કે તારા કોમળ કોમળ શરીરને ખોટું તો નહીં લાગી જાયને! મને તો એ જ દિવસે તને ઘરે લાવવાનું મન હતું પણ હજુ તારે થોડાં દિવસ હોસ્પિટલમાં રહેવાનું હતું. એટલે મેં મોબાઇલથી તારી તસવીરો લઈ લીધી હતી. આજે એ તસવીરો ને જોઉં છું ત્યારે થાય છે કે ક્યાં એ નાનું નાનુ બચ્ચું અને ક્યાં આજનો આ ભાગંભાગી કરતો છોકરો!

થોડા દિવસો પછી તું ઘરે આવ્યો અને ઘરની આબોહવા ખુશનુમા ખુશનુમા થઈ ગઈ. પછી તો ઘરમાં ઘોડિયું આવ્યું. હાલરડાં આવ્યાં. હાલરડાંમાં ગલું આવ્યાં. પાટલો આવ્યો. પાટલાનું ખસવું આવ્યું અને તારું હસવું આવ્યું. ત્યાં તો મને એકદમ યાદ આવ્યું કે તારાં દાદીએ એક જૂની નોટબુકમાં બહુ બધાં બાળગીતો ઉતાર્યાં છે. મેં એ નોટબુક શોધી કાઢી. એમાંથી મને એક બાળગીત બહુ ગમ્યું. એ તને સંભળાવ્યું : ‘ચકીબેન ચકીબેન મારી સાથે રમવા આવશો કે નહિ આવશો કે નહિ.’ તને ગમ્યું હોય એવું લાગ્યું. પછી કાંઈ હું ઝાલ્યો રહું? રોજરોજ તને કેટકેટલાં બાળગીતો સંભળાવવા લાગ્યો. બાળગીતો ખલાસ થાય તો જૂની ફિલ્મનાં ગીતો! જેવાં આવડે એવાં અને જેટલાં આવડે એટલાં. હું જેવો ગાતો બંધ થાઉં કે તું તરત રડવાનું શરૂ કરે. મારો અવાજ આમ તો જરાય સારો નહિ. પણ દોસ્ત મારા, તેં મારા અવાજની જેવી કદર કરી છે એવી કદર તો આ સમગ્ર જગતમાં કોઈએ નથી કરી. એ માટે હું તારો ખૂબ ખૂબ આભાર માનું છું.

મારા જેવા નિવૃત્ત માણસને તારું ધ્યાન રાખવાનું કામ મળી ગયું. એ પણ સારા એવા વળતર સાથે. વળતરમાં તારું રુદન અને તારું સ્મિત! તારો રડવાના અવાજની શી વાત કરવી? તારા ગાળામાં લાઉડસ્પીકર મૂક્યું હોય એવું લાગે. ઊંઘમાં તું ઘણી વખત હસે ત્યારે હું કલ્પના કરતો હતો કે તને સપનામાં કોઈ પરી દેખાતી હશે.

તારા પપ્પાએ તારા માટે ‘અદ્વિત’ નામ પસંદ કર્યું. આવું આવું નામ રાખવામાં જોખમ તો હતું જ. બોલવામાં અને સાંભળવામાં અઘરું પડે. કોઈ તારું નામ પૂછે તો બેત્રણ વખત કહેવું પડે. વળી બીજું જોખમ એ હતું કે તને ‘અદ્વિત’ કહેવાના બદલે અમે વહાલથી ‘અદ્દુ’ કહીએ તો તારું નામ કાયમ માટે ‘અદ્દુ’ જ પડી જાય! અને એ જોખમ તો ઊભું થયું જ. અમે તને વહાલથી ‘અદ્દુ’ જ કહેવા લાગ્યાં. પરંતુ થોડા દિવસોથી અમે તને ‘અદ્વિત’ કહેવાનું શરૂ કર્યું છે.

તું ત્રણ મહિનાનો થયો ત્યાં તો અમે ઉજ્જવલ કાકાને ત્યાં પુના જવાનું નક્કી કર્યું. પુના સુધી જઈએ તો આસપાસમાં ફરવા તો જવું જ પડેને? તને પ્રવાસમાં તકલીફ પડશે એવું માનીને નક્કી કરવામાં આવ્યું કે તું અને તારાં મમ્મા ઘરે રહે. પણ મને થયું કે આ તો ઘોર અન્યાય કહેવાય! અમે બધાં મજા કરીએ અને તમે માદીકરો ઘરે રહો એ સારું લાગે? ડોક્ટરની સલાહ લીધી તો એમણે સલાહ આપી કે : ‘બાળક નવી પરિસ્થિતિને અનુકૂળ થઈ જ જશે. માટે ચિંતા કર્યા વગર લઈ જાવ.’ પછી તો શું જોઈએ?

કાર મારફતે લાંબા પ્રવાસમાં તને તકલીફ તો પડે જ ને? તેં કાન ફાડી નાખે એવા રુદનથી પુનાનો રાજમાર્ગ ગજવ્યો. પુના પહોંચ્યા પછી બીજે દિવસે લવાસા ગયાં. ત્યાં તને થોડું સારું લાગ્યું. પણ વળતી વખતે આપણે સિંહગઢ જવાનું હોવાથી ટૂંકો રસ્તો પસંદ કર્યો. અર્ધે ગયા પછી અમને ખ્યાલ આવી ગયો કે આ તો ભૂલ થઈ ગઈ છે. એકદમ ઉજ્જડ અને ખાડા ટેકરા વાળો રસ્તો શરૂ થયો. આસપાસ તો જાણે જંગલ! તેં પણ વિરોધ પ્રદર્શનની શરૂઆત કરી દીધી. તારા રુદનથી શાંત વાતાવરણ ગજવી નાખ્યું. તને શાંત પાડવા માટે અમે વારંવાર ગાડીમાંથી નીચે ઊતરીને તને તેડી તેડીને ફેરવ્યો તો તને સારું લાગ્યું. પણ ઘરભેગું તો થવું પડેને? જંગલમાં ક્યાં સુધી રોકાવાય? જેમતેમ કરીને કાકાના ઘરે પહોંચ્યાં. મોડું થઈ ગયું હતું એટલે બીજે ક્યાંય જવાનો સમય રહ્યો નહોતો. એ દિવસે તો તારાં મમ્માની આંખોમાં આંસુ આવી ગયાં હતાં. તને સારું નહોતું લાગતું એટલે અમને બધાંને પણ દુઃખ તો થયું જ.

પરંતુ એ દુઃખ લાંબો સમય રોકાયું નહિ. એણે ભાગવું પડ્યું કારણ કે બીજે દિવસે આપણે પંચગની અને મહાબળેશ્વર ગયાં. ત્યાંની ખુશનુમા આબોહવા તને એટલી બધી માફક આવી ગઈ કે તારું રુદન તો છુમંતર થઈ ગયું! અમને તારા ચહેરા પર એકલી પ્રસન્નતા દેખાવા લાગી. તારા મનમાં પ્રસન્નતા હશે એટલે જ તારા ચહેરા પર પ્રસન્નતા હશેને? તું આપણા એ વખતના ફોટા જોઈશ તો તને પણ ખ્યાલ આવશે કે તું કેવા શાંત ચિત્તે કુદરતને માણી રહ્યો હતો! તું ખુશ હોય પછી અમારી ખુશી બમણી થઈ જ જાયને? પછી તો આખો પ્રવાસ એ રીતે જ પૂરો થયો. બંદા ‘અદ્વિત’ ખુશ તો અમે બધાં ખુશ!

તું તેડવાલાયક થયા પછી હું તને ગેલરીમાં લઈને ઊભો રહેતો. આપણા ઘરથી થોડે દૂર રેલ્વેલાઈન પસાર થાય છે. એ લાઈન પરથી અવરજવર કરતી ગાડીઓ હું તને બતાવતો. ઘરની પાછળના મેદાનમાં એક રબારીકાકા ગાયો, ભેંસો, બકરીઓ લઈને ચરાવવા આવતા. મેં તને એ બધાંનો પરિચય કરાવ્યો હતો. મેં તને ગોરસઆમલી અને ગુલમહોરનાં વૃક્ષોનો પરિચય કરાવ્યો હતો. કબૂતર, ટીટોડી, બગલા, કાગડા વગેરેનો પરિચય કરાવ્યો હતો. તારા ભેજામાં કેટલું ઉતરતું હતું એની તો મને ખબર નહોતી પણ તને ગમતું હોય એવું મને લાગતું હતું. બંદા ‘અદ્વિત’ ખુશ તો દાદા ખુશ!

દીકરા, બધું કેટલું ઝડપથી બની ગયું! તું ઝડપથી મોટો થઈ ગયો! તારી બાળલીલા તો જાણે અમે પૂરી માણી જ નથી! તું બેસતાં શીખી ગયો, ગોઠણિયાં ભરતાં શીખી ગયો અને ખુરશી પકડીને ઊભો થતાં શીખી ગયો. તું બોલતાં પણ શીખી ગયો. મમ્મા, પાપા, દાદા, દાદી, કાકા, ફોઈ, નાના, નાની આ બધું જ તને બોલતાં આવડી ગયું. તારા મોઢેંથી પહેલી વખત ‘દાદા’ શબ્દ સાંભળીને મને એમ લાગ્યું કે જાણે મારા હૈયામાં એ.સી. મુકાઈ ગયું છે! તને બધાંને ઓળખતા આવડી ગયું. કોણ ક્યારે કયા કામમાં આવશે એ નક્કી કરતાં પણ આવડી ગયું. તું ખુરશી પકડીને ઊભો થતાં શીખી ગયો. તારા માટે ચાલનગાડી લાવીએ એ પહેલાં તો તું ખુરશીને ધક્કા મારી મારીને ચાલતાં શીખી ગયો. દાદાની આંગળી પકડી રાખવી તો તને ક્યારેય ગમ્યું જ નથી. આંગળી છોડાવીને ભાગવું જ ગમ્યું છે. તું મારી આંગળી છોડાવીને ભાગે એટલે મારો જીવ તો અધ્ધર જ થઈ જાયને? પણ કોને ખબર! તને પહેલેથી જ બધું જાતે કરવાના બહુ અભરખા. જાતે દોડવા જાય એટલે પડવાના વારા આવે જ ને? તું પડે અને રડે તો હું તને સમજાવતો કે ‘તું જાતે દોડે એટલે પડે જ ને? છાનો રહી જા. કશું નથી થયું.’ એક દિવસ એવું બન્યું કે તું જાતે દોડવા ગયો અને પડ્યો. પડ્યો તો ખરો પણ રડ્યો નહિ. તું જાતે જ ઊભો થઈ ગયો અને મને આશ્વાસન આપવા લાગ્યો કે : ‘દાદા, કશું નથી થયું.’ એ દિવસે મને ભાન થયું કે : ‘સમય સમયનું કામ કેવું કરે છે! માણસ તો માત્ર નિમિત્ત છે!’

તું અવારનાવર મને મીઠી મીઠી ભાષામાં પૂછ્યા કરે છે કે : ‘દાદા, આ શું છે?’ હું મારી આવડત

મુજબ તને આ દુનિયાનો પરિચય કરાવતો રહું છું. મેં તને ચાંદામામાનો પરિચય કરાવ્યો હતો. એક રાત્રે એવું બન્યું કે આપણે ચાંદામામાને જોતા હતા ને એ થોડાક વાદળાંથી ઢંકાઈ ગયા. એ જોઈને તેં મને પૂછ્યું કે : ‘દાદા, ચાંદામામા કાં ગયા?’ મારાથી કહેવાઈ ગયું કે : ‘ચાંદામામા ફસ્સાઈ ગયા.’ તને એ જવાબ એવો ગમ્યો કે ન પૂછો વાત! પછી તો તારા મોઢે એક જ વાત કે: ‘દાદા, ચાંદામામા ફસ્સાઈ ગયા!’ પછી તો તું ક્યારેક ક્યારેક જાણી જોઈને બે ખુરશી વચ્ચે ઊભો રહી જતો અને બૂમો પાડતો કે : ‘દાદા, અદ્દુ ફસ્સાઈ ગયો. દાદા, અદ્દુ ફસ્સાઈ ગયો.’

એવું જ કશું બીજી વખત બન્યું. ગયા ચોમાસામાં પહેલો વરસાદ આવ્યો ત્યારે હું તને લઈને ગેલરીમાં ઊભો રહ્યો. વરસાદને જોતાં જોતાં તેં મને પૂછ્યું હતું કે : ‘દાદા, આ શું થાય છે?’ જવાબમાં મેં તને કહ્યું હતું કે : ‘પાણી ભપ્પ થાય છે!’ આ ભપ્પ થવાની વાત પણ તને બહુ જ ગમી હતી. ત્યાર પછી તું ઘણી વખત જાણી જોઈને પડી જતો અને મને કહેતો કે : ‘દાદા, અદ્દુ ભપ્પ થઈ ગયો.’ એ દિવસે પહેલાં વરસાદમાં મારી સાથે તું પણ ભીંજાયો અને તને એવી તો મજા પડી ગઈ કે તું ઘરમાં આવવાનું નામ જ નહોતો લેતો.

હા, તારી હઠ એટલે હઠ! તારું જ ધાર્યું કરવા વાળો! તું મને ઊભો કરે એટલે મારે ઊભા થવાનું જ. તું મને જ્યાં બેસી જવાનું કહે ત્યાં મારે બેસી જવાનું જ. તું કહે ત્યાં મારે સુધી હીંચકા નાખવાના જ. તું કહે એ જ ગીત મારે કમ્પ્યૂટરમાં વગાડવાનાં જ! હવે તને ‘અડકો દડકો’ રમવું ગમતું નથી. વાતવાતમાં ‘દાદા, આ નહિ.’ તને ક્યારે શું ગમે અને શું ન ગમે એ નક્કી નથી. મારા મોબાઇલના કવરની પણ તેં કેવી દશા કરી નાખી છે! છોતરાં કાઢી નાખ્યાં છે. કેટલીય વખત મારા હાથમાંથી મોબાઇલ ખેંચીને તું ભાગ્યો છે અને ખૂણામાં ભરાઈને મોબાઇલ કાને લગાડીને મોટો માણસ વાત કરતો હોય એવાં દૃશ્યો તે ભજવ્યાં છે! રમકડાંથી રમવાનું તો જાણે તને આવડ્યું જ નથી. રમકડાંને ઊંધાંચત્તાં કરી કરીને એ કેવી રીતે કામ કરે છે એ જોવાનું જ તને વધું ગમ્યું છે. એટલે જ તને રમકડાંથી રમવા કરતાં તોડવામાં જ વધારે મજા આવી છે. આ બધું વાંચીને તું નારાજ ન થતો. તારા આટઆટલા જુલમ પણ અમને તો મીઠાં જ લાગ્યાં છે હોં.

જો કે આજકાલ તારામાં જબરું પરિવર્તન આવ્યું હોય એવું મને લાગે છે. હવે તું બહુ હઠ નથી કરતો. મારી વાત માને છે. ક્યારેક તો એવું લાગે છે કે હું તારો વડીલ નથી પણ તું મારો વડીલ છે. જો ને થોડા દિવસો પહેલાં નીચે બેસીને તને ખવડાવતાં ખવડાવતાં હું પણ ખાતો હતો. એ વખતે હું ટેબલ પરથી છાશ લેવા ગયો ને છાશ મારાં કપડાં પર ઢોળાણી તો તેં મને લાડથી કહ્યું કે : ‘દાદા, હમણાં સુકાઈ જશે હોં.’

સાચું કહું તો મને લાગે છે કે હવે અમે તને નથી રમાડતાં પણ તું અમને બધાંને રમાડે છે. અમને આનંદ આવે અને અમે ખડખડાટ હસીએ અને જીવનની નાનીમોટી તકલીફો ભૂલી જઈએ એ માટે તું જાણીજોઈને નખરાં કરતો હોય એવું લાગે છે. નહિ તો તું આવું બધું થોડું કરે! તું ગોગલ્સ પહેરીને હીરોગીરી કરે છે. લાંબો થઈને સૂઈ જાય છે ને પછી ટાંગા ઊંચા કરીને યોગા કરે છે. ગોળગોળ ફરીને રંગલા જેવું વર્તન કરે છે. કી બોર્ડ પર સંગીત ચાલુ કરીને માથા પર હાથ પછાડીને નાના પાટેકર જેવું નાચે છે. અમે તને થોડુંઘણું શીખવાડ્યું હશે. પણ એમાં તું તારી સર્જકતા ઉમેરીને રીતે વધારો કરી રહ્યો હોય એવું મને લાગે છે. ટૂંકમાં કહું તો તું બધી રીતે ઉસ્તાદ બનતો જાય છે.

આ પત્ર લખતાં લખતાં તારે લીધે મારે કેટલીય વખત અટકવું પડ્યું છે. હું કમ્પ્યૂટર પર બેઠો બેઠો ટાઇપ કરતો હોઉં ને ને તું આવીને કહે કે : ‘દાદા, આ નહિ. ગાડી બુલાઈ રઈ જોવું છે.’ તો મારે એ ગીત ચાલુ કરવું જ પડેને? કેટલું મસ્ત ગીત છે નહિ?...ગાડી બુલા રહી હૈ સીટી બજા રહી હૈ. ચલના હી જિંદગી હૈ, ચલતી હી જા રહી હૈ.

અદ્વિત દીકરા, એવું પણ બને કે ક્યારેક તું આ પત્ર વાંચતો હોય ત્યારે હું તારી પાસે ન પણ હોઉં! આ દુનિયામાં પણ ન હોઉં. હું માત્ર ફોટામાં જ હોઉં. ફોટામાં ફસ્સાઈ ગયો હોઉં. ત્યારે તું મને બચી ભરીને કહેજે કે : ‘દાદા, આઈ લવ યૂ.’ મને ખૂબ જ સરસ સરસ લાગશે.

અટકું છું. તારી સાથે મસ્તી કરવાનો સમય થઈ ગયો છે. હજી તો આવાં ઘણા પત્રો લખવાના છે. વાંચવાની તૈયારી રાખજે.

-લિખિતંગ દાદાના બમ બમ ભોલે.