Mere Sapno ki Rani - Part - 2 books and stories free download online pdf in Gujarati

મેરે સપનો કી રાની - ભાગ ૨

મેરે સપનો કી રાની [પ્રકરણ ૨]

લેખક: અશ્વિન મજીઠિયા

ઈમેલ:

ફોન: ૯૮૭૦૪૨૮૮૦૪

.

એન્જીનીયરીંગની ડીગ્રી-કોલેજના કુલ ત્રણ વર્ષના ગાળામાંથી મારા અઢી વર્ષ તો, આગળ કહ્યું તેમ સમજોને, કે મારા સપનાઓની રાણીની રાહ જોવામાં જ વીતી ગયા. એકવીસ વર્ષની લગ્નની કાયદેસરની ઉમર વટાવ્યા બાદ તો જાણે કે, મનમાં ઉતાવળ આવી ગઈ, કે ભલે મેરેજ હમણાં ન થાય, પણ, રીહર્સલ જેવું ય કંઇક હોય છે, બોસ..!

નાના-મોટા છમકલા જેવા એફેર્સ તો થતા જ રહ્યા..ખોટું નહીં બોલું, પણ સીરીયસ ફિલિંગ્સ કંઈ જબરદસ્તી થોડી પેદા કરાય છે? એ તો ઉગી જ નીકળવી જોઈએ..કોઈ પણ જાતની મહેનત વગર..!
પણ તે ન ઉગી, તે ન જ ઉગી, છેલ્લે સુધી. છ-છ મહિનાના ઇન્જીનીયારીન્ગના કુલ છ સેમેસ્ટરમાંથી પાંચ તો વીતી ગયા, પણ સપનાની રાણીને ફુરસદ મળે, તો આવે ને સામે..!

બટ યસ..આખરે એ દિવસ આવી ગયો, કે જયારે તે મારા સપનાઓમાંથી સરકીને સાક્ષાત આવીને ઉભી રહી ગઈ, મારી સામે.

અમારા એન્યુઅલ-ડેના ફંક્શનમાં પાર્ટ લેવા માટે પોતાનું નામ નોંધવા તેની બહેનપણી ગૌરી, મારી પાસે આવી ત્યારે આ પાયલ-રાણી તેની સાથે પધાર્યા હતા. જોકે મને તો બહુ ભાવ ન આપ્યો. પણ દર્શન આપ્યા તે કંઈ ઓછું હતું..! પહેલી જ નજરમાં દિલની ગીટારને ઝણઝણાવી મૂકી તે કોઈ નાનીસુની વાત કહેવાય..!

એમાંય અમારા ઐયર-સર તો જાણે કે મારા જેવા ભણેશરી સ્ટુડન્ટ પર મહેરબાન જ થઇ ગયા હોય, તેમ તેમણે મને તેની સામે બોલાવીને ‘કોઈ પણ સબ્જેક્ટમાં કોઈ પણ તકલીફ હોય તો પ્રશાંતની [એટલે કે મારી] હેલ્પ લેવી’ -તેવી તેને શિખામણ આપી, અને મને તો જાણે કે પ્રમોશન જ આપી દીધું.

પછી તો એન્યુલ-પ્રોગ્રામ્સની અંતર્ગત કેટકેટલાય ‘ડે’ સેલીબ્રેટ થતા રહ્યા, જેમાંનો મને સહુથી વધુ પસંદ તે ‘સાડી-ડે’, કે જયારે કોલેજ-કન્યાઓને સાડી પહેરેલી જોવાનો ચાન્સ મળે. તો મારા મનમાં ય પાયલ-રાણીને સાડી પહેરેલી જોવાના કોડ જાગ્યા. મનમાં એક છુપી ઈચ્છા, અને તાલાવેલી ય ખરી, કે લગ્ન પછી જ સાડી પહેરનારી, મારી આ મીઠડીનું લગ્ન પછીનું સ્વરૂપ કેવું હશે તેની એક ઝાંખી આ ‘સાડી-ડે’નાં દિવસે જોવા મળશે. પણ સાડી-ડેના દિવસે હું કોલેજ ગયો, તો ‘દિલ કે અરમાં આંસુઓ મેં બહ ગયે..’

તેની પેલી સહેલી ગૌરી પાસેથી ખબર પડી, કે પાયલ-રાણી તો આજે નહીં આવે, બે-ત્રણ દિવસ માટે તે પોતાને ગામ ગઈ છે.

ખલ્લાસ..! ‘સાડી-ડે’નું મારે માટે તો સમજો ને, કે ‘જન ગણ મન’ થઇ ગયું. ફક્ત સાડી-ડેનું જ નહીં.. પુરા અન્યુલ ફંક્શનનું.. !

હા, તેનાં પછી ય કોણ જાણે કેટલાયે 'ડે' હતાં. પણ શું કામનાં?

ત્રણ-ચાર દિવસ પહેલા અમે જ સજાવેલી આ જગ્યા અત્યારે તો મને સાવ ઉજ્જડ જેવી લાગતી હતી.

એ બે-ત્રણ દિવસોમાં મને અંદરથી એવી સોલીડ ફીલિંગ્સ થઇ આવી, કે આ એક અઠવાડિયામાં હું તેનામાં કેટલો બધો ગૂંથાઈ ગયો હતો.

પણ મને એના વિષે શું માહિતી હતી? તેનું નામ અને તેની અટક..અને કયા ક્લાસમાં શું ભણે છે, એ જ. બસ..!

બાકી..તેનાં ઘરમાં કોણ કોણ છે..તેની ઉમર..આની પહેલાં કઈ સ્કુલ, કઈ કોલેજમાં હતી.. કંઈ જ ખબર નહોતી મને.

અને તોય તે મને ગમવા લાગેલી. ખુબ જ ગમવા લાગેલી. અને આ વખતે તો મને ખબર હતી, પેલાં જુના બે-ત્રણ એફેરની જેમ આ કોઈ સિમ્પલી આકર્ષણ નથી. હું તેને પ્રેમ કરવા લાગ્યો છું, અને આ જ મારી જીવન-સાથી છે.

યહી હૈ..યહી હૈ..યહી હૈ, મેરે સપનો કી રાની.

તે બે-ત્રણ દિવસ મેં કેમ કાઢ્યા તે તો મારું મન જ જાણે છે. તડપના કિસકો કહેતે હૈ..તે મેં ત્યારે જ અનુભવ્યું.

.

અને પછી એક દિવસ તે પાછી આવી. તેનાં દીદાર થયા આ પ્યાસી આંખોને..!

"હમ આપકે કૌન હૈ"માંની પેલી શાયરી યાદ છે? 'દીદી તેરા દેવર દીવાના' ગીત પહેલાની?

જયારે માધુરી બ્લુ કલરની સાડીમાં દાદરા ઉતરતી નીચે આવે છે, ત્યારે સતીશ શાહ અને પછી સલમાન ખાન બોલે છે, તે શાયરી..!

"કાટે નહીં કટતે લમ્હે ઇન્તઝાર કે

નઝરે જમાં કે બૈઠે હૈ રસ્તે પે યાર કે

દિલને કહા દેખેં જો હુસ્ન યાર કે

લાયા હૈ કૌન ઇન્હેં ફલક સે ઉતાર કે..!"

.

બસ.. એકદમ તેવું જ. મારા ઉજ્જડ જગતમાં આનંદની છોળો ઉડવા માંડી. જૂનાં ફિલ્મી-ગીતોમાં આપણી બહુ ચાંચ ડૂબે નહીં, પણ તોય..જાણે કેમ, તેને ગ્રાઉન્ડમાં આવતી જોતાં જ ફિલ્મ 'નવરંગ'નું પેલું ગીત યાદ આવી ગયું-

“યે કૌન ઘૂંઘરું ઝમકા, યે કૌન ચાંદ ચમકા

યે ધરતી પે આસમાન આ ગયા પૂનમ કા

યે કૌન ફૂલ મહેકા, યે કૌન પન્છી ચહેકા,

મહેફિલમેં કૈસી ખુશ્બુ ઉડી, દિલ જો મેરા બહેકા.

લો તન મેં જાન આઈ, હોઠો પે તાન આયી

મેરી ચકોરી, ચાંદની મેં કર કે સ્નાન આયી.

બિછડા વો મીત આયા, જીવન કા ગીત આયા,

દો આત્માઓ કે મિલન કા દિન પુનીત આયા.

સૂરત હૈ મેરે સપનો કી, તું સોહિની...

જમુના તું હી હૈ...

સોરી...પાયલ તુ હી હૈ, તું હી મેરી મોહિની....”

.

બસ દોસ્ત, પાયલને જોઇને મારા મનની સ્થિતિ તો ટોટલી બદલાઈ જ ગઈ. થોડાં દિવસો માટે મનમાં ડેરો જમાવીને બેઠેલ પેલો દેવદાસ, દૂમ દબા કે ભાગા.

અને હવે તન-બદન પર જાણે કે ‘ઇમરાન હાઝ્મી’ રાજ કરવા લાગ્યો. બસ..પછી જામ વિશ્વાસ જ થઇ ગયો કે -આપૂન કો ભીડુ, પ્યાર હો ગયેલા હૈ..

.

જો કે આમ જુઓ તો અંદાજો તો હતો જ, કે આ છોકરી પાસે આપણી દાળ ગળશે નહીં, તે ના જ પાડવાની છે, તોયે તેને એકવાર પૂછી લેવાનું નક્કી કર્યું.

બટ યસ... તેની લાઈફમાં કોઈ 'બીજું' છે કે નહીં, તે જાણી લેવું પહેલા બહુ જરૂરી હતું. એટલે ગૌરીને પૂછવાનું નક્કી કર્યું. તેને એક ખૂણામાં બોલાવીને પૂછ્યું. અને મારા મનની ય જણાવી. તેને તો એકદમ આંચકો જ લાગ્યો-

"કેટલા દિવસથી ઓળખે છે તું, તેને ? -ગૌરીએ મને સામે પૂછ્યું

"બસ સમજ ને, આઠ-દસ દિવસથી.." -મેં અચકાતા અચકાતા કહ્યું.

"અને તોય? એના વિષેની જાણકારી કેટલી છે તને? જો પ્રશાંત, તું સરખો વિચાર કર. પાયલ ખુબ જ સીધી સાદી છોકરી છે, અને બહુ ઈમોશનલ પણ છે. તું એક્ચ્યુલી સીરીયસ છે કે આ બાબતમાં? મતલબ કે..મને ખબર છે તું એવો છોકરો નથી. પણ થોડા દિવસો જવા દે હજી. સરખી ઓળખાણ તો પહેલા થવા દે. હમણાં હવે એગ્ઝામ્સ પણ છે માથે. તો સ્ટડીઝ પર એય અસર થશે."

આવી આવી કેટલીક વાતો તેણે મને કહી. તો છેવટે એવું નક્કી થયું, કે પરીક્ષા પૂરી થાય ત્યાં સુધી હું ખમી જાઉં. અને તેનાં બાદ પણ જો તે મને એટલી જ ગમતી હશે, તો પછી તેની સાથે આ બાબતમાં વાત કરવાની.

.

સાચું પૂછો તો આ મને કબુલ નહોતું. પણ શું થાય? તેનું કહ્યું માનવું પડ્યું.

પછી આ વાત મારા દોસ્તોને પણ મેં કરી તો એ બધા જાની-દુશ્મનોએ તો મારી વાત હસવામાં જ કાઢી નાખી.

"અરે એ શું હા પાડવાની? કેટલી મસ્ત છોકરી છે એ તો."

"અરે, એનો તો પહેલેથી જ કોઈક એફેર હશે જ."

"બેટા, તને તો ચોક્ખેચોક્ખી ના જ પાડી દેવાની છે, એ તો..!"

"તને તો બકા, ચપ્પલનો માર જ પાડવાનો, લખી રાખ આ વાત."

.

મને આ બધી વાત કબુલ હતી. મને ખબર પણ હતી કે મને 'ના' જ સાંભળવા મળવાની છે. પણ તો ય, તે મારા મનમાંથી જવાનું નામ જ નહોતી લેતી.

પછીના બધા 'ડે' મેં પાયલની સાથે જ સેલીબ્રેટ કર્યા. તે દરમ્યાન એક ડાન્સમાં ય તેણે પાર્ટીસીપેટ કર્યું, અને મેડલ પણ મળ્યું તેને.

બૉસ, શું સોલીડ નાચી'તી એ. તેની એક એક વાત તેનાં પ્રત્યેનો મારો પ્રેમ વધારતી જ ગઈ. દિવસો-દિવસ પાયલ મને વધુ ને વધુ ગમવા લાગી.

.

છેલ્લે દિવસે પ્રાઈઝ-ડીસ્ટ્રીબ્યુશનનો કાર્યક્રમ હતો. મને યુનીવર્સીટીમાં નંબર મેળવવા બદલ પ્રાઈઝ મળ્યું. પણ ત્યારે તે છેક સુધી આવી જ નહીં.

શું કહું યાર, મને તો એટલું ખરાબ લાગ્યું. તેની સામે જો પ્રાઈઝ મળ્યું હોત, તો કેવો વટ પડત આપણો..!

કેવી મોજ પડત એની સામે પ્રાઈઝ લેવાની.

પણ તે દિવસે તે અને તેની બહેનપણી પ્રોગ્રામમાં મોડાં આવ્યા.

અને પાયલ...શું બ્યુટીફૂલ ડ્રેસ પહેરીને આવી હતી તે. લાલ રંગનું ટોપ અને બ્લેક કલરનું રેપ-અરાઉંન્ડ.

ક્યા બાત હૈ..! બધાં તેની જ સામે જોતાં હતા.

.

હવે તો બસ મારાથી કેમે ય રહેવાતું નહોતું. મેં મનમાં પાકો નિશ્ચય જ કરી લીધો કે કંઈ પણ થાય, હવે તો પાયલ સાથે વાત કરવી જ પડશે. જે થવું હોય તે થાય, પણ હવે આ રીતે જીવવું મારા માટે ઈમ્પોસીબલ હતું. દિવસ-રાત, ઘરમાં-ક્લાસમાં, બધે તે જ હતી. લેકચર ચાલું હોય ત્યારે નોટમાં હું તેનું જ નામ લખતો બેસી રહેતો. સાચું કહું? જીંદગીમાં કોઈના આટલા પ્રેમમાં હું પડીશ એવું મેં ક્યારેય ધાર્યું નહોતું.

પછી એક દિવસ સાંજે, કોઈને ય વાત કર્યા વગર મેં પાયલને ફોન કર્યો, અને તેને મળવા બોલાવી.

અને..અને તેણે આવવાનું કબુલે ય કર્યું.

.

મારી લાઈફનો એક ફંડા તો હવે બિલકુલ ક્લીયર જ હતો. પણ આગળ શું થશે, એ વિચારથી જ મનમાં કંઈ ને કંઈ થવા લાગ્યું.

મતલબ... ખરાબમાં ખરાબ શું? તો એ જ.. કે તે મને 'ના' પડશે. અને એની તો દોસ્ત, મને ખાતરી જ હતી. યા યું સમજો, કે મારી તૈયારી જ હતી. એટલું.. કે આ વાત મનમાં નહીં રાખતા, મન મોકળું કરીને બસ તેને કહી જ દેવું, એટલો જ હેતુ હતો મારો તો..!

.

નક્કી કરેલા સમયે હું ત્યાં પહોચ્યો. થોડી વારમાં મેડમ આવ્યા. થોડી વાર સુધી તો બસ આલતુંફાલતું વાતો કરી. ઘડિયાળના કાંટા આગળને આગળ વધતાં ચાલ્યા. છેવટે..વધુ સમય વેડફવાનો હવે કઈ અર્થ નથી, એમ સમજીને મેં ડાઈરેક્ટ તે ટોપીક પર જવાનો નિશ્ચય કર્યો-

"પાયલ, તને ખબર છે મેં તને અહીંયાં શા માટે બોલાવી છે?"

તે હસી. જાણે કે, તેને ખબર જ હોય એમ. પણ તોય તેણે ના પાડી.

.

હવે શું કરવું? સમજવા છતાં ય, જો ન સમજવાનું નાટક કરતી હોય તો..!

ખેર, એટલે મારે થોડી ચોક્વટ કરવી જ પડી-

"ઠીક છે. તો હવે હું જે કંઈ કહું તે બધું પહેલાં સરખું સાંભળી લે અને પછી જ જે બોલવું હોય તે બોલજે. અને હા... હસવાનું તો બિલકુલ નહીં."

"ઓ કે..!" -મારી સામે જોઇને તેણે કહ્યું.

.

પછી મેં તેને મારા વિષયે ટુંકાણમાં થોડું'ક કહ્યું. મારા માબાપ, મારા સગાવહાલાં, મારી સૈક્ષણિક ગતિવિધિઓ, મારો સ્વભાવ, મારી પસંદ, ભવિષ્ય બાબતનાં મારા વિચારો અને યોજનાઓ..વગેરે વગેરે. આ પહેલાનાં મારા લવ-એફેર્સની ય મેં તેને જાણ કરી દીધી.

હા...., કારણ વગરનાં કોઈને અંધારામાં રાખવાનો શું મતલબ?

.

તેણે બધું મસ્ત રીતે શાંતિથી સાંભળી લીધું. એનાથી મારો આત્મવિશ્વાસ થોડો વધ્યો, અને મને થોડી રીલીફ પણ લાગી.

એના પછી મેં તેને મારી જીવન-સાથી બાબતના મારા વિચારો જણાવ્યા, અને પછી તેની સામે જોઇને બોલ્યો-

"ઇન શોર્ટ, સમજને... બસ, તારા જેવી જ તે હોવી જોઈએ."

.

તે ફરી પાછી હસી.

[વાહ યાર, મસ્ત બોલ નાખ્યો. છોકરી હસી... જો...જો...]

પછી તેને મેં એકદમ જ પૂછી લીધું-

"મારી સાથે લગ્ન કરીશ કે? ‘મને તું ખુ....બ ગમે છે’, એમ હું નહીં કહું. કારણ 'ખુબ' શબ્દની વ્યાપકતા ઘણી ઓછી છે. તું તો મને તેની કરતા ય વધુ ગમે છે."

.

ઉપર અંતરીક્ષમાં ભેંકાર શાંતિ કેવી હોતી હશે, તે મેં ત્યારે અનુભવ્યું. હું આ બધું નીચી મુંડી કરીને બોલતો હતો, અને મારા કાન પાયલનો રિસ્પોન્સ સાંભળવા જાણે કે તરફડી રહ્યા હતા. પણ તે તો કંઈ બોલી જ નહીં, એટલે મેં ઉપર જોયું. તે મારી તરફ જ જોઈ રહી હતી. એના મનમાં શું ચાલી રહ્યું હશે, એની મને તો કંઈ કલ્પના પણ નહોતી થતી. આખરે હું બોલ્યો-

"તારે કંઈ કહેવું નથી કે?"

"તેં જ કહ્યું હતું ને, કે વચ્ચે બોલતી નહીં. તારું બોલવાનું પૂરું થાય એટલે કહે, પછી હું બોલું, કંઇક."

"ઓકે... જો મને ખબર છે હું તારા જેટલો સરસ નથી દેખાવમાં. મારા દોસ્તો કહે છે એ પ્રમાણે, 'લંગૂર કે મુંહ મેં અંગૂર' એવું ય હશે કદાચ. પણ જીવનમાં, છેલ્લે સુધી ચહેરો સાથ નથી આપતો. સાથ તો આપે છે આપણું મન અને મનમાં રહેલ પ્રેમ. મને ખબર છે, તું મને 'ના' જ પાડવાની. પણ મારું મન મને શાંતિથી બેસવા નથી દેતું. તું જ એને સમજાવીને કહે. મારું બોલવાનું પૂરું થયું. હવે તું બોલ.!."

.

"તેં હમણાં જે કહ્યું, તે મને ખબર જ હતી. આવી વાતો છાની રહેતી નથી. મને ક્યાંકથી તો યે ખબર પડી જ ગઈ હતી," -પાયલે હવે બોલવા લાગી- "પણ સહુથી પહેલાં તારી પાસેથી ખબર પડી હોત, તો મને આનંદ થયો હોત. જવા દે. અને બીજી વાત, આ લંગૂર..ને એવું બધું તું જે કંઈ બોલ્યો તે મને બિલકુલ નથી ગમ્યું. સાચે જ..તું બહુ સારો છોકરો છે. સાચું કહું તો હું જ તારે લાયક નથી. મને પણ તું ગમે છે, પણ મારા ય કેટલા'ક પ્રોબ્લમ્સ છે. જો મારાથી શક્ય હોત, તો ચોક્કસ મેં તને 'હા' પાડી હોત. પણ કદાચ એ પોસીબલ નથી..!"

.

એના પછી ય એ ઘણું બધું બોલી, પણ મારું ધ્યાન જ નહોતું. મારું મોઢું સાવ પડી ગયું હતું. મૂડ ઓફ થઇ ગયો હતો. જીવનમાં જાણે કે કંઈ બચ્યું જ નથી એવું લાગવા માંડ્યું.

છુટા પડતી વખતે તેણે મને ટોક્યો-

"આરામથી જજે. અને ઘરે પહોંચીને ફોન કરજે.

.

મને ઘરે જવાનો ખુબ કંટાળો આવ્યો, એટલે દોસ્તો પાસે ગયો. અને પછી ત્યાંથી મોડે મોડે ઘરે ગયો. ખીસામાંથી ફોન કાઢીને સાઈડ પર રાખી, પથારીમાં પડ્યો, તો ત્યારે ખબર પડી કે પાયલ-મેડમનો મિસ્ડ-કોલ આવી ગયો હતો.

એટલે પછી મેં તેને ફોન કર્યો. તો એ મને ખુબ ખીજાણી-

"ક્યાં ગયો હતો? ફોન કેમ ન કર્યો?" -વગેરે વગેરે.

.

બીજા દિવસે પણ કોલેજમાં જવાનો ખુબ કંટાળો આવ્યો. થોડું તાવ જેવું ય લાગતું હતું, એટલે પછી મોડો ઉઠ્યો. આજે થોડો લેટ જ જઈશ એવું નક્કી કરીને રોજના કામ આટોપતો હતો, ત્યાં તો તેનો ફોન આવ્યો-

"કોલેજમાં નથી જાવું કે? નાપાસ થવું છે કે?"

"ના... તબિયતમાં મજા નથી એટલે થોડો મોડો જવાનો છું." -મેં ટુંકો જવાબ આપ્યો.

એના પછી થોડી આમતેમ વાતો કરીને ફોન મૂકી દીધો. નહાવા-ધોવાનું પતાવ્યું. ઇમેલ વગેરે ચેક કરતો હતો, એટલામાં તો ડોરબેલ વાગી.

"આ સવાર-સવારમાં કોણ ટપક્યું?" -એવો વિચાર કરતાં કરતાં દરવાજો ઉઘાડ્યો, ને જોયું તો સામે પાયલ-રાણી ઉભા હતા.

.

યાર....મને તો મારી આંખો પર વિશ્વાસ જ નહતો બેસતો. તેને જોઇને તાવ-બાવ બધું ભાગી ગયું. એકદમ ફ્રેશનેસ લાગવા લાગી. સાક્ષાત અમારા મેડમ અમારી તબિયત પુછવા અમારે ઘેર પધાર્યા હતા.

ધન્ય ઘડી ધન્ય ભાગ્ય..! [ક્રમશ:]

.

અશ્વિન મજીઠિયા..

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED