Khoya mera Chand - Part 1 books and stories free download online pdf in Gujarati

ખોયા મેરા ચાંદ -ભાગ ૧

ખોયા મેરા ચાંદ [પ્રકરણ-૧]

લેખક: અશ્વિન મજીઠિયા

ઈમેલ:

ફોન: ૯૮૭૦૪૨૮૮૦૪

"રિસોર્ટમાં ડી.જે. પાર્ટી ચાલતી લાગે છે." -દરિયા કિનારેથી પાછા ફરતાં, દુરથી સંભળાતા શોર-બકોરને સાંભળીને સમીરે સંજયને કહ્યું.

"ઓ યસ, ચલ હરી અપ. મસ્ત ટાઈમ-પાસ થશે." -સંજયે ઉત્સાહ બતાવતા જવાબ આપ્યો, અને બંને દોસ્તોએ ઝડપ વધારી. આ બંને યુવાનો પોતાની ઓફીસ સ્ટાફ સાથે સી-બીચ પરના એક રિસોર્ટમાં પીકનીક મનાવવા આજે સવારે જ અહીં, અલીબાગ આવ્યા હતા.

નાતાલના દિવસોમાં ચાર દિવસની જાહેર રજાઓ એકસાથે આવતા ઓફીસવાળાએ આ પીકનીક એરેન્જ કરી હતી, જેથી યુવાન-સ્ટાફને કામ-કાજમાંથી થોડી રાહત આપી, નવી સ્ફૂર્તિ-એનર્જી સાથે આવતા અઠવાડિયે ફરી પાછા ડબલ જોશથી કામે ચડવા તૈયાર કરી શકાય.

.

સમીરને આ ઓફિસમાં હજી એક વર્ષ માંડ થયું હશે પણ પોતાનાં મિક્સિંગ નેચર તેમજ સ્પોર્ટ્સ, મ્યુઝીક, ડાન્સ જેવી યુવાન હૈયાઓને લલચાવે તેવી બધી સ્કીલ્સમાં તેની નિપુણતાને કારણે આટલા શોર્ટ પીરીયડમાં તે ઓફિસમાં ઘણાય દોસ્ત બનાવીને બધાનો ફેવરેટ પણ બની ગયો હતો.

એ બધાઓમાં સંજય તેનો સૌથી ક્લોઝ ફ્રેન્ડ હતો. એટલે અહિયાં અલીબાગ આવીને જ્યારે બધો સ્ટાફ હજી હોટલમાં આરામ ફરમાવતો હતો, ત્યારે આ બંને દોસ્તો એકલા જ દરિયા-કિનારાની મોજ માણવા નીકળી પડ્યા હતા. કલાકેક પછી, ટહેલતા ટહેલતા પાછા ફરતાં હતાં, ત્યાં પોતાની હોટલમાંથી આવતા અવાજને કારણે બંને યુવાનોએ સ્પીડ વધારી દીધી અને હોટલ પર પહોચી ગયા.

.

એ થ્રી-સ્ટાર રિસોર્ટના ડાન્સ-ફ્લોર પર શોરબકોર અને નાચ-ગાનનો જાણે કે જુવાળ આવી ગયો હતો. બધાં યુવાન અને યુવતીઓ મન મુકીને નાચી રહ્યા હતા. સમીરને તો ડાન્સનો જબરો શોખ..! એટલે પછી તો પૂછવું જ શું?

તરત જ તે બધાં સાથે જોડાઈ ગયો. ઈંગ્લીશ-હિન્દી ગીતો અને રીમીક્સના તાલ પર જુવાન હૈયાં ઝૂમી રહ્યા હતા. તેઓ માટે તો આટલા દિવસોનો માનસિક થાક ઉતારવાનો આ જ એક બેહતરીન ઉપાય હતો.

કેટલીય વાર સુધી પોતાની જ મસ્તીમાં નાચ્યા બાદ સમીરે આસપાસ જોયું તો, ડાન્સ-ફ્લોર પર ગર્દી ઓછી થઇ ગઈ હતી. લોકો થાક્યા હશે કે શોખ પૂરો થયો હશે. જે હોય તે, પણ તોય સમીરનું જોશ ઓછું ન થયું. તેણે પોતાનો ડાન્સ ચાલુ રાખ્યો. અને ત્યાં જ થોડીક એવી બચેલી પબ્લિકમાં સમીરે 'તેને' જોઈ.

.

બ્લેક સ્કર્ટ અને વાઈટ સ્ટ્રાઈપ્સ વાળા બ્રાઈટ રેડ ટોપમાં એ ખુબસુરત લલના. સોનેરી કલરથી બ્લીચ કરેલા તેના વાળ, તેને બીજી બધી યુવતીઓથી એકદમ ડિફરન્ટ બનાવી દેતા હતા. તે પણ મન મુકીને ઝૂમી ઝૂમીને નાચી રહી હતી. તેની આંખો બંધ હતી, જાણે કોઈ ગાઢ સમાધીમાં હોય તેમ. આસપાસની દુનિયાથી બેખબર તે મ્યુઝીકના તાલપર ઓતપ્રોત થઇને નાચી રહી હતી. જેમ જેમ મ્યુઝીકની સ્પીડ વધતી ગઈ તેમતેમ નાચવાવાળા સાવ ઓછા થતાં ગયા. આખરે તો બસ, તેઓ બે જ જણા ફ્લોર પર રહ્યા. ત્યાં સાવ અચાનક જ..

.

સાવ અચાનક શું થયું કે, નાચતા નાચતા તે સુંદરી સમીરના અંગ પર આવીને પડી. સમીર ચોંકી ગયો. જો કે તરત જ તેણે તેને સંભાળી લીધી, પણ તોય પોતે તો સાવ બેબાકળો જ થઇ ગયો.

અને એટલામાં જ તે યુવતીનું ફ્રેન્ડ-સર્કલ દોડીને ફ્લોર પર આવ્યું અને બધા તેને સંભાળી લઇ એક ખૂણામાં લઇ ગયા. સમીર પણ પોતાના ઓફીસ-દોસ્તો પાસે જઈને બીજા ખૂણામાં બેસી ગયો.

.

ડીનર શરુ થઇ ગયું હતું. ડાન્સને કારણે ભૂખ સારી એવી ઉઘડી ગઈ હતી, એટલે સમીરે પણ ડીનર ચાલુ કર્યું, પણ તેનું ધ્યાન તો પેલી યુવતી તરફ જ હતું. હવે તે થોડી સ્વસ્થ લાગતી હતી. તેની સખીઓ તેને જ્યુસ, પાણી વગેરે લાવીને દેતી હતી. પણ તોય થોડી થોડી વારે તે પોતાની હથેળીઓમાં મોઢું છુપાવીને રડી પડતી હતી.

.

થોડીવાર બાદ તેની સહેલીઓ તેને લઈને હોલમાંથી બહાર ચાલી ગઈ. સમીર પણ પોતાની રૂમમાં આવી ગયો. દિવસભરની મુસાફરી તેમ જ ડાન્સનો થાક અને ભરપેટ ડીનરને કારણે ઊંઘ મસ્ત આવી જશે, એવી સમીરની આશા ઠગારી નીકળી. સમીરના મગજ પર તો તે ડાંસ-ફ્લોરની ઘટના જ સવાર થઇ ગઈ હતી.

એકદમ ખુબસુરત ચહેરો, અફલાતુન ફિગર ને મ્યુઝીકના તાલ પર સોલીડ ડાન્સ કરતી એ લલના.. ને ત્યાં જ.. જાણે કોઈ વીજળી પડે તેમ તેનું પોતાનાં શરીર પર આવી ને પડવું. પોતે તેને બાથમાં જકડીને સંભાળવાની કોશિષ કરવી. તે વખતનો સ્પર્શ.. તે ઉત્તેજના..
તે રોમાંચ..બધું જાણે સમીર ફરી અનુભવવા લાગ્યો. અને નીંદર તો જાણે કે સાવ ઉડી જ ગઈ.

આખરે પથારીમાં પડ્યા પડ્યા કંટાળીને સમીર રૂમમાંથી બહાર નીકળ્યો. ડીસેમ્બરની એ રાતે વાતાવરણમાં ઠંડક વધી ગઈ હતી. અને બહાર બધું સુમસામ લાગતું હતું.

.

“ખોયા ખોયા ચાંદ, ખુલા આસમાં,
આંખોમેં સારી રાત જાયેગી,
ઐસેમેં કૈસે નીંદ આયેગી... હો..ઓ...
ખોયા ખોયા ચાંદ..”

ત્યારનાં મોસમને અને પોતાની મન:સ્થિતિને અનુરૂપ એવું પોતાનું ઓલ્વેઝ-ફેવરેટ ગીત ગણગણતો સમીર, પગ લઇ જાય તે દિશામાં ચાલવા લાગ્યો. ત્યાં જ રિસોર્ટના કમ્પાઉન્ડનાં એક ખૂણામાં એક તાપણું કરેલું જોઈ, તે એ તરફ આગળ વધ્યો. નજીક જતાં તેણે જોયું, કે પોતે જેના વિચારમાં ખોવાયેલો હતો તે લલના તો અહીં તેની એક સખી સાથે તાપણાની શેકોટી લઇ રહી હતી. તાપણા તરફ મ્હો કરીને બેઠેલી આ બંને યુવતીની પીઠ સમીર તરફ હતી અને વાતોમાં એટલી મશગુલ હતી, કે સમીર તેમની નજીક આવી ગયો, તેનું પણ તેમને ધ્યાન ન રહ્યું. સમીર એક ઝાડની ઓથમાં ઉભો રહી તેમની વાતો સાંભળવા લાગ્યો.

.

"વોટ? ફોર ગોડ'સ સેક સુપ્રિયા, વેર યુ ડ્રંક? તું પીધેલી હતી? આઈ કાન્ટ બીલીવ..! તને આ શું થઇ ગયું છે. કંટ્રોલ યોર સેલ્ફ યાર. અને જે કંઈ થયું તે સારું જ થયું છે ને? આટઆટલા વર્ષોથી જે ચાલતું હતું, તે બધું આખરે પૂરું થયું. યુ શુડ ફીલ બેટર નાઉ..!"

"પ્લીઝ નમિતા, મુક એ બધી વાત હવે. મુડ ખરાબ છે અત્યારે.." -ઉદાસ લલના બોલી પડી.

.

ઘણી વાર સુધી શાંતિ છવાયેલી રહી. તો એનું નામ સુપ્રિયા હતું. સમીર વિચારવા લાગ્યો. શું થયું હશે આની સાથે? કદાચ બ્રેક-અપ થયો હશે. આગળ કંઈ વિચારે ત્યાંજ તેને કાને સુપ્રિયાનો સુરીલો અવાજ પડ્યો.

“જબ ભી કિસીકો કરીબ પાયા હૈ
કસમ ખુદા કી વહીં ધોખા ખાયા હૈ.
ઈલ્ઝામ ક્યાં દે હમ કાંટો કો
ઝખ્મ તો હમને ફૂલોં સે પાયા હૈ.”

.

"વાહ, વાહ.." -સમીરને દાદ દેવાનું મન થયું. પણ તરત જ તેણે જાતને સંભાળી લીધી. એક તો કોઈકની વાત છુપાઈ છુપાઈને સાંભળવી, અને અડધી રાતે તે કંઈ કોઈની શાયરીને દાદ થોડી દેવાની હોય..! સમીર ત્યાંથી પાછો ફરી પોતાની રૂમ પર આવી ગયો.

.

સવારે ૬.૩૦ ની આસપાસ તેની આંખ ખુલી ગઈ. તેનો રૂમ-પાર્ટનર સંજય તો હજી સુતો જ હતો. થોડું જોગીંગ કરી આવવાનો વિચાર આવતા જ તેણે સ્પોર્ટ્સ શુઝ પહેરી લીધા. નીચે કેન્ટીનમાં ફ્રેશ લાઈમ જ્યુસ પી ને તે દરિયા-કિનારા તરફ નીકળી ગયો. સમુદ્રની ઠંડી રેતીનો આહલાદક સ્પર્શ થતાં જ તેણે શુઝ ઉતારી દીધાં, અને ઉઘાડા પગે રેતી પર ધીરે ધીરે દોડવા લાગ્યો.

સમીરને સમુદ્રનો અજબ જ લગાવ હતો. વિશાળ એવા સમુદ્રને જોઈ તેના પ્રત્યે તેના મનમાં માનની લાગણી ઉપસી આવતી. આટલી વિશાળતા...આટલી વિપુલતા..! છતાં ય જરા પણ ગર્વ નથી. તમે ક્યારેય પણ તેને મળવા જાઓ તો એની એ જ જગ્યા પર તે તમને સદાય મળશે જ. તમે તેની નજીક ગયા, કે તરત તે દોડતો દોડતો તમને સામેથી મળવા આવે, અને તમારા પગ પાસે આવી આળોટવા લાગે.

.

સમીર પોતાનાં જ વિચારોમાં દોડતો હતો, અને ત્યાં જ તેને સુપ્રિયા દેખાઈ. સમુદ્રની પેલી પાર શું છે, તે શોધવાનો પ્રયત્ન કરતી વ્યક્તિના ચહેરા પર જેવા ભાવ હોય, તેવા ભાવ સાથે સમુદ્રમાં નજર નાખીને તે ક્યાંક જોતી હતી.

શું કરવું? આગળની તરફ દોડતું રહેવું? કે પાછા ફરી જવું? સમીર નક્કી ન કરી શક્યો. આગળ જઈશ તો ઓળખાણ કાઢવી? કે તેની તરફ દુર્લક્ષ કરીને બાજુમાંથી પસાર થઇ જવું? એવી ગડમથલમાં તેણે પોતાની ઝડપ ઓછી કરી નાખી. અને તેટલામાં જ સુપ્રિયાની નજર તેની પર પડી. બંનેની નજર મળી. સમીરે આછેરું સ્મિત આપ્યું. પણ સુપ્રિયાના ચહેરા પર તો હતો... ફક્ત શૂન્ય ભાવ..!

સમીરને તો જાણે પોતે બોલિંગ કરી રહ્યો હોય તેવું લાગ્યું. પોતે બોલ તો ફેક્યો છે. હવે તે બોલને સ્ટ્રાઈક મળશે અને બોલ વેગ પકડશે? કે મિસ-હીટ થઈને બોલ બાજુની ગટરમાં જઈ પડશે? તેવી અનિશ્ચિતતામાં અમુક ક્ષણો સમીરને વીતતી જણાઈ. અને ત્યાંજ સુપ્રિયાના ચહેરા પર મંદ સ્મિત લહેરાયું. સમીરને જોઈ તેણે પોતાની જાતને સાંભળી લીધી.

"હાય..." -સમીરે અભિવાદન કર્યું

"હેલ્લો..." -સામેથી પ્રત્યુત્તર મળ્યો.

"આર યુ ઓકે?"

"હમમ...”

હવે આગળ શું બોલવું તે સમીરને સમજાયું નહીં, એટલે તેણે ઝડપ વધારી અને દોડવાની શરૂઆત કરી. પણ ત્યાં જ સુપ્રિયાનો અવાજ સંભળાયો,

"એક મીનીટ...!"

.

સમીરે પાછળ ફરીને જોયું. સૂર્યોદય હજી હમણાં જ થયો હતો. સુરજના કુમળા કિરણોના પ્રકાશને કારણે સુપ્રિયાના વાળમાં સોનેરી ઝાંય પડતી હતી. ચહેરા પર આવતી લટ મંદ મંદ પવનને કારણે હળવાશથી અહીંતહીં ઉડતી હતી. લટોને સંભાળવા જતાં કાંડામાં પહેરેલ બ્રેસલેટનો રણકાર સમીરને સાગરના ઘેરા સંગીત વચ્ચે પણ સંભળાતો હતો.

"સુપ્રિયા." -તેનાં અવાજે સમીર હોશમાં આવ્યો.

"હમમ..?" -તે પૂછી પડ્યો.

"સુપ્રિયા. મારું નામ," -કહેતા કહેતા સુંદર જલપરી જેવી દેખાતી એ લલનાએ પોતાનો હાથ આગળ કર્યો.

"ઓહ્હ, સમીર." -માંડ માંડ હોશ સંભાળતા એ મંત્રમુગ્ધ યુવાને પોતાનો હાથ લંબાવીને તેની સાથે હાથ મેળવ્યો.

.

તેના સ્પર્શને કારણે પોતાના પગ તળેની રેશમી રેતી સરકતી જતી હતી? કે પોતાને ફક્ત તેવો ભાસ થતો હતો..? સમીરને કંઈ સમજાયું નહીં.

.

"થેન્ક્સ..! એન્ડ સોરી ફોર યસ્ટરડે." -સુપ્રિયાએ વિવેક કર્યો.

"ઓહ..! ડોન્ટ બી. ઈટ વોઝ એ રિફ્લેક્ષ એક્શન." -સમીરે સામો વિવેક દાખવ્યો.

"આ...ઉ, તમારી રિફ્લેક્ષ એક્શન જો થોડી ય ખરાબ હોત, તો હું તો નીચે જ પડી ગઈ હોત." -બોલતા બોલતા સુપ્રિયા હસી પડી.

તે પછી વાતોનો દોર આગળ વધ્યો. પાંચ-દસ મીનીટ અહીંતહીંની વાતો કરી બંને એકમેકથી છુટ્ટા પડ્યા.

.

સમીર રિસોર્ટ પરની પોતાની રૂમ પર આવ્યો ત્યારે તેની ખુશી મનમાં સમાતી ન હતી. અને જેમ દરેક યુવાન કરે છે, તેમ તરત જ તેણે સંજય અને તેનાં ઓફીસના બીજા યુવાન મિત્રોને સુપ્રિયા સાથે થયેલ પોતાની ઓળખાણ અને વાતચીતની વિગતવાર વાત કરી દીધી.

.

ન્હાવાધોવાનું પતાવીને સમીર અને તેની ગેંગ નીચે કેન્ટીનમાં દાખલ થયા, તો સુપ્રિયા અને તેની સખીઓ ત્યાં પહેલેથી જ મોજુદ હતી. પોતાના મિત્રો સાથે સુપ્રિયાની ઓળખાણ કરાવવાના ઈરાદા સાથે સમીર વારંવાર તેના ટેબલ તરફ જોતો હતો, પણ સુપ્રિયાનું ધ્યાન તેની તરફ પડતું જ ન હતું. સમીર થોડો અસ્વસ્થ થઇ ગયો, અને તેની આ બેચેની તેના દોસ્તોની નજરથી છુપી ન રહી. બધા ય તેની ફીરકી તાણવા લાગ્યા. સુપ્રિયાનું ધ્યાન તેમની તરફ ખેચાય તેવા અવાજે બધા ય બોલવા માંડ્યા-

"અરે હાય..! સમીર ક્યારે આવ્યો તું? મેં તો તને જોયો જ નહીં...!"

"શું સમીર? મોર્નિંગ વોક માટે એકલો જ નીકળી પડ્યો કે? અમને જગાડ્યા પણ નહીં? અત્યારથી જ દોસ્તીમાં તિરાડ પડવા લાગી, આ તો..!"

"કભી તો નજર મિલાઓ, કભી તો કરીબ આઓ..." -એક જણ તો ગીત જ ગાવા લાગ્યો.

આ બધી મજાક-મસ્તીમાં એક દોસ્તના હાથનો ધક્કો લાગવાથી ટેબલ પરની ડીશ નીચે પડવાની હતી, કે સમીરે તરત જ તેને પકડીને ફરી ટેબલ પર મૂકી અને બોલી પડ્યો- "ધ્યાન રાખ યાર.. હમણાં ડીશ પાડી નાખી હોત..!"

.

પછી તો જોઈએ જ શું?

પેલા યુવાને સામે હસતાં હસતાં જવાબ વાળી દીધો- "યાર સમીર તારી રિફ્લેક્ષ એક્શન બહુ સ્ટ્રોંગ છે હો. તું સાવચેત ન રહ્યો હોત, તો સાચે જ નીચે પડી ગઈ હોત, આ ડીશ યાર.. ડીશની વાત કરું છું હું..!"

અને બધા હસવા લાગ્યા.

.

સમીરને તો મરવા જેવું લાગ્યું. ક્યાં આ અળવીતરાઓને બધી વાત કરી. તે તો બસ નીચી મુંડી કરીને ખાતો જ રહ્યો. તીરછી નજરે તેણે સુપ્રિયા તરફ જોયું. તે ટેબલ પરથી ઉઠી રહી હતી. જતાં જતાં તેણે સમીર તરફ એક નજર નાખી, અને એક ક્યુટ સ્માઈલ આપીને ત્યાંથી નીકળી ગઈ. તેના એ નાના એવા સ્મિતે સમીરના મન ઉપરના મણભરના ભારને ઉતારી નાખ્યો. અને તે ફરી પાછો ખુશનુમા મુડમાં આવી ગયો.

.

તે પછીના એક બે દિવસ એમ જ વીત્યા. હળવા કટાક્ષો, આવતા-જતાં હાય-હલ્લો, ક્યારેક મોર્નિંગ વોક, પર તો ક્યારેક માર્કેટમાં. બધું અનપેક્ષિત અને તોય જાણે બધું પૂર્વયોજિત હોય તેવું. એક દિવસ સમીરે તે ટોપિક કાઢ્યો.

"સુપ્રિયા, તે દિવસે તને શું થયું હતું? તબિયત બરાબર નહોતી કે?”

"નો, સમથીંગ એલ્સ. ઇટ્સ પર્સનલ."

"ઓહ. જો તારે ન કહેવું હોય તો... ઇટ્સ ફાઈન."

થોડી વારની ચુપકીદી બાદ તે બોલી,

"ઈટ ઇસ નોટ ઇઝી વેન ધ રિલેશન્સ બ્રેક. સ્પેશીયલી વેન યુ વેર ટાઇડ ટુ સમવન ફોર સો મેની યર્સ."

"ઓહ યસ. રાઈટ. બોય-ફ્રેન્ડ?" -સમીર પોતાની ઉત્સુકતા દબાવી ન શક્યો.

"નો. આઈ ડોન્ટ હેવ બોય-ફ્રેન્ડ. ઇટ્સ માઈ પેરેન્ટ્સ. એ લોકો છુટ્ટા પડ્યા. છેલ્લા ૧૦ વર્ષથી હું જબરદસ્ત પ્રેશરમાં જીવી રહી હતી. એ લોકોમાં મતભેદો હતા. તે દિવસે મારા પાપાએ મને એસએમએસ મોકલ્યો હતો, કે તેઓએ છુટ્ટા પડવાનો નિર્ણય લોધો છે. સમીર, સાચે જ બહુ મુશ્કેલ છે આ બધું સમજવું કે સમજાવવું.

ચલ પડી હૈ કશ્તીયાં, સમંદર..! દુર હૈ કિનારા
ઇસ મઝધાર સે પુછ લેના ક્યા હાલ હૈ હમારા
બિખર જાતે ઉસી દિન હમ કહીં
અગર સાથ ન હમે મિલતા તુમ્હારા..!“

.

સમીર તેની શાયરીનો સાચે જ ફેન થઇ ગયો હતો. શાયરીનો જ નહીં, તે તો આખેઆખો તેનો જ ફેન થઇ ગયો હતો. તેનું હસવું, તેનું બોલવું, ચહેરા પર આવતી લટોને સંભાળવી, તેના હાથનું બ્રેસલેટ, ઈયર-રિંગ્સ, તેને ગમતાં મુવીઝ, ટીવી-શોઝ, કાર્ટુન, બુક્સ, સોંગ્સ..તેનું બધું જ સમીરને ગમવા લાગ્યું હતું. સાચું પૂછો તો મનથી, એકદમ મનથી તેને સુપ્રિયા ગમવા લાગી હતી. તેનું રિઝર્વ્ડ રહેવું...દસ વખત વિચાર કરીને તેનું બોલવું...બધું સમીરને ઇમ્પ્રેસિવ લાગતું હતું.

.

શનિવાર...તે ત્યાં અલીબાગ-રિસોર્ટમાં સમીરનો છેલ્લો દિવસ હતો. અને એ પહેલાં જ તે સુપ્રિયા સામે પોતાના પ્રેમની કબુલાત કરવાનો હતો. પણ તેનું મન સાથ નહોતું દેતું. ચાર દિવસની આ મુલાકાતો થકી ઉત્પન્ન થયેલી એ ભાવનાઓ, તે પ્રેમ જ છે? કે ફક્ત આકર્ષણ? તેને સમજાતું નહોતું કંઈ. અને જો તે પ્રેમ જ હોય તો ય.. જ્યાં પોતે જ પોતાના મનને કન્વીન્સ નહોતો કરી શકતો, ત્યાં તે સુપ્રિયાને ક્યાં કન્વીન્સ કરી શકવાનો હતો?

પણ ત્યાં જ તેના મનનો બીજો હિસ્સો સામે દલીલ કરતો કે, "અરે પાગલ, તને સમજાતું કેમ નથી? તેને પણ તું ગમે જ છે ને? તે પણ તને પ્રેમ કરતી જ હશે. હવે ગઈકાલનો જ દાખલો લે ને. કાલે ડાઈનીંગ-હોલમાં કેટલી ગર્દી હતી? તોય સુપ્રિયા અને તેની સહેલીને તારી સામે જ સીટ મળી. એ શું બધું યોગાનુયોગ સમજવાનું? તને લાગતું નહોતું કે જમતી વખતે તે વારે વારે તારી તરફ જોતી હતી? તેની તે બેનમુન શાયરીઓ..! તે શું ફક્ત તેની ફ્રેન્ડઝને સંભળાવતી હતી? કે તે બધી ફક્ત તારા માટે જ હતી? આ બધાનો કંઇક તો અર્થ નીકળે જ છે. આ બધું, ફક્ત મનનું એક છળ સમજીને શા માટે જતું કરવાનું?"

.

શુક્રવારે, રાત આખી સમીર વિચાર કરતો રહ્યો કે સુપ્રિયાને શું કહેવું અને કેમ કહેવું. હું આમ કહીશ તો તે આમ જવાબ દેશે. તે આમ જવાબ દે, તો મારે શું કહેવાનું? આ બધાનો તેણે પહેલેથી જ વિચાર કરી રાખ્યો. દસ-બાર વખત આરીસાની સામે ઉભાર રહીં તેણે પોતાના પ્રતિબિંબની સામે રીહર્સલ કરી લીધું. સુપ્રિયાની સામે તેની જ સ્ટાઈલમાં પ્રોપોઝ કરવાનું તેણે નક્કી કરી લીધું. એક કાગળ-પેન લઈને ખુબ વિચાર કરીને તેણે એક શાયરી ય બનાવી લીધી-

"આંખે ખુલી હો તો ચહેરા તુમ્હારા હો,
આંખે બંધ હો તો સપના તુમ્હારા હો,
મુજે મૌતકા ડર ભી ન હો, મેરે કાતિલ..!
અગર કફન કી જગહ, દુપટ્ટા તુમ્હારા હો."

.

શનિવારે તો પરોઢિયે જ તેની ઊંઘ ઉડી ગઈ. બહાર હજી અંધારું હતું. ખુબ આતુરતાપૂર્વક તે ૬.૩૦ વાગવાની વાટ જોતો રહ્યો કે- ક્યારે ટાઈમ થાય અને જોગીંગ કરવા જાઉં. ત્યાં તે મળશે એટલે ત્યાં જ તેને બધું કહીને પુછી લઈશ, -આવો બધો પ્લાન કરી રાખ્યો હતો. એક એક પળ તેને યુગ યુગ જેવી લાંબી લાગતી હતી. અંતે ૬.૩૦ વાગ્યા કે બહાર નીકળતા પહેલા તેને વિચાર આવ્યો, કે કદાચ આજે સુપ્રિયા ત્યાં દરિયા કિનારે આવશે જ નહીં તો? તેની કરતા ફોન કરીને તેને બોલાવી જ લઉ.

તરત જ ઇન્ટરકોમ પર તેનો રૂમ નંબર ૬૦૨ તેણે જોડ્યો. કેટલી ય વાર સુધી રીંગ વાગતી રહી. પણ કોઈએ ફોન ઉપાડ્યો જ નહીં..! [ક્રમશ:]
.

અશ્વિન મજીઠિયા..

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED