મહેંકી રાત સોહાગની
લેખક: અશ્વિન મજીઠિયા
ફોન: ૯૮૭૦૪૨૮૮૦૪
ઈમેલ: mmashwin@gmail.com
"આવ ચાંદની.. બેસ.."
"હમમ્..."
.
"કેમ કંઈ બોલતી નથી.. ?
"હમમ્..."
.
.
.
"બોલ.. શું ચાલશે? ચા? કોફી? ઠંડુ..?”
"ચાર વર્ષનાં આપણા અફેર બાદ પણ તારે જો મને પૂછવું પડે કે શું ચાલશે.. તે આપણા આ રીલેશનશીપની બદનસીબી જ કહેવાય.."
"ચાંદની.. "
"રિલૅક્સ..! શું ફાયદો છે હવે સફાઈ દેવામાં?”
"વેલ.. તને ખબર તો છે મારા ઘરનાં વાતાવરણની.."
"હા.. અને એટલે જ આજે તેં મને અહીં બોલાવી છે.. આપણા આ રીલેશનશીપને વિધિવત્ અંજામ દેવા..! "
"ચાંદની મેં.. મેં ફૂલ-ટ્રાઈ કરી મારા પેરેન્ટ્સને મનાવવાની.. બટ યુ સી..?”
"એની વે.. તો હવે શું પ્લાન છે?”
"વોટ એલ્સ કેન બી ડન? તેમની પસંદગીની છોકરી સાથે લગ્ન કરી લઈશ. કાન્ટ હેલ્પ..!"
"ઓહ ઈઝ ઈટ..? મારી કંઈ હેલ્પ જોઈતી હોય તો કહેજે."
"ચાંદની, ટ્રાઈ ટુ અન્ડરસ્ટેન્ડ મી.”
"ચાર વર્ષ એ જ ટ્રાઈ કરી હતી.. બટ આઈ ફેઈલ્ડ ટુ અન્ડરસ્ટેન્ડ યુ..!"
"પ્લીઝ ચાંદની.."
"ચલ હું નીકળું હવે.."
"આટલું જલ્દી..? બેસ ને થોડી વાર...છેલ્લી વાર.."
"કેમ..? હજી લાલસા બાકી છે કોઈ...?”
"જો..હું તારી ફીલિંગ્સ સમજી શકું છું."
"હોઆઉ..! ધેટ'સ ગ્રેટ..! ચલ બાય."
"ચાંદની.. થોડી વાર..”
"બાય..ગુડ બાય ..વન્સ ફોર ઓલ.."
.
.
"ઉપરવાળાએ જોડકાં બનાવવામાં પણ એટલો સમય નહીં લીધો હોય કે જેટલો આ સાહેબ તેનાં સર્ટીફીકેટ બનાવવામાં લગાડે છે." -મેરેજ રજીસ્ટ્રારની ઓફિસમાં વાટ જોઈ જોઇને થાકેલું કોઈક બડબડી ઉઠ્યું.
"લગ્ન કરવા માટે કેટલાં ઉતાવળા થઇ રહ્યા છે આ લોકો.." -લાલ શેરવાનીનાં બોજા હેઠળ દબાયેલ, આર્ટિસ્ટ અને ડીઝાઈનર સોહાગનાં ચહેરા પર એક વ્યંગભર્યું સ્મિત રેલાઈ ગયું, કારણ..
તેને તો કોઈ ઉતાવળ નહોતી લગ્ન કરવાની. તેનું ચાલત તો, તે આખો જન્મારો લગ્ન જ ન કરત.
પણ તેનાં પપ્પા એવા હતાં કે બસ.. આખો દિવસ એક જ રેકોર્ડ વગાડે રાખતા હતાં-
"૨૯ વરસનો થઇ ગયો છો તું, હવે લગ્ન નહીં કરે તો ક્યારે કરીશ? ને ઉપરથી તારી આ ડ્રોઈંગ ટીચરવાળી નોકરી...! અરે, હવે તો ઠેકાણા ય આવવાનાં બંધ થઇ ગયા છે.”
.
"ઓહ્હો.. ડ્રોઈંગ નથી શીખવાડતો પપ્પા, ડીઝાઈનીંગ શીખવાડું છું..” -સોહાગ દર વખતે તેમને સમજાવતો.
"હા, હા, એ જે હોય તે.. સમાજમાં મોઢું દેખાડવા લાયક નહીં રાખે તું અમને.." -પપ્પા મોઢું મચકોડીને જવાબ આપતાં.
સોહાગને કળા, એટલે કે આર્ટસ પ્રત્યે એટલો લગાવ એટલો પ્રેમ હતો... કે તેનાં મનમાં બીજા કંઈ માટે કોઈ જગ્યા જ નહોતી બચી. લગ્ન તો તેને એ એક જવાબદારીની પોટલી સમાન જ લાગતા.
તે તો લગભગ એવું જ માનતો, કે કલાત્મકતા મોટેભાગે જવાબદારીઓનાં બોજ હેઠળ દમ તોડી દેતી હોય છે. યાર... કેનવાસ, રંગ અને પીંછીમાં રમતું મન, કોઈ દિવસ દૂધ..બ્રેડ..કાંદા-બટેટામાં અટવાઈ શકે ખરું?
પણ દર ત્રીજા દિવસે પપ્પાની કટુવાણી સાંભળવીય તેને પસંદ નહોતી આવતી..એટલે લગ્ન માટે તેણે આખરે હા પાડી જ દીધી.
પણ તેણે શરત મૂકી, કે રજીસ્ટર્ડ-મેરેજ જ કરવાનાં અને હા..જે પહેલી છોકરી તેને જોઇને હા પાડી દે, તેની સાથે તે લગ્ન કરી લેશે..બાકી દસ-દસ છોકરીઓ જુઓ, તેની સાથે મુલાકાતો કરો, ફરવા જાઓ, એક બીજાને ચકાસો, વગેરે વગેરેની પીંજણમાં તેને પડવું નહોતું.
પપ્પા સાથેની આ વાતનાં લગભગ બે મહિનાં બાદ તે રજીસ્ટ્રાર-ઓફ-મેરેજની ઓફિસમાં બેઠો હતો. અને બાજુમાં એટલા જ આરામથી બેઠી હતી, ચાંદની..સોહાગની ભાવી પત્ની.
.
ચાંદનીને પણ કોઈ જ ઉતાવળ નહોતી લગ્ન કરવાની.
સાચી વાત તો એ હતી, કે ચાર વર્ષ લાંબા એફેરનાં બ્રેક-અપ બાદ આવા કોઈ પણ સંબંધ પરથી તેનો વિશ્વાસ ઉઠી ચુક્યો હતો.
ચાંદની એક બેંકમાં ઓફિસર હતી અને તે પણ ઇચ્છત તો લગ્ન ન કરત..પણ તેનાં મમ્મી-પાપાનાં દવાનાં લીસ્ટની સતત વધતી જતી લંબાઈનું કારણ તે સારી રીતે સમજી શકતી હતી.
અને એટલે જ..તેણે લગ્ન માટે હા તો પાડી દીધી.
પણ તેની ય એક શરત હતી, કે પોતાનાં આ નિષ્ફળ પ્રેમ-કિસ્સાની વાત તે પોતાનાં ભાવી પતિથી છુપાવશે નહીં.
.
આખરે રજીસ્ટ્રારે સોહાગ સોમૈયા અને ચાંદની ચૌહાણનું નામ પોકાર્યું, અને થોડી જ મીનીટોમાં બંને મેરેજ-રજીસ્ટરમાં સહી કરી રહ્યા હતાં.
બંનેનાં ચહેરાં પર એક વિચિત્ર સ્મિત રમી રહ્યું હતું.
કારણ કે આ લગ્નનાં સહુથી મુખ્ય અને મહત્વના કૉલ્ઝ પર તો બંનેએ તે જ દિવસે મૌખિક સહી કરી દીધી હતી, કે જે દિવસે તેઓ પહેલી વાર મળ્યા હતાં.
.
"જુઓ.. મારો આની પહેલાં પણ એક એફેર હતો..ચાર વર્ષ ચાલ્યો.. તેને પોતાનાં માતાપિતાની મરજી વિરુદ્ધ લગ્ન કરવા કરતાં, મારી સાથેનો સંબધ કાપવો વધુ સહેલો લાગ્યો હતો. સાચું કહું તો.. હવે મને કોઈ પણ સંબંધથી કોઈ જ આશા નથી અને હું યે એવું જ ઈચ્છીશ, કે મારી પાસેથી યે કોઈ કંઈ વધુ આશા ન રાખે. ફક્ત અને ફક્ત મારાં માબાપનું મન રાખવા જ મેં લગ્ન માટે હા પાડી છે." -ચાંદનીએ પહેલી જ મુલાકાતમાં સોહાગને આ વાત કરી દીધી હતી.
કોઈ બીજો છોકરો હોત તો ત્યાંથી ભાગી જ ગયો હોત,
પણ ચાંદનીનાં આ શબ્દો સોહાગને કાનમાં રણકાર જેવા મીઠા લાગ્યા. ચાંદની તો એ જ બધું કહી રહી હતી, કે જે સોહાગના મનમાં હતું.
તેણે હસીને એટલું જ કહ્યું હતું, - "કબુલ છે"
.
એની વે...
બંનેએ રજીસ્ટર પર સહી કરીને લગ્ન તો કરી લીધા, પણ સંબંધો ફક્ત કાગળ પર સહી કરવાથી થોડા જ બંધાય છે?
તેનાં માટે તો મનનો મેળાપ જરૂરી હોય છે. પણ અહિયાં તો મન-મેળાપનો તો કોઈ અવકાશ જ નહોતો.. બેઉની વચ્ચે પેલી 'સમજુતી' જે થઇ હતી ને...!
.
સામાન્ય રીતે લગ્ન પછી શરૂઆતનાં મહિનાઓમાં તો ઐશ જ હોય છે,
પણ અહિયાં આ લગ્નમાં ઐશની જગ્યાએ સ્પેસ હતી.
ઘણી બધી સ્પેસ..!!
સોહાગનાં બે બેડરૂમનાં ફ્લેટમાં એક બેડરૂમને સોહાગે પોતાનો સ્ટુડિયો બનાવ્યો હતો અને બીજા બેડરૂમમાં સામસામી દીવાલોને અડીને બે અલગ-અલગ પલંગ હતાં.
ન તો ચાંદનીએ આ બંને પલંગને જોડવાની કોઈ કોશિષ કરી, કે ન તો સોહાગે.
ખૂણાની બારીમાંથી રાત્રે બેડરૂમમાં રેલાતો ચંદ્રનો પ્રકાશ.. બસ ચાંદનીનાં પલંગ સુધી જ સીમિત રહેતો.
ક્યારેય સોહાગનાં પલંગ સુધી પહોચતો જ નહીં.
અને સોહાગને તેની ખોટ પણ ન સાલતી..
ચંદ્ર-પ્રકાશમાં ચમકતો ચાંદનીનો લાવણ્યમય ચહેરો સોહાગનાં હૈયા પર કામણ કરવામાં વિફળ રહેતો, કારણ તે તો બસ પોતાની જ દુનિયામાં મસ્ત રહેતો.
રાત આમને આમ જોગણ જેવી આવતી અને વિરહણ જેવી ચાલી જાતી.
સવારે રસોયણ આવતી અને રસોઈ બનાવી જતી.
બંને પાસે ઘરની પોતપોતાની અલગ અલગ ચાવીઓ હતી.
પોતાની મરજીથી તેઓ ઘરે આવતાં અને પોતાની મરજીથી જતાં.
.
આ સ્પેસ પણ બહુ વિચિત્ર વસ્તુ છે..
જો ન હોય તો ગૂંગળાઈ જવાય અને જો બહુ વધુ હોય તો એકલતાનો અહેસાસ કરાવી જાય.
સોહાગ જો ઘરમાં હોય, તો મોટેભાગે તેનાં સ્ટુડીઓમાં જ રહેતો અને ચાંદની...
ટીવીની સામે.
હા, કોઈ કોઈ વાર સાંજની ચા બંને સાથે પી લેતા, અથવા તો બહાર ડીનર લેવા સાથે જતાં ખરા..!
બેઉની પસંદ અલગ હતી.. લાઈફ-સ્ટાઈલ પણ અલગ હતી..
જો કે બેઉ કોઈ દિવસ કોઈ ફરિયાદ ન કરતાં.
પોતાની વચ્ચે આશાઓની વેલને ઉછેરવા ન દેવાનો ફેસલો બંનેએ સાથે મળીને જ કર્યો હતો ને..!
એ નાનાં એવા ઘરમાં જો બંને એકબીજા સાથે કોઈ વાર ભૂલથી ટકરાઈ પણ જતાં, તો ખુબ જ ઈમાનદારી પૂર્વક પોતાની જાતને સંકોરી લેતા.
બંને એટલા માટે પણ ખુશ હતાં, કે હવે લગ્નને લઈને પોતપોતાના ઘરવાળાઓનાં મહેણા નહોતા સાંભળવા પડતાં.
.
આમ ને આમ લગ્નને આઠ મહિનાં વીતી ગયા હતાં.
અને તે દરમ્યાન આ બંને પોતપોતાના ખુણાઓને પોતાની રીતે સજાવવા લાગ્યા હતાં.
પણ રાતે ઓરડામાં રેલાતી ચાંદનીમાં ભીંજાવાનો હજુ સુધી કોઈ પ્રયાસ...ન તો સોહાગે ક્યારે ય કર્યો..કે ન તો તેની આ 'સમજુતી'વાળી પત્નીએ.
તેણે ક્યારે ય કોઈ એવી પહેલ કરીને તેનાં આ સગવડિયા લગ્નને સાચું સ્વરુપ આપવાનો કોઈ પ્રયત્ન નહોતો કર્યો. ચાંદનીએ પોતાની ચાંદની રેલાવવાનો ક્યારેય મનમાં વિચાર પણ નહોતો આણ્યો.
બંને પોતપોતાની રીતે સંતુષ્ઠ અને ખુશ હતા.
પરંતુ આ ખુશીઓ હોય છે..બહુ જ બેવફા.
બેઉ સાથે સાથે પણ હતાં, અને અલગ અલગ પણ.
જો કે બંને કોઈ ને કોઈ બહાને સાથે રહેવાની કોશિષ જરૂર કરતાં.
ઘરવખરી ફર્નીચર વગેરે...હવે બને સાથે મળીને જ ખરીદવા લાગ્યા હતાં.
.
રવિવારની એક સવારે જયારે ચાંદની ઉઠીને જોયું, કે સોહાગ ડ્રોઈંગરૂમની ભીંતની સામે એકટશ નજરે જોઈ રહ્યો હતો.
"આજે આ ભીંતનું આવી બન્યું લાગે છે" -ચાંદનીએ સોહાગની પાછળ ઉભા રહીને કહ્યું.
"અરે નહીં નહીં નહીં.. કાલે હું વલ્લભ ભગતની એક ઓરીજીનલ પેઈન્ટીંગ જોઈ આવ્યો છું. બહુ મુશ્કેલીથી પાંત્રીસ હજારમાં તે માન્યો છે. આજે જઈને લઇ આવું છું. અહીં જ લગાડશું..!"
ચાંદનીની તો આંખો જ પહોળી થઇ ગઈ.
પાંત્રીસ હજારની પેઈન્ટીંગ ?
"પણ... આજે તો આપણે ડાઈનીંગ ટેબલ ખરીદવા જવાના હતાં ને..?"
"ચાંદની.. ડાઈનીંગ ટેબલ તો આવતા મહીને પણ લઇ શકાશે. ઓરીજીનલ પેઈન્ટીંગને હાથમાંથી ન જવા દેવાય..!"
ચાંદની કંઈ બોલી નહીં. બસ રસોડામાં જઈને ચા બનાવવા લાગી.
લગ્ન-જીવનમાં ફરિયાદ કરવાનો હક્ક તો પેલી સમજુતીએ તેમની પાસેથી જાણે કે સાવ છીનવી જ લીધો હતો.
.
લંચ બાદ સોહાગ પેઈન્ટીંગ ખરીદવા ચાલ્યો ગયો.
સાંજે તે જયારે પાછો ફર્યો તો ઘરમાં આવતાજ તે દંગ રહી ગયો.
તેની સામે એક નવું-નકોર ફોર-સીટર ડાઈનીંગ ટેબલ પડ્યું હતું અને તેની પર બેસીને ચાંદની ચા પીતી હતી.
"ચાંદની..! આ ટેબલ?"
"મારી પાસે થોડા પૈસા હતાં, તો મેં વિચાર્યું કે હું જ આ ખરીદી લાવું."
સોહાગના ચહેરા પરથી સાફ જણાઈ આવતું હતું, કે તેનો અહં ઘવાયો હતો.
.
"ચાંદની.. આ ડાઈનીંગ ટેબલ છે, કોઈ કાંદા-બટેટા નથી. આપણે સાથે જઈને તે ખરીદી શકતા હતાં..!"
"સોહાગ, મને આ ટેબલ આજે જ જોઈતું હતું. જો, હું તારી કોઈ જવાબદારી નથી, અને તારી પર મારે કોઈ બોજો પણ નહોતો નાખવો. આપણી વચ્ચેની સમજુતી યાદ છે ને..?" -ચાંદનીએ તોરમાં આવીને કહ્યું.
સોહાગને ખીજ આવી ગઈ.
"ઓહ..હા, હું તો ભૂલી ગયો હતો કે આ મેરેજ નહીં, બસ એક સમજુતી જ છે. આ ઘરમાં આપણે બંને બે રૂમ-મેટ રહી રહ્યા છીએ. યાદ દેવડાવવા બદલ થેન્ક્સ..!"
આટલું કહી સોહાગ પગ પછાડતો પોતાનાં સ્ટુડીઓમાં ઘુસી ગયો.
.
તે દિવસ બાદ બંને વચ્ચે ફરિયાદોનો દોર શરુ થઇ ગયો.
બેઉ પોતપોતાની વચ્ચેની આ સ્પેસથી હવે જાણે કે, ધરાઈ ગયા હતાં..કંટાળી ગયા હતાં.
સોહાગનાં અનિયમિત ટાઈમ-ટેબલ પર ચાંદની કટાક્ષ કરતી,
તો ચાંદનીનાં રોજનાં મસાલેદાર ખાવાને સોહાગ ઝેર સમાન ગણાવતો.
ચાંદનીની મનપસંદ ટીવી સીરીયલની સોહાગ ત્યાં સુધી મજાક ઉડાવે રાખતો, કે જ્યાં સુધી ચાંદની ગુસ્સામાં આવીને ટીવી બંધ ન કરી દેતી.
સામે પક્ષે ચાંદનીયે સોહાગની પેઈન્ટીંગ્સને ‘સેન્સ-લેસ’ કહેતી.
.
બે મહિનામાં તો બંને તે હદ પર પહોંચી ગયા, કે બંને એક બીજાને હવે સહન નહોતા કરી શકતા.
સોહાગ ઇન્સ્ટીટયુટથી આવીને સીધો પોતાનાં સ્ટુડીઓમાં ઘુસી જતો.
તો ચાંદની હવે તેનો પૂરેપૂરો ફાજલ સમય ટીવીની સામે વિતાવવા લાગી.
.
આમ, બંનેમાં હવે તો બોલચાલેય સાવ બંધ થઇ ચુકી.
પોતપોતાની ચા પણ તેઓ પોતે જ અલગ અલગ બનાવી લેતા.
બે રૂમ-મેટની બદલે હવે તેઓ બસ બે અજાણી વ્યક્તિઓ જેવા જ બનીને રહી ગયા.
.
એવામાં એક દિવસ..
ચાંદનીએ સોહાગનાં સ્ટુડીઓમાં ઘૂસીને કહ્યું -"સોહાગ, મેં જયપુરમાં ટ્રાન્સફર લઇ લીધી છે."
પોતાનાં લેપટોપ પરથી નજર હટાવ્યા વિના જ સોહાગ બોલ્યો- "ચાલો સારું જ છે. એકબીજાને હેરાન કરવાને બદલે, સારું છે કે બેઉ અલગ-અલગ જ રહીએ..!"
"સોહાગ આપણે આપણા પેરેન્ટ્સએ કહી દેશું કે અમારી પાસે બીજો કોઈ ઓપ્શન જ નહોતો. ટ્રાન્સફર લેવી ટાળી શકાય તેમ ન હતી"
"હમમ.. ઓપ્શન તો છે. ડિવોર્સ..! આ સંબંધથી કાયમની મુક્તિ..!" -સોહાગનાં અવાજમાં એક અજબ પ્રકારની ખટાશ હતી.
"નહીં સોહાગ, ડિવોર્સ તે એક ઓપ્શન નથી. જો આપણે આ સંબંધને પૂરો કરી નાખશું, તો આપણા માબાપ આપણને ફરી કોઈ નવા સંબંધમાં જોડવાનો પ્રયત્ન કરશે. અને મારાથી નહીં થાય તે બધું, હવે ફરી પાછું..!"
"યસ. વાત તો તારી સાચી લાગે છે. ક્યાં અને ક્યારે જવાનું છે ત્યારે..?" -સોહાગે પૂછ્યું.
"જયપુર. ૧૫મી જુને." -ચાંદનીએ ધીમે રહીને જવાબ આપ્યો.
.
જયપુરમાં જોઈન કરવા માટે ચાંદની પાસે હજી એક મહિનો બાકી હતો. ધીરે ધીરે તે પોતાનો સમાન સમેટવા લાગી.
પણ આ જીંદગી યે એવી છે કે..
તે કરે છે તેવું જ, કે જે તેને મંજુર હોય.
.
એક સવારે ચાંદનીની ચીસ સાંભળી સોહાગ બાથરૂમની તરફ દોડ્યો.
ચાંદની બાથરૂમમાં પડી ગઈ હતી.
ડોકટરે કહ્યું કે તેની ડાબી એડીમાં એક પાતળી એવી તિરાડ પડી ગઈ છે.
પછી પ્લાસ્ટર લગાવીને તેણે ચાંદનીને ત્રણ અઠવાડિયાનો બેડ-રેસ્ટ કરવાનું કહ્યું.
સોહાગનો સહારો લઈને ચાંદની લંગડાતી લંગડાતી ઘરે આવી, ત્યારે પહેલી વારે તેણે જોયું કે સોહાગનાં બાવડા સ્નાયુબદ્ધ, અને ખભ્ભા મજબુત..પહોળા હતાં.
.
બીજે દિવસે સોહાગ કામે ન ગયો. બસ
..ચાંદનીની આસપાસ તે ફરતો રહ્યો.
વારે ઘડીએ તે ચાંદનીને કહેતો -"ચાંદની કંઈ જોઈતું હોય તો કહેજે.."
.
તે રાતે પીડાને કારણે ચાંદનીની હાલત ખરાબ હતી.
સોહાગ પણ પોતાનાં પલંગ પર બેસીને લેમ્પ ચાલુ રાખીને, રાત આખી ચોપડી વાંચતો રહ્યો.
.
સવારે દરદ થોડું ઓછું થયું.
ચાંદનીને બ્રેક-ફાસ્ટ કરાવીને સોહાગ જયારે ઓફીસ જવા લાગ્યો,
તો ચાંદનીએ પૂછ્યું- "જલ્દી આવી શકાશે કે? તારા સહારા વગર તો હવે હું એક ડગલું ય નથી ચાલી શકતી."
ચાંદનીનાં હાથમાં તાજું છાપું આપીને સોહાગ બોલ્યો- "મેં રસોયણ બાઈને કહી દીધું છે. વચ્ચે વચ્ચે આવીને તે જોઈ જશે. અને હા, શીખી જવાશે એકલું રહેતાં. આગળની યાત્રા તો તારે હવે એકલા રહીને જ કરવાની છે ને..!"
.
તે દિવસે સાંજે સોહાગ કોલેજથી જલ્દી આવી ગયો.
પલંગ પર ઓફીસની કોઈ ફાઈલ વાંચતી ચાંદનીને તેણે અચાનક પૂછ્યું-
"સાંભળ.. બોર થાય છે કે શું ? ચેસ રમવું છે ?"
"ચેસ? મને નથી આવડતું રમતા."
"હું શીખવાડી દઈશ તને..અને બહુ ખરાબ રીતે નહીં હરાવું તને. પ્રોમિસ...!" -સોહાગ જાણતો હતો, કે ચાંદનીને ચેલેન્જ પસંદ હતી.
બસ..
પછી તો પૂછવું જ શું..!
રોજ સાંજે શતરંજની બિછાત પથરાવા લાગી.
.
સોહાગ શરૂઆતનાં દિવસોમાં તો ચાંદનીને આરામથી હરાવી દેતો
પરંતુ પછી રહેતા રહેતા તેને પોતાને પણ જીતવા માટે ઘણી મહેનત કરવી પાડવા લાગી.
અને આવી એક એક હારથી ચાંદની વધુ ને વધુ ઉત્તેજિત થઇ જતી.
"એક દિવસ તને હરાવીશ જરૂર.. જોજે.."
અને સોહાગ પણ હસતા હસતા કહેતો.. "હઝારો ખ્વાહિશે ઐસી.. કે હર ખ્વાહીશ પે દમ નીકલે.."
.
સોહાગ જયારે ઓફીસ ચાલ્યો જતો તો ચાંદની પોતાના લેપટોપ પર ચેસ રમવાની પ્રેક્ટીસ કરતી.
નીતનવી ચાલ વિચારતી, અને અધીરાઈ પૂર્વક વાટ જોતી, સોહાગનાં પાછા ફરવાની.
.
બંને વચ્ચે વાતો થતી, તો ફક્ત અને ફક્ત ચેસને લગતી.
પણ હવે..બંને એકબીજાની સામે જોઈ સ્મિત રેલાવવા માંડ્યા હતા.
એકબીજાને છેડતીય કરવા લાગ્યા હતા.
સોહાગ હસીને કહેતો- "ચાંદની તું ચેસ-એડીક્ટ થવા લાગી છો..વ્યાસન લાગી રહ્યું છે તને..!"
.
એક સવારે આરીસા સામે દાઢી કરતાં કરતાં સોહાગ આરીસાની સામેથી નજર નહોતી હટાવી શકતો. આરીસામાં તેને પોતાનું અને પલંગ પર બેસેલી ચાંદની..બંનેનાં પ્રતિબિંબ એક સાથે દેખાઈ રહ્યા હતા.
તેના મનમાં એક અજબની હરકત થઇ આવી અને તે મનોમન દબાયેલા અવાજે બોલ્યો-
"કાશ.."
અને પછી અચાનક હસીને બોલી પડ્યો- "ધત્ત..!"
બે અઠવાડિયા બાદ ચાંદની ઓફીસ જવા લાગી.
સોહાગ રોજ સવારે તેને પોતાની ગાડીમાં ઓફીસ ડ્રોપ કરતો અને સાંજે પીક-અપ કરતો.
હવે ઘરની બે ચાવીઓની જરૂર નહોતી..
બસ ચાંદનીની પાસે એક ચાવી રહેતી.
.
દિવસો કેમ વિતતા ચાલ્યા.. સોહાગ અને ચાંદનીને ખબર જ ન પડી. ચાંદનીનો જયપુર જવાનો દિવસ નજીક આવી રહ્યો હતો.
.
તે રાત ચાંદનીની સોહાગ સાથેની છેલ્લી રાત હતી.
ચેસની બિછાત પથરાઈ ગઈ અને આ વખતે ચાંદનીએ સોહાગને હરાવી દીધી.
તે નાના બાળકની જેમ ખુશ થઇ ગઈ હતી. પણ તે રાતે ન તો સોહાગ સુઈ શક્યો.. કે ન ચાંદની.
‘
બીજે દિવસે સવારે ચાંદનીના હાથમાં ચાનો કપ આપતા સોહાગ બોલ્યો- "એક વાત કહું..?"
"હા, બોલને સોહાગ.."
સોહાગ કહેવા માંગતો હતો કે – ‘રોકાઈ જા ચાંદની.. ચાલ સાથે જીવવાની કોશિશ કરીએ..’
પણ આ વાત કહેવા કરતા, ચાંદનીને જવા દેવું સોહાગને વધુ સહેલું લાગ્યું, એટલે તે ફક્ત એટલું જ બોલ્યો- "હવે ચેસ બહુ મસ્ત રમવા લાગી છો તું..!"
.
એરપોર્ટ જવા નીકળતા પહેલા ચાંદનીએ આખા ઘરને ફરી.. એક છેલ્લી વાર જોયું.
કોઈ ખાસ યાદો તો નહોતી જોડાયેલી આ ઘરની, તેની સાથે. પણ કંઇક તો હતું, કે જે તેના મનમાં ઘર કરી ગયું હતું.
.
"શું થયું ચાંદની..?"
"સોહાગ તું કાલે તારા હાથીને આગળ વધારીને તારો વઝીર બચાવી શક્યો હોત. તું જાણી જોઇને હાર્યો. હે ને..?"
.
સોહાગ હસી પડ્યો- "અરે ચેસ-એડીક્ટ..! હજી એ ગેમનો જ વિચાર કરે છે? બસ, તારી એક ખ્વાહીશ પર એક ગેમ કુરબાન કરી દીધી મેં."
સોહાગને હસતો જોઈ ચાંદનીના ચહેરા પર પણ સ્મિત રેલાઈ ગયું.
.
એરપોર્ટના ગેટ પર ચાંદનીનો હાથ હળવેકથી પકડીને સોહાગે તેને કહ્યું- "તારું ધ્યાન રાખજે..!"
ચાંદનીને સમજાતું નહોતું, કે કેમ તેની આંખો ભીની થઇ ગઈ હતી.
કેમ એનું મન તરફડી રહ્યું હતું.
.
તે બસ એટલું જ બોલી- "તું પણ..!"
અને બંને છુટ્ટા પડ્યા.
.
હજી ચેક-ઇન કરવામાં વાર હતી.
ચાંદની લોઉન્જમાં એકલી જ બેઠી રહી.
થોડીવારમાં જ તેણે પોતાનું લેપટોપ ચાલુ કર્યું, અને તેમાં ચેસનું ઍપ ખોલ્યું.
પણ બસ..એક કે બે ચાલ બાદ જ તેનું મન ઉઠી ગયું.
તેણે આંખો મીંચી લીધી.
તેની બંધ આંખોની સામે સોહાગની છબી છવાઈ ગઈ.
ચોંકીને તેણે પોતાની આંખ ખોલી
.
ઉફ..
એ કેમ નહોતી સમજી શકી, કે તેને ચેસની નહીં..સોહાગની આદત પડી ગઈ હતી.
તેને ચેસ નહીં, સોહાગનો સાથ ગમવા લાગ્યો હતો.
.
ચાંદનીથી છુટ્ટા પડ્યા બાદ..
સોહાગ પાર્કિંગ એરિયામાં પોતાની ગાડીમાં જ બેઠો રહ્યો.
તેને ઘરે પાછા ફરવાની કોઈ ઉતાવળ નહોતી.
અચાનક ચાંદનીનો મેસેજ આવ્યો- "એરપોર્ટના ગેટ સુધી આવી શકીશ..?"
સોહાગની આંખોમાં ચમક આવી ગઈ. તેને લાગ્યું.. કે કદાચ ચાંદનીએ પોતાનો પ્લાન બદલી નાખ્યો હોય.
તે ભાગતો ભાગતો ગેટ સુધી ગયો.
ચાંદની ગેટમાં ઉભી હતી.
તેણે પર્સમાં હાથ નાખતા કહ્યું- "આ.. આ ઘરની ચાવી..મારી પાસે રહી ગઈ હતી."
"ઓહ..!" -સોહાગનાં અવાજમાં ઉદાસી હતી..નિરાશા હતી.
તે ચાવી લઈને પાછો વળ્યો, તો ચાંદનીએ બુમ પાડી- "પેલા ડાઈનીંગ ટેબલનું શું કરીશ?"
"રાખીશ મારી પાસે..!" –સોહાગ ઉભો રહી ગયો, અને પાછુ વાળીને જવાબ આપ્યો.
"અને.. પેલું ચેસ-બોર્ડ?"
ચાંદનીના ચહેરા પર શરારત જોઇને સોહાગ હસી પડ્યો- "એ પણ પાસે જ રાખીશ..!"
ચાંદનીએ ફરી એક સવાલ ફેક્યો- "અને રમીશ કોની સાથે?"
સોહાગ કઈ બોલ્યો નહીં. ચાંદની પરથી નજર હટાવી તે આજુ-બાજુ જોવા લાગ્યો.
"સોહાગ..! તારી ચેસ-પાર્ટનરને તારી પાસે નથી રાખવી?"
સોહાગને પોતાના કાન પર વિશ્વાસ નહોતો પડતો.
તેણે મૂંઝવણ ભર્યા અવાજે પૂછ્યું- "હું રોકીશ..તો..તો એ રોકાઈ જશે..?"
ચાંદની જોરથી હસી પડી- "રોકીને તો જો.. એક ટ્રાઈ તો કર..!"
તેનાં ગાલનાં ખંજન તેની ખુબસુરતીમાં વધારો કરતા ચાલ્યા.
.
હવે વારો હતો સોહાગની આંખો ભીની થવાનો.
સોહાગે ચાંદનીની તરફ પોતાનો હાથ આગળ કર્યો. તેની મુઠ્ઠીમાં ચાંદનીએ આપેલી ચાવી હતી.
તેનાં ઘરની ચાવી..તેનાં સંસારની ચાવી...!
પ્રેમની ચાવી..તેમનાં સુખની ચાવી..!
આજે રાતે.. અને આજ પછીની હરેક રાતે.. બેડરૂમની બારીમાંથી
અંદર પ્રવેશતો ચંદ્ર-પ્રકાશ એક ખૂણામાં સંકોરાયેલો ન રહેતા..સોહાગનાં પલંગને ય અજવાળશે. રેલાશે આજે ચાંદની, ત્યાં પણ..!!
હા,
“મનની રાતરાણીની સુવાસથી,
હવે મહેંકશે રાત સોહાગની..!”
[સમાપ્ત..]
.
અશ્વિન મજીઠિયા..