ખોયા મેરા ચાંદ - ભાગ ૩ Ashwin Majithia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખોયા મેરા ચાંદ - ભાગ ૩

ખોયા મેરા ચાંદ [પ્રકરણ-૩]

લેખક: અશ્વિન મજીઠિયા

ઈમેલ:

ફોન: ૯૮૭૦૪૨૮૮૦૪

.

"રેડીઓ મિર્ચી, ૯૮.૩ એફએમ..." -પલંગ પર સુતા સુતા સુપ્રિયા એફ.એમ. રેડીઓ પર ગીતો સાંભળી રહી હતી. છેલ્લા ત્રણ વર્ષથી તેના મનમાં ચાલી રહેલી ગડમથલ હજી ય પૂરી થઇ ન હતી. તેનાં મનનો એક હિસ્સો પસ્તાવો કરતો હતો, અને તેની બેવકુફીને ગાળો દેતો હતો. તો મનનો બીજો હિસ્સો તેનાં એ વર્તનનું સમર્થન કરતો હતો. નસીબ પર ભરોસો રાખવા બદલ આશા ય જગાવતો હતો. આ ત્રણ વર્ષનો ગાળો સુપ્રિયા માટે ખુબ જ ત્રાસ અને દુઃખદાયક હતો. માતા-પિતાના એકબીજાથી છુટ્ટા પડવાને કારણે સુપ્રિયા ઘણી એકલી પડી ગઈ હતી. અને એમાં ય સમીરના વિચારો તેની એકલતાને હજુ ય વસમી બનાવતા રહ્યા. નોકરીની સાથે સાથે શહેર પણ બદલીને તે હવે મુંબઈ શિફ્ટ થઇ ગઈ, કે કદાચ અહીંનું નવું વાતાવરણ તેનાં જૂનાં સંસ્મરણોની આગ પર રાખ નાખી શકે. અહીં પણ તે પોતાની જૂની સખી નમિતા સાથે જ એક ફ્લેટ ભાડે લઈને રહેતી હતી.

.

"આપ સુન રહે હૈ 'લવ-બાઇટ્સ', ઔર મૈ હું આપકા મિર્ચી-મેન અભિજીત. મુજે કોલ કીજીયે ઔર બતાઈયે આપકી લવ-લાઈફ. કોલ કીજીયે ઇસ નંબરપે.... સુનતે રહીયે.. કાનોં પર મિર્ચી લગાતે રહીયે. રેડીઓ મિર્ચી ઈઝ હોટ." -રેડીઓ પર ગીતો વાગતા હતા. જાતજાતના લોકો પોતાના ચિત્ર-વિચિત્ર પ્રશ્નો અને સમસ્યા ફોન કરીને કહેતા હતા.

સુપ્રિયાના મનમાં પણ વિચાર આવ્યો- "અહિયાં ફોન કર્યો હોય તો? જે થોડો ટાઈમ-પાસ થાય, અને કદાચ કોઈ નવો ઉપાય પણ મળે." -તેણે પોતાનો ફોન ઉપાડ્યો, અને નંબર લાગવ્યો.

.

સુરભીનું શોપિંગ પૂરું થયું, એટલે તે અને સમીર પાર્કિંગ-લોટમાં આવ્યા, અને બંને ઘર તરફ પ્રયાણ કર્યું. કાર-રેડીઓ પર ચાલતી કંટાળવાણી અને નિરર્થક બબડાટની સમીરને ભારે ચીડ હતી. ત્યાં જ આર.જે. અભિજીત બોલ્યો- "ઔર મૈ હું આપકા મિર્ચી-મેન અભિજીત. ચાલો દેખતે હૈ કે "હુ ઈઝ અવર નેક્સ્ટ કોલર, હેલ્લો.."

સમીરે આ વાક્ય સાંભળ્યુ ને હમણાં જ ૧૦૦ના છુટ્ટા લેતી વખતે સાંપડેલી હતાશાએ તેનાં મગજને ફરી તપાવી મુક્યું, તે બરાડ્યો- "અહીંયા આપણા પ્રોબ્લમ કંઈ ઓછા છે, કે હવે લોકોના પ્રોબ્લમે ય સાંભળવાના? શું કંટાળાજનક પ્રોગ્રામ છે આ.." -અને રેડીઓ બંધ કરીને તેણે સી.ડી.પ્લેઅર ચાલુ કર્યું.

બસ થોડી સેકન્ડ માટે જો તે મોડો પડ્યો હોત, તો ભૂલેચૂકે ય તેને સુપ્રિયાનો અવાજ અને તેનું નામ સંભળાયા હોત, અને આર.જે. અભિજીતને મળીને કોઈક રીતે સુપ્રિયાની ભાળ મેળવી શક્યો હોત. પરંતુ નિયતિને હજુ ય આ મંજુર ન હતું.

.

.

.

આખરે, બે મહિના પછી સમીર અને સુરભીની સગાઇ નક્કી થઇ. સમીરની પાછળ પડી-પડીને, તેની સંમતિ લઈને બધા જંપ્યા. સમીર પૂર્ણ રીતે તો બિલકુલ જ તૈયાર નહોતો. પણ બધાનાં આગ્રહ આગળ તેણે નમતું જોખ્યું. ત્રણ વર્ષની પોતાની જહેમતથી તે સંતુષ્ટ નહોતો અને હજી ય તેને કોશિષ કરવી હતી, પરંતુ દુનિયાના દબાવની તે વધુ અવગણના ન કરી શક્યો.

સગાઈના અઠવાડિયા પહેલાના વિક-એન્ડ પર તે ફરીથી સુરભી સાથે એક મોટા મોલમાં શોપિંગ માટે ગયો. નાતાલ નજીક આવતી હોવાને કારણે મોલને સરસ રીતે શણગારવામાં આવ્યો હતો. ઠેકઠેકાણે 'સેલ', 'ડિસ્કાઉન્ટ' અને 'ફેસ્ટીવલ ઓફર'ને કારણે મોલમાં જબરદસ્ત ગર્દી હતી. સુરભી તો ખુબ જ ઉત્સાહમાં હતી. શું લઉં અને શું મૂકી દઉં તેની જ ગડમથલમાં હતી. પોતાની સાથે સાથે તેણે સમીર માટે પણ અમુક ખરીદી કરી હતી. સમીર આનંદમાં રહેવાની કોશિષ કરતો હતો, પણ મનમાં તો એક આક્રોશ ચાલુ જ હતો કે-

'અશ્કો કો હમને તો કઈ બાર હૈ રોકા
ફિર ભી ન જાને ક્યોં, આંખે દગા દે ગઈ
થા ભરોસા હમેં તો અપને આપ પે મગર
કિસ્મત હમારી બિલકુલ હી, સો ગઈ."

.

ખરીદી પતાવીને સમીર અને સુરભી મોલમાં નીચે પાર્કિંગ-લોટમાં આવી ગાડીમાં સામાન ભરતા હતા, એટલામાં જ પોતાને કોઈ જોર જોરથી બુમ પાડતું હોય, તેવો સમીરને ભાસ થયો- "સમ્યા.. એ સમ્યા... સમી...ર... !!"

પાછળ ફરીને ને જોયું, તો સંજય હતો. સંજય તેનો ઓફીસ-કલીગ.. તેનો જીગરજાન જુનો દોસ્ત..
જેવો તે દોડતો દોડતો નજીક આવ્યો એટલે સમીરે તેને પૂછ્યું- "અરે, તું અહિયાં ક્યાંથી યાર..? ને શું થયું? આટલી બુમો શાની પાડે છે..?"

"હવે, મારી વાત... છોડ..!" -સંજય હાંફતા હાંફતા બોલ્યો- "સુપ્રિયા... સુપ્રિયા..."

.

સુપ્રિયાનું નામ સંભાળતા જ સમીરે હાથમાંની થેલીઓ નીચે ફેંકી દીધી અને બંને હાથે સંજયના ખભ્ભા પકડીને તેને હલબલાવી નાખ્યો. -અરે, શું સુપ્રિયા? શું થયું..? કંઇક સરખી વાત કર [ગાળ]..!"

"સુપ્રિયા..તારી સુપ્રિયા...પેલી આપણને અલીબાગમાં મળી હતી ને..તે..! ઉપર છે, અહીં મોલમાં. મેં...મેં... હમણાં જોઈ.." -સંજય હજી પણ હાંફતો હતો

"ક્યાં..? ક્યાં છે તે..? કેટલામાં માળે ? -જાણે કોઈ પ્રચંડ શોક લાગ્યો હોય તેવી સમીરની હાલત થઇ ગઈ. પોતાની સગાઇ નક્કી થઇ ગઈ છે, અને પોતાની વાગ્દત્તા સુરભી અત્યારે પોતાની સાથે છે એ કોઈ વાતનું જાણે કે તેને કોઈ વજૂદ જ ન હોય, તેવો બેબાકળો થઇ ગયો તે. સુપ્રિયાની ભાળ મળવાની પોતાની ઉત્તેજના તે બિલકુલ છુપાવી શકતો નહોતો- "અને...પણ.. તે એને રોકી કેમ નહીં?"

.

"અરે, હું શ્યોર નહોતો કે તે સુપ્રિયા જ છે. આટલા વર્ષ પછી જોઈ તો લાગ્યું કે તે જ છે, પણ એમ કેમ કોઈની પાસે જઈને વાત કરું? અને એટલામાં જ અહીં તને જોયો, તો તારી પાછળ ભાગતો ભાગતો આવ્યો. હમણાં જ જોઈ છે એટલે મળવાના ચાન્સ છે. પણ કેટલામાં માળે જોઈ તે બરોબર ખ્યાલ નથી, કદાચ છઠ્ઠે અથવા સાતમે માળે.."

.

આગળ તેની સાથે કોઈ વાત ન કરતાં સમીર પાગલની જેમ ભાગ્યો. જેમતેમ તેને લીફ્ટ મળી. પણ કેટલામાં માળે જવું તેની ગડમથલ થઇ આવી. છ..સાત...સાત...છ... એમ તેની આંગળી લીફ્ટના બટન પર ઉપર-નીચે થતી રહી. પણ વિમાસણમાં કયુ બટન દબાવવું તે નક્કી નહોતો કરી શકતો. આખરે તેણે ગણપતિ-બાપાનું નામ લઈને સાતનું બટન દબાવ્યું- "બાપ્પા..મારી સુપ્રિયા..!"

.

આ બાજુ..
સંજયે જે વાત કરી તે બિલકુલ સાચી હતી. સુપ્રિયા ત્યાં તે મોલમાં જ હતી. પોતાની સહેલી સાથે તે પણ ખરીદી કરવા આવી હતી. બંને હાથમાં શોપિંગ-બેગ્સ હતી, અને બંને જણીઓ સાતમે માળે લીફ્ટ માટે ઉભી હતી.

બે લીફ્ટ હતી, અને બંને લીફ્ટ નીચેના માળે હતી, એટલે તે વાટ જોતી ઉભી રહી.

પોતે જે લીફ્ટની બાજુમાં ઉભી હતી, તે લીફ્ટ દરેક માળા પર ઉભી રહેતી-રહેતી આવતી હતી, એટલે સુપ્રિયાએ બાજુની લીફ્ટ તરફ નજર કરી. તે લીફ્ટ સડસડાટ ઉપર આવી રહી હતી. અને જોતજોતામાં તે લીફ્ટ ઉપર સાતમે માળે આવી ગઈ. લીફ્ટનો દરવાજો ખુલી ગયો. અને બંને સહેલીઓએ અંદર જવા ડગ માંડ્યા..

.

આ બાજુ સમીર લીફ્ટમાં ઉપર આવી રહ્યો હતો, કે બીજા માળે તે લીફ્ટ ઉભી રહી. અને એક મહિલા અને તેનો તોફાની બારકસ જેવો પાંચ વર્ષનો છોકરો અંદર પ્રવેશ્યા. છોકરાને લીફ્ટનું અજબ આકર્ષણ હતું, કે બસ..અંગમાં મસ્તી જ હતી. જે હોય તે, પણ અંદર પેસતા જ તેણે લીફ્ટના બધાં જ બટન દબાવી નાખ્યા. સમીરને તો જાણે એવું થયું કે છોકરાને ઉપાડીને બહાર કાઢી મુકે. જો કે પેલી મહિલાએ છોકરાને વાર્યો. તેને ખીજાઈ. અને સમીરને સોરી પણ કહ્યું. સમીર મનમાં ને મનમાં સમસમીને રહી ગયો. પરિણામ એ આવ્યું કે લીફ્ટ ૩-૪-૫-૬ એમ બધા માળે ઉભી રહેતી-રહેતી ઉપર ચડવા લાગી. અને સાતમે માળે પહોંચી, ત્યાં જ બાજુની લીફ્ટનો દરવાજો બંધ થયો. જાણે કે સમીરની કિસ્મતનો દરવાજો બંધ થયો. કારણ...તે લીફ્ટમાં સુપ્રિયા હતી.

.

નિયતિ હજી ય સમીર સાથે સંતાકુકડી રમી રહી હતી. રેડીઓને સ્વીચ-ઓફ કરવામાં સમીર થોડો વહેલો થયો, અને લીફ્ટમાં ઉપર પહોચવામાં થોડો મોડો પડ્યો. ક્રૂર નિયતિને આ નિર્દોષ અને માસુમ નવજવાનની ભાવનાઓ સાથે રમવામાં કોણ જાણે શું મજા આવતી હતી. કેટકેટલી કસોટીઓ લઇ રહી હતી તેની ધીરજની..તેના જનૂનની..! અને પછી.. આ બેબાકળા હૈયાને નિરાશ થતું જોવામાં જાણે કે તેને કોઈ અજબ જ ખુશી મળતી હતી.

.

પોતાની લીફ્ટનો દરવાજો ખુલતા જ સમીર લીફ્ટની બહાર ધસ્યો. કઈ બાજુ કઈ દિશામાં જવું તે નક્કી ન કરી શક્યો. ફરી નીચે જવાનો તો બિચારાને વિચાર સુદ્ધા આવવાનો સવાલ નહોતો. એટલે ડાબી બાજુનાં સ્ટોર્સમાં, અને પછી જમણી બાજુના સ્ટોર્સમાં તે ઉડતી નજર ફેરવતો ઝડપથી ચાલતો રહ્યો. આખો માળ જોઈ વળ્યો. નીચે ઉતરીને છઠ્ઠે માળે પણ આવીને તેણે શોધ્યું. આખરે થાકી-હારીને બહાર પડેલી એક ખુરસી પર માથું પકડીને બેસી ગયો. શું કરવું તેને સમજાતું ન હતું.

.

બીજી તરફ સુપ્રિયા પોતાની બહેનપણી સાથે પાર્કિંગ-લોટમાં આવી. કારમાં શોપિંગ-બેગ્સ મૂકી અને ગાડી ચલાવીને ગેટ સુધી આવી. પાર્કિંગ-ચાર્જ દેવા માટે તેણે પૈસા આપ્યા, પણ સામે પેલાં પાસે છુટ્ટા ન હતા. છુટ્ટા તો એ બંને જણીઓ પાસે પણ ન હતા. એટલે બબડતા બબડતા સુપ્રિયાએ આસપાસ નજર ફેરવી. ત્યાં જ તેને એક યુવતી દેખાણી. એક ખૂણામાં પોતાની ગાડીમાં સામાન સાથે તે ઉભી હતી. સુપ્રિયા તેની પાસે ગઈ.

.

"એક્સક્યુઝ મી.." -પર્સમાંથી એક નોટ કાઢીને તેણે સામે ધરતા પૂછ્યું- "ડુ યુ હેવ ચેન્જ?"

પણ તે યુવતી તો સુન્યમનસ્ક થઈને, કોણ જાણે ક્યાં જોઈ રહી હતી.

.

"હલ્લો..?" -સુપ્રિયાએ ખોખારો ખાઈને ફરીથી પૂછ્યું- "યુ હેવ ચેન્જ?"

યુવતી જાણે કે હોશમાં આવી. તેણે પોતાના પર્સમાંથી વીસ-વીસની બે અને એક દસની નોટ આપી.

"થેંક યુ સો મચ. આઈ એમ સુપ્રિયા.." -પોતાની નોટ તેના હાથમાં મૂકતા આછા સ્મિત સાથે તે બોલી.

.

સામેવાળી યુવતી તો જાણે સાવ મંદબુદ્ધિની જ લાગતી હતી. મૂરખની જેમ તેની સામે તે બસ જોતી જ રહી.

અને પછી થોડી વારે યંત્રવત્ થોડું હસીને જવાબ આપ્યો- "સુરભી.. "

.

"થેન્ક્સ અગેઇન સુરભી..!" -તેની નાદમાં વધુ ન લાગતા સુપ્રિયા આટલું જ બોલી અને પોતાની ગાડીમાં જઈને બેસી ગઈ. પાર્કિંગના ત્રીસ રૂપિયા આપી બંને સહેલીઓ ત્યાંથી રવાના થઇ ગઈ.

.

એટલી વારમાં તો સુરભી જાણે કે પૂરેપૂરી ભાનમાં આવી ગઈ. સમીરના પેલા વિચિત્ર વર્તનથી તે અત્યાર સુધી ખુબ જ ડીસ્ટર્બડ હતી. વિચારશૂન્ય થઇ ગઈ હતી જાણે, કે સામે કોઈ તેની પાસે છુટ્ટા માંગી રહ્યું છે તેની ખબર હોવા છતાં, જાણે કોઈ ભાન જ ન હોય તેવું તેનું વર્તન થઇ ગયું. તેને હવે વિશ્વાસ થઇ ગયો કે- "સમીર ક્યારે ય સુપ્રિયાને ભૂલી શકવાનો નથી. અને જો હમણાં, ઉપર તેને સુપ્રિયા મળી જાય તો..?"

અચાનક તેને પેલી યુવતી યાદ આવી ગઈ, જે તેની પાસેથી હમણાં જ પચાસના છુટ્ટા લઇ ગઈ. શું નામ એણે પોતાનું કહ્યું'તું? સુપ્રિયા..કે સુચિત્રા?

.

સુરભીનું ધ્યાન અચાનક પોતાના હાથ પર ગયું. પેલીએ આપેલ પચાસની નોટ હજી તેના હાથમાં જ હતી. ધકધકતા હૃદયે તેણે નોટને પલટાવી. હા.. નોટની પાછળ લખેલ હતું- "સુપ્રિયા" અને પછી લખેલ હતા દસ આંકડા.

સુરભિની આંખો ફાટેલી જ રહી ગઈ. પોતે જે જોઈ રહી છે તે ભ્રમ છે કે હકીકત..? સમીર કેટલાય વખતથી જે નોટને પાગલની જેમ શોધી રહ્યો હતો તે અત્યારે, તેના હાથમાં હતી. અને તેના હાથમાં હતું એ ત્રણેયનું ભવિષ્ય. પોતાનું, સુપ્રીયાનું અને સમીરનું. સમીર..જેને તે દિલોજાનથી ચાહતી હતી, જે થોડાં દિવસો બાદ તેનો પતિ થવાનો હતો. જેની સાથે સંસાર માંડવાના સપના પોતે કેટલાય મહિનાઓથી જોઈ રહી હતી, તે જ સમીર.

આ નોટ જો સમીરને આપી દઉં તો? કેટલો ખુશ થઇ જશે તે..! પછી બંને પ્રેમીઓની મુલાકાત થશે. પોતાનો આ ઉપકાર સમીર જિંદગીભર નહીં ભૂલે તેની સુરભીને ખાતરી હતી.

પણ તો પછી..પોતાનું શું ? સુપ્રિયા સાથેની મુલાકાત પછી સમીર પોતાની સાથે લગ્ન કરશે? પોતાનાં શમણાઓનું શું? શું આ બધું વિસારે પાડી દેવાનું?

જો આ નોટ હું તેને ન આપું તો શું થઇ જવાનું છે? કોઈને શું ખબર પડવાની? અઠવાડિયામાં તો સમીર સાથે સગાઇ થઇ જશે. અને પછી..લગ્ન !

.

સુરભીના મનમાં વિચારોનો વંટોળ ઉઠ્યો હતો. શું કરવું તે જ સમજાતું નહોતું. પોતાના સ્વાર્થ માટે, પોતે જેને પ્રેમ કરે છે તેને મેળવવા માટે, આમ જુઠ્ઠાણાનો આશરો લેવો? ના, સુરભીને આ જચતું નહોતું. પોતે જયારે સમીરને પ્રેમ કરવા લાગી, ત્યારે સમીર પણ પોતાને પ્રેમ કરે એવો આગ્રહ તો તેણે ક્યારે ય રાખ્યો નહોતો. સુપ્રિયાના તેની જિંદગીમાંથી ચાલ્યા જવા બાદ, સમીર ભાંગી ન પડે, નિરાશ ન થઇ જાય એટલા માટે જ પોતે પોતાના જૂનાં, અવ્યક્ત પ્રેમને સમીર સામે જાહેર કર્યો હતો. ખાસ તો તેને માનસિક આધાર મળી રહે એટલા જ માટે. અને હવે જયારે સુપ્રિયા તેની જીંદગીમાં ફરી પાછી આવી શકે તેમ છે, ત્યારે પોતે કોણ છે નસીબના આ નિર્ણયને બદલવા વાળી?

.

.

Day After Day,
The Time Pass Away.
And I Just Can't Get You
Off My Mind.

Nobody Knows,
And I Weep You Inside,
I keep On Searching,
But Can't Find.

ઓહ..ક્યાં શોધું તને, સુપ્રિયા..!

.

સમીર પાર્કિંગ-લોટમાં પાછો ફર્યો ત્યારે મનથી તે સાવ ભાંગી ગયો હતો. તેની ચાલ સાવ ધીમી પડી ગઈ હતી. આટલે વખતે સુપ્રિયાના મળવાના એંધાણ વર્તાયા, અને તે પણ મૃગજળ જેવા સાબિત થયા. કોણ જાણે તે યુવતી..કે જેને સંજયે જોઈ હતી, તે સુપ્રિયા જ હતી કે નહીં. જો હોય, તો સાચે જ..તેનું નસીબ કોઈ ખુબ જ ક્રૂર બદલો લઇ રહ્યું છે, તેની સામે.

અને જો તે કોઈ બીજી જ યુવતી હોય, તો પોતે તો નાહક જ આટલાં ઉત્તેજિત થઇને, સુરભિની હાજરીમાં આગળ-પાછળનો વિચાર કર્યા વગર, એકદમ બેજવાબદાર વર્તન કર્યું ગણાય. તેણે સુરભીની માફી માંગવી જ રહી.

.

દુરથી જોયું તો આસપાસ સુરભી ક્યાં ય ન દેખાઈ. પોતાની કાર પણ નહોતી દેખાતી. તો શું સુરભી કારમાં બેસીને ચાલી ગઈ? સમીરને ફડકો પડ્યો. પારાવાર પસ્તાવો થઇ આવ્યો તેને. અહીં પાર્કિંગ-લોટમાં ઉભા ઉભા સુરભીના મન પર શું વીત્યું હશે. અઠવાડિયા પછી બંનેની સગાઇ છે, ત્યારે તેને આમ રસ્તા પર એકલી મુકીને જુની પ્રેમિકાની પાછળ પોતાનું આમ ઘાંઘા થઇને દોડવું..! કેટલી ગુસ્સે થઇ હશે તે..! કેટલી નિરાશ થઇ હશે તે..!

.

જો કે આ બધાંથી તે પોતે પણ ઓછો નિરાશ.. ઓછો હતાશ નહોતો થયો. પણ અત્યારે પોતાનો વિચાર કરવાનો તો તેની પાસે સમય જ નહોતો. મનમાં હવે જુદો જ ઝંઝાવાત ઉઠ્યો હતો. વિચારશૂન્ય અવસ્થામાં તે રસ્તાની વચ્ચે ઉભો જ રહી ગયો. એટલે દુરથી વોચમેને તેને જોયો અને તેની નજીક આવ્યો.

.

"વોહ સિલ્વર કલરકી મારુતિ-એસ્ટીમ આપ કી થી ક્યાં?"

"હાં, ક્યાં હુઆ?" -સમીર ચોંકી ઉઠ્યો.

"વોહ..ઉસમેં એક મેમસાબ થી, ઉસને કહા કે, -બ્લેક શર્ટ ઔર ગ્રે ટ્રાઉઝર વાલે સા'બ કો યે એન્વલપ દે દેના, ઔર ફિર વો કાર લે કર ચાલી ગયી.." -વોચમેને પોતાના ખીસામાં હાથ નાખતા કહ્યું.

"હાં હાં રાઈટ. થેંક યુ...!" -સમીરે હાથ લંબાવતા કહ્યું. અને તેની પાસેથી એન્વલપ લઇ લીધું. પોતે હમણાં જ શોપિંગ કરેલું તે દુકાનનું જ એક કવર હતું, જેની અંદર નાખીને તેઓએ બીલ આપ્યું હતું.

.

ચાલતા ચાલતા આગળ જતાં તેણે તે કવર ખોલ્યું. અંદર બીલ હતું, પણ ઉંધી ઘડી કરેલું. બીલની પાછળ ઝાંખા અને એકદમ ઝીણા અક્ષરોએ છપાયેલ 'ટર્મ્સ એન્ડ કન્ડિશન'ને છુપાવી દેતા સુરભીના ઘાટ્ટા, મોટા અને મરોડદાર અક્ષરો પહેલી નજરે જ તેને દેખાઈ ગયા.

"સાથ હમારા પલ ભર કા હી સહી
અબ સોચેન્ગે કલ, વહ થા હી નહીં
હોગા ઝીંદગી મેં શાયદ હી મિલના હમારા
પર મહેકતા રહેગા હરદમ દિલ મેં પ્યાર તુમ્હારા."

.

અને આ સાથે એક પચાસ રૂપિયાની નોટ પણ હતી. આનો મતલબ સમીરને ન સમજાયો. પોતાની જૂની આદત મુજબ તેણે તે પચાસની નોટને પલટાવી અને તેને બધું સમજાઈ ગયું. એ નોટની પાછળ સુપ્રિયાનો ફોન-નંબર હતો.

.

.

.

સુપ્રિયા હજી ઘરે પહોંચી જ હતી. ખુબ થાકી ગઈ હોવાથી જમ્યા વગર જ સીધું સુઈ જવાનું તે વિચારતી હતી, અને ત્યાં જ તેનો ફોન રણક્યો.

"હલ્લો..." -તેણે સાહજીકતાથી વાત શરુ કરી.

.

"આંખે ખુલી હો, તો ચહેરા તુમ્હારા હો,
આંખે બંધ હો, તો સપના તુમ્હારા હો,
મુજે મૌતકા ડર ભી ન હો, મેરે કાતિલ
અગર કફન કી જગહ, દુપટ્ટા તુમ્હારા હો."

-ત્યારે ગોખેલી શાયરી સમીર આજે ત્રણ વર્ષ બાદ બોલ્યો.

.

"હુ ઈઝ ધીઝ?" -સુપ્રિયા અચરજભર્યા અવાજે બોલી અને..

"સમીર, સમીર હિયર..." -સામેથી તેનો જાણીતો, પોતાને ખુબ જ પ્રિય એવો, અવાજ આવ્યો.

અને સુપ્રીયાનું હૃદય એક ધબકારો ચુકી ગયું. બધું ગોળ ગોળ ફરતું હોય તેવું તેને લાગ્યું. સાચે જ સામે છેડે સમીર છે? નસીબની અનેક થપાટો ખાઈ ચુકેલી સુપ્રિયાને પોતાના નસીબ પર વિશ્વાસ નહોતો બેસતો. થોડી ક્ષણો ફોન પર સ્તબ્ધતા છવાઈ રહી. બેમાંથી કોઈ કશું કંઈ બોલ્યું નહીં. પણ તે દરમ્યાનની શાંતિ જાણે બંનેના મનને કેટકેટલું ય કહી ગઈ.

.

પછી શું થયું?
બસ, પછી તો સુપ્રિયાનો બધો થાક જાણે કે ગાયબ થઇ ગયો, અને ત્યારે ને ત્યારે જ બંને પ્રેમી-પંખીડાં એક કોફી શોપમાં મળ્યા. બંનેની આંખોમાંથી સ્નેહ જાણે અશ્રુ વાટે ઉભરાઈ રહ્યો હતો. એકમેકની આંખો લૂછતાં, એકમેકને એકટક નીરખતા બંને નિર્દોષ-હૈયાંઓ કલાક બે-કલાક સુધી એમ ને એમ બેઠાં રહ્યા.

.

પછીના દિવસોમાં સુરભી કંઇક આગળ અભ્યાસ કરવા લંડન ચાલી ગઈ અને સમીર-સુપ્રિયાના લગ્ન લેવાયાં. આજે ખુબ સુખી સંસાર છે બંનેનો.

.
.

એક વાત કદાચ સહુને ખટકતી હશે, કે અલીબાગમાં કલાર્કને આપેલ નોટ ફરી-ફરીને ત્યાં મુંબઈમાં સુપ્રિયા પાસે કેવી રીતે આવી ગઈ..? નસીબની નાટકીયતાની ય કોઈ હદ હોય કે નહીં?

હા, તેની તો કોઈક હદ હશે કદાચ, પરંતુ પ્રેમીઓનાં પ્રયત્નોની કોઈ હદ નથી હોતી. કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે. પણ એટલું જ કહેવું પુરતું નથી. કારણ, પ્રેમ આંધળો હોવાની સાથે પ્રેમ પાગલ પણ હોય છે. પ્રેમમાં પડેલ હૈયાઓ ક્યારે શું કરે, તે કંઈ નક્કી નથી હોતું.

અને આમાં સુપ્રિયા ય બાકાત નહોતી. જેટલો બેચેન સમીર હતો સુપ્રિયાની ભાળ મેળવવા, તેટલી જ તલપાપડ સુપ્રિયા પણ હતી સમીરને પાછો પામવા માટે. નસીબ પર વિશ્વાસ રાખીને જ તેણે એક નોટ પર પોતાનો નંબર લખીને પેલા કલાર્કને આપેલી. પરંતુ થોડો વખત જતાં જ તેને લાગ્યું કે ફક્ત એક જ નોટ પર નંબર લખીને તેણે નસીબનું કામ ઘણું અઘરું કરી નાખ્યું છે. એટલે પછી, પોતાની પાસે આવતી દરેક નોટ પર તે પોતાનો ફોન નંબર લખવા લાગી. અને આમ સુપ્રિયાનો નંબર લખેલી કેટલી ય નોટ દેશભરમાં ફરવા માંડી. આવી જ એક નોટ પોતાના પર્સમાંથી કાઢીને તેણે સુરભીને આપી હતી.

.

આપના હાથમાં ય જો આવી કોઈ ચલણી નોટ આવી જાય, તો તેને ફક્ત નોટ ન સમજતાં. એક સાચા પ્રેમનો જીવંત પુરાવો...એક દસ્તાવેજ સમજજો એને. એક અથાક પ્રયત્ન સમજજો એને.

મિત્રો,
સમીર-સુપ્રિયાને પાછા મળતાં ત્રણ વર્ષ લાગ્યા, માટે તમારા મનની ભાવના તમારા પ્રિયપાત્રની સમક્ષ જરૂર, કોઈ પણ પ્રકારે..વ્યક્ત કરી દ્યો. ફક્ત નસીબ પર બેસી ન રહેશો, કારણ નસીબ હમેશાં પ્રયત્ન કરનારને જ સાથ આપે છે.

ઓલ ધ બેસ્ટ....!!

.

[અશ્વિન મજીઠિયા.. ]