મેરે સપનો કી રાની [પ્રકરણ ૩]
લેખક: અશ્વિન મજીઠિયા
ઈમેલ: mmashwin@gmail.com
ફોન: ૯૮૭૦૪૨૮૮૦૪
એન્જીનીયરીંગની ડીગ્રી-કોલેજના કુલ ત્રણ વર્ષના અભ્યાસ-ગાળામાંથી મારા અઢી વર્ષ સુધી મારા સ્વપ્ન-લોકમાં નિવાસ કર્યા બાદ, મારી સ્વપ્ન-સુંદરી આખરે જયારે મારી સામે પાયલ સ્વરૂપે સાક્ષાત પ્રગટ થઇ, તો હું તો પ્રથમ નજરે જ હું તેના પ્રેમમાં એવો પડી ગયો, કે દર્શન દીધાની સાથે જ તેણે મારા કલ્પના-લોકને તિલાંજલિ આપીને મારા મન-લોક પર પોતાનો હક્ક જમાવી દીધો.
જો કે પાયલે મને એવા કોઈ પોઝીટીવ સિગ્નલ્સ તો ન જ આપ્યા, પણ તોયે દિવસ રાતની બેચેની ન સહેવાતા આખરે મેં તેને મારા મનની..મારા પ્રેમની વાત કહી દેવાનો નિશ્ચય કર્યો.
મારા જેવા એક સાવ ઓર્ડીનરી છોકરાને તેના જેવી સુપર-નેચરલ બ્યુટીની મલ્લિકા હા પાડે તેના કોઈ જ ચાન્સ નહોતા, પણ તો ય એક ચાન્સ લઇ લેવાનો મેં નિશ્ચય કર્યો. તેને એકલી મળવા બોલાવી, અને પ્રોપોઝ કરી નાખ્યું, પણ જવાબ તો જે અપેક્ષિત હતો તે જ આવ્યો. ‘નો, નોટ ઇન્ટરેસ્ટેડ.’
અપેક્ષા નહોતી, આશા તો હતી..!
પણ તે ય ઠગારી નીવડતા, હું એકદમ હતાશ થઇ ગયો, અને વીલે મોઢે તેનાંથી છુટ્ટો પડી ઘરે આવ્યો.
બીજે દિવસે કોલેજ જવાનો કોઈ જ મૂડ નહોતો, તાવ જેવું ય લાગતું હતું તો ઘરે જ પડ્યો રહ્યો, ને ત્યાં જ ડોરબેલ રણકી.
‘આ સવાર-સવારમાં કોણ ટપક્યું?’ -એવો વિચાર કરતાં કરતાં દરવાજો ઉઘાડ્યો, ને જોયું તો સામે પાયલ-રાણી ઉભા હતા.
.
યાર....મને તો મારી આંખો પર વિશ્વાસ જ નહતો બેસતો. તેને જોઇને તાવ-બાવ બધું ય ભાગી ગયું; એકદમ ફ્રેશનેસ લાગવા લાગી. સાક્ષાત અમારા મેડમ અમારી તબિયત પુછવા અમારે ઘેર પધાર્યા હતા.
.
મારે શું કરવું, ને શું ન કરવું એની કંઈ સમજ જ નહોતી પડતી. હું કિચનમાં દોડી ગયો. થયું કે, કંઈ નહીં તો શરબત તો બનાવી નાખું. પણ શરબતનો બાટલો કે લીંબુ કે ખાંડ..ક્યાંય કંઈ મળતું જ નહોતું. કેટલી ય વાર સુધી મારી શોધખોળ ચાલુ જ હતી, ફક્ત વાસણનો જ અવાજ થયે રાખતો હતો. આખરે તે જ અંદર આવી.
અને બધું શોધીને લીંબુ શરબત બનાવ્યું ય ખરું.
એને રસોડામાં કામ કરતી જોઇને અમસ્તું અમસ્તું મને, 'હું હસબંડ ને એ મારી વાઈફ' એવું લાગવા લાગ્યું. તેના ગઈકાલના ઇન્કાર પછી, મનમાંથી બધું કાઢી નાખીને બસ..બસ પ્લેન ફ્રેન્ડશીપ રાખવાની ટ્રાઈ કરનારા મારાં મનમાં, વિચારોની ગર્દી વધવા લાગી.
.
હશે.. પછી તો મેં મારું જીવન પહેલાં જેવું કરવા માંડ્યું. રોજ સવાર, બપોર, સાંજ..જયારે પણ શક્ય હોય, અને જેટલી પણ શક્ય હોય એટલી તેની સાથે વાતો કરવાની. અને રોજ રાતે પછી ફોન કરવાનો. પહેલાં-પહેલાં તો હું જ ફોન કરતો, પણ પછી તો તે પણ કરવા માંડી.
તે સમયગાળામાં મને હજુય નવી નવી વાતો જાણવા મળી-
-તે ડાબોડી છે. આ વાત ખબર પડ્યા પછી તો મને ખુબ જ આનંદ થયો. કોણ જાણે કેમ પણ મને ડાબોડી લોકો ખુબ જ ગમે.
-દર મંગળવારે તે ગણપતિના મંદિરે જાય છે. [હું પણ.. ગણપતિ બાપ્પા મોરયા..]
-ત્રણ વર્ષથી તે જાપાની ભાષા શીખે છે. [કોઈક તેને પ્રેમની ભાષા શીખવાડો પ્લીઝ]
-બ્લેક કલર તેને બિલકુલ ન ગમે. [પણ મને તો બહુ ગમે]
-ભૂતથી તેને બહુ ડર લાગે છે. [આપણને મજા.. કોઈક વાર ડરાવી જ મુકવી છે.]
-ચાયનીઝ ભાવે છે [મને ઠીક ઠીક લાગે]
-વરસાદમાં ભીંજાવું ગમે છે. [મને તો બિલકુલ ન ગમે, શરદી થઇ જાય]
-અને એવું ઘણું બધું.
.
ક્યારેક સીધેસીધું, તો ક્યારેક આડકરતી રીતે મેં કેટલીક વાર તેને ફરીથી પ્રોપોઝ કરી જોયું. પણ દર વખતે મને તેની 'ના' જ સાંભળવા મળી. હા, એક વાત છે, તે મને 'મીસ' બહુ કરતી, કાયમ.
એક દિવસ જો હું તેને ફોન ન કરું, તો તરત જ તેણે સામો કર્યો જ સમજો. એક દિવસ જો કોલેજ ન જાઉં તો સાંજે તે મળવા ઘરે આવતી જ.
કોલેજમાં અમે કલાકો સુધી વાતો કરતાં. ક્યારેક સાવ ફાલતુ વાત પર નાનાં બચ્ચાઓની જેમ મારામારી પણ કરતાં.
આમ જ, એકવાર મારામારી કરતાં હતા, ને તેની સ્કુટીની કી-ચેનમાં જે ઘૂઘરી લગાડેલી હતી તે મને હાથમાં વાગી ગઈ અને થોડું લોહી નીકળ્યું..તો તરત જ કેમિસ્ટની દુકાને જઈને તે બેન્ડ-એડ પણ લઇ આવી.
.
નાની નાની વાતો હશે તમારા માટે, આ બધી. પણ તો ય, તેનાં વર્તનમાં બદલાવ તો મને જણાવા જ લાગ્યો હતો. કદાચ તેનો વિચાર બદલાયો પણ હોય, એમ સમજીને ફરી એક વાર પૂછ્યું-
'પાયલ, શું સાચે જ પોસીબલ નથી કે?"
ફરી પાછી તેણે ના જ પાડી.
.
હું તો પકી ગયો, એકદમ.
યાર, શું ચાલી શું રહ્યું છે આ બધું?
કંઈ સમજાતું જ નહોતું..!
મગજને તો જાણે તાપ-તાપ થઇ ગયો.
વારે ઘડીયે હું તેને કહેતો કે- "હા પાડ, હા પાડ, વિચાર કર સરખો"
પણ તેનો તો બસ નનૈયો જ હોય, કાયમ.
મારું મન હમેશાં મને કહેતું કે- તેને તું ચોક્કસ ગમે જ છે.
પણ તો પછી આ નનૈયો શું કામ? શેના માટે?
.
પછી એ દિવસે ય આવ્યો.
હાલમાં જ દિવાળી ગઈ, એટલે મોજમજા પૂરી થઇ હતી. નવેમ્બરનું ફર્સ્ટ વીક ચાલતું હતું, એટલે માથે પરીક્ષાનું ટેન્શન. અને એમાં ય પાછુ સાતમું સેમેસ્ટર હતું, એટલે સીરીયસલી જ ભણવાનું હતું. કારણ, છઠ્ઠા અને સાતમા સેમેસ્ટરના રીઝલ્ટના આધાર પર ફેબ્રુઆરી-માર્ચમાં કોલેજ-કેમ્પસમાં જ જોબ-પ્લેસમેન્ટ થવાનું હતું. કોઈક બ્લુ-ચીપ કંપની જો તમને ઉપાડી લે, તો તો દોસ્ત, કરિયર બની જાય, અને પછી બે-ત્રણ વર્ષમાં, બાઈ ધ ટાઈમ યુ આર ટ્વેન્ટી ફાઈવ, અને મેરેજ-માર્કેટમાં તમે આવો, ત્યાં સુધીમાં તમારી સેલેરીનો પેકેજ એટલો હેન્ડસમ થઇ ગયો હોય, કે બસ..એક ચપટી વગાડો, ને એક કરતા એકવીસ છોકરીઓ પાણી પાણી થઇ જાય.
તો આ સિનારિયો હતો અને એટમોસફીયર આવું બધું ગંભીર હતું. એટલે સવાર-સવારમાં ત્રણ-ચાર કલાક બુક્સ અને જર્નલ્સ સાથે સીરીયસલી ગૂંથાઈ ગયા પછી, થોડું ફ્રેશ થવા હું કેન્ટીનમાં ગયો હતો, અને ત્યાં પાયલના ક્લાસના ગ્રુપ સાથે ગપ્પા મારતો બેઠો હતો.
તેનાં ક્લાસનો એક છોકરો હતો, અભિષેક. તેને મારા ક્લાસની એક છોકરી જામ ગમતી હતી, દીપ્તિ.
તો તે અભિષેક મને પૂછતો હતો કે-
"શું કરું? શું કહું? તું કંઈ મદદ કરીશ કે?"
.
પાયલ પણ ત્યાં જ હતી, ને હું તો તેનાથી પહેલેથી જ જામ પકેલો હતો. અમારા વિચારો કરી કરીને મારું મગજ તો ઓલરેડી સાવ બધીર થઇ ગયેલું. એવામાં આ મજનુંએ એવો સવાલ પૂછ્યો જેનો જવાબ હું પોતે જ શોધી રહ્યો હતો, એટલે મોઢા પર અને અવાજમાં ભરપુર કંટાળા સાથે હું બોલી પડ્યો-
"અરે ના યાર, છોકરીઓના નાદમાં લાગતો નહીં. પકી જઈશ. જિંદગી બખડજંતર થઇ જશે. એકલો છો એ જ સારું છે દોસ્ત. ચલ ઠીક છે.. સમજ કે તેં તેને પૂછ્યું અને જો તેણે હા પાડી, તો તો બહુ મસ્ત. ના પાડી તો ય સરસ, ચલો ચેપ્ટર પૂરું. પણ ના પાડે અને "તારા વિના જીવવું ઈમ્પોસીબલ છે' એવું વર્તન કરવા લાગે તે બહુ ગંદુ. દિમાગને તાપ-તાપ થઇ જાય."
.
અને આવા બીજા ય કેટલાક ઇનડાયરેક્ટ મહેણા હું મારતો રહ્યો. ને ત્યાં પાયલે તરત જ બંધ બેસતી ટોપી પહેરી લીધી-
"એય, કંઈ ન કહેતો તેને. છોકરીઓ આવી તો બિલકુલ હોતી જ નથી, સમજ્યો"
"આવી જ હોય છે. સાડી-સત્તર વાર આવી જ હોય છે. મારી નજર સામે જ છે એક એક્ઝામ્પલ. 'હા' પાડતી નથી, અને કારણે ય કહેતી નથી. શું મિનીંગ છે આનો?"
.
આ સાંભળીને પાયલ જામ ભડકી ગઈ. મને કહે,-
"બહુ થઇ ગયા તારા નાટક. ઓ કે? તારી બુક આપ તો અહિયાં, એક મીનીટ."
"શું કરવા? નથી દેતો જા.." -ટેબલ પર પડેલી મારી બુક પર જોરથી હાથ ટેકવીને મેં પણ એટલા જ તોરમાં જવાબ આપ્યો.
તેણે મારા હાથ પર પોતાના હાથ મૂકી, ને જોરથી મારો હાથ બુક પરથી હટાવવાની ટ્રાઈ કરી. તો મેં મારો બીજો હાથ તેનાં હાથ પર દબાવી દીધો. પણ એનાં અંગમાં તો જાણે દેવી આવી હોય, તેવી મજબુતીથી તેણે પોતાનાં હાથ નીચેનો મારો હાથ પકડ્યો અને પુરા જોશથી ઝટકો મારીને બુક પરનાં મારા બંને હાથ હટાવી દીધાં, અને તરત જ બીજા હાથથી મારી બુક સરકાવી લીધી. પછી ઝડપથી તે ખોલીને અંદર કશું'ક લખ્યું અને મારી બેગમાં બુક ખોસીને ત્યાંથી ભાગી નીકળી.
.
મેં બેગમાંથી બુક કાઢી અને જલ્દી-જલ્દી તેને ખોલી. પહેલાં જ પાનાં પર તેણે કંઇક લખ્યું હતું. તે શું હતું, મને એ કંઈ જ ન સમજાણું.
ai shiteru કે આવું કંઇક...! કોઈ વિચિત્ર જ ભાષામાં લખ્યું હોય એમ લાગ્યું.
મને તરત પેલું મુવી 'નાગિન' યાદ આવી ગયું.
'ઓમ ભગ ભુગે..ભગ્ની ભાગોદરી..ઓમ ફટ સ્વાહા:'
ચલો, તે મંત્રની ભાષા અને અર્થ, મને ન સમજાયો, ઓ કે..!
પણ હું એટલો ય મંદ નથી કે કોઈનો ચહેરો ન વાંચી શકું, અને પાયલનો ચહેરો તો મને કંઇક કેટલું કહી ગયો હતો.
.
તરત જ હું ય કેન્ટીનમાંથી સરકી ગયો અને કોમ્પ્યુટર-લેબમાં ઘુસ્યો. અને આપણા જૂનાં, જાણીતા અને ફેવરેટ ‘ગુગલ-મહારાજ’ની મદદ લીધી.
બીજી જ સેકન્ડે કોમ્પ્યુટર-સ્ક્રીન પર I love you ઉપસી આવ્યું.
જાપાની ભાષામાં ‘આઈ લવ યુ’ કહેવું હોય તો આમ લખાય, ai shiteru.
.
હું તો સ્તબ્ધ જ થઇ ગયો. આંખ પર તો દોસ્ત, વિશ્વાસ જ ન બેસે.
ફૂલ-ફ્લોમાં એ.સી. ચાલુ હતું તો ય કાનની આજુ-બાજુનો ભાગ ગરમ-ગરમ થઇ ગયો. હું જે સાંભળવા તડપી રહ્યો હતો કેટલા ય દિવસોથી, તે મને નજર સામે દેખાઈ રહ્યું હતું.
'યા......હુ...' કરીને મને જોરથી ચિલ્લાવાનું મન થઇ ગયું. લેબનાં ટેબલ પર ચડીને નાચવાનું દિલ થઇ આવ્યું.
બે હથેળીઓ મારી આંખ સામે લઇ આવી, અને બને એટલી તાકાતથી તેની મુઠ્ઠીઓ વાળીને "યસ્સ્સ્સ...." બોલતાં બોલતાં હું કમર મટકાવા લાગ્યો. શું કરવું, ક્યાં જવું કંઈ સમજાતું નહોતું.
.
ત્યાં તો મારા ફોનની રીંગ વાગી. સામેના છેડે પાયલ જ હતી-
"શું? ખબર પડી કે, શું લખ્યું હતું? ગુગલ પર મળ્યું કે નહીં?"
.
એક પળ માટે હું ધડકી ગયો. આજુબાજુ જોવા લાગ્યો, કદાચ મારી પાછળ જ હોય તે.
"દરવાજાની બહાર જો" -તે બોલી.
.
મેં લેબના દરવાજાની બહાર નજર નાખી. લેબની બિલકુલ બહાર, પણ બસ..પંદરેક ફૂટના અંતર પર તે ઉભી હતી.
તેની ચકળવકળ થતી આંખોમાંની શરારત અને હોઠ પરનું ચાલાક સ્મિત, મને એકદમ ક્લીઅરલી દેખાતા હતા.
"ન ખબર પડવા જેટલો બુધ્ધુ તો તું નથી જ. શું રે? વચમાં તું ય જાપાની શીખતો'તો ને? તો તો પછી તને આવડતું જ હશે. ને ન આવડતું હોય તો શોધતો બેસ દિવસ આખો." –ફોનમાં બોલતી તેને હું જોઈ રહ્યો.
"અરે, જાપાની શું...જગતની કોઈ પણ ભાષામાં તે લખ્યું હોત, તો ય મને સમજાઈ ગયું હોત. આખિર દિલ કી બાત દિલ સમજતા હી હૈ." –કંઇક જક્કાસ યાદ ન આવ્યું, એટલે જેમ-તેમ એક ડાયલોગ બોલી મેં ફોન કટ કર્યો, ને લેબની બહાર ગયો.
.
મને આવતો જોઈ તે પોતાની બંને હથેળીઓ આંખના લેવલ સુધી લાવીને બે ડગલાં મારી તરફ આગળ વધી.
એક જનરલ પ્રેક્ટીસ હતી અમારા ગ્રુપમાં, [મોસ્ટલી બધાનાં ગ્રુપમાં હોય છે] કે જ્યારે કંઇક હાંસિલ કરીએ.. અચીવમેન્ટ મળે કંઇક.. કોઈ મેચ જીતીએ.. એટસેટ્રા એટસેટ્રા, ત્યારે ગ્રુપમાંના બીજા કોઈકની સામે આમ બંને હથેળીઓ આગળ ધરીએ એટલે એ બંદો પોતાની બંને હથેળીઓ સામે ટકરાવીને બંને હાથમાં એકસાથે તાળી આપે.
તો મારી આ 'અચીવમેન્ટ'ને બિરદાવવા, યંત્રવત જ પાયલે આમ જ કર્યું. બંને હથેળી આગળ કરીને તે મારી તરફ આગળ વધી.
.
પણ મને આ વખતે વિચાર આવ્યો કે યાર, આ અચીવમેન્ટને આવી રીતે થોડું સેલીબ્રેટ કરાય..!
અત્યારે તો બસ તેને મારી ભુજાઓમાં જકડીને પુરજોશથી ભેટી પડવાનું હોય..!
અત્ર-તત્ર ને સર્વત્ર ચુંબનોનો વરસાદ વરસાવવાનો હોય. કારણ, હવે તો તેણે જ મને આ બધું કરવાનું લાયસન્સ આપી દીધું હતું. અને મેં પણ તેમ જ કર્યું હોત..!!
મગર યે ઝાલીમ દુનિયા...! ઉસે કૈસે ગવારા હોગા યે સબ..એટલે ટેન્શન આવી ગયું કે -લોગ ક્યાં કહેંગે..!
ખૈર, મેં પણ 'હાલાત કે સાથ સમજૌતા' કરી લીધો અને તેની બંને હથેળીઓમાં એકસાથે તાળીઓ આપી.
.
પછી, બપોરના શોમાં મુવી જવાનું પાયલે સજેશન કર્યું. પણ ખરું કહું તો હું એવી મેન્ટલ કન્ડીશનમાં હતો જ નહીં. મારે તો બસ ઘરે જઈને એક લાંબી એવી શાંત ઊંઘ ખેંચી લેવી હતી.
યાર, એક મોટું કામ પત્યું હતું. ટેન્શન, જે કેટલા મહિનાથી મારી જાન લેતું હતું, તે આજે ખતમ થઇ ગયું હતું.
.
.
ધીમે ધીમે મને તેની પાસેથી જાણવા મળ્યું, કે તેની સૌથી પહેલી 'ના', તે એક્ચ્યુલમાં 'ના' જ હતી.
શું કામ? તો કહે કે હું કેટલો હોંશિયાર..કોલેજમાં ફર્સ્ટ આવવાવાળો...વગેરે વગેરે, અને તે કાયમ ફેઈલ..અથવા એ.ટી.કે.ટી.વાળી.
:D
શું કરવાનું આ છોકરીનું.. ! શેનો સંબંધ ક્યાં જોડી નાખે છે..! અરે, પહેલાં કહી દીધું હોત, તો દસ વખત નાપાસ થવા ય તૈયાર થઇ જતે હું.
ઠીક છે, જવા દો,
.
અને પછી જેમજેમ અમારી ફ્રેન્ડશીપ વધતી ચાલી, તેમતેમ તેને પોતાને જ ખબર ન પડી, કે ક્યારે તે મારા પ્રેમમાં પડી ગઈ. પણ તેણે મને કહ્યું નહીં.
કારણ?
તે મને મારા બર્થડેનાં દિવસે એટલે કે, ૨૬ ડીસેમ્બરના દિવસે કહેવાની હતી. 'અ પરફેક્ટ બર્થડે ગીફ્ટ' [ધેટ ઈઝ વોટ, શી થોટ]
પણ તે દિવસે કેન્ટીનમાં મારા ટોણા-મહેણાં તેનાથી સહન ન થયા અને રહેવાયું નહીં, એટલે કહી બેઠી. તે દિવસ હતો ૬ઠ્ઠી નવેમ્બર ૨૦૦૯.
મેં કહ્યું- "શેનો જન્મદિવસ ને શેનું શું..! અરે, તેં કાળીચૌદસની અડધી રાતે ય કહ્યું હોત, તો ય મને ચાલત. હું કેટલો તરફડ્યો છું, તેનું કંઈ ભાન છે તને?"
ને પછી મેં જ્યારે મારાં ગ્રુપમાં દોસ્તોને આ વાત કરી, તો સાલાઓ કોઈ માનવા જ તૈયાર નહોતું.
.
પછી ૬ મહિનામાં ૮મું સેમેસ્ટર પૂરું થયું. તે દરમ્યાન આપણું જોબ-પ્લેસમેન્ટ પણ થઇ ગયું, [ઓફ કોર્સ, એક મલ્ટી નેશનલ કંપનીમાં]
અને લાઈફ જાણે કે સેટલ થઇ ગઈ.
.
અને તેનાં પછી બીજાં ૬ મહિનામાં, એટલે ૧૩મી નવેમ્બર ૨૦૧૦નાં દિવસે અમારા લગ્ન પણ થઇ ગયા. ૬ વર્ષ થઇ ગયા એ વાતને. પણ તો ય..
આજે ય અમે બંને ૬ઠ્ઠી નવેમ્બર સેલીબ્રેટ કરીએ છીએ. તે દિવસ અમારે જીવંત રાખવો છે, આખી જીન્દગી સુધી...!
.
.
આ બધું લખતાં એક વાત યાદ આવે છે..!
'લગાન' ફિલ્મનાં 'ઓ મિતવા' ગીતની શરૂઆત...
"હર સંત કહે, સાધુ કહે..સચ ઔર સાહસ હૈ જિસકે મન મેં, અંત મેં જીત ઉસી કી હૈ.."
.
.
તો આ હતી, મેરી છોટીસી લવ-સ્ટોરી.
થેંક યુ વેરી મચ, મારી લવ-સ્ટોરી વાંચવા બદલ..! [સમાપ્ત]
એક અબુધ, મુગ્ધ યુવાનની મન:સ્થિતિનું વર્ણન કરતી તેની લવ-સ્ટોરી લખવાનો, મેં આ એક પ્રયત્ન કર્યો છે. ૨૧-૨૨ વર્ષની આ ઉમરે યુવાનોએ બહુ બધુ લાંબુ અને ગંભીર વિચારવાનું ન હોય, એટલે સાવ હલકી-ફૂલકી વાતોથી જ તેમની પ્રેમ-કથાઓ ભરેલી હોય. તેમની ઉમરની મનોગત અનુભવવા માટે તેમના જેટલું યુવાન બનવું પડે, કે જે આ ઉમરે મને થોડું અઘરું તો પડે જ..
પણ તો ય આ એક ટ્રાઈ મારી છે મેં. આઈ હોપ યુ એન્જોય્ડ ઈટ..
અશ્વિન મજીઠિયા...