ખોયા મેરા ચાંદ - ભાગ ૨ Ashwin Majithia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

ખોયા મેરા ચાંદ - ભાગ ૨

ખોયા મેરા ચાંદ [પ્રકરણ-૨]

લેખક: અશ્વિન મજીઠિયા

ઈમેલ:

ફોન: ૯૮૭૦૪૨૮૮૦૪

ચાર દિવસની ઓફીસ પીકનીક માટે અલીબાગના રિસોર્ટમાં ગયેલો સમીર, ત્યાં આવેલી સુપ્રિયાને જોઈ પહેલી નજરમાં જ પોતાનું હૈયું હારી બેઠો. પોતાના મનની વાત તેને કેમ કહેવી તેની વિમાસણમાં ત્રણ દિવસ તો નીકળી ગયા. શનિવાર ત્યાંની પીકનીકનો છેલ્લો દિવસ હતો તો ત્યારે સવારે જોગીંગ કરવા માટે તે સી-બીચ પર આવે ત્યારે ગમે તેમ કરીને તેને વાત કરી જ દેવી, તેવું નક્કી કરીને શુક્રવારની રાતે તે સુઈ તો ગયો, પણ મન તો અધીરું જ હતું કે ક્યારે સવાર પડે, એટલે શનિવારે વહેલી પરોઢે જ તેની ઊંઘ ઉડી ગઈ.

બહાર હજી અંધારું હતું. ખુબ આતુરતાપૂર્વક તે ૬.૩૦ વાગવાની વાટ જોતો રહ્યો કે- ક્યારે ટાઈમ થાય અને જોગીંગ કરવા જાઉં. એક એક પળ તેને યુગ યુગ જેવી લાંબી લાગતી હતી. અંતે ૬.૩૦ વાગ્યા કે બહાર નીકળતા પહેલા વિચાર આવ્યો, કે કદાચ આજે સુપ્રિયા ત્યાં દરિયા કિનારે આવશે જ નહીં તો? તેની કરતા ફોન કરીને તેને બોલાવી જ લઉ. તરત જ ઇન્ટરકોમ પર તેનો રૂમ નંબર ૬૦૨ તેણે જોડ્યો. કેટલી ય વાર સુધી રીંગ વાગતી રહી. પણ કોઈએ ફોન ઉપાડ્યો જ નહીં..! તેના હૃદયે તેને ધરપત આપી કે, "સુપ્રિયા તો તારી પહેલાં જ દરિયા કાંઠે પહોચી ગઈ હશે.”

અને અજાણતા જ મનમાં લાડુ ફૂટવા લાગ્યા- “વાહ..! આટલી બધી અધીરાઈ..! શી ઇસ અલ્સો સો ડેસ્પરેટ ટુ મીટ મી." કહેવાય છે ને કે પોઝીટીવ થીન્કીગ તમારી નર્વસનેસને દબાવી દે છે, અને સમીર પણ તેમાં અપવાદ નહોતો.

મનગમતા વિચારો કરતો તે સમુદ્ર-કિનારે પહોચ્યો. રસ્તે આખે, અને ત્યાં દરિયા-કાંઠે પણ તેની નજર તો બસ સુપ્રિયાને જ શોધતી રહી. પણ લાંબાલચક ફેલાયેલા કિનારા પર તેને ક્યાંય તે ન દેખાઈ. કેટલીય વાર સુધી તેની વાટ જોતો સમીર ત્યાં ઉભો રહ્યો; ટહેલતો રહ્યો; બેસી ગયો; પણ કંઈ જ ન વળ્યું.

આખરે નિરાશ વદને તે રિસોર્ટમાં પાછો ફર્યો. કેફેટેરિયા, લોન, ગાર્ડન.. બધે જોઈ વળ્યો. પણ સુપ્રિયાનો કંઈ જ પત્તો ન હતો. પોતાની રૂમ પર જઈ તેણે ઇન્ટરકોમ પરથી ફરીથી તેનાં રૂમનો ૬૦૨ નંબર ફેરવી જોયો. પણ કોઈ જ જવાબ ન મળ્યો. આટલી વહેલી ઉઠીને માર્કેટ ગઈ હશે? એવો પણ વિચાર મનમાં આવ્યો. તો પછી રીસેપ્શન કાઉન્ટર પર રૂમની ચાવી મૂકી ગઈ હશે. અને ત્યાં કદાચ કોઈને ખબર પણ હશે. એમ વિચારી સમીર રીસેપ્શન પર ગયો.

"રૂમ નંબર ૬૦૨. મે આઈ નો, ઇફ મિસ સુપ્રિયા ઈઝ ઇન?"

ટેબલ પરના માણસે કી-બોર્ડ પર શોધ્યું, પણ ત્યાં રૂમની ચાવી લટકતી દેખાઈ નહીં. પછી તેણે કોમ્પુટરમાં ચેક કર્યું અને બોલ્યો,

"સર, રૂમ નંબર ૬૦૨, ઓલ ધ ગર્લ્સ હેવ ચેક્ડ-આઉટ ઇન ધ મોર્નિંગ."

"મતલબ? વોટ ડુ યુ મીન બાઈ ચેક્ડ-આઉટ? " -સમીર જાણે કે બરાડી ઉઠ્યો.

"ચેક્ડ-આઉટ સર..! લેફ્ટ ધ હોટેલ. એની પ્રોબ્લમ?' -રીસેપ્શન કલાર્કે શાંતિપૂર્વક જવાબ આપ્યો. સમીરને પોતાની આસપાસ બધું ગોળગોળ ફરતું લાગ્યું.

"પણ સુપ્રિયા આમ જઈ જ કેમ શકે? મને કંઈ જ પણ કહ્યું કેમ નહીં? અરે, જતાં જતાં એક વાર મળીને તો જાય...!" -આવા અનેક વિચારો તેને આવવા લાગ્યા- "તે હવે ક્યાં મળશે? ક્યાં રહે છે? તેનું એડ્રેસ, ફોન નંબર.. કંઈ જ કેમ નથી પોતાની પાસે? દુનિયા આખીની ફાલતું વાતો કરી આટલા દિવસ. પણ એકમેકની સીધી-સાદી માહિતી પોતે તેની સાથે એક્ષ્ચેન્જ કરી નહોતી, અને પછી કહે છે કે, તેને પ્રેમ કરું છું. શી...!" -સમીરને શરમ આવવા લાગી જાત પર, પોતા પર જ તેને ગુસ્સો આવવા માંડ્યો..

.

ત્યાં જ સમીરને એક વિચાર આવ્યો. રીસેપ્શન પરના રજીસ્ટરમાં કંઇક તો માહિતી હશે જ. સુપ્રિયાની નહીં તો તેની કોઈ સખી-સહેલીની. કોઈકની તો હશે જ. તેનું મગજ હવે સ્વસ્થ થઇ વિચારવા લાગ્યું.

"એની કોન્ટેક ડીટેલ? -સમીરે શાંતિથી કલાર્કને પૂછ્યું.

"નો સર."

"વોટ ડુ યુ મીન બાય ‘નો સર’? બુકિંગ કરતી વખતે તમે લોકો તો બધી ડીટેલ ભરાવો જ છો ને. " -સમીરે પોતાની જાત પર કાબુ રાખતા રાખતા કહ્યું.

"યસ. પણ અમે તે ઇન્ફોર્મેશન કોઈને આપી શકતા નથી. કાયદાની વિરુદ્ધ છે, એ."

"ઓકે. હવે સમજાયું." -કહી સમીરે ખીસામાંથી સો-સોની બે નોટ કાઢીને તેના હાથમાં મૂકી અને અર્થપૂર્ણ સ્માઈલ આપ્યું.

"સોરી સર. આ પાછા લઇ લો. ઈટ’સ અગેઈન્સ્ટ ધ એથીક્સ, એન્ડ અગેઈન્સ્ટ ધ રૂલ્સ ઓલ્સો. હું તમને કોઈ ઇન્ફોર્મેશન આપી નહીં શકું." -કલાર્કે બંને નોટ સમીર તરફ હડસેલતા કહ્યું.

.

સમીરે કાકલુદી કરી, શાંતિથી સમજાવ્યો, બરાડીને ધમકાવ્યો પણ કંઈ જ ન વળ્યું. નિરાશ વદને તે પાછો ફરી રહ્યો હતો ત્યાં એક બુમ સંભળાઈ,

"મિસ્ટર સમીર..! આર યુ મિસ્ટર સમીર?"

પાછળ ફરીને જોયું તો પેલો ક્લાર્ક તેની તરફ જોઇને બોલી રહ્યો હતો.

"યસ. વાય? નાઉ વોટ? હવે શું છે હજી?" -સમીરે કંટાળાજનક અવાજે જવાબ આપ્યો.

"ધીસ ઇઝ ફોર યુ..!" -કલાર્કે એક ચિઠ્ઠી તેની તરફ લંબાવી.

બસ.. બે જ પગલામાં સમીરે આવડું બધું અંતર કાપીને તેના હાથમાંથી રીતસર કાગળ ઝુંટવી લીધો. અને પછી ચાલતા ચાલતા જ વાંચવાની શરૂઆત કરી.

.

"દિન તો ગુઝર ગયે હૈ,
રાત ભી ઢલ ગયી, યું હી..
કોશિષ તો બહોત કી દિલ ને
પર ઝુબાં પે બાત રહ ગયી, યું હી.

"હાય સમીર, કેમ છે? તને કહ્યા વગર નીકળી ગઈ એટલે ગુસ્સે છો ને મારા ઉપર? છેલ્લે એક વાર તો મળવું જોઈતું હતું ને? મને પણ એમ જ લાગતું હતું. ઘણું મન થયું તને મળવાનું. તારી સાથે વાતો કરવાનું. પણ પછી મનને ખુબ સમજાવ્યું, અને તને મળ્યા વગર જ નીકળી ગઈ.
શું યાર? ખુબ પ્રેમ કરે છે ને મને? તો પછી આટલો અચકાય છે શા માટે? ન સમજી શકું એટલી બુધ્ધુ નથી હું. ખુબ મન હતું તારા મોઢેથી આ સાંભળવાનું. પણ જિંદગીએ એટલા જખમ દીધાં છે, કે હવે કોઈ પણ પગલું ભરતા પહેલા જ પાછળ હટી જવાય છે. પ્રેમ.. સંબંધ.. રિલેશનશિપ.. આ બધા પરથી જાણે કે વિશ્વાસ જ ઉઠી ગયો છે હવે તો. પણ, એક સંબધ પોકળ નીકળ્યો એટલે બધા જ સંબંધો એવા કમજોર અને ખોટા હોય તેવું તો નથી જ હોતું તે સમજુ છું હું.
યાદ છે ને સમીર, આપણી મુલાકાત કેવી રીતે થઇ હતી તે? એક નાનો એવો અકસ્માત જ હતો ને તે? તો પછી અકસ્માતે થયેલી મુલાકાત અને તેમાંથી નીપજેલો પ્રેમ..! એની પર કેમ કરીને વિશ્વાસ થાય? કેમ સમજવાનું કે વિધાતાએ આપણને ભેગા કર્યા, તે જિંદગીભર ભેગા રહેવા માટે જ? આજે એક અકસ્માતે આપણે ભેગા થયા, તો કાલે એવા જ કોઈ કારણે આપણે છૂટા નહીં પડીએ તેની શું ખાતરી? સમીર, ખુબ પેઈન થાય છે જ્યારે કોઈક આપણા સંબંધનાં તાંતણા છૂટી જાય છે ત્યારે...જયારે આપણે કોઈક આપણા પોતાનાથી જ અલગ થઇએ છીએ ત્યારે.

એની વે, કદાચ મારો આ બબડાટ તને નહીં પટે. કદાચ તું મને પ્રેમ ન પણ કરતો હોય, અને મને ફક્ત એવો ભ્રમ જ થયો હોય. પણ સમીર..હું કરું છું. હું તને ખુબ પ્રેમ કરું છું. મને તું ખુબ ખુબ ગમ્યો છે, અને ગમે પણ છે. તારી સાથે જીંદગી વિતાવવી મને ગમશે. પણ તેનાં માટે મને લાગે છે, કે આપણે એક કસોટીમાંથી પસાર થવું પડશે. ટુ બી એકઝેટ, આપણે નહીં, આપણા નસીબે એક કસોટીમાંથી પસાર થવું પડશે. જો સાચે જ આપણે એકબીજા માટે સર્જાયા હશું તો નિયતિ ચોક્કસ આપણને ફરી પાછા એકવાર મેળવશે. મને વિશ્વાસ છે. સમીર, આપણે ફરીથી પાછા મળશું જ. ક્યાં, ક્યારે, કેવી રીતે તે કંઈ જ કહી ન શકાય. પણ મળશું તો ખરા જ, તે તો નક્કી.

એય..! પરીક્ષામાં આપણે ચીટીંગ કરીએ છીએ એવી એક ચીટીંગ મેં નસીબ સાથે પણ કરી લીધી છે, તેને ખબર ન પડે તેમ. રીસેપ્શન પરના ક્લાર્કને મેં પચાસ રૂપિયાની એક નોટ આપી છે, ટીપ તરીકે. પણ શાહિદકપૂર અને કરીના, કે એવી કોઈકની એક હિન્દી-મુવીમાં જોઈ હતી, તેવી એક ટ્રીક મેં પણ કરી છે. તે નોટની પાછળ મેં મારો મોબાઈલ નંબર લખ્યો છે. જો આપણા નસીબમાં હશે, તો તને તે નોટ પેલા ક્લાર્ક પાસેથી મળી જશે. તેની પરનાં નંબર પરથી આપણો ભેટો ફરીથી થઇ જશે. અને હા, આ મુલાકાત આપણી કાયમની મુલાકાત બની શકે..જો તને મંજુર હોય તો. શું ખબર આપણા નસીબમાં શું છે..પણ ત્યાં સુધી આપણે દુર તો રહેવાનું જ છે.

યું તો કોઈ તન્હા નહીં હોતા,
ચાહ કર ભી કોઈ જુદાં નહીં હોતા.
મહોબ્બત કો તો મજબૂરીયાં લે ડૂબતી હૈ
વરના, ખુશી સે કોઈ બેવફા નહીં હોતા."

ચલ બાય સમીર, ટેક કેર..! ધ્યાન રાખજે તારું. નસીબમાં હશે તો ચોક્કસ મળશું જ.

.

તારી, ને ફક્ત તારી,
સુપ્રિયા

.

.

ખુશ થવું કે નારાજ થવું..? હસવું કે રડવું..? સમીરને કંઈ જ સમજાતું નહોતું. તેની દિલોજાન એવી સુપ્રિયા, તેને પ્રેમ કરે છે તેની ખાતરી આપતો આ પત્ર એક વિચિત્ર એવી કસોટીમાંથી ય પસાર થવા માટે લલકારતો હતો.

અચાનક તેને પેલા કલાર્કને અપાયેલ પચાસ રૂપિયાની નોટની વાત યાદ આવી. ઝડપથી પાછા ફરીને તેણે પેલા ક્લાર્કને તેના વિષે પૂછ્યું. કલાર્કને તો એ જ ન સમજાયું કે પોતાને ટીપમાં મળેલી એ નોટની વાત સમીરને ક્યાંથી ખબર પડી. અને મોટી વાત તો એ, કે તેને ફરી પાછી એ નોટ જોઈતી’તી શા માટે? સમીરના બદનસીબે આ ક્લાર્ક પ્રેમ અને લાગણીની બાબતમાં સાવ સુકોભઠ્ઠ હતો કદાચ. નહીં તો, બુકિંગ-રજીસ્ટરમાંથી કોઈ કસ્ટમરની થોડી માહિતી આપવી, કોઈ મોટી વાત ન હતી.

આમ છતાં ય...આ વખતે તેણે સમીરને સહકાર આપવાનું કબુલ કર્યું. તેણે પોતાના ખિસ્સા ફંફોસ્યા. પણ પચાસની કોઈ નોટ ન મળી એમાં. સમીરે કેશ-બોક્ષ ચેક કરવા કહ્યું કે, એમાં કોઈ પચાસની નોટ હોય તો. પણ તેમાં ય પચાસની તો એકેય નોટ નહોતી. એક જૂની ગંદી સો રૂપિયાની નોટ જોઇને તે અકડું કલાર્કને યાદ આવ્યું કે એક કસ્ટમરને ૧૦૦ રૂપિયાના છુટ્ટા જોઈતા હતા. આવી ગંદી નોટ જોઇને છુટ્ટા આપવાનું મન ન હોવા છતાં ય પોતાની જાતને ગ્રેટ સાબિત કરવા તેણે છુટ્ટા આપવાની તૈયારી તો બતાવી, પણ કેશ-બોક્ષમાં તો ૫૦ની એક જ નોટ હતી. તો તેણે પોતાનાં ખિસ્સામાંથી બીજી નોટ કાઢીને આપી હતી. તે આ સુપ્રિયાવાળી નોટ જ હશે તેની તેને હવે ખાતરી થઇ ગઈ. તેણે સમીરને આ વાત કરી. હવે કયા કસ્ટમરને આપી..તેણે ક્યાં જઈને તે વાપરી નાખી, ત્યાંથી આગળ ક્યાં ગઈ હશે તે નોટ...તે તો રામ જાણે. નસીબના ખેલ આગળ પોતે કેટલો નિ:સહાય છે, તેનો પ્રબળ અહેસાસ સમીરને થઇ આવ્યો.

.

ડીસેમ્બરની એ સવારે અચાનક જ વરસાદનું ઝાપટું એક આવી ગયું. હોટલની બહાર, સમીર તે મુસળધાર વરસાદમાં ભીંજાતો ભીંજાતો એક મોટા પત્થર પર બેઠો હતો, સુપ્રિયાના તે પત્રને છાતીસરસો ચાંપીને. તેના ચહેરા પરથી ટીપાં નીચે રેલાતા હતાં. વરસાદનાં પાણીનાં હતાં કે આંસુનાં, તે તો સમીર જ જાણે..કે જાણે પેલી ક્રૂર નિયતિ..!

*********

.

"સમીર... એ સમીર...!" -સુરભીએ બુમ પાડી, "કેટલી ઉતાવળ છે તને તો યાર? થોડું ધીરે ચાલને..!"

"હું તો ધીરે જ ચાલુ છું, તું જ પચાસ ઠેકાણે ઉભી રહી જાય છે, વિન્ડો શોપિંગ કરતી કરતી." -સમીરે થોડાં નારાજીભર્યા સ્વરે જવાબ આપ્યો.

“એય..હાઉ અનરોમેન્ટિક..! તારી સાથે મારા જેવી એક ખુબસુરત એન્ડ એટ્રેક્ટિવ છોકરી શોપિંગ કરવા આવી છે, અને એક તું છે, કે જેને જાણે કે કોઈ પરવા જ નથી." -સુરભીએ હળવા ટોનમાં મ્હેણું માર્યું.
તે ખુશ હતી, કારણ આજે કોઈ પણ જાતના નખરા કર્યા વગર સમીર તેની સાથે શોપિંગ કરવા આવ્યો હતો. શોપિંગ તો ઠીક, તે પોતાની ભેગો આવ્યો એટલું જ સુરભી માટે ઘણું હતું.

.

"અરે..!" -તેની ટકોર પર સમીરે પ્રતિભાવ આપ્યો.

"જો કહી દઉં છું તને..," -સુરભી થોડાં લાડમાં આવીને બોલી- "અત્યારથી થોડી આદત પાડી લે, કારણ મેરેજ પછી તો કાયમ તને સાથે લઇને જ શોપિંગ માટે આવીશ. ત્યારે તારી આ કીચકીચ નહીં ચાલે.”

"સુરભી, પ્લીઝ..!' -લગ્નની વાત આવતાં જ સમીરે બોલી પડ્યો- “હવે ફરી પાછી શરુ નહીં થઇ જતી."

“ઓકે, ઓકે..!" -સુરભી થોડા સમજુતીભર્યા સ્વરે બોલી- “નહીં કાઢું ફરી મેરેજની વાત, બસ..! પણ એક જ સવાલ છે.. મારા ઘરનાઓને તું પસંદ છે, તારા ઘરઓને હું પસંદ છું, મને ય તું ગમે છે, એન્ડ આઈ હોપ, તને ય હું. તો પછી હવે પ્રોબ્લમ ક્યાં છે? હજી કેટલો વખત વાટ જોઇશ તું સુપ્રિયાની? અમે બધા તારી ‘હા’ ની વાટ જોતાં બેઠા છીએ. મારી સાથે મેરેજ કરી લે દોસ્ત. તને એટલો પ્રેમ કરીશ, કે પછી ફરી તને સુપ્રિયાની યાદ સુદ્ધા નહીં આવે."

મુંબઈનો સહુથી ભરચક એરિયા એટલે ભૂલેશ્વર, અને ત્યાંની એટલી ગરદીમાં સુરભીની સાથે ચાલતાં ચાલતાં વાતો કરવી સમીરને કેમે ય ફાવતી નહોતી. અને એમાં સુરભીએ લગ્નની વાત લંબાવી, એટલે સમીર જગ્યા પર જ ઉભો રહી ગયો અને બોલ્યો-

"સુરભી તને કેમ સમજાવું, તે જ નથી સમજાતું." -હતાશાભર્યા સ્વરે તેણે વાત આગળ વધારી- "જો સુરભી, આપણે બંને એકબીજાને નાનપણથી જાણીએ છીએ. એકમેકના સારા દોસ્ત પણ હતાં..છીએ, અને રહેશું પણ. તો પછી આ મેરેજ..આ પ્રેમ..ને એવું બધું શા માટે વચ્ચે લાવવાનું? મને તું ગમે છે. ચોક્કસ ગમે છે. કદાચ સુપ્રિયા કરતાં ય વધુ ગમે છે. પણ એ ગમવા પાછળની ભાવનાઓ જુદી છે. તું કહે છે, તેવું પણ કદાચ થાય. કદાચ આપણા મેરેજ થાય પણ ખરા. કદાચ હું તારામાં એટલો ગુંથાઈ જાઉ, કે મને સુપ્રિયાની યાદ પણ ન આવે. પણ આ બધું ‘કદાચ’ છે, ‘ચોક્કસ’ નહીં. હું કોઈ જાતનો વાયદો નથી કરતો કારણ..ત્રણ વર્ષ થઇ ગયા, તો ય હું સુપ્રિયાને ભૂલી શક્યો નથી. હજુ યે દરેક ૫૦ રૂપિયાની નોટને હું કેટલીય વાર ઉલટાવી-પલટાવીને ચેક કરું છું. ચાર-પાંચ વાર હું અલીબાગ પણ જઈ આવ્યો, કે કદાચ ત્યાં કોઈ પાસે હજુ ય તે નોટ હોય..ત્યાંના કોઈ દુકાનદાર પાસે, નારીયેલ-પાણીવાળા પાસે, રીક્ષાવાળા પાસે, બજારમાં..અરે તે રિસોર્ટમાં ય ફરી જઈ આવ્યો કે કલાર્કને ફરીથી સમજાવું, પણ મારા બદનસીબે તે રિસોર્ટ વેચાઈ ગઈ, એટલે ત્યાનું મેનેજમેન્ટ, સ્ટાફ, રેકોર્ડ્સ..બધું જ બદલાઈ..."

"કેવી હતી યાર, તારી તે સુપ્રિયા?” -સમીરનું વાક્ય વચ્ચે જ કાપીને સુરભીએ પૂછ્યું- “મારા કરતા ય વધારે સુંદર હતી કે?"

"હતી નહીં સુરભી...છે. સુપ્રિયા છે. જગતનાં કોઈક ખૂણામાં ક્યાંક તો જરૂર છે જ. મારી વાટ જુએ છે, અને હું તેને શોધી જ કાઢીશ." -સમીરના મનમાં હજુ ય આશા એટલી જ બળવાન હતી.

.

ત્યાં, સામે જ એક ઓછી ઘરાકીવાળી એક દુકાન દેખાતા, તરત તે એ દુકાનમાં ઘુસ્યો. અને ખીસામાંથી ૧૦૦ની એક નોટ કાઢીને દુકાનદારને કહ્યું- "ભાઈસા'બ, ૧૦૦ના છુટ્ટા મળશે? બે ૫૦ની નોટ...? પ્લીઝ..!"

દુકાનદારે તેને બે પચાસની નોટ આપી. અને અધીરાઈપુર્વક સમીર તે બંને નોટ ઉલટાવી-પલટાવીને જોવા લાગ્યો. કદાચ તેના પર સુપ્રિયાનો મોબાઈલ નંબર લખેલો મળી આવે.
સુરભી તેનાં ચહેરાને દુરથી જ જોતી રહી. તેનાં મનનાં ઉચાટનું સ્થાન તરત જ એક ધરપતે લઇ લીધું, કારણ સમીરના ચહેરા પરના હાવભાવમાં કોઈ જ ફરક નહોતો પડ્યો. પળવાર માટે ઉમટી આવેલા ઉત્સાહ અને ઉમ્મીદનું બાળમરણ ફરી એક વાર, અગાઉની સેંકડોવારની જેમ જ, થઇ ગયું હતું.

તેનાં મનનો ચાંદ ખોવાઈ ગયે, અને હૃદય-આસમાનને સૂનાં થયે કેટકેટલો અરસો વીતી ગયો હતો. રોજ રાતની જેમ પેલું તેનું મનગમતું ગીત, આજે રાતે પણ તેને યાદ આવતું રહેશે...બસ થોડા બદલાયેલા શબ્દો સાથે..!

“ખોયા મેરા ચાંદ, સૂના આસમાન,
આંખો મેં સારી રાત જાયેગી,
ઐસે મેં કૈસે નીંદ આયેગી..
હો..ઓ.., ખોયા મેરા ચાંદ..!” [ક્રમશ:]

.

અશ્વિન મજીઠિયા..