Takrav books and stories free download online pdf in Gujarati

ટકરાવ

ટકરાવ

લેખક: અશ્વિન મજીઠિયા

ઈમેલ: mmashwin@gmail.com

ફોન: ૯૮૭૦૪૨૮૮૦૪

અનુક્રમણિકા

પ્રકરણ ૧ - મળવાની તાલાવેલી

પ્રકરણ ૨ – મુલાકાત

પ્રકરણ ૩ – વાત બનશે?

પ્રકરણ ૧ - મળવાની તાલાવેલી

“ટૅક્સી...!” –મિસીસ મેનને હાક પાડતા જ એક ટૅક્સી તેમની સામે આવીને ઉભી રહી ગઈ, અને તેઓ તેમાં ગોઠવાઈ ગયા.

“લોખંડવાલા કોમ્પ્લેક્સ..જરા જલ્દી” –ડ્રાઈવરને સુચના આપતાં આપતા તેમણે પોતાની કાંડા-ઘડિયાળ તરફ નજર કરી. સાંજના ચાર વાગી ગયા હતાં અને તેમણે ઝડપ કરવી જ રહી. સવા-સાત વાગ્યાની પોતાની ચેન્નઈની ફ્લાઈટને બસ લગભગ ત્રણ કલાકની જ વાર હતી. અને હજી એક મહત્વનું કામ બાકી રહી જતું હતું.

અગ્રવાલ સાહેબ સાથેની અત્યારની મીટીંગમાં એક કલાક વધુ જ ખર્ચાઈ ગયો, પણ તેનો કોઈ જ અફસોસ નહોતો. બલ્કે આ માલેતુજાર ક્લાયન્ટ સાથેની આજની મીટીંગ ધંધાકીય કરતાં અંગત રીતે વધુ ફળદાયી તેમને લાગી, કારણ વાતવાતમાં જ તેમણે મિસીસ મેનનના દીકરા કાર્તિકની વાત છેડી તેનાં ખુબ વખાણ કર્યા અને પોતાની દીકરી માટે તે બધી રીતે યોગ્ય રહેશે તેવો પોતાનો મત પણ જણાવ્યો.

મિસિસ મેનન ઘણાં મહિનાં બાદ આજે ફક્ત એક દિવસ માટે મુંબઈ આવ્યા હતાં, એટલે મુંબઈમાં રહેતા કાર્તિકને મળવાનું લગભગ મુશ્કેલ જ હતું. અને પોતાની આ મુશ્કેલીની વાત તેમણે ત્રણ-ચાર દિવસ પહેલાં કાર્તિકને ફોનમાં જણાવી યે હતી. પણ અગ્રવાલ સાહેબની દીકરીની અત્યારે વાત થતાં, હવે કાર્તિકનાં નવા ઘરે આજ ને આજ જઈ ત્યાંની હાલચાલ જાણી લેવાની તેમને તાલાવેલી ઉપડી હતી.

વહેલી સાંજના ઓછા ટ્રાફિકની કૃપાને કારણે બસ લગભગ અડધા કલાકમાં જ ટેક્સી લોખંડવાલા કોમ્પ્લેક્સમાં એક મકાન સામે આવી પહોંચી. લીફ્ટમાં લાગેલ આરીસા સામે પોતાનાં વાળ અને મેકઅપને ઠીકઠાક કરીને મિસીસ મેનને પોતાની વ્યગ્રતાને છુપાવી દીધી અને બીજી બે જ મીનીટમાં તેઓ આઠમાં માળે એક બંધ દરવાજાની સામે આવીને ઉભા રહ્યા. ડોર-બેલનું બટન દબાવ્યું અને દરવાજો ખુલ્યો,

"કાર્તિક? હી સ્ટેઝ હિયર?" -મીસીસ મેનને પૃછા કરી.

"યસ.. એન્ડ યુ હીઝ મોમ. રાઈટ? વેલકમ..પ્લીઝ કમ ઇન.." -સલોનીએ નમ્રતાપૂર્વક તેમને આવકાર્યા.
પછી લીવીંગરૂમમાં બેસાડીને, “એક્સ્યુઝ મી..” કહીને અંદર રસોડામાં ચાલી ગઈ.

મીસીસ મેનન રૂમમાં પ્રવેશ્યા અને આજુબાજુ ચોમેર નજર ફેરવી.
તેમનાં એકના એક દીકરા કાર્તિકના જુના ઘરમાં તેઓ આ પહેલાં પણ જઈ ચુક્યા હતાં, પણ તેમાં અને તેનાં આ નવા ઘરમાં દેખીતો તફાવત તેમને જણાઈ આવ્યો.
તેમણે જોયું કે જુના ફર્નીચરની અમુક આઈટમો જેમની તેમ હતી, પણ તે ઉપરાંત તેમાં થોડું નવું રાચરચીલું પણ ઉમેરાયું હતું.
ઉડીને આંખે વળગે તેવો સૌથી મોટો ફરક તે એ હતો, કે હવે આ ઓરડો 'બેચલર્સ-બોગી' કે પછી 'વાંઢા-વિલાસ' જેવો બિલકુલ જ લાગતો ન હતો.
ઘરની ગોઠવણીમાં અને સાર-સંભાળમાં કોઈ સ્ત્રીનો હાથ ફરી ચુક્યો છે, તે ચોક્ખું જણાઈ આવતું હતું.
સાફ-સુથરાઈ અને સુઘડ ગોઠવણી, જાણે કે ઓરડાની શોભામાં અનેક ગણો વધારો કરતાં હતાં.

.

પણ મિસીસ મેનનને આ બધી વાતોમાં અત્યારે ઝાઝો રસ ન હતો. તેમને તો મળવું હતું એ યુવતીને, કે ડોરબેલ વગાડતાની સાથે જ જેણે હમણાં દરવાજો ખોલી તેમને આવકાર્યા હતાં, અને ઘરમાં પ્રવેશ આપી અંદર પાણી લેવા ગઈ હતી.

"તો આ 2 BHK ફ્લેટ છે?" -સલોનીએ લાવેલ પાણીનો પ્યાલો હાથમાં લેતા મીસીસ મેનન બોલ્યા.

"નહીં, 1 BHK.. આવોને અંદર.. ઘર જુવોને.."

પાણી પીને મીસીસ મેનન સલોનીની પાછળ પાછળ અંદર ગયા.

"આ કિચન.." -લીવીંગ રૂમમાંથી રસોડામાં આવતા સલોની બોલી, ને પછી એક ક્ષણ ખમી આગળ વધી, અને કહ્યું- "અને આ બેડરૂમ.." –બહારથી જ, બેડરૂમનાં દરવાજેથી જ અંદરની તરફ ઈશારો કરતાં તે બોલી.

"એક જ બેડરૂમ અને એક જ બેડ.." -મીસીસ મેનને રીએક્શન આપ્યું.

"યસ.."

"તમે બંને એક જ બેડ શેઅર કરો છો?

"આંટી, એ તો.. "

"લીસ્સન..આ 'આંટી..વાંટી' કહીને કોઈ રીલેશન બનાવવાની જરૂર નથી..પ્લીઝ' –મીસીસ મેનનનાં મનની કડવાશ જાણે કે તેમનાં શબ્દોમાં છલકાઈ પડી.

"ફાઈન.. ફાઈન મીસીસ મેનન..ચાલોને આપણે બહાર બેસીએ " -સલોનીએ બિલકુલ વિચલિત ન થતાં, ખુબ જ સ્વસ્થતાપૂર્વક જવાબ આપતા આપતાં પાછા લીવીંગ રૂમ તરફ પ્રયાણ કર્યું. આ મુલાકાત નીરસ તો હશે જ તેવી સલોનીને ખાતરી હતી, પણ આટલું જલ્દી મુખ્ય વિષય પર આવવું પડશે તેવી તેને આશા નહોતી.
પોતાની મમ્મીનાં આવવાનાં ચાન્સની વાત તો કાર્તિકે તેને કરી જ હતી, અને માટે જ તેમની આગતાસ્વાગતાની થોડીઘણી તૈયારી યે પોતે કરી હતી, પણ હવે કદાચ..

હવે કદાચ, આ બધી તૈયારીઓ એળે જશે તેવું તેની સિકસ્થ-સેન્સ તેને જણાવતી હતી.

જો કે સલોની એક ઠરેલ પ્રકૃતિની યુવતી હતી અને વિકટ પરિસ્થિતિમાં પણ સ્વસ્થ રહેવાનું તેની પાછલી જિંદગીએ તેને સારી પેઠે શીખવાડ્યું હતું, એટલે લીવીંગ-રૂમમાં સામસામે બેસીને જ વાતો કરવી તેને ઉચિત લાગી, માટે બેડરૂમમાં વધું ન રોકાતા તે લીવીંગરૂમમાં આવી ગઈ, અને તેની પાછળ પાછળ મીસીસ મેનન પણ લીવીંગ રૂમમાં આવ્યા.

પ્રકરણ ૨ – મુલાકાત

"પ્લીઝ બી સીટેડ.." -સલોનીએ ફરી વિવેક દાખવ્યો.

લાલ રંગનાં બેકગ્રાઉન્ડમાં સફેદ રંગની એમ્બ્રોઇડરીવાળી નયનરમ્ય ખુરશી પર મીસીસ મેનને આસન ગ્રહણ કર્યું, તો તેમની સામે જ સફેદ રંગનાં બેકગ્રાઉન્ડમાં લાલ રંગની એમ્બ્રોઇડરીવાળા, તેટલાં જ મનોહર સોફા પર તે પોતે ગોઠવાઈ ગઈ.
એક સમાન કાપડમાંથી બનાવેલ, પણ બિલકુલ વિરોધાભાસી ઉઠાવ આપતાં સોફા અને ખુર્સીનાં આ બંને કવર જેવી જ મનોદશા કદાચ આ બંને સ્ત્રીઓની હતી.

“મીસીસ મેનન..કાર્તિકે તમને ઓલરેડી કહ્યું જ હશે, કે અમે લીવ-ઇન રીલેશનમાં છીએ. –તેઓ બંને સામસામે બેઠા કે સલોનીએ વાત ઉપાડી લીધી.

"યસ..તેણે મને ઇન્ફોર્મ કર્યું છે." -મીસીસ મેનને સલોની તરફ નજર કરવાની દરકાર કર્યા વિના કહ્યું.

"તો પછી? બેડ-શેઅર કરવાનો આવો સવાલ ? આ તો સમજવાની જ વાત છે ને.."

"જો સલોની.. કાર્તિક સાથે મારી ડીટેલમાં વાત નથી થઇ. એ તો ચેન્નઈ ભાગ્યે જ આવે છે. ફોન પર વાત કામની જ થાય છે. આ તો હું મુંબઈ આવી'તી, તો થયું તેને મળી લઉં અને તેની લાઈફમાં શું ચાલી રહ્યું છે તે જાણી લઉં. આફ્ટર ઓલ..હી ઈઝ મય સન..અને મને હક્ક છે."

"યસ, ડેફીનેટલી..અને કાર્તિકે મને તમારા મુંબઈ એરાઈવલની વાત કરી હતી. બટ અનફોર્ચ્યુનેટલી તેને એકાએક ચંડીગઢ જવાનું થયું. એટલે.."

"ઓકે.. ઓકે. બટ લેટ મી ટેલ યુ.. આ લીવ-ઇન રીલેશન અને એવું બધું.. મને ખબર ન પડે.. "

"હાઉ કેન યુ સે ધેટ મીસીસ મેનન..? તમે તો જમાનાની સાથે ચાલનારા લેડી છો. ઇન ફૅક્ટ આજથી ત્રીસ વર્ષ પહેલા તમે.. એક ગુજરાતી યુવતીએ એક તામિલ યુવક સાથે લગ્ન કરવાનું બોલ્ડ ડીસીઝન લીધું હતું. વેલ અહેડ ઓફ ધેટ ટાઈમ."

"હા, બોલ્ડ હતું..પણ સાથે સાથે નૈતિકતાના ધોરણે કંઈ ખોટું પણ ન હતું.. જ્યારે તમે લોકો તો લીમીટ ક્રોસ કરી રહ્યા છો. વિધાઉટ મેરેજ તમે લોકો.."

"નૈતિક, અનૈતિક, લીમીટ..એ બધું અમને નક્કી કરવા દો ને, પ્લીઝ.. ઇટ્સ આવર લાઈફ.."

"હા, સલોની..તારા જેવી યુવતીઓ જયારે આ યુગમાં જન્મે, પછી નૈતિક-અનૈતિક જેવું બચે જ શું? તારી લાઈફનાં નિર્ણય તું લે..ઓ.કે, આઈ ડોન્ટ કેર..પણ આમાં તો મારો દીકરો પણ ઇન્વોલ્વ છે. એન્ડ આઈ ફિલ વેરી સૉરી, કે એ તારા ટચમાં આવ્યો અને એટલે એણે આવો નિર્ણય લીધો.'

"લુક મીસીસ મેનન..મેં કોઈ ફોર્સ નથી કર્યો તેની ઉપર. ૨૯ વર્ષનો સમજદાર મેચ્યોર્ડ યુવાન છે એ."

"પણ દોષ તો તારો જ છે એમાં. તે એને ફોર્સ ભલે નહીં કર્યો હોય પણ એનકરેજ તો કર્યો જ હશે. તેં જો ‘ના’ પાડી હોત.. તો એ એકલો તો આવું પગલું ન જ ભરી શકત ને..!"

"એટ લાસ્ટ..! તમને વાંક તો મારો જ દેખાયો. દોષિણી તો હું જ બની. પણ મારી સાથે આ બધી ચર્ચા કરતાં પહેલા, ઈટ વોઝ બેટર કે તમે એનાં વ્યુઝ જાણી લીધા હોત."

"યસ..એટલે જ હું આવી'તી. બટ યુ સી.....એની વે, તમારી આ સગવડભરી ગણાતી એરેન્જમેન્ટના બેનીફીટ શું છે..? કેન યુ બ્રીફ મી ઓન ધેટ..?

"વેલ.. મને નથી ખબર કે હાઉ મચ યુ વિલ એગ્રી.. પણ તો ય.. લેટ મી ટ્રાઈ..'

"ગો અહેડ.."

"મીસીસ મેનન..કાર્તિક અને મારું કરિયર એકદમ સંતોષજનક છે. અને લગ્નનો નિર્ણય લઇને અમે બેઉ હાલમાં કરિયરની બાબતમાં કોઈ રિસ્ક નહોતા લેવા માંગતા.. કારણ મેરેજ અને તેનાં પછી સંતાનનાં કારણે કરિયર તો ડિસ્ટર્બ થાય જ. અને મેરેજ જેવું પગલું ભર્યા પછી એમાં પીછેહટ કરવી મોટેભાગે મોંઘી પડી જતી હોય છે. બીજું એ કે, મોસ્ટલી લગ્ન પછી પતિ પત્ની એકબીજાને ‘એઝ ગ્રાન્ટેડ’ જ લઇ લેતા હોય છે, જાણે કે ‘ઘરકી મુર્ગી દાલ બરાબર’. પણ અત્યારે આ પીરીયડમાં અમને એકબીજાની સાથેનો તાલમેલ ચેક કરવાનો મોકો મળે છે, એક ઝલક મળે છે કે આની સાથેની મેરીડ લાઈફ કેવી હશે. સેક્સ, રીલીજન, દૌલત, સંતાન, કરિયર વગેરે જેવી બાબતમાં એકબીજાનાં મત અત્યારે આ સમયગાળામાં ખુબ ડીટેલમાં જાણવા મળે છે. નિરાલી.. મારી મોટીબેન..તેનાં લગ્ન અને ડિવોર્સ બંને થઇ ગયા છે. અને એટલે જ મને એક વાતનો ખ્યાલ છે, કે મોટેભાગના મેરીડ કપલની સામે રોજે રોજ તેના લાઈફ-પાર્ટનરની કોઈને કોઈ એવી અલગ જ સાઈડ નજરે ચડી આવતી હોય છે, કે જેને જોઇને તેઓ એમ વિચારતા હોય છે કે આ..આનું..આવું બધું મને પહેલા કેમ ન દેખાણું. યુ સી..? કોઈને બહાર પબ્લિક પ્લેસમાં થોડા સમય માટે મળવું, અને એ જ વ્યક્તિને ઘરની પ્રાઈવસીમાં જોવો.. લોટ્સ ઓફ ડીફરન્સ છે તેમાં.. કામેથી થાક્યા-પાક્યા આવ્યા પછી એકબીજા પાસેથી કેટલાં કામની, કેટલાં પ્રેમની..કેટલાં એટેન્શનની અપેક્ષા પૂરી થાય છે એ જોવું, વગેરે વગેરે. ગુજરાતીમાં એક પ્રોવર્બ છે –સોનું જુઓ ઘસી અને માણસ જુઓ વસી..ઇન અધર વર્ડ્સ સોનાને ચકાસવા તેને ઘસવું પડે અને માણસને ચકાસવા તેની સાથે વસવું પડે."

"ઓહ..તે તો જાણે આ વિષયમાં પી.એચ.ડી. કર્યું હોય એવું લાગે છે.."

"મીસીસ મેનન. તમે મને બ્રીફ આપવાનું કહ્યું એટલે..ઓર એલ્સ, લેટ અસ નોટ ડિસ્કસ ધીસ..!" –સલોનીએ વાતનો વીંટો વાળતા કહ્યું. મીસીસ મેનનનાં એકધારા અવળા રવૈયાથી તે કંઇક અંશે નિરાશ થઇ ગઈ.

પ્રકરણ ૩ – વાત બનશે?

"નહીં નહીં..કૅરી ઑન..” –મિસીસ મેનનને લાગ્યું કે આવી રીતે તો વાત વધુ જ વણસશે એટલે તેમણે ઠાવકાઈપૂર્વક કહ્યું.

“ઓ કે, તો આઈ હોપ કે મેં જે કંઈ હમણાં કહ્યું તેમાં એક સ્ત્રી.. એક પરણિત સ્ત્રી તરીકે તમારી થોડી ઘણી તો સહમતી હશે” –સામે પક્ષે સલોનીએ પણ ધીરજ ન ખોવાનું જ પસંદ કર્યું.

વેલ.. તો એક સ્ત્રી તરીકે જ હું પૂછું કે એક વર્કિંગ વુમન તરીકે, આમાં તેં તો તારા પૈસાનો..તારી મુડીનો ખ્યાલ પણ રાખ્યો જ હશે.. રાઈટ?" –તેમનાં આ વાક્યમાં પૃચ્છા ઓછી અને ઉલટતપાસ વધું વર્તાઈ રહી.

"ચોક્કસ.. ને કોણ નથી રાખતું આજ કાલ..? મીસીસ મેનન.. આ જ તો બ્યુટી છે આ રીલેશનની.”

"ઓ કે..? મને તો ખબર જ નહીં કે આમાં કંઈક બ્યુટીફૂલ પણ છે," -મીસીસ મેનનનાં અવાજમાં ફરી પાછો ભરપુર કટાક્ષ ઉભરાઈ આવ્યો.

"લુક મીસીસ મેનન. હું એક મિડલ-ક્લાસ ફેમીલીની છું. આજે જે કંઈ મારી સેવિંગ્સ છે તે મારા આટલા વર્ષોની હાર્ડ-અર્નિંગ છે. જયારે મારા લાઈફ-પાર્ટનર પર મને પૂરો વિશ્વાસ આવે, ત્યારે જ એ બધું હું તેને હવાલે કરવાનું પસંદ કરું. અને હા, મને ખબર છે કે કાર્તિક પાસે પણ કોઈ બાપદાદાની જાયદાદ નથી. તેનાં ફાધરનાં ડેથ પછી તમે એને કઈ પરિસ્થિતિમાં મોટો કર્યો તે તમે પણ જાણો છો, અને હું પણ.. કાર્તિકે મને બધું કહ્યું છે."

"બહુ બધું શેઅર કર્યું છે તમે બંને એ. આઈ નો.." -મીસીસ મેનનનાં અવાજની કડવાશ જળવાઈ રહી હતી. પણ સલોનીએ તેની અવગણના જ કરી.

"યસ...નો ડાઉટ, આ સ્ટેજમાં પૈસો મારા માટે મહત્વનો તો છે જ. બટ સ્ટીલ, જસ્ટ ફોર મની, કોઈ માલેતુજાર નબીરાને પરણીને મારા સેલ્ફ-રીસ્પેક્ટના ભોગે જિંદગીભર તેની હામી ભરવી,..તે મને મંજુર નથી. સીમીલરલી, કાર્તિકની પણ એવી કોઈ ઈચ્છા નથી કે કોઈ બીગ-શોટ ફેમિલીની છોકરી સાથે મેરેજ કરીને, તેનાથી અને તેનાં મા-બાપનાં પૈસાથી જિંદગીભર ઈમ્પ્રેસ થઈને રહેવાની."

મીસીસ મેનન ચુપ રહ્યા. આ છોકરી જે કહી રહી હતી તે વાત ઓછાવત્તા અંશે તેઓ જાણતા હતા. તેમનો કાર્તિક એક ખુદ્દાર યુવાન હતો. અને તેઓ કાર્તિકના આ સ્વભાવને ઓળખતા હતા. પણ તે છતાં ય જયારે સલોનીએ આ જ વાત દોહરાવી, ત્યારે તેમને કોઈએ જાણે કડવી દવા ફરીથી પીવડાવી દીધી હોય તેમ તેમનું મોઢું કટાણું થઇ ગયું. પણ તો ય..

પણ તોય, અત્યારે તેમણે એ વાત તો છેડવી પડે તેમ જ હતી, જેના માટે તેઓ મુંબઈ આવ્યા હતા....

“વેલ, કાર્તિક માટે તારે જે સમજવું હોય તે.. પણ જો સલોની, અત્યારે મારા હાથમાં એક ખુબ જ મોટા ઉદ્યોગપતિની દીકરીની વાત છે. હું જ્યાં જોબ કરું છું, તે કંપનીનાં એક મોટા ક્લાયન્ટની છોકરી છે. તેઓ કાર્તિકને એકાદ વાર દિલ્હીમાં મળ્યા પણ છે, અને પોતાની દીકરી માટે તેમને કાર્તિક ખુબ જ યોગ્ય લાગ્યો છે. છોકરી એજુકેશનનાં હિસાબે કાર્તિક કરતાં ઉતરતી છે. પણ છે એકદમ બ્યુટીફૂલ. તો જો, એકાદ વાતમાં લેટ-ગો કર્યું હોય તો મારાં મત પ્રમાણે કાર્તિકનાં મેરેજ એ ફેમિલીમાં કરવા એ એક પરફેક્ટ ડીસીશન છે.”

“ઓકે.. તમે કાર્તિકને વાત કરી જુઓ. “ –સલોની બિલકુલ અસ્વસ્થ થયા વગર બોલી, કારણ તે કાર્તિકને સારી પેઠે ઓળખતી હતી, તે જાણતી હતી કે કાર્તિક આ બાબતમાં કોઈ કાળે તૈયાર નહીં થાય, એટલે તેનું વાક્ય પૂરું કરતા બોલી- “બટ આઈ એમ સરપ્રાઈઝડ, કે તમે તમારા દીકરાને આટલી ઉમરે ય ઓળખી નથી શક્યા.”

“વોટ ડુ યુ મીન ?”

“બાઈ ધ ગ્રેસ ઓફ ગોડ અત્યારે કાર્તિક અને હું, બંને ખુબ સરસ કમાઈએ છીએ. પણ મુંબઈમાં..કોઈ સારી લોકેલીટીમાં ફ્લેટ લેવો એટલો સહેલો નથી, યુ નો ધેટ. તો અમે આ ફ્લેટ શેઅર કરીયે છીએ. ફ્લેટનું ભાડું, રોજે રોજનાં ખર્ચા, વગેરે..અમે બધું સરખે ભાગે ડીવાઈડ કરીએ છીએ. અમારી બંનેની પ્રાઈવેટ સેવિંગ્સ છે જેની ઉપર એકબીજા નજર પણ નથી નાખતા. બટ એટ ધ સેમ ટાઈમ, જરૂર પડે એક બીજાને ફાઈનેંશીયલ હેલ્પ પણ કરી લઇએ છીએ. હાઉસહોલ્ડ અને ફાઈનાનશીયલ જવાબદારીઓ સરખી ભાગે વહેંચી લેવાની અમને બંનેને આદત પડી છે હવે. તો અમે બંને આ એરેન્જમેન્ટથી ખુબ સેટીસફાઈડ છીએ. ડુ યુ થીંક કે કાર્તિક આટલી ખુદ્દારી છોડીને તમારી પસંદની એ અજાણી છોકરી સાથે પોતાની આખી લાઈફ દાવ પર લગાવશે? ઇફ યસ.. તો ઠીક છે, તમે ટ્રાઈ કરી જુઓ. મીસીસ મેનન, આજનાં આ મોડર્ન યુગમાં જયારે મોટા ભાગની છોકરીઓ સેલ્ફ અર્નિંગ, સેલ્ફ ડીપેંડંટ હોય છે ત્યારે મેરેજ બહુ સમજી વિચારીને કરવા પડતા હોય છે. એન્ડ યસ, આવી ભરપૂર આત્મ-વિશ્વાસ સભર છોકરીઓને પરણીને ઘરમાં લઇ આવતાં પહેલાં પણ, છોકરાઓ પહેલા જ વિચાર કરતાં હોય છે કે આની સાથે તાલમેલ કેવો રહેશે. કારણ મેરેજ પછી આસાનીથી નિર્ણય બદલી શકાતો નથી, આપણા આ ઇન્ડિયન સમાજમાં. બીકોઝ ડિવોર્સ બહુ કોસ્ટલી પડતા હોય છે, ઈમોશનલી અને ફાઈનાનશીયલી પણ. મારી બહેન નિરાલીને થયેલ બૅડ એક્સ્પીરિયન્સ પછી તે તો રીતસરની મનથી ભાંગી જ પડી હતી, અને પૈસેટકે પણ ખુવાર થઇ ગઈ. આ ઉમરે પોતાની લાઈફ, પોતાનું કરીઅર હવે એણે એકડે એકથી શરુ કર્યા છે."

“ખુદ્દારી, તાલમેલ, જેવા ભારેખમ વર્ડ્સ સાથેની તમારી આ ફિલોસોફી...અને બીજી બાજુ આ..લગ્ન પહેલા જ સેક્સ.. વોટ ઈઝ ધીસ..?”

“લુક મીસીસ મેનન, લગ્ન પહેલાં સેક્સ તો ઘણા પ્રેમીઓ માણતા હોય છે. ગેસ્ટહાઉસ, થીએટર, પિક્નિક, આઉટીંગ કે જ્યાં થોડુક એકાંત મળે ત્યાં.. પણ એ બધું ફક્ત પા-અડધા કલાકની એક્ઝાઈટમેન્ટ હોય છે. નથીંગ મોર એન્ડ નથીંગ સીરીયસ. જ્યારે અમે તો એકમેકનો સહવાસ માણવાની સાથે સાથે એકબીજાનું પરફોર્મન્સ પણ જજ કરીએ છીએ અને એ બાબતમાં સજેશન્સ પણ આપીએ છીએ. બટ યસ, એક પત્નીનું એવું કોઈ સજેશન તેનાં પતિનાં ઇગોને બહુ ઇઝીલી હર્ટ કરી જતું હોય છે, પણ એક ફ્રેન્ડનું સજેશન નહીં. એન્ડ કાર્તિક અને હું, વી બોથ આર સ્ટીલ ફ્રેન્ડ્સ. બીસાઈડ ધૅટ, એક વાત હું અહી એ પણ ક્લીઅર કરી દઉં કે મારી બહેન નિરાલીનાં મેરેજ બ્રેકઅપનું કારણ પણ સેકસુઅલ જ હતું. પણ કોણ ક્યાં ઓછું પડ્યું..લેટ’સ નોટ ડિસકસ ધૅટ.”

“પણ જો તમે એકબીજાથી આટલા સેટીસફાઈડ છો, તો મેરેજ કેમ નથી કરી લેતા. ? –મીસીસ મેનન થોડા અસ્વસ્થ અને અધીરા થતાં ચાલ્યા.

“ફ્રેન્ડસ તરીકે એકબીજાને બે વરસથી જાણ્યા પછી જ અમે અમારા આ રીલેશનને નેક્સ્ટ..અપર લેવલ સુધી લઇ જવાનો નિર્ણય લીધો છે, અને એટલે જ અત્યારે આ સાથે રહીએ છીએ.. યુ સી, રોજ રોજ બહાર મળવા અને ઘરમાં સાથે રહેવામાં ઘણો ફરક હોય છે. બહાર મળતા અમે જયારે બે-ચાર કલાક માટે, ત્યારે બસ..એક બીજાને ઈમ્પ્રેસ કરવાની જ વાત હતી, સારી સારી હોટેલ્સમાં ડીનર અને ખાલી ખીસ્સે પણ તેનાં બિલ્સ ચુકવવાની જીદ..ચાર ડગલાં દુર થીએટર સુધી પણ ટેક્સીમાં લઇ જવાની ફોર્માલીટી વગેરે વગેરે. બટ યુ સી..હવે આ બધું વૅનીશ થઇ ગયું છે..અમે રીયાલીટીમાં આવી ગયા છીએ..અને તોય વી આર સ્ટીલ ફ્રેન્ડ્સ. જવાબદારીઓ શેઅર કરવાવાળા ફ્રેન્ડ્સ..એક બીજાપર હાવી થવાવાળા હઝબંડ-વાઈફ નહીં.“

“ઓકે.. તો પછી હવે તમારાં આ રીલેશનનું નેક્સ્ટ લેવલ..મેરેજ ક્યારે આવવાનું છે ?” –મીસીસ મેનનને આ બોલ્ડ છોકરીની વાતો બોલ્ડ નહીં પણ બ્લંટ લાગતી હતી. પોતાનાં વિચારો અને તેનાં વિચારોનાં ટકરાવનો ટંકાર તેમને સ્પષ્ટ સંભળાતો હતો. પણ તો ય આ બંનેનાં ભવિષ્યનાં પ્લાન જાણવા આ પ્રશ્ન કર્યો.

‘એ તો સમય જ કહેશે. લેટ અસ નોટ વરી નાઉ..”

“જો સલોની, તું એમ બિલકુલ ન સમજતી કે તારી આ બધી વાતોથી હું ઈમ્પ્રેસ થઇ ગઈ છું. આઈ ઍમ ડેફીનેટલી ગોઇંગ તો ટોક વિથ કાર્તિક, કારણ હું આ તમારી લાઈફ-સ્ટાઈલને બિલકુલ એપ્રુવ નથી કરતી. અને હજી પણ મને લાગે છે કે આમાં ટોટલ વાંક તારો છે. એક વાત ધ્યાન રાખજે કે આટલા ‘અગાઉ’ વિચાર રાખવા એ સારી વાત નથી.”

“મીસીસ મેનન, હું માનું છું કે એક જમાનામાં કોઈકે તમને પણ આવું જ કંઇક કહ્યું હશે તમારા પોતાનાં ‘અગાઉ’ વિચારો માટે. તમારા ઇન્ટર-કાસ્ટ મેરેજને બધાયે તો એપ્રુવ નહીં જ કર્યા હોય..!”

“આઈ વિલ મેક અ મુવ..નાઉ ” –સલોનીની આ ટકોરનો શું જવાબ આપવો તે ન સમજાતા મીસીસ મેનન વાત સંકેલી લેવા બોલ્યા- “ઇટ્સ ટાઈમ ફોર માય ફ્લાઈટ..”

અને આગળ કંઈ પણ વધુ બોલ્યા વગર તેઓ ઉભા થયા અને ઘરની બહાર જવા માંડ્યું. સલોની સાથે દલીલ કરવામાં કદાચ તેમને ફાવટ નહોતી આવતી પણ સાથે સાથે તેનાં વિચારો ય તેમને પચતા નહોતા.

સલોની તેમને જતાં જોઈ રહી. સાઉથ કોટનની સ્ટાર્ચ કરેલી મોંઘી સાડીમાં જાજરમાન લાગતી આ મહિલાને જોઈ તેને અફસોસ હતો કે એક સ્ત્રી થઇને પણ તેઓ બીજી સ્ત્રીની મેન્ટાલીટી સમજી નથી શક્યા, અને બધો વાંક તેમને સલોનીનો જ લાગ્યો. પોતે અને કાર્તિક બંને એકબીજાને સમજીને ધીમે ધીમે આગળ વધી રહ્યા હતાં, લગ્નની એક ખાસ ઉમરમાં યેન-કેન-પ્રકરેણ પરણીને સેટલ થઇ જવું જ જોઈએ હોય તેવી માન્યતાથી બંને દુર હતા અને માટે જ કોઈ આંધળુકિયા કરવાની તેમને ઉતાવળ નહોતી. પોતાની લાઈફ પોતાની રીતે જીવવાની તેમની તૈયારી હતી. કોઈનો સપોર્ટ કે કોઈની મદદની તેમણે અપેક્ષા ય નહોતી રાખી. બંને પોતાના પગભર હતાં, પોતાના પ્રોબ્લમ્સ પોતે જ સોલ્વ કરવાની બંનેની તૈયારી હતી.
અને માટે જ, આ સગવડભરી જીવન-શૈલી અપનાવવામાં જો વાંક હોય, તો બંનેનો હોવો જોઈએ.

પણ ના, દોષનો આખો ટોપલો તેની જ માથે ઢોળીને એક ભણેલી ગણેલી મોડર્ન મહિલા હમણાં જ અહીંથી ગઈ.. અને અત્યારે દોષિણી તો તે એકલી જ ગણાઈ ગઈ હતી.

*******

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED