અંજામ-૨૩ Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

અંજામ-૨૩

અંજામ-૨૩

( આગળના અંકમા આપણે વાંચ્યુઃ- વીજય અને ગેહલોત બંને ભેગા મળીને કહાનીને તેના અંજામ તરફ લઇ જવાનું નક્કી કરે છે. જ્યારે બીજી તરફ ડી.આઇ.જી.પંડયા ગેહલોતના રાજીનામાંથી બેચેન થઇ તેને ફોન કરી બેસે છે....એ જ સમયે રીતુ અને મોન્ટીને અવાવરુ ભંડાકીયામાંથી બહાર કાઢી બાપુના ફાર્મહાઉસની ઓરડીમાં પુરવામાં આવ્યા છે. હવે આગળ....)

“ મોન્ટી.... તું શું વીચારે છે....?”

“ અહીથી બહાર નીકળવાનો રસ્તો વીચારુ છું....” જડબા સખ્ત કરતા મોન્ટી બોલ્યો. તેની આંખોમાં એક અનેરી ચમક ઉપસી આવી હતી. તે મરણીયો બન્યો હતો. ગોદામ જેવા બંધ સ્ટોરરૂમમાં તેણે નજર ઘુમાવી.... રૂમ ઘણો મોટો હતો. રૂમમાં તરેહ-તરેહનાં ગાર્ડનીંગના ઇકવીપમેન્ટ મુકયા હતા.... થોડી પ્લાસ્ટીકની ખુરશીઓ, બે મોટા લોખંડના ભારેખમ ટ્રંક, લોન સ્ટ્રીમર મશીન, મોટી કાપડની છત્રીઓ જે કદાચ લોનમાં કોઇએ બેઠક જમાવવી હોય તો છાંયડા માટે ખોડવામાં આવતી હશે, એક મોટો લાકડાનો છ ફુટ ઉંચો કબાટ અને બીજી ઘણી બધી ચીજો હતી. મોન્ટી એ સામાનનો થડકલો ફંફોસવા માંડયો.

“ પણ તારે જોઇએ છે શું....? તું શું શોધી રહયો છે....?” રીતુ ભારે અચરજથી મોન્ટીને પુછી બેઠી. સામાન ફંફોસતો મોન્ટી અચાનક સીધો થયો. તેના હાથમાં કંઇક હતુ. એ લઇને તે પાછળ ફર્યો અને રીતુ સમક્ષ આવ્યો. રીતુએ મોન્ટીના હાથમાં શું હતુ એ નીરખ્યુ અને તે થડકી ઉઠી. મોન્ટીના હાથમાં એક મોટા ફણાવાળો ત્રીકમ હતો.

“ માય ગોડ મોન્ટી.... આનું તું શું કરીશ....?” રીતુએ ધડકતા હ્રદયે પુછયુ. મોન્ટીએ તેના એ સવાલનો પણ કોઇ જવાબ આપ્યો નહી. ત્રીકમને તેણે નીચે જમીન ઉપર, રીતુના પગ પાસે મુકયો અને ફરી તે સામાનના ગંજમાં ઘુસ્યો. આ વખતે તે એક માટી કાથીની ગુણ ઉંચકી લાવ્યો અને એ ત્રીકમ પાસે મુકી. રીતુ અચરજથી મોન્ટીને નીરખી રહી હતી. મોન્ટી શું કરવા માંગે છે એ તેને બિલકુલ સમજાતુ નહોતુ. એક-એક કરતા મોન્ટીએ પાંચ-સાત ચીજો એકઠી કરી, કમરાની વચ્ચોવચ મુકી પછી કમ્મરે બંને હાથ ટેકવીને એ ચીજોને નીરખતો કમરાની વચ્ચે ઉભો રહયો. તેના પાતળા, લાંબા ચહેરાની ગોરી ચામડી ઉપર પરસેવો ઉભરાતો હતો. સામાનમાંથી ઉંચકી લાવેલી બધી ચીજોને તેણે ધ્યાનપૂર્વક નીરખી. તેના ચહેરા ઉપર સંતોષનું સ્મિત આવ્યુ અને પછી ઝડપથી નીચે બેસી ત્રીકમ સીવાયનો બધો સામાન ગુણીમાં ભર્યો અને ત્રીકમ હાથમાં લઇને તે ખડો થયો.

“ ચાલ...કામે વળગીએ....” અજબ આત્મવિશ્વાસથી તેણે રીતુને સંબોધી. “ તું આગળ બારણા પાસે ઉભી રહે....જો કોઇના આવવાની આહટ સંભળાય તો તરત મને ઇશારો કરજે...”

“ બહાર બારણા પાસે કુતરો બેઠો હશે...” રીતુએ એકદમ ધીમા અવાજે કહયુ. “પણ તું કરવા શું માંગે છે....?” તેણે પ્રશ્ન ફરી દોહરાવ્યો.

“ અહીથી ભાગવા માંગુ છું.... કુતરાનો કોઇ પ્રશ્ન નથી. તે જોયુ નહી, તું હમણા બારણુ ખખડાવતી હતી ત્યારે કુતરો ભસતો હતો પરંતુ તેનું ભસવાનું સાંભળીને કોઇ આ તરફ આવ્યુ નહી...તેનો મતલબ એ થયો કે અત્યારે આ જગ્યામાં તારા, મારા અને પેલા કુતરા સીવાય આસ-પાસમાં બીજુ કોઇ નથી. જો કોઇ હોત તો તેણે જરૂર કુતરાના ભસવાનો અવાજ સાંભળ્યો હોત અને અહી દોડી આવ્યુ હોત....”

“ હાં પણ તેનાથી શું થશે....?” રીતુને કંઇ જ સમજાતુ નહોતુ.

“ એ તું જોયે રાખ....” કહીને મોન્ટી ત્રીકમ ઉપાડી ઓરડીની પાછલી દિવાલે પહોંચ્યો. દિવાલને ટેકે મુકાયેલી વસ્તુઓ તેણે હટાવી અને જગ્યા ખાલી કરી. પહેલા સાવ ધીમેથી બે-ત્રણ ઘા ત્રીકમના તેણે દિવાલ ઉપર કર્યા. ત્રીકમની અણીદાર ધાર પ્લાસ્ટર ચડાવેલી દિવાલમાં ટકરાઇ અને સીમેન્ટનો નાનો પોપડો ત્યાંથી ઉખડયો, મોન્ટીની આંખોમાં ચમક આવી. તેના ધાર્યા મુજબ જ સ્ટોરરૂમની પાછલી દિવાલનું ચણતર તકલાદી હતુ.... પછી તેણે જોર કરીને બે ઘા એ દિવાલ ઉપર કર્યા. રાત્રીના શાંત વાતાવરણમાં તેનાથી ખાસ્સો મોટો અવાજ પેદા થયો પરંતુ બીજી કોઇ હલચલ થઇ નહી. મોન્ટી બે ઘડી શાંત રહયો અને પછી તેણે ઝનૂનથી ત્રીકમને દિવાલ ઉપર વિંઝવાનું શરૂ કર્યુ. પાંચ-સાત, દસ ઘા એ ત્રીકમની અણી દિવાલમાં “ધફ” અવાજ સાથે ખૂંપી.... બળ કરીને મોન્ટીએ ત્રીકમને થોડુ ત્રાંસું કર્યુ એટલે છરાના એક ઘાથી જેમ નાળીયેરનું છોતરુ ઉખડી જાય તેમ એ દિવાલમાંથી પ્લાસ્ટરનું મોટુ જબ્બર પોપડુ ઉખડીને નીચે ફર્શ ઉપર પડયુ. એ જોઇને મોન્ટીના અંતરમાં આનંદ છવાયો અને પછી તે ગાંડા માણસની જેમ મંડી પડયો.... ધબાધબી નો એ અવાજ દુર સુધી ગુંજી રહયો હતો તેમ છતા મોન્ટીને નક્કી થઇ ગયુ કે અહી કોઇ માણસ આવશે નહી. લગભગ અડધા કલાકની મહેનત બાદ સ્ટોરરૂમની પાછલી દિવાલની પહેલી ઇંટ ખરીને નીચે પડી. ત્યારબાદનું કામ બહુ આસાન બની જતુ હતુ. એક ઇંટ નીકળી ગઇ એટલે જાણે ઘરનો મોભ તૂટી પડયો હોય તેમ દિવાલમાં એકબીજાના આધારે ખલાઇ રહેલી આજુ-બાજુની બીજી ઇંટો બહુ આસાનીથી નીકળવા લાગી.... થોડી મીનીટોમાં મોન્ટીએ દિવાલમાં એક આદમી આસાનીથી નીકળી શકે એવડુ મોટુ ભગદળુ પાડી નાંખ્યુ હતુ. હવે તે અને રીતુ બહુ આસાનીથી અહીથી નીકળી શકે તેમ હતા. રીતુ આગળના મુખ્ય દરવાજે કાન માંડીને ઉભી હતી. તેણે મોન્ટી જે કારનામું કરી રહયો હતો એ નીરખ્યુ અને તેના જીગરમાં આનંદ છવાયો. તે દોડીને મોન્ટીની નજીક પહોંચી.... આ સમગ્ર સમય દરમ્યાન સ્ટોરરૂમની બહાર એક અજીબ-સી શાંતી પથરાયેલી રહી હતી. કયાંય કોઇ સહેજપણ હલચલ થઇ નહોતી.... એક એકાંત ટાપુ ઉપર જાણે મોન્ટી અને રીતુ એકલા જ હોય એવુ લાગતું હતુ. કમરાની બહાર વીરાએ ચોકી કરવા મુકેલો કુતરો “ રેવા” એકપણ વખત ભસ્યો નહોતો. આ થોડુ અજૂગતુ હતુ તેમ છતાં આવુ કેમ થયુ હતુ એ મોન્ટી કે રીતુને સમજાયુ નહોતું.... જે પણ હોય, પરંતુ અત્યારે પરિસ્થિતી તેમને અનુકુળ સર્જાઇ હતી. પહેલા મોન્ટી પોતાના શરીરને સંકોરતો, સાચવતો દિવાલના બાકોરામાંથી બહાર નીકળ્યો, પછી રીતુએ મોન્ટીએ એકઠા કરેલા સામાનની ગુણી બહાર નાંખી અને તે પોતે એ બાકોરામાંથી બહાર નીકળી....તેઓ કોઇ ખેતર જેવી જગ્યામાં હતા.... આકાશમાં ચળકતો ચંદ્રનો અજવાશ ધરતી ઉપર દુર સુધી ફેલાયેલો હતો.

બાપુના ફાર્મ હાઉસની બહારનો એ ભાગ હતો. ખરેખર તો બાપુના વિશાળ ફાર્મહાઉસને કવર કરવા બનાવાયેલી ઉંચી દિવાલના સથવારે જ એ સ્ટોરરૂમ ચણવામાં આવ્યો હતો એટલે એકરીતે જુઓ તો મોન્ટીએ ફાર્મહાઇસની દિવાલમાં જ ભગદળ પાડયુ હતુ અને તેઓ બંને બહાર નીકળ્યા હતા.... મોન્ટી અને રીતુ બંનેને હજુ પણ પેલો કુતરો કેમ ન ભસ્યો તેનું આશ્વર્ય થતુ હતુ પરંતુ હવે એ બધુ વિચારવાનો સમય તેમની પાસે નહોતો. કોઇપણ સંજોગોમાં અહીથી દુર ચાલ્યા જવુ એ જ તેમનું મકસદ હતુ.

બહારના ખુલ્લા વાતાવરણમાં ઠંડી પ્રસરેલી હતી. મોન્ટી કે રીતુ બેમાંથી કોઇના પગમાં ચપ્પલ નહોતા. તેઓ ફાર્મહાઉસની દિવાલને સરસે નંખાયેલી ભીની ચીકણી માટીમાં ઉભા હતા. ત્યાંથી ઘણે દુર સુધી ફેલાયેલા અંધકાર મઢયા ખેતરો તેમને દેખાતા હતા. એ ખેતરોમાં કોઇક પ્રકારનું વાવેતર થયેલુ હતુ જેના છોડવા ગોઠણ સુધી ઉગી નીકળ્યા હતા.... મોન્ટીએ એક હાથે પેલો થેલો ઉંચકયો અને બીજા હાથે રીતુનો હાથ પકડી એ ખેતરમાં ઉતર્યો. રીતુ ખામોશીથી તેની પાછળ દોરવાણી.... ખબર નહી કેટલા દિવસો બાદ તેઓ આઝાદીનો શ્વાસ લઇ રહયા હતા.... ગોઠણ સમાણા ઉગી નીકળેલા વિચિત્ર પ્રકારના છોડવાઓ વચ્ચેથી પડતા-આખડતા તેઓ આગળ વધી રહયા હતા.... ચો-તરફ ઘોર અંધકાર છવાયેલો હતો. કયાંય કોઇ હલચલ સંભળાતી નહોતી. ચંદ્રની આછી રોશનીમાં દુર સુધી ચળકતા છોડવાઓના પાંદડા ફેલાયેલા દેખાતા હતા. આ કઇ જગ્યા હતી અને તેઓ કઇ દિશામાં આગળ વધી રહયા હતા એ પણ તેઓ જાણતા નહોતા. તેમના રોમ-રોમમાં તો અત્યારે દોઝખમાંથી છુટવાનો આનંદ ઉમડતો હતો....

કે સાવ અચાનક જ કયાંક દુરથી એક અવાજ આવ્યો. રીતુ અને મોન્ટી બંનેએ એ અવાજ બરાબર સાંભળ્યો.... એ અવાજ તેમને ફક્ત સંભળાયો જ નહોતો પરંતુ એ શેનો અવાજ હતો એ સમજાયુ પણ હતુ. તેઓના કાને સ્પષ્ટપણે “રેવા” ના ભસવાનો અવાજ સંભળ્યો હતો.

“ રીતુ....ભાગ....” હોઠ ફુસફસાવતા મોન્ટી બોલ્યો અને તેણે વાંકા વળીને ખેતરમાં દોટ મુકી. સાથોસાથ રીતુને પણ તેણે ખેંચી હતી. અચાનક “રેવા” કયાંથી પ્રગટ થયો એ તેમને સમજાયુ નહી....

ખરેખર તો એવુ બન્યુ હતુ કે વીરાએ મોન્ટી અને રીતુને સ્ટોરરૂમમાં બંધ કર્યા હતા અને રૂમની બહાર રેવાને બેસાડીને તે ફાર્મહાઉસના પાર્કિંગ પ્લોટમાં જીપ પાસે ઉભેલા વીરજી પાસે ગયો હતો.... તેઓ બંને ત્યાં જ વાતો કરતા થોડીવાર ઉભા રહયા હતા. એ સમય દરમ્યાન રીતુએ સ્ટોરરૂમમાં ધડબડાટી મચાવી હતી જેના લીધે બહાર બેઠેલો રેવા ભસવા માંડયો હતો. આ જોઇને વીરજી અને વીરા બંનેના ચહેરા ઉપર હાસ્ય આવ્યુ હતુ.

“ સાલાઓ ભારે ઉત્પાત મચાવી રહયા છે....” વીરજી બોલ્યો.

“ બકરી ડબ્બે પુરાય ત્યારે આમ જ ધમાલ મચાવે..... થોડીવારમાં થાકીને આપોઆપ શાંત થઇ જશે....”

“ પણ એ છોકરાઓની સાથે-સાથે આપણો રેવા પણ ગામ ગજવી રહયો છે તેનું શું....?” વીરાએ કહયુ. તેઓ વાતચીત કરી રહયા હતા એ સમય દરમ્યાન મોન્ટીએ રીતુને સમજાવી હતી એટલે રીતુ ખામોશ થઇ હતી. અને રેવા પણ ભસતો બંધ થયો હતો.

“ જોયું.... તને કહયુ હતુ ને....!! વીરજી બોલ્યો. “ એક કામ કરીએ, આપણે જમીને આવીએ.... રેવાને પણ સાથે લઇ લઇએ નહીતર નાહકનો તે ભસ્યા કરશે....”

“ આ છોકરાવને એકલા મુકીને જવુ છે....? તને ખબર છે ને કે બાપુ પણ અત્યારે ફાર્મ હાઉસમાં નથી.” વીરાએ કહયુ.

“ તેઓ કયાંય છટકી નહી જાય.તેમની હાલત જોઇને તે....? છેલ્લા ચાર દિવસથી તેમણે અન્ન-પાણી જોયા પણ નથી એટલે અહીથી છટકવું તેમના બસની વાત નથી.... આમ પણ તેઓ તાળાબંધ કોટડીમાં છે અને આપણે ઝડપથી પાછા આવી જશું....” વીરજી બોલ્યો. વીરાને તેની વાત ઉચીત લાગી. બૂચકારો કરીને તેણે રેવાને નજીક બોલાવ્યો અને તેઓ ત્યાંથી રવાના થયા.

તેઓ ભરપેટ જમીને જ્યારે પાછા ફાર્મહાઉસે આવ્યા ત્યારે પણ ચો-તરફ પહેલા જેવી જ શાંતી ફેલાયેલી હતી. જીપમાંથી ઉતરીને વીરજીએ રેવાને ખુલ્લો મુકયો એટલે રેવા એક સમજદાર પ્રાણીની જેમ પોતાની જગ્યાએ ચોકી કરવા પેલા સ્ટોરરૂમ તરફ લપકયો.... સ્ટોરરૂમના દરવાજે પહોંચીને તેણે માથુ નીચુ કરી જમીન સૂંઘી, પછી જીભ બહાર કાઢી સ્ટોરરૂમના દરવાજા તરફ જોયુ. એ જાનવરને કેમ જાણે અચાનક કંઇક ગરબડ થયાની આશંકા જન્મી હોય એમ પહેલા તેના કાન તંગ થયા અને પછી બે-ચાર વાર તે દરવાજા તરફ મોં રાખીને ભસ્યો અને પછી ત્યાં જ ગોળ-ગોળ ફરીને એકધારુ ભસવા લાગ્યો....

રેવાએ ભસવાનું ચાલુ કર્યુ બરાબર એ જ સમયે મોન્ટી અને રીતુ પાછળ ખેતરોમાં પહોંચ્યા હતા.

“ વીરા.... જરા જો તો આ રેવા કેમ અચાનક ભસવા માંડયો છે....?” વીરજીએ કહ્યું એટલે વીરા સ્ટોરરૂમ તરફ આગળ વધ્યો, સ્ટોરરૂમની નજીક જઇ તેણે રેવાના માથા પર હાથ મુકી પંપાળ્યો, તેને બુચકાર્યો.... પણ કેમેય કરીને રેવા શાંત થયો નહી.... વીરાના આવવાથી એ જાનવર ભસતો બંધ થયો હતો પરંતુ તેના મોં માંથી “ ઘ..ર..ર..ઘ..ર..ર..” જેવા ઉંહકારા નીકળવાના ચાલુ થયા હતા. રેવા સાથે રહીને વીરા પણ એ જાનવરની અમુક સંજ્ઞાઓ, અમુક વર્તન સમજતો થયો હતો. તેના મનમાં શંકા ઉદભવી કે જરૂર કંઇક સમસ્યા છે નહીતર રેવા આટલો બેચેન ન થાય.... ગજવામાંથી ચાવી કાઢી ઝડપથી તેણે સ્ટોરરૂમનો દરવાજો ખોલ્યો.... બે ફટકામાં ખુલતા સ્ટોરરૂમના દરવાજાના બંને ફટકા વીરાના ધક્કાથી ખુલ્યા અને અંદરની દિવાલ સાથે ભારે વેગથી ભટકાયા.... વીરાની નજર સીધી જ પાછળની દિવાલે ગઇ.... એ દિવાલમાં એક મોટુ બાકોરું પડેલુ હતું.... અને એ બાકોરાની પેલે પાર દુર ખેતરમાં બે માનવ આકૃતિ ઓ દોડી રહી હતી....

“ વીરજી.....” અનાયાસે વીરાએ બુમ પાડી.

************************************

વહેલી સવારે પરોઢના પાંચ વાગ્યે અચાનક વીજયની નીંદરમાં ખલેલ પડી. ગેહલોતના અહીથી ગયા પછી બધા પ્રશ્નો છોડીને તે ઘસઘસાટ ઉંઘી ગયો હતો પરંતુ ઉંઘમાં પણ સતત તેને પેલો હોટલવાળો સફેદ કપડામાં સજ્જ વ્યક્તિ નજરો સમક્ષ દેખાયે રાખતો હતો. કેમે કરીને એ શખ્સ તેના જહેનમાંથી હટયો જ નહી.... આખરે પાંચ વાગ્યે તેની નીંદર ઉડી હતી. આળસ મરડીને તે પલંગમાં બેઠો થયો. દિવાલ ઉપર લટકતી ઘડીયાળમાં તેણે નજર કરી અને પલંગમાંથી નીચે પગ લબડાવ્યા.... તેની ખુલ્લી પાની રૂમના ઠંડી ફર્શને અડી, એ ઠંડકથી તેના શરીરમાં એક ધ્રુજારી પસાર થઇ ગઇ.

“ ઓ.કે... તો કયાંથી શરૂ કરીશું....?” તે સ્વગત બબડયો અને વિચારતો-વિચારતો જ તે બાથરૂમમાં ઘુસ્યો. નહાતી વખતે પણ તેને આ જ વિચાર આવ્યે રાખ્યો હતો. ફ્રેશ થઇને તે બહાર નીકળ્યો ત્યારે ઘડીયાળમાં છ નો સમય થયો હતો.... ગરમ પાણીથી નહાવાથી તે તાજગી અનુભવી રહયો હતો. રૂમમાં લતકતા અરીસામાં તેણે પોતાનો ચહેરો નીરખ્યો. દાઢી વધી ગઇ હોય એવુ તેને લાગ્યુ. અઠવાડીયાની અંદર આંખો નીચે કાળા કુંડાળા થઇ ગયા હતા. થેલામાંથી તેણે દાઢી કરવાનું ટ્રીમર કાઢયુ, ટ્રીમરનું પ્લગ સોકેટમાં ભરાવી મશીન ઉગી નીકળેલી દાઢી ઉપર ફેરવવાનું તેણે ચાલુ કર્યુ..... “ પેલો વ્યક્તિ શું હજુ પણ ત્યાં હશે...? શક્યતા તો નથી પરંતુ જો એ વ્ક્તિ અત્યારે તેની નજરે ચડે તો તેનો એક જ મતલબ નીકળશે કે તે જરૂર મારી ઉપર નજર રાખી રહયો છે....!! અને જો તેમ હોય તો..... એ સફેદ કપડાવાળા વ્યક્તિને જ સાણસામાં લઇ લઉં તો...? હાં...યસ્સ્, તો એ વ્યક્તિ પાસેથી જરૂર કંઇક જાણવા મળશે... આગળનો રસ્તો એ વ્યક્તિ જ દેખાડશે....” વીજય પોતાના જ વીચાર ઉપર ખુશ થયો. દાઢી ટ્રીમ કરીને મોંઢુ ધોઇ તેણે ગેહલોતને ફોન લગાવ્યો... રીંગ જાય એ પહેલા કંઇક વીચારીને તેણે ફોન કટ કર્યો. “ પહેલા હું ચેક કરી જોઉ.... પછી ગેહલોતને કહેવુ યોગ્ય રહેશે...” તે બબડયો અન બેગમાંથી જીન્સ અને ટી-શર્ટ કાઢયા.... એકદમ લાઇટ બ્લ્યુ કલરનું સ્ટોનવોશ કરેલુ લેવીસનું સ્ટ્રેચેબલ જીન્સ કાઢીને પહેર્યુ. કમરે બાંધેલો ટુવાલ ફગાવી તેણે જીન્સ ઉપર ફુલસ્લીવનું ટી-શર્ટ ચડાવ્યુ. વીજય હંમેશા ચૂસ્ત-દુરસ્ત રહેવાવાળો વ્યક્તિ હતો. તેની આ હેબીટની અસર તેના શરીર ઉપર થઇ હતી.... દરરોજ જીમમાં પરસેવો પાડવાના કારણે તેના પાતળા દેહના સ્નાયુઓમાં અજબનો કસાવ આવ્યો હતો. તેની બાજુઓના મસલ્સ સખત થયા હતા અને પેટ ઉપર એબ્સ ઉપસી આવ્યા હતા. સ્લીવલેસ વ્હાઇટ કલરનાં સ્ટ્રેચેબલ ટી-શર્ટમાં તેનું કસાયેલું કસરતી શરીર અદભૂત શેપમાં ઉભરી આવ્યુ હતુ. ઘડીભર તે પોતાની જાતને અરીસામાં જોતો ઉભો રહયો અને ટી-શર્ટ ઉપર લેધરનું જેકેટ ચડાવી કમરાની બહાર નીકળ્યો.

બહાર ગજબનાક ઠંડી પડી રહી હતી. ધર્મશાળાના હુંફાળા કમરાની બહાર નીકળી તેણે લોબીમાં પગ મુકયો ત્યાં જ ઠંડી તેને ઘેરી વળી હતી. તેણે જેકેટનાં કોલર ઉંચા કર્યા અને હાથ તેના ગજવામાં નાંખ્યા.... આ ધર્મશાળામાં આવ્યા બાદ એક બાબત સતત તેણે નોંધી હતી કે અહીના લગભગ તમામ કમરાઓ ખાલી હતા જેના લીધે ચો-તરફ ખામોશી પથરાયેલી અનુભવાતી હતી.... જો કે આ બાબત તેને અનુકુળ આવે તેવી હતી. ધીરી ચાલે ચાલતો તે ધર્મશાળાના ભારેખમ લોંખડના ગેટે પહોંચ્યો. ગેટની નાની ખીડકી ખોલી બહાર મેઇન રોડ પર આવ્યો. રોડ ઉપર અને તેની સામે પાર દેખાતી ઢોળાવવાળી પહાડીઓ ઉપર ધુમ્મસના વાદળો છવાયેલા હતા.... હજુ સવારના સાત જ વાગ્યા હતા. સુરજદાદા કયારનાં ક્ષિતિજમાં પ્રગટી ચુકયા હતા પરંતુ ધુમ્મસના ઠંડા વાદળોને કારણે સુરજના કિરણો ધરતી સુધી પહોંચી શકતા નહોતા.

વીજયે રોડના સામેના કિનારે નજર કરી. રાત્રે તે જે હોટલમાં જમ્યો હતો એ ધાબા જેવી હોટલનો દરવાજો અત્યારે બંધ હતો. ધાબાની એક તરફના ખુણે ચાની લારીવાળાએ પ્રાયમસ ધમધમાવ્યો હતો.... ચાની લારી આગળ બંને બાજુ બાંકડા ગોઠવેલા હતા જેની ઉપર ઠંડીના કારણે ધાબળા ઓઢીને બે-ત્રણ દેહાતી માણસો ચાની રાહ જોતા બેઠા હતા. વીજય એ તરફ જોઇ રહયો. અચાનક ત્યાં બેઠેલા માણસોમાંથી એક વ્યક્તિ ઉઠયો અને ચા-વાળા તરફ ચાલ્યો. તે કદાચ મોંઢુ ધોવા માંગતો હશે.... તેણે ચાના થડા ઉપર મુકાયેલો પાણીનો જગ ઉઠાવ્યો અને માથે ઓઢેલો ધાબળો હટાવ્યો. વીજય તેના હ્રદયનો એક ધબકારો ચુકી ગયો. તેણે એ વ્યક્તિને બરાબર ઓળખ્યો હતો. એ ગઇકાલ રાતવાળો જ વ્યક્તિ હતો. વીજયને હવે કોઇ શક રહયો નહોતો કે જરૂર એ આદમી તેની પાછળ જ આવ્યો છે.... વીજય ત્યાંથી હટયો અને ગેહલોતને ફોન લગાવ્યો.

“ ગેહલોત સર.... તમે હમણા જ અહી આવી જાઓ....” વધુ કંઇ બોલ્યા વગર તેણે ફોન કટ કર્યો અને ત્યાંથી ચાલતો નીચે ઢોળાવ તરફ ચાલ્યો જેથી ગેહલોત અહી આવે તે પહેલા રસ્તામાં જ રોકી શકે. ચંદ મીનીટોમાં જ જીપ ભગાવતો ગેહલોત આવી પહોંચ્યો હતો. તેણે વીજયને જૈન ધર્મશાળાથી નખીલેકના રસ્તે ઢોળાવમાં ચાલતો આવતો જોયો અને જીપને તેની નજીક લીધી. આટલી તંગ પરિસ્થિતીમાં પણ ગેહલોત દુરથી ચાલ્યા આવતા વીજયની મનોમન તારીફ કર્યા વગર રહી ન શકયો. તેને વીજયનાં દેખાવની ઇર્ષા થઇ આવી. આટલો હેન્ડસમ અને ફીટ માણસ આજ પહેલા કયારેય તેણે જોયો નહોતો....

“ હેલ્લો વીજય....” જીપને એકદમ વીજયનાં પગ પાસે થોભાવતા ગેહલોત બોલી ઉઠયો.

“ હેલ્લો સર.... મારે એક વાત કહેવાની છે....” વીજયે સમય બગાડયા વગર બોલ્યો. ગેહલોતને જીપ લઇને આવેલો જોઇને તેને થોડુ અચરજ થયુ હતું અને સાથે-સાથે રાહત પણ થઇ હતી. વીજયે ગેહલોતને પેલા સફેદ કપડાવાળા વ્યક્તિ વીશે જણાવ્યુ કે કેવી રીતે એ માણસ ગઇકાલ રાતનો સતત તેનો પીછો કરતો હોય એવુ લાગે છે....

“ ઓ.કે.... તો ચાલ તેને ઉઠાવી લઇએ....” તેણે કહયું એટલે વીજય સ્ફુર્તીથી જીપમાં ચડી બેઠો.

“ પણ હું એકદમ શ્યોર નથી. હું વીચારુ છુ એવુ ન નીકળ્યુ તો....?”

“ તો તેને છોડી મુકીશું....સીમ્પલ...” ગેહલોત બોલ્યો.

“ તો તેને ઉઠાવીશું કેવી રીતે.....? કોઇપણ વ્યક્તિ આપણે વીચારીએ એટલી આસાનીથી હાર થોડી માની લે... તે સામો થશે તો....?” વીજયે પુછયુ.

“ તું ખાલી જોયે રાખ અને બાકીનું મારા ઉપર છોડી દે....” ગેહલોત અજબ આત્મવિશ્વાસથી બોલ્યો. “ એ વ્યક્તિ મને બતાવ...”

ચા ની લારી નજીક આવતા જ વીજયે રોડની કિનારીએ પાણીથી મોંઢુ ધોતા એક વ્યક્તિ તરફ ઇશારો કર્યો. ગેહલતે રફતારથી જીપ દોડાવી અને એકદમ પેલા માણસના પગ સુધી લાવીને જીપને બ્રેક મારી.... પેલા માણસને એમ જ લાગ્યુ કે જીપ તેની ઉપર ચડી જશે એટલે ગભરાઇને તે ઝડપથી પાછો હટયો.... એ દરમ્યાન ગેહલોત સ્ટીયરીંગ છોડીને નીચે કુદી પડયો હતો અને ઝડપથી તેણે પોતાની ગન હાથમાં લીધી હતી. પેલો માણસ જીપવાળાને ગુસ્સામાં કંઇક કહેવા પાછળ ફર્યો પણ એ પહેલા તેના કપાળે ગેહલોતની ગન ઠેરાઇ ગઇ હતી.... કોઇ જ એકસ્ટ્રા એફોર્ટ વગર શૈતાનસીંહ ગેહલોતની ગીરફ્તમાં ફસાઇ ચુક્યો હતો.

( ક્રમશઃ )

પ્રવીણ પીઠડીયા

રેટ કરો અને રિવ્યુ આપો

Tejal

Tejal 1 વર્ષ પહેલા

Neepa

Neepa 2 વર્ષ પહેલા

Jinal Parekh

Jinal Parekh 2 વર્ષ પહેલા

Hardas

Hardas 2 વર્ષ પહેલા

Meena Raval

Meena Raval 2 વર્ષ પહેલા

🙏ખુબ સરસ