અંજામ-- 22 Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંજામ-- 22

અંજામ—૨૨

( આગળના અંકમાં આપણે વાંચ્યુઃ- ઇન્સ. ગેહલોત અચાનક વીજયને ખોળી કાઢે છે અને રાતના અઢી વાગ્યે તેનો દરવાજો ખખડાવે છે. વીજય ગેહલોતને આવેલો જોઇને ઠરી જાય છે અને ત્યાંથી ભાગવાની કોશીશ કરે છે પરંતુ ગેહલોતના હાથમાં ગન રમતી જોઇને તે શરણાંગતી સ્વીકારી લે છે...ગેહલોતનાં પુંછવાથી વીજય તેની સાથે સુંદરવન હવેલીમાં એ રાત્રે શું બન્યુ હતુ એ જણાવે છે......હવે આગળ...)

ગેહલોતે વીજયનાં ખભે હાથ મુકયો. વીજયનાં શરીરમાં આવેગના લીધે થતી કંપારી તેણે મહેસુસ કરી. તેને ખરેખર આ જુવાનીયા પ્રત્યે હમદર્દી થઇ આવી.....

“ તું રીતુને ચાહે છે.....?” ગેહલોતે એક સાવ સરળ પ્રશ્ન પુછયો. વીજય ખળભળી ઉઠયો. ગેહલોતના સરળ પ્રશ્નનો ઉત્તર ખરેખર એટલો સરળ નહોતો. વીજયના જડબા સખત થયા.

“ સર.....જો તે ગુનેગાર હશે તો પણ મારી ચાહતમાં કોઇ ફરક નહી પડે. હું તેને ચાહતો હતો, ચાહું છુ અને આજીવન ચાહતો રહીશ. તેણે જો કોઇ ખોટુ કૃત્ય કર્યુ હશે તો તેની સજા તેને મળવી જ જોઇએ, ચોક્કસ મળવી જોઇએ.....પરંતુ એ સજા તેને અદાલત આપશે હું નહી.....!” વીજય મક્કમતાથી બોલ્યો. તેના આ શબ્દોમાં ગેહલોતને તમામ ઉત્તરો મળી ગયા.

“ તો ચાલ.....ઉભો થા. આપણે બંને ભેગા મળીને આ કેસને તેના “અંજામ” સુધી લઇ જઇએ. મામલો ઘણો લાંબો ખેંચાયો છે અને તેનો ઉકેલ પણ એટલો જ પેચીદો છે છતાં મને એટલો તો ખ્યાલ છે જ કે ગુનેગાર ભલે ગમે તેટલો શાતીર હોય, તેણે કયાંક તો ભુલ કરી જ હશે.....ગુનેગારની એ ભુલમાંથી જ આપણે રસ્તો ખોળીશું. શહ અને માતની ખરાખરીની રમત તો હવે જામશે.” ગેહલોત મક્કમતાથી બોલ્યો.

વીજય હજુ ખુરશી ઉપર જ બેઠો હતો. તેણે અચંભાથી પોતાની ડોક ઉંચી કરી અને ગેહલોત સામે જોયુ. ગેહલોત તેને પોતાની સાથે આવવા જણાવી રહયો હતો, આ બાબત ખરેખર અચરજપૂર્ણ હતી. ભલે તેણે કોઇ ગુનો નહોતો કર્યો, છતાં હજુ પોલીસની નજરોમાં તે એક ગુનેગાર જ હતો.....અને અત્યારે એક પોલીસવાળો તેને પોતાનો સાથીદાર બનવાનું કહી રહયો હતો એ ખરેખર આશ્વર્યજનક બાબત હતી. કયાંક ગેહલોત તેને ઉઠા ભણાવીને ફસાવી તો નથી રહયોને.....!! વીજયના મનમાં ગડમથલ ઉપજી. ગેહલોતને તે સમજાયુ.....તેણે વીજયના આંખોમાં આંખો પરોવીને કહયું.

“ મી.વીજય મારી ઉપર તને શંકા ઉદભવે એ સ્વાભાવીક છે. ચાલ હું તારી સમક્ષ એક ચોખવટ કરું.....હવે હું એક પોલીસમેન નથી. મેં પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી રાજીનામુ આપી દીધુ છે. હવે હું પણ તારી જેમ ભારત દેશનો એક સામાન્ય નાગરીક છું.....હવે બોલ.....તારુ શું કહેવુ છે.....?”

“ મતલબ.....?” વીજયને તરત ગેહલોતની વાત સમજાઇ નહી.

“ મતલબ કે આપણે બંને સરખા છીએ. તારે તારી બેગુનાહી સાબીત કરવી છે અને મારે ડી.આઇ.જી.પંડયાને દેખાડી દેવુ છે કે એક ઇમાનપરસ્ત વ્યક્તિ પોલીસની વર્દી વગર પણ પોતાની ડ્યુટી નીભાવી શકે છે.....!” એક આત્મવિશ્વાસથી ગેહલોત બોલ્યો.

“ મતલબ કે તમે હવે પોલીસ ખાતામાં નથી.....? તમને આ કેસમાંથી બર્ખાસ્ત કરવામાં આવ્યા છે.....?” હેરાનીથી વીજયે પુછયુ. તેને વિશ્વાસ આવતો નહોતો.

“ બર્ખાસ્ત નથી કરાયો....મેં ખુદ રાજીનામુ આપ્યુ છે. ડી.આઇ.જી.પંડયા આ કેસનું ફીંડલુ વાળવા માંગે છે. તે કોના ઇશારે આમ કરી રહયો છે એ તો મને નથી ખબર પણ એટલી આસાનીથી હું આ કેસ છોડીશ નહી. આ ઘટનામાં શામેલ એક-એક વ્યક્તિએ મને જવાબ આપવો પડશે.....”

“ ઓહ.....” વીજયને માજરો સમજમાં આવતો હતો. “ તો ક્યાંથી શરૂઆત કરીશું....?” મન મક્કમ કરતાં તેણે ગેહલોતને પુછયુ. ગેહલોતના સખ્ત બનેલા ચહેરા ઉપર ખુશી છવાઇ.

“ એ વીચારવુ પડશે. અત્યારે રાત ઘણી વીતી ગઇ છે એટલે તું આરામ કર. હું સવારે પાછો આવીશ.....” કહીને ગેહલોત બહાર જવા પાછળ ફર્યો. વીજય ખુરશી પરથી ઉભો થયો.

“ સર.....ગેહલોત સાહેબ.....તમે મને શોધી કેવી રીતે લીધો.....?” વીજયના મનમાં પ્રશ્ન ઘોળાતો હતો એ તેણે પુછી લીધો. ગેહલોતે ડોક ફેરવીને વીજય તરફ જોયુ.....

“ જે રીતે તું હોસ્પિટલમાંથી ભાગ્યો હતો એ રીતે જ મેં તને શોધી કાઢ્યો યંગબોય.....જેમ તારા સોર્સીસ છે તેમ મારા પણ છે. અને આબુ જેવા નાનકડા શહેરમાં આ કામ સહેજે મુશ્કેલ નથી.....” ગેહલોત મુસ્કુરાતા બોલ્યો અને દરવાજો ખોલી બહાર નીકળી ગયો. વીજય દરવાજા તરફ તાકી રહયો.....ખબર નહી કેમ પણ એક અજીબ સી દ્વીધા તેના મનને ઘેરી વળી હતી. દિલ કહેતુ હતુ કે ગેહલોત ઉપર તે સંપુર્ણ વિશ્વાસ કરી શકે છે પરંતુ દિમાગ આસાનીથી આ સીચ્યુએશન સ્વીકારવા તૈયાર નહોતુ. ભારે ગડમથલ અનુભવતા આખરે તેણે પથારીમાં પડતુ મુક્યુ... ઉંઘથી બોઝીલ થયેલી આંખો સમક્ષ અચાનક હોટલમાં મળેલો પેલો સફેદ કપડાવાળો શખ્શ તરવરી ઉઠયો. કોણ હશે એ શખ્શ.....? વીચારતો-વીચારતો જ તે સૂઇ ગયો.

*********************************

ડી.આઇ.જી. પંડયાને કયાંય ચેન પડતુ નહોતુ. ગેહલોત જે રીતે તેમની સાથે વર્તયો હતો એ તેને સહેજે પસંદ આવ્યુ નહોતુ. તેના મનમાં તો એમ હતુ કે પોતાની બઢતીના વાત સાંભળીને ગેહલોત ખુશ થશે, પરંતુ મામલો આખો ઉંધો પડયો હતો. ગેહલોત સુંદરવન હવેલીવાળો કેસ કોઇ પણ ભોગે ઉકેલવા માંગતો હતો અને જીદે ભરાઇને તે રાજીનામુ આપીને ચાલતો થયો હતો. આ તેની અપેક્ષા બહારનું રીએકશન હતુ એટલે પંડયા સહમી ગયો હતો.....તેણે રઘુ કબાડી અને માધોસીંહે સુંદરવન હવેલીમાં સંતાડેલા ડ્રગ્સના જથ્થાને નીહાળ્યો હતો. સુંદરવન હવેલીમાં રેડ પાડીને એ જથ્થો ભોંયરાના એક કમરામાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. નાર્કોટીસ્ ડીપાર્ટમેન્ટના અફસરો આવીને એ જથ્થાનો કબજો ન સંભાળે ત્યાં સુધી તેને નખીલેક થાણાના એક અલાયદા સ્ટોરરૂમમાં તાળાબંધ રખાયો હતો.....એ અબજો રૂપીયાની કિંમતનો માલ હતો.

ડી.આઇ.જી.પંડયાને જ્યારે આની જાણકારી મળી ત્યારથી તેમને આનંદની સાથે-સાથે ચીંતા પણ પેઠી હતી. ડ્રગ્સનો ધંધો કરતા ડ્રગ્સ માફીયાઓની પહોંચ કેટલે દુર સુધી ફેલાયેલી હોય છે એ જાણકારી પંડયાને બહુ સારી રીતે હતી. આ વખતે પણ ઉપરથી જરૂર કોઇકનો ફોન આવશે જ એ શકયતા તેના મનમાં રમી રહી હતી. અને થયુ પણ એમ જ, એક ફોન આવ્યો જેમાં ગેહલોતના પ્રમોશનની વાત થઇ અને ડ્રગ્સનો કેસ જયપુર ક્રાઇમબ્રાંચના અધીકારીઓને સોંપવાની સુચના આપવામાં આવી હતી. પંડયા માટે આ અપેક્ષીત હતું જ....પરંતુ ગેહલોત ભડકી ઉઠયો હતો. તે પોતાનું રાજીનામુ સોંપીને જતો રહયો હતો. પંડયા માટે આ પરિસ્થિતી ખરેખર મુશ્કેલ હતી. એક ઇમાનપરસ્ત ઓફીસરનું રાજીનામુ તે કોઇ કાળે સ્વીકારી શકે તેમ નહોતો કારણ કે ડિપાર્ટમેન્ટમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડયા વીના રહે નહી..... તેણે નખીલેક થાણામાં હાજર તમામ પોલીસમેનોના ચહેરાઓ ઉપર ગેહલોતના રાજીનામાનાં પ્રત્યાઘાત વાંચ્યા હતા. “કમબખ્ત ગેહલોત....” ધુંધવાતા મને પંડયા બબડી ઉઠયો. ટેબલ ઉપર પડેલા ફોનનું રીસીવર ઉઠાવી તેણે ગેહલોતનો નંબર ડાયલ કર્યો...

************************************

તોતીંગ દરવાજો ખુલવાનો અવાજ રીતુના કાને સંભળાયો અને પછી જીપ ફરી વખત આગળ ચાલી. આ રસ્તો સારો હતો, જાણે લીસા હાઇવે ઉપર જીપ ચાલી રહી હતી. બહારના વાતાવરણમાં પણ એકા-એક બદલાવ આવ્યો હતો. ઠંડી શીતળ હવા અને પક્ષીઓનો મધુર કલબલાટ તેમના કાને સંભળાતો હતો. રીતુ અને મોન્ટી બંનેની આંખોએ પાટા બાંધેલા હતા એટલે તેઓ જોઇ શકતા નહોતા પરંતુ પલટાયેલુ વાતાવરણ મહેસુસ જરૂર કરી શકતા હતા.... અડધા કલાકના ડ્રાઇવ બાદ જાણે તેઓ એક દોઝખભરી દુનિયામાંથી કોઇ જન્નતમાં પ્રવેશ્યા હોય એવું તેમને લાગ્યુ. આ કઇ જગ્યા છે તેનો કોઇ અંદાઝ તેઓ લગાવી શકતા નહોતા...

ખરેખર તો તેઓ બાપુના ફાર્મ હાઉસમાં પ્રવેશ્યા હતા. બંધ કમરામાંથી વીરજી અને વીરાએ તે બંનેને મહા-મહેનતે બહાર કાઢયા હતા અને પછી આંખોએ પટ્ટીને તેઓને બાંધી જીપમાં બેસાડવામાં આવ્યા હતા. ત્યાંથી હવે તેઓ એક સ્વર્ગસમી ધરતી ઉપર આવી પહોંચ્યા હતા. વીરજી ડ્રાઇવ કરી રહયો હતો. તેણે થોડીવારમાં જીપ ઉભી રાખી.....બાપુની આજ્ઞા ઉથાપવાનું તેનું ગજુ નહોતું તેમ છતાં અત્યારે તેને આ બંને છોકરાઓને અહી લાવવાનું સહેજે પસંદ આવ્યુ નહોતુ. તેની ઇચ્છા તો એવી હતી કે આ બંનેને ત્યાં જ ભંડકીયામાં ભડાકે દઇ મારી નાંખે એટલે આ કિસ્સો ખતમ થાય..... કમને તેણે રીતુનું બાવડુ પકડીને નીચે ઉતારી અને આગળ વધવા ધક્કો માર્યો. વીરાએ મોન્ટને ઉતાર્યો. વીરજી જેવા શક્તિશાળી, છ હાથ ઉંચા પઠ્ઠા જેવા માણસે સાવ હળવો કહેવાય એવો ધક્કો રીતુને માર્યો હતો છતા એ ધક્કામાં એટલુ બળ સમાયેલુ હતુ કે રીતુ પડતાં-પડતાં માંડ બચી.

“ ક્યાં રાખવાનાં છે આ બંનેને.....?” વીરાએ તેની જાડી ગરદન ઉપર જામેલો પરસેવો લુંછતા પુછયુ. વીરા અસ્સલ વીરજીની નાની પ્રતિકૃતિ જેવો હતો. તે પણ એકદમ પઠ્ઠા જેવો દેખાતો હતો, જાણે હાથીનું નાનું મદનીયુ જોઇ લો.....બેઠીદડીનો અને ગોળમટોળ દેહાકૃતી ધરાવતો વીરા વીરજીથી સહેજ નીચો હતો. તે બંન્ને મોટાભાગે હંમેશા સાથે જ રહેતા.....તેઓ દુરથી ચાલ્યા આવતા હોય તો જાણે બે નાના પર્વતો આવી રહયા હોય એવો ભાસ થતો.

“ સ્ટોર રૂમમાં પુરી દે.....પછી બાપુ કહેશે એમ કરીશું.....” વીરજીએ વીરાને કહયુ એટલે વીરા તે બંનેને એ વિશાળ ફાર્મહાઉસના એક છેડે બનેલી ઓરડીઓ તરફ દોરી ગયો. પાર્કીંગ પ્લોટથી પૂર્વમાં, ફાર્મહાઉસની કવર્ડ દિવાલ નજીક સ્ટોરરૂમ માટે ત્રણ ઓરડીઓ ચણવામાં આવી હતી. એ ઓરડીઓમાં ફાર્મહાઉસનો તરેહ-તરેહનો સામાન ભરેલો હતો. વીરાએ તેમાંની એક ઓરડીનું તાળુ ખોલ્યુ અને રીતુ તેમજ મોન્ટીને અંદર ધકેલ્યા. અંદર આવીને બારણુ વાસીને તેણે તે બંનેની આંખોએ બાંધેલા પાટા ખોલી નાંખ્યા.

“ કોઇપણ પ્રકારની હોંશીયારી કર્યા વગર ચુપચાપ અહી પડયા રહેજો. અહીથી બહાર નીકળવાનો આ એક જ માર્ગ છે.....” વીરાએ દરવાજા તરફ આંગળી ચીંધતા કહયુ. “ અને એ દરવાજા બહાર અમારો “રેવા” ચોવીસ કલાક તમારુ સ્વાગત કરવા તૈયાર હશે. અને તમને જણાવી દઉ કે “ રેવા” ના જડબામાં આવવા કરતા આત્મઘાત કરવો વધુ સરળ રહેશે.....” કહીને વીરા બહાર નીકળ્યો અને કમરાને તાળુ લગાવ્યુ.

“ મોન્ટી, આ કઇ જગ્યા છે.....?” રીતુએ કમરામાં નજર ફેરવતા મોન્ટીને પુછયુ.

“ મને શું ખબર.....? આ સવાલ તો મારે તને પુછવો જોઇએ.” મોન્ટી ગુસ્સામાં બોલ્યો. પેલા બંધ ભંડકીયામાંથી બહાર નીકળ્યા બાદ તે થોડી રાહત અનુભવી રહયો હતો. જો કે અત્યારે પણ તે કેદમાં જ હતો પરંતુ એ ભયાનક ભંડકીયા કરતા આ સ્ટોરરૂમ લાખ દરજ્જે બેહતર હતો.

“ મેણા શું કામ મારે છે મોન્ટી. મેં તને બધુ જ જણાવી દીધુ છે. જો મારો ભાઇ આ લોકોની ગીરફ્તમાં ન હોત તો હું કયારેય સુરત આવી જ ન હોત. મને આ લોકોએ મજબુર કરી હતી મોન્ટી.....”

“ તારી એ મજબુરીના કારણે મેં મારા જીગરજાન મિત્રો ગુમાવ્યા છે રીતુ.....તું લાખ વાર કરગરે છતા હું કયારેય તને માફ કરીશ નહી.....” સાવ નંખાઇ ગયેલા અવાજે મોન્ટી બોલ્યો. જો કે મોન્ટીના અવાજમાં જે આગ હતી એ આગ રીતુને જીગર સુધી દઝાડી રહી હતી. મોન્ટી ત્યાં પડેલા એક લોંખડના મોટા ટ્રંક ઉપર બેસી પડયો. રીતુએ પણ એક સ્ટુલ શોધી કાઢયુ અને તેના ઉપર બેઠી.

“ મારે કોઇ માફી નથી જોઇતી મોન્ટી.....મારા કૃત્યોનો પશ્ચાતાપ હું જરૂર કરીશ. એવો સમય આવશે, અને જો હું જીવીત રહી તો આપણા મિત્રોના મોતનું તર્પણ હું જરૂર કરીશ....” આવેશમાં આવીને રીતુએ કહયુ.

“ સો ચૂહે ખા કર બીલ્લી હજ કો ચલી.....” ભારોભાર કટાક્ષથી મોન્ટી બોલ્યો.

“ તું ચાહે તે કહી શકે છે.....પણ સમય આવ્યે હું કરી બતાવીશ....” રીતુના કાળજે મોન્ટીના શબ્દોથી ઘા વાગતા હતા. તે જે કહી રહયો હતો એમાં ખોટું પણ શું હતુ.....? તેના કારણે જ તો આ રમત શરૂ થઇ હતીને....!!! પોતાના નાના ભાઇ રાજુની જીંદગીના બદલામાં તેણે વીજય સહીત તમામ દોસ્તોના મોતનો રીતસરનો સોદો જ કર્યો હતો. વીજયની યાદ આવતા જ તેના હ્રદયમાં એક ટીસ ઉઠી..... શું વીજય કયારેય મને માફ નહી કરી શકે.....? તેને તો એ પણ નહોતી ખબર કે વીજય જીવીત છે કે આ લોકોએ તેને પણ મારી નાખ્યો છે.....!!! રીતુના ગળામાં ડુમો ભરાઇ આવ્યો. તેની આંખોમાં ઝળઝળીયા છવાયા.....વીજય.....આ નામથી તેને કેટલો ગહેરો લગાવ થઇ ગયો હતો. તે વીજયને ખરા હ્દયથી પસંદ કરવા લાગી હતી. કોલેજકાળના એ સમય દરમ્યાન વીજયના સહવાસ માટે તેણે રીતસરના વલખા માર્યા હતા.....અને એ સહવાસ તેને સાંપડયો પણ હતો. દિલમાં છવાયેલા ડરના ઓછાયાને વીજયે થોડા સમય માટે દુર હડસેલી દીધો હતો.....એ કોલેજની કેન્ટીનમાં વીજય સાથે કોફીની લીજ્જત માણવી, તેની બાઇક પાછળ ચપોચપ ચીપકાઇને દુર લોંગ ડ્રાઇવ પર જવુ, રાતોની રાતો કોઇ જ ટોપીક વગર તેની વાતો કરવી એવી તમામ બાબતો જે વીજય સાથે સંકળાયેલી હતી એ તેને યાદ આવી. અને...ડુંમસના દરીયાકીનારે, અનરાધાર વરસતા વરસાદમાં વીજયે કરેલી એ અવર્ણનીય “કીસ” ને તે કેમ કરીને ભુલી શકે....!! જીસ્મમાં ઉઠતા તુફાનને તે દિવસે વીજયની “કીસ” થી શાંતા વળી હતી. વેલની જેમ તે વીજયના ખડતલ શરીર સાથે વીંટળાઇ ગઇ હતી....એ આનંદ, એ અનુભવ અવર્ણનીય હતો. શરીરની ગરમીને જાણે વરસતો વરસાદ ઠારવા મથતો હતો અને વીજય એ આગને વધુ ઉત્તેજન આપી રહયો હતો....ડુંમસની દુર સુધી લંબાયેલી ઇંટોની પાળી ઉપર તે બંને એ કંઇ જ બોલ્યા વગર એક-બીજા પ્રત્યેના પ્રેમનો ઇજહાર કર્યો હતો....વીજયની મજબુત બાંહોમાં તે પોતાનું અસ્તીત્વ ઓગળતુ અનુભવી રહી હતી....પોતાનુ સર્વસ્વ તે ભુલવા લાગી હતી કે સાવ અચાનક તેને હકીકતનું ભાન થયુ હતું....પોતે જે મકસદથી વીજયની નજીક આવી હતી એ મકસદ યાદ આવતા જ તેની આંખો છલકાઇ ઉઠી હતી.....તેના માટે પરિસ્થિતી અસહનીય બની ગઇ હતી. વીજયને તે પામી શકશે કે નહી એ વીચારે તેને હચમચાવી મુકી હતી. હ્રદય ઉપર છવાયેલા વીજયના સ્પર્શનો આનંદ પળભરમાં તહસ-નહસ થઇ ગયો અને તે વીજયથી અળગી થઇ હતી. તેને ખબર હતી કે વીજય આવુ થવાથી બહુ દુઃખ અનુભવશે, છતાં તે આગળ વધવા માંગતી નહોતી. એ સાંજ પછી જાણે બધું જ બદલાઇ ગયુ હોય એવુ તેણે મહેસુસ કર્યુ હતુ...

અચાનક તીવ્રતાથી રીતુને વીજયની યાદ ઘેરી વળી. તેનાં જીગરમાં તુફાન ઉમડયુ અને ઉભી થઇ સ્ટોરરુમનાં દરવાજે પહોંચી.. ”વીજય.....વીજય....દરવાજો ખોલો...” બે હાથે તેણે દરવાજો પીટવા માંડ્યો. મોન્ટી બધવાઇને રીતુને અચાનક આવેલા હિસ્ટિરીયાને જોઇ રહ્યો. “ ખોલો....દરવાજો ખોલો....મારે વીજયને મળવુ છે....” રીતુ જોર-જોરથી ચીલ્લાઇ રહી હતી અને દરવાજો ખખડાવી રહી હતી. શાંત વાતાવરણમાં એ અવાજ દુર સુધી ગુંજી ઉઠયો. અચાનક બહાર પેલો કુતરો રેવા ભસવા માંડયો જેનો અવાજ મોન્ટીના કાને પડયો. તેને વીરાની વાત યાદ આવી. જરુર તેણે પેલા પિન્શર ડોગ રેવાને બહાર બેસાડયો હશે. રીતુના ચીખવાનો અવાજ અને બહારથી ભસતા $”રેવા” ના અવાજે ઘડીભરમાં તો ધડબડાટી બોલાવી દીધી. જાણે કોઇ જંગ છેડાઇ હોય એટલી તંગ સ્થિતિ પેદા થઇ. મોન્ટી ઝડપથી ઉભો થયો અને રીતસરનો રીતુ તરફ દોડયો. રીતુની નજીક જઇ તેણે તેના હાથ પકડયા અને તેને હચમચાવી....

“ ચૂપકર બેવકુફ....ચૂપકર, આમ બુમો પાડીને તું બધાને ભેગા કરવા માંગે છે...? આવી રીતે તો તું સામે ચાલીને મોતને નિમંત્રણ આપી રહી છે. ગાંડપણ બંધ કર અને ચૂપમર કમબખ્ત...”

“ મારે વીજય પાસે જવુ છે....મને વીજય જોઇએ બસ...” તે હજુ પણ ઉંચા સાદે બોલતી હતી. “ તને સમજાય છે મોન્ટી, હું વીજયને ચાહુ છું. મારા જીવથી પણ વધુ ચાહુ છું. તું મને વીજય પાસે લઇજા...” તે એટલુ જોર કરી રહી હતી કે મોન્ટી મહા-મહેનતે તેને સંભાળી શકતો હતો.

“ યુ ફુલ....તારુ આ ડહાપણ પહેલા ક્યાં ગયુ હતુ...! અને આ કંઇ આપણા બાપાનો બગીચો નથી કે એટલી આસાનીથી અહીથીં નીકળી શકીએ. જો તું આમજ બુમો પાડતી રહીશ તો આ લોકો ફરીપાછા આપણને પેલા ભંડાકીયામાં પુરી દેશે. શું તને એ પસંદ પડશે...? નહીતો પેલા કુતરા રેવાને આપણી જ્યાફત ઉડાવા ખૂલ્લો મુકશે. વીજય જીવીત હશે તો તેના સુધી આપણે જરુર પહોંચીશુ, પણ તેના માટે તારે આ ગાંડપણ બંધ કરવું પડશે. સમજી..?” મોન્ટીએ રીતુને ઝકઝોરતા કહ્યું. રીતુ મોન્ટીને જોઇ રહી, અને તે શાંત પડી. કદાચ તેને મોન્ટીની વાત સમજાઇ હતી. તેના શાંત થવાથી બહાર ભસતો કુતરો પણ ખામોશ થયો હતો.

“ ઓ.કે....ઓ.કે....તું અહી બેસ. પછી આપણે વીચારીએ કે શું કરવું...?” મોન્ટીએ રીતુને પોતે જે ટ્રંક પર બેઠો હતો તેના પર બેસાડી. રીતુના ચહેરા પર આંસુનાં અઘરોળા છવાયા હતા. મોન્ટીને પહેલી વાર તેના પર દયા આવી. એક કોમળ, માસુમ યુવતી કેવા ખતરનાક લોકોના હાથોમાં પડી હતી...! પ્રથમવાર મોન્ટીને રંજ થયો. ઘણા લાંબા સમયબાદ પહેલી વખત એ માસુમ ઉપર તેને લાગણી ઉભરાઇ આવી. એ લાગણી સાથે જ તેના મનમાં એક નિર્ણય ઉદભવ્યો, એક પ્રતિકારની ભાવના ઉત્પન્ન થઇ.

“ નહીં.....હવે વધુ નહીં. આ લોકોની ચૂંગલમાંથી બચવા કોઇકતો રસ્તો ખોળવો પડશે...કંઇક તો કરવુ રહ્યું.” તેણે મનોમન એક સંકલ્પ કર્યો. તેના જડબા સખત થયા અને રગોમાં દોડતા લોહીમાં અચાનક ધમધમાટી વ્યાપી.

ચો-તરફથી એક ભયંકર ઘટના આકાર લઇ રહી હતી. કોઇ નહોતુ જાણતું કે તેમનો “અંજામ” શું આવશે....? આ ઘટમાળમાં શામેલ તમામ પાત્રો પોતપોતાની રીતે તૈયારીમાં લાગ્યા હતાં.

( ક્રમશઃ )

પ્રવીણ પીઠડીયા

વોટ્સએપ—૯૦૯૯૨૭૮૨૭૮

ફેસબુક—Praveen Pithadiya