અંજામ-૨૧ Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંજામ-૨૧

અંજામ-૨૧

( આગળ આપણે વાંચ્યુઃ- રીતુ તેના ભુતકાળની યાદોમાં સરી પડે છે. તેના માનસ પટલ ઉપર તે કેવી રીતે આ સાજીસમાં શામેલ થઇ એ દ્રશ્યો ઉભરાઇ છે. પોતાના નાના ભાઇ રાજુને બચાવવા તે અને તેની મમ્મી ગીતાબહેન પેલા બુકાનીધારી શખ્શો જે કહે એ કરવા તૈયાર થાય છે.....બીજી બાજુ વીજય જે ધર્મશાળામાં રોકાયો હોય છે ત્યાં રાતના અઢી વાગ્યે અચાનક ઇન્સ.વિક્રમ ગેહલોત આવી ચડે છે....હવે આગળ વાંચીએ.....)

વીજયની નજરો સમક્ષ દુનીયાભરનું આશ્ચર્ય હતુ. સાત જન્મારે બેસીને પણ જો તેણે વીચાર્યુ હોત તો પણ ગેહલોત અહી આવી ચડશે એવી તેને કલ્પના પણ આવી ન હોત. ટયૂબલાઇટના દુધીયા પ્રકાશમાં દરવાજા બહાર ઉભેલા ગેહલોતના ચહેરા ઉપર તેને ખોળી કાઢવાનો આનંદ છવાયેલો હતો એ વીજય સ્પષ્ટપણે જોઇ શકતો હતો. હવે શું કરવુ....! એ ગતાગમ તરત વીજયને થઇ નહી.....અને જ્યારે તેને એ સમજાયુ ત્યારે સૌથી પહેલા તેના મનમાં એક જ વીચાર આવ્યો કે અહીથી ભાગવુ જોઇએ. વીજળીવેગે તેણે કમરાના બારણાને ધક્કો મારી બારણુ બંધ કરવાની કોશીષ કરી....પરંતુ તે સેકન્ડભાર મોડો પડયો. કદાચ ગેહલોતને વીજયના મનમાં ચાલતા વીચારોની ગંધ આવી ગઇ હતી....વીજયે જેવો બારણાને ધક્કો માર્યો એવો જ ગેહલોતે પોતાના જમણા પગનો બુટ દરવાજા અને બારસાખ વચ્ચે અટકાવી દીધો....મજબુત સોલના પોલીસબુટ લાકડાના ડટ્ટાની માફક બારસાખ અને બારણા વચ્ચે ખલાઇ રહયા...લાખ કોશીષ કરવા છતા વીજય બારણુ બંધ કરી શક્યો નહી ત્યારે તેણે એ પ્રયત્ન છોડી ઝડપથી કમરાની અંદર બાજુ દોડયો.....હવે તેની પાસે પાછળની બાજુથી ભગવા સીવાઇ બીજો કોઇ રસ્તો બચતો નહોતો. તે કોઇ કાળે ફરીથી પોલીસના હાથમાં પડવા માંગતો નહોતો.

કમરાની અંદર પાછળની બાજુ ટોઇલેટ બ્લોક હતો. સામાન્યતહઃ જુના જમાનામાં જે રીતનું બાંધકામ થતુ એ પ્લાન પ્રમાણે જ આ ધર્મશાળાનું બાંધકામ થયુ હતુ. આ પ્રકારનું બાંધકામ હજુ ઘણી જગ્યાઓમાં જોવા મળે છે, જેમાં આગળ એક મોટો કમરો હોય અને પાછળની તરફ એક બાજુ સંડાસ અને બીજી બાજુ બાથરૂમ બનાવેલુ હોય.....તે બંનેની વચ્ચે એક નાનકડી એવી બાલ્કની કે કોલો છુટતો હોય જે પાછળના ભાગે ખુલ્લો હોય......આ ધર્મશાળાનું બાંધકામ એ સ્ટાઇલમાં જ થયુ હતુ જે વીજયે અહી આવ્યો ત્યારે ધ્યાનથી નીરખ્યુ હતુ.....વીજય એ ખુલ્લી બાલ્કની બાજુ ભાગ્યો. બાલ્કનીની પારાફીટ ઠેકીને તે પાછળ ધર્મશાળાના ખુલ્લા કંપાઉન્ડમાં પહોંચી શકે તેમ હતો. ધર્મશાળાને કવર્ડ કરતા કંપાઉન્ડની દિવાલ માંડ પાંચેક ફુટ ઉંચી હશે. તેની ઉપર ચડીને પાછળ ફેલાયેલી ઝાડીઓ સુધી જો તે પહોંચી જાય તો પછી આસાનીથી તે ગેહલોતને માત આપી શકે એવી વીજયના મનમાં ગણતરી હતી.

વીજય ભાગ્યો અને કમરા અને બાલ્કનીને જોડતા બારણા પાસે પહોંચ્યો. બહાર સખત ઠંડી હતી એટલે તેણે અહી આવ્યો ત્યારે એ બારણુ બંધ કર્યુ હતુ.....ઝડપથી તેણે બારણાનો આગળીયો ખોલવાની કોશીષ કરી. પરંતુ જેટલી ઝડપે તે એ બારણા નજીક પહોંચ્યો હતો એટલી ઝડપે તેનાંથી આગળીયો ખુલ્યો નહી.....કાટ ખાઇ ગયેલા લોંખડના આગળીયાને ખોલવા બળ કર્યુ જેમાં થોડી સેકન્ડો લાગી. એ સેકન્ડો દરમ્યાન જ ગેહલોત કમરાનો મુખ્ય દરવાજો ખોલીને અંદર પ્રવેશી ચૂકયો હતો......તેણે વીજયને પાછળની ગેલેરીવાળા દરવાજાને ખોલતો જોયો અને પોતાની પેન્ટમાં ખોસેલી ગન બહાર કાઢી હાથમાં લઇ વીજય તરફ તાકી...

“ સબુર વીજય......જો સહેજ પણ હરકત કરી તો તારી ખોપરીના ફુરચા ઉડી જશે.....” કમરામાં બીછાવેલા પલંગ તરફ આગળ વધતા ગેહલોત બોલ્યો. તેનું સમગ્ર ધ્યાન અત્યારે વીજય ઉપર જ હતુ. વીજય ત્યાં જ ઠરી ગયો. ગેહલોતે જે કહયુ એ તેના કાને બરાબર સાંભળ્યુ હતું.....આગળીયો ખોલવાનું પડતુ મુકીને તે પાછળ ફર્યો. ગેહલોત તેની નજીક આવતો જતો હતો અને તેના હાથમાં ગન ચળકતી હતી. પોતાની તરફ તકાયેલી ગન જોતા જ અનાયસે તેના હાથ કમરાની છત તરફ ઉંચા થયા અને સ્થીર થઇ તે ત્યાં જ ઉભો રહી ગયો.

“ શાબાશ.....મને તારા તરફથી સહકારની પુરી આશા છે વીજય. જો તું સહેજપણ કંઇક ખોટી હરકત કરવાનું વીચારતો હોય તો એ વીચાર માંડી વાળજે......આ ગન હું શો માટે નથી રાખતો એ તું પણ સારી રીતે જાણે છે....અને પંચાવન રૂપીયાની એક ગોળી તારા મહામૂલા જીવનને અહી જ સમાપ્ત કરી નાંખશે એ નિર્વિવાદીત સત્ય છે.....” ગેહલોતે ભારે ઠંડકથી વીજયને કહયુ.

વીજયના મનમાં ઘણ પડઘાતા હતા. ગેહલોતે જે કહયુ એ તે કરી પણ શકે છે તેની વીજયને સમજણ હતી. ગેહલોત જેવા અફસરો પોતાની ડયૂટીમાં કેટલા સખ્ત રીતે વર્તતા હોય છે એની જાણ તેને હતી. આવા માથાફરેલ વ્યક્તિનો સામનો કરવો એ સામે ચાલીને મોતને આમંત્રણ આપવા બરાબર હતુ....આખરે વીજયે પોતાની હાર સ્વીકારી લીધી. તેણે પોતાના શરીરને ઢીલું છોડયુ અને ત્યાં ખુણામાં પડેલી એક ખુરશીમાં બેસી પડયો.....ગેહલોતના ચહેરા ઉપર એ જોઇને હળવી મુસ્કાન ઉભરી આવી.

વીજયને હજુ એ ખબર નહોતી કે ગેહલોત હવે પોલીસ અફસર રહ્યો નથી અને તે પણ તેના જેવો એક સામાન્ય વ્યક્તિ છે. તેની અને ગેહલોત વચ્ચે ફક્ત એક “ગન” નો જ ફરક હતો.... જો વીજયને એ ખ્યાલ હોત તો પરિસ્થિતિ કંઇક જુદી સર્જાઇ હોત પરંતુ એ જાણકારી હજુ તેના સુધી પહોંચી નહોતી. અત્યારે તો તેણે ગેહલોત સમક્ષ જાણે સમર્પણ કરી દીધુ હતુ.

“ ધેટ્સ ગુડ બોય......” ગેહલોત બોલ્યો અને થોડા આગળ વધી તેણે પલંગની કોર ઉપર બેઠક લીધી. આ દરમ્યાન હાથમાં પકડેલી ગનને સતત તેણે વીજય તરફ તાકી રાખી હતી. ધુંધવાઇ ઉઠેલો વીજય ગમે તે રીએકશન કરી શકે તેમ હતો એટલે ગેહલોત કોઇ ચાન્સ લેવા માંગતો નહોતો.

“ સર પ્લીઝ......મારે એક મોકો જોઇએ છે.....” વીજયે નંખાઇ ગયેલા અવાજમાં આજીજી કરી. ગેહલોતને આ કમરામાં જોવાનું તેનું આશ્વર્ય શમ્યુ હતુ એટલે હવે આવનારી પરીસ્થીતીમાં લડવા તે પોતાની જાતને સજ્જ કરવા માંડયો હતો.

“ કેવો મોકો ભાઇ.....?” ગેહલોતે કટાક્ષમાં પુછયુ.

“ મારી બેગુનાહી સાબીત કરવાનો મોકો.....”

“ એ તો તને મળશે જ ને......અદાલતમાં.....”

“ પણ ત્યાં સુધીમાં ઘણુ મોડું થઇ ચૂક્યુ હશે....”

“ ગુનેગાર હાથમાં હોય પછી કંઇ મોડુ નથી થતું. અદાલત તેનો ફેંસલો સુનાવે એટલે કામ ખતમ.......” ગેહલોત બોલ્યો. તેની તીક્ષ્ણ નજર સતત વીજયના ચહેરા પર રમતી હતી. વીજયના ચહેરા પર આવતા ભાવોને તે નીરખી રહયો.

“ પણ હું ગુનેગાર નથી ગેહલોત સાહેબ.....અસલી ગુનેગાર કોઇ બીજા છે.....”

“ અચ્છા......અને એ કોણ છે......?” ગેહલોતે ફરી કટાક્ષમાં પુછયુ. તેને સમજમાં આવતુ હતુ કે વીજય હજુ સુધી તેને ઇન્સપેક્ટર જ સમજે છે. તેના રાજીનામાની ખબર હજુ વીજયને થઇ નથી. તેણે એ ગેમ ચાલુ રાખી.

“ ચોક્કસ તો મને પણ નથી ખબર......પરંતુ એક ધુંધળો ચહેરો......એક ધુંધળી યાદ મારા દિમાગમાં ઉભરે છે.”

“હાં....હાં.....હાં.....” ગેહલોત ખડખડાટ હસી પડયો. “ અને એ ધુંધળી યાદદાસ્ત ઉપરથી તું અસલી કાતીલને પકડવા માંગે છે....ખરુને....? મીસ્ટર વીજય, તારા જેવા કેટલાય ગુનેગારોને મેં “ટેકલ” કર્યા છે. અને તું તો હજુ બચ્ચુ છો. તને શું લાગે છે......? તારી આવી વાતો સાંભળીને હું તને જવા દઇશ.....? અચ્છા ચલ, માની લઇએ કે તેં ખુન નથી કર્યા અને એક ધુંધળુ ચિત્ર તારા મનમાં રમે છે. તો મને જણાવ કે એ ધુંધળુ ચિત્ર કોનું છે......? આપણે બંને સાથે મળીને એ વ્યકતિને શોધીશું અને તેને સજા અપાવીશું........ બોલ, કોણ છે એ વ્યક્તિ......?”

“રીતુ......” વીજય હળવેકથી બોલ્યો. ગેહલોતે એ સાંભળ્યુ. પહેલા તો તેને કંઇ સમજાયુ નહી પણ પછી તે ઉછળ્યો.......

“ વોટ......!!?” તેને પોતાના જ કાન ઉપર વિશ્વાસ આવ્યો નહી કે તેણે જે સાંભળ્યુ એ સત્ય છે કે નહી. “ તારા કહેવાનો મતલબ છે કે આ તમામ ખુન રીતુએ કર્યા છે.......? વોટ નોનસેન્સ.....તો પછી મોન્ટી પણ એમાં શામેલ હશેને.....? તને મોન્ટીનો ચહેરો ન દેખાયો.........?” ગેહલોતે મજાકમાં પુછયુ. ખરેખર તો તે અંદરથી ખળભળી ઉઠયો હતો. તેણે કયારેય આ શક્યતા ઉપર વીચાર જ નહોતો કર્યો. એક પોલીસવાળા તરીકે તેણે તમામ પાસાઓ વીચારવા જોઇતા હતા. તે પોતાની જ થીયરી ઉપર બીજી વખત ખોટો પડયો હતો. પહેલા તેણે વિચાર્યુ હતુ કે સુંદરવન હવેલીમાં જે ખુનો થયા છે એ રઘુ અને માધોસીંહે પોતાના ડ્રગ્સના જથ્થાને બચાવવા કર્યા છે.....અને પછી તેણે ખુનનો ઇલ્જામ વીજય ઉપર ઠોકી બેસાડયો છે. જ્યારે અહી તો માજરો જ બદલાઇ જતો હતો. જો વીજય ખુની નથી તો મોન્ટી અને રીતુને કિલનચીટ આપવી શક્ય નહોતી.......પરંતુ આખરે તે બંને છે ક્યાં......?

“ મને ખબર હતી કે તમે મારી વાત માનશો નહી. એટલેજ હું હોસ્પીટલમાંથી ભાગ્યો છું......”વીજય બોલ્યો.

“ મતલબ......!!!!”

“ મતલબ એ જ કે તમે લોકો રઘુ કબાડી અને માધોસીંહને ખુની માનતા નથી...તો પાછળ બચ્યો હું...એટલે સ્વાભાવીક છે કે તમે મને જ આ કેસમાં ફીટ કરી દ્યો. અને એક વખત પોલીસ લોકઅપમાં પહોંચ્યા પછી તમે લોકો મારી કોઇ દલીલ સ્વીકારો નહી.....આખરે તમારે કોઇકને તો બલીનો બકરો બનાવવો પડેને.....એ બકરો હું ન બની જાઉ એટલે મારી બેગુનાહી સાબીત કરવાં માટે મારે હોસ્પિટલમાંથી નીકળવુ પડયુ.....”

“ એક મીનીટ.....એક મીનીટ......તને કોણે કહ્યુ કે અમે રઘુ અને માધોસીંહને ખુની માનતા નથી.....?” ગેહલોતે હેરાનીથી પુછયુ. તેની સામે ખુરશી ઉપર બેઠેલો એક હેન્ડસમ છોકરો અત્યારે તેને આશ્વર્યના ઝટકા ઉપર ઝટકા આપી રહયો હતો. મનોમન તેણે વીજયના નેટવર્કને દાદ આપી.

“ સર.... તમારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં અમારી પણ થોડી ઓળખાણ છે. બસ, એ ઓળખાણનો થોડો લાભ ઉઠાવ્યો.”

“ ઓહ.....”

“ જી.......”

“ ઓ.કે.....ઠીક છે. ચાલ તારી વાત બે-ઘડી માટે હું સ્વીકારી લઉ કે રીતુએ ખુન કર્યા હશે.....તો હવે તે રાત્રે શું બન્યુ હતુ એ પણ તું મને જણાવી દે જેથી મારા મનમાં ઉઠતા વીચારો અને સવાલોનું સમાધાન મળે......” ગેહલોત બોલ્યો.

“ અમે રાત્રીના પાછલા પહોરમાં સુંદરવન હવેલીએ પહોંચ્યા હતા. એ સમયે મોન્ટીનો ફોન લાગતો નહોતો. અમે ઘણી ટ્રાય કરી પરંતુ દર વખતે મોન્ટીનો ફોન “ સ્વીચ ઓફ” જ બતાવતો હતો. અમને એમ કે તે મજાક કરી રહયો છે એટલે અમે બધાએ પણ એ વાતને એટલી સીરીયસલી લીધી નહોતી. અમારી પાસે મોન્ટીએ એસ.એમ.એસ. દ્વારા મોકલેલુ સુંદરવન હવેલીનું સરનામું હતુ જ એટલે અમે સીધા જ ત્યાં પહોંચ્યા....અમે ત્યાં પહોંચીને તપાસ કરી તો અમારા ઉતારા માટે કોઇ જ વ્યવસ્થા કરવામાં આવી નહોતી. આખરે અમે સુંદરવન હવેલીના પહેલા માળે એક મોટા હોલ જેવા રૂમમાં રોકાવાનું નક્કી કર્યુ અને ત્યાં અમારો સામાન ગોઠવ્યો. મોન્ટીને આવતીકાલે સવારે જોઇ લેશું એવુ મન બનાવીને થાક્યા-પાક્યા અમે આરામ કરવાનું વીચારતા જ હતા કે અચાનક રીતુ ક્યાંકથી બે બોટલ ઉઠાવી લાવી. એ દારૂની બોટલો હતી. તેણે એ કમરાની વચ્ચે પડેલી ટીપોઇ ઉપર બોટલો મુકી. “ હેય ગાઇઝ.......જુઓ મને આ શું મળ્યુ.....?” તે બોલી હતી. સુરતથી છેક આબુ સુધીના પ્રવાસમાં તદ્દન ખામોશ અને મુડલેસ રહેલી રીતુને અચાનક ખુશ થતા જોઇને અમે બધા ઝુમી ઉઠયા હતા. દારૂના બહાને પણ જો રીતુનો મુડ સુધરતો હોય તો એ સ્વીકારવા અમે તૈયાર હતા. દારૂની બોટલો ઉપરાંત ગ્લાસ પણ કયાંકથી તે શોધી લાવી હતી. આમતો અમારા ગ્રુપમાં મોટેભાગે કોઇ દારૂ પીતુ નથી. ઓકેશનલી કયારેક પીતાં હોઇએ એ બાબત અલગ હતી પરંતુ એ રાત્રે અમે દારૂની મહેફીલ જમાવી હતી. લોંગ ડ્રાઇવીંગ અને મોન્ટીના બેહુદા મજાકથી કંટાળેલા તમામ મિત્રોએ ચીક્કાર દારૂ ઠપકાર્યો હતો. લગભગ કલાક સુધી અમે પાર્ટી કરી હતી. ધીરે-ધીરે બધાને નશો ચડતો જતો હતો......મને પણ નશો ચડયો હતો. મારા દિમાગ ઉપર નશો છવાતો જતો હતો. એ નશો કંઇક વિચિત્ર પ્રકારનો હતો. કદાચ દારૂ ખરાબ હતો અથવા તો તેમાં કંઇક ભેળવેલું હતું. એ સમયે તો મને આ વાત સમજાણી નહોતી પરંતુ જ્યારે પોલીસ લોકઅપમાંથી મને હોસ્પિટલમાં દાખલ કરાયો એ સમયે હોસ્પિટલના બીછાને સૂતાં-સૂતાં મેં ઘણુ વિચાર્યુ હતુ. ત્યારે મને સમજ પડી હતી કે એ દારૂમાં જરૂર કંઇક અલગ હતુ......મારા હાથ-પગ દારૂ પીવાથી શીથીલ પડી ગયા હતા. ચાહવા છતાં હું ઉભો થઇ શકતો નહોતો. મારી આંખો ખુલ્લી હતી પરંતુ એક ધુંધળાશ આંખોમાં છવાઇ હતી.....એ આછી ધુંધળાશભરી દ્રષ્ટીએ રીતુને મેં કોઇકની સાથે વાતો કરતા જોઇ હતી. પહેલા તો મને એમ જ લાગ્યુ કે તે નયન સાથે ઉભી છે પરંતુ એ વ્યક્તિની કદ-કાઠી નયન કરતા ઘણી ઉંચી હતી.....આ બધુ મને પછી સમજાયુ હતુ. ત્યારે તો હું સંપુર્ણપણે તંદ્રામાં વીહરતો હતો..... બસ, ત્યારબાદ શું થયુ એની મને ખબર નથી. જાણે કોઇ ઉંડી ખાઇમાં મને ધકેલી દેવામાં આવ્યો હોય એવો અંધકાર મારા મન ઉપર છવાઇ ગયો હતો. મને કેવી રીતે પોલીસ લોકઅપમાં લાવવામાં આવ્યો અને લોકઅપમાં તમે મારી સાથે શું-શું કર્યુ એ પણ યાદ નથી. હોસ્પિટલમાં આવ્યા બાદ મને થોડુક ભાન આવ્યુ એમ કહુ તો ખોટુ નહી હોય.....” એકધારુ બોલતા વીજયે આખરે તેની વાત ખતમ કરી.

“ હંમમ્......તો તારુ એવુ માનવું છે કે રીતુ જેની સાથે તે દિવસે વાત કરી રહી હતી તેણે રીતુ સાથે મળીને આ ખુન કર્યા હશે......?” ગેહલોતે સમગ્ર હકીકત સાંભળ્યા બાદ પુછયુ.

“ જી....પહેલેથી જો હું યાદ કરુ તો આ જ શક્યતા મને જણાય છે. કદાચ રીતુ આમા શામેલ ન પણ હોય. પરંતુ એક વાત નિર્વિવાદીત છે કે હવે જો આ કેસમાં આગળ વધવુ હોયતો રીતુને શોધવી જરૂરી છે. અને મોન્ટીને પણ.....એટલે જ મારૂ હોસ્પિટલમાંથી બહાર નીકળવુ જરૂરી હતુ.” વીજયે કહયુ.

વીજયની કથની અને તેની આંખોમાં રમતા ભાવ તેના બયાનની સચ્ચાઇ સાબીત કરતા હતા. ગેહલોતને તેની ઉપર વિશ્વાસ કરવાનુ મન થયુ. સતત તાકી રાખેલી ગન તેણે હટાવી અને હાથ પલંગની ઈંસ ઉપર મુકયો.

“ હું તારી કથની ઉપર સંપુર્ણ ભરોસો તો નથી મુકી શકતો પરંતુ મને પણ ઘણા સમયથી એવુ લાગી રહયુ હતુ કે આ કેસ મારી ધારણા કરતા ઘણો ગહેરો છે.....એટલે એક જોખમ ઉઠાવીને તારી વાત ઉપર હું વીચાર કરી શકુ....!.”

“ થેંક્યુ ગેહલોત સાહેબ.....” વીજયને થોડી ધરપત થઇ.

“ જો તારી વાતમાં સહેજ પણ સચ્ચાઇ હશે તો આપણે બંને ભેગા મળીને કેસના મુળ સુધી પહોંચીશુ. પરંતુ જો મને એવુ લાગ્યુ કે તું મને ઉંઠા ભણાવી રહયો છે તો પછી તારી ખેર નહી રહે......”

“ મેં જે કહયુ તેમાં સહેજ પણ ફેર પડે તો તમારી બંદુક અને મારી છાતી ગેહલોત સર.....” ટટ્ટાર થતા વીજય બોલ્યો.

“ ઓ.કે. .... તો હવે મારા થોડાક સવાલોના જવાબ આપ.....” ગેહલોત બોલ્યો અને પલંગ ઉપર વ્યવસ્થિત બેઠો.

“ પુછો......”

“ તું હોસ્પિટલમાંથી ભાગ્યો કેવી રીતે......? મેં ત્યાં એક કોન્સ્ટેબલ બેસાડયો હતો છતાં તું સાવ આસાનીથી બહાર નીકળી શકયો તેની તાજ્જુબી થાય છે મને.....” ગેહલોતે પુછયુ. આ પ્રશ્ન તેને સવારનો પરેશાન કરી રહયો હતો. વીજયને ચોક્કસ કોઇકે મદદ કરી હોવી જોઇએ એવુ તેનું માનવુ હતુ.

ગેહલોતનો પ્રશ્ન સાંભળીને વીજય સતર્ક થયો. તેના પપ્પાનું નામ આમાં સંડોવાય એવુ કોઇ કાળે તે કરે નહી.

“ બહુ આસાન હતુ ગેહલોત સર.....તમારો એ કોન્સ્ટેબલ થોડોક આઘો-પાછો થાય તેની રાહ જોઇને જ હું બેઠો હતો. મને ખબર હતી કે કયારેક તો એ સમય આવશે જ. જેવો તે હોસ્પિટલની લોબીમાંથી હટયો કે તરત હું ઉભો થયો અને દરવાજે આવ્યો. ત્યારે એ કમરામાં બીજુ કોઇ નહોતું. સહેજ દરવાજો ખોલીને મેં બહાર ઝાંકયુ તો મને તે કોન્સ્ટેબલ લોબીના સામે છેડે આવેલા ટોઇલેટ તરફ જતો દેખાયો. મારા માટે એ ગોલ્ડન ચાંન્સ હતો અને એ ચાંન્સ મેં ઉઠાવ્યો અને ત્યાંથી ભાગી નીકળ્યો....” વીજય બોલ્યો.

“ બરખુરદાર..... મેં તને હમણા જ કહયુ કે જુઠ હું સહેજ પણ બર્દાશ્ત નહી કરુ.”

“ પણ આ સત્ય છે ગેહલોત સાહેબ....”

“ અચ્છા..... તો પછી તારી પાસે ગાડી, આ કપડા અને તારુ અગાઉથી બુકીંગ આ ધર્મશાળામાં કોણે કરાવ્યુ.......?” ગેહલોતે પુછયુ. ગેહલોતની વાત સાંભળી વીજય સહમી ગયો. તેને સમજાઇ ગયુ કે ગેહલોત તેનું હોમવર્ક સારી રીતે કરીને આવ્યો છે. તેમ છતાં તે પોતાના પપ્પાને આમાંથી બાકાત રાખવા માંગતો હતો.

“ તમારી વાત સાચી છે પરંતુ એ બધુ તો હોસ્પિટલમાંથી બહાર નીકળ્યા બાદ મેં મેળવ્યુ હતું......”

“ અચ્છા......!!!!”ગેહલોતના શબ્દોમાં ભારોભાર વ્યંગ છુપાયેલો હતો. “ ચાલ જવા દે એ વાત.....એ બહુ મહત્વનું નથી કે તને હોસ્પિટલમાં કોણે મદદ કરી હતી. મહત્વનું તો એ છે કે હવે તું શું કરવા માંગે છે......? કે કરવા માંગતો હતો.....? તારો કંઇક પ્લાન તો હશે જ ને....? એ જણાવ........”

“ સર....ગેહલોત સાહેબ..... સાચુ કહુ તો મને ખુદને ખ્યાલ નથી કે મારે શું કરવુ જોઇએ.....? મારે તો ફક્ત મારા જીગર-જાન મિત્રોના મોત પાછળ કોનો હાથ છે એ ખોળવુ છે. આટલી બધી નફરતનું કારણ શોધવુ છે. અમે એવું તો શું કૃત્ય કર્યુ હશે કે જેની સજા રૂપે આટલુ ભયાનક મોત શીવાની, તૃષા, પ્રીયા અને નયનને મળ્યુ.....” વીજયની કાયા આટલું બોલતા ધ્રુજી ઉઠી. “ રીતુને હું ચાહવા લાગ્યો હતો. મને વિશ્વાસ છે કે તે આવુ અધમ કૃત્ય આચરે નહી.... પણ તો પછી તે દિવસે રાત્રે એ કોની સાથે વાતો કરી હતી......? કોણ હતી એ વ્યક્તિ.....? મારે એ વ્યકતિને શોધી આ કહાનીને તેના અંજામ સુધી પહોંચાડવી છે. હું શું કરીશ અને કેવી રીતે કરીશ એ હજુ વીચારવાનું બાકી છે પરંતુ એટલુ ચોક્કસ રીતે કહી શકુ કે મારા મિત્રોના હત્યારાઓને હું પાતાળમાંથી પણ શોધી લાવીશ અને તેમને મારા હાથે સજા આપીશ......” વીજય આવેશમાં આવી બોલી ઉઠયો.

ગેહલોત વીજયના શરીરમાં છવાયેલી ગરમી મહેસૂસ કરી શકતો હતો. વીજયના ચહેરા ઉપર લોહી ધસી આવ્યુ હતુ અને તેનું શરીર આવેગમાં આવી ધ્રુજી રહયુ હતુ..... ગેહલોત પલંગની ઇંસ ઉપરથી ઉભો થયો. તેણે પોતાની ગન પેન્ટની પાછળ ખોસી અને વીજય તરફ આગળ વધ્યો...

( ક્રમશઃ)

પ્રવીણ પીઠડીયા

વોટ્સએપઃ- ૯૦૯૯૨૭૮૨૭૮

ફેસબુકઃ- Praveen Pithadiya