ટચુકડી વાર્તાઓ Kevin Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ટચુકડી વાર્તાઓ

ટચુકડી વાર્તાઓ :

1.સ્વેટર

સવારની કડકડતી ઠંડી..રોડ પરથી પસાર થતા વાહનો.....અને એમની હેડ લાઈટમાંથી નીકળતા પ્રકાશના શેરડા..

સુરજ અંધારા પાછળ સંતાયેલો હતો.સામેથી શાળાએ જતા વિદ્યાર્થીઓનું એક ટોળું પસાર થયું.પાછળ એક દૂધવાળો સાયકલ લઈને આવતો હતો.ચાર રસ્તા પર એક રીક્ષા સામેની બાજુ એ થી યુ ટર્ન લઈને આવીને ઉભી રહી.એક છોકરો રીક્ષામાંથી ઉતર્યો અને પોતે પહેરેલું શરીરના માપથી ઘણું મોટું એવું સ્વેટર કાઢીને એના પપ્પા,એ રીક્ષાચાલકને આપી દીધું અને સ્કુલના દરવાજા તરફ દોડ્યો અને રીક્ષા ચાલકે એ સ્વેટર પહેર્યું અને રીક્ષા હંકારી મૂકી.

2.ભગવાનનો જવાબ

આજે લગ્ન થઇ ગયા.એના લગ્ન જેની સાથે પરીક્ષિતે લગ્ન કરવાના હતા.એ જ પરીક્ષિત જે ભગવાનમાં ખુબ માનતો.કદાચ એની પ્રેમિકાને ચાહતો એટલું જ ભગવાનને પણ ચાહતો....જીવનથી કંટાળતો ત્યારે ઘરની પાસેના કૃષ્ણ મંદિરમાં જઈ બેસતો અને જાણે વાતો સન્મુખ થઈને વાતો કરતો ભગવાન સાથે..

આજે એ પાછો મંદિર એ આવ્યો હતો..આજે ઝઘડવા આવ્યો હતો ભગવાન સાથે ..સવાલોના જવાબ લેવા....હાથ જોડીને એ મૂર્તિ સામે ઉભો રહ્યો.લાલ આંખો..ચોળાયેલી આંખો...વિખરાયેલા વાળ સાથે...

ગુસ્સા સાથે એને કૃષ્ણમૂર્તિ ને પૂછ્યું....."કેમ આવું....?..પ્રેમ કરવાવાળાનું તો તારે મિલન કરાવાનું હોય એના બદલે તો કેટલાય મારા જેવા હશે જેમનો પ્રેમ જુવાન થાય એની પેલા જ મરી જાય છે."

અને વળતા જવાબમાં કદાચ કૃષ્ણ આવું બોલ્યા કે "આ સવાલનો જવાબ તો હું પણ શોધું છું,,જીવતે જીવ મને પણ રાધા ન મળી.....અમેય મૂર્તિ બન્યા પછી જ એકબીજાનો સાથ મળ્યો..."

૩.ભૂખ

સ્કુલરીક્ષામાંથી ઉતારીને વલય સીધો જ પોતાના ઘર તરફ દોડતો ગયો.સામે દરવાજા પર મમ્મી ઉભા હતા.વલય સીધો જ એના મમ્મીને જઈને વળગી પડ્યો અને એના મમ્મીએ એને બચ્ચીઓથી નવડાવી દીધો.સીધા જ એને દીવાનખંડમાં લઇ ગયા.સોફા પર બેસાડીને એના બુટ-મોજા ઉતાર્યા.અને રસોડામાંથી થાળી ભરીને જમવાનું લઇ આવ્યા..હેતથી કોળિયા ભરી ભરીને એને જમાડ્યો..અને જમીને વલય સીધો શેરી તરફ ભાગ્યો....પોતાના મિત્રો સાથે રમવા માટે...એકાદ કલાક પછી વળી પાછા એના મમ્મી દરવાજા પાસે આવીને ઉભા રહ્યા...એક નાની પ્લેટમાં નાસ્તો લઈને વલયને સાદ પડ્યો....

"મમ્મી....મને ભૂખ નથી...હજુ હમણાં તો હું જમ્યો.." વલયે બૂમ મારીને કહ્યું....

એના મમ્મીએ બહુ આજીજી કરી એટલે કંટાળીને એ આવ્યો.બહાર ઓટલા પર જ એ બેસી ગયો અને એના મમ્મી પરાણે એને વાતોમાં ભોળવીને ખવડાવતા રહ્યા....

શેરીના ખૂણે બેઠેલું એક બાળક આ જોઈ રહ્યું....... એના વાળ વિખરાયેલા હતા,જાણે જન્મ પછી કોઈ દિવસ ધોયા જ ના હોય... અને ફાટેલા કપડામાં બેઠેલા એ બાળકનું પેટ ભૂખથી ટળવળતું હતું...

૪.ભાગ્ય

બહુ મુશ્કેલીથી આજ બે પેસેન્જર મળ્યા હતા.એ વિચારતો હતો કે હજુ બે પેસેન્જર મળે એટલે તરત જ રીક્ષા ઉપાડું.બસ સ્ટેન્ડ પર ભીડ વધતી ગઈ.પણ કોઈ રીક્ષામાં બેસવા તૈયાર નહોતું.હાથમાં રીક્ષાની ચાવી ફેરવતો ફેરવતો એ બે વાર ચક્કર મારી આવ્યો પણ કોઈ પેસેન્જર મળ્યો નહિ.રીક્ષામાં બેઠેલા બે પેસેન્જર પણ હવે તો કકળાટ કરવા માંડ્યા.રીક્ષાવાળો આજીજી કરતો રહ્યો કે બીજા બે હજુ મળી જાય એટલે તરત રીક્ષા ઉપાડું.

એ ઉતરીને સહેજ આગળ ગયો.પાછળથી સીટી બસ આવી અને બસ સ્ટેન્ડ પર ઉભી રહી.શાંત સરોવરમાં જેમ કાંકરો ફેંકો અને પાણીમાં જેમ વમળો રચાય એવી રીતે બસ સ્ટેન્ડની ભીડમાં ચહેલ પહેલ વધી.સૌ કોઈ બસમાં ઝડપભેર ચડવા લાગ્યા.રીક્ષાવાળાએ રોષપૂર્વક બસ તરફ જોયું.એની રીક્ષામાં બેઠેલા પેલા બે પેસેન્જર પણ ઝડપથી દોડીને બસમાં ચડી ગયા અને ધુમાડાના ગોટા છોડતી ઉપડી...બસની પાછળ એક સુવિચાર લખેલો હતો."માણસના નસીબમાં જે હોય એ કોઈ છીનવી શકતું નથી અને જે ન હોય એ કોઈ આપી પણ નથી શકતું..."

રીક્ષાવાળો એ સુવિચાર વાંચીને ત્યાં જ ઘડીક ઉભો રહ્યો ...અને એણે વળી પાછી પેસેન્જર શોધવાની મથામણ ચાલુ કરી.

5. બારીમાં કેદ થયેલું આકાશ

શરાબ અને સિગારેટની વાસથી વાતાવરણ બોઝિલ બનેલું હતું.નીચેની શેરીમાંથી રેડિયોનો અવાજ આવતો હતો.વાહનોના એન્જીનની ઘરઘરાટી અને હોર્નનો અવાજ છેક બીજા મળે આવેલા કમરામાં ઘુસી આવતો હતો.મીનાનો રૂમ હજુ બંધ હતો.બીજા રૂમના દરવાજો ખુલી ચુક્યા હતા.બહાર મુખ્ય ખંડમાં આવેલા ટી.વી.માંથી જુના ફિલ્મી ગીતો સંભળાય રહ્યા હતા.

મીના આંખો ચોળતી પથારીમાંથી બેથી થઈને એ પલંગ પર જ પલાઠી લગાવીને બેઠી.એની છાતી બ્લાઉસમાં સમાતી ન હતી. બ્લાઉસનું ઉપરનું ખૂલેલું બટન મીનાએ બંધ કર્યું અને ચણિયો ઠીક કર્યો.નીચે જમીન પર પથરાયેલી સાડી ઉપાડી અને રૂમની બારી ખોલીને પાછી પલંગ પર આવીને બેસી ગઈ.રસ્તા પર ચાલતા કોઈ ઝઘડામાં બોલાતી અભદ્ર ગાળોનો અવાજ છેક મીનાના કમરા સુધી આવતો હતો.મીના બારી સામે તાકીને કશુક સ્તબ્ધ બનીને જોઈ રહી હતી.

મીનાના રૂમનું બારણું ખોલીને એક પ્રોઢ વયની સ્ત્રી રૂમમાં પ્રવેશી.

"બહાર ક્યાં દેખ રહી હો...?""

મીનાએ તે સ્ત્રી તરફ નજર કરી અને કહ્યું."કુછ નહિ બસ એ આકાશ કો દેખ રહી હું જો કેદ હે ઇસ ખીડકીમે.લોગ કહેતે હે બહોત બડા હે પર મુજે તો એ ખિડકી જીતના હી લગતા હે."

અને મીનાએ ટેબલ પર પડેલી સિગારેટ હાથમાં લીધી અને બે હોઠ વચ્ચે દબાવી.

6. ૫૦૦ ગ્રામ ભજીયા

આજના દિવસમાં કોઈ કામ મળ્યું ન હત.ઝુપડીમાં ચૂલો સળગાવા માટે લાકડા હતા પણ રાંધીને જમી શકાય આવું કશું જ ન હતું.ખાટલામાં બેઠેલો કિશોર ઉભો થઈને ઝુંપડીની બહાર નીકળી ગયો.મુખ્ય રસ્તા પર આવીને એ ચાલવા લાગ્યો,કોઈ દિશા નક્કી કાર્ય વગર જ...રસ્તામાં આગળ જતા એક ટ્રક ઉભેલી જોઈ.બિસ્કીટ બનાવતા કારખાનાની બહાર ઉભેલી એ ટ્રક જોઇને કિશોર ત્યાં જ ઉભો રહી ગયો.બિસ્કીટ બનાવવા માટેનો કાચો માલ એમાં ભરેલો હતો.ટ્રક પાસે ઉભેલો એક માણસ વારંવાર કોઈકને ફોન લગાડી રહ્યો હતો પણ હજુ સુધી કોઈ મજુર મળ્યા ન હતા.ટ્રક પાસે ઉભેલો એ માણસ ઘણો ચિંતામાં હતો.કિશોર એની પાસે જઈને ઉભો રહ્યો.

"સાહેબ,મારે કામ જોઈએ છે.તમે કહેતા હો તો હુ આ સામાન ટ્રકમાથી ઉતારી આપુ.?"કિશોરે પરિસ્થીતીનો અંદાજ લગાવતા કહ્યુ.

પેલા માણસે કિશોરની સામે જોયુ અને કહ્યું."આટલો બધો સામાન તમે ઍકલા ઉપાડી શકશો?"

"ઍ ચિંતા તમે મારી ઉપર છોડી દો શેઠ"

"સારૂ તો લાગી જા કામે..."શેઠે કહ્યુ."અને મજૂરી કેટલી લઈશ??"

"તમે કેટલી આપી શકશો?"કિશોરે વળતો જવાબ આપ્યો.

"૧૫૦ રૂપિયા આપીશ..."

"મને મંજૂર છે..."

કિશોર ત્વરાથી ટ્રકમા ચડી ગયો અને ઍક પછી ઍક ઍમ સામાન ઉતારવા લાગ્યો. શરીરના સ્નાયુઓ તણાતા ગયા અને શરીર પણ જેટલો પણ પરસેવો હતો ઍ શરીરની બહાર નિકાળતો રહ્યો.

કામને અંતે શેઠે ૧૫૦ રૂપિયા કિશોરના હાથમા મુક્યા અને ખભે રાખેલા લાલ કપડા વડે ચહેરા પરનો પરસેવો લુછીને પાછો ઍ જ રસ્તે ચાલતો થયો.રસ્તામા આવતી ભજિયાની દુકાનેથી ૫૦૦ ગ્રામ ભજીયા લઈને ઍ પોતની ઝુપડીએ પહોચ્યો.

ભજિયાનુ પડીકુ ખોલ્યુ ત્યા તો આખી ઝુપડી ભજીયાની સુવાસથી ભરાઈ ગઈ. કિશોર ,એની પત્ની અને એના બાળકો સૌ કોઈ જાણે સામે છપ્પન ભોગ મૂકી દીધા હોય એ રીતે ભાજીયાને જોવા લાગ્યા. અને જોતજોતામાં તો ૫૦૦ ગ્રામ ભજીયા ક્યારે પુરા થઇ ગયા એ ખબર જ ન પડી.