Anjam Chapter 15 Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Anjam Chapter 15

અંજામ—૧૫

( વીતી ગયેલી વાર્તાઃ- ઇન્સ.ગેહલોત માધો ને સાઇડટ્રેક કરીને રઘુની પુછપરછ કર્યે રાખે છે પરંતુ રઘુ કોઇપણ પ્રકારનો સહકાર આપતો નથી. તે એક જ રટણ કરે છે કે પહેલા તેના વકીલને બોલાવામાં આવે પછી બીજી વાત....આ તરફ વીજય તેનાં પપ્પા ચીતરંજન ભાઇને હોસ્પિટલમાંથી તેને બહાર કાઢવાનું કહે છે અને તેમા તેઓ સંમત થાય છે......હવે આગળ વાંચો...)

ઇન્સ.વિક્રમ ગેહલોતના હુકમથી માધોસીહને અલગ કોટડીમાં શીફ્ટ કરવામાં આવ્યો. આ ચિત્રમા ગેહલોતે હજુસુધી માધોને જાણી જોઇને બાકાત રાખ્યો હતો. પહેલા તેણે રઘુ પાસેથી જાણવાની કોશીશ કરી હતી કે આખરે તેઓએ ખુન ક્યાં કારણોસર કર્યા...? રઘુ તેના હીટલીસ્ટમાં હતો પરંતુ તે આ બાબતે સાવ ના-મુકર ગયો હતો અને તે એક જ રટણ રટ્યે રાખતો હતો કે સૌથી પહેલા તેના તેના વકીલને બોલાવામાં આવે....ગેહલોતે રઘુને માધોની હાજરીમાં પીટયો પણ હતો. આવુ તેણે જો કે જાણી જોઇને કર્યુ હતું. તે ઇચ્છતો હતો કે માધો રઘુની હાલત જોઇને ડરી જાય અને સામેથી બોલવા રાજી થાય....કારણકે રઘુ જેવા રીઢા ગુનેગાર પાસેથી કબુલાત કરાવવા નવ-નેજા પાણી ઉતરવાના છે એની તેને ખાતરી હતી એટલે તેણે આ દાવ અજમાવ્યો હતો.....ઓલમોસ્ટ એમાં તે સફળ પણ થયો હતો. માધોસીહ બોલવા રાજી થયો અને તેને અલગ લોક-અપમાં ખસેડવામાં આવ્યો.

ગેહલોતે ફરી એક સીગરેટ કાઢીને સળગાવી....આ તેની ત્રીજી સીગરેટ હતી. પછી એક કોસ્ન્ટેબલને ચા માટે દોડાવ્યો. આમતો તે હવે થાક્યો હતો. છેલ્લા બે દિવસમાં શારીરીક કરતા માનસીક કસરત વધુ થઇ હતી. ઉપરથી રઘુ સાથે જે ઝપાઝપી થઇ તેમાં તે બહુ ખરાબ રીતે ઘવાયો હતો. પગમાં વાગેલા ઘાવના કારણે તેને વારંવાર કળતર ભરાઇ આવતુ હતુ અને શરીરમાં તાવ આવવો શરુ થયો હતો. ડો.શેઠે પાટા-પીંડી વ્યવસ્થિત કરી આપી હતી તેમ છતા તેની પગની પીંડીના સ્નાયુઓ રઘુની ચાકુના વારથી બુરી રીતે કપાયા હતા એટલે તેમાં સખત લવકારા થયે રાખતા હતા....એ દુખાવો અને આ અજીબ કેસનુ ભારણ તેના જેવા ખંતીલા અને બાહોશ અફસરને પણ થકવી નાંખવા પુરતુ હતુ.

તે લોક-અપમાંથી નીકળી પોતાની ખુરશી પર ગોઠવાયો. ચા લેવા ગયેલા કોન્સ્ટેબલની પાછળ ચા વાળો ચોકીના પગથીયા ચડીને અંદર દાખલ થયો. તેણે ગેહલોત સાહેબના ટેબલ ઉપર ચાનો કપ ભરીને મુકયો. ગેહલોતે ઝડપથી સીગરેટ ફુંકી ને ચા નો કપ મોઢે માંડયો.....આ રઘુ કેમ કંઇ બોલતો નથી...? તેના જહેનમાં સવાલ ઉઠયો. રઘુના ગોડાઉનમાંથી મોટી માત્રામાં ગાંજો અને બીજી નશીલી ચીજો બરામદ થઇ હતી એટલે ઓલરેડી તેના પર કેસ તો બનવાનો જ હતો....અને આ વાત તે પણ સારી રીતે જાણતો હશે છતા સુંદરવન હવેલીમાં થયેલા ખૂનોમાં તેનો હાથ હોવાનો સાફ ઇન્કાર તે કરી રહ્યો છે. કેમ...? નશીલા દ્રવ્યોના કેસમાં તેને અને માધોને બહુ લાંબી સજા થવાની હતી અને ખૂન કેસમાં ફાંસી...શું આ કારણે તે કબુલ નથી કરતો....? ના....એમ તો ન હોય. તો શું છે જે રઘુ છુપાવી રહ્યો છે....? જો કે હજુ તેની પાસે માધોસીહ હતો. અને તેની કબુલાતથી આ કેસ આઇના ની જેમ સાફ થઇ જવાનો હતો....ચા ખતમ કરી તેણે ગ્લાસ ટેબલ પર મુકયો અને ટેબલ ઉપર પડેલુ સીગરેટનુ બોક્સ ઉઠાવી ફરી એક સીગરેટ સળગાવી. એક ઊંડો કશ ખેંચ્યો અને ધુમાડો હવામાં ફેંક્યો.....તેણે આંખો બંધ કરી, માથુ ખુરસી પર ઢાળી સીગરેટ પીતા-પીતા જ તેણે પોતાના વિચારોને થોડો આરામ આપ્યો. અને બસ.....એ સ્થિતિમાં થોડીવારમાં જ તેને ઉંઘ આવી ગઇ. જાણે વર્ષોથી સખત મહેનત કરતો આવ્યો હોય અને થાકીને ચૂર-ચૂર થઇને પોઢી ગયો હોય એમ તે નિંદરની આગોશમાં સમાઇ ગયો. હાથમાં પકડેલી સીગરેટ છટકીને નીચે ફર્શ ઉપર પડી. તે ગહેરી નીંદમાં સરી પડયો. કોન્સ્ટેબલ ભવાની પુરોહીત ત્યાંજ ઉભો હતો. તેણે તેના સાહેબને બેઠા-બેઠા જ ઉંઘી જતા જોયા એટલે તેને પણ થોડી રાહત અનુભવી. તે જાણતો હતો કે પાછલા દિવસોમાં કેટલી દોડ-ધામ મચી હતી....એકલા સાહેબ જ નહી પરંતુ આ નખીલેક થાણામાં નીમાયેલા તમામ માણસો સુંદરવન હવેલીમાં કાંડ સર્જાયો ત્યારથી સતત ખડેપગે રહયા હતા. તમામ વ્યક્તિઓ આ કેસ સોલ્વ કરવા ભારે જહેમત ઉઠાવી રહ્યા હતા. છેલ્લા બે દિવસથી કોઇ પોતાના ઘરે પણ ગયુ નહોતુ. અરે.....ઘરે જવાની વાત તો ઠીક, નહાવા, ધોવા અને જમવા સુદ્ધાની કોઇએ પરવાહ કરી નહોતી અને સતત કેસ પાછળજ લાગેલા રહયા હતા. થાક તો બધાને લાગ્યો હતો પરંતુ આટલી બધી મહેનત બાદ હવે કોઇ સહેજપણ ઢીલ વર્તવા માંગતુ નહોતુ.

***********************************

ચીતરંજન ભાઇ વીજયનાં કમરામાંથી બહાર આવ્યા. તેમના ચીત્તમાં વીજયની વાત સાંભળીને ખળભળાટ વ્યાપ્યો હતો. તેમણે વીજયને વચન તો આપ્યુ હતુ કે તેઓ તેને અહીથી છટકવામાં મદદ કરશે પરંતુ એ એટલુ આસાન નહોતુ. સૌથી મોટી મુંઝવણ તો તેમને એ થતી હતી કે વીજયને અહીથી તેઓ ભગાડી તો દે પરંતુ ત્યારબાદ જો કોઇ ઉંચ-નીચ થઇ તો તેનો લોકોને શું જવાબ આપવો...? અને એવુ થવાના અણસાર તેમને અત્યારથી થવા લાગ્યા હતા... વીજયે પણ ક્યાં સ્પષ્ટપણે તે શું કરવા માંગે છે એની ચર્ચા તેમની સાથે કરી હતી... ભારે ગડમથલ અનુભવતા તેઓ ત્યાં કમરાની બારસાખે જ ઉભા રહી વીચારમગ્ન બન્યા હતા...

*****************************************

“ ઓહ માય ગોડ મોન્ટી... જો કોઇ આવતુ લાગે છે. તને અવાજ સંભળાય છે...?” સફાળા બેઠા થતા રીતુ બોલી ઉઠી. તેના કાને ક્યાંક દુરથી આવતો કોઇકના પગ નીચે કચડાતા સુકા પાંદડાઓ અને ડાળખાઓનો અવાજ અફળાયો હતો. એ અવાજ સાંભળીને તે સહસા ચોંકીને બેઠી થઇ ગઇ હતી અને તેણે મોન્ટીને ઢંઢોળ્યો હતો.

મોન્ટી ભુખ અને તરસથી બેહાલ થઇ એક ખુણામાં ટુંટીયુ વાળીને લગભગ બેહોશીની હાલતમાં ઉંઘી ગયો હતો. તેણે અહીથી બહાર નીકળવાની આશા છોડી દીધી હતી કારણ કે છેલ્લા બે-ત્રણ દિવસમાં અહી કોઇ જ આવ્યુ નહોતુ. અહી આવવાની વાત તો દુર રહી... ક્યાંય કોઇપણ પ્રકારની નાની અમથી હલ-ચલ પણ થઇ નહોતી. તેઓને જાણે કોઇ એકાંત ટાપુ ઉપર એકલા મરવા માટે છોડી દેવાયા હોય એમ આ ભંડાકીયામાં બંધ કરીને ભુલી જવામાં આવ્યા હતા. કોણ કરતુ હતુ આ બધુ...? આ પ્રશ્ન વીશે વીચારી-વીચારીને તે થાકી ગયો હતો... આ સમગ્ર વારદાતમાં રીતુએ બહુ મહત્વપૂણૅં ભાગ ભજવ્યો હતો એ તો ખુદ રીતુએ જ તેને જણાવ્યુ હતુ તેમ છતાં રીતુની કહાનીમાંથી પણ તેને એ મુખ્ય ષડયંત્ર કર્તા વીશે કોઇ ક્લુ મળ્યો નહોતો. અને હવે તો તે મૃત્યુના દરવાજે આવીને ઉભો રહી ગયો હતો... અન્ન અને પાણી વગર હવે વધુ ટકવુ મુશ્કેલ હતુ...

“ હેં...?” મોન્ટી બોલ્યો. રીતુ તેને ઢંઢોળી રહી હતી અને કંઇક કહી રહી હતી. રીતુ જાણે કોઇ ઉંડા –અંધારીયા કુવામાંથી બોલતી હોય એવો અવાજ તેના કાને અફળાયો.

“ મોન્ટી ઉઠ... કોઇક આવતુ લાગે છે...” ફરી વખત રીતુ બોલી ઉઠી.

“ આઇ હેટ યુ રીતુ... મને હાથ ન લગાવ...” મોન્ટી જાણે તંદ્રામાં જ હોય એમ લવારીએ ચડયો. તેને હજુ પણ રીતુ શું કહેવા માંગે છે એ સમજાયુ નહોતુ. તેની હાલત ખરેખર બગડતી જતી હતી.

“ ઓ.કે. મોન્ટી... યુ હેઇટ મી...આઇ અન્ડરસ્ટેન્ડ. તારે એની જે સજા આપવી હોય એ આપજે... પણ ભગવાનને ખાતર તું અત્યારે સ્વસ્થ થા. જો... તને કોઇ અવાજ સંભળાય છે...? કોઇક આસપાસમાં છે મોન્ટી...” રીતુએ મોન્ટીને બે હાથે ઝકઝોરતાં કહયુ.

“ કોણ છે...? કોણ છે એ...?” અચાનક જાણે તેને ભાન આવ્યુ હોય એમ તે બોલી ઉઠયો અને અધુકડો બેઠો થયો. રીતુએ તેને ઉભા થવામાં મદદ કરી. લથડાતી ચાલે તે ઉભો થયો. તેની આંખો હજુ ઘેરાતી હતી.

“ તું સાંભળ...આપણી આસપાસ કોઇક છે...?” રીતુએ ફુસફુસાતા અવાજે કહયુ. મોન્ટીએ અવાજ સાંભળવા તેના કાન તંગ કર્યા... થોડી જ વારમાં એ અવાજ તેને સંભળાયો હતો. કોઇકના એકધારા ચાલવાનો અવાજ હોય એવુ લાગતુ હતુ. એ અવાજ દુરથી ધીરે-ધીરે નજીક આવતો જતો હતો... એકસાથે બે-ચાર વ્યકિતઓ ચાલતા આવતા હોય એમ ઘણા બધા સુકા પાંદડાઓ તેમના પગ નીચે કચડાતા હોય એવો અવાજ સંભળાતો હતો. અચાનક મોન્ટીના હ્રદયમાં આનંદ છવાયો.

“ હેલ્લો... કોઇ છે...? પ્લીઝ હેલ્પ મી...” તેણે જોર કરીને બુમો પાડવાનું શરૂ કર્યુ. રીતુએ પણ તેમાં સાથ પુરાવ્યો. એ અવાજ તે ઓરડાના ઉપરના ભાગેથી આવતો હતો. કદાચ ખરેખર ત્યાં કોઇક માણસો હતા. મોન્ટી અને રીતુ એકધારા બુમો પાડી રહયા હતા... અચાનક ઉપર દોડાદોડી મચી ગઇ હોય તેમ ઘણા બધા પગલાઓ એકસાથે ઉતાવળી ચાલે નજીક દોડી આવતા હોય એવા અવાજો તેમના કાને અફળાયા. તેમના જીગરમાં એક આશા બંધાઇ કે જરૂર હવે તેમને કોઇ અહીથી બહાર કાઢશે.

“ માય ગોડ મોન્ટી... તેમની સાથે કુતરો પણ છે...” રીતુ બોલી ઉઠી. નજીક આવતા પગલાની સાથે-સાથે તેના કાને કોઇ કુતરાના ભસવાનો અવાજ પણ સંભળાયો હતો. મોન્ટીએ પણ એ અવાજ સાંભળ્યો હતો અને તે સ્તબ્ધ બની ગયો હતો.

“ એ પીન્શર કુતરાનો અવાજ છે... ડોબરમેન પીન્શર...” તે સ્થીર થતા બોલ્યો. તેના હ્રદયમાં એ અવાજ સાંભળીને ફફડાટ વ્યાપ્યો.

“ જરૂર એ પાલતુ કુતરો હશે...”

“ હાં તો...?” રીતુને મોન્ટીની વાત સમજાઇ નહી. તે વધુ કઇ પુછવા જતી હતી કે તેમના બરાબર માથે, કમરાની અગાસી ઉપર એ પગલાઓના અવાજ આવીને અટકયા. થોડીવારમાં કોઇ તાળુ ખુલતુ હોય એવો અવાજ સંભળાયો. પછી કોઇએ જોર કરીને કાટ ખાઇ ગયેલો લોંખડનો આગળીયો મહેનતપૂર્વક ખોલ્યો, એ સાથે જ પ્રકાશના તેજ કિરણો એ અંધારીયા ખંડમાં પ્રસાર્યા... એ જ સમયે ડોબરમેન પીન્શર કુતરો એકધારુ ભસી રહયો હતો...

****************************

લોકઅપની છત પર લટકતા સો વોલ્ટના પીળા બલ્બમાથી માંદલી રોશની પુરા કમરામાં રેળાઇ રહી હતી. હિન્દી ફિલ્મોમાં દર્શાવાતા સીન જેવુ જ એ દ્રશ્ય હતુ. ફરકમાત્ર એટલો હતો કે આ કોઇ કાલ્પનીક ફિલ્મ નહોતી... વાસ્તવીક સમયમાં ભજવાઇ રહેલી સચ્ચાઇ હતી. માધોસીંહને એ બલ્બની બરાબર નીચે એક ખુરશીમાં બેસાડવામાં આવ્યો હતો. તેની સામે ગેહલોત બીજી એક ખુરશીમાં બેઠો હતો અને તે અપલક નજરે માધોસીંહના ઘરડા ચહેરાને તાકી રહયો હતો. પુરોહીત અને અબ્દુલ માધોસીંહની આજુ-બાજુ હાથમાં ડંડા લઇને ઉભા હતા.

બપોરનો એક વાગવા આવ્યો હતો. ગેહલોત ગાઢ નીંદ્રામાંથી હજુ હમણા જ ઉઠયો હતો. તેને ખુદને આશ્ચર્ય થતુ હતુ કે આમ સાવ અચાનક તેને ઉંઘ કેવી રીતે આવી ગઇ...? તે લગભગ દોઢ કલાક એકધારુ લાકડાની ખુરશી પર ઉંઘયો હતો. એ ઉંઘથી જો કે તે અત્યારે તાજગી અનુભવી રહયો હતો. તેના શરીરના મસલ્સ રીલેક્ષ થયા હતા. જાગીને હાથ-મોં ધોઇને તે સીધો જ માધોસીંહ પાસે આવ્યો હતો...

“ માધોસીંહ... હું શું પુછીશ અને તારે શું કહેવાનું છે એ તું સારી રીતે સમજતો હોઇશ. એટલે વધુ સમય બગાડયા વગરતું બોલવા માંડ. અને હાં... મારે સત્ય જાણવુ છે. જો તે કોઇ કહાની મને સંભળાવી તો તારી ખેર નથી. માટે તું જે જાણતો હોય એ શરૂઆતથી શરૂ કર...” ગેહલોતે માધોસીંહના ચહેરામાં નજર ખુંપાવતા કહયુ. તેણે અત્યાર સુધી માધોને ઇન્ટ્રોગેશનમાંથી સાવ બાકાત રાક્યો હતો. તેનું એક કારણ એ હતુ કે જેટલુ રઘુ જાણતો હતો એટલુ જ સ્વાભાવીક છે કે માધો જાણતો જ ન હોય... અને બીજુ કારણ એ હતુ કે માધોના દેખતા તેણે રઘુની ધુલાઇ કરી હતી. આ રીતે માધો ઉપર માનસીક પ્રેશર ઉભુ કરવા માંગતો હતો અને એમાં તે સફળ પણ થયો હતો. માધોસીંહ ડરી ગયો હતો અને તે બધુ કહેવા તૈયાર થયો હતો...

“ સાહેબ... હું જેટલુ જાણુ છું એ બધી જ વાત તમને જણાવીશ પરંતુ તમારે મને એક વચન આપવુ પડશે...” માધોએ આજીજીભર્યા સ્વરે કહયુ.

“ શેનું વચન...?”

“ કે તમે મને જેલમાં નહી નાંખો...”

“ એ કામ મારુ નથી માધોસીંહ... એ અદાલત નક્કી કરશે.”

“ ઓહ...”

“ પણ મને નથી લાગતુ કે એવુ થઇ શકે. તમે લોકોએ ખુનની હોળી ખેલી છે...”

“ ના... એ ખુન મેં નથી કર્યા.”

“ એક નહી... ચાર-ચાર ખુન કર્યા છે તમે. અને તુ સારી રીતે સમજે છે કે ખુનકેસમાં ફાંસી નહી તો જનમટીપ પાક્કી જ હોય. હાં, જો તું સરકારી ગવાહ બની જા તો અદાલત તારી સજામાં રાહત આપી શકે. પરંતુ તો પણ તારે જેલમાં તો જવુ જ પડશે...”

“ પણ સાહેબ... મેં કોઇ ખુન કર્યા જ નથી. હું ફક્ત રઘુની સાથે ગાંજાની હેરા-ફેરી જ કરતો હતો...”

“ એ તો તું શરુઆતથી સચ્ચાઇ શું છે એ જણાવીશ ત્યારે મને સમજાશે ને કે તમે લોકોએ શું કારનામાં કર્યા છે....? મારે સત્ય જાણવુ છે એ સીવાય કંઇ નહી. મને સહેજપણ એવુ લાગશે કે તું મને ઉંઠા ભણાવી રહ્યો છે તો પછી હું શું કરીશ એ મને પણ ખબર નહી રહે...”

“ જી સાહેબ...”

“ તો......શરૂઆત થી શરૂ કર....”

“ સાહેબ.....આજથી બે મહીના પહેલા મારી અને રઘુની પહેલી મુલાકાત થઇ હતી. આ આબુ પર્વત એ મારુ સ્વર્ગ સમું ઘર છે. હું મારા ઘેટા-બકરા આ સ્વર્ગ સમી ઘરતીના ખોળામાં રમતા મુકતો...વર્ષોથી મારો આ નિત્યક્રમ રહયો હતો. હું મારા જાનવર ચરાવા આબુ પર્વતની લગભગ બધી પહાડીઓ ખૂંદી વળ્યો છું. મને અહીની ઇંચે-ઇંચ જગ્યાની જાણકારી છે કારણકે રોજ નવા સ્થળે હું પહોચી જતો અને ઘેટા-બકરા ચરાવતો....એવા જ એક દિવસે બપોરના સમયે સાવ અનાયાસે રઘુનો ભેટો મને થયો. રઘુ જાણી જોઇને મને મળ્યો હતો કે કોઇ મકસદથી એ હું ત્યારે નહોતો જાણતો. એ જાણ થોડા સમય પછી મને થઇ હતી. તેને એવા સ્થળોની તલાશ હતી જ્યા કોઇ આવતુ જતુ ન હોય.....ખબર નહી કેમ પણ તેને એ વાતની જાણકારી હતી કે આ બાબતમાં હું તેની મદદ કરી શકુ એમ છું. કારણકે મુળ તો મારો વ્યવસાય જુદા-જુદા સ્થળે રખડપટ્ટીનો જ હતો....” માધો અટકયો. ગેહલોત ઘ્યાનપૂર્વક તેની વાત સાંભળી રહયો હતો.

“ પછી....?” વિક્ષેપ પડતા તેણે પુછયુ.

“ તે મારી પાસે આવ્યો અને રામ-રામ કર્યા. મે પણ તેને સામા રામ-રામ કર્યા. પછી અમે વાતો ચાલુ કરી. તે દિવસે અમારા વચ્ચે ફક્ત આડી-અવળી અહીં-તહીંના વાતો થઇ...અમે સાથે બેસીને બીડીઓ પણ પીધી અને કલાકેક પછી તે ચાલ્યો ગયો. ત્યારે મને તેના મનમાં શું મનસુબા છે તેની જાણ નહોતી. મને તો એમ જ લાગ્યુ કે તે એક વટેમાર્ગુ છે અને અનાયાસે અમારો ભેટો થઇ ગયો છે.....પરંતુ સાવ એવુ નહોતુ.....”

“ તો શું હતુ....? “ ગેહલોત વચ્ચે બોલી ઉઠયો. માધો બહુ લંબાણથી ડીટેઇલમાં વાત જણાવી રહ્યો હતો એટલે તેનાથી રહેવાયુ નહી.

“ તું મુળ વાત કરને ભાઇ......”

“ એ જ તો કહુ છુ સાહેબ... હું આમા સાવ અજાણપણે અનાયાસે ભેરવાયો છું એ તમને તો જ ખ્યાલ આવશે જ્યારે તમે આખી સ્ટોરી સાંભળશો.....” માધો બોલ્યો.

“ ઓ.કે.....સારુ. આગળ વધ.....”

“બીજા દિવસે તે ફરી વખત મને મળ્યો. ત્યારે પણ અમે ખુબ વાતો કરી. તેણે મને તરેહ-તરેહના સવાલો પુછયા. હું કયાં રહુ છું...? શું કરુ છું...? અહી આબુ પર્વત ઉપર કઇ-કઇ જગ્યાઓ મેં જોઇ છે...? વગેરે- વગેરે... સાહેબ, મેં સાવ ભોળા ભાવે તેના તમામ પ્રશ્નોના ઉત્તરો આપ્યા હતા. અને પછી તો લગભગ દરરોજ તે મને હું જ્યાં-જ્યાં મારા જાનવર ચરાવવા જાઉં ત્યાં મળવા આવતો. મને એનું આશ્ચર્ય તો જરૂર થયુ હતુ પરંતુ અમે ખુબ ટુંકા ગાળામાં સારા મિત્રો બની ગયા હતા એટલે તેની ઉપર શંકા કરવાનું મારી પાસે કોઇ કારણ નહોતુ... અને એક દિવસ વાતો-વાતોમાં મને તેણે તેનો ઇરાદો જાહેર કર્યો હતો...”

“ માધો... ભાઇ તું આખી જીંદગી શું ઘેટા-બકરા ચરાવવામાં જ ખર્ચી નાંખીશ...?” તેણે મને પુછયું.

“તો બીજુ આપણાથી થાય પણ શું રઘુ...” મેં તેને કહયુ હતુ.

“ તને એવી ઇચ્છા નથી કે આ રઝળપાટભરી જીંદગીમાં થોડા રૂપીયા બને...? આ આબુ ઉપર પોતાનુ ઘર હોય...? અને હવે આમ પણ તું સાંઇઠે પહોંચવા આવ્યો છે. ક્યાં સુધી તારા હાથ-પગ ચાલશે...? શરીર જવાબ દેવા લાગશે પછી તું શું કરીશ...?” તેણે પુછયુ હતુ.

“ તારી વાત તો સાચી છે અને એ હું સમજુ પણ છું. પરંતુ હવે આ ઉંમરે બીજુ થઇ પણ શું શકે...? અને મારા જેવા ઘરડા માણસથી બીજાને મતલબ પણ શું હોય. ઇચ્છીએ તો પણ હવે બાકીની જીંદગી આમ જ વીતાવવી પડશે...” મેં કહયુ.

“ એવુ નથી માધોસીંહ, જો તું ઇચ્છે તો તારી પાસે પણ રૂપીયા આવી શકે એમ છે. અને એ પણ તે સ્વપ્ને ન જોયા હોય એટલા બધા રૂપીયા...” તેણે કહયુ.

“ પણ કેવી રીતે...? કંઇક સમજાય એવુ બોલને ભાઇ...” મેં તેને કહું

“ જો હું તને સમજાવુ... આમાં તારે કંઇ જ નથી કરવાનું તારે ફક્ત મને થોડી મદદ કરવાની છે.”

“ કેવી મદદ...?” મેં પુછયુ.

“ આબુના ચપ્પે-ચપ્પાથી તું વાકેફ છે. કયો રસ્તો ક્યાં જાય છે અને ક્યાંથી નીકળે છે એ તું સારી રીતે જાણે છે. બરાબરને...?”

“ હાં એ તો સાચું...” મેં કહયુ. તેની એ વાત બિલકુલ સાચી હતી. મને મારા એ જ્ઞાન પર ગર્વ હતો.

“ તો તારે મને એવી જગ્યાઓ ચીંધવાની જયાં ક્યારેય કોઇ આવતુ-જતુ ન હોય. કોઇને એ જગ્યા વીશે સહેજ પણ બાતમી ન હોય... બોલ એ તું કરી શકીશ...?” રઘુએ મને પુછયુ.

“ હાં... ચોક્કસ. પણ એનું તું કરીશ શું...? અને આમાં મને શું ફાયદો થશે...?” મને હજુ તેની વાતમાં ગતાગમ પડતી નહોતી.

“ એ જગ્યાઓ ચીંધવાના બદલામાં હું તને ચિક્કાર રૂપીયા આપીશ...”

“ ખાલી જગ્યા ચીંધવાના રૂપીયા...? એવું તે કેવુ કામ...? “મને શંકા ઉદભવી.

“ હાં... તારે અજ્ઞાત જગ્યા ચીંધવાની અને તેનુ ધ્યાન રાખવાનું.... બીજુ હું ફોડી લઇશ.” રઘુએ મને કહયુ.

“ પણ તું ત્યાં કરવા શું માંગે છે...?” મેં પુછયુ.

“ તું તો ભાઇ ભારે લપણો છો... સારુ ચાલ તને કહુ. દાયણથી પેટ શું છુપાવવુ...”

“ મતલબ...?”

“ મતલબ એ કે એ જગ્યોમાં મારે કંઇક સામાન સંતાડવો છે...”

“ કેવો સામાન...?” મારી જીજ્ઞાશાવૃતિ અચાનક સળવળી ઉઠી હતી.

“ હશીશ... ગાંજો...ડ્રગ્સ... હથીયાર... એવુ બધુ...”

“ ઓ બાપ રે...” રઘુની વાત સાંભળીને હું ચમકી ઉઠયો હતો.

“ અને એ માલની રખેવાળી તારે કરવાની. એના બદલામાં તારી સાત પેઢીઓ તરી જાય એટલા રૂપીયા તને મળશે. બોલ છે મંજૂર...?” રઘુએ પુછયુ.

“ હવે મને તેની વાત સમજાઇ હતી. તેણે મારી સાથે ઘરોબો કયા કારણોસર કેળવ્યો એ પણ મને સમજાયુ હતુ. મેં વીચારવા થોડો સમય માંગ્યો અને તે રવાના થયો સાહેબ...” માધોસીંહ બોલતા-બોલતા અટક્યો. તેનું ગળું સુકાતુ હતુ.લોક-અપમાં પથરાયેલા પીળા પ્રકાશમાં તે ઘરડો માણસ સાવ માંદલો ભાસતો હતો.

“ પછી શું થયું...?” ગેહલોતને એ ખામોશી ખટકી.

“ બહુ વિચાર્યા બાદ મેં રઘુને હાં પાડી હતી સાહેબ. આમ પણ મારે કંઇ ગુમાવવાનું હતુ નહી. આંગળી ચીંધવાથી જો પુષ્કળ રૂપીયા મળતા હોય તો એ કામ મને કરવા જેવુ લાગ્યુ. પરંતુ આ “ સુંદરવન” હવેલી મારા માટે મનહુસ સાબીત થઇ સાહેબ...” સાવ નંખાઇગયેલા અવાજે માધોસીંહ બોલ્યો. તેને ભયંકર તરસ લાગી હતી. પરંતુ તે જાણતો હતો કે જ્યાં સુધી તે સમગ્ર હકીકત બયાન કરશે નહી ત્યાં સુધી આ પોલીસવાળા તેને પાણીનું ટીંપુય પીવડાવશે નહી.

“ આગળ શું થયુ માધોસીંહ...?” ગેહલોતે પુછયુ. તેની પણ ઉત્કંઠા વધ્યે જતી હતી.

( ક્રમશઃ )

પ્રવીણ પીઠડીયા

વોટ્સએપઃ- ૯૦૯૯૨૭૮૨૭૮

ફેસબુક-Praveen Pithadiya