Anjam Chapter 14 Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Anjam Chapter 14

અંજામ-૧૪

(આગળ આપણે જોયુઃ રીતુ અને મોન્ટીને કોઇ અજાણી વ્યકિત દ્વારા એક અવાવરૂ કમરામાં બંધ કરવામાં આવ્યા હતાં. વીજય હજુ પણ હોસ્પિટલમાં સારવાર લઇ રહયો છે... અને ગેહલોત રઘુ અને માધોસીંહની પુછપરછ કરવા જઇ રહયો છે...હવે આગળ વાંચો.)

“ તો તું અને આ માધોસીંહ જખ મરાવા સુંદરવન હવેલીએ જઇ રહયા હતા....? ત્યાં શું તમારા બાપાએ કોઇ ખજાનો દાટયો છે તે અડધી રાતે ચોરી છુપીથી ત્યાં ઉપડયા હતા...? ” ગેહલોતનો પીત્તો આખરે ઉછળ્યો. તે કયારનો રઘુની ઉલટ તપાસ લઇ રહયો હતો પણ રઘુ તેના એકપણ સવાલનો સીધો જવાબ આપતો નહોતો.

“ મને મારા વકીલ સાથે વાત કરવા દો. મારા વકીલને અહી બોલાવો. તેની હાજરીમાં જ હું બોલીશ. એ સીવાય તારા કોઇ પ્રશ્નનો ઉત્તર નહી આપુ ગેહલોત...” રઘુ બોલ્યો.

“ તારી જાતને... હરામખોર...” ગાળો બોલતો ગેહલોત એકદમ ઉભો થઇ ગયો અને તેણે રઘુ ઉપર રીતસરની ડંડાવાળી ચાલુ કરી. તે વિફર્યો હતો. તેણે ઘણી કોશીષ કરી હતી કે રઘુ શાંતીથી તેના સવાલોના જવાબ આપે. પરંતુ રઘુ માન્યો નહી અને અત્યારે તેના ભાંગેલા શરીર ઉપર ગેહલોત ડંડાવાળી કરી રહયો હતો. ગેહલોત આડેધડ તેને ઝુડવા માંડયો હતો. રઘુના શરીર પર થતા એક-એક વારે તે ચિત્કારી રહયો હતો. લગભગ પંદર મીનીટ સુધી ગેહલોતે રઘુને કંઇપણ પુછયા વગર ઠમઠોર્યો અને પછી અટકયો હતો. તેને હાંફ ચડી ગયો હતો. તે ફરી પાછો ખુરશીમાં બેઠો.

“ રઘુ... વકીલ પહેલા યમરાજ આવશે. તું હજુ મને ઓળખતો નથી. તારી જબાન ખોલાવવા હું ગમે તે કરી શકુ છું.... સમજ્યો...?” ગેહલોત બોલ્યો.

માધોસીંહ તો આ બધુ જોઇને ઠરીજ ગયો હતો. રઘુના દેહ પર થતા વાર જાણે પોતાના શરીર પર વાગતા હોય એમ તેના હાથ-પગ કાંપવા માંડયા હતા. તે પોતાના બંને હાથ ભીંસીને વધુ ને વધુ સુકડાઇ રહયો હતો... તે જાણે રાહ જોઇ રહયો હતો કે તેનો વારો કયારે આવશે. મનોમન તેણે નક્કી કરી લીધુ હતુ કે તે જે જાણતો હતો એ બધુ જ ગેહલોતને જણાવી દેશે. બુઢાપામાં હવે તે વધુ જુલમ સહન કરવા તૈયાર ન હતો... અત્યાર સુધી તે ફક્ત અને ફક્ત રઘુની બીકના કારણે જ ચુપ રહયો હતો. પરંતુ હવે તેણે મન બનાવી લીધુ હતુ.

“ સાહેબ...” અચાનક તે બોલી ઉઠયો. ગેહલાતે તેની સામે જોયુ.

“ તારો પણ વારો આવશે માધોસીંહ... પોલીસને બહુ ઉઠા ભણાવ્યા છે તેં... તને પણ બોલવાનો મોકો આપીશ પણ હજુ વાર છે... તું ફક્ત જોયે રાખ.”

“ હાં તો રઘુ... હવે શું કહે છે...?” ગેહલોતે રઘુ તરફ ફરતા પુછયુ.

“ જબાન ખોલવી છે કે હજુ વધુ માર ખાવો છે...?”

“ આનો જવાબ તારે આપવો પડશે ગેહલોત. અત્યારે ભલે તું મને ગમે તેટલો મારે પણ એક વખત મને મોકો મળશે ત્યારે હું તારા પર ભારે પડીશ... લખી રાખજે...”

“ રઘુ... ચાર-ચાર ખુન કર્યા છે તમે લોકોએ. તને શું લાગે છે...? તારા આકા તને આ ઇલ્જામ માંથી છોડાવી શકશે...?”

“ એ ખુનમાં મારો કે માધોસીંહનો કોઇ હાથ નથી. એ ખુન અમે નથી કર્યા...” રઘુના મોંઢામાં લોહી ઉભરાતુ હતુ છતાં તે સ્વસ્થ રહી બોલતો હતો.

“ જો એ ખુન તમે નથી કર્યા તો પછી તને કોનો ડર લાગે છે...? સચ્ચાઇ શું છે એ કહેતો કેમ નથી...? કે પછી તું મને રમાડે છે...?”

“ તું જે સમજ તે... મેં તને કહયુને કે એ ખુનમાં અમારો હાથ નથી, મતલબ નથી...”

“ તો કોનો હાથ છે એ કહે.....” ગેહલોતે પુછયું.

“ મને ખબર નથી.....”

“ અચ્છા... તું શું મને મુરખ સમજે છે...? તું કહીશ અને હું તારી વાત આસાનીથી માની લઇશ એમ લાગે છે તને...?”

“ ન માન, મારે શું...?”

“ તમે બંને સીધા ફાંસીને માચડે લટકશો રઘુ. ”

“ સબુત તો જોઇશેને કે એ ખુન અમે જ કર્યા છે.....”

“ સબુત હું ખોળી કાઢીશ...”

“ તો અત્યાર સુધી તું શું કરતો હતો...? મને ખબર છે કે આખી સુંદરવન હવેલી તમે લોકોએ ઉલટાવી નાંખી છે. અને હું એ પણ જાણુ છુ કે ત્યાંથી અમારા વિરુધ્ધ એકપણ સબુત મળ્યો નથી... અને કયારેય મળશે પણ નહી... ” રઘુએ કહયુ.

“ ખુની ગમે એટલો ચાલાક હોય, એકાદી ભુલ તો તે જરૂર કરે જ છે. જો એવુ ન હોત તો તું અને આ માધોસીંહ અત્યારે મારી સામે બેઠા ન હોત... ”

“ મને ખબર નથી કે તું મારી સુધી કેવી રીતે પહોંચ્યો.... જરૂર આ માધોસીંહે જ કંઇક ગરબડ કરી હશે. મેં એને ના કહી હતી છતા હરામખોર માન્યો નહી અને હું સલવાયો આ કાંડમાં... ” રઘુએ કહયુ. રઘુની વાત સાંભળીને અચાનક ગેહલોત ચોંકયો.

“ મતલબ...? તે શેની ના પાડી હતી માધોસીંહને....? હું સમજ્યો નહી...”

“ આણે સામે ચાલીને પોલીસને ફોન કર્યો હતો. જો એ ફોન કર્યો ન હોત તો આજે હું અહી તારી સામે બેઠો ન હોત...” રઘુએ માધોસીંહ સામે ઘુરકીયા કરતા કહયુ.

“ હજુ ન સમજાયુ... તારુ કહેવુ છે કે તું આ માધોસીંહને લીધે પકડાયો...? કેમ...? ગેહલોતે તેના ભવા સંકોચતા પુછયુ. રઘુની વાત તેના મનમાં ઠનકી હતી. રઘુ આવુ કેમ બોલ્યો એ તેને ખરેખર સમજાયુ નહી.

“ તારા બધા સવાલોના જવાબ આપીશ પણ મારા વકીલની હાજરીમાં...”

“ એક મીનીટ... એક મીનીટ... ઓહ, યસ... હવે મને સમજાયું. ” અચાનક ગેહલોત બોલી ઉઠયો. તેના મગજમાં રઘુની વાતનો તંતુ સંધાયો હતો.” સુંદરવન હવેલીમાં ઘટેલી વારદાતની જાણકારી આપવા માટેનો પહેલો ફોન આ માધોસીંહે જ કર્યો હતોને...! તું એ ફોન વીશે જ બોલ્યોને હમણા...? ”

“ હાં... કમબખ્ત માધોસીંહ. હરામખોર શરાફતની પુંછડી પકડવા ગયો. એ તો સલવાયો, સાથે મને પણ ભેરવી દીધો. ” આખરે રઘુ બોલ્યો.

“ એ આશ્ચર્ય તો મને કયારનું થાય છે કે તમે જ ખુન કર્યા અને સામે ચાલીને પોલીસને ફોન કરી જાણકારી પણ આપી...? કેમ...?”

“ તને કહયુને ગેહલોત, કે એ ખુનમાં મારા બેમાંથી કોઇનો હાથ નથી...” રઘુએ કહયુ. તે કયારનો ગેહલોતને તું-કારે બોલાવતો હતો. તે પોલીસ લોક-અપમાં ઘાયલ અવસ્થામાં આવ્યો હતો. ઉપરથી ગેહલોતે તેને બેફામપણે ફટકાર્યો હતો તેમ છતાં તે એનો ગરુર છોડતો નહોતો. તેના ગુનેગાર માનસમાં પોલીસ વીશે જે ગ્રંથી હતી એ તેને નીચો નમવા દેતી નહોતી. તેને એમ જ લાગતુ હતુ કે પોલીસખાતુ એટલે કરપ્શનની ખાણ. રૂપીયા ફેંકો એટલે પોલીસવાળા કુતરાની જેમ પુંછડી પટપટાવતા આવે... અત્યારે પણ તેને એમ જ હતુ કે એક વખત તેનો વકીલ અહી આવી જાય એટલે ગેહલોતને તેની ઓકાત દેખાડી દઉં... અને એટલે જ તે તું-તાં કરી રહયો હતો. પરંતુ ખરેખર તો તેણે ગેહલોતને ઘણો અંડર એસ્ટીમેટ કર્યો હતો. ગેહલોત તેનો બાપ સાબીત થવાનો હતો...

“ હું તને એ જ પુછુ છું કે જો તમે લોકોએ ખુન કર્યા નથી તો સચ્ચાઇ શું છે એ કહેતા કેમ નથી...? ” કે પછી બીજુ કોઇ રહસ્ય છુપાયેલુ છે આ મામલામાં...? ” ગેહલોતે તેનો પ્રશ્ન ફરી દોહરાવ્યો.

“ મારો વકીલ આવશે પછી જ તને જણાવીશ ગેહલોત તારે જાણવુ જ છે તો પછી તું મારા વકીલને બોલાવી કેમ લેતો નથી, બાય ગોડ પ્રોમીસ... કે હું તને સાચા જવાબ જણાવીશ... બાકી તો તું મને મારી-મારીને અધમુવો કરી નાંખીશ તો પણ હું કંઇ નહી બોલુ...” રઘુ બાલ્યો.

ગેહલોત હવે ખરેખર કંટાળ્યો હતો. તે લગભગ કલાકથી રઘુની પુછપરછ કરી રહયો હતો પરંતુ રઘુ તેને સહેજ પણ મચક આપતો નહોતો... તેનું મગજ કયારનું ફાટફાટ થતુ હતુ. તે મહામુસીબતે પોતાની જાત પર કંન્ટ્રોલ રાખી રહયો હતો. તે ધારત તો થર્ડ ડીગ્રી વાપરીને બે જ મીનીટમાં રઘુ પાસેથી બધુ ઓકાવી શકત. પણ તે જાણતો હતો કે એનાથી કંઇ વળવાનું નહોતુ. અત્યારે તે જે બોલે એ પછીથી કોર્ટમાં ફરી જાય તો તેની તમામ મહેનત એળે જાય. અને એટલે જ ગેહલોત ભારે સંયમથી કામ લઇ રહયો હતો... જાણે તેની અને રઘુ વચ્ચે ઉંદર-બિલાડીની રમત ચાલતી હોય એવો માહોલ સર્જાયો હતો. જો કે ગેહલોતે જાણી જોઇને આ ઇન્ટ્રોગેશનમાંથી માધોસીંહને બાકાત રાખ્યો હતો... અને તેનું આશ્ચર્ય રઘુ અને માધો બંનેને થતુ હતુ. રઘુ કરતા ઘણી આસાનીથી માધો પાસે કબુલાત કરાવી શકાય એમ હતી છતાં કોઇક અકળ કારણોસર ગેહલોતે તેને કંઇ જ પુછયુ નહોતું. આખરે ગેહલોત ઉઠયો.

“ ઓ.કે.... તારે બોલવુ ન હોય તો વાંધો નહી. ભવાની, આ માધોને બીજી કોટડીમાં શીફ્ટ કરો...” તેણે પુરોહીતને સંબોધતા કહયુ અને તે લોક-અપની બહાર નીકળ્યો. તેણે સીગરેટ કાઢીને સળગાવી.

*************************

“ સીસ્ટર, મારા પપ્પાને તમે અંદર મોકલી શકો... પ્લીઝ ” વીજયે કહયુ. તેણે આખી રાત લગભગ તંદ્રામાં વીતાવી હતી. પાછલા બે દિવસથી તેની એ જ હાલત હતી. અત્યારે સવારના સાત વાગવા આવ્યા હતા. ( બરાબર આ જ સમયે ગેહલોત રઘુની પુછપરછ કરવા લોક-અપમાં ઘુસ્યો હતો. ) અત્યારે તે ઘણુ સારુ ફીલ કરી રહયો હતો. હોસ્પિટલની નર્સ તેના કમરામાં આવી હતી અને તેણે કંઇક ગોળીઓ વીજયને આપી. વીજયે તે ગોળીઓ ગળી અને નર્સને તેના પપ્પા ચિતરંજનભાઇને અંદર મોકલવા કહયુ.

“ ઓ.કે... હું બહાર ઉભેલા કોન્સ્ટેબલને કહુ છુ. જો તે પરવાનગી આપશે તો તમે મળી શકશો. ” કહીને નર્સ બહાર નીકળી. તેણે વીજયના કમરાનાં દરવાજે બાંકડા પર બેઠેલા કોન્સ્ટેબલને કહયુ. કોન્સ્ટેબલે પરવાનગી આપી. ચિતરંજનભાઇ ત્યાં લોબીમાં જ ઉભા હતા. તે કોઇ ડોક્ટર સાથે વાત કરી રહયા હતા. વીજયનાં કમરામાંથી બહાર નીકળેલી નર્સે તેમને વીજયનો સંદેશો આપ્યો એટલે ઝડપથી ચાલતા તેઓ વીજયના કમરામાં દાખલ થયા. તેમની સાથે દરવાજે બેઠેલો કોન્સ્ટેબલ પણ કમરામાં આવ્યો. ચિતરંજનભાઇને એ ગમ્યુ નહી પરંતુ તેનો કોઇ ઇલાજ નહોતો. તે કોન્સ્ટેબલને તેની ડ્યુટી કરતા રોકી શકે તેમ નહોતા. તેઓ વીજયના પલંગ પાસે એક સ્ટુલ પર બેઠા...

“ કેમ છે દીકરા તને...? ” ચિતરંજનભાઇએ ભારે લાગણીભર્યા અવાજે પુછયુ. જ્યારથી આબુ પોલીસચોકીમાંથી ફોન કરીને તેમને સુરતથી અહી બોલાવવામાં આવ્યા હતા ત્યારથી તેઓ ખડે પગે ઉભા હતા. પચાસની ઉંમરે પહોંચવા આવેલા ચિતરંજનભાઇને વીજય વીશે જાણીને ભારે આઘાત લાગ્યો હતો. અને તેમાં પણ વીજયના મિત્રોના ખૂન થયા અને ખૂનના ગુના બદલ વીજયને ગીરફ્તાર કરવામાં આવ્યો છે એ સમાચારે તેમને ખળભળાવી મુક્યા હતા. એક હોનહાર બીઝનેસમેન તરીકે તેમણે તેમના જીવનકાળ દરમ્યાન ઘણા અણધાર્યા સંજોગોનો સામનો કર્યો હતો પરંતુ અહી વાત તેના વ્હાલાસોયા પુત્રની હતી એટલે તેઓ વધુ લાગણીશીલ બન્યા હતા. આ બે દિવસ દરમ્યાન તેમણે ઘણા સોર્સ કામે લગાવ્યા હતા...

“ ઠીક છુ પપ્પા..” વીજયે કહયુ અને ત્યાં જ ઉભેલા કોન્સ્ટેબલ સામે જોયુ. ચીતરંજનભાઇને સમજાયુ કે વીજય કંઇક કહેવા માંગે છે પરંતુ કોન્સ્ટેબલની

હાજરી તેને ખટકે છે. તેઓ કોન્સ્ટેબલ તરફ ફર્યા.

“ જો તમને તકલીફ ન થાય તો હું થોડીવાર એકાંતમાં વીજય સાથે વાત કરી શકુ...?”

કોન્સ્ટેબલ વીચારમાં પડયો. ગેહલોત સાહેબે અહી તેને વીજયની ચોકી કરવા બેસાડયો હતો. વીજય સાથે કોઇને મળવા દેવુ કે નહી એ સુચના તેને અપાઇ નહોતી એટલે તે થોડી દુવીધા અનુભવી રહયો હતો...

“ ઠીક છે, પણ માત્ર પાંચ જ મીનીટ...વધુ નહી... ” કહીને તે બહાર નીકળી પાછો પોતાના સ્થાને ગોઠવાયો. ખરેખર તો તેણે જવુ જોઇતુ નહોતું. તેની આ દરિયાદીલી આ કેસમાં બહુ મોટો ભાગ ભજવી જવાની હતી. જો તેણે ચિતરંજનભાઇને સ્પષ્ટ શબ્દોમાં ના ભણી હોત તો કહાની કંઇક અલગ જ વળાંક લેત...

“ પપ્પા... મમ્મી ક્યાં છે...?” વીજયે પુછયુ.

“ તેને મેં સમજાવીને ગઇકાલે સુરત જવા મોકલી આપી છે...”

“ ઓહ... મારે મમ્મીને મળવુ હતુ... પણ ખેર, મારે તેથી પણ વધુ અગત્યનું એ છે કે પોલીસ તપાસ કયાં સુધી પહોંચી છે એ મારે જાણવુ છે...” વીજયે પુછયુ.

“ તું એ જાણીને શું કરીશ વીજય...? તું આરામ કર. હું બધુ ફોડી લઇશ... પણ હાં, એક વાત કહુ તને... કે હું તને ઉની આંચ પણ નહી આવવા દઉ. એટલો ભરોસો રાખજે આ તારા બાપ પર...” ચિતરંજનભાઇએ લાગણીશીલ અવાજે કહયુ.

“ મને ખબર છે પપ્પા કે તમે એ કરી શકશો. પણ અહી સવાલ અલગ છે. તમે મને જણાવો કે પોલીસ શું કાર્યવાહી કરી રહી છે...? ”

“ પોલીસે રઘુ અને માધોસીંહ નામના બે શખ્શોને ગીરફ્તાર કર્યા છે. આમ જોઇએ તો પોલીસ અત્યારે બે થીયરી પર કામ કરી રહી છે. એક...તને ગુનેગાર માને છે અને બે... આ રઘુ અને માધોસીંહને ગુનેગાર માને છે. આ બંને શક્યતાઓ ઉપર તેઓ કામે લાગેલા છે. તારી માનસીક હાલત જોતા તને ઇન્ટ્રોગેશનમાંથી હાલ પુરતો મુક્ત રાખી અહી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે જ્યારે રઘુ અને પેલા બીજા માણસ માધોની પોલીસચોકીમાં પુછપરછ ચાલુ છે...” કહીને ચિતરંજનભાઇએ હળવો નિશ્વાસ નાંખ્યો.

“ હવે પછી તારો વારો છે... પરંતુ હું તને ફરી લોક-અપમાં નહી જવા દઉ. મારી તમામ શકિત, તમામ ઓળખાણ અત્યારે મેં કામે લગાવી છે. તું બહુ જલ્દી આમાથી છુટી જઇશ... પણ તું મને કહે તો ખરો કે આખરે આ મામલો છે શું....? પોલીસ પણ આ વાત જાણવા તલપાપડ થઇ છે. તારી સાથે શું બન્યુ હતુ એ ખરેખર તને નથી ખબર...? કે પછી તું અમારાથી કંઇક છુપાવે છે.....? આ તારી યાદદાસ્તના મામલે બધા ગોટાળે ચડયા છે... હકીકત શું છે એ મને તો તું કહી જ શકેને...”

“ પપ્પા... મને બધુ જ યાદ છે....” વીજયે ધડાકો કર્યો.

“ વોટ...?” ચિતરંજનભાઇને જાણે પોતાના કાન પર વિશ્વાસ ન આવ્યો કે તેમણે જે સાંભળ્યુ એ સત્ય છે કે નહી.

“ તું શું બોલ્યો હમણા...? ફરીથી કહે તો....”

“ પપ્પા... મને તે દિવસે રાત્રે જે ઘટના બની એ સીવાયનું બધુ યાદ છે. ” વીજયે એક-એક શબ્દ ઉપર ભાર દેતા કહયુ.

“ તો પછી તું કહેતો કેમ નથી...? પોલીસને નહી તો કમ સે કમ મને તો તારે કહેવુ જોઇએને...? શું તને તારા પપ્પા પર પણ વિશ્વાસ નથી...?”

“ એવુ નથી પપ્પા... મેં તમને હમણા જ કહયુ કે તે દિવસે રાત્રે શું થયુ તેની મને કંઇ જ ખબર નથી. એ ઘટના જાણે મારા માનસપટલ પરથી ભુંસાઇ ગઇ છે... તમે મારી પરીસ્થીતી સમજો... કોઇ ટેપ-રેકોર્ડમાં વાગતા ગીતમાં અચાનક જાણે બ્લેંક સ્પેસ એટલે કે ખાલી ભાગ આવી જાય અને એટલો સમય ટેપ –રેકોર્ડ તો ચાલતુ રહે છે પણ તેમાંથી અવાજ આવતો નથી... બસ, એવુ જ કંઇક મારી સાથે બન્યુ છે... તે દિવસથી મને ખબર નહી કેમ પણ મારુ મગજ સુન્ન પડી ગયુ હતુ... અને જ્યારે મને ભાન આવ્યુ ત્યારે હું એક કારની પાછલી સીટ ઉપર પડયો હતો. એ સમય દરમ્યાન ખરેખર મને ખબર નથી કે અમારી સાથે શું ઘટના ઘટી હતી.... મારા મગજમાં જાણે કોઇ ભારે નશાનો ડોઝ અપાયો હોય અને એ નશાના ઓવરડોઝમાં મારુ મન સતત તંદ્રા અનુભવતુ હોય એવુ મને લાગતુ હતુ. અત્યારે પણ હું એ નશો અનુભવી રહયો છુ.... મને બધુ ગોળ-ગોળ ઘુમતુ હોય એવુ લાગે છે. મારા મગજ પર મારો કાબુ નથી રહેતો. આંખોની પાંપણો ઉપર જાણે મણ-મણના પથ્થરો મુકયા હોય એમ વારે વારે આંખ બંધ થઇ જાય છે.... છતાં પહેલા કરતા અત્યારે હું વધુ સારુ મહેસુસ કરી રહયો છુ. મારી તંદ્રાવસ્થામાં હું બધુ સાંભળી શકતો હતો. મારી આસ-પાસ થતી તમામ પ્રવૃતિને હું નીહાળી શકતો હતો પરંતુ તેનુ વ્યવસ્થિત પૃથ્થકરણ મારાથી થતુ ન હતુ. પપ્પા.... અત્યારે એ બધુ જ મને યાદ આવે છે. મને સમજાય છે કે હું કેવી ભયાનક મુસીબતમાં મુકાયો છું....” વીજય એકધારુ બોલતા અટક્યો. આટલુ બોલવામાં પણ તેને પારાવાર શ્રમ પડયો હતો. તેના સોહામણા ચહેરા પર પરસેવાની બુંદો ચમકી ઉઠી હતી.

ચિતરંજનભાઇએ ઝડપથી ઉભા થઇને બાજુના સ્ટુલ ઉપર પડેલા જગમાંથી ગ્લાસમાં પાણી ભરીને વીજયને આપ્યુ. વીજય એક જ ઘુંટડે આખો ગ્લાસ પાણી ગટગટાવી ગયો. ચિતરંજનભાઇ ફરી પાછા તેની સામે બેઠા....

“ તો હવે શું...?” ચિતરંજનભાઇએ વીજયને પુછયુ. વીજયની વાત સાંભળીને તેઓ પણ વીચારોના ચગડોળે ચડયા હતા. તેમને સમજાતુ નહોતુ કે તેઓ શું કરે...?

“ તારી વાત પોલીસવાળાઓ કોઇ કાળે નહી માને... ખાસ તો પેલો ગેહલોત એમ જ સમજશે કે તું એમને ઉઠા ભણાવવાની કોશીષ કરી રહયો છે. તે ભારે કાબેલ અને લપણો આદમી છે. તે આટલી આસાનીથી તારી વાત માનશે નહી.”

“ પપ્પા... એટલે જ મેં તમને અહી બોલાવ્યા છે...” આખરે વીજય મુદ્દાની વાત ઉપર આવ્યો.

“ મારે અહીથી નીકળવુ છે... અને એમાં મને તમારી મદદની જરૂર છે. ” વીજયે ગંભીરતાથી કહયુ.

“ વોટ....?” ચિતરંજનભાઇ ફરી વાર ઉછળી પડયા.

“ તું અહીથી ભાગવા માંગે છે....?”

“ હા પપ્પા....”

“ પણ શું કામ....?”

“ એ હું તમને નીરાંતે કહીશ. અત્યારે એ બધુ કહેવાનો સમય નથી. હમણા પેલો કોન્સ્ટેબલ આવી ચડશે તો વધુ વાત નહી થઇ શકે. તમે ફક્ત હું કહુ એટલુ કરી આપો...”

“ વીજય... તું પાગલ તો નથી થઇ ગયોને...? તું જાણે છે, જે ઘડીએ તું અહીથી પલાયન થયો એ જ ઘડીએ ગેહલોત તને તારા દોસ્તોનો કાતીલ માની લેશે... અને ગેહલોત જ શું કામ, બધા એમ જ સમજશે કે આ ખુનો તે જ કર્યા હતા અને એટલે જ તું હોસ્પિટલમાંથી ભાગી છુટયો છે....”

“ મને બધા સાથે કોઇ જ નિસ્બત નથી પપ્પા... તમને જો તમારા લોહી ઉપર વિશ્વાસ હશે તો પછી હું આખી દુનીયા સાથે લડી લઇશ... અને મારા મિત્રો મારો પ્રાણ હતા. તેમનું ખુન તો શું....તેમને થયેલી એક નાની ખરોંચ પણ હું સહન નહોતો કરી શકતો. એ જ જીગરીજાન દોસ્તોના ખુનનો ઇલ્જામ મારા ઉપર આવ્યો છે અને હું ખામોશ રહી તમાશો જોવાવાળો નામર્દ ન બની શકુને....? વીજયે આવેશમા કહયુ. તેની આંખોમાં લાલાશ તરી આવી હતી.

“ પરંતુ તું કરવા શું માંગે છે એ તો કહે...? તું કંઇક ડીટેલમાં જણાવીશ તો વધુ સારી રીતે હું તારી મદદ કરી શકીશ...” ચિતરંજનભાઇએ કહયુ.

“ એ બધુ જ હું તમને જણાવીશ. મેં તમને કહયુને પપ્પા કે આ સમય એ બધુ ચર્ચવાનો નથી. મારી પાસે વધુ ટાઇમ નથી. તમે ફક્ત હાં કે ના કહો...? તમે મને અહીથી બહાર નીકળવાની વ્યવસ્થા કરાવી શકશો કે નહી...?” વીજયે મક્કમતાથી પુછયુ.

ચિતરંજનભાઇ ઉંડા વીચારમાં ડુબી ગયા... વીજય બેકસુર છે એની તેમને પુરી ખાતરી હતી. તેનો પુત્ર આવુ હીણપતભર્યુ કાર્ય કયારેય કરે નહી એ તેઓ છાતી ઠોકીને કહી શકે તેમ હતા... પરંતુ અત્યારે વીજયે જે કહયુ એ સાંભળીને તેમને ઝટકો લાગ્યો હતો. તેમને સમજાતુ નહોતુ કે તેઓ શું કરે...? જો વીજય અહીથી ભાગી જાય તો સ્વાભાવીક છે કે કોઇપણ વ્યકિત એવુ માનવા પ્રેરાય કે નક્કી અપરાધી વીજય જ છે અને એટલે જ તે ભાગ્યો હશે... આ સામે ચાલીને મોતના કુવામાં કુદવા બરાબર હતુ... માન્યુ કે વીજય હોશીંયાર છે તે જે કંઇ કરવા ઇચ્છે છે તેમાં તેનો કોઇ મકસદ હશે... પરંતુ એક બાપ તરીકે તે વીજયને આવુ પગલુ ભરવામાં મદદ કરી શકે ખરા...? તેઓ કોઇ નિર્ણય પર આવી શકતા નહોતા.

વીજયે તેના પપ્પાના ચહેરા ઉપરથી તેમના મનમાં ચાલતી ગડમથલ પારખી લીધી હતી. હળવે રહીને તેણે પોતાનો જમણો હાથ ઉંચકીને તેના પપ્પાના પહોંચા પર હથેળી મુકી... એ હથેળીમાં હુંફ હતી. મદદની ગુહાર હતી. ચિતરંજનભાઇએ વીજયની આંખોમાં આંખો પરોવી. તેમને પોતાના પુત્રની આંખોમાં એક મક્કમતા તરવરતી દેખાતી હતી. એ જ મક્કમતા કયારેક તેમની પોતાની આંખોમાં પણ હતી... અચાનક તેમને વીજય ઉપર વિશ્વાસ કરવાનું મન થયું. તેમના હ્રદય પર છવાયેલો ભાર એક જ ક્ષણમાં હટી ગયો અને તેમના ચહેરા ઉપર એક વાત્સલ્યભર્યુ સ્મિત રેલાયુ.

“ ભલે...” તેમણે કહયુ.

( ક્રમશઃ)

પ્રવીણ પીઠડીયા

વોટ્સએપઃ ૯૦૯૯૨૭૮૨૭૮

ફેસબુકઃ- PraveenPithadiya/facebook.com