Sorry Mummy ! - Sopan - 1 Bhargav Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Sorry Mummy ! - Sopan - 1

Sorry મમ્મી!! – (સોપાન ૧)

-ભાર્ગવ પટેલ

“તારો અવાજ કેમ આમ દબાયેલો દબાયેલો છે? શરદી થઇ ગઈ છે કે શું બેટા?”, ચિંતિત સ્વરે મમતાબેને દીકરાને પૂછ્યું.

“હા મમ્મી!! આ જોને વાતાવરણમાં પલટા આવે છે એમાં ઝપેટાઈ ગયો, ગઈકાલ સાંજની વધારે થઇ ગઈ છે”, આટલું બોલતા આદિત્યથી બે છીંક ખવાઈ ગઈ.

“ઓહો! આવતીકાલે શનિવાર છે તો આવવાનો છે ઘરે ત્યાંથી?”

“હા મમ્મી!! લગભગ તો આવીશ જ.. આમેય અહી કોલેજમાં બધું છેલ્લા સેમેસ્ટરનું કામકાજ પૂરું જ થઇ ગયું છે અને સોમવારથી રજા જેવું જ છે”, આદિત્ય એકીશ્વાસે બોલી ગયો.

“સારું ત્યારે પહોચે એટલે ફોન કરજે. સ્ટેશન પર પપ્પા લેવા આવી જશે, અને આવીને તરત તારા માટે શરદીની દવા તૈયાર રાખીશ”

“હા! એ સ્પેશિયલ દવાથી જ આ શરદી જાય એમ છે મમ્મી!!”

દર વખતે જ્યારે આદિત્ય શરદીના વ્યૂહથી મ્હાત થાય ત્યારે મમતાબેનની ‘આદુ, લસણ અને ડુંગળી’ અધકચરી વાટી-શેકીને બનાવેલી જડીબુટ્ટી એની વ્હારે આવે.

બીજા દિવસે આદિત્ય ઘરે આવ્યો. ગીઝરના ગરમ પાણીથી ફ્રેશ થઈને તરત ડાયનીંગ ટેબલ પર ગોઠવાઈ ગયો. લોઢી ઉપરથી મમ્મીના હાથે ઉતરતી રોટલી અને ઔષધી સમાન શાક ખાઈને શરદીથી શુકુનભરી રાહત મેળવી.

અરવિંદભાઈના ઘરમાં રીવાજ હતો (રીવાજ કહો કે રૂટીન કહો બધું એક જ) કે જમ્યા પછી ડાયનીંગ ટેબલ પર અડધો કલાક કૌટુંબિક વાતો કરવી. જેથી કરીને એકબીજાથી અવગત રહી શકાય. દર વખતની જેમ આ વખતે પણ કુટુંબના ત્રણેય સભ્યો આ જ રૂટીન ફોલો કરી રહ્યા હતા અને એવામાં આદિત્યના ફોને દસ્તક દીધી. આદિત્ય થોડો ગભરાયો પણ પછી તરત જ એણે ફોન કટ કરી દીધો. વળી બે મિનીટ થઇ હશે ત્યાં ફરીથી ફોન વાગ્યો. અરવિંદભાઈ નામ અને નંબર જોવા ફોન તરફ જોવા જ જતા હતા પણ એ પહેલા જ આદિત્યએ ફોન કટ કરીને સાયલેન્ટ મોડ પર કરી પેન્ટના ખિસ્સામાં મૂકી દીધો.

“ફોન રીસીવ કરી લે ને આદિ! કોઈકને કામ હશે બેટા”, અરવિંદભાઈએ મૌન તોડ્યું.

“હં!! ના પપ્પા! એ તો પછી વાત કરી લઈશ”, આદિત્ય ડીફેન્સીવ બનીને બોલ્યો.

આદિત્યની આ ડીફેન્સીવનેસ મમતાબેન પામી ગયા પણ એમણે એ વખતે વાત લંબાવી નહી અને આદિત્યની કોલેજ વિશેની વાતો ચાલુ કરીને બધાનું ધ્યાનફેર કરી દીધું.

આશરે અડધા કલાકમાં કૌટુંબિક મીટીંગ પૂરી થઇ અને બધા ડ્રોઈંગરૂમ તરફ વળ્યા. મમતાબેને આદિને રોક્યો અને કહ્યું,

“આદિ! એક મિનીટ!!”

“હા ! બોલ મમ્મી.”

“આ વાસણ ઘસીને આવું એટલે આપણે બહાર બગીચામાં બેસીએ, મારે વાત કરવી છે તારી સાથે”

મમ્મીના શબ્દો સાંભળી આદિત્ય જરાક ગૂંચવાયો પણ પછી તરત બોલ્યો,

“હા! હું જાઉં જ છું બગીચામાં.. તું આવ પછી..”

આદિત્યએ ડગલા બગીચા બાજુ માંડ્યા.

થોડી વાર બાદ મમતાબેન પણ બગીચા બાજુ ગયા અને પ્રવેશ કરતાવેંત એમની નજર આછું અજવાળું ઓઢી લેતા એક બાંકડા પર પડી. ત્યાં કોઈ બે જણ વાત કરી રહ્યા હોય એવું લાગ્યું. એમણે જરાક ઝીણી નજર કરીને જોયું તો એ આદિત્ય જ હતો. વાતોના અમુક અંશો એમણે કંઈક આવા સાંભળ્યા,

“પપ્પા અને મમ્મી........ડાયનીંગ ટેબલ.........રાત્રે વાત કરું....”

મમતાબેને ખૂંખારો ખાધો. આદિત્યની નજર તરત મમતાબેન બાજુ પડી એ ઉત્તંગ અવાજમાં સળંગ ત્રણ-ચાર વખત ‘બાય’ બોલી ગયો અને મમ્મી તરફ આવ્યો.

“અંધારામાં ત્યાં કોની સાથે વાત કરતો હતો આદિ?”

“ફ્રેન્ડ હતો મમ્મી...”,આદિત્યએ ગપ્પું માર્યું.

“ફ્રેન્ડ હતો કે કોઈ ‘હતી’?”

મમતાબેનના આ કટાક્ષથી આદિત્ય પાણી પાણી થઇ ગયો. એનું મોઢું પૃથ્વીના ગુરુત્વાકર્ષણથી જાણે ઝુકી ગયું.

“મને ક્યારનું હતું જ કે આવું જ કંઈક છે પણ તારા પપ્પા હતા એટલે હું કંઈ બોલી નઈ”

“હમ્મ્મ”, આટલા હુંકારથી વધારે આદિ કંઈ બોલી શક્યો નહી.

“અને મારે તારી સાથે આ જ વાત કરવી હતી”, મમતાબેન શાંતિથી વાત કરતા હતા, “બોલ! શું વાત છે?”

આદિત્ય એના પપ્પા સાથે વાત કરવામાં જેટલો ડરતો હતો એટલો જ બિન્દાસ્ત થઈને એની મમ્મી સાથે વાત કરી શકતો હતો. એટલે આદિએ આખી વાત ગોળ ગોળ ફેરવ્યા વગર ‘સીધી બાત, નો બકવાસ’ વાળો ફોર્મ્યુલા અપનાવ્યો.

“મમ્મી, હમણાં ફોન પર જે હતી એ સ્વરા હતી”, આદિએ શરૂઆત કરી.

“હા! પછી? આગળ?”

“એ મારી કલાસમેટ છે એન્જીનીયરીંગના પહેલા વર્ષથી!! અમારી મિત્રતા કોલેજના પહેલા યુથ ફેસ્ટીવલથી શરુ થઇ હતી અને ધીમે ધીમે છેલ્લા છ મહિનાથી પ્રેમમાં પરિણમી”, આદિએ આખી લવ સ્ટોરી બે જ વાક્યોમાં ટૂંકાવી.

“બરાબર.. એના મમ્મી પપ્પા શું કરે છે?”, મમતાબેને પુછપરછ ચાલુ કરી.

“એના પપ્પા અહી અંકલેશ્વરમાં જોબ કરે છે અને એની મમ્મી ટ્યુશન ક્લાસ ચલાવે છે, એનો એક નાનો ભાઈ પણ છે એ આઠમા ધોરણમાં ભણે છે..”

“બરાબર!! અને એક વાત હજી નક્કી કરાવ”

“શું ???”

“એ પણ તને એટલો જ પ્રેમ કરે છે કે જેટલો તું એને કરે છે? અને તને લાગતું હોય કે તું આખું જીવન એની સાથે વિતાવી શકીશ તો પપ્પા સાથે વાત કરું!! કારણ કે હવે આમેય સમાજમાંથી તારા માટે માંગા આવવા જ લાગ્યા છે..”, મમતાબેને ચોખવટ કરી. એમને લાગતું હતું કે સ્વરાનો પરિવાર એમના જ સમાજનો ભાગ હશે. પણ પછી આદિત્યએ વધારે ખુલાસીને વાત કરતા કહ્યું,

“પણ મમ્મી!! એક વાત હતી...”

“શું વાત? બોલ ને બેટા!”

“સ્વરા આપણા સમાજની નથી અને ઇવન એ આપણી જ્ઞાતિની પણ નથી.”

આ વિધાન પછી અચાનક જાણે કે સમયને થોડીક વાર માટે લકવો મારી ગયો. એકાદ મિનીટ માટે બંને જણ ચુપ રહ્યા પછી મમતાબેને જાને કંઈ જ થયું ના હોય એમ મૌન તોડ્યું,

“હા! તો એમાં શું વાંધો છે બેટા? તને તો ગમે છે ને? બસ! મારા માટે એટલું જ કાફી છે”, મનમાં સમાજની રૂઢિચુસ્તતા વિશેનો ખ્યાલ ધારણ કર્યો હોવા છતાં એક માએ એ વિચારને પોતાના દીકરાની ખુશી પર હાવી ન થવા દીધો, “હું કાલે આ વિષે તારા પપ્પા સાથે વાત કરીશ”.

મમ્મીના મોઢેથી આ શબ્દો આદિત્યને રણમાં ગુલાબ જેવા લાગ્યા અને “થેંક યુ મમ્મી!!” કહીને ભેટી પડ્યો. માએ પણ આદિને છાતીસરસો ચાંપી લીધો અને મનમાં ને મનમાં ‘એક પત્ની’, આ વાત જાણ્યા પછીના પતિના ચહેરાની કલ્પના કરતી રહી.

* * * * *

સવાર પડી. સૂરજ સાત અશ્વોના રથ પર આરૂઢ થઈને આકાશમાં દૈદીપ્યમાન થયો. અરવિંદભાઈ રોજના નિયમાનુસાર તાંબાના લોટાથી એને જળ અર્પણ કરી, છાપું લઈને ચા નાસ્તાની રાહ જોતા ડાયનીંગ ટેબલ પર બેઠા. આદિ આમ તો રોજ વહેલો ઉઠે નઈ પણ આજે એ પણ પપ્પા કરતા પહેલો તૈયાર થઈને ત્યાં હાજર હતો. અરવિંદભાઈએ આ નોટીસ કર્યું અને જયારે મમતાબેન ચા અને નાસ્તાની ટ્રે સાથે ટેબલ પર બેઠા ત્યારે એમણે આદિને પૂછ્યું ,

“કેમ ભાઈ! આજે અચાનક આટલો વહેલો ઉઠી ગયો?”

“બસ એમ જ આંખ ખુલી ગઈ”

“ભગવાન કરે રોજ આમ જ આંખ ખુલી જાય તારી!”, અરવિંદભાઈ હળવા મૂડમાં હતા.

“હમ્મ્મ”, આદિએ હુંકારો કર્યો.

“લો! આ ચા અને ઢોકળાં”,મમતાબેને હાથ લંબાવ્યો.

“ઓહો!! આજે તો દીકરાની પસંદગી એમ ને??”, અરવિંદભાઈએ પૂછ્યું.

“હા”, મમતાબેને ટુંકાવ્યું.

આદિ ફટાફટ નાસ્તો કરીને ઉભો થયો અને મમ્મીને ઈશારો કરીને પેલી વાત કરવા માટે કહ્યું. એવામાં અરવિંદભાઈએ સવાલ કર્યો,

“કેમ લા? સવાર સવારમાં ક્યાં ઉપાડ્યો?”

“જૈનીલના ઘરે જાઉં છું, એને કંઈક કામ હતું એટલે મને બોલાવ્યો છે અત્યારે”

“વાંધો નઈ જાઓ ત્યારે, જય અંબે”

“જય અંબે”

આદિ નીકળી ગયો (એક્ચ્યુઅલી તો છટકી ગયો.) અને પછી મમતાબેને પેલી વાત કરવા માટે બેકગ્રાઉન્ડ બનાવવાનું ચાલુ કર્યું,

“આદિ માટે પેલી છોકરીની વાત હતી એ કેવી લાગી તમને?”

“ઠીક છે મમતા.. મને એટલો બધો રસ ન પડ્યો એના કૌટુંબિક સમીકરણોમાં!! તને શું લાગે છે??”

“મારું પણ એવું જ માનવું છે.. પણ આદિના લગ્ન એની પસંદ સાથે થાય એ વધારે સારું રહેશે”

“એની પસંદગી??”, અરવિંદભાઈ અચાનક છાપુ સાઈડમાં મુકીને સફાળા બોલી ઉઠ્યા.

“હા! એની પસંદ”

“મને ગઈ કાલે ડાયનીંગ ટેબલ પર ડાઉટ તો હતો જ. અને એના પર તે આજે મહોર લગાવી દીધી”, અરવિંદભાઈએ કહ્યું.

“હા! એ ફોન સ્વરાનો જ હતો”, મમતાબેને ઘટસ્ફોટ કર્યો.

“કોણ છે સ્વરા?? આપણા સમાજની છે?? કયા ગામની છે?? આ બધું ક્યારે થયું એ બંને વચ્ચે?? બંને સાથે જ છે કોલેજમાં કે શું??”, અરવિંદભાઈ સવાલ પર સવાલ પૂછતાં જતા હતા, પણ મમતાબેનના વિચારો એક જ સવાલ પર કેન્દ્રિત હતા,

“આપણા સમાજની છે???”

(ટુ બી કન્ટીન્યુ......)

Sorry મમ્મી!! – (સોપાન ૧)

-ભાર્ગવ પટેલ