Sorry Mummy ! - Sopan - 2 Bhargav Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Sorry Mummy ! - Sopan - 2

Sorry મમ્મી!! – (સોપાન ૨)

-ભાર્ગવ પટેલ

ગત સોપાનના અનુસંધાને......

“તમે એક મિનીટ શાંતિથી બેસો. હું તમને કહું છું”, મમતાબેન થોડા ગળગળા થઇ ગયા.

અરવિંદભાઈ ફરીથી ખુરશીમાં બેઠા અને પૂછ્યું, “બોલ હવે! શું વાત છે??”

“એ છોકરીનું નામ સ્વરા છે અને એનો પરિવાર આપણા સમાજનો હિસ્સો નથી, પણ.......”,

મમતાબેન આગળ કંઈ બોલે એ પહેલા જ અરવિંદભાઈએ એમનું વાક્ય કાપી નાખ્યું,

“તો પછી બંનેના લગ્ન કેવી રીતે શક્ય બને?? તું તો જાણે જ છે કે પપ્પા સમાજ સંગઠનના મંત્રી છે, અને જો એમના જ પૌત્રનું લગ્ન બીજા સમાજમાં થાય તો પછી તને ખબર છે ને કે લોકો કેવી વાતો કરશે!!?”

“લોકોના કહેવાના ડરથી આપણે આપણા એકના એક દીકરાની ખુશીઓની બલિ ચઢાવી દેવાની એ ક્યાંનું ડહાપણ છે?”, મમતાબેન રીતસરની તાર્કિક દલીલ પર ઉતરી આવ્યા.

“પણ તને એવું કઈ રીતે ખબર કે આપનો આદિ એના સિવાયની અન્ય આપણા જ સમાજની કોઈ છોકરી સાથે ખુશ નહી રહી શકે??”

“તમે મારા વગર કોઈ બીજી સ્ત્રી સાથે ખુશ રહી શક્યા હોત??”, મમતાબેને અરવિંદભાઈને એમની બંનેની પ્રેમલગ્નગાથા યાદ અપાવી દીધી.

“પણ આપણા બંનેઉના પરિવારો તો એક જ સમાજનો ભાગ હતા, તેમ છતાં લવ-મેરેજ માટે આપણે કેટલો સંઘર્ષ કરવો પડ્યો હતો એ તો તને યાદ જ હશે..”, અરવિંદભાઈના મનમાં એમના પ્રેમલગ્ન કરવા માટે વેઠવી પડેલી પરિસ્થિતિનો ભૂતકાળ સળવળાટ કરી ગયો.

“હા! એ મને યાદ છે પણ, તમે એના પરથી ક્યાંક એવું તો નથી કહેવા માગતા ને? કે આપણા સમાજમાં લવ-મેરેજ કરવા માટે છોકરો અને છોકરી બંને સમાજમાં જ હોવા જોઈએ??”, મમતાબેને શાંતચિત્તે એક વેધક સવાલ પૂછ્યો.

અરવિંદભાઈ જરાક અરાજકતામાં સારી પડ્યા. એકાદ મિનીટ માટે આખું ડાયનીંગ ટેબલ શાંત રહ્યું.

“હું એવું નથી કહેવા માગતો મમતા.. પણ..”

“પણ શું??..મેં આદિની વાતોમાં, એની આંખોમાં અને એના વર્તનમાં સ્વરા માટે અપાર પ્રેમ જોયો છે..જો કે મેં સ્વરાને હજી જોઈ નથી પણ મને મારા દીકરાની પસંદ પર વિશ્વાસ છે જ કે એ એના માટે તો લાયક જ હશે..અને રહી વાત સમાજની અને પપ્પાની, તો આ માટે પૂજ્ય પપ્પા સાથે હું વાત કરીશ..”

“અરે! હું એમ નથી કહેતો કે મારાથી વાત નહી થાય પપ્પા સાથે! પણ મને બધી અચાનક જ ખબર પડી એટલે મેં આવી રીએક્શન આપ્યું.”, અરવિંદભાઈ શાંતિથી બોલ્યા, “હું સાંજ સુધીમાં પપ્પા સાથે વાત કરું!!”

“હમ્મ”

*******

સાંજે લગભગ છએક વાગ્યે, બગીચામાં જયંતીભાઈ સમાજના અમુક મુદ્દાઓ અને પડતર પ્રશ્નોના નિરાકરણ માટે બહાર બગીચામાં ચાર પાંચ મોભીઓ સાથે બેઠા હતા. એવામાં અરવિંદભાઈને દાખલ થતા જોઈ જયંતીભાઈએ આવકાર આપ્યો,

“આવો બેટા!! સમાજના હિતની ચર્ચામાં ભાગ લો.. અમારી હવે રીટાયરમેન્ટની ઉંમર થઇ, પછીથી તમારા લોકોના જ હાથમાં છે સમાજની ડોર.”

“હા! પપ્પા!”

પેલા ચાર પાંચમાંથી એકજને જયંતીભાઈને ઉદ્દેશીને કહ્યું,

“મોટા! આ પેલા આપણા પડતર પ્રશ્ન પર અરવિંદનો શું મત છે પૂછી તો જુઓ!!”

“કયો પ્રશ્ન?? શેનો મત?”, અરવિંદભાઈએ અધીરપથી પૂછ્યું.

“અરે એ જ પેલો વર્ષોથી જે તમારી પેઢીમાં જન્મ્યો હતો અને અત્યારે સમાજનો સળગતો સવાલ બની ગયો છે!! આંતરસમાજમાં લગ્ન વિશેનો!”

“અચ્છા એ સવાલ!!”, અરવિંદભાઈના મનમાં આદિ આવી ગયો, “એ તો છે જ ને, પણ મને લાગે છે કે હવે અત્યારની પેઢીના અનુસંધાને ચાલવું જોઈએ અને સમાજના નિયમોમાં યથાયોગ્ય ફેરફાર કરવા જોઈએ.”

“એટલે?? હું સમજ્યો નહી”, જયંતીભાઈએ વધારે ખુલાસો માગ્યો.

“એટલે મારો કહેવાનો ભાવાર્થ એટલો જ કે આપણે હવે નવી પેઢીના બાળકોને એમનો જીવનસાથી જાતે જ સમજી વિચારીને પસંદ કરવા દેવો જોઈએ.”

“પણ પછી એમની પસંદગી તો માત્ર છોકરીની જ હોય, એમનો પરિવાર કેવો છે? એમનો માનમોભો શું છે? એ બધું તો જોવું પડે ને”, બીજાએ કહ્યું.

“તો શું તમે તમારા પૌત્ર-પૌત્રીઓની ખુશીઓ અને સંતોષને એમના પ્રિયજનના પરિવારના માન-મોભા સાથે તોલશો?? અને પ્રેમ ક્યારથી કોઈના માં કે મૂલ્યનો મોહતાજ થઇ ગયો?”, આ બધી વાતો એક બાંકડા પર બેસીને સાંભળી રહેલા મમતાબેન, આવો સવાલ કરી એમની બહેનપણી સાથે ચર્ચામાં ભાગીદાર બન્યા.

“તમને કંઈ ખબર ન પડે, અમે લાવીશું નિરાકરણ”, પુરુષોના સંઘમાંથી એક સ્વચ્છંદી સ્વભાવવાળાએ કહ્યું.

મમતાબેન હજીય શાંત રહીને બોલ્યા, “મને સમાજના મોભીઓ પર વિશ્વાસ છે કે તમે લોકો જે કઈ પણ ડીસીઝન લેશો એ આજની પેઢીના હિતમાં હશે.” આટલું કહી એમની બહેનપણી સાથે બગીચામાંથી નીકળી ગયા.

“મમતા વહુની વાત તો સાચી છે.. જમાનો બદલાય છે તેમ મુલ્યો અને રીવાજો પણ બદલાવવા જ જોઈએ, બસ તો પછી!! આવી ગયું નિરાકરણ! હવેથી આપણા સમાજની નવી પેઢીને પોતાનો જીવનસાથી આપમેળે જ પસંદ કરવાની રજામંદી અપાશે.”, જયંતીભાઈએ કહ્યું, “આવતીકાલની મીટીંગમાં સત્તાવાર જાહેરાત કરી દઈશું”

*******

જાહેરનામું બહાર પડ્યું. આદિત્ય એકબાજુ ખુશખુશાલ હતો અને બીજી બાજુ મમતાબેનની ખુશીનો પણ પાર નહતો. આદિત્યએ જ્યારે જાણ્યું કે, આ બધું એની મમ્મીના એ વેધક સવાલને આભારી હતું ત્યારે એ મમતાબેનને જઈને ભેટી પડ્યો અને અનાયાસે જ એ બોલી ગયો,

“થેન્ક યુ મમ્મી!! આઈ લવ યુ..”

“તો પછી સ્વરાને શું કહીશ??”, મમતાબેને મજાકમાં પૂછ્યું.

આદિત્ય થોડો શરમાયો અને બોલ્યો, “એને પણ એ જ કહીશ પણ તારા જેટલું નઈ”

એ પછી લગભગ સાતેક માસ વીત્યા અને આદિત્યના લગ્ન સ્વરા સાથે નક્કી થયા. સમાજના કેટલાક લોકોએ અંદરોઅંદર વાતો પણ કરી કે ‘પોતાના ઘરે આવું હોય ત્યારે જ નિયમોમાં ફેરફાર કર્યો?!’. પણ મમતાબેન પહેલેથી જ લોકોની વાતો પ્રત્યે ધ્યાન નહતા આપતા. એમને મન એમના પરિવારની ખુશીઓ, એ લોકોના બેબાકળા બયાનો કરતા વધારે મહત્વની હતી.

અંતે સ્વરા-આદિત્યના લગ્નની શહેનાઈ વાગી. અરવિંદભાઈએ લગ્નમાં કોઈ જ કમી બાકી નહતી રાખી. દિલ અને હાથ બંને એકદમ છુટ્ટા મુકીને ખર્ચો કર્યો હતો. સામે સ્વરાના પપ્પા પણ ઓછા નહતા. આખરે બંને પરિવારોનું આદિત્ય અને સ્વરાના પ્રેમે મિલન કરાવી દીધું. બધા બહુ જ ખુશ હતા. સ્વરા અને આદિત્ય બંને મનોમન લગ્ન પછીના જીવનના કરેલા પ્લાનિંગ વિષે વિચારતા હતા.

બીજા દિવસથી એમનો ઘરસંસાર ચાલુ થયો. સ્વરા અને આદિત્ય બંને પ્રાઇવેટ કંપનીઝમાં સર્વિસ કરતા હતા. એટલે સવારે જાય અને સાંજે આવીને એકબીજા સાથે સમય વિતાવે. એમનો આ જ નિત્યક્રમ બની ગયો હતો. રવિવારે બંને કોઈ એકાંત સ્થળે ફરવા જતા અને કોઈ કોઈ વાર મુવીનું પ્લાનિંગ પણ થઇ જતું. સ્વરાના અંગત જીવનમાં આવ્યા પછી આદિત્ય, મમતાબેન અને અરવિંદભાઈને સવારના ચા-નાસ્તા અને સાંજના ડીનરથી વિશેષ મળતો નહતો. મમતાબેનને એ બંને જણ ઘરમાં રહેવા છતાંય જાણે કે પેઈંગ ગેસ્ટ હોય એવું લાગવા લાગ્યું. વચ્ચે વચ્ચે એકાદ બે વખત આખું ફેમીલી સાથે ક્યાંક બહાર ગયું હોય એવું બન્યું હતું. ઘણીવાર મામ્તાબેને મા-બાપને થોડો વધારે સમય ફાળવવા વિષે આદિ સાથે વાત કરી પણ આદિત્ય દરેક વાતે “આપીએ જ છીએ ને મમ્મી! ક્યાં નથી આપતા?” કહીને વાત પર પૂર્ણવિરામ મુકાવી દેતો હતો. મમતાબેન પણ “છોકરાઓ આખો દિવસ કામ કરીને થાકી જતા હશે” એમ વિચારીને બધું ભૂલી જતા.

આદિના લગ્નને લગભગ છ સાત માસ વીત્યા હશે, ત્યારે એક સાંજે મમતાબેન સ્વરા-આદિના રૂમ તરફ એમને કોઈ કુરિયરમાં આવેલો સામાન આપવા જતા હતા. એમણે રૂમમાંથી ઝઘડાના અવાજો સાંભળ્યા.

“આપણે અલગ રહેવા જઈએ એમાં મમ્મી પપ્પાને શું વાંધો હોય?”, આ શબ્દો સ્વરાના હતા.

“પણ અહિયાં સાથે રહેવામાં શું વાંધો છે તને? તને કોઈ પ્રોબ્લેમ છે?”, આદિત્ય નારાજ સ્વરે બોલ્યો.

“અરે યાર તું પહેલા તારી આ શરદીનું કૈક કર દર ચાર શબ્દોએ એક છીક ખાય છે તું!! મને આ નથી ગમતું.. અને વાત રહી મારા પ્રોબ્લેમની તો.......”, સ્વરા આટલુ બોલી એવામાં મમતાબેને બારણું ખટખટાવ્યું.

“આવી એક મિનીટ..”, મનમાં ‘કોણ હશે’ના તર્ક લગાવતા લગાવતા સ્વરાએ બારણું ખોલ્યું.

મમતાબેનને જોઈ એ થોડીક અસ્વસ્થ થઇ ગઈ પણ પછી તરત જ પૂછ્યું, “હા મમ્મી!! બોલ! આઈ મીન બોલો મમ્મી કઈ કામ હતું?”,

“હા!! આ જરા કુરિયર આવ્યું હતું બપોરે એ જ આપવા આવી હતી..!”

“હા! બરાબર, બીજું?”, સ્વરા થોડી ચિડાઈ ગઈ, કદાચ એને મમતાબેન આદિત્ય અને પોતાની વચ્ચે આવતા હોય એવું વર્તન કર્યું.

“ચાલો પછી ફ્રેશ થઈને બંને નીચે આવી જાઓ.. જમવાનું તૈયાર છે”, મમતાબેન એટલી જ શાંતિથી આદિત્ય સામે જોઇને બોલ્યા.

“હા મમ્મી!”, આદિત્ય દબાયેલા અવાજમાં બોલ્યો.

******

ડાયનીંગ ટેબલ પર જમવાનું પીરસાઈ ચુક્યું હતું. સ્વરાના હોવા છતાં મમતાબેન જાતે જ રસોઈ બનાવતા હતા અને બધાનું જમવાનું જાતે જ પીરસી દેતા હતા કારણ એટલું જ કે એ એવું વિચારતા હતા કે સ્વરા જોબ કરે છે અને એ કામકાજના ટેન્શનમાં ઘરકામ માટે એને કહેવું એમને મન યોગ્ય નહતું. આ વાત એમણે આદિત્ય અને અરવિંદભાઈને પણ કહી હતી.

મમતાબેન અને અરવિંદભાઈ ડાયનીંગ ટેબલ પર બેઠા એ બંનેના આવવાની રાહ જોતા હતા. દાદરના પગથીયા પર એ બંને કંઇક કાનાફૂસી કરતા કરતા આવી રહ્યા હતા. બંને થોડા કચવાતા પગલે આવી રહ્યા હતા એટલે અરવિંદભાઈએ કહ્યું,

“બેટા જલ્દી આવો, આ જમવાનું ઠંડુ થઇ જશે તો મજા નઈ આવે પછી”

“હા પપ્પા!!”, બંને સાથે બોલી પડ્યા અને ફટાફટ આવીને ટેબલ પર પોતપોતાની જગ્યા લીધી.

“જમવામાં શું બનાવ્યું છે મમ્મી આજે?”, આદિત્ય જાણે કે કઈ થયું ન હોય એમ વર્તન કરવાનો ડોળ કરી રહ્યો હતો.

“રોજ શું હોય બેટા!! દાળ-ભાત, રોટલી અને ઢોકળીનું શાક બનાવ્યું છે”, મમતાબેને સહજતાથી જવાબ આપ્યો, “કેમ નઈ ચાલે? કંઇ બીજું બનાવવાનું હતું કે શું?”

“અરે ના ના ! આ તો એમ જ પૂછતો હતો.”

“બરાબર”

“અને પેલા વધારાના ગરમામાં શું છે મમ્મી?”, સ્વરાએ મૌન તોડ્યું.

“એ આદિત્ય માટે એની શરદી મટાડવા સ્પેશિયલ દવા બનાવી છે. તને નથી ખબર?”

“શું?”

“આદિત્યની શરદી કોઈ ટેબ્લેટ કે પિલ્સથી મટતી નથી, એને આદુ-લસણ અને ડુંગળીના શાકથી જ રાહત થશે.”, મમતાબેને કહ્યું.

મમતાબેનની આ વાત સંભાળીને સ્વરા થોડી સ્તબ્ધ થઇ ગઈ. એના મનમાં વિચારોનું ઘોડાપુર દોડી ગયું. એ વિચારતી હતી કે ‘શું એ આદિને એટલો પણ નથી ઓળખતી?’ ‘આદિની જે શરદી માટે એ ઇરીટેટ થતી હતી એ માટે મમ્મીને એટલી બધી ચિંતા છે?’ ‘આટલા વર્ષ આદિ સાથે ગાળ્યા બાદ પણ મને એની આટલી સામાન્ય કહેવાય એવી વાત પણ ન ખબર પડી?’ ‘કદાચ હું જ તો એટલી સ્વાર્થી નથી ને કે મને માત્ર મારાથી અને મારી પ્રાઈવસીથી જ મતલબ છે?’ ‘મકાનને ઘર બનાવવાની આવડત મારી સાસુ સાથે આટલો વખત રહ્યા બાદ પણ મને નથી આવડી શકતી?’ ‘કદાચ અલગ રહેવા જવાની વાત મમ્મીને ખબર પડશે તો એમને કેટલું દુખ થશે?’ આટલા બધા વિચારો એકસાથે પળવારમાં એના માનસપટ પર રેલાઈ ગયા. એક હાથમાં ચમચી અને બીજા હાથમાં ફોન પકડીને એ જાણે કે થંભી ગઈ હતી. મમતાબેનની નજર સહસા એના ભણી ગઈ અને બોલ્યા,

“શું થયું બેટા? કેમ અચાનક ક્યાં ખોવાઈ ગઈ?”

“હં!!”, મમતાબેનના આ શબ્દોએ એને જાણે કે ઝંઝોળી દીધી.

“જમવાનું ચાલુ કરો હવે, ભૂખ લાગી હશે તમને બંનેને..”

“હા મમ્મી!”

“અરવિંદ, આપણે એક ફ્લેટ લઇ લઈએ આદિ અને સ્વરા માટે, અહી નજીકમાં જ.. હમણાં જ નવા બન્યા છે, અને રીઝનેબલ ભાવમાં મળે છે.”, મમતાબેને અરવિંદભાઈને ઉદ્દેશીને કહ્યું.

“કેમ મમ્મી અચાનક ફ્લેટ?? એ પણ અમારા બંને માટે??”, આદિ આખો કોળિયો ફટાફટ ગળે ઉતારતા ઉતાવળા સાદે બોલ્યો.

“ના! આ તો વિચારતી હતી કે એક લઇ રાખીએ તો આગળ જતા કામ આવે”

એમના આટલું કહેવાથી આદિ અને સ્વરા લગભગ સમજી ગયા કે કદાચ મમ્મી એમની બારણા પાછળની વાતથી અવગત થઇ ગયા છે. આદિ થોડો છોભીલો પડી ગયો, પણ સ્વરાની જીદ આગળ એ કદાચ ક્યારેય જીતી શકે એમ નહતો. એ વિચારતો જ હતો કે મમ્મીને બધી વાત કહી દઉં અત્યારે જ..

“હા મમ્મી અમે બંને.........”, આદિત્ય વાત છેડવા જતો જ હતો અને એવામાં જ સ્વરાને જાણે કે શું થયું, એ પોતાની ખુરશી પરથી ઉભી થઇ અને મમતાબેન જમવા બેઠા હતા ત્યાં જઈ અને રીતસર પગે પડી ગઈ. એની આખોમાંથી ફૂટેલી અશ્રુધારા, મમતાબેનના પગને ભીંજવી રહી હતી. આદિ અને અરવિંદભાઈ બંને સ્તબ્ધ હતા, પણ મમતાબેન બધું સમજી ગયા હતા.. એમણે તરત જ સ્વરાને બંને હાથોથી ઉભી કરી અને પોતાના હૃદય-સરસી ચાંપી લીધી. થોડી વાર બંને સાસુ-વહુ જાણે કે વર્ષો જૂની બહેનપણીઓ એકબીજાને ભેટતી હોય એ રીતે એ જ સ્થિતિમાં ઉભા રહ્યા. પછી સ્વરા અનાયાસે બધી જ શરમ ભેગી કરીને એક જ વાક્ય બોલી,

“sorry મમ્મી!! આઈ એમ રીયલી વેરી સોરી”

“અરે કાંઈ વાંધો નઈ બેટા! છોરું કછોરું થાય પણ માવતરે તો આખરે માવતર જ રહેવું પડે ને!!”

“પણ મમ્મી તમારાથી અલગ રહેવાની વાત જાણ્યા પછી પણ તમે આટલા સહજ કેવી રીતે રહી શકો? આઈ મીન તમને આદિ અને મને અલગ રહેવા જવા દેવામાં?”, સ્વરાએ મન:પ્રશ્ન કર્યો.

ત્યારે મમતાબેનનો આ જવાબ હજી મારા કાનોમાં ગુંજી રહ્યો છે..

“એ તું છોકરીમાંથી સ્ત્રી બનીશ ત્યારે આપમેળે તારા સ્વભાવમાં આવી જશે”

Sorry મમ્મી!! – (સોપાન ૨)

-ભાર્ગવ પટેલ