હોરર ઇઝ પ્રેઝન્ટ ધેર Bhargav Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હોરર ઇઝ પ્રેઝન્ટ ધેર

હોરર ઈઝ પ્રેઝન્ટ ધેર

 • ભાર્ગવ પટેલ
 • અમાસની ઘોર અંધારી રાત, તારાઓની ઝાંખી રોશની ધરતીના ફલક પર રેલાતી હતી. રસ્તા પર કોઈ અવરજવર જણાતી નહતી. આસપાસની પ્રકૃતિ પણ પડખું ફેરવીને ગાઢ નિંદ્રામાં સવારના સૂરજની વાટ જોતી હતી. અમનની કારની હેડ-લાઈટ આ અંધારાને રોડની મધ્યમાંથી બે ભાગમાં વિભાજીત કરી રહી હતી. આસપાસના નીરવ વાતાવરણમાં કારના સાયલેન્સરનો મંદ અવાજ જાણે કે ખળભળાટ મચાવી રહ્યો હતો. અમન અને હેતલ બંનેને આવા વાતાવરણમાં ફરવાનો ખુબ જ શોખ! પરણ્યા પછીના લગભગ દરેક શનિવારની રાત્રે બંને જણ આમ જ, આવા વાતાવરણમાં બેફામ કાર લઈને લોંગ ડ્રાઈવ પર નીકળી પડતા. એકબીજાને ખુલ્લેઆમ જાહેરમાં પ્રેમ કરવાની આઝાદી દિવસના અજવાળામાં સ્વાભાવિક છે કે ના જ મળી શકે, એટલે બંને રજનીનો અંધકાર પસંદ કરતા હતા. દર વખતે આસપાસના વિસ્તારના કોઈ સૂમસામ રસ્તાઓ શોધીને પોતાના પ્રેમને અલગ અંદાજથી પ્રસ્તુત કરવા માટે બંને તત્પર રહેતા. આજે પણ એક નવા રસ્તા પર બંને નીકળ્યા હતા, અમનની કાર દર વખતની જેમ મંદ ગતિએ ચાલતી હતી અને સાઉન્ડ સીસ્ટમમાં ‘બેપનાહ પ્યાર હૈ આજા... તેરા ઇન્તેજાર હૈ આજા’ જેવું હોરર-રોમેન્ટિક ગીત વાગતું હતું.

  “તને ખબર છે મેં આ રોડ વિષે લોકોના મોઢે ઘણું સાંભળ્યું છે”, અમનના ખભા પર માથું ટેકવીને બેઠેલી હેતલે માદક અવાજમાં એના મિત્રો સાથે થયેલી વાતો વાગોળતા કહ્યું.

  “શું સાંભળ્યું છે?”, અમને કુતુહલવશ પૂછ્યું.

  “એ જ કે આ રોડ પર આજથી લગભગ ચારેક વર્ષ પહેલા એક કપલનો ગંભીર અકસ્માત થયો’તો અને એમાં છોકરી બઉ જ ખરાબ રીતે મૃત્યુ પામી હતી.”, એના અવાજમાં થોડો ડર ઉમેરાયો.

  “હા તો પ્લીઝ હવે તું એમ નાં બોલીશ કે એ છોકરીનું પ્રેત તે દિવસથી બધાને હેરાન કરે છે એમ, હા હા હા”, અમન ભૂત, પ્રેત કે પલીતમાં માનતો નહતો એટલે આવી બધી વાતો એને મજાક જ લાગ્યા કરતી.

  “તમને હસવું આવે છે મારી વાત પર? હું સાચું કહું છું યાર હમણાં બે મહિના પહેલા આ જ રોડ પર રાત્રે કોઈ પણ કારણ વગર કે બીજા કોઈ વાહનની ટક્કર વાગ્યા વગર જ એક કપલની બાઈક અચાનક રોડ પર ઘસડાઈ પડી હતી બોલો હવે!!”, હેતલે કહ્યું.

  “અરે એ તો છોકરાએ ગાડીના સ્ટીયરીંગનો કંટ્રોલ ગુમાવી દીધો હશે એમાં પડ્યા હશે શું તમે લોકો પણ આવી બધી વાતોને ભૂત-પ્રેત સાથે જોડી કાઢો છો યાર?”, અમને મોઢું ચઢાવ્યું.

  “અરે એવું નાં હોય, એમ તો છએક મહિના પહેલા એક રાત્રે બે જણ ગાડીની સ્ટેપની બદલવા ઉભા હતા અને અચાનક ગાડી એની મેળે ચાલવા લાગી પછી ગાડી પણ ગુમ અને પેલા બંને પણ ગુમ! એ પછી એમનો હજી સુધી કોઈ પતો નથી મળ્યો, હવે બોલો આ વિષે શું કહેશો?”

  “અચ્છા! મતલબ પેલી છોકરી કે જે પ્રેત થઇ છે , એ માત્ર કપલ્સને જ ટાર્ગેટ કરે છે એમ ને?”

  “હા અત્યાર સુધી તો એવું જ કંઈક થયું છે દર વખતે!”

  “અને આપણે પણ અત્યારે કપલ જ છીએ, અમાસની અંધારી રાત છે, અને રોડ પણ એ જ છે, યસ્સ, આજે પેલી પ્રેતાત્માનો આપણને સાક્ષાત પરચો મળશે! આઈ એમ વેરી મચ એક્સાઈટેડ!”, અમન હજીયે મજાકિયા મૂડમાં જ હતો.

  “શું તમે પણ યાર! બીવડાવો છો?” કહીને વધુ જોરથી હેતલે અમનનો હાથ પકડી લીધો.

  ગાડી ધીમી ગતિએ આગળ વધતી હતી. હેતલના મનમાં ડર હજીયે થોડો હતો. એવામાં હેતલની નજર બે મિરર પર પડી અને પાછળની સીટ પર કોઈ બેઠું હોવાનો આભાસ થયો. હેતલે ચમકીને અમનના ખભા પરથી માથું લઇ લીધું અને નાની ચીસ પાડી. અમનને શું થયું એનો અહેસાસ થાય એ પહેલા હેતલે પાછળની સીટ તરફ નજર નાખી પણ ત્યાં કોઈ જ નહતું.

  “અચાનક શું થયું હેતુ?”

  “મેં બેક મિરરમાં જોયું કે પાછળની સીટ પર કોઈ બેઠું છે”, હેતલના અવાજમાં ગભરાહટ સાફ દેખાઈ આવતી હતી.

  “અરે કોઈ પણ નથી પાછલી સીટમાં બકા!”, કહીને અમને ગાડી સાઈડમાં લીધી અને અંદરની લાઈટ ચાલુ કરી, “જો ધ્યાનથી જોઇલ લે! છે કોઈ?”

  “અરે પણ મેં સ્યોર જોયું અમન કે કોઈક બેઠેલું છે!”

  “તારા મગજમાં પેલું બધું ચાલતું હતું એટલે એમ જ લાગ્યું હશે ડીયર, છોડ એ બધું ચલ આગળ જો પેલી સામે નાની દુકાન દેખાય છે, ત્યાં કદાચ કોલ્ડડ્રીંક મળતા હશે, ત્યાં જઈએ અને થોડા ફ્રેશ થઈને પછી ઘરે જઈએ”, અમને કાંડા ઘડિયાળના ડાયલ પર જોયું, “આમેય બે વાગી ગયા છે, અને મમ્મીને આપણા પહોચ્યા વગર ઊંઘ નઈ આવે”

  “સારું ત્યાં ઉભી રાખો કાર”

  દુકાન પાસે જઈને કારના પૈડા થંભ્યા. બંને કારમાંથી નીચે ઉતર્યા અને દુકાનની બહાર મુકેલા બાંકડા પર બેઠા. દુકાનમાંથી અવાજ આવ્યો.

  “શું જોઈએ છે સાહેબ?”

  “બે સ્પ્રાઇટ આપોને!”

  “હા આપું”

  દુકાનના ટેબલ, કે જેના પર ધાનાદાળ અને વરીયાળીના ડબ્બા પડ્યા હતા એની બાજુમાં બે સ્પ્રાઇટ મુકવાનો અવાજ આવ્યો.

  “લઇ લો સાહેબ”

  અમને બંને બોટલ લીધી અને બાંકડા પર આવીને હેતલ સાથે બેઠો. બંનેએ કોલ્ડડ્રીંક પીવાનું ચાલુ કર્યું. એકમેકની આંખોમાં આંખ પરોવીને આખી બોટલ ક્યારે પૂરી થઇ એનું ધ્યાન ના રહ્યું. પૈસા આપવા માટે અમને પર્સ ખોલ્યું.

  “કેટલા થયા બેન?”, અમને પૂછ્યું.

  “ત્રીસ રૂપિયા થયા સાહેબ”

  અમને પચાસની નોટ કાઢી અને એ જગ્યા પર મૂકી કે જ્યાં બોટલો મુકાઈ હતી.

  “છુટ્ટા ત્રીસ નથી અમન?”, દુકાનદાર મહિલાએ એનું નામ લીધું.

  “ના નથી બેન”, અમન જરાક ખચકાયો, પણ પછી તરત વિચાર્યું કે કદાચ હેતલે મારું નામ લીધું હશે અને બેને સાંભળ્યું હશે.

  વીસ રૂપિયા પાછા લઈને અમન બાંકડા પર આવ્યો. હેતલ ઝોકું ખાઈને ઊંઘતી હતી.

  “હેતુ... હેતુ!!”, અમને બે વાર એના ખભા પર ટેપિંગ કર્યું.

  “હ.. હા”, હેતલ ઝબકીને જાગી.

  “ચાલ ઘરે નથી જવાનું?”, અમને પૂછ્યું.

  “હા હા! ચલ”, હેતલે કહ્યું.

  બંને પાછા કારમાં ગોઠવાયા. હેતલ જાણે કે કંઈક વિચારી રહી હતી અને એ ઊંડા વિચારોના લીધે અમનના હાથમાં હાથ પરોવવાનું પણ ભૂલી ગઈ, એટલે અમને જાતે જ પોતાનો ગીયર પર રહેલો હાથ હેતલના હાથ પર મુક્યો. હેતલ જાણે કે કંઈક અજુગતું થયું હોય એમ સફાળી વિચારના વમળોમાંથી પાછી ફરી. અમન પણ થોડો ગૂંચવાયો. દુકાન પર ઉભા રહેતા પહેલા હેતલના સ્પર્શમાં જે ફીલિંગ્સ હતી એ અચાનક ગાયબ હતી. પણ અમને વિચાર્યું કે કદાચ થાકના લીધે એવું હશે.

  ગાડી ઘરના કંપાઉન્ડમાં દાખલ થઇ. અમને પાર્કિગની જગ્યા પર કાર પાર્ક કરી અને ઉતર્યો. એ છેક મેઈન ડોર સુધી પહોચી ગયો પણ હજી કારમાંથી હેતલ ઉતરી નહતી. એટલે અમન પાછો કાર પાસે ગયો અને હેતલની સીટ આગળનો દરવાજો ખોલ્યો. જોયું તો હેતલ ત્યાં નહતી. એણે પાછળની સીટ પર જોયું પણ ત્યાં પણ કોઈ નહતું.

  “પાછો કાર પાસે કેમ ગયો?”, હેતલે મેઈન ડોર આગળથી અમનને બૂમ મારી.

  અમને કારમાંથી મોઢું બહાર કાઢીને જોયું તો હેતલ ત્યાં મેઈન ડોર પાસે જ ઉભી હતી. અમનને આ જરાક વિચિત્ર લાગ્યું.

  “તું ત્યાં કેમની પહોચી ગઈ?”

  “ચાલીને વળી શું તું પણ?”, હેતલના અવાજમાંથી પેલો ડર છુમંતર હતો.

  “ઓકે”, કહીને અમન કારનો દરવાજો બંધ કરવા પાછળ ફર્યો. કારનો દરવાજો બંધ જ હતો.

  ‘મેં તો દરવાજો બંધ કર્યો નથી તો પછી કોણે કર્યો હશે?’, એણે મનોમન વિચાર કર્યો. ‘કદાચ બંધ કરીને ભૂલી ગયો હોઈશ! હા, એવું જ હશે’, વિચારીને એણે મન વાળ્યું.

  ડોરબેલ વાગી અને સ્મિતાબેને દરવાજો ખોલ્યો.

  “શું છોકરાઓ તમે તો! આટલું બધું લેટ કરાતું હશે કાંઈ?”

  “શું લેટ મમ્મી? હજી તો માંડ ત્રણ વાગ્યા છે!”

  “શું ત્રણ? સાડા ચાર થવા આવ્યા જરા ઘડિયાળ જો!”, સ્મિતાબેને અમનને કહ્યું.

  “ના હોય મમ્મી!”, કહીને અમને ઘડિયાળ જોઈ તો ખરેખર ચાર વાગીને વીસ મિનીટ થઇ હતી.

  ‘દુકાન છોડ્યા પછીથી ઘર સુધીનો રસ્તો તો ખાલી અડધા કલાકનો જ હતો અને વચ્ચે કાર કોઈ જગ્યાએ રોકી પણ નથી તો પછી એક કલાક લેટ કેમ કેમ થઇ ગયું?’, અમને મનોમન વિચાર કર્યો.

  “એ તો તે ગાડી સ્લો ચલાવી એટલે કદાચ”, હેતલે જાણે કે અમનનું મન વાંચી લીધું હોય એમ જવાબ આપ્યો.

  અમન આ બધું નોટીસ કરી રહ્યો હતો.

  “ચાલો ત્યારે બંને ફ્રેશ થઈને ઊંઘી જાઓ, રવિવાર જ છે એટલે મોડા ઉઠશો તો પણ વાંધો નથી”, સ્મિતાબેને કહ્યું.

  “હા મમ્મી”, અમને કહ્યું.

  સ્મિતાબેન દરવાજો બધ કરીને પોતાના રૂમમાં ગયા. હેતલને અમન પણ એમના કક્ષમાં ગયા અને બંને જણ ફ્રેશ થઈને બેડમાં બેઠા. અમન હંમેશની જેમ હેતલના ખોળામાં માથું મુકીને આડો પડ્યો. હેતલે પણ એના વાળમાં એની આંગળીઓ ફેરવવાનું ચાલુ કર્યું. હેતલની આંગળીઓનો સ્પર્શ અમનના માથામાંથી એના ગાલ ગળા અને છાતી સુધી વિસ્તરી રહ્યો હતો. અમનના મનમાં કામાગ્નિને ચિનગારી મળી રહી હતી. એણે પોતાનો જમણો હાથ હેતલની ગરદન પર ફેરવીને એનું મોં પોતાના મોં તરફ લાવવાની ચેષ્ટા કરી. બંને ના હોઠ વચ્ચેનું અંતર શૂન્ય થયું. બંનેએ એકમેકના શરીર પરથી કપડાનું આવરણ હટાવ્યું અને નાઈટ લેમ્પના આછા અજવાળાની ગરમીમાં એકબીજામાં ઓગળી ગયા.

  સવારે લગભગ નવ વાગ્યે અમનની આંખ ખુલી. જાગીને તરત હેતલને જોવાના રૂટીન મુજબ એણે જોયા વગર જ હેતલ જે તરફ સુતી હતી એ તરફ હાથ ફેરવ્યો. ત્યાં હેતલ નહતી.

  ‘કદાચ મારા કરતા વહેલી ઉઠી ગઈ હશે’, એણે વિચાર્યું. બેડ પરથી એ નીચે ઉતાર્યો અને બ્રશ કરીને ચા-નાસ્તો કરવા માટે ટેબલ પર જઈને ગોઠવાયો.

  “હેતલ.. ચા લાવ જલ્દી”, અમને રસોડા તરફ જોઇને બૂમ મારી.

  પાંચેક મિનીટ થઇ પણ કોઈ જવાબ ના આવ્યો.

  “હેતલ.. શું કરે છે યાર, નાસ્તો લાવ ભૂખ લાગી છે”, અમને ફરી બૂમ પાડી, આ વખતે અવાજ થોડો વધારે મોટો હતો.

  ઘરના પાછળના ભાગે ચોકડીમાં ચાના વાસણ ઘસતા સ્મિતાબેને કહ્યું,

  “હેતલ ક્યાં હજી ઉઠી છે તો તું એને ચા-નાસ્તો બનાવવાનું કહે છે અમન!”

  “શું વાત કરે મમ્મી! ના હોય! એ અમારા રૂમમાં તો છે નઈ”, તો કદાચ હમણાં જ ઉઠીને બહાર ના ગઈ હોય જો તો! ગાર્ડનમાં છે?”

  “હા જોઈ આવું!”, કહીને અમન તરત ઉભો થયો અને ગાર્ડન તરફ ગયો. પણ હેતલ ત્યાં નહતી. અમને ઘરમાં આવીને બધા રૂમ જોયા પણ હેતલ ક્યાય નહતી. અમન હાંફળોફાંફળો થઇ ગયો. કોઈ પણ વાર હેતલ આમ કંઈ કહ્યા વગર ઘરની બહાર પગ પણ ના મુકે, એટલે ચિંતા થાય એ વસ્તુ સ્વાભાવિક છે.

  અમને ફોન હાથમાં લીધો અને હેતલને ફોન લગાવ્યો પણ એનો ફોન આઉટ ઓફ કવરેજ હતો. હવે અમનના મનમાં ભયંકર ડર બેસી ગયો. એના મનમાં ગઈકાલે રાત્રે હેતલે પેલા રોડ વિષે કરેલી વાતોની એક ઝાંખી પસાર થઇ ગઈ. કંઈ પણ વિચાર્યા વગર એ ફટાફટ વોલેટ અને કારની ચાવી લઈને ઘરની બહાર ગયો. પાર્ક કરેલી કાર કાઢીને એ રોડ તરફ હંકારી મૂકી. કાર થોડાક અંતરે જઈને આંચકા મારવા લાગી, કદાચ એમાં પેટ્રોલ પૂરું થઇ ગયું હતું.

  ‘ગઈકાલે તો મેં આખી ટાંકી ફૂલ કરાવી હતી અને અચાનક કેમ પેટ્રોલ પૂરું થઇ ગયું હશે?’ એવા વિચારો કરતો કરતો અમન રસ્તા પર આવતા ઓએક પેટ્રોલ પંપ પાસે જઈને ઉભો રહ્યો અને પેટ્રોલ ભરનાર માણસને પાંચસો રૂપિયાનું નાખવા માટે કહ્યું. વોલેટમાંથી પાંચસોની નોટ કાઢતી વખતે પેલી દુકાનેથી પાછી મળેલી વીસની નોટ ઉપર એનું ધ્યાન ગયું તો એ નોટ જરાક વિચિત્ર હતી. એટલામાં પેટ્રોલ પંપ પર અમનની કારની પાછળ થઇ ગયેલી લાઈનમાંથી કોઈએ હોર્ન માર્યું એટલે અમને પાંચસો રૂપિયા આપીને કાર આગળ લીધી અને પેટ્રોલ પંપની બહાર જઈને રોડની એક બાજુએ ઉભી રાખી. વોલેટ ખોલ્યું અને પેલી નોટ જોઈ. નોટની એક બાજુ વીસની નોટ જેવું જ છાપેલું હતું પણ બીજી બાજુ આખી કોરી હતી અને એની ઉપર લાલ અક્ષરે કંઈક આવું છાપેલું હતું,

  “ભૂત-પ્રેત હકીકતમાં હોય છે સાહેબ”

  અમનના પગ નીચેથી જમીન સરકી ગઈ. એમની વચ્ચે થયેલી આખી વાતની કોને ખબર હશે? મારી સાથે રાત્રે જે હતી એ કોણ હતી? મારા બેડમાં જે હતી એ કોણ હતી? વગેરે જેવા સવાલો અમનના મનમાં હથોડાની માફક વાગતા હતા. દુકાન જ્યાં હતી ત્યાં આગળ અમન આવ્યો પણ ત્યાં નહતી તો દુકાન કે નહતી પેલી દુકાનદાર!! હતું તો માત્ર દુકાનનું એક પાટિયું કે જેના પર પણ લાલ અક્ષરે લખેલું હતું,

  “ભૂત-પ્રેત હકીકતમાં હોય છે અમન”

  અમનના અંતરમાં ફાળ પડી. હેતલની ચિંતાથી એની શાંતિ અને ‘ભૂત પ્રેત નથી હોતા’ એ માન્યતા બંને ચિતાની માફક સળગી રહ્યા હતા. બેબાકળા બનેલા અમને ફરીથી હેતલને ફોન લગાવ્યો, પણ ફોન હજીયે આઉટ ઓફ રીચ બતાવતા હતા. પણ આ વખતે ફોનમાં કંઈક વિચિત્ર અવાજો આવવા લાગ્યા, જે અમને કદાચ ક્યારેય સાંભળ્યા નહતા. અમન કોઈ પણ ભોગે હેતલને શોધવા માગતો હતો. એણે કાર જરાક આગળ હંકારી મૂકી અને અચાનક જ એના મનમાં એક વિચાર આવ્યો,

  ‘હેતલ દર વખતે મને માનથી તમે કહીને જ બોલાવતી હતી પણ દુકાન પરથી ઘરે ગયા બાદ એણે તું કહીને જ બોલાવ્યો હતો દર વખતે!’ હવે આખી વાત અમનના મગજમાં સાફ થઇ રહી હતી. પોતાના હેતલની વાતો પર વિશ્વાસ ન કરવાના વર્તન પર એને પસ્તાવો થઇ રહ્યો હતો. સહસા એની નજર રોડની એક સાઈડ પર પડેલા મોબાઈલ પર પડી. કારની ગતિ બ્રેક થાકી એકાએક થંભી, રોડ પર ટાયરના લીસોટા પડી જાય એટલા જોરથી અમને બ્રેક મારી અને ફટાફટ ઉતરીને મોબાઈલ લીધો. એ હેતલનો જ હતો. આસપાસ નજર કરતા માલુમ પડ્યું કે આ બરાબર એ જ જગ્યા છે કે જ્યાં હેતલે પહેલી વખત આ રોડ પર થતી ઘટનાઓનું વર્ણન કર્યું હતું અને પોતે એ વાતોને હાસ્યાસ્પદ ગણાવીને નકારી કાઢી હતી.

  અમન કાર પાર્ક કરીને જરા સ્વસ્થ થયો અને ઝાળી-ઝાંખરા વટાવતો વટાવતો જંગલ જેવા વિસ્તારમાં અંદર સુધી ગયો. થોડેક દુર ગયો અને એની નજર ટૂંટિયું વાળીને લગભગ બેભાન અવસ્થામાં પડેલી હેતલ પર પડી. કાંટા વાગવાની પરવાહ કર્યા વિના અમન દોડીને એની પાસે ગયો, પ્રેમથી એને ઉચકી અને ગાડીની પાછલી સીટ પર સુવાડી. એના મોં પર પાણી છાંટ્યું. હેતલ થોડી થોડી ભાનમાં આવી. એને કોઈ જાતની ઈજા કે ઘાવ થયો નહતો.

  “ક્યા હતી હું? અને આટલા વાગ્યા સુધી આપણે આ રોડ પર શું કરીએ છીએ અમન? એસી ચાલુ હોવા છતા તમને આટલો પરસેવો કેમ થાય છે?”, કઈ પણ ના સમજી શક્તિ હેતલે ઘણા બધા સવાલો કર્યા.

  આ સવાલોમાં અમનનું ધ્યાન માત્ર એક જ શબ્દ ‘તમને’ પર હતું.

  હોરર ઈઝ પ્રેઝન્ટ ધેર

 • ભાર્ગવ પટેલ