નેટ ફાઈવ ડેઝ વિધાઉટ ઈન્ટરનેટ
ભાર્ગવ પટેલ
હજી ગઈકાલે રાત્રે જ તો મેં પેલીને વોટ્સએપ પર લખીને મોકલ્યું કે “ગુડ નાઈટ”, “સ્વીટ ડ્રીમ્સ”, અને “મળીયે કાલે અહી અને આ જ ટાયપીંગના કેનવાસ પર”. કારણ માત્ર એટલું જ કે ફોન કોલ્સ પર પથારીમાં આડા પડ્યા પડ્યા વાતો કરવાની ‘સુટેવ’ના લીધે ક્યારે આંખોની બત્તી ગુલ થઇ જાય એના વિશે નો આઈડિયા, એટલે ટાઈપ કરવાના બહાને કમ સે કમ એકબીજાના મન હાથોના ટેરવાની સતત હલચલના લીધે એકબીજામાં પ્રલીપ્ત રહે.
વળતા દિવસે સવારે પથારીમાંથી ઉઠતાવેંત મોબાઈલનું આલિંગન લેવાની આદતના અજવાળે મારો હાથ બાજુના ટેબલ પર ગયો. મારી અને મોબાઈલની સ્ક્રીન,બંનેની આખો મળતા જ સ્ટેટસ બારમાં કંઈક મિસિંગ લાગ્યું અને જે હતો ‘E’નો સિમ્બોલ. મગજ તર્કના ઘોડા પર સવાર થયું, ‘અલા! કાલે જ તો એકસો નવ્વાણુંનું કરાયું અને આજે કેમ નેટ બંધ??’
પછી ટેલીકોમ વાળાઓની કોમનો એક મનઘડંત નિયમ અંકાયો, ‘જીપીઆરએસ સુવીધાઓનો લાભ લેવા માટે તમારા ખાતામાં ન્યુનતમ રાશી તરીકે ઓછામાં ઓછું ૧ રૂપિયાનું બેલેન્સ હોવું જરૂરી છે’ એટલે આંગળી અને અંગુઠો બંને કામે લાગ્યા અને *૧૪૧# ડાયલ થયું. આંકડો મળ્યો, “૩૯.૪૦”.
બસ હવે ભાઈની છટકી, ‘છે તો ખરું yaar આટલું બધું. થયું છે શું આ વોડાફોનવાળાને? આજે તો કસ્ટમર કેરવાળો/વાળી જે હોય એને લઇ જ નાખું!!’ એમ વિચારીને ૧૧૧ ડાયલ થયું અને સામેથી એક મીઠો મધુરો સ્ત્રી સ્વર મારા કાને પડ્યો એટલે લગભગ ત્રીસેક ટકા ગુસ્સો તો એમ જ ઉતરી ગયો. (આ ટેલીકોમવાળા ઘણા ઉસ્તાદ છે)
“હેલ્લો સર, ગુડ મોર્નિંગ,વોડાફોનમાંથી હું આકાંક્ષા તમારી શું મદદ કરી શકું?”
“ગુડ મોર્નિંગ, આ નેટ કેમ બંધ કરી નાખ્યું છે સવાર સવારમાં? અને હવે બેલેન્સની વાત તો કરતા જ નહિ કારણ કે મેં હમણાં જ ચેક કર્યું છે.”
તરત જ સામેથી ગોખીને યાદ રાખેલો ડાયલોગ સાંભળવા મળ્યો,
“સોરી સર, વિક્ષેપ બદલ ખેદ છે, પરંતુ ગઈકાલે અમદાવાદ સહીત સમગ્ર ગુજરાતમાં થયેલા તોફાનોના લીધે આખા રાજ્યમાં પડેલા પ્રત્યાઘાતોની અસર નાબુદ કરવા તેમજ કોઈ અફવાના ફેલાવા ઉપર પ્રતિબંધ મુકવા માટે આગામી પાચ દિવસ માટે ઈન્ટરનેટ સહીતની સેવાઓ બંધ કરવાનો આદેશ છે. આપનો દિવસ શુભ રહે. વોડાફોનમાં કોલ કરવા બદલ ધન્યવાદ.”
“હેલ્લો હેલ્લો!! દિવસ ક્યાંથી શુભ રહે?? ઓ ધન્યવાદની માસી? હેલ્લો”. પણ વ્યર્થ.
રોજે સવારે કોઈકના “ગુડ મોર્નિંગ” તો કોઈકના દુખી શાયરીવાળા “સુપ્રભાત” તો વળી કોઈકના મોટીવેશનથી ભરપુર “મેક અ ગ્રાન્ડ ડે ટુડે” જેવા સંદેશાઓનો આદિ થઇ ગયેલો હું, જરાક માટે ખોરંભે પડી ગયો. જો કે થોડી વારમાં મમ્મીની ચા અને નાસ્તાની સુગંધે વત્તાઓછા અંશે ટાઢક આપી. પછી નાહીને જસ્ટ ફ્રેશ જ થયો હતો ત્યાં ફોન રણક્યો,
“હેલ્લો”
“અલા આ શું થયું?”
“શેનું શું થયું?”
“નેટ બધાયને બંધ છે કે મારે એકલું જ?”
“ના ભાઈ ના, પાચ દિવસ બધાયને બંધ છે, મેં હમણાં જ વાત કરી?”
“ક્યાં? સરકારમાં?”
“ના લ્યા! કસ્ટમર કેરમાં”
“હમમમ.. સારું ચલ મળીયે બહાર..બાય”
“બાય”.
આ વાર્તાલાપે આકાંક્ષાના ખરડા ઉપર મહોર મારી દીધી કે હવે પાંચ દિવસ નો ગુગલ, નો ફેસબુક કે નો વોટ્સએપ, છતાંય ટેવાઈ ગયેલા આંગળીના ટેરવા નોટીફીકેશન ચેક કરવા ગડમથલ કરતા હતા પણ થોડીવારમાં એ પણ કંટાળી ગયા હોય એવું લાગ્યું, ત્યારે મનમાં અમસ્તો જ વિચાર આવ્યો કે, ‘સાલું આ એનરોઈડ ફોનમાં ખર્ચેલા પૈસા ઈન્ટરનેટ વગર તો પાણીમાં જ ગયા’. થયું કે લાવ એક આંટો સોસાયટીમાં મારી આવું.(કારણ કે આપડા ગામમાં શૂટ એટ સાઈટ નો ઓર્ડર હજી લાગુ નહતો પડ્યો).
ફોનમાં રચ્યાપચ્યા રહેતા અને આખો દિવસ ટચ-મ-ટચ કરી મુકતા લોકો આજે શાંતિથી ઘરઆંગણે છાપું વાંચતા નજરે પડ્યા. કોઈ કોઈ તો ચબૂતરે પહેલી વાર પંખીઓને દાણા નાખવા આવ્યા હતા. ફેસબુક પર અપલોડ કરવા માટે નવા નવા પોઝ આપીને ફોટો પડાવતા તમામ ‘કેમેરાવીરો’ આજે જૂની સ્કેચબૂકના છેલ્લા કોરા પાને ચિતરામણ કરતા હતા. રોજ ઓનલાઈન મળતા ચહેરાઓ આજે ફળિયામાં માથું ઊંચું રાખીને ફરતા હતા. બાકી આમ તો ચાલતા ચાલતાય ઊંધું ઘાલીને ટપાટપ ચાલુ જ હોય. આ સઘડું સગી આંખે જોઇને એક લેખક મનમાં વિચાર ઝબકયો કે, ‘ભલે તમે જે કહો તે, પણ આ ઈન્ટરનેટ જેવા વિશ્વકક્ષાના વળગણ ઉપર મુકાયેલો પ્રતિબંધ ખાસ એવા પ્રોડક્ટીવ કામ કરવા તરફ લોકોને પ્રેરી રહ્યો છે’. કદાચ એમના કહેવાતા વ્યસ્ત શીડ્યુલમાં આ બધા કામો ઈન્ટરનેટના લીધે જ ‘ટુ ડુ’ લીસ્ટમાં નહતા. ઉપરથી આપણે રહ્યા ગુજરાતી, એટલે ફોન કરીને અલકમલકની વાતો કરવાનું તો આપણને ગળથૂથીમાં જ ના મળ્યું હોય!! આમ અલ્ટીમેટલી સાર્વજનિક શાંતિનો અનુભવ આ પાંચ દિવસમાં મેં અનુભવ્યો.
વારંવાર કોઈકનો મેસેજ આવ્યો હોય કે ના આવ્યો હોય, તોપણ નોટીફીકેશન બારને ઉપર નીચે ધસડયા કરવાનો, મેઈલના ઈનબોક્સમાં ભલે માર્કેટિંગના મેઈલ્સ આવ્યા હોય તોય વારે વારે વાંચીને આંખો ફોડવાનું વગેરેથી ક્ષણિક છુટકારો મળતાવેંત મન-દરવાજા ઉઘાડા થઇ ગયા અને વાતાવરણ સાથે વિચારોનો ‘વાટકી-વ્યવ્હાર’ ચાલુ થયો હોય એવી અનુભૂતિ જાણે અદમ્ય ગણાવી શકાય એવી હતી. જો કે રોજ આવી અનુભૂતિનો ટેસ્ટ મળતો જ હતો પણ આજે “કોઈકના મેસેજ આવશે”, “કોઈકને રીપ્લાય આપવાનો છે” કે “કોઈકને મેઈલ મોકલવાનો છે” જેવા ઈન્ટરનેટ-જન્ય કામોની ગેરહાજરી એમાં દિવ્યતાનો ઉમેરો કરતી હતી.
મમ્મી પપ્પા ઈન્ટરનેટ વધારે વાપરતા નથી એટલે એમની લાઈફ સ્ટાઈલમાં ફરક દેખાતો નહતો પણ હા! મારામાં PGમાં રેહ્વાના લીધે જે ઘરકામ કરવાની આવડત વિકસી હતી એનો દાખલો એમને મળી ગયો. અત્યાર સુધીના દિવસોમાં એમને કદાચ વિચાર્યું હશે કે છોકરો બીઝી છે પણ હું આજે સત્યથી સાપેક્ષ થયો હતો કે ‘મારી વ્યસ્તતા કામમાં નહિ પણ ફોનમાં હતી’. ટૂંકમાં હું અને મારી જાત બંને એકબીજાને સમજી સમજાવી રહ્યા હતા.પ્રતિબંધ મને એવો આભાસ કરાવી ગયો કે, “કદાચ હું મારામાં જ મિસિંગ હતો હમણાં સુધી” અને આ આભાસ પર જોરથી “યુરેકા!!” બોલવાનું મન થઇ પડ્યું.
મારા ખ્યાલ મુજબ સૌથી વધારે તકલીફ પેલા ફોર્વર્ડેડ મેસેજ મોક્લવાવાળાઓને થઇ ગઈ હશે. રોજબરોજ કોઈકનો મેસેજ કોઈકને તો કોઈકની વાતોનો સ્નેપશોટ પાડીને કોઈ બીજાને મોકલવાની પ્રથા, પછી “પેલી છોડીને ગઈ અને છેલ્લે આવું બોલી” જેવી કથા અને અંતે પોતે ખર્ચેલા પૈસાની વ્યથા, વગેરેની મસમોટી નવલકથા એક જણને કહીને બધા મેસેજ સિલેક્ટ કર્યા બાદ ‘ટપાલીવેડા’ કરતા ‘દિલફેંક આશિકો’ને આ પ્રતિબંધ કદાચ હિટલરની સરમુખત્યારશાહી જેવો પ્રતીત થયો હશે. પરંતુ કોઈ પણ વાતને બધા વ્યક્તિત્વો એકસમાન નજરે જોઈ શકતા નથી કે દરેકના મત દરેક વાતે સમાન પણ હોતા નથી અને આ પેરાડોક્સ પરસ્પર બેલેન્સ માટે જરૂરી પણ છે. જેને જે મતમતાંતરો કરવા હોય તે કરે અને ટીવી પર જેટલી ડીબેટ ગોઠવવી હોય એટલી ગોઠવે, મારા મતાનુસાર સરકારે મહિનામાં એકાદ બે દિવસ આવા અખતરા કરવા જોઈએ. શું લાગે છે તમને?
દાંતમાંથી ખોતરેલું :- ‘પાંચ દિવસમાં માત્ર અને માત્ર બે જ વખત મોબાઈલ ચાર્જ કરવાની અતુલ્ય ઘટનાએ ભાન કરાવ્યું કે બેટરી ચાલવા માટે મોબાઈલ કંપનીએ કરેલા બધા વાયદા ખોટા નહતા.’
નેટ ફાઈવ ડેઝ વિધાઉટ ઈન્ટરનેટ
ભાર્ગવ પટેલ