ફેસબૂકિયા ફોટોગ્રાફરો Bhargav Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફેસબૂકિયા ફોટોગ્રાફરો

ફેસબુકિયા ફોટોગ્રાફર્સ

- ભાર્ગવ પટેલ

‘ફેસબુક’ આ શબ્દ એટલે અંગત અને પારિવારિક ફીલિંગ્સને સોસિયલાઈઝ કરવાનું એક મજાનું હાથવગું માધ્યમ, આ શબ્દ એટલે એકલતા અને અકળામણ દુર કરવા માટે જનહિતમાં જારી કરાયેલી વેબસાઈટ. માર્ક ઝુકરબર્ગના મગજમાંથી ફળીભૂત થયેલું વિચારો અને સંવેદનાના સૂરોને મુક્ત રીતે રેલાવવાનું વાદ્ય એટલે ફેસબુક. દરરોજ ખબર નઈ કેટલા અબજની સંખ્યામાં પોસ્ટ્સ થતી હશે. નિખર્વ લાઇક્સ અને ખર્વ કોમેન્ટોથી ન જાણે રોજ કેટલાય લોકોની વર્ચ્યુઅલ દિવાલ દૈદીપ્યમાન થતી હશે. કેટલાય નવા ખાતા ખુલતા હશે અને કેટલાય ખાતા કોઈ અગમ્ય કારણસર નિષ્ક્રિય થતા હશે. ઘણા બધા છોકરાઓ પોતાના ગ્રુપના સૌથી સીધા સાદા મેમ્બરનું અંતર્મુખી રૂપ જાણવા ખાતર છોકરીઓના નામે નકલી ખાતા ખોલતા હશે. પણ આ બધાયના અનુભવ મેં ખાલી સાંભળ્યા જ છે એટલે એના વિષે લાંબી લચક વાર્તા કહેવામાં મને તકલીફ પડશે અને પોતાને તકલીફ પડે એવું કામ જાણીજોઈને કરવા કરતા જેનો અનુભવ છે એવા વિષય પર બે ચાર શબ્દો લખવા એ મગજ અને હાથ બંને અંગો માટે હિતાવહ છે. મારે વાત કરવી છે આજકાલ ફેસબુક પર વધી ગયેલા ‘ફોટો-મેનીયા’ની. હા!! ઉપરની તમામ ઝાકઝમાળમાં ખબર નઈ કેમ મારું ધ્યાન આવા ફોટાઓ ઉપર જ વારે ઘડીએ કેન્દ્રિત થાય છે. અવળા અર્થમાં ના લેતા હું એવા ફોટોસની વાત કરું છું જેમાં જમણી બાજુના બોટમ મોસ્ટ ખૂણા પર લખેલું હોય # ટેગ સાથે કે “#Someone_photography!!” હા! બરાબર સમજ્યા તમે. હું એવા ફોટોગ્રાફરોની વાત કરું છું જે ફેસબુક આવતા પહેલા ખબર ની ક્યાં છુપા રુસ્તમ બનીને ફરતા હતા અને અચાનક ફેસબુક આવતાની સાથે ચિરાગના જીનની માફક ‘હાજીર હું મેરે આકા’ કરીને પ્રગટ થયા છે. આમ તો ફોટોગ્રાફીનો શોખ મારો પણ જબરો જ છે પણ મને ચિરાગના જીન બનવા કરતા એમના વિષે લેખ લખવામાં વધારે રૂચી જણાઈ આવી.

જ્યારથી ફેસબુક અને કોઇપણ સોસીયલ મીડિયા વેબસાઈટ અસ્તિત્વમાં આવી છે ત્યારથી લોકોના ફોટોગ્રાફર બનવાના ભ્રમને વાચા મળી ગઈ છે. આ બધાના લીધે બીજા કોઈને ભલે નુકસાન થયું હોય પણ આ DSLR કેમેરાના દુકાનદારોને જલસો પડી ગયો છે. અઠવાડિયામાં એક પોસ્ટ તો એવી જોવા મળે જ કે ‘someone is feeling excited, got the #DSLR from dad!!’ અને પાછા એના મોટાભાગના મિત્રો કે જેમના ફોટો પીક્સ આર્ટમાં કે પછી ફોટો-શોપમાં એડિટ કરી કરીને pic courtesy માં એનું જ નામ લખાવીને પોસ્ટ કર્યા હોય એ કોમેન્ટો મારે કે “ congo dude! U deserve it! “ !! લ્યો!! યુ ડિઝર્વ ઇટ એટલે શું યાર?? હજી કોઈ એચીવમેન્ટ હોય તો ઠીક છે કે ચલ ભાઈ તું ડીઝર્વિંગ છે પણ લા આ કેમેરા માટે!!!. એ લાયક હતો કે નઈ એ એના પપ્પાને પુછો તો ૨૫૦૦૦ના બીલ સાથે એમની અંગત ફિલિંગ ફેસબુક સ્ટેટસ ટાઈપ કાર્ય વગર જ ડાયરેક્ટ મોઢામોઢ બતાવશે. વળી અમુક અક્કલમથા DSLRનું ફૂલ ફોર્મ પણ ના જાણતા હોય છતાં ક્યાંકથી ઉધાર મળેલા શબ્દોથી પોતાની છાપ પાડવા વૈજ્ઞાનિક કોમેન્ટ કરશે કે “DSLR ઈઝ હેવિંગ મેક્ષિમમ રેઝોલ્યુશન વિથ 25X ઝૂમ”!!

પછી એકવાર DSLR હાથમાં આવે એટલે જીવજંતુ, પ્રાણીઓ વગેરે પર અત્યાચાર ચાલુ થાય. પોતાના રસ્તા પર ભૂખ્યા પેટે માંડ ચાલીને ખાવાનું શોધતા મકોડાને કેપ્ચર કરીને અપલોડ. ગાય બિચારી પોતાના વાછરડાને જીભથી પંપાળતી હોય તો પણ ક્લિક કરીને અપલોડ કરશે અને માં દીકરીના પ્રેમને લગતા બે શબ્દો લખી કાઢશે, જાણે સિમ્પથી માટે લાઈક મળી જશે. વળી, ટેગ તો એટલા બધા ફ્રેન્ડઝને કરશે કે જાને એ બધાએ સાથે ફોટો પાડ્યો હોય!! જાણે કે બધાય ટેગાયેલાઓમાંથી એક જણે કેમેરો પકડ્યો હશે, બીજાએ મકોડા કે ગાયને પોઝ આપતા શીખવાડ્યું હોય અને ત્રીજાએ શટર ક્લિક કર્યું હોય. અમુક વાર તો હું પણ ખબર નઈ ક્યાંથી ક્યાં ટેગ થઇ જતો હોઉં છું!! હવે મને તો કદાચ પ્લેસ પણ ખબર નાં હોય અને એ પણ ખબર ઓબ્વિયસલી ના જ હોય કે આ ફોટો પાડવામાં મારો શું રોલ છે!! સારું છે આ તો કે ફેસબુકમાં રીમુવ ટેગનો વિકલ્પ છે બાકી તો આવા નકામા અને અકર્મા નોટીફીકેશનથી હું કંટાળી જાત.વધુમાં અમુક અમુક તો હદ કરી નાખે યાર! ઇવન મેસેન્જરના ઇનબોક્ષમાં સુધ્ધાં “અલા ભાર્ગવ!! મારું ડીપી/ફોટો લાઈક તો કર ભાઈ” જેવા મેસેજ મોકલી દે. તમારી સાથે પણ આવું થયું જ હશે એની ગેરંટી. શુદ્ધ ગામઠી ભાષામાં (એક્ચ્યુલી તો મારી માસીની જ ભાષામાં) આ બધી ક્રિયાઓ આમ તો ‘અછકલાવેડા’ કહી શકાય.

વરસાદની સીઝનમાં તો માઝા મુકે આ લોકો, વાદળથી માંડીને કાદવ સુધીના તમામ ફોટો એમની દિવાલ પર જોવા મળશે. કાચ પરથી વરસાદનું ટીપું રેલાઈને નીચે ના પડે ત્યાં સુધી ઘુવડની જેમ બારી પાસે બેસી રહેશે. ન કરે નારાયણ ને કદાચ ઘરમાં એવી ગોઠવણ ન હોય તો ગમે ત્યાથી ૨૫ ટકા અપારદર્શક કાચ શોધી કાઢશે અને આર્ટીફીસીયલ મ્યુંનીસીપાલીટીના પાણીનાં ટીપાંની ફોટોગ્રાફી કરશે. પણ, ફોટો તો પડવો જ પડે. વળી સ્પેસીયલ ફોટોગ્રાફી માટે પેલા કોમેન્ટિયાઓ સાથે એક ટ્રીપ ગોઠવશે અને પછી તો આપણી હાલત ‘અલ્લાહ બચાયે મેરી જાન! એ રઝીયા ગુંડો મેં ફસ ગઈ’ જેવી થઇ જાય. થોડું વધારે સર્કાઝમ વાપરું તો મને અમુક વાર થાય કે આ ડીસ્કવરી અને નેશનલ જીઓગ્રાફીકવાળા ખાલી ખોટી ચિંતા કરે છે ફોટોગ્રાફી માટે ખાલી પડેલી જગ્યાઓની, કારણ કે આવા ઘણા મળી જ રહેશે ‘જબ તક હૈ ફેસબુક’!

મારો એક તાજો જ અનુભવ કહું તો, એક આવા જ ‘ફોટો-ઘેલા’એ એની વોલ પર એવો ફોટો મુક્યો હતો જેમાં કઈ લેવાનું હતું નઈ.. તો પણ એના (કે એની ફોટોગ્રાફીના) ‘ચાહક’મિત્રોએ લાઈક અને કોમેન્ટથી ભીંજવી નાખ્યું, અમુકે તો ‘ઇટ લુક્સ લાઈક અ થ્રી ડી ડ્રોઈંગ’ કોમેન્ટ કરીને હદ જ કરી નાખી. હવે એ જંબુરાઓને (કે જંબુરીઓ જે હોય તે) કાશ એટલી ખબર હોત કે કેમેરાથી પાડેલા ફોટાને થ્રી ડી ડ્રોઈંગ કહેવા માટે એમાં કઈ કઈ ખૂબીઓનું નિરિક્ષણ કરવું પડે!! કોઈકના મોઢે અને કોઈકવાર અજાણતા જ સંભળાઈ ગયેલા શબ્દોને કોપી પેસ્ટ કરવા કરતા પોતાના જ રીવ્યુ પોતાના શબ્દોમાં આપે તો કંઈક લેખે લાગે!! ખુશામતખોરીની પણ હદ હોય યાર!! કોઈકનો કેમેરો, એનાથી કોઈકે ફોટો પાડ્યો અને એની વાહવાહી કરાવવા તમે પોતાની વાણીનું એની ફેક ઈમેજ બનાવવા માટે વિલીનીકરણ કરો એ આમ જોતા તો યોગ્ય ન જ ગણાય. હા! હજી એનો ફોટો સામાન્ય રીતે અને સામાન્ય કેમેરાઓથી પાડેલા ફોટાઓ કરતા થોડાઘણા અંશે સારો હોય તો હું પણ એને એપરેસીએટ કરવા થોડા શબ્દો વહાવી દઉ, પણ જે નથી યોગ્ય એ કોઈપણ સંજોગોમાં યોગ્ય નથી.

બાય ધ વે, એક વાત જણાવી દઉં કે જે લોકો ફોટોગ્રાફીને લઈને ખરેખર પેશનેટ છે એમની વાત નથી. એમના માટે તો ફેસબુક એક સરસ માધ્યમ છે પોતાનું ટેલેન્ટ પ્રદર્શિત કરવાનું, પણ આ વાત છે માત્ર અને માત્ર ‘ઓછાપણું’ અને ‘દેખાદેખી’થી બહેકી જતાઓ માટે. સાર એટલો જ કે ‘જિસકા કામ ઉસી કો છાજે, દુજા કરે તો.......’ સમજી ગયા??!!

( થોડામાં ઘણું :- by the way, DSLR = Digital Single Lens Reflex! કદાચ કોઈ કેમેરધારકને ખબર ના હોય અને તમને મળે તો જણાવી દેવા નમ્ર અરજ!)

ફેસબુકિયા ફોટોગ્રાફર્સ

- ભાર્ગવ પટેલ