નોટબૂકનું છેલ્લું પાનું! Bhargav Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નોટબૂકનું છેલ્લું પાનું!

નોટબૂકનું છેલ્લું પાનું!

-ભાર્ગવ પટેલ

ઈ-મેઈલ:- bhargav.mech98@gmail.com

રોજની જેમ આજે પણ તન્મયની મર્સિડીઝ કાર એના સીમાચિહ્ન સમાન હોર્ન મારતી કોલેજના પાર્કિંગ લોટમાં દાખલ થઈ. કારના ગતિમાન ચક્રો સ્થિર થતાની સાથે જ તન્મયના કહેવાતા ‘બેસ્ટ ફ્રેન્ડસ’નું ટોળું તન્મયને ઘેરી વળ્યું અને દરેક જણ એને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યું હતું. વળી, જન્મદિન નિમિત્તે કોલેજ કેન્ટીનમાં એ લોકોના રોજના અડ્ડાસમાન ટેબલ પર એક નાની સરખી પાર્ટીનું આયોજન પણ તન્મયે પહેલેથી જ કરેલું હતું જે એના મોટા ગજાના ડાયમંડ વેપારી પિતાજીના ખિસ્સાને આભારી હતી.ટેબલ પર સરસ રીતે સજાવેલી ચોકલેટ કેક કપાવવા માટે તત્પર હતી. પરંતુ ખબર નહિ કેમ! તન્મયને આ ચોકલેટ કેક, મિત્રો, પાર્ટી વગેરે કરતા વધારે દિલચસ્પી કેન્ટીનના એક ખૂણામાં ચુપચાપ બેઠેલી યામિનીમાં હતી.

યામિની એ જ કોલેજની લઘુ મધ્યમ વર્ગના ઘરની છોકરી હતી જે કોલેજના દરેક ટોપર્સ લીસ્ટમાં પહેલી પંક્તિની દાવેદાર હોવાની સાથે તન્મયની કલાસમેટ પણ હતી.

“તન્મય!! ત્યાં ક્યાં ખોવાયેલો છે? કેક કાપ ભાઈ જલ્દી!!” તન્મયને ઝંઝોડતા વ્યોમેશે કહ્યું.

અચાનક ધ્યાનભંગ થતા તન્મય થોડો બેબાકળો બન્યો પણ પછી તરત જ ઉજવણીમાં વ્યસ્ત થયો.

ઘરે પહોચ્યા બાદ પણ તન્મયના માનસપટ પરથી યામિનીનો અનાયાસે જ પ્રેમમાં પાડી દે એવો ચહેરો જરા સરખો પણ અળગો થયો નહિ.આ દિવસ પછીના ચારેક દિવસ તન્મયે મહા મહેનતે પસાર કર્યા પણ અંતે એની આતુરતાએ જવાબ આપી દીધો અને એણે પોતાના ‘યામિની-પ્રયાણ’ વિશે વ્યોમેશને જણાવી જ દીધું.

તન્મયના તમામ ‘સંપતિઘેલા’ મિત્રો કરતા વ્યોમેશ કંઈક અલગ હતો અને એનો હાજરજવાબી ફક્કડ અંદાજ જ એની તન્મય સાથેની મિત્રતાનું કારણ હતો.પરિસ્થિતિને સમજીને યોગ્ય નિરાકરણ લાવવામાં માહીર હોવાને લીધે તન્મયે આ પ્રકરણમાં મદદનો હાથ માંગ્યો.

તમામ વાત સાંભળ્યા પછી વ્યોમેશ ‘ડીટેક્ટીવ શેરલોક’ની માફક વિચારના વમળમાં તણાયો અને કેન્ટીનના મેનુમાંથી બે લેમન ટીનો ઓર્ડર આપતા બોલ્યો,

“જો લ્યા તનીયા!,તારું યામિની પ્રત્યેનું આકર્ષણ અને સાહજિક પ્રેમ એ બધું બરાબર છે પણ બકા, એક હાથે તાળી ના પડે. આ માટે આપણે યામિનીના મનમાં તારા માટે શું છે એ પહેલા જાણવું પડે”

“હા ભાઈ, તારી વાત તો મુદ્દાની છે”,તન્મયે હકારમાં માથું ધુણાવ્યું. “પણ આપણને એવો અનુભવ ક્યાં છે લા?”

લેમન ટીની ચૂસકી મારતા મારતા વ્યોમેશે એક આઈડીયો આપ્યો.

બીજા દિવસે સવારે કોલેજમાં વ્યોમેશની યુક્તિ કામ કરી ગઈ. યામિની નામાંકિત વિદ્યાર્થીની હોવાના લીધે તેની નોટ્સ લેવાના બહાને તન્મય એની પાસે ગયો.જો કે યામિનીને પણ થોડું અજુગતું લાગ્યું કે ‘ક્યારેય નહિ ને આજે આને નોટ્સની જરૂર કેમ પડી?’ પણ પછી તન્મયના સૌમ્ય સ્વભાવ અને નિખાલસભાવથી પરિચિત હોવાથી યામીનીને એની સાથે સાહિત્ય-વ્યવહાર કરવાનું વ્યાજબી લાગ્યું.

વ્યોમેશનો પ્લાન બીજા ચરણમાં પ્રવેશ્યો.નોટ્સની નોટબૂક મળી એ જ દિવસે રાત્રે તન્મયે પોતાના હૃદયરૂપ લેખકના મોઢેથી યામિની માટે ઉચ્ચારાયેલા તમામ શબ્દોના હેમને છેલ્લા પાનાં પર વરખની માફક કંડારી દીધા.પછીના દિવસે સવારે કોલેજમાં નોટબૂક પરત સોંપતીવેળા તન્મય અગાઉ નક્કી કરેલા સંવાદ મુજબ બોલ્યો,

“અરે યામિની!!, નોટના છેલ્લા પાના પર મારો એક ડાઉટ લખ્યો છે જેનો જવાબ મને નથી મળતો, પ્લીઝ એ સોલ્વ કરીને મને કાલે કહેજે!!”

“ઓ.કે. ડોન્ટ વરી! હું ટ્રાય કરીશ” યામીનીએ ટુંકાવ્યું.

ઘરે પહોચી, ફ્રેશ થયા પછી પોતાની ઓસરીમાં રાખેલા રોજના આસન જેવા પાટીવાળા ખાટલામાં ચાદર પાથરીને યામિનીએ પગ લંબાવ્યા. ચા પીતાં પીતાં દિવસ દરમિયાનની તમામ વાતો યાદ કરવી એ એનું રોજિંદુ કામ હતું. વિચાર કરતા કરતા એનું ધ્યાન તન્મય સાથે થયેલા વાર્તાલાપ પર ગયું એટલે તરત જ એણે નોટબૂક કાઢી અને મનોમન બોલી,

“લાવ તો પેલો ડાઉટ જોઈ લઉં પેલાનો!”

નોટબૂક હાથમાં લઇ છેલ્લું પાનું ખોલી એણે વાંચવાનું શરુ કર્યું અને વાંચતી જ રહી ગઈ. એકીશ્વાસે આખું પાનું વાચી ગઈ અને આશ્ચર્ય સાથે હર્ષમાં ગરકાવ બની ગઈ. તન્મય સાથે પ્રણય-સંબંધ કરવો કે નહિ એ બંને વિકલ્પ એના હૈયે હિલોળા લેતા હતા ત્યાં જ કાકાએ “યામિની!!”ની બૂમ પાડી અને વિચાર-એક્સ્પ્રેસ પર બ્રેક મારી યામિની કાકાના રૂમ તરફ આગળ વધી.

“બોલો કાકા! કઈ કામ હતું મારું?”

“હા!”

“શું?”

“હું અને કાકી બંને વિચારતા હતા કે હવે તારી ઉંમર પરણવા જેવી થઇ ગઈ છે અને તારા માટે અમે છોકરો પણ જોઈ રાખ્યો છે જે તારા મમ્મી અને પપ્પા બન્નેને પસંદ છે,અને અમારો વિશ્વાસ છે કે તું પણ ના નહિ પાડે.”

એમ કહીને કાકાએ છોકરાના નામ અને ઠામનો એવો ઘટસ્ફોટ કર્યો કે જેથી તન્મયના ડાઉટનો આખેઆખો ઉત્તર જ બદલાઈ જવાનો હતો.

છતાં મન મક્કમ કરીને યામિનીએ જવાબ લખ્યો અને સવારે તન્મયને એ જ નોટબૂક પરત આપવા સિવાય યામિની કંઈ બોલી શકી નહિ.

સાંજે ફટાફટ થેલો પોતાના અંગત રૂમના એક ખૂણામાં નાખીને તન્મય બાલ્કનીમાં બેઠો અને વાંચવાનું શરુ કર્યું. પણ આ શું?? લખાણ પૂરું થતા થતા તો એની આંખો ભીની થઇ ગઈ અને બેબાકળો બનીને ખુરશી પર જ અવાચક બનીને બેસી રહ્યો. પાંચેક મિનીટ થઇ હશે ત્યાં તો પોતાના પ્લાનની સફળતાના ગુણગાન સાંભળવા વ્યોમેશ ત્યાં આવી પહોચ્યો પણ તન્મયની વિહવળ દશા જોતાવેંત જ એ સમજી ગયો અને સરકીને નીચે પડેલી નોટબૂક હાથમાં લઇ વાંચવા લાગ્યો, એમાં લખ્યું હતું,

“dear તન્મય,

હું તારા પ્રેમના આ અનોખા એકરારની કદર કરું છું અને તારી આ લાગણી માટે મારા મનમાં પણ પ્રતિ-લાગણી છે કે હું પણ તને ચાહવા ઈચ્છતી હતી પરંતુ અચાનક જ ગઈકાલે સાંજે મારા કાકાએ અમારા જ સમાજના એક છોકરા સાથે મારા લગ્ન નક્કી કરવાની વાત મને જણાવી, કે જે આપણી જ કોલેજમાં ભણે છે અને સૌથી મોટી વિટંબણા એવી છે કે, એ છોકરો બીજો કોઈ નહિ પણ તારો મિત્ર વ્યોમેશ જ છે. મારા પપ્પા મમ્મી પણ આ સંબંધ માટે રાજી છે અને હું એમને દુખી નથી કરવા માગતી. વ્યોમેશ હજી આ વાતથી અજાણ છે કારણ કે એના માતાપિતા વ્યોમેશના વ્યોમેશના ૨૨માં જન્મદિન નિમિત્તે એને સરપ્રાઈઝ આપવા માગે છે, જે હવે આવતા અઠવાડિયામાં જ છે.”

આટલું વાંચીને વ્યોમેશના પણ પગ તળેથી જમીન ખસી ગઈ અને બંને મિત્રો એકબીજાની આંખમાં આંખ નાખીને બોલ્યા વગર લાગણી વહાવતા રહ્યા.

આગામી અઠવાડિયામાં વ્યોમેશનો જન્મદિવસ હતો પણ એ પહેલા જ વ્યોમેશે કંઈક કરવાનું નક્કી કર્યું જેની તન્મય કે યામિની કોઈનેય ખબર નહતી. વળી યામિની તો એ પણ નહતી જાણતી કે તન્મયને મોકલેલા શબ્દો વ્યોમેશે પણ વાંચ્યા હતા.

વળતા દિવસે કોલેજમાંથી આવીને વ્યોમેશે બેગ સોફા પર મુક્યું અને પપ્પાને સાદ પાડ્યો,

“પપ્પા! ક્યાં છો? અહી આવોને કામ છે..”

કરસનભાઈ તરત જ કામ છોડીને સોફા પર આવીને વ્યોમેશ પાસે બેઠા,

“બોલ બેટા! શું કામ હતું?”

વ્યોમેશ સીધો મુદ્દા પર આવ્યો,

“પપ્પા! મેં ગઈકાલે મમ્મી સાથે તમને મારી સગાઇ વિષે વાત કરતા સાંભળ્યા હતા એના વિષે જરા વાત કરવી હતી.”

“અરે યાર!! સુમન!”,પત્નીને ઉદ્દેશીને કરસનભાઈ બોલ્યા, “લે! તારી સરપ્રાઈઝ તો ખુલ્લી પડી ગઈ આજે જ!!”

“પણ પપ્પા મારી વાત તો સાંભળો..”

“હા બોલ ને પણ!”

“જુઓ પપ્પા, તમે યામિનીના કાકાને અમારા લગ્નનું વચન આપ્યું હતું એ વાતની મને કેમ ખબર પડી એ વાત જવા દો પણ હું યામિની સાથે સગાઇ નહિ કરી શકું એનો મને ખેદ છે, સોરી.”

“પણ ભાઈ પછી મારા વચનનું શું?”

“તમારા વચન કરતા ત્રણ જીવન વધારે મહત્વના છે.”

“ત્રણ જીવન!!!” કરસનભાઈ ચોંક્યા, “શું બોલે છે? જરા વિસ્તારથી બોલ.”

વ્યોમેશે બધી વાત પપ્પાને જણાવી.થોડી વાર માટે તો કરસનભાઈ પણ આવા વિચિત્ર સંયોગને સમજવા માટે વિચારમાં પડી ગયા પણ અંતે વ્યોમેશની વાત માન્યા અને તત્ક્ષણ યામીનીના પપ્પા પ્રવિણભાઈને ફોન કરી પોતાના ઘરે મળવા માટે આમંત્રણ આપ્યું.

સઘળી હકીકત વિષે માંડીને વાત કર્યા બાદ પોતાનો નિર્ણય પણ કરસનભાઈએ એમને કહ્યો અને જેના માટે પ્રવિણભાઈએ પણ સંમતિ દર્શાવી. અંતે બંનેએ તમામ પરિસ્થિતિ સમજીને યોગ્ય પગલાં લેવા માટે વ્યોમેશનો આભાર માન્યો.

એક અઠવાડીયું વીત્યું. આજે વ્યોમેશનો જન્મદિવસ હતો. કરસનભાઈ, પ્રવિણભાઈ અને વ્યોમેશ વચ્ચે થયેલી બધી વાતોથી અજાણ એવા તન્મય અને યામિની બંને વ્યોમેશના જન્મદિવસને પોતાની પ્રેમગાથાનો અંતિમ દિવસ માનીને પહેલેથી જ માનસિક રીતે સજ્જ થઈને હાજરી આપવા વ્યોમેશના ઘરે આવી પહોંચ્યા.શરૂઆતથી જ બંનેએ એકબીજાને ટાળવા માટે નિશ્ચિત અંતર જાળવી રાખ્યું હતું.

વ્યોમેશે કેક કાપીને ઉપસ્થિત અતિથીઓ તરફથી મળેલી ભેટસોગાદો સ્વીકારી અને તરત જ લાઈટમેનને ઇશારાથી બધી લાઈટ્સ બંધ કરીને પ્રોજેક્ટર ચાલુ કરવા માટે જણાવ્યું. મહેમાનો કંઈક વિચારે એના પહેલા જ થોડીવારમાં ઝગમગતી લેસર લાઈટ્સ સફેદ રંગના પડદા પર પડી અને ઉપસેલા શબ્દો કંઈક આવા હતા.

“તમારા જ જીવનમાં તમારા બંનેનું સ્વાગત છે,

તન્મયામીની”

મહેમાનો વચ્ચે ગણગણાટ થવા લાગ્યો,

“આ શું કર્યું વ્યોમેશે?”

“તન્મય અને યામિની કોણ છે?”

તન્મય અને યામિની આખી વાત સમજી ગયા અને બંનેએ વ્યોમેશની સામે જોઇને આંખના આંસુઓથી એનો આભાર વ્યક્ત કર્યો.

સ્વસ્થ થઈને વ્યોમેશે પૂછ્યું,

“બોલ તનીયા! કેવી લાગી રીટર્ન ગીફ્ટ?”

પણ એ કંઈ બોલી શક્યો નહિ અને જવાબમાં માત્ર જઈને એને ભેટી પડ્યો.

નોટબૂકનું છેલ્લું પાનું!

-ભાર્ગવ પટેલ

ઈ-મેઈલ:- bhargav.mech98@gmail.com