ઇતિ શ્રી ઉતરાયણ કથા Bhargav Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઇતિ શ્રી ઉતરાયણ કથા

ઇતિ શ્રી ઉત્તરાયણ કથા

-ભાર્ગવ પટેલ

ઈ-મેઈલ:- bhargav.mech98@gmail.com

ઉત્તરાયણ : દોરથી તંગ એવા પતંગ અને ખેંચ-ઢીલથી ઉત્તંગ થતા મનનો તહેવાર! સને ૧૦૦૦ A.D. (anno domini) માં ઉત્તરાયણનું પર્વ લગભગ ૩૧ મી ડિસેમ્બરે આવતું હતું. ઉત્તરાયણ એટલે સૂર્ય નારાયણનો મકર રાશિમાં પ્રવેશ મનાવતો ઉત્સવ. આમ તો નક્ષત્રો મુજબ દક્ષિણાયન અને ઉત્તરાયણ એવા બે શબ્દો વપરાય છે પરંતુ આ બંનેમાં ઉત્તરાયણનું મહત્વ એટલા માટે ખાસ ગણાતું હશે કારણ કે સૂર્યના ઉત્તર દિશામાં આયન (એટલે કે પ્રયાણની શરૂઆત) વખતે મહાભારતના અભૂતપૂર્વ પાત્ર એવા દેવવ્રત ભીષ્મ પિતામહે આ જ દિવસોમાં પોતાના પ્રાણ ત્યાગ્યા હતા અને વધારામાં મહારાષ્ટ્રમાં મરાઠી લોકો ગુડી પડવો પણ આ જ દિવસોમાં ઉજવે છે જે એમનું નવું વર્ષ લેખાય છે. અને તમિલીયન્સ પોંગલ મનાવે છે, જ્યારે લોહરીની ઉજવણીમાં પંજાબીઓ વ્યસ્ત બને છે. કદાચ ખ્યાલ ન હોય તો ઉત્તર પ્રદેશના લોકો આ જ દિવસને ‘ખીચડી’ તરીકે ઉજવે છે જ્યારે કાશ્મીરની ખીણોમાં આ જ દિવસ ‘શિશુર સાએન્ક્રાંત’ તરીકે ઉમળકાભેર વધાવી લેવાય છે. આમ એક જ દિવસ આખાય ભારત દેશના વિવિધ પ્રદેશોમાં વિવિધ ઢબે અને વિવિધ નામોથી ઉજવાય છે, પરંતુ આ દિવસ આપણા ગુજરાતીઓ માટે તો ‘ધાબે’ જ ઉજવાય છે. એય ને પાકા સુરતી માંજાના દોરા સુતાવ્યા હોય અને લેટેસ્ટ ડીઝાઈન અને રીસંટ ટ્રેન્ડની આબેહુબ નકલ ઉતારતી પ્રિન્ટવાડી પતંગો કિન્ના બાંધીને મુક્ત ગગનમાં વિહરવા માટે પવનના તાલે નાચ કરતી હોય, ફીરકી પકડવાવાળી વાહે માથે સરસ મજાની ટોપી પહેરીને અને વેસ્ટર્ન કહેવાતા સન ગ્લાસીસ લગાવીને ઉભી હોય, અને ડબ્બામાં ચીકી, તલ સાંકળી, મમરાના લાડુ વગેરે જેવી સિઝનેબલ વાનગીઓ પડી હોય, આવું દ્રશ્ય જ્યારે આંખોમાં દ્રશ્યમાન થયા ત્યારે સમજી લેવું કે ભાઈ ઉત્તરાયણનો જલસો જામ્યો છે!!! ‘એ લપેટ’ ‘કાયપો છે’ ‘એ ગઈ....’ જેવા શબ્દો અને ક્યારેક ઘાંટા કાનમાં એકાદ બે દિવસ માટે ઘર કરી જાય. દરેક તહેવાર જીવન સાથે જાણે કે જોડાઈ જાય છે અને એનો એક ભાગ બની જાય છે. આપણા ભારત દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં દર મહીને લગભગ એક તહેવાર આવતો હોય છે. અમુક વાર તો આખેઆખી તહેવારની હારમાળા આવતી હોય છે. કારણ માત્ર એટલું જ કે આપણે ગુજરાતીઓ જલ્દીથી આળસુ બની જઈએ છીએ અને આપણને કંટાળો પણ વહેલો આવી જાય છે એટલે આ બધાય તહેવારો આપણા બધાયને આગામી મહિના માટે ચાર્જ કરવા આવતા હોય એવું કહી શકાય. ઉત્તરાયણ પતે પછી હોળી, હોળી પતે ત્યાં અખાત્રીજ, પછી જન્માષ્ટમી, રક્ષાબંધન, પંદરમી ઓગસ્ટ, નવરાત્રી અને પછી દિવાળી.. આ આખી ઘટમાળ દર વર્ષે ફરતી રહે છે. ઉત્તરાયણ આમ તો ઠંડીની શરૂઆત વખતનો તહેવાર, એટલે વસાણા અને સુકામેવા સાથે ઉજવાતો ‘રાજભોગી ઉત્સવ’ કહેવામાં કઈ અતિશયોક્તિ ના કહેવાય. જનરલી મેં અત્યાર સુધી મારા વડવાઓના મોઢે ઉત્તરાયણ વિષે એવું સાંભળ્યું છે કે ‘ઉત્તરાયણ પછી લગભગ લીલા શાકભાજી મળતા બંધ થઇ જાય છે’ એટલે જ આ દિવસે ઊંધિયું ખાવાનો રીવાજ પડ્યો, કે જેમાં લગભગ બધી લીલી શાકભાજીનો અનોખો સંગમ હોય છે. દરેક તહેવારને પોતાનું આગવું મહત્વ અને આગવી છાપ હોય છે અને એના વિશેની એક દંતકથા કે જે એની અમુક સમયે જ અને અમુક સંજોગે જ આવવાનું કારણ સમજાવતી હોય.મારી એક નોંધ કે જે હું દરેક તહેવાર વખતે લેતો આવ્યો છું એ જાણે એમ છે કે આપણા દરેક ઉત્સવમાં જીવન સંકળાયેલું છે. દરેક તહેવાર પછી ભલે ને એ કાળીચૌદસ પણ કેમ ના હોય, આપણને જીવન વિષે કૈક ને કૈક શીખવતો જાય છે.

આનંદના રાજેશ ખન્નાની સ્ટાઈલ થોડીક મોડીફાય કરીને કહું તો, “યે જીંદગી ભી એક પતંગ હી તો હૈ, જિસકી ડોર ઉપરવાલે કે હાથ મે હૈ”!! સુખ અને દુખ, ઢીલ અને ખેંચની જેમ આપે છે. “મારે આટલું જ એક ટેન્શન છે, એ પતે એટલે બસ પૂરું! પછી તો જીવનમાં શાંતિ જ શાંતિ”!, આવું વાક્ય લગભગ હું દરરોજ સાંભળું છું કોઈકના ને કોઈકના મોઢેથી!! તો શું તમને ખાતરી છે કે એ ટેન્શન કે જે કઈ પણ હોય એ તમારા જીવનનું છેલ્લું ટેન્શન છે?? એવું કંઈ હોતું નથી. ટેન્શન અને આનંદ બંને જીવનનાં સિક્કાની બે બાજુઓ જ છે અને એ સિક્કો જ્યારે હવામાં ઉછાળીએ એ ક્ષણમાત્ર જ ઉત્સાહની છે!! પતંગ પણ કોઈ દોરના અંકુશ હેઠળ સ્વતંત્ર વિહાર કરી શકતી નથી, એ પણ કપાયા પછી જ મુક્ત ગગનમાં વિહરી શકે છે, સાચું કે નઈ?. પછી ભલે અંતે કોઈ કાંટાળી વાડમાં જઈને એ ફસાઈ જાય કે ઇવન ફાટી પણ જાય, પણ જેટલી ક્ષણો એણે દોર નામના બંધનથી મુક્ત થઈને વિતાવી, એ જ એના માટે મુલ્યવાન હતી. તો જરાક અમથો પોરો ખાઈને, આ ઉત્તરાયણ પર પોતાને બધી ઝંઝાળથી કાપીને સ્વતંત્ર કરી જુઓ, અને ઉપરવાળાના હાથમાં દોર મૂકી જુઓ. મજા તો આવશે જ પણ સાથેસાથે કદાચ એવું પણ થાય કે તમે કદાચ કદીયે ન જોયેલા ‘તમને’ જોઈ શકો.

બીજા એક કિસ્સાને કોરીલેટ કરું તો, જ્યારે આપણે પતંગ ચગાવતા હોય ત્યારે જો એ ધાર્યા કરતા ઉંધી દિશામાં જાય તો આપણે ગોથું મરાવીને એણે સીધી દિશામાં લાવીએ છીએ, બસ આવું જ કૈક આપણી સાથે પણ થાય છે. આપણે કૈક ઉંધા રવાડે ચઢ્યા હોય અને સમય જતા ઠોકર ખાઈને સીધા રસ્તા પર આવી જઈએ ત્યારે વાગેલી એ ઠોકર ભગવાનની દોરીનો જ દોરી-સંચાર હોય છે. જયારે ભવિષ્ય વિશે આપણે કઈ કરી શકવાના નથી અને ભૂતકાળને બદલી શકવાના નથી, તો પછી વર્તમાનમાં જ જીવી લેવામાં શું વાંધો છે? મેં હમણાં એક સુવિચાર વાંચ્યો હતો જે મને ખુબ જ ગમ્યો, ‘ભૂતકાળ વાગોળવામાં અને ભવિષ્ય સુધારવામાં આપણે રચ્યાપચ્યા રહીએ અને જે હાથમાંથી છૂટી જાય છે એ જીંદગી છે’.

ગઈ ઉત્તરાયણની જ વાત કરું તો, હું મારી અગાસી પરથી પતંગ ઉડાડવામાં મશગુલ હતો અને એવામાં અચાનક મારી નજર સામેની અગાસી પર પડી. મેં જોયું કે એક ઓળખીતા ભાઈ લેપટોપ લઈને કૈક મથતા હતા. પહેલા તો મને લાગ્યું કે કદાચ ડીજેના સ્પીકરમાં લેપટોપ કનેક્ટ કરતા હતા, પણ મેં જરા ધ્યાનથી જોયું તો એ ઓફીસનું કામ લઈને બેઠા હતા. મેં બૂમ પાડી,

“ઓ (ફલાણા)ભાઈ!! આ શું અત્યારે પણ કામ લઈને બેઠા છો? મોજ કરો મોજ.. ઉત્તરાયણ છે!!”

સામેથી જવાબ આવ્યો એ સાંભળીને મને નવી લાગી,

“અરે ભાઈ ઉત્તરાયણ તો આવતે વર્ષે પણ આવશે!! ખાલીખોટી મોજ કરવામાં કામ ના રહી જવું જોઈએ”

કદાચ એમની વાત એમના મુજબ સાચી પણ હોઈ શકે પણ પોલો કોએલોનું એક સરસ વાક્ય મેં એમને ત્યારે કહેલું કે,

“જે સમય તમે થોડીક મોજ કરીને મનને આનંદિત કરવામાં પસાર કર્યો હોય તો એ સમય તમે વેડફ્યો નથી.”

મનને મારીને જીવેલું એ ખરા અર્થમાં જીવન ન ગણી શકાય. જીવન તો એવી પળોનું સંકલિત સ્વરૂપ છે કે જે પળોમાં તમે કોઈ બાંધછોડ વગર વિનાશરતે જીવન માણ્યું હોય!! ‘માની’ લેવા કરતા ‘માણી’ લેવું સાચા અર્થમાં જીવન છે. બાકી આ બધી ચિંતાઓ અને જફાઓ તો આખું આયખું પતશે ત્યાં સુધી પીછો છોડવાની નથી.

ઇતિ શ્રી ઉત્તરાયણ કથા

-ભાર્ગવ પટેલ

ઈ-મેઈલ:- bhargav.mech98@gmail.com