અછાંદસ ધાગાના કાવ્યમોતી Bhargav Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અછાંદસ ધાગાના કાવ્યમોતી

‘અછંદસ’ ધાગામાં પરોવેલા કાવ્યમોતી

-ભાર્ગવ પટેલ

ચોખવટ

કાવ્ય/કવિતા/ગઝલ વગેરે આમ તો છંદ અને અલંકારથી સુશોભિત થાય છે. પણ મારા અંગત મત મુજબ કવિતા એટલે ‘વાચકની લાગણી સાથે જોડાય અને વાચકને લેખકની એ કવિતા લખતીવેળાની પરિસ્થિતિનો ક્યાસ અપાવે એવો શબ્દસમૂહ’. સૌપ્રથમવાર મારા અનુભવોને અછંદસ કાવ્ય સ્વરૂપ આપીને તમારી સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું. આશા રાખું કે તમને આ સંગ્રહ ગમે અને તમારા કીમતી રીવ્યુ મને પ્રાપ્ત થાય.

જીવાનાન્તિકા

લાગતું હતું કે બસ! હવે હું ઉકેલાઈ જઈશ..

જીવનમરણની મડાગાંઠથી સંકેલાઈ જઈશ..

રસ્તો, જે કદાચ મારી મંઝિલ તરફ ચીંધાતો,

એના ખોળામાં અમસ્તો જ માથું મૂકી દઈશ..

બિચારો! પગ પાસે જ પડ્યો છે એમનો એમ,

જાણે કે કહે મને, ખબર તારી આપ્તને કઇશ..

મૃત્યુસુંદરી પામી જીવ મારો મોજથી કહેતો,

આવું ખાલી ખોખું કોઈક બીજું શોધી લઈશ..

મોતને જરા આદર તો આપી દે ઓ 'અપૂર્ણ',

કોને ખબર? તું મૃત્યુમાં જ જીવન શોધી લઈશ..

-ભાર્ગવ પટેલ

તારા ગયા પછી...

તારી મુસ્કુરાહટોના તેજથી દરરોજ પ્રગટતો અંતરનો એ ખૂણો,

આજે ઘોર અંધકારમય છે, તારા ગયા પછી...

તારા સાકરસમા સ્વરથી હરહંમેશ મધુરાતો અંતરનો એ ખૂણો,

આજે વિષથીય ડંખીલો છે, તારા ગયા પછી...

તારા મુખ-ચંદ્રના ઓજાસથી પૂનમ મનાવતો અંતરનો એ ખૂણો,

આજે અમાસાસ્ત્રથી દંડિત છે, તારા ગયા પછી...

તારી મુલાકાતોના અંશો હરરોજ વાગોળતો અંતરનો એ ખૂણો,

આજે બાહોની હૂંફ ઝંખે છે, તારા ગયા પછી...

ત્રાડ પાડતો હશે 'અપૂર્ણ' બની, તારા પણ અંતરનો એ ખૂણો,

જે શોધતો કદાચ મને જ હશે, તારા ગયા પછી...

-ભાર્ગવ પટેલ

કંઈક ખૂટે છે...

કહેવાતા ભૌતિક સુખ પ્રાપ્ત છતાં કશુંક ક્યાંક છૂટે છે,

ખબર નહિ કેમ? પણ જીવનમાં હજુ કંઇક ખૂટે છે.

ચારેકોર શાંતિ છે વ્યાપ્ત છતાં મન ક્યાંકથી તૂટે છે,

નજરથી છું સંતુષ્ટ પણ અંતરમાં હજુ કંઇક ખૂટે છે.

આમ જાણે કે તૃપ્ત છું છતાં મેળવવાની હિંમત જૂટે છે,

તનથી બધું પ્રાપ્ત છે પણ મન કહે હજુ કંઇક ખુટે છે.

અંતરમાં ઊંડે ડોકિયું કરતા શમણાના અંકુર ફૂટે છે,

બીજમાંથી વૃક્ષ બનાવવા છતાં હજુ કંઇક ખૂટે છે.

‘કંઇક’ જાણવાના પ્રયત્નો પૂર્ણ લાગવા છતાં ‘અપૂર્ણ’

અજાણપનાની સચોટ જાણ છતાં હજુ કંઇક ખૂટે છે.

-ભાર્ગવ પટેલ

દરિયાની દરિયાદિલી

અગાધ અદમ્ય વિસ્તરેલો, પુકારું તને દરિયો કે જળસંચયનો શાસક,

બની જાય કોઈપણ, તારા કિનારે બનતા બિખરતાં મોજાંનો આશક.

ખારાશ જાણે ઘરેણું તારું, અલંકૃત એનાથી લાગે તું જામસમો માદક,

અંતરમનના તારને સુરવતો, ઘુઘવાટો તારો જાણે સિતારનો વાદક.

‘ભરતી’વેળા મારી એડીઓ પલળે ને મરહમ લાગે પાણીની આવક,

‘ઓટ’ સૂકવે કિનારો, રેતીમાં અતીત કંડારવાનો સંકેત કરે એ જાવક.

ખબર નઈ કેમ તારા તટ પર, પનાહ લે સામુહિક નશાની આ શામક,

બાકી હું તો હજીયે નથી ભાનમાં, નીરખીને જળબિંદુ માત્રની એ ચમક.

તેં શીખવ્યું એટલું કે, કિનારાનો ઘુઘવાટ વધુ હોવા છતાંય છે નાહક,

આંતરિક શાંતિ ને વિશાળ હૃદય સિવાય બધી માન્યતાઓ છે ભ્રામક.

-ભાર્ગવ પટેલ

સડકની પેલેપાર

બારીની સરહદ વટાવી નજર મારી દોડી ગઈ,

સડકની પેલે પાર જઈ,તારી સમીપે ઢળી ગઈ.

વેરાન હતું એ સ્થાન પહેલાં,અવગણ્યું હંમેશ મેં,

ઉપવન બન્યું’તું એ આજે,તારી હયાતી માત્રથી.

ધ્રુજ્યા અંતરના તાર,વિચારો જાણે સરયુના વહેણ,

અધીરો બન્યો હું કર્ણથી,સાંભળવા તારા કહેણ.

વ્યસ્ત તો હતો આજે પણ, રોજીંદા મારા કામમાં,

ન જાણે કેમ! જીજ્ઞાસા વધી ગઈ તારા નામમાં.

એવું નથી કે સૌંદર્ય આજ સુધી નીરખ્યું ન્હોતું,

પણ વાત કંઇક ઓર હતી, તારી એ સાદગીમાં.

વળીશ પાછો! ને આપીશ તક તને પણ એકવાર,

શરત એ જ, કે હોય તારી હાજરી સડકની પેલે પાર,

-ભાર્ગવ પટેલ

સપનું એ રજનીતણું

નિંદ્રાધીન રજનીના ઝાંખા અજવાળે, આંખે જોયા દ્રશ્યો કંઈક એવા,

હતા સઘળા સ્વપ્નમાં, પણ લાગ્યા તદ્દન વાસ્તવિક જેવા.

નીરખ્યા એ ચહેરા બધા હસતાં, જે સદાય રહેતા નિસ્તેજ જેવા,

તત્ક્ષણ વિચાર્યું સપનામાં જ, કે સૌએ પહેર્યા છે નકાબ કેવા?

વણપ્રયત્ને સંકેલાયા મતભેદો જુના, કારણો જ બન્યા તારણ જેવા,

ઈશ્વર થયો મહેરબાન એવો, જાણે સફળ થઇ એની કરેલી સેવા.

સહસા જ પછી હું ઝંઝોળાયો અને ખુલ્યાં દ્વીનયન સફાળાં એવા,

જાણે પટકાયો અચાનક નભથી ધરા પર ને પડ્યા ઘા શૂળ જેવા.

હતું બધું એમનું એમ, એ જ મતભેદો અને એ જ ચહેરા નિસ્તેજ જેવા,

સ્વપ્ન હતું ‘અપૂર્ણ’ કે પછી આયખું આખું જ છે સંઘર્ષપૂર્ણ સેહવા?

-ભાર્ગવ પટેલ

પ્રવાસ

અમસ્તા જ અનુભવોની શાલ ઓઢી, નામ આપ્યું એને પ્રવાસ

કાંઈ કર્યા વગર જ કંઈક મેળવવાનો અંદાજ હતો કંઈક ખાસ.

અજાણ્યા રસ્તાઓએ મને શોધ્યો કે મેં જ રાખી’તી એવી આશ,

પરિચિતોનો ઓછાયો હટ્યો ને દીઠો આગંતુકોનો સ્નેહ-ઉજાસ.

માર્ગના રંગમંચ પર કઠપૂતળી જેવા અમે ને માથે હતું આકાશ,

ઉજ્જ્વલિત થયા દેહ અમારા, પીને પવનનો પાવન પ્રકાશ.

રસ્તા સાથેની હોડમાં, નિર્દિષ્ટ સ્થાન પામ્યું હળહળતો રકાસ,

માપદંડની તો કોને ખબર! પણ હજુય જારી છે એની તપાસ.

મનની ઉત્કટતાથી તરબતર જાણે પાંસરી કરેણની પુમાસ,

સ્થાનોની સૂચી પૂર્ણ, છતાય ‘અપૂર્ણ’ છે ઊર્મિઓની સુવાસ,

  • ભાર્ગવ પટેલ
  • ખુશ્બુ

    મૂંઝવણ એટલી કે શરૂઆત કરું ક્યાંથી સમજાય નહિ,

    પણ જો થયો આરંભ તો ચોક્કસ ક્યાય અટકાય નહિ.

    તારા સ્વભાવની બદલીઓ આમ તો અનુભવાય નહિ,

    પણ ચહેરા પરના તારા ભાવ થકી તે સંતાય નહિ.

    કઈ વાત મારી તું સમજે અને શું સમજે અનુમાય નહિ,

    પણ જયારે સમજે ત્યારે મળેલી પ્રતિક્રિયા ભૂલાય નહિ.

    કદાચ તારું મન એમ કહે કે કોઈ વાત મને કહેવાય નહિ,

    પણ હા! એ વાતથી તારી ઉદાસી મારાથી સહેવાય નહિ.

    ‘ખુશ્બુ’ નામે સુગંધ તું, આમ તો જલ્દી પરખાય નહિ,

    પણ જો નાકને સ્પર્શી તો ચીરકાળ સુધી ત્યજાય નહિ.

    હું અને મારી એકલતા

    હું અને મારી એકલતા, ઝઝૂમીએ બંને એકલા

    શોધીએ બેય એકસાથ, કોઈની સંગતની એ કલા.

    મોકળાશ ઘણી, છતાં પહોચના માર્ગ કેમ સાંકળા?

    પૂછું ખુદને સવાલો ને આપું જાતે જ જવાબો બેબાકળા.

    બોલેલા મારા જ શબ્દોના નિઃશબ્દ રહે છે પડઘા,

    ઝબકીને જાગું કોઈવાર,પણ વ્યર્થ જ ફેરવું છું પડખા.

    કલમને મારી કહેતો,શું જાણે તું સ્થિતિની વિકરાળતા!

    સળગે છે આસપાસમાં જ, વિચારો મારા ભડભડતા.

    ‘અપૂર્ણ’ દીસે કોઈના આપેલા એ વચનોની પોકળતા

    આવીને મળશે કોઈ નિઃસંદેહ, જે હરશે મારી એકલતા.

    -ભાર્ગવ પટેલ

    કળિયુગી હકીકત

    કેમ તું વિચારે એવું કે કોઈ છે જે તારું વિચારે,

    સૌ ભુલે ભલે તને, પણ એ પોતાનું જ વિચારે.

    આમ ને આમ તો તું લુંટાઈ જઈશ સદાચારે,

    કોઈ નહિ આવે વ્હારે ઘમંડી એના દુરાચારે.

    ભ્રમમાં બહુ મજા નથી, છેતરાઈશ દરેક કરારે,

    ઉભા જ છે ઘણા ‘ભલા’નો લાભ લેવા કતારે.

    પંખી સમાન જીવન ભલે તું જીવવા દુલારે,

    સપનાની પાંખો કાપવા ઘણા કુલ્હાડી ઉલાળે.

    કહેતો’તો એટલું જ કે ભલે તું તારી ભૂલ સ્વીકારે,

    પણ તારા એ સ્વીકારને પણ આ દંભી જગ નકારે.

    અનુભવ એ બીજા પ્રેમનો

    આકાર એ રંગોળીનો, રહે છે પહેલા જેવો જ,

    પણ રંગ એમાં અલગ પુરાઈ જાય છે

    મારા અનુભવ મને જ કહી જાય, કે

    હા! પ્રેમ બીજીવાર પણ થાય છે.

    સ્થાન 'કોઈક'નું, કોઈક બીજું પણ લઇ જાય છે,

    પછી ભલે ને! એ તું હોય કે હું, પણ

    હા! પ્રેમ બીજીવાર પણ થાય છે.

    જિંદગી આખીય, બે ભાગમાં વિભાજીત થાય છે,

    તમે માનો ન માનો, પણ હું 'માણું', કે

    હા! પ્રેમ બીજીવાર પણ થાય છે.

    કોઈ સાથેનું અંતર, કોઈકનાથીય વધુ ઘટી જાય છે,

    ઘટતા ઘટતા એટલા નજીક અવાય, કે

    હા! પ્રેમ બીજીવાર પણ થાય છે.

    વિચારો ફરી લાગણી બની કોઈ પર વરસી જાય છે,

    લાગણી પણ એટલી તીવ્ર હોય! માનશો??

    હા! પ્રેમ બીજીવાર પણ થાય છે.

    સરવૈયું કાઢતાં 'અપૂર્ણ'થી 'પૂર્ણ' થઇ જવાય છે,

    અને પૂર્ણિમા જેમ અજવાળી જવાય છે કે,

    હા! પ્રેમ બીજીવાર પણ થાય છે.

    -ભાર્ગવ પટેલ

    ‘અછંદસ’ ધાગામાં પરોવેલા કાવ્યમોતી

    -ભાર્ગવ પટેલ