પેલી છોકરી Kevin Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પેલી છોકરી

ગાડી નીચેથી રાજુ બહાર આવ્યો.એક હાથમાં અલગ અલગ સાઈઝના પાના-પકડ અને એક સ્ક્રુ ડ્રાઈવર હતું.શર્ટ એકદમ મેલો હતો.ઓઈલના ડાઘા વાળો....જીન્સ એટલું ઝાંખું પડી ગયું હતું કે મૂળ રંગ કયો છે એ ખબર જ ન પડે.એના નગ્ન પગ પણ ઓઈલ અને માટીના મિશ્રણમાં રગદોળાયેલા હોય એવા લાગતા હતા.

રોડની સામે એક બસ સ્ટોપ હતું.કોલેજના વિદ્યાર્થીઓ ઉભા હતા.ત્યાં છોકરીઓનું એક ટોળું ઉભું હતું.એમાંથી એક છોકરી ખડખડાટ હસતી હતી.પહેલા એકલી એકલી હસતી હતી.પછી રાજુ સામે આંગળી ચીંધીને આજુબાજુ ઉભેલી તેની બીજી સખીઓ સાથે વધુ ખડખડાટ હસવા લાગી.રાજુનું ધ્યાન એ તરફ ગયું.એ લોકોને હસતા જોઇને પોતાની નજર પોતાના પગથી લઈને જેટલી ઉપર આવે એટલી ઉપર લાવીને જોયું.એને તો કઈ હસવું ન આવ્યું.પછી ફરી સામેની તરફ જોયું પણ ત્યાં તો સામે આખું બસ સ્ટોપ ઢંકાઈ જાય એમ એક બસ આવીને ઉભી રહી.બસ આગળની તરફ ચાલતી થઇ.સામે ઉભેલા સૌ કોઈ બસમાં ચડી ગયા હતા.પેલી છોકરી પણ....રાજુ ત્યાં જ જડાઈને ઉભો હતો....પેલી છોકરી જાણે એનું મધુર હાસ્ય અહી જ મૂકતી ગઈ હોય એવું લાગ્યું..એ છોકરી હસતી હતી ત્યારે વાહનોના ઘોંઘાટમાં એનું હાસ્ય તો સંભળાતું નહોતું પણ એના ચહેરાના હાવભાવ પરથી એના હાસ્યનું સંગીત અનુભવી શકાય એવું હતું.

બસ અને પેલી છોકરીઓનું ટોળું ગયું પછી રાજુ ગેરેજની અંદર ગયો.બીજા લોકો પણ એની સામે જોઇને હસવા લાગ્યા.રાજુને હજુ ખબર નહોતી પડતી કે બધા કેમ એની પર હસતા હતા.?."
અરે ...આજ અચાનક ચાર્લી ચેપ્લિન કેમ બની ગયો?."ગેરેજના એક બીજા કર્મચારીએ રાજુની પાસે આવીને કહ્યું.એને હાથમાં રાખેલું કપડું રાજુની મૂછો વાળા ભાગ પર ફેરવ્યું.અને ગાડીના ઓઈલથી બનેલી પેલી ચાર્લી ચેપ્લીન જેવી મુછ લુંછી નાખી.રાજુ ત્વરાથી ગેરેજમાં રાખેલા એક નાનકડા તૂટેલા અરીસા પાસે ગયો.અરીસામાં જોઇને રાજુએ મૂંછોવાળી જગ્યા પર હાથ ફેરવ્યો.હવે એને સમજાયું કે બધા કેમ હસતા હતા.??...રાજુએ પણ અરીસામાં જોઇને એક હળવું સ્મિત કર્યું.

બીજે દિવસે સવારે પણ કોલેજના વિદ્યાર્થીઓ રોજની જેમ જ ઉભા હતા...પેલી છોકરી પણ તેની સખીઓ સાથે ત્યાં જ હતી.એ છોકરીએ આજ આછા ક્રીમ કલરનો કુર્તો અને સફેદ પાયજામો પહેરેલા હતા.બંને કાનમાં ચાંદીના રંગના ઝૂમકા લટકતા હતા.એની પાણીદાર આંખોમાં નીચેની પાંપણ પર કાળા રંગનું આઈ લાઈનાર લગાવેલું હતું અને કપાળની એકદમ મધ્યમાં એક પૂર્ણવિરામ જેવડી નાનકડી બિંદી હતી.પરવાળા જેવા એના ગુલાબી હોઠ પર આછું સ્મિત હતું .એની અણિયારી આંખોમાં પણ એવું જ સ્મિત ચમકતું હતું.

રાજુ ગેરેજની બહાર ઉભડક પગે બેસીને બાઈક રીપેર કરી રહ્યો હતો.એણે પાછળ ફરીને જોયું.પેલી છોકરી હજુ બસની રાહ જોતી ત્યાં જ ઉભી હતી.રાજુ ટગર ટગર એની સામે જોઈ રહ્યો.પેલી છોકરીએ પણ એની સામે જોયું.બંનેના હોઠ પર એક સાથે સ્મિત ફરક્યું.બંનેની વચ્ચે બસ આવી.રાજુ ઉભો થયો.છોકરી બસમાં ચડી ગઈ.બસ તેના ધુમાડાના ગોટા ત્યાં જ મુકીને પેલી છોકરીને લઈને ચાલી ગઈ.પછી તો રોજ લગભગ પેલી છોકરીનું સ્મિત રાજુનો દિવસ સુધારી દેતું.

****

સુરજ હજુ સીમાઓ તોડીને આકાશમાં પ્રકાશ પાથરવા આવ્યો જ હતો.પક્ષીઓ હજુ કલરવ કરતા આકાશમાં વિહરતા હતા.શહેરની સવારનું જીવન હજુ ધીમે ધીમે ગતિ પકડીને બપોરે તરફ જઇ રહ્યું હતું.બસ સ્ટોપ પર પણ કોલેજના વિદ્યાર્થીઓની ભીડ વધતી જતી હતી.લગભગ બધાજ કોલેજના વિદ્યાર્થીઓ હાથમાં પુસ્તક લઈને ગંભીરતાથી વાંચી રહ્યા હતા.એના પરથી લાગ્યું કે કોલેજની પરીક્ષાઓ ચાલુ હતી.
ગેરેજમાં પણ બહુ ઓછા લોકો દેખાતા હતા.ગેરેજના માલિકને આવવામાં હજુ ૨-૩ કલાક જેટલો સમય હતો.

રાજુ મોટરગાડી રીપેર કરતો કરતો વારંવાર પાછળ ફરીને જોતો હતો..પેલી છોકરી હજુ આવી ન હતી.રાજુ ઉભો થઈને કારનો આગળનો દરવાજો ખોલીને ડ્રાઈવરની સીટ પર ગોઠવાયો.ગાડીના કાચમાંથી એ વારંવાર સામે બસ સ્ટોપ પર નજર નાખતો પણ પેલી છોકરી હજુ ન દેખાઈ.બસ પણ આવીને ઉભી રહી.બધા એક પછી એક ઝડપથી બસમાં ચડી રહ્યા હતા.બસ મુસાફરોને ભરીને ચાલતી થઇ.રાજુને લાગ્યું કે કદાચ પેલી છોકરી એના ધ્યાન બહાર નીકળી ગઈ હશે.એ ગાડીની બહાર આવ્યો.સામેની તરફ નજર કરી.કોઈ દેખાયું નહિ...હજુ એ પાછી નજર ફેરવવા જ જતો હતો કે એની નજર પેલી છોકરી પર પડી.દુરથી એ દોડીને આવી રહી હતી.બસ સ્ટોપ પર આવીને ઉભી રહી.એકદમ બેબાકળી બની ગઈ હોય આવું લાગ્યું.રાજુએ એની સામે જોયું.એને ખબર પડી ગઈ કે એ છોકરી બસ ચુકી ગઈ છે.

કઈ સુઝે એ પહેલા જ એ ઝડપભેર ગાડીમાં બેઠો અને ગાડી હંકારી મૂકી.યુ ટર્ન લઈને એ ગાડી બસ સ્ટોપ સામે લઇ આવ્યો અને પેલી છોકરીની સામે લાવીને ઉભી રાખી દીધી."
ચાલો...હું તમને મૂકી જાઉં." રાજુએ ગભરાતા સ્વરે કહ્યું..પેલી છોકરી સહેજ અચકાઈ અને થોડું અજુગતું પણ લાગ્યું.પણ એ ના ન કહી શકી.કોલેજની ફાઈનલ યરની એક્ઝામ ચાલુ હતી અને આજે છેલ્લું પેપર હતું.તેની પાસે ન જવા માટે કોઈ કારણ જ ન હતું.
છોકરી આવીને આગળની સીટ પર ગોઠવાઈ ગઈ.રાજુએ ગાડી હંકારી મૂકી.બંને વચ્ચે રસ્તામાં જાણે મૌન સંવાદ ચાલતો હતો.કોલેજ હવે નજીકમાં જ હતી.
" આજે અમારે છેલ્લું પેપર છે....અને કોલેજનો પણ આજ છેલ્લો જ દિવસ છે અને સાલી આજે જ બસ છુટી ગઈ .."છોકરી એકલી એકલી બોલી..રાજુને પણ સંભળાયું.પણ એણે સામે જોઇને માત્ર હળવું સ્મિત કર્યું.
પેલી છોકરી જેમ રસ્તો ચીંધતી ગઈ એમ રાજુ ગાડી હંકારતો ગયો.કોલેજના ગેટ સામે આવીને ગાડી ઉભી રહી.
" થેંક્યું સોઅઅ ...મચ...." છોકરીએ હાથ લંબાવતા કહ્યું.
રાજુના હાથ ગ્ર્રીસ અને ઓઇલના લીધે ચીકણાં થયેલા હતા.એટલે એ હાથ લંબાવી ન શક્યો.માત્ર હળવું સ્મિત કર્યું.છોકરીએ પણ સામે સ્મિત કર્યું.છોકરી કારમાંથી ઉતરીને કોલેજ ગેટની અંદર પ્રવેશી.રાજુ એને જતી જોઈ રહ્યો.એ છોકરીને સામે એક છોકરો મળ્યો.બંને ગળે મળ્યા.કદાચ એનો બોયફ્રેન્ડ હશે એવું રાજુને લાગ્યું.

રાજુએ યુ ટર્ન લઈને ગાડી પાછી ગેરેજ તરફ હંકારી મૂકી.ગેરેજમાં આવીને એ પેલા તૂટેલા અરીશા પાસે આવ્યો.કાચમાં જોયું....પોતાના ચહેરાને એકદમ નીરખીને જોયો...આંખોમાં એ જ થાક....એ જ થાકેલી ચહેરાની ચામડી...આછી દાઢી.....બધું એમનું એમ હતું.બાજુના ટેબલ પરથી એણે સહેજ કાળું થઇ ગયેલું ગ્રીસ આંગળીઓમાં લીધું અને જાતે જ ચાર્લી ચેપ્લીન જેવી મૂછો બનાવી.અને ફરીથી નીરખીને પોતાનો ચહેરો અરીશામાં જોયો..આ વખતે એક સ્મિત પણ હતું ચહેરા પર........