Aavakaro books and stories free download online pdf in Gujarati

આવકારો

આ આવકારો છે...

ઃ લેખક :

યશવંત ઠક્કર

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as NicheTech / Gujarati Pride.


Gujarati Pride / NicheTech has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


NicheTech / Gujarati Pride can challenge such illegal distribution / copies / usage in court.

પ્રિય વાચકજી,

આ ‘આવકારો’ એક વાર્તાસંગ્રહ રૂપે છે. ‘આવકારો’ આપનાર હું છું યશવંત ઠક્કર. ‘અસર’ પછીનો આ મારો બીજો વાર્તાસંગ્રહ છે. હું જાણું છું કે, સારી વાર્તા રચવી એ સહેલું કામ નથી. પરંતુ, મેં ખરા મનથી વાર્તાઓ રચવાના પ્રયાસો કર્યા છે. વિવિધ સામયિકોમાં એ પ્રગટ પણ થઈ છે. ઘણા વાચકોને એ ગમી છે. તમને પણ ગમશે એવી ઉમીદ છે. વાર્તાઓ રચીને મેં તો આનંદ માણ્યો છે. એ આનંદ તમારા સુધી પહોંચે એવી હોંશ છે. તો આવો પધારો, આ રહી મારી વાર્તાઓ...

અનુક્રમ

૧.ટ્રકડ્રાઈવર

૨.ફોટો

૩.લડત

૪.સંબંધ

૫.પ્રસન્નતા

૬.અપેક્ષા

૭.બીક

૮.મોટીબહેન

૯.સુખડી

૧૦.આવકારો

૧૧.ચોકડી

૧૨.અવાજ

૧૩.શિકાર

૧૪.પિયરિયાં

૧. ટ્રકડ્રાઈવર

યુવાન શરીરમાં ધસમસતા લોહીની જેમ, ટ્રક રાષ્ટ્‌રીય ધોરી માર્ગ નંબર આઠ પર દોડતી હતી.

હું ડ્રાઈવરની કૅબિનમાં ડાબી બાજુના ખૂણામાં બેઠો હતો અને ક્યારેક રસ્તા પર, ક્યારેક દૂર દૂર સુધી લંબાયેલાં ખેતરો તરફ તો ક્યારેક કૅબિનની અંદર જ મારી નજર ફેરવી લેતો હતો. મોટા કાચની આરપાર દેખાતાં કેટલાંક દૃશ્યો તો મારી આંખોમાં સમાતાં પહેલાં જ છટકી જતાં હતાં. કશી રોકટોક વગર આવતો પવન, જૂનાં સંભારણાં લઈને આવતો હતો. મને બધું જ અદ્ભુત અદ્ભુત લાગી રહ્યું હતું. વાહનોની ઘરઘરાટી કે હોર્નના અવાજો પણ મને તાલબદ્ધ સંભળાતા હતા. વાતાવરણ જ એવું હતું કે મનગમતાં ગીત હોઠ પર રમવા આવી ચડે. થોડાંક ગીતો મારા હોઠે રમવા આવ્યાં પણ ખરાં! અલબત્ત, બહુ જ હળવે હળવે!

મારી આગળ જ કૅબિનના દરવાજામાં ટ્રકનો કલીનર, પોતાનું અર્ધું શરીર દરવાજાની બહાર રાખીને બેઠો હતો. એ જરૂર પડ્યે પાછળ આવી રહેલાં વાહનોને હાથથી સાઈડ બતાવવાની ફરજ બજાવતો હતો. એનાં કપડાં ચીકણા પદાર્થો વડે ખરડાયેલાં હતાં. એના માથાના વધેલા વાળ પવનમાં ઊડ્યા કરતા હતા. હું ક્યારેક ક્યારેક એનો પૂરેપૂરો ચહેરો જોઈ શકતો હતો. મને એ ચહેરો જાતજાતની આબોહવાથી ખરડાયેલો લાગ્યો હતો. એ ખરડાયેલા ચહેરાની પાછળ રહેલો અસલ ચહેરો મારી સામે સ્પષ્ટ થતો નહોતો. પરંતુ, મેં મારા સ્વભાવ મુજબ એવી ધારણા બાંધી લીધી હતી કે એ અસલ ચહેરો, નર્યા કલીનરનો જ નહીં; એક ભાઈ, દીકરા, બાપ કે પ્રિયતમનો પણ હશે.

મારી જમણી બાજુએ એક મુસાફર વાતોડિયો સ્વભાવ લઈને બેઠો હતો. એનામાં રહેલા ગામડાના સંસ્કારો છાના નહોતા રહેતા. એણે મને ‘ક્યાં રહો છો?’ ને ‘ક્યાં જાઓ છો?’ જેવા પ્રશ્નો પૂછ્યા હતા. હું પોતે પણ મૂળ ગામડાનો જ માણસ હોવાથી એક જમાનામાં મને એવા પ્રશ્નોના જવાબ હોંશેહોંશે આપવાનું ગમતું હતું. પરંતુ, શહેરમાં લાંબો વસવાટ કર્યા પછી, મને અજાણ્યા સાથે વધારે વાતચીત કરવાના જોખમોથી દૂર રહેવાની ટેવ પડી ગઈ હોવાથી મેં એને ટૂંકા ને ટચ જવાબો આપ્યા હતા. વાતચીતમાં નહિ ઊતરવાની મારી ઇચ્છાને એ માણસ સમજી ગયો હશે, તેથી એણે પોતાની બીજી બાજુએ ખૂણામાં બેઠેલા એક ભરવાડ સાથે વાતચીત શરૂ કરી હતી.

ભરવાડ પોતાના બંને પગ બેઠક પર જ રાખીને, જાણે પોતાના ઘરની ઓસરીમાં ખાટલે બેઠો હોય એમ નિરાંતે બેઠો હતો. એનો ડંગોરો, ડ્રાઈવરે પહેલેથી જ કૅબિનના આગળના ભાગમાં મુકાવી દીધો હતો. એના ચહેરા પર સુકાઈ ગયેલી નદીઓ જેવી કરચલીઓ પડી ગઈ હતી. બંને ગાલમાં પડેલા ખાડા એના મોઢાના અંદરના ખાલીપાની ચાડી ખાતા હતા. ઘેટાંનો રંગ ધરાવતી મૂછો, એની ઉંમરને માન આપતી હોય એમ નીચે તરફ ઝૂકી ગયેલી હતી. ટ્રકની ઝડપ અને વારંવારના આંચકા છતાંય એના માથા પરનો લાલ ફેંટો અડીખમ રહેતો હતો. એ ભરવાડ પોતાની આંખોમાં, ઘેટાંબકરાંની સાથે વિતાવેલી જિંદગીને સાચવીને બેઠો હોય એમ લાગતું હતું.

મારી બાજુમાં બેઠેલા માણસે પોતાના ખિસ્સામાંથી બીડીની જૂડી ને બાકસ કાઢ્યાં. એણે બીડીવાળો હાથ ડ્રાઈવર તરફ લંબાવ્યો પણ ડ્રાઈવરે ઇશારાથી ના પાડી. એણે કલીનર તરફ હાથ લાંબો કર્યો તો કલીનરે પણ ના પાડી. મારી અનિચ્છાને સમજી ગયો હોય એમ એણે મને આગ્રહ કર્યો નહિ. છેવટે ભરવાડે એનું માન રાખ્યું.

થોડીવારમાં જ કૅબિનમાં તમાકુની ગંધ ફેલાઈ ગઈ. એ ગંધ મને મારા ગામડે લઈ ગઈ. શિયાળાની રાત્રે કોઈને ત્યાં સત્યનારાયણની કથા ચાલતી હોય ત્યારે; દૂર ફળિયામાં ખાટલે બેઠેલા ગામના દરબારો, કુંભારો કે આહીરો તમાકુની આવી જ ગંધ ફેલાવર્તાીં. એ બધું મને સાંભરી આવ્યું.

હું મારા ગામલોકોના ચહેરાઓને યાદ કરવાની રમતે ચડ્યો. નાના ને મોટા, સીધા ને માથાભારે, નબળા ને ખમતીધર એવા કૈંક લોકોના ચહેરાઓને હું એક પછી એક યાદ કરવા લાગ્યો. એ દરમ્યાન મારાથી એ છાનું ન રહ્યું કે, ડ્રાઈવરે મારા ચહેરા તરફ એક નજર નાખી લીધી હતી. એટલું જ નહિ, એણે પોતાના હોઠ પણ મલકાવી લીધા હતા.

ડ્રાઈવર મજબૂત બાંધાનો હતો. એણે લુંગી અને ભડકામણા રંગવાળું ખમીસ પહેર્યાં હતાં. એની દાઢી વધેલી હતી અને મૂછો વળ ચડાવેલી હતી. એનો ચહેરો ટ્રકડ્રાઈવર માટે જરૂરી એવા હાવભાવથી ભરેલો અને ડરામણો હતો. એની મોટી આંખોમાં થાક, કંટાળો ને ઉજાગરો જાણે કે કાયમી ધામો નાખીને પડ્યા હતા. છતાંય એના સ્નાયુબદ્ધ હાથ એની શક્તિ અને સહનશીલતાનું પ્રદર્શન કરતા હોય એ રીતે સ્ટીયરિંગ પર ગોઠવાયેલા હતા. એના વાળ ટૂંકા અને ઊભા ઓળેલા હતા. એણે કપાળ પર મોટો રૂમાલ બાંધેલો હતો. એને જોઈને જ મને એવું લાગતું હતું કે એ ટ્રકડ્રાઈવર જ થવા સર્જાયેલો હતો.

ટ્રકડ્રાઈવર ખાસ બોલતો નહોતો. ટ્રાફિકમાંથી રાહત મળે ત્યારે કલીનર સાથે ડીઝલની કે ટ્રકની મરામત અંગેની કે પછી પાછળ રહી ગયેલી કોઈ ગાડી બાબતની ટૂંકી વાતચીત કરી લેતો હતો. એનો અવાજ પણ એના શરીરને શોભે એવો બુલંદ હતો.

ટ્રકડ્રાઈવર અને કલીનર બંને પોતપોતાની દુનિયામાં એટલા મશગૂલ લાગતા હતા કે જાણે ટ્રકમાં બેઠેલા મુસાફરોનું એમની નજરમાં કોઈ અસ્તિત્વ જ નહોતું.

પણ ના, સાવ એવું નહોતું. ટ્રકડ્રાઈવરની નજરમાં મારું અસ્તિત્વ તો હતું જ. એણે પોતાની અણીદાર નજર મારા ચહેરા પર નાખી હતી. જે મારા ધ્યાનમાં આવી ગયું હતું. વળી એણે પોતાના હોઠ પરનો મલકાટ છુપાવવા ધાર્યો હોય તો પણ મારાથી છૂપો રહ્યો નહોતો.

ત્યારબાદ એની એવી નજર, મેં એક નહિ પણ ત્રણત્રણ વખત પકડી પાડી. ને ત્રણેય વખતના એના હોઠ પરના મલકાટે મને ગડમથલમાં મૂકી દીધો. મને થયું કે નક્કી, ‘મારા ચહેરા પર એવું કશું છે જે જોઈને ડ્રાઈવર વારંવાર મલકાય છે.’ મેં મારા ચહેરા અને માથા પર મારો હાથ સહજતાના ડોળ સાથે ફેરવી લીધો. પરંતુ, મારા હાથમાં કશું જ વાંધાજનક આવ્યું નહિ. ‘ડ્રાઈવર શું જોઈને પોતાના હોઠ મલકાવતો હશે?’ એ પ્રશ્ન મારા મનને મૂંઝવવા લાગ્યો.

હું અટકળો બાંધતો હતો એ દરમ્યાન કલીનરે ભાડું ઉઘરાવવાનું શરૂ કર્યું. મારી બાજુમાં બેઠેલા બંને મુસાફરો પાસેથી ભાડું લીધા પછી એણે મારા તરફ હાથ લાંબો કર્યો. હું મારા ખિસ્સામાંથી પૈસા કાઢતો હતો એ જ વખતે ડ્રાઈવરે એને કહ્યું કેઃ ‘એમનું ભાડું નથી લેવાનું.’

હવે તો મારા આશ્ચર્યનો પાર નહોતો. હું ડ્રાઈવર તરફ એકીટશે જોઈ રહ્યો. એનું ધ્યાન ગાડી ચલાવવામાં હતું. મેં માન્યું કે એને મજાક સૂઝી હશે. બાકી, મારી પાસેથી ભાડું ન લેવાનું કોઈ કારણ નહોતું. કલીનર તો ફરીથી બારીમાં ગોઠવાઈ ગયો હતો. ડ્રાઈવર ફરીથી મારી સામે જુએ ત્યારે કારણ પૂછી લેવાની અધીરાઈ સાથે હું એમ જ બેસી રહ્યો.

ટ્રાફિકમાંથી રાહત મળતાં એણે જ મને પૂછ્યું : ‘ઓળખાણ ન પડી ને?’

‘ના.’ મેં કહ્યું.

‘આપણે બહુ વખતે ભેગા થયા છીએ. પણ હું તો તમને તમે ટ્રકમાં ચડ્યા ત્યારથી જ ઓળખી ગયો છું.’

એના ચહેરાની અંદરથી પરિચિત ચહેરાને શોધી કાઢવા માટે હું મારી સ્મરણશક્તિની ધાર કાઢતો રર્હ્યોીં

‘તમે ભણવામાં દર વર્ષે પહેલો નંબર લાવતા હતા ને?’ એણે પૂછ્યું.

‘હા.’ મારાથી હસી પડાયું.

‘તમારી યાદશક્તિ તો બહુ તેજ હતી ને?’ એણે હસતાં હસતાં પૂછ્યું. એના પ્રશ્નમાં રહેલી મજાક મારાથી છાની ન રહી.

‘હા.’ મારે જવાબ આપવો પડ્યો.

‘પણ હું તો ડફોળ હતો. અબઘડી વાંચેલું અબઘડી જ ભૂલી જાઉં એવો.’ એણે કહ્યું.

ટ્રાફિકના કારણે અમારી વાતચીત અટકી ગઈ. મને માત્ર એટલો ખ્યાલ આવ્યો કે, આ માણસ ક્યારેક મારી સાથે ભણ્યો હશે.

... મને કશું ચોક્કસ યાદ આવતું નહોતું. મેં એટલાં ગામો ને એટલી નિશાળો બદલી હતી કે સાથે ભણનારા તમામને યાદ રાખી શક્યો નહોતો. કેટલાકનાં નામ યાદ હતાં તો એમના ચહેરા ભૂલી ગયો હતો. તો વળી કેટલાક ચહેરા યાદ હતા તો એમનાં નામ ભૂલી ગયો હતો.

‘તમારે ક્યાં ઊતરવું છે ’ એણે મને પૂછ્યું.

‘કરજણ ચોકડી.’ મેં કહ્યું.

‘થોડી વાર છે. ત્યાં સુધીમાં યાદ કરો. આપણે જયહિંદ વિદ્યાલયમાં આઠમું ને નવમું ધોરણ સાથે ભણ્યા હતા.’

એણે મોટાભાગનું રહસ્ય ખોલી નાખ્યું હતું. હવે હું એને ન ઓળખી શકું તો એ મારી ભયંકરમાં ભયંકર નિષ્ફળતા હતી. મારી સાથે આઠમા અને નવમા ધોરણમાં ભણનારા વિદ્યાર્થીઓને હું યાદ કરવા લાગ્યો. મને કેટલાક ચહેરા યાદ આવ્યા પરંતુ એ ચહેરાઓનો ડ્રાઈવરના ચહેરા સાથે મેળ ખાતો નહોતો.

કરજણ ચોકડી નજીક ને નજીક આવી રહી હતી. હું વીસ વર્ષો પહેલાંના સમયમાં ડૂબકી મારીને તેમ જ મારી તમામ માનસિક શક્તિને દાવમાં મૂકીને ડ્રાઈવરને ઓળખી કાઢવા માટે ઝઝૂમવા લાગ્યો. પરંતુ, ડ્રાઈવરના ચહેરા સાથે મેળ ખાય એવો ચહેરો યાદ આવવાના બદલે બીજા જરૂર વગરના ચહેરાઓ મારા સ્મરણપટ પર આવીને મને ડોકવવા લાગ્યા. મારી સ્થિતિ ખૂબ જ દયાજનક થઈ ગઈ હતી.

નજર સામે કરજણ ચોકડી દેખાતાં જ મેં મારા પ્રયત્નો પડતા મૂકીને કહી દીધું : ‘યાર, ઓળખાણ નથી પડતી.’

‘હત્ત તેરીકી!’ એણે પોતાના કપાળ પર હાથ પછાડ્યો ને ચોકડી પાસે રસ્તાની સહેજ બાજુમાં ટ્રક ઊભી રાખી દીધી.

‘હું શંકર ડી. રાઠોડ.’ એણે હસી પડતાં કહ્યું : ‘હું તમારી પાછળની પાટલી પર બેસતો હતો. તમારામાંથી ચોરી કરી કરીને પાસ થતો હતો.’

‘અલ્યા. શંકર તું!’ મેં ઊભા થતાં કહ્યું. મારી નવાઈ અને ખુશીનો પાર નહોતો. મારી સાથે ભણનારો એક શરારતીમાં શરારતી છોકરો પૂરાં વીસ વર્ષો પછી એક ટ્રકડ્રાઈવર તરીકે મારી નજર સામે હતો. એ ઘણો બદલાઈ ચૂક્યો હતો અને મારાથી ઓળખાયો નહોતો.

‘યાર શંકર, તું તો સાવ બદલાઈ ગયો છે! જરાય ઓળખાય એવો નથી રહ્યો.’ મેં કહ્યું.

‘તમે પણ ક્યાં નથી બદલાયા? તોય હું ઓળખી ગયોને?’ એણે કહ્યું. એણે જાણે મૂછોને વળ દેવાનું જ બાકી રાખ્યું હતું.

નીચે ઊભેલા મુસાફરો અને કલીનર, હું નીચે ઊતરું એ માટે અધીરા થઈ ગયા હતા. શંકર સાથે વધારે વાતો થાય એવા સંજોગો જ નહોતા. એ પોતે પણ ઉતાવળમાં હોવાનું સમજી શકાતું હતું. હું એની સાથે હાથ મેળવીને નીચે ઊતરી ગયો. નીચે ઊભેલા લોકો ટ્રકમાં ચડી ગયા પછી મારી અને શંકરની નજર એક થઈ. એણે હાથ ઊંચો કરીને ‘આવજો’ કહ્યું. મેં પણ સામો હાથ ઊંચો કર્યો ને એણે ટ્રક ઉપાડી.

હું ટ્રકને જતી જોઈ રહ્યો. ટ્રકની પાછળ ‘ફિર મિલેંગે’ એવું લખ્યું હતું, પરંતુ, ક્યાં મળવું એની નહોતી શંકરને ખબર કે નહોતી મને. ટ્રક દેખાતી બંધ થઈ એટલે મેં પગ ઉપાડ્યા.

હવે... હું હતો, મારું મન હતું ને મનમાં શંકરનો સણસણતા તીર જેવો સવાલ હતોઃ ‘તમારી યાદશક્તિ તો બહુ તેજ હતી ને?’

[સમાપ્ત]

૨. ફોટો

‘દરેક વ્યક્તિના ઘરમાં એનો પોતાનો મોટા કદનો એકાદ ફોટો તો અવશ્ય હોવો જોઈએ.’ હઠીલા વીમા એજન્ટ જેવો આ વિચાર બળવંતરાયના મનમાં વારંવાર આવી ચડતો હતો.

બળવંતરાયને પ્રથમ વખત આ વિચાર એમના સ્વર્ગસ્થ ફુઆના બેસણામાં આવેલો. ફુઆએ જિંદગીભર ધંધો કર્યો હતો. ધંધો એમના માટે શ્વાસોશ્વાસ જેવી સ્વાભાવિક પ્રક્રિયા હતી. વળી, એમને ધંધા સિવાયની બીજી કોઈ વાતોમાં ખાસ રસ પડ્યો જ નહોતો. દુકાનમાં ગાદીતાકીયે બેઠાં બેઠાં જ એમણે પોતાની જિંદગીનું ખાતું બંધ કર્યું હતું. ફુઆ પોતાનાં કુટુંબ માટે લીલી વાડીના નામે ઘણું ઘણું મૂકી ગયા હતા. પરંતુ નહોતા મૂકી ગયા એમનો પોતાનો મોટા કદનો એકાદ ફોટો. ધંધાની ઉથલપાથલમાં રચ્યાપચ્યા રહેનાર ફુઆના ધ્યાનબહાર એ વાત જ રહી ગઈ હતી કે- ક્યારેક તો પોતાના શ્વાસોશ્વાસ પર મંદીનું મોજું ફરી વળશે અને પોતાના ખુદના ભાવ તળિયે બેસી જશે. નફાતોટાની અખંડ ચિંતા કરનાર ફુઆએ ક્યારેય એ વાતની ચિંતા જ નહોતી કરી કે-‘મારા બેસણા ટાણે દીકરાઓ હાર કોને પહેરાવશે? દીવો કોને કરશે? બગલાની પાંખ જેવાં ઉજળાં કપડાં પહેરીને આવનારાં લોકો એમના હાથ કોના ફોટાને જોડશે?’

ફુઆના બેસણાની તૈયારી વખતે જ એ રહસ્ય બહાર આવ્યું હતું કે એમનો, બેસણાને લાયક એવો એકાદ ફોટો પણ ઘરમાં નથી. એમના દીકરાઓ નિરાશ થઈ ગયા હતા. ‘અરેરે! બાપુજીનો એકાદ સારો ફોટો પણ તમારા ઘરમાં નથી? હદ કહેવાયને?’ લોકોની આવી ટીકાનો એમની પાસે કોઈ જવાબ નહોતો. એમના ઘરમાં કે ધંધામાં ‘બાપુજી’ના કહેવા પ્રમાણે જ બધું થતું હતું. ને ‘બાપુજી’એ ક્યારેય પોતાનો મોટો ફોટો તૈયાર કરવાનું કહ્યું જ નહોતું. એ દિવસે બધાં કુટુંબીજનોએ, ‘બાપુજી’ના ન હોવાના દુઃખથી વિશેષ દુઃખ, ‘બાપુજીનો ફોટો’ ન હોવાનું અનુભવ્યું હતું.

બેસણાનો સમય નજીકને નજીક આવી રહ્યો હતો. બળવંતરાય ફુઆના ફોટાની રાજ જોઈ રહેલી સજાવેલી-ધજાવેલી ખુરશીને વિચારોની ઉથલપાથલ સાથે જોઈ રહ્યા હતા.

કિમતી જણસ ખોવાઈ ગઈ હોય અને જેવા ખાંખાંખોળા થાય એવા ખાંખાંખોળા ફૂઆનો ફોટો શોધવા માટે ઘરમાં થવા લાગ્યા. પણ, ફોટો હોય તો હાથમાં આવેને? એ વખતે તો બધાંના જીવ અધ્ધર થઈ ગયા હતા. બેસણામાં ફોટો ન હોય તો તો ડૂબી મરવા જેવું થાયને?

ત્યાંતો, મોટા દીકરાની વહુએ એક આલ્બમમાંથી ‘બાપુજી’નો એક નાનકડો ફોટો શોધી કાઢ્યો હતો. દીકરાઓએ સંકોચસહ એ નાનકડા ફોટાને ખુરશીમાં પધરાવ્યો હતો. મોટા હારમાંથી નાનો હાર કરીને ફોટાને ચડાવ્યો હતો, દીવો કર્યો હતો ને હાથ જોડ્યા હતા.

.. ને બેસણામાં લોકો આવવા લાગ્યા હતા.

ખુરશીમાં પધરાવેલા નાનકડા ફોટાનું હોવું, ન હોવા બરાબર હતું. આથી ઘણાંને ખુરશી ખાલી હોવાનો ભ્રમ થતો હતો. સમગ્ર બેસણા દરમ્યાન બળવંતરાય માટે આ પરિસ્થિતિ, પોતાના મોટા કદના ફોટા અંગે કશું ગંભીરતાથી વિચારવાનું કારણ થઈ પડી હતી. લોકોની ગુચપુચ એમણે સરવા કાને સાંભળી હતી. ગુચપુચનો સાર એ હતો કે- ‘આવડા મોટા શેઠનું બેસણું ને આવડો નાનો ફોટો!’

ફુઆના બેસણામાં બેઠાં બેઠાં જ બળવંતરાયે પોતાના બેસણાની કલ્પના કરી હતી. ઘરમાં પોતાનો મોટા કદનો એકેય ફોટો નથી એ હકીકતથી પોતે ધ્રૂજી ઊઠ્‌યા હતા. ‘દરેક વ્યક્તિના ઘરમાં એનો પોતાનો મોટા કદનો એકાદ ફોટો તો અવશ્ય હોવો જોઈએ.’ એ તત્વજ્ઞાનની પ્રાપ્તિ એમણે એ જ ક્ષણે થઈ હતી. પોતાનું બેસણું હશે ને પોતાનો મોટો ફોટો નહીં હોય ત્યારે દીકરાઓએ કેવી દોડાદોડી કરવી પડશે એવી એમની ચિંતામાં જ ફુઆનું બેસણું પૂરું થઈ ગયું હતું.

ફુઆના બેસણામાં મેળવેલા તત્વજ્ઞાનની રજૂઆત બળવંતરાયે ઘેર આવ્યા પછી પોતાની પત્ની રમાબહેન સમક્ષ કરી ત્યારે રમાબહેને પોતાનો સ્વભાવગત છણકો કર્યો હતો કેઃ ‘તમે આવી નકામી વાતો કરવા કરતાં ચૂપ રહો તો વધારે સારું.’

બળવંતરાયે વળતી દલીલ કરી હતી કેઃ ‘ધાર કે હુ સદાને માટે ચૂપ થઈ જાઉં તો મારા બેસણામાં કામ લાગે એવો એકેય ફોટો આપણા ઘરમાં છે ખરો?’ ને રમાબહેન યથાશક્તિ વિફર્યાં હતાંઃ ‘છોકરા હજી નાના છે ને તમને મરવાની ને બેસણાની વાતો કરતાં શરમ નથી આવતી? કરવા જેવાં બીજાં ઘણાં કામ છે એ કરવાનું નથી સૂઝતું? ’

આ સિવાયના પણ, રાતી કીડીના ચટકા જેવા કેટલાય સવાલો રમાબહેને કરી નાખ્યા હતા જેના જવાબમાં બળવંતરાય પાસે મૌન સિવાય બીજું કશું જ ઉપલબ્ધ નહોતું. નહોતું વાંચવું તોય એ છાપું વાંચવા લાગ્યા હતા. પરંતુ, છાપામાં ખડકાયેલી, બેસણાની જાહેરાતોએ એમને, ઘરમાં પોતાનો મોટો ફોટો ન હોવાની ચિંતામાં ફરીથી ડૂબાડી દીધા હતા. રમાબહેનનો દીર્ઘ બબડાટ પણ એમની ચિંતામાં ભંગ પાડી શક્યો નહોતો.

પછી તો સમયે જાણે કે દોટ મૂકી હતી. છોકરાઓ મોટા થવાની સાથે સાથે બળવંતરાયથી દૂર થઈ ગયા હતા. ઘરની ભીંતો પરથી રંગો અને તારીખિયાં બદલાતાં ગયાં. પરંતુ, મોટો ફોટો પડાવવાનો વિચાર બળવંતરાયના મનમાંથી ઉખડવાનું નામ નહોતો લેતો. એમાંય જ્યારે જ્યારે કોઈના બેસણામાં હાજરી આપતા ત્યારે ત્યારે બળવંતરાય સ્વર્ગસ્થના મોટા ફોટાને ધ્યાનથી જોતા અને વિચારતા કેઃ ‘ફોટો પડાવવો તો આવો જ મોટો અને રંગીન પડાવવો. જાણે કે હમણાં જ બોલી ઊઠે એવો.’

બેસણામાં વાતો ચાલતી હોય કે ભજનકીર્તન ચાલતાં હોય,પણ બળવંતરાયના મગજમાં વિચારો ધક્કામુક્કી કરતા હોય. ...’ગાંડીતૂર નદીની જેમ જિંદગી ભાગતી જાય છે પણ, હુ મારો એક મોટો ફોટો તૈયાર નથી કરાવી શક્યો. મોત તો ગમે ત્યારે બાવાફકીરની જેમ આવીને ઊભું રહેશે તો ના ઓછી પડાશે? આપણે તૈયારીમાં રહેવું સારું. આ રમા જ નકામી છે. એ જો મોત કે બેસણાના નામ પર છણકા ન કરતી હોત તો તો હુ કે દહાડાનો સ્ટુડિયોમાં પહોંચી ગયો હોત ને એક સરસ મજાનો ફોટો પડાવી લીધો હોત. ફોટો તૈયાર હોય તો, દીકરાઓને કેટલી નિરાંત! મારા બેસણા વખતે ફોટા માટે દોડાદોડી તો નહિને? એ લોકો તો પોતપોતાની દુનિયામાં મસ્ત છે. એમને તો આવી વાતનો વિચાર પણ ન આવે. બિચારા મારા બેસણા ટાણે ઘાંઘા થઈ જશે. સગાંવહાલાં તો વાંક કાઢવામાં શૂરાં છે. મેણાં મારી મારીને દીકરાઓને દુઃખી દુઃખી કરી નાંખશે.’

મોટો ફોટો તૈયાર કરાવી રાખવાનો બળવંતરાયનો એ વિચાર, નવીનચંદ્રના બેસણા પછી તો કાચ પાયેલા દોરા જેવો પાકો થઈ ગયો હતો. નવીનચંદ્ર, બળવંતરાયના પાડોશી કંચનલાલનો જમાઈ હતો ને પોતે એક સારો ફોટોગ્રાફર પણ હતો. પરંતુ, બીજાના ફોટા તૈયાર કરી આપનાર નવીનચંદ્ર પોતાનો જ એકાદ મોટો ફોટો તૈયાર કરી શક્યો નહોતો. વળી, એની ઉંમર પણ દુનિયામાં માત્ર ફોટા રૂપે જ રહી જવાની નહોતી. તેથી, સ્વાભાવિક છે કે, એણે ક્યારેય પોતાના બેસણાની અશુભ કલ્પના કરી જ ન હોય.

નવીનચંદ્રનું બેસણું પણ એના એકાદ નાના ફોટાની સાક્ષીએ આટોપી લેવું પડ્યું હતું. બળવંતરાયને આ ઘટના બીજી વખતની ચેતવણી સમાન લાગી. એમને થયું કેઃ ‘હવે મારો મોટો ફોટો તૈયાર કરવામાં આળસ કરું તો મારા જેવો કોઈ મૂરખ નહિ.’ એ બેસણામાંથી ઊભા થતી વખતે બળવંતરાયે પ્રતિજ્ઞા લીધી કેઃ ‘આવતી કાલે હુ મારો મોટો ફોટો પડાવવા ‘છાયા સ્ટુડિયો’માં જઈશ અને મને દુનિયાની કોઈ તાકાત મને એમ કરતાં રોકી નહિ શકે.’

બળવંતરાયે છેલ્લાંમાં છેલ્લાં સિવડાવેલાં ને ધોવાઈને ઇસ્ત્રી થયેલાં પેન્ટ-શર્ટ પહેર્યાં. ઉપર જૂનો કોટ ચડાવ્યો. નોકરીમાંથી નિવૃત્ત થયા પછી બૂટ-મોજાં પહેરવાનો પ્રસંગ જ આવ્યો નહોતો. આજે આવ્યો. માથા પર જે થોડાઘણા વાળ ટકી રહ્યા હતા એને તેલ નાખીને ઠીક કર્યા. મોઢા પર પાવડર લગાડવાની ઇચ્છા થઈ. પણ, પાવડરનો ડબ્બો વર્ષોથી ખાલી હતો. ‘સ્ટુડિયોમાં હશે.’ એમણે મન મનાવ્યું ને દાઢી કરેલા ચહેરા પર હાથ ફેરવ્યો.

‘હુ ફોટો પડાવવા જઉં છું. તારે આવવું હોય તો ચાલ.’ એમણે રમાબહેનને કહ્યું.

‘તમે જાવ. મારે નથી આવવું.’ રમાબહેને રોજિંદો છણકો કર્યો.

‘જેવી તારી ઈચ્છા.’

‘ચાલ્યા પરણવા.’ રમાબહેને સંભળાવ્યું.

‘પરણીનેય આવું.’ બળવંતરાયે સામું સંભળાવ્યું.

‘વહેલા આવજો.’

‘વહેલો જ આવીશ. તું પોંખવાની તૈયારી રાખજે.’ બળવંતરાય ખાટુંમીઠું વેણ બોલીને ખડકીની બહાર નીકળી ગયા.

બળવંતરાય શેરીના નાકે પહોંચ્યા ત્યાં તો એમને થાક જેવું લાગ્યું. ‘રોજ તો આવું નથી થતું. આ તો શેરીનું નાકું! હુ તો ક્યાં ક્યાં પહોંચું છું!’ એમને મનમાં થયું. એમને એક બાજુ ઊભા રહી જવાનું ઠીક લાગ્યું.

પૂરપાટ દોડતાં વાહનો, હાંફળા-ફાંફળા લોકો, માથાં ઉલાળતી ગાયો, હોર્નનો અવાજ, ફેરિયાઓની બૂમો, હવામાં ભળેલી જાતજાતની ગંધ ને ઉપરથી તાપ વરસાવતા સૂરજનારાયણ. બળવંતરાયને સમગ્ર વાતાવરણ રોજિંદું હોવા છતાં આજે કઠ્‌યું. એમણે ઘેર પાછા ફરી જવાનો વિચાર આવ્યો. જે વળતા વિચાર સામે ટક્યો નહિ. ‘આજે તો પાછા પડવું જ નથી. આવું કામ તો રહી જાય તો રહી જ જાય.’ એવું વિચારતાં એ વળી આગળ વધ્યા.

‘કાં બળવંતકાકા, કઈ બાજુ?’ અરવિંદ ચાવાળાએ બૂમ પાડી.

‘જરા ચકકર મારવા નીકળ્યો છું.’ બળવંતરાય અરવિંદની લારી પાસે જઈને બોલ્યા. એમને, ફોટો પડાવવાની વાત કહેવી ઠીક ન લાગી.

‘લો લગાવો.’ અરવિંદે ચાનો કપ ધર્યો.

‘ના. ચા તો પીને જ નીકળ્યો છું.’

‘લગાવોને બળવંતકાકા, ભેગું શું લઈ જવાનું છે?’

બળવંતરાયને ચાના એકેએક ઘૂંટડે મજા આવી. એમને હવે થોડું સારું લાગ્યું. એમણે ખિસ્સામાંથી બે રૂપિયાની નોટ કાઢી તો અરવિંદે ના પાડતાં બોલ્યોઃ ‘રહેવા દો કાકા, મેં પ્રેમથી પીવડાવી છે.’

બળવંતરાય જાણતા હતા કે-અરવિંદની એક વખતની ‘ના’ એટલે ‘ના.’ એમણે બે રૂપિયાની નોટ ખિસ્સામાં મૂકી દીધી. થોડી આડીઅવળી વાતો કરીને એમણે અરવિંદની રજા લીધી.

થોડુંક ચાલ્યા ત્યાં તો એમના હાથપગ ફાટવા લાગ્યા. ‘હશે!’ એમણે મન મનાવ્યુંઃ ‘હવે ઉંમર થઈ. નાનીમોટી તકલીફો તો થવાની.’

‘પણ આટલું બધું અહક જેવું કેમ લાગે છે?’ એમના મનમાં પ્રશ્ન જાગ્યો. તો મનમાંથી સામો રોકડા રૂપિયા જેવો જવાબ મળ્યોઃ ‘લાગે એ તો. હવે શરીરનો વાંક છે? ઘરડું થયું બિચારું! ખૂબ દોડાદોડી કરી. હવે તો થાકેને? આ તો જીવનસંધ્યાની વેળા! પીળા પાનની જેમ ખરી પડવાની વેળા!’

‘ના...ના.’ એમના મનમાંથી પોકાર ઊઠ્‌યોઃ ‘એમ મોત ક્યાં રેઢું પડ્યું છે કે ડાળ પરથી પીળું પાંદડું ટપકે એમ ટપકી પડે! એવું મોત તો ભાગ્યશાળીને જ મળે. બાકી; ડાયાબિટિશ, દમ કે કેન્સરના નામે રોજ થોડું થોડું મરવાનું. એક્ષ-રે, કાર્ડિયાગ્રામ, ઇન્જેકશનો ને ગ્લુકોઝના વિવિધ કોઠા વીંધીને દવાની રંગબેરંગી ગોળીઓ પર પગલાં મૂકતું મૂકતું મોત પધારે ત્યાં સુધી પીડા ભોગવતાં ભોગવતાં એની રાહ જોયા કરવાની!’

‘રસ્તો આજે લાંબો થતો જાય છે! સાલો આજે મારી સામે રમતે ચડ્યો છે.’ બળવંતરાયને રસ્તા પર ખીજ ચડી. ‘નહિ તો છાયા સ્ટુડિયો આટલો બધો દૂર નથી. એવું હોય તો તો રિક્ષા જ ન કરું? થઈ થઈને કેટલું ભાડું થાય? ત્રણ રૂપિયા! અરે, પાંચ થાય તોય શું? પણ, વગર કારણેને?’

‘આ છેલ્લી વખત. કાલથી દેહને આવી તકલીફ નથી આપવી. આ તો આવું જરૂરી કામ છે એટલે. કાલથી ઘરની બહાર નીકળે એ બીજા!’ એમણે ભવિષ્યમાં આરામ જ ફરમાવવાનું નક્કી કરી નાંખ્યું.

...પોરો ખાતાં ખાતાં બળવંતરાય ‘છાયા સ્ટુડિયો’નાં પગથીયે પહોંચી ગયા. ડૂંગર ચઢતાં હોય એમ એ પગથિયાં ચડ્યા ને ‘હાશ!’ કહેતાંકને સ્ટુડિયોના બાંકડે બેસી ગયા.

‘ભાઈ, એક રંગીન ફોટો પાડી દે ને કૉપી મોટી કાઢજે.’ એમણે હાંફતાં હાંફતાં કહ્યું.

‘કાકા, પહેલાં થાક ખાઈ લો.’ ફોટોગ્રાફરે કહ્યું. એના હાથમાં પીંછી હતી ને એ એક ફોટાને છેલ્લો ઓપ આપી રહ્યો હતો.

‘હુ ઉતાવળમાં છું ભાઈ, તું જલ્દી કર.’

‘એવું હોય તો જાવ અંદર. હુ એક જ મિનિટમાં આવ્યો.’

બળવંતરાય અંદર ગયા ને એક ખુરશી પર બેસી ગયા. એમને લાંબા થઈને સૂઈ જવાનું મન થયું. મન આરામ માટે કજિયે ચડ્યું હતું. એમણે મનને મનાવ્યુંઃ ‘ઘેર જઈને આરામ જ કરવાનો છેને? આ તો આવું કામ હતું એટલે બહાર નીકળવું પડ્યું. કાલથી બહાર નીકળવાનું જ નહિ.’

અરીસા તરફ નજર જતાં બળવંતરાય ઊભા થયા અને અરીસામાં પોતાનો ચહેરો જોયો. હસ્યા. પોતે નોકરીએ લાગ્યા ત્યારનો પોતાનો ચહેરો એમને યાદ આવી ગયો. ‘તું શું હતો ને શું થઈ ગયો?’ એ બબડ્યા. પાવડરના ડબ્બામાંથી થોડો પાવડર લઈને એમણે પોતાના મોઢા પર લગાડ્યો. માથા પર કાંસકો ફેરવ્યો. ત્યાં તો ફરી થાકી ગયા અને ખુરશી પર જઈને બેસી પડ્યા.

‘ફોટોગ્રાફર હજુ આવ્યો નહિ.’ બળવંતરાય અધીરાઈથી બારણા તરફ જોઈ રહ્યા. એમને પોતે પહેરેલો કોટ સાંકડો ને સાંકડો થતો જતો હોય એવું લાગ્યું. એમણે કોટનું ઉપરનું બટન ખોલી નાંખ્યું. ‘ચાલને ભાઈ..’ બૂમ પાડવા જતા હતાં ત્યાં તો ફોટોગ્રાફર આવી ગયો. એને જોઈને બળવંતરાયની આંખોમાં ચમક આવી ગઈ. એમની નજર સામે પોતાનો રંગીન ફોટો તરવરવા લાગ્યો. વર્ષોજૂની ઈચ્છા પૂરી થવાની ક્ષણ આવી પહોંચી હતી એટલે એમનું મન રાજી રાજી થઈ ગયું.

ફોટોગ્રાફરે ફોકસ ગોઠવ્યાં. ‘કાકા, કોટનું બટન બંધ કરો ને જરા ટટ્ટાર બેસો.’ એણે સૂચના આપી.

બળવંતરાયે કોટનું બટન બંધ કર્યું અને ટટ્ટાર બેઠા. એમને કોટાની ભીંસ ફરી અનુભવી. પણ હવે આ તો ફોટો પડાવવાનો હતો! રંગીન અને મોટો! હમણાં જ બોલી ઊઠે એવો! ‘કોટનું બટન ખુલ્લું હોય તો કેવું ખરાબ લાગે? કોટની ભીંસ તો કેટલી વાર માટે? કેમેરાની ચાંપ દબાય ત્યાં સુધી જ ને? એવી ભીંસને કોણ પૂછે છે?’ એમણે મનને મજબૂત કર્યું.

ફોટોગ્રાફરે કેમેરાની આંખમાંથી ફરી જોયું. એણે બળવંતરાયને ફરીથી ટોક્યાઃ ‘કાકા, જરા ઢીલા બેસો. નેચરલી બેઠાં હો એમ બેસો.’

બળવતરાય થોડા ઢીલા થઈને બેઠા ને મનમાં બબડ્યાઃ ‘તું જલદી કરને ભાઈ.’

‘કાકા, મોઢું થોડું ઊંચું કરો.’ ફોટોગ્રાફર બોલ્યો. બળવંતરાયે મોઢું ઊંચું કર્યું. ‘થોડું. આટલું બધું નહિ.’ ફોટોગ્રાફના અવાજમાં થોડો ઠપકો પણ ભળ્યો.

બળવંતરાય મનોમન અકળાયા. મોઢું નીચું કરતી વખતે એમનું મન પોકારી ઉઠ્‌યું : ‘હું અંદરથી માટીની ભેખડ તૂટે એમ તૂટી રહ્યો છું અને આ ફોટોગ્રાફર નખરા કરે છે. આમ ને આમ જો વાર લગાડશે તો ફોટો પડી રહ્યો! આનાથી વધારે સરખા બેસવાની હવે ત્રેવડ નથી. બસ, એક વખત કેમેરાની ચાંપ દબાઈ જાય તો ગંગા નાહ્યા...’

પરંતુ, ફોટોગ્રાફરે તો કેમેરાની ચાંપ દબાવવાને બદલે કેમેરાને જ આંખોથી અળગો કર્યો. એણે બળવંતરાયની પાસે આવીને પોતાના બંને હાથથી બળવંતરાયના ચહેરાને ગોઠવ્યો.

‘ભાઈ, જલદી કરને.’ બળવંતરાયે અકળાઈને કહ્યું.

‘કાકા, તમને ઉતાવળ છે. પણ, ફોટો તો મારે પાડવાનો છેને? ફોટો વ્યવસ્થિત ન આવે તો મને મજા ન આવે.’ ફોટોગ્રાફર કેમેરાને ફરીથી પોતાની આંખ સામે રાખતાં બોલ્યો.

‘એ વાત પણ સાચી.’ બળવંતરાયનું મન બોલ્યું. ‘ફોટો તો એવો હોવો જોઈએ કે જોનારને એમ જ લાગે કે બળવંતરાય હમણાં જ બોલી ઊઠશે.’

‘રેડી...?’ ફોટોગ્રાફરે ચાંપ દબાવવાની તૈયારી સાથે પૂછ્યું.

‘હુ તો રેડી જ છું.’ બળવંતરાયને બોલવાનું મન થયું પણ એમનાથી બોલાયું નહિ.

‘જરા સ્માઈલ’ બળવંતરાયને સાત સમંદર પારથી આવતો હોય એવો, ફોટોગ્રાફરનો અવાજ સંભળાયો. એમણે પોતાના હોઠ પહોળા કર્યા.

‘બસ... બસ.’ ફરીથી, દૂર દૂરથી આવાતો હોય એવો અવાજ સંભળાયો.

બળવંતરાયને લાગ્યું કે સમય ખોટી રીતે વેડફાઈ રહ્યો છે. ફોટોગ્રાફર કેમેરાની ચાંપ દાબે એ માટે એમના રોમ રોમમાં તડપ જાગી હતી.

‘એમજ સ્થિર રહેજો અને નજર સીધી..’

બળવંતરાયને કોઈ અદૃશ્ય શક્તિ પોતાને દોરવણી આપી રહી હોવાનો અનુભવ થયો. એ સ્થિર થઈ ગયા. એમની નજર કેમેરાના કાચ પર સ્થિર થઈ ગઈ. અર્જુનને જેમ ચકલીની માત્ર આંખ દેખાતી હતી એમ એમને કેમેરાનો માત્ર કાચ દેખાતો હતો. એમનું એકમાત્ર ધ્યેય એ કાચમાં સાજાસમા ઝીલાઈ જવાનું હતું.

સ્થિર થઈ ગયેલા બળવંતરાયને કેમેરાના કાચમાં આખું બ્રહ્માંડ સ્થિર થઈ ગયેલું દેખાયું. આખું બ્રહ્માંડ! જે ક્યારેક અર્જુને શ્રીકૃષ્ણના મુખમાં દીઠ્‌યું હતું. પછી, બળવંતરાયને સ્થિર થઈ ગયેલો ક્ષીરસાગર દેખાયો, શેષનાગ દેખાયા, શેષનાગની ફેણ પર લાંબા પગ કરીને બિરાજેલા વિષ્ણુ ભગવાન દેખાયા, વિષ્ણુ ભગવાનના પગ દાબતાં લક્ષ્મીજી દેખાયાં અને ને દેખાયા કોટિ કોટિ દેવતાઓ. જે સૌ નભમાં સ્થિર થઈ ગયા હતા. ને સ્થિર થઈ ગઈ હતી ઘરના બારણે ઊભેલી રમા.

એ સહુ કેમેરાની ચાંપ દબાય એ ક્ષણની રાહમાં આકુળવ્યાકુળ હતાં.

બળવંતરાયને કેમેરાની આંખમાં એક ચમકારો દેખાયો. પછી તો કેમેરામાંથી જાણે કે પ્રકાશનો પૂંજ છૂટ્યો. વિષ્ણુ અને લક્ષ્મીજીના હાથ આશીર્વાદ આપવા કાજે અધ્ધર થયા. દેવતાઓ દંદુભિઓ વગાડવા લાગ્યા. પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. બળવંતરાયને લાગ્યું કે પોતે ફૂલોની નીચે ઢંકાઈ જશે.

‘બસ કરો... બસ કરો..’ બળવંતરાય બોલવા ગયા પણ, એમના ગળામાંથી અવાજ ન નીકળ્યો.

‘ઓકે..’ ફોટોગ્રાફર બારણા તરફ વળતાં બોલ્યો.

પરંતુ, એ બારણું ખોલે તે પહેલાં તો ‘ધડિંગ’ અવાજ થયો. એણે ચમકીને પાછળ જોયું તો બળવંતરાય ખુરશી પરથી ખરી પડ્યા હતા.

[સમાપ્ત]

૩. લડત

‘એ.... મારા સુંદરિયારે.... એ... મારા બાપલિયા, તેં તો ગજબ કર્યોરે... હુઉઉઉહુ....’

‘તને ગાંધીનગરથી તેડાં આવ્યાં ને તું તો અમને વિસરી ગયો રે.... તેમ તો કાળજે ઘા માર્યોરે... હુઉઉઉહુ.....’

‘તને વાજતે ગાજતે ફેરવ્યો’તો આ ગામમાં ને હવે તારી ઠાઠડી ફેરવવાનો વારો આવ્યોરે...’

નાનકડા શહેરની શેરીઓ ગાજી ઊઠી. ઘરમાં હતા એ લોકો કશુંક અશુભ થઈ ગયાની શંકા સાથે હાથમાં હતાં એ કામ પડતાં મૂકીને ઘરની બહાર દોડી આવ્યા. એમણે જોયું તો શહેરના ધારાસભ્ય સુંદરલાલની સ્મશાનયાત્રા નીકળી હતી.

સહુથી આગળ લાંબા વાળવાળો અને વધેલી દાઢીવાળો એક યુવાન હતો જેના હાથમાં સીંદરી બાંધેલી એક દોણી હતી. દોણીમાંથી ધુમાડો નીકળતો હતો. એ યુવાનની પાછળ એક નનામી હતી. જેને બીજા યુવાનો વારાફરતી કાંધ આપતા હતા. નનામી જેવી હોવી જોઈએ એવી જ સંપૂર્ણ હતી. અપવાદ એટલો હતો કે, તેમાં નિર્જીવ માનવદેહના બદલે ગાભામાથી તૈયાર કરેલું એક પૂતળું બાંધવામાં આવ્યું હતું. નનામીની પાછળ યુવાનો અને યુવતીઓનું મોટું ટોળું હતું. યુવાનોમાંથી ઘણાએ માથે ટુવાલ ઓઢ્યા હતા. તેઓ મોટેથી સુંદરલાલના નામની પોક મૂકીને રડવાનું નાટક કરતા હતા અને વચ્ચેવચ્ચે હસી પડતા હતા. યુવતીઓ પણ સુંદરલાલનાં છાજિયાં લેતાં લેતાં હસી પડતી હતી.

‘ભ્રષ્ટાચાર વિરોધી અંદોલન’ ના ભાગરૂપે, કૉલેજનાં છોકરા છોકરીઓનો આવો ખેલ જોઈને કેટલાક લોકોને જાણે મફતમાં મનોરજન મળ્યું. તો કેટલાક લોકોએ પોતાની નારાજગી વ્યક્ત કરી કે : ‘વિરોધ કરવાની આ તે કાંઈ રીત છે? સુંદરલાલ જેવા આબરૂદાર વ્યક્તિની જાહેરમાં ફજેતી કરવાથી ભ્રષ્ટાચાર દૂર થઈ જવાનો છે? આ દેશ લોકશાહીને લાયક જ નથી.’ કેટલાંક નિર્દોષ બાળકો તો એમની મમ્મીઓને પૂછવા પણ લાગ્યાં : ‘મમ્મી કહેને, કોણ મરી ગયું?’

આ નકલી સ્મશાનયાત્રામાં સહુથી પાછળ; આંદોલનનો આંખેદેખ્યો અહેવાલ તૈયાર કરવાના ઇરાદે, પત્રકાર રતિલાલ બગલમાં છાપાનું ભૂંગળું દબાવીને ચાલતા હતા. રતિલાલ અવારનવાર ઊભા રહીને, હાજર લોકો સમક્ષ પોતાનો એ મતલબનો અભિપ્રાય આપતા હતા કે : ‘આ તો ક્રાંતિ છે ક્રાંતિ! કોઈના બાપથી રોકી રોકાવાની નથી. આજે અહીં ફેલાણી છે તો કાલે આખા દેશમાં ફેલાશે. આ યુવાનોની વાનરસેના સુંદરલાલ જેવા કંઈ રાવણોની લંકા રોળી નાખશે’

યુવાનોએ નનામીને, શહેરની બહાર આવેલા સ્મશાન નજીક જ અગ્નિદાહ આપવાનું નક્કી કર્યું હતું. પરંતુ, એકાએક પોલિસની ગાડીઓ આવી ચડતાં નાસભાગ મચી ગઈ. પોલિસનો ઇરાદો નનામીનો કબજો લઈ લેવાનો હતો. પરંતુ નનામી ઊંચકનારા યુવાનોએ ચાલાકી કરી. તેઓ નનામી સાથે શહેરની શેરીઓમાં થઈને એક નાનકડા ચોકમાં પહોંચી ગયા અને ત્યાં જ એમણે નનામીને અગ્નિદાહ આપી દીધો. સુંદરલાલના પૂતળામાં ગોઠવેલા ફટાકડા ધડાધડ ફૂટવા લાગ્યા. પોલીસ ત્યાં પહોંચે તે પહેલાં આંદોલનકારીઓ ત્યાંથી ભાગીને બીજા કાર્યક્રમની તૈયારીમાં લાગી ગયા.

ધારાસભ્યની સ્મશાનયાત્રા કાઢવાનો કાર્યક્રમ આ રીતે પૂરો થયો. પત્રકાર રતિલાલે આ કાર્યક્રમ સફળ થયો હોવાની નોંધ લીધી.

આંદોલનકારીઓનો બીજો કાર્યક્રમ ગાંધીચોકમાથી એક વિશાળ સરઘસ કાઢીને સુંદરલાલના બંગલે પહોંચીને એનું રાજનામું માંગવાનો હતો. સરઘસની આગેવાની શહેરના સામાજિક કાર્યકર ભગવાનજીભાઈ લેવાના હતા.

હજુ તો થોડા દિવસો પહેલાની જ વાત હતી કે, વિધાનસભાની ચૂંટણીમાં પ્રખર ગાંધીવાદી એવા ગોપાલદાસની સામે શહેરના યુવાનોના માનીતા નેતા સુંદરલાલે ઉમેદવારી નોંધાવી હતી. કાપડ, અનાજ, શાકભાજી વગેરેના વેપારીઓથી લઈને દારૂના વેપારીઓએ અને તેલના દલાલોથી લઈને વરલીમટકાના દલાલોએ સુંદરલાલને પોતાનો ટેકો જાહેર કર્યો હતો. ખેડૂતોનો મત મળે એ માટે સુંદરલાલે ખેડૂતઆગેવાન ગોવિંદભાઈનો ટેકો પણ મેળવી લીધો હતો. આખા શહેરમાં ‘સુંદરલાલ ઝિંદાબાદ’ના નારા ગાજ્યા હતા. ‘વોટ ફોર સુંદરલાલ’ જેવાં લખાણો હજુ કેટલીય દીવાલો પર અક્બંધ જળવાઈ રહ્યાં હતાં. જ્યારે સુંદરલાલ જંગી બહુમતીથી ચૂંટાઈ આવ્યા હતા ત્યારે એમનું ભવ્ય વિજય સરઘસ નીકળ્યું હતું. જેમાં ‘દેખો દેખો દેખો... સુંદરલાલ કા કમાલ દેખો...ગોપાલદાસ કા હાલ દેખો.’ જેવાં ગીતો ગવાયાં હતાં. જે શહેરના નાનાંનાનાં ટાબરિયાંને હજુ પણ યાદ હતાં.

પરંતુ, એકાએક હવા ફરી ગઈ હતી. ભારે વાવાઝોડું ફૂંકાયું હોય એમ રાજ્યમાં મોંઘવારી અને ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન ઉપડ્યું હતું, જે જોતજોતામાં સરકાર વિરોધી આંદોલનમાં ફેરવાઈ ગયું હતું. ઠેર ઠેર ધારાસભ્યોનાં રાજીનામાં મંગાવા લાગ્યાં હતાં. શહેરના ધારાસભ્યશ્રી સુંદરલાલના રાજીનામા માટે પણ માંગ ઊઠી હતી. વિધાનસભાની છેલ્લી ચૂંટણીમાં હારેલા નેતાશ્રી ગોપાલદાસે તો ક્ષેત્રસન્યાસ લઈ લીધો હતો પરંતુ સામાજિક કાર્યકર ભગવાનજીભાઈ સક્રિય થઈ ગયા હતા. અણધારી તક ઝડપી લઈને એમણે આંદોલનનું નેતૃત્વ સંભાળી લીધું હતું.

‘જે માણસને મતપેટી દ્વારા બહુમતીથી લોકોએ પોતાના નેતા તરીકે પસંદ કર્યો હોય, જે માણસનું ભવ્ય વિજય સરઘસ નીકળ્યું હોય, ફૂલોના હારથી જે માણસ ઢંકાઈ ગયો હોય, જેના નામની શહેરમાં ધાક વાગતી હોય; એ માણસને લોકો ચોર કહે, એની હાયહાય બોલાવવામાં આવે, એની નનામી બાળવામાં આવે; એવા સંજોગોમાં એ માણસ આઘાતથી ભાંગી ન પડે?’ આવા પ્રશ્નો જો સુંદરલાલને કરવામાં આવે તો એમનો જવાબ ‘ના’માં જ હોય. કારણ કે, સુંદરલાલ આવાં વિઘ્નોથી ભાંગી પડે એવા નિર્બળ નહોતા. એ ચંપલના તળિયાથી લઈને માથે પહેરેલી ટોપીની અણિયાળી ટોચ સુધી પાક્કા રાજકારણી હતા. વિરોધી વાતાવરણ હોવા છતાં પણ એ માનતા હતા કેઃ ’ જે પ્રજા મારી હાય હાય બોલાવે છે એ જ પ્રજા ભવિષ્યમાં મારો જયજયકાર કરશે. રાજકારણની આ જ તો ખૂબી છે.’

લોકો ભલે સુંદરલાલને બેવફા નીવડ્યાં પરંતુ શહેરના પોલીસખાતાએ પોતાની વફાદારી જાળવી રાખી હતી. આવી મુસીબતની વેળાએ ઇન્સ્પેક્ટર ચૌહાણ સુંદરલાલના સતત સંપર્કમાં રહેતો હતો અને કોઈપણ પ્રકારનું કામ હોય તો જણાવવા કહેતો હતો.

આંદોલનકારીઓએ નક્કી કરેલો બીજો કાર્યક્રમ શરૂ થયો.

ગાંધીચોકથી સામાજિક કાર્યકર શ્રી ભગવાનજીભાઈની આગેવાની હેઠળ એક સરઘસ સુંદરલાલનું રાજીનામું માંગવા એમના બંગલા તરફ નીકળ્યું. ઇન્સ્પેક્ટર ચૌહાણે આ સમાચાર સુંદરલાલને ફોનથી પહોંચાડ્યા : ‘સાહેબ, સરઘસ નીકળ્યું છે. સંખ્યા વધતી જ જાય છે. તમારા રક્ષણ માટે પોલીસ મોકલું છું.’

‘મોકલવા ખાતર મોકલજો. બાકી, મારા રક્ષણ માટે તો મારા પોતાના સેવકો છે જ. પણ સરઘસ સાથે વધારે પોલિસ રાખજો જેથી જરૂર પડે તો કામ લાગે.’ સુંદરલાલે જવાબ આપ્યો.

‘સમજી ગયો સાહેબ’ ચૌહાણે ફોન મૂકીને સુંદરલલના આદેશને માન આપવા જરૂરી પગલાં ભરવા લાગ્યો.

સુંદરલાલે પોતાના સેવકોને કહી દીધું : ‘સરઘસ આવી રહ્યું છે. તૈયાર રહેજો. એવું સ્વાગત કરજો કે દીકરાઓ જિંદગીભર યાદ રાખે.’

થોડી વારમાં જ લાઠી, હોકી અને લોખંડની પાઈપ જેવા શસ્ત્રોથી સજ્જ એવા સો જેટલા સેવકો સુંદરલાલના બંગલાની આસપાસ ગોઠવાઈ ગયા. પૂરતો બંદોબસ્ત જોઈને સુંદરલાલે સંતોષ વ્યક્ત કર્યો : ‘આવવા દો સાલાઓને. આજે ભલે એમનું નવનિર્માણ થઈ જતું.’

વારંવાર સુંદરલાલના ફોનની ઘંટડી વાગતી રહી. સરધસ ક્યા પહોંચ્યું છે, સરઘસમાં કેટલી સંખ્યા છે, આગેવાનોમાં કોણ કોણ છે; વગેરે માહિતી સુંદરલાલને મળતી રહી.

પરંતુ, છેલ્લા સમાચારે સુંદરલાલને પોતાના ઓરડામાં આમથી તેમ ચક્કર મારતા કરી મૂક્યા. એ સમાચાર મુજબ સરઘસ આનંદચોક સુધી પહોંચી ગયું હતું અને એમાં દસ હજારથી પણ વધારે લોકો જોડાઈ ગયા હતા.

આનંદચોકથી સુંદરલાલનો બંગલો બહુ દૂર નહોતો. સરઘસને પહોંચતાં વધુંમાં વધું અર્ધો કલાક લાગે એમ હતો. વળી, સરઘસમાં દસ હજારની સંખ્યા સુંદરલાલના ધાર્યા કરતાં વધારે હતી. આટલી મોટી સંખ્યામાં લોકો સુંદરલાલના બંગલા સુધી પહોંચે એ ઘટના જ સુંદરલાલની લોકપ્રિયતાનું તળિયું દેખાડનારી ગણાય. અથડામણ અને એનાં પરિણામ તો પછીની વાત થઈ.

સુંદરલાલ ફોનની બાજુમાં જ ઊભા રહી ગયા. એમનો રાજકીય આત્મા પોકારી પોકારીને કહેવા લાગ્યો : ‘આ સંજોગોમાં ભગવાનાજીનો ફોન આવવો જ જોઈએ.’

અને રિંગ વાગી! સુંદરલાલે ઝડપથી ફોન ઉપાડ્યો. ફોન ભગવાનજીનો જ હતો.

‘સાહેબ, ભગવાનાજીની સલામ.’

‘સલામ, બોલ.’

‘બોલવાનું તમારે છે. હું તો મોટી ફોજ લઈને આવી રહ્યો છું.’

‘લાઠીચાર્જ થશે અને તારી ધરપકડ થશે એટલે બધું ઠંડું પડી જશે.’

‘’ભૂલો છો સાહેબ. આ વખતની હવા જુદી જ છે. જ્યાં સુધી હું ગરમ છુ ત્યાં સુધી આંદોલન ઠંડું પડવાનું નથી.’

‘તને ઠંડા પડવાની ઇચ્છા છે?’

‘વીસ હજારમાં.’

‘વધારે કહેવાય. પાંચ હજાર બરાબર છે.’

‘તમે બે વર્ષ માટે મને તડીપાર કરાવ્યો હતો એનો દંડ તો ગણો.’

‘પાંચ એના ગણી લે. દસમા હિસાબ પૂરો કર.’

‘તમારા પરથી મુસીબત ટળે એ ખુશાલીનું શું? ખુશાલીના પાંચ તો માંગુ જ ને? મારો હક છે. પંદરમાં હિસાબ પૂરો કરવો હોય તો બોલો. સમય ઓછો છે. ‘

‘કબૂલ છે. પણ હવેથી તારે આંદોલનની દિશા બદલાવી નાખવી પડશે.’

’ એમ જ થશે. તમે જવાબ મારી ઘેર અત્યારે જ પહોંચતો કરો. અહીં આનંદચોકમાં થોડું ભાષણ કરીને સરઘસને રોકી રાખું છું. પછી સરઘસ આગળ વધે ત્યારે પોલીસ હળવો લાઠીચાર્જ કરે એવી ગોઠવણ કરાવો. આઠદસને ઈજા પહોંચે તો વાંધો નહીં, પણ મને મને કાંઈ ન થવું જોઈએ.’

‘બધું વ્યવસ્થિત કરાવું છું. તને પોલીસ પકડીને પોલીસસ્ટેશને લઈ જશે. એટલે લોકો પોલીસસ્ટેશને દોડશે. ત્યાં તને છોડાવવા બુલંદ માંગણી થશે. મોડેથી લોકલાગણીનો વિજય થશે અને તારો છૂટકારો થશે. બરાબર?’

‘વાહ સાહેબ વાહ! તમે તો મારા ગુરુ છો. ‘

‘રહેવા દે ભગવાનજી. અત્યારે તો તો મારો ગુરુ નીકળ્યો.’

‘ચાલ્યા કરે સાહેબ. આ તો રાજકારણ કહેવાય.’

ફોન મૂકીને સુંદરલાલે રાહત નો શ્વાસ લીધો. એક અંગત સેવકને બોલાવીને આગળની કામગીરી સોંપી દીધી.

આનંદચોકમાં ભગવાનજીએ પોતાના પહાડી અવાજમાં નાનકડું ભાષણ કર્યું. છેલ્લે હાકલ કરી કે : ‘સુંદરલાલનું આસન ડોલી રહ્યું છે. ડોલતા આસનને બચાવવા એ મરણિયો પ્રયાસ કરશે પણ આપણે લોહીના છેલ્લા બુંદ સુધી લડી લેવાનું છે.’

ભગવાનજીની હાકલને વધાવતાં સૂત્રોનો પોકાર થયો...

‘ઇન્કિલાબ... ઝિંદાબાદ.’

‘હમ સે જો ટકરાયેગા... સીધા ઉપર જાયેગા.’

‘જોર જુલમ કે ચક્કર મેં...સંઘર્ષ હમારા નારા હૈ.’

‘કદમ કદમ પર લડના સીખો... જીના હૈ તો મરના સીખો.’

‘રોજી રોટી દે ન સકે... વો સરકાર નિકમ્મી હૈ. જો સરકાર નિકમ્મી હૈ ... વો સરકાર બદલની હૈ.’

‘હોશ મેં આઓ, હોશ મેં આઓ... સુંદરલાલ તુમ હોશ મેં આઓ.’

સરઘસ આનદંચોકથી આગળ વધ્યું. સરઘસની આગળ રહેલા યુવાનો હજી તો દસેક ડગલાં જ આગળ વધ્યા ત્યાં તો પોલીસે લાઠીચાર્જ શરૂ કર્યો.

નાસભાગ! લોહીલુહાણ માથાં! પથ્થરમારો! ચીસાચીસ! ઉશ્કેરાટ, ઉશ્કેરાટ અને ઉશ્કેરાટ!

આટ આટલા ઉશ્કેરાટની વચ્ચે ભગવાનજીની સહીસલામત ધરપકડ!

પોલીસની ગાડીમાં બેસતા પહેલાં ભગવાનજીએ લોકોને હાકલ કરી : ‘આનંદચોકમાં આજે લોકશાહીનું વસ્ત્રાહરણ થયું છે. આ પોલીસ નથી. સરકારના પગારદાર ગુંડાઓ છે. આ ગુંડાઓ સુંદરલાલના ઇશારે આ શહેરની પ્રજા પર લાઠીઓ વીંઝે છે. પણ, હવે એમના પાપનો ઘડો ભરાઈ ચૂક્યો છે. પોલિસ મારી ધરપકડ કરીને લઈ જાય છે. તમે સરઘસ લઈને પોલીસસ્ટેશને આવો. આ શહેરની પોલીસને ભાન કરાવવું પડશે કે, એ પ્રજાની નોકર છે. માલિક નથી.’

વેરવિખેર થયેલા લોકો ફરીથી ભેગા થયા. ફરીથી સરઘસ નીકળ્યું. પરંતુ, એની દિશા બદલાઈ ગઈ હતી. હવે એ સુંદરલાલનાં બંગલા તરફ જવાને બદલે પોલીસસ્ટેશન તરફ વળી ગયું.

પોલીસના લાઠીચાર્જ વખતે ભાગીને કોઈના ઘરમાં ઘુસી ગયેલા બહાદુર પત્રકાર રતિલાલ બહાર આવ્યા. એમના મનમાં, સમગ્ર ઘટનાનો આંખે દેખ્યો અર્ધો અહેવાલ તૈયાર થઈ ગયો હતો. બાકીનો અહેવાલ પૂરો કરવાના ઇરાદે એ પણ સરઘસની પાછળ ચાલવા લાગ્યા.

લોહીયાળ યુવાનોથી શહેરનાં દવાખાનાં ઉભરાવા લાગ્યાં.

સરઘસ શહેરની બજારમાંથી સુત્રો પોકારતું અને દુકાનો બંધ કરાવતું પસાર થયું. સરઘસમાં લોકોની સંખ્યા વધતી ગઈ. સરઘસ પોલીસસ્ટેશને પહોંચ્યું ત્યારે સાંજ પાડવા આવી હતી અને વાતાવરણમાં, પત્રકાર રતિલાલની ભાષામાં કહેવું હોય તો- ‘ભારેલો અગ્નિ’ હતો.

અગ્નિજવાળા જેવા સૂત્રો પોકારાવાં લાગ્યાંઃ

‘નહીં ચલેગી નહીં ચલેગી ઠોલાશાહી નહીં ચલેગી.’

‘યે પોલિસ નહીં જોકર હૈ... સુંદરલાલ કે નૌકર હૈ.’

‘મુક્ત કરો મુકત કરો... ભગવાનજી કો મુકત કરો’

‘લાઠીગોલી ખાયેંગે... ભગવાનજી કો લેકે જાયેંગે,’

સુંદરલાલ અને પોલીસખાતા દ્વારા ‘ભારેલા અગ્નિ’ને શાંત પાડવાની ગોઠવણ ઝડપથી થઈ ગઈ હતી. એ ગોઠવણ મુજબ પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને સુંદરલાલે મોકલેલા શહેરના કહેવાતા સજ્જનો કામે લાગી ગયા હતા.

પોલીસ કાર્યવાહી સામે રજૂઆત, આવેદનપત્ર, લાઠીચાર્જ કરનારા પોલીસો સામે પગલાંની માંગ, વાટાઘાટ, સમજાવટ, શરતો, પોલીસ અધિકારીઓ દ્વારા યોગ્ય કાર્યવાહીની બાહેંધરી, સજ્જનો દ્વારા શાંતિની અપીલ... આ બધાંનાં પરિણામે રાત્રે બાર વાગે ભગવાનાજીભાઈનો છૂટકારો થયો.

જેવા ભગવાનજીબાઈ બહાર આવ્યા કે યુવાનોએ એમને ઊંચકી લીધા. માનવમેદનીએ એમનો જયજયકાર કર્યો. ભગવાનજીભાઈએ યુવાનોની શક્તિને બિરદાવતાં કહ્યું કે : ‘શહેરની યુવાશાક્તિનો આ વિજય છે. સુંદરલાલના ફેંકેલા ટૂકડા ખાઈખાઈને ઉછરેલી પોલીસને શહેરના યુવાનોએ આજે ઝુકાવી દીધી છે. આ ઘટના ઐતિહાસિક છે. હું શહેરના યુવાનોને સલામ કરું છું. આ તેજીલા તોખાર જેવા યુવાનોને જોઈને મારી છાતી ગજ ગજ ફૂલી રહી છે. મને વિશ્વાસ છે કે, સુંદરલાલ ગમે તેટલા ધમપછાડા કરે, આ યુવાનો સામે એણે હાર માનવી જ પડશે. એણે રાજીનામું આપવું જ પડશે. ઈશ્વર સુંદરલાલણે સદબુદ્ધિ આપે એ માટે આવતીકાલે આપણે ગાંધીચોકમાં ભવ્ય રામધૂનનો કાર્યક્રમ રાખીશું. આપણા જે સાથીદારો ઘાયલ થયા છે એમની કુશળતા માટે પ્રાર્થના કરીશું અને ભવિષ્યના કાર્યક્રમો નક્કી કરીશું. અત્યારે આપણે છૂટા પાડીએ. ફરીથી આપ સહુને ખૂબ ખૂબ ધન્યવાદ.’

...મોડી રાત્રે સુંદરલાલના બંગલે શરાબની પ્યાલીઓથી સેવકોની કદર થઈ રહી હતી ત્યારે, પોલીસના લાઠી ચાર્જથી ઘવાયેલા યુવાનો દર્દથી કણસી રહ્યા હતા ત્યારે, અખબારોમાં ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનના સમાચારો છપાઈ રહ્યા હતા ત્યારે; માંડ એકલા પડેલા ભગવાનજીભાઈ પંદર હજાર રૂપિયાની નોટો ગણી રહ્યા હતા.

[સમાપ્ત]

૪. સંબંધ

અહીં ગુજરાતી-અંગ્રેજીનું ટાઇપકામ કરી આપવામાં આવે છે.

-એ પાટિયું પહેલી વખત મારી નજરે ચડ્યું હતું ત્યારે થોડીવાર માટે હું ઊભો રહી ગયો હતો. મેં પાટિયા પરનું લખાણ ફરીથી વાંચ્યું હતું અને ‘ગુજરાતી’ શબ્દ પર મારી નજર સ્થિર કરી હતી. હું હરખાયો હતો. એક નિર્ણય મારા મનમાં આકાર લઈ ચૂક્યો હતો.

...મેં પહેલી વખત એ ઘરનો બેલ વગાડ્યો હતો ત્યારે અઢારેક વર્ષની એક હસમુખી છોકરીએ બારણું ઉઘાડ્યું હતું. મેં થોડા કાગળો એના હાથમાં મૂકીને કહ્યું હતું કે ‘મારે આ નાટક ટાઇપ કરાવવું છે.’

કાગળો પર નજર નાંખતાં એણે પૂછ્યું હતું કે, ‘બધું ગુજરાતી જ છે ને?’

‘હા, ગુજરાતી નાટક છે.’ મેં કહ્યું હતું.

‘અહીં બેસોને.’ એવું કહીને એણે મને આગળના ઓરડામાં બેસાડ્યો હતો અને પોતે બીજા ઓરડામાં ગઈ હતી.

થોડી જ વારમાં એના પપ્પા આવ્યા હતા. એમણે હસીને મને આવકાર્યો હતો.

‘કેટલી નકલો કાઢવી છે?’ ટાઇપરાઇટર સામે ગોઠવાઈને એમણે મને પૂછ્યું ત્યારે જ મને ખ્યાલ આવ્યો હતો કે- ટાઇપનું કામ પેલી હસમુખી છોકરી નહીં પણ આ મુરબ્બી કરવાના છે.

મેં એમને બે નકલો કાઢવાનું કહ્યું હતું.

નાટક ટાઇપ થતું હતું એ દરમ્યાન હું ઘરમાં ચારે તરફ મારી નજર ફેરવતો રહ્યો હતો. મને એ ઘર શ્રીમંત તો નહીં પણ સુખી અને સંસ્કારી પરિવારનું લાગ્યું હતું. હું અવારનવાર એ મુરબ્બીને પણ ધ્યાનથી જોઈ લેતો હતો. એમની ઉમરની અવળી અસર એમના ઉત્સાહ પર જણાતી નહોતી.

મારા અક્ષરો સારા હતા અને લખાણ વ્યવસ્થિત હતું તેથી ટાઇપ કરતી વખતે એમને કોઈ જાતની મુશ્કેલી પડી નહોતી. જોકે ટાઇપ કરતી વખતે એમના ચહેરાના હાવભાવ બદલાતા હોય એવું મને લાગ્યું હતું. મારા નાટકની એમના પર અસર થતી હતી એ જોઈને હું મનોમન રાજી થતો હતો.

દરમ્યાન પેલી છોકરી મને પાણી આપી ગઈ હતી. છોકરીનાં મમ્મી પણ એક વખત ઓરડામાં આવ્યાં હતાં અને છાપું લઈને એક નજર મારા પર નાંખીને બીજા ઓરડામાં જતાં રહ્યાં હતાં. એ નજરમાં પણ મને ઘરના વાતાવરણનું પ્રતિબિંબ દેખાયું હતું. એ વાતાવરણ કે જેમાં ટાઇપરાઈટર પણ એક વાજિંત્ર જેવું લાગતું હતું.

‘અન્કલ, તમે સર્વિસ પણ કરતા હશો?’ ટાઇપરાઈટરના સૂરો શાંત થયા પછી મેં પૂછ્યું હતું.

‘સર્વિસ કરતો હતો ભઈલા. પણ છ મહિનાથી રિટાયર થયો છું. હું કોર્પોરેશનમાં ટાઇપિસ્ટ હતો.’ એમણે જવાબ આપ્યો હતો.

‘આટલામાં ક્યાંય ગુજરાતી ટાઇપનું કામ થયું નહોતું. મારે છેક શહેરમાં જવું પડતું હતું.’ મેં કહ્યું હતું.

‘આમ તો ગુજરાતીનું કામ પણ ઓછું આવે છે. તોય ચાલું રાખ્યું છે. એ બહાને તમારા જેવા કોઈકનું તો કામ થશેને? ‘

‘ચોક્કસ’ મેં કહયું હતું. ને પછી મારાથી પુછાઈ ગયું હતું કે, ‘તમારી બીજી આવક પણ હશેને?’

‘ખરીને, એમણે હસીને જવાબ આપ્યો હતો. ‘મારા બંને પુત્રો સારી પોસ્ટ પર છે. બંને ઑફિસર છે. મારી દીકરી ભણે છે અને થોડાઘણાં ટ્યૂશન પણ આપે છે. આ ટાઇપનું કામ તો હું નવરાશને દૂર રાખવા જ કરું છું. મને ગુજરાતી-અંગ્રેજી બંનેનું કામ આવડે છે. પછી નવરો બેસીને શું કરું? પ્રવૃત્તિ પણ થાય છે ને થોડીઘણી આવક પણ થાય છે.’

‘સાચી વાત છે. આમ તો હું નોકરી કરું છું. પણ નવરાશમાં વાર્તાઓ કે નાટકો લખું છું. એમાં આવક બહુ થતી નથી પણ એક મનગમતી પ્રવૃત્તિ થાય છે. એ જ મોટો લાભ છે.’ મેં કહ્યું હતું.

‘તમે આવતા રહેજો. હું તમારી પાસેથી વધારે પૈસા નહીં લઉં’ એમણે સામેથી જ આ વાત કરી હતી.

એમણે મારી પાસેથી ખરેખર ઓછા પૈસા લીધા હતા.

ત્યારપછી તો હું મહિને બે મહિને ત્યાં જતો. મારે મોટાભાગે ગુજરાતી નાટકો ટાઇપ કરાવવાનાં રહેતાં. મને જોઈને પેલી હસમુખી છોકરી વગર કહ્યે જ એના પપ્પાને બૂમ પાડતી કેઃ ‘પપ્પા આવો ને’ ... ને એ મુરબ્બી મારી સામે હસતાં હસતાં ને આવકારો આપતાં આપતાં ટાઇપરાઇટર સામે ગોઠવાતા.

કોઈ વખત હું જાઉં ત્યારે એ ઓસરીમાં હીંચકા ખાતા હોય. કોઈ વખત કામમાં હોય તો એ મને બેસવા માટે વિવેકથી કહેતા. એમનો ચા પીવાનો સમય હોય તો મને પણ આગ્રહ કરીને પીવડાવતા.

આમ જુઓ તો હું એમનો એક ગ્રાહક જ હતો. હું કામ સિવાય એમને ત્યાં જતો નહોતો. કામ લઈને જાઉં ત્યારે પણ કામ પૂરું થયા પછી ક્યારેય વધરે રોકાતો નહોતો. અમારી વચ્ચે વધારે વાતો થતી નહોતી. છતાંય અમારી વચ્ચેના સંબંધમાં માત્ર સ્વાર્થ નહોતો. એમાં લાગણી પણ ભળી ગઈ હોય એવું મને લાગતું હતું.

ૂૂૂ

પરંતુ આજે મેં એ ઘરનો બેલ દબાવ્યો ને પેલી હસમુખી છોકરીએ જ્યારે બારણું ખોલીને મને ‘આવો’ એમ કહ્યું ત્યારે જ મને એ વાતનો અણસાર આવી ગયો હતો કે ભલે એણે મને ‘આવો’ કહ્યું હોય પણ એની આંખોમાં જાકારો ડોકિયાં કરે છે.

‘આજે ઘણું કામ લાવ્યો છું. બહુ દિવસે આવ્યો છું ને?’ મેં કહ્યું.

તોય એણે એના પપ્પાને બૂમ પાડી નહીં. એણે મને ઓરડામાં બેસવા માટે કહ્યું નહીં. મારા પગ અંદર જવા માટે તલપાપડ હતા પણ એણે તો મને પ્રશ્ન કર્યોં કે, ‘તમારે તો ગુજરાતી ટાઇપ કરાવવાનું હોય છે ને?’

મને એ પ્રશ્નથી નવાઈ લાગી. મેં હા પાડે અને પૂછ્યુંઃ ‘કેમ આવું પૂછો છો? ભૂલી ગયાં મને?’

‘ના એવું તો નથી. પણ અમારે ગુજરાતી ટાઇપ બંધ કરવું પડ્યું છે.’ એણે જવાબ આપ્યો. એ આગળ બોલે એ પહેલાં જ મારાથી પુછાઈ ગયુંઃ ‘કેમ? કામ નથી મળતું કે પછી પપ્પા બહારગામ ગયા છે?’

‘પપ્પા તો...’ એણે થોડું અટકીને કહ્યું કે, ‘એક્સપાયર્ડ થઈ ગયા.’

‘ક્યારે?’ મેં આઘાત સાથે પૂછ્યું.

‘વીસ દિવસ થઈ ગયા. અમે પેપરમાં પણ આપ્યું હતું.’ એણે કહ્યું.

‘મારું તો ધ્યાન જ ન ગયું. એમને કશી બીમારી તો નહોતી.’

‘હાર્ટએટેક આવી ગયો.’

‘એમને હાર્ટએટેક?’ મને નવાઈ લાગી.

‘હા. આમ તો એમને બ્લ્ડપ્રેસરની તકલીફ તો હતી જ.’

‘મને તો ખ્યાલ જ નહોતો.’ મેં કહ્યું.

એ કશું બોલી નહીં. થોડી ક્ષણો એ રીતે જ પસાર થઈ ગઈ. એ આગ્રહ ન કરે તો અંદર જઈને બેસવાનું મને ઠીક ન લાગ્યું. લાગણી વ્યક્ત કરવા, વગર આગ્રહે બેસી શકાય ખરું. પણ કયાં સંબંધે? એ ઘર સાથેનો મારો સંબધ તો ગુજરાતી ટાઇપ-રાઇટરની જેમ મૂંગો થઈ ગયો હતો.

એ રીતે વધારે સમય ઊભા રહેવું પણ ઠીક નહોતું. મારા પગને ત્યાંથી પાછા વળવા માટે લાચાર થવું પડ્યું. થોડી દિલગીરી દર્શાવીને મેં એની પાસેથી રજા લીધી.

‘આવજો’ એણે કહ્યું. ‘મને ગુજરાતી ટાઇપ તો આવડતું નથી. અંગ્રેજી આવડે છે. અંગ્રેજીનું કામ હોય તો આવજો.’

‘ભલે’ કહીને હું ત્યાંથી નીકળ્યો. એણે બારણું બંધ કર્યું. ઘરનો ઝાંપો અટકાવતી વખતે મારી નજર દીવાલ પરના પાટિયા પર પડી ને હું થોડી વાર માટે ઊભો રહી ગયો. મેં પાટિયા પરનું લખાણ ફરીથી વાંચ્યું અને એક જગ્યાએ મારી નજર સ્થિર થઈ ગઈ.

થોડાં વર્ષો પહેલાં એક વખત એ જ જગ્યાએ મારી નજર સ્થિર થઈ ગઈ હતી.

મને લાગ્યું કે, મારે આજે એ ઘરનો બેલ દબાવતાં પહેલાં એ પાટિયા પર નજર નાંખવી જોઈતી હતી. પાટિયું એ જ હતું. લખાણ એ જ હતું.

સિવાય કે ‘ગુજરાતી’ શબ્દ સફેદ રંગ ઓઢીને પોઢી ગયો હતો.

[સમાપ્ત]

૫. પ્રસન્નતા

કેશવ ભટ્ટ કેરોસીન ખાતર લાંબી લાઈનમાં જોડાઈ ગયો હતો. લાઈન ખૂબ જ ધીમેથી આગળ વધતી હતી. બધી સંજોગની વાતો છે. આજે એને એકાદ નવી વાર્તા લખવાની ઇચ્છા હતી! પણ રસીલા કેરોસીન વગર બેબાકળી થઇ ગઈ હતી. કેશવ ભટ્ટે કચવાતા મને હાથમાં ડબલું લઈને ઘેરથી નીકળવું પડ્યું હતું.

લાઈન ખૂબ જ ધીમેથી આગળ વધતી હતી. એ ટકાનો લાભ લઈને કેશવ ભટ્ટનું મન એકાદ વાર્તા માટે આમથી તેમ ફાંફા મારવા લાગ્યું.

રસ્તા પર અઢળક દૃશ્યો ભજવાતાં હતાં. કોઈ ઉતારું ભાડા માટે રિક્ષાવાળા સાથે મગજમારીમાં ઉતર્યો હતો. ... કોઈ જુવાનીયો ચાલુ બસે ચઢતો હતો.... કોઈ બાવો શાપ અને આશીર્વાદની વહેંચણી કરતો હતો... કોઈ છોકરો મોઢું ઊંચું કરીને મોંમાં તમાકુવાળી પડીકી ઠાલવતો હતો. ... કોઈ છોકરી છાતી ફંગોળતી કૂદવા જેવું ચાલતી હતી... કોઈ ગાડાવાળો ઉઘાડા શરીર પર પરસેવો રેલાવતો હતો... કોઈ શેઠાણી મોટરમાંથી ઉતારીને ગબડવા જેવું ચાલતી હતી...

આવાં અનેક દૃશ્યોની સાથે જાતજાતનો ઘોંઘાટ. ને આ બધાંમાંથી કેશવ ભટ્ટનું મન એકાદ વાર્તા શોધતું હતું. સાવ નવા વિષય-વસ્તુવાળી વાર્તા! ને એ કેમેય કરીને જડતી નહોતી. જે કાંઈ વાર્તાઓ નજરે પડતી હતી એ તો ખૂબજ જૂની થઈ ગયેલી હતી. વળી, કેરોસીનની ચિંતા પણ કેશવ ભટ્ટના મનને પૂરી નિરાંત લેવા દેતી નહોતી...

...ને લાઈન ખૂબ જ ધીમેથી આગળ વધતી હતી.

લાઈનમાં ઊભેલા લોકો લાચારીના માર્યા અર્થ વગરની વાતો કરતા હતાં, તાકાત વગરનો ગુસ્સો કરતા હતાં તો ક્યારેક કારણ વગરનું હસી નાખતા હતાં. દુકાનદારની સ્થિતિ પણ વિચિત્ર હતી. રોજરોજ લાઈનનો નિકાલ કરતાં કરતાં એણે પોતાનામાંથી વિવેક અને મીઠાશનો પણ નિકાલ કરી નાખ્યો હતો.

કેશવ ભટ્ટ સામે સમગ્ર પરિસ્તિતિ ખૂબ જ અકળાવનારી હતી. એનું મન દેવી સરસ્વતીણે આહવાન કરવા અધીરું બન્યું હતું. પણ, લાઈનમાં ઊભું રહેવું પણ એટલું જ જરૂરી હતું. કદાચ વિશેષ જરૂરી હતું.

...ને લાઈન ખૂબ જ ધીમેથી આગળ વધતી હતી.

ૂૂૂ

એક માણસ લથડિયાં ખાતો કેરોસીન લેવા આવ્યો. એ લાઈનમાં ઊભો ન રહ્યો. ઊભો રહી શકે તેમ પણ નહોતો. એ સીધો દુકાનદારની સામે જઈને પડવા જેવું ઊભો રહ્યો. એણે ડબલું પછાડીને કહ્યું : ‘ચલ બે ઇસમે દો લિટર કેરોસીન ડાલ દે.’

દુકાનદારને ખ્યાલ તો આવી ગયો કે, આ માણસ પીધેલો છે. છતાંય એને શું સૂઝ્‌યું કે એણે દારૂડીયાને લાઈનમાં ઊભા રહેવાનું કહ્યું. ને દારૂડિયો વધારે ગાંડો થયો.

‘સાલા, મેરેકુ લાઈનમેં ભેજતા હૈ? ઇધર ધંધા કરના હૈ કિ નહીં?’ એણે તમાશાની શરૂઆત કરતાં કહ્યું.

પછી તો દુકાનદારની સમજાવટ પણ કામ ન લાગી. દારૂડિયો વધારે ને વધારે ગાળો બોલતો ગયો ને વધારે ને વધારે લોકો ભેગા થતા ગયા. તમાશો થતાં વાર ન લાગી. લાઈન આગળ વધતાં અટકી ગઈ.

લાઈનમાંથી કોઈએ દારૂડિયાને કશું કહ્યું નહીં. લોકો લાચાર થઈને ગુસપુસ કરતા રહ્યા.... હસતા રહ્યા...કેશવ ભટ્ટને આ બધું ઠીક ન લાગ્યું. પણ, એ પોતે બીજા લોકો જેટલો લાચાર હતો.

...છેવટે દુકાનદારને જ્ઞાન આવ્યું. ‘ગાલિયાં મત બોલો. તુમ કેરોસીન લે જાઓ.’ એણે દારૂડિયાનાં ડબલામાં કેરોસીન રેડતાં કહ્યું.

‘લેકિન તૂ લાઈન કી બાત કયું બોલા? તૂ મુઝે પહેચાનતા નહીં હૈ?’ દારૂડિયાએ તમાશો ચાલુ રાખ્યો.

...તમાશો ચાલુ રહ્યો હતો. લોકોની લાચારી ચાલુ રહી હતી. દુકાનદારનો ધંધો અટકી ગયો હતો, લાઈન અટકી ગઈ હતી અને કેશવ ભટ્ટનું કામ અટકી ગયું હતું. વહેલાસર ઘેર પહોંચીને દેવી સરસ્વતીને આહવાન આપવાનું કાર્ય કરવાનું હતું ને પોતે લાઈનમાં ઊભો હતો.

... ને લાઈન જરા પણ આગળ વધતી નહોતી.

...અંતે દુકાનદારે દારૂડિયામાં હાથમાં કેરોસીનનું ડબલું પકડાવતાં કહ્યું : ‘મેરી ગલતી હો ગઈ ભાઈસાબ. મુઝે માફ કરના.’

‘ઠીક હૈ. દારૂડિયાએ કહ્યું. ‘ફિર કભી લાઈનકી બાત બોલા તો તેરી..’

‘નહીં બોલુંગા’ દુકાનદારે ઠાવકાઈથી કહ્યું. બે રૂપિયાની નોટ ફેંકીને દારૂડિયો લથડિયાં ખાતો ચાલતો થયો.

‘સાલા મેરેકુ લાઈનકી વાત બોલતા હૈ. મેરે પાસ ઇતના ટાઈમ હૈ? એણે થોડું ચાલ્યા પછી લાઈનમાં ઊભેલા એક માણસને પૂછ્યું.

જવાબમાં એ માણસે ડોકું હલાવીને ના પાડી.

દારૂડિયો આગળ વધતો ગયો ને પોતાનો સવાલ દોહરાવતો ગયો. એને જેને જેને સવાલ પૂછ્યો એ તમામે જવાબમાં વિવેકથી ‘ના’ કહ્યું.

પરંતુ, એ જ સવાલ એણે જ્યારે કેશવ ભટ્ટને પૂછ્યો ત્યારે કેશવ ભટ્ટે જવાબ આપવાના બદલે પોતાનું મોઢું ફેરવી લીધું.

‘જવાબ દે. મેરે પાસ ઇતના ટાઇમ હૈ?’ દારૂડિયાએ ગાળ દઈને ફરીથી પૂછ્યું.

‘નહીં હૈ.’ કેશવ ભટ્ટે જવાબ આપવો પડ્યો.

‘ઐસે જવાબ દેનેકા’ દારૂડિયો બબડ્યો અને લથડિયાં ખાતો ખાતો આગળ વધ્યો.

ને લાઈન ધીમે ધીમે આગળ વધવા લાગી. થોડી વારમાં બધું રાબેતા મુજબનું થઈ ગયું. સિવાય કે કેશવ ભટ્ટ.

ૂૂૂ

કેશવ ભટ્ટના આળા હૈયામાંથી પીડા ટપકવા માંડી : દુનિયા આવી કેમ હશે? મારા જેવા સરળ માણસનું આવું અપમાન? આવી ગાળ? ... એક માયકાંગલો દારૂડિયો લાઈનમાં ઊભા રહેવાની કડાકૂટમાં પડ્યા વગર, ગાળો બોલીને કેરોસીન લઈ જાય ને એને કોઈ કશું કહી ન શકે? મારો શો વાંક હતો? મેં એ અણગમતા માણસના વાહિયાત સાવાલાનો જવાબ ન આપ્યો એ જ કે બીજો? મને એટલી પણ આઝાદી નહીં?...

આવા કેટલાય વિચારોથી કેશવ ભટ્ટનું મન છલકાતું હતું ત્યારે જો કોઈ માણસ એની સામે જોતું તો એને ત્યાંથી ભાગી છૂટવાનું મન થઈ આવતું હતું. એના માટે આ આઘાત જેવી તેવો નહોતો. એણે પોતે પણ આ આઘાતમાંથી બહાર નીકળવા માટે ત્રણથી ચાર દિવસનો અંદાજ બાંધી લીધો હતો. ત્યાં સુધીમાં જ્યારે જ્યારે દારૂડિયાની ગાળ યાદ આવે ત્યારે ત્યારે એના હૈયામાંથી એક મૂંગી ચીસ નીકળવાની હતી...

... કેશવ ભટ્ટ લાઈનમાં ઊભો ઊભો પીડાતો હતો ને લાઈન ખૂબ જ ધીમેથી આગળ વધતી હતી.

પીપમાંથી નીકળતા કેરોસીનની ધાર પાતળી થવા લાગી ત્યારે લાઈનમાં ઊભેલા લોકોનો ઉચાટ વધી ગયો. કેટલાક લોકો ડોકાં તાની તાણીને જોવા લાગ્યા પણ કેશવ ભટ્ટને આવી કશી જ ખબર રહી નહોતી.

...ને એક ડોશી લાઈનમાંથી બહાર નીકળીને સીધી દુકાનદારની સામે જઈને ઊભી રહી અને તાડૂકીઃ ‘તેં પેલા દારૂડિયાને કેરોસીન પહેલાં કેમ આપી દીધું? એ તારો સગલો થતો હતો?’

‘અરે માડી! નાગા સાથે કોણ મગજમારી કરે? તમે જોયું ને, કેવો તમાશો કરીને ગયો?’

‘કોઈ તમાશો કરે એટલે એણે કેરોસીન આપી દેવાનું? તારે ધંધો કરવો હોય તો ઇમાનદારીથી કર. અમે લાઈનમાં જખ મારવા ઊભાં છીએ?’

‘તમારે એને કહેવું હતુંને? મને શું કહો છો હવે?

‘તું દુકાન લઈને બેઠો છે. તારે એણે લાઈનમાં ઊભો રાખવો જોઈએ. સમજ્યો?’

‘ના..ના. એવું લખી નથી આપ્યું. તમારી સામે જ મારે કેટલી ગાળો ખાવી પડી? તમે જોયુંને?’

‘સારું હવે. આ ડબલામાં પાંચ લિટર કેરોસીન ભરી દે.’ ડોશીએ ડબલું પછાડીને કહ્યું.

‘એમ કેરોસીન નહીં મળે માડી. તમે પહેલાં લાઈનમાં જ્યાં હતાં જતાં રહો.’ દુકાનદારે ગુસ્સો કર્યો.

‘હા. હા. માડી, લાઈનમાં ઊભા રહો.’ લાઈનમાંથી બૂમો પડી.

‘હવે શરમાવ શરમાવ લાઇનવાળીઓ. હમણાં પેલો આવીને ગાળો બોલી ગયો ને ઊભાં ઊભાં જ ડબલું ભરાવી ગયો ત્યારે તમારી લૂલીઓ કેમ બંધ થઈ’તી? ને હવે આ ઘરડીને શિખામણ આપવા નીકળ્યાં છો?’ ડોશી હાથ ઊંચા કરી કરીને બોલવા માંડી.

બીજા તમાશાની શરૂઆત થઈ ગઈ.

‘માડી આ બધાંનો વિચાર કરો. તમે ઘરડું માણસ થઈને આવી ખોટી વાત ન કરો.’ દુકાનદારે ડોશીને સમજાવ્યાં.

‘મારે કોઈ વિચાર નથી કરવો. ને તારે વિચાર કરવો હોય તો મારો વિચાર કર. ત્રણ દિવસથી કેરોસીન લીધા વગર પાછી જાઉં છું. પણ આજે નહીં જાઉં.’ ડોશી ગુસ્સામાં ધ્રુજતી બોલી. ‘આજે તું મને કેરોસીન નહીં આપે તો હું અહીં જ મારું લોહી છાંટીશ. સમજ્યો?’

બધાં ચૂપ થઈ ગયાં. કેશવ ભટ્ટને વિચાર આવ્યો કે : ‘આવો આક્રોશ તો હું પણ વ્યક્ત કરું છું. પણ એ તો કાગળ પર જ. આવી રીતે જાહેરમાં બોલવાની તો ક્યારેય હિંમત થઈ નથી.’ પછી તો એને તેજાબી કવિઓ અને વાર્તાકારો યાદ આવવા લાગ્યા. અને, વચ્ચે વચ્ચે પેલી તેજાબી ગાળ પણ યાદ આવાવા લાગી.

... કેશવ ભટ્ટ લાઈનમાં ઊભો ઊભો તેજાબી રચનાઓ સંભારતો હતો ને લાઈન જરા પણ આગળ વધતી નહોતી.

‘લાવો તમે નહીં માનો.’ દુકાનદારે ડોશીનું ડબલું લેતાં કહ્યું.

‘આ ખોટું થાય છે. સાવ ખોટું થાય છે.’ લાઈનમાંથી બૂમો પડી. ધક્કામુક્કી થઈ.

ને કેરોસીનની ધાર અટકી ગઈ.

ડોશીને નસીબજોગું કેરોસીન મળ્યું. બાકીનાંને બીજે દિવસે આવવાની સૂચના મળી.

...કેશવ ભટ્ટ લાઈનમાં ઊભો હતો ને લાઈન વીંખાઈ ગઈ હતી.

‘ચાલો ભાઈસાબ, ‘એક માણસે કેશવ ભટ્ટને કહ્યું. ‘કેરોસીન ખલાસ થઈ ગયું. હવે ઊભા રહેવાથી કશો ફાયદો નહીં થાય.’

કેશવ ભટ્ટ વિચારોની ભીડમાંથી બહાર આવ્યો.

ૂૂૂ

કેશવ ભટ્ટે ઘરની વાત પકડી. દારૂડિયાની ગાળ એનાથી ભુલાતી નહોતી. એ ગાળ એને કેરોસીનના અભાવ કરતાં પણ વધારે ત્રાસદાયક લાગવા માંડી હતી.

એ નીચલા હોઠને વારંવાર દાંત વચ્ચે દબાવીને એ આઘાત સામે ટક્કર ઝીલવાના ફાંફા મારતો હતો ત્યારે એને ભાન નહોતું કે રસ્તા પરથી કેટલા પરિચિત લોકોએ એના તરફ નજર નાખી હતી. એના મનનો કબજો તો માત્ર પેલા દારૂડિયાએ જ લઈ લીધો હતો.

એણે તો એવાં દિવાસ્વપ્નો પણ જોઈ નાખ્યાં કે જેમાં એ પોતે પેલા દારૂડીયાને જાહેરમાં ફટકારતો હોય ને પેલો એના પગ પકડીને માફી માંગતો હોય. કે પછી, દારૂડિયાની ડોકમાં ‘મૈ નશે મેં હૂં’ એવું પાટિયું લટકતું હોય ને પોલીસ ઇન્સપેક્ટરે મોટું સરઘસ કાઢ્યું હોય ને પોતે ઇન્સપેક્ટર સાથે હાથ મિલાવીને ધન્યવાદ આપતો હોય. પણ, એ છૂટકારો લાંબો ટકતો નહોતો. દારૂડિયાએ દીધેલી પેલી ગાળ ફરીથી એને વસમી પીડા આપવા યાદ આવી જતી હતી.

...કેશવ ભટ્ટ ગર તરફ જતો હતો ને એના મનમાં વિચારોની લાંબી લાઈન પડી ગઈ હતી.

કેશવ ભટ્ટે પોતાની જાતને આશ્વાસન આપ્યું : ‘મેં તો એક દારૂડિયાની ગાળ ખાઈ લીધી. એમાં શું થઈ ગયું? દારૂડિયો તો મોટા વિદ્વાનનેય ગાળ આપે. હું તો થોડુંઘણું લખું છું ને સ્વમાનથી જીવું છું. હું કાંઈ પેલા લેખકો જેવો નથી કે જેઓ તેજાબી કલામના માલિક હોવા છતાં શેશ શેઠિયાઓ સામે, પ્રકાશકો સામે કે વિક્રેતાઓની સામે પાળેલાં કૂતરાંની માફક પૂંછડી પટપટાવીને ઊભા રહી જાય છે.’

પરંતુ, કેશવ ભટ્ટનું મન એને કેમેય કરીને દાદ આપતું નહોતું. ’ હું કાયર તો છું જ. કાગળ પર ખૂબ લડાઈ કરી જાણું છું પણ અન્યાય સામે જાહેરમાં એક શબ્દ પણ બોલી શકતો નથી. હું પણ બીજા લેખકો જેવો જ નહોર વગરનો વાઘ છું.’ મન બળવો કરતું રહ્યું.

કેશવ ભટ્ટના બળતા હૈયામાં લાચારીનો ઢગલો થયો. એમાં દુકાનદારની લાચારી ભળી. દારૂડિયાની ગાળો ભળી. ડોશીનો કકળાટ ભળ્યો. લોકોની સહનશક્તિ પણ ભળી. એના હૈયામાં જાણે હોળી પ્રગટી.

...કેશવ ભટ્ટ ઘર તરફ જતો હતો. એના ડબલામાં કેરોસીન નહોતું ને એના હૈયામાં હોળી પ્રગટી હતી.

...અને અચાનક કેશવ ભટ્ટના મનમાં એક ઝબકારો થયો. એની આંખોમાં ચમક આવી ગઈ. એના હોઠ ફફડવા લાગ્યા. એનાથી એક ચપટી વગાડાઈ ગઈ. એના હૈયામાં પ્રગટેલી હોળી છેલ્લા એક ઝબકારા સાથે ઠરી ગઈ અને ત્યાં ઊગી નીકળ્યો એક નાનકડો છોડ!

આવું તો કેશવ ભટ્ટને આ પહેલાં પણ ઘણી વખત થયું હતું. જ્યારે જ્યારે આવું થતું ત્યારે ત્યારે એને એક સિગારેટ પીવાની ઇચ્છા થઇ આવતી. આજે પણ થઈ. પાનના એક ગલ્લા પાસે ઊભા રહીને એને એક સિગારેટ લીધી અને સળગાવી.

સિગારેટનો કશ ખેંચતાં એ ફરીથી બધું યાદ કરવા લાગ્યો. કેરોસીન માટે લાંબી લાઈનમાં ઊભેલા લોકો, લોકોની લાચારી, દુકાનદારની લાચારી, દારૂડિયાની દાદાગીરી, દારૂડિયાની ગાળ, ડોશી, ડોશીનો કકળાટ અને એ આખી ઘટનામાં કેશવ ભટ્ટ પોતે...આ બધું જેમ જેમ એને યાદ આવતું ગયું એમ એમ એના મનમાં પ્રસન્નતા વધતી ગઈ. અને, પેલો છોડ મોટો ને મોટો થતો ગયો.

સિગારેટ પૂરી થવા આવી ત્યારે કેશવ ભટ્ટે એ ઠૂંઠાને ગજબના આત્મવિશ્વાસ સાથે પોતાના સેન્ડલથી કચડી નાખ્યું.

એણે ઘરની વાત પકડી. ... કેશવ ભટ્ટ ઘર તરફ જતો હતો. એના હાથમાં કેરોસીન વગરનું ખાલી ડબલું હતું ને એનું મન પ્રસન્નતાથી ભર્યું ભર્યું હતું.

ૂૂૂ

કેશવ ભટ્ટ ખાલી ડબલું લઈને પાછો આવ્યો એટલે રસીલા નારાજ થઇ ગઈ. પરંતુ કેશવ ભટ્ટની પ્રસન્નતા ઓછી ન થઈ.

હવે તો કેશવ ભટ્ટના મનની હાલત એવી હતી કે એને પેલો દારૂડિયો કે દારૂડિયાની ગાળ યાદ આવે તો પણ પીડા થવાના બદલે પ્રસન્નતા જ થતી હતી.

‘આટલી બધી વારે આવ્યા ને ખાલી હાથ આવ્યા?’ રસીલાએ છણકો કર્યો.

‘કોણ કહે છે કે હું ખાલી હાથ આવ્યો?’ કેશવ ભટ્ટે પોતાનું મસ્તક ઊંચું રાખીને એની પત્નીને સવાલ કર્યો.

‘કેરોસીન તો મળ્યું નહીં.’ રસીલાએ નિરાશ થઈને કહ્યું.

‘તો શું થઈ ગયું? કેશવ ભટ્ટે પોતાના મનની પ્રસન્નતા છુટ્ટા ચહેરે ઉડાડતાં કહ્યું, ‘વાર્તા તો મળીને.’

કેશવ ભટ્ટે ઉડાડેલી પ્રસન્નતા રસીલાના ચહેરા પર ચોંટી ગઈ. એ ચૂપચાપ કામે વળગી.

...કેશવ ભટ્ટ ઘરની બારી પાસે બેઠો હતો. એના હાથમાં કલમ હતી. એની સામે કાગળ હતા. કાગળ પર કોરી લીટીઓ હતી. ને એ લીટીઓ ધીરે ધીરે ભરાતી જતી હતી.

...કેશવ ભટ્ટના ઘરમાં કેરોસીન નહોતું ને ઘર પ્રસન્નતાથી ભર્યું ભર્યું હતું.

[સમાપ્ત]

૬. અપેક્ષા

જે હોટેલમાં તેઓ બધા લેખકો અને કવિઓ એકઠા થતા હતા તે હોટેલની બહાર સનતકુમાર ઊભા ઊભા બીજા મિત્રોની રાહ જોઈ રહ્યા હતા. એમનો એકપણ મિત્ર આજે હોટેલ તરફ ફરક્યો નહોતો. આવું થાય ત્યારે સનતકુમાર અકળાઈ જતા. અકળાયેલા અને ધૂંધવાયેલા સનતકુમારે ત્યાંથી જવા માટે થોડાંક કદમ ભર્યાં હશે ત્યાં તો એક અજાણ્યા યુવાને તેમની પાસે આવીને સીધો જ સવાલ કર્યોઃ ‘તમે જ લેખક સનતકુમાર છો કે?’

સનતકુમારને ઘણાં લોકોએ અહોભાવથી આવો સવાલ કર્યો હતો. પરંતુ આ યુવાને જે રીતે સવાલ કર્યો હતો એ રીતે આ પહેલાં કદી કોઈએ કર્યો નહોતો. આ યુવાન જાણે કે સનતકુમારની ઝડતી લઈ રહ્યો હતો.

‘જી, થોડુંઘણું લખું છું.’ સનતકુમારે નમ્રતાથી કહ્યું.

‘મેં સાંભળ્યું છે કે આ હોટેલમાં ઘણાબધા સાહિત્યકારો ભેગા થાય છે.’

‘સાચી વાત છે. પણ આજે મારા સિવાય બીજું કોઈ આવ્યું નથી. હું એ લોકોની રાહ જોઈને જ જઈ રહ્યો છું.’

‘મારે તમારી સાથે થોડીક વાત કરવી છે. હું માનું છું કે તમારી પાસે તમારા વાચક માટે એટલો સમય તો હશે જ.’

‘હા હા ચોક્કસ.’ સનતકુમારે જવાબ તો આપ્યો. પણ તેઓ સમજી ચૂક્યા હતા કે, ‘આજે રોજ કરતાં જુદું જ બની રહ્યું છે.’

તેઓ હોટેલમાં જઈને એ ખૂણામાં બેઠા જે ખૂણામાં મોટા ભાગે સનતકુમાર અને તેમના મિત્રો બેસતા હતા. હોટેલ સામાન્ય હતી પરંતુ એટલી મોટી હતી કે નવરા લોકો ચા-કોફી પીધાં પછી પણ લાંબો સમય સુધી બેસી શકે. સનતકુમાર અને તેમના મિત્રોએ વાતોવાતોમાં કેટલીય કવિતાઓનું અને વાર્તાઓનું સર્જન આ હોટેલમાં જ કર્યું હતું.

હોટેલનો છોકરો ટેબલ પર પાણીના ગ્લાસ મૂકીને તેમ જ ચાનો ઓર્ડર લઈને ગયો કે તુરત જ યુવાને વાતની શરૂઆત કરીઃ ‘થોડા દિવસો પહેલાં આપણા આ શહેરમાં ફિલ્મોત્સવ ઉજવાઈ ગયો. તેના એક કાર્યક્રમમાં મુંબઈનો એક ફિલ્મી કલાકાર એવું આડુંઅવળું બોલ્યો કે- ‘ગુજરાતી પ્રજા પૈસાભૂખી છે. આ પ્રજા ધંધો કરી જાણે. પૈસા કમાઈ જાણે. પરંતુ, કળાના ક્ષેત્રમા એનું કામ નહીં.’ તે વિષે ઘંણા બુદ્ધિજીવીઓએ ઉહાપોહ કર્યો છે. લેખકો અને વાચકોએ પણ એ વિષે છાપાઓમાં લખ્યું છે. તમારું પોતાનું એ બનાવ વિષે અને એ બનાવના પ્રત્યાઘાતો વિષે શું માનવું છે?’

‘એ માણસે મોટી ભૂલ કરી છે.’ સનતકુમારે કહ્યું. ‘એ માણસ તમામ ગુજરાતીઓને ગાળ દઈ ગયો છે. મેં મારી કોલમમાં એની સખત શબ્દોમાં ઝાટકણી કાઢી છે. ને ભવિષ્યમાં એ ગુજરાતમાં ક્યાંય બોલવા ઊભો થાય તો એને તુરત બેસાડી દેવાની હાકલ કરી છે. એવું થશે ત્યારે જ એવા ગુજરાતવિરોધી લોકો સીધા થશે... ’

યુવાન ચૂપચાપ સનતકુમારની સામે જોઈ રહ્યો. સનતકુમાર એની નજર જીરવી ન શકતા અટકી ગયા. પહેલાં તો એમને લાગ્યું હતું કે યુવાને સાવ સાદી વાત પૂછી નાખી છે તેથી આવેગમાં બોલવા લાગ્યા હતા. તેઓ પોતાના લેખનો ઘણોખરો ભાગ બોલી જાત! પણ યુવાનની નજર! સનતકુમારને લાગ્યું કે, એ યુવાન તેમના ચહેરાની અંદર ઊંડે ઊંડે જોઈ રહ્યો છે.

‘એ કલાકાર જે કાર્યક્રમમાં બોલ્યો તેમાં તમે હાજર હતાકે?’ યુવાને પૂછ્યું.

’ હા. હું એ કાર્યક્રમમાં હતો.’ સનતકુમારે કહ્યું.

‘તમે હાજર હતા તો પછી તમે એને કેમ ન રોક્યો?’

વેઈટરે ટેબલ પર ચાના કપ મૂક્યા. સનતકુમારે યુવાનના સવાલનો શું જવાબ આપવો એ વિષે વિચાર કરતા કરતા ચા પીવા લાગ્યા. યુવાન પણ ચૂપચાપ ચા પીવા લાગ્યો. સનતકુમાને થયું કે આ વાતનો ગમે તે રીતે અંત લાવીને પોતે ઊભા થઈને જતા રહે તો જ યુવાનથી છૂટી શકાશે.

ચા પીવાઈ ગઈ કે તુરત યુવાને કહ્યું, ‘તમે મારા સવાલનો જવાબ નથી આપ્યો સાહેબ.’

‘હું શું કરી શકું? જ્યાં આટલા બધા માણસોની હાજરી હોય ત્યાં શું થઈ શકે? ’ સનતકુમારે કહ્યું.

‘કેમ? તમે જો માનતા હો કે એ માણસ ખોટું બોલી રહ્યો છે તો બધાંની વચ્ચે ઊભા થઈને એને અટકાવી ન શકો? એક બુદ્ધિજીવી તરીકે તેને વિનંતી ન કરી શકો કે એ બરાબર બોલે. છતાં પણ એ ન માને તો ઊંચા અવાજે તેને બકવાસ બંધ કરવાનું ન કહી શકો? અરે.. તમારી કોલમમાં હાકલ કરો છો તેવી હાકલ સાંભળનારાઓને ન કરી શકો કે, - આ માણસને બોલતો અટકાવો. એ આપણા ગૌરવ ઉપર ઘા કરી રહ્યો છે. - આમાંથી કશું ન કરી શકો? ’ યુવાને એકધારા પ્રશ્નોનો મારો ચલાવ્યો.

‘એ માણસ ગુજરાતીઓની મજાક ઉડાવશે એવી અમને ખબર નહોતી. એટલે અમે એવી તૈયારી સાથે ગયા નહોતા.’

‘અચ્છા.’ યુવાને કહ્યું. ‘તમે તમારી કોલમમાં હાકલ કરી છે કે એ માણસ ફરી ગુજરાતમાં ક્યારેય આવે ને બોલવા ઊભો થાય તો એને બેસાડી દેવો જોઈએ. ધારો કે એ ફરીથી ગુજરાતમાં આવે તો એને બોલતો અટકાવવા માટે તમે પહોચી જશો? જો તમે પ્રમાણિકતાથી માનતા હો કે એવું થવું જ જોઈએ તો સહુ પ્રથમ શરૂઆત તમારે ન કરવી જોઈએ?’

સનતકુમારે થોડી વાર પછી જવાબ આપ્યો. ‘જુઓ મિત્ર, મારી ફરજ લખવાની છે. જે અજુગતું લાગે તે લોકોની નજરમાં લાવવાનો મારો ધર્મ છે. તમે કહો છો તેવા જોખમો ખેડવાનું કાર્ય મારું નથી.’

‘કેમ નહિ?’ યુંવાને ટેબલ પર હાથ પછાડ્યો. ’આ વાત જવા દો. બીજી કેટલીય એવી બાબતો છે જેના વિષે તમે ખૂબ ખૂબ લખો છો. લોકોને દોરવણી આપો છો. ચેતવણી આપો છો. સૂચનો આપો છો. અમુક બાબતોનો વિરોધ કરવાનું કહો છો પણ તમે પોતે સદેહે તેનો વિરોધ કરવાનું જોખમ ખેડતા નથી? લોકો પાસે જ જોખમ ખેડે એવી આશા કેમ રાખો છો?’

‘લખવું એ પણ ઓછું જોખમ નથી.’

‘હું સહમત થાઉં છું. પરંતુ તમને નથી લાગતું કે એનાથી વધારે જોખમ ખેડ્યા વગર ચાલે તેમ નથી. સમાજમાં બનતો બનાવ એ લેખકો માટે માત્ર મસાલો જ બની રહે? કોઈ લેખક કોલમમાં તેનો ઉલ્લેખ કરે. કોઈ લેખક હાસ્યકથા લખીને છૂટી જાય. કોઈ લેખક નવલકથા લખવાની મથામણમાં પડે. પછી બધું ભુલાઈ જાય. ફરીથી નવો બનાવ બને ફરીથી બધાં એના પર તૂટી પડે. ને છતાય એવા બનાવો બનતા જ રહે.’

‘એ તો બનવાના જ..’

‘જો તમે માનો છો કે એવા બનાવો બનવાના જ તો પછી શા માટે એના વિષે લખ લખ કરો છો? તમારા પેટ માટે?’

‘મિત્ર, તમે વધારે પડતું બોલી રહ્યા છો. અમને લખવાના કેટલા પૈસા મળે છે તે જાણશો તો તમને અમારી દયા આવશે.’

‘દયા તો આવે છે. લેખક મહાશય, એક ઘટનાને તમે કાગડા કૂતરાંની માફક ચૂંથો છો પરંતુ એ અશુભ ઘટના બનતી અટકે તે માટે તમે કોઈ જોખમ ઉઠાવવા તૈયાર નથી. તમારી નજરમાં જે જે અયોગ્ય બનાવો બને છે તેની મેં યાદી બનાવી છે. ચાલો મારી સાથે. આપણે એવા બનાવો બનતા અટકાવીએ.’

‘કેવા બનાવોની વાત કરો છો?’

‘ગણપતિ ઉત્સવ માટે દાદાગીરીથી પૈસા ઉઘરાવાતા હોય તો એને આપણે અટકાવવા છે. કોઈએ માઈકનો અવાજ વધારે રાખ્યો હોય તો એને અવાજ ધીમો રાખવા માટે સમજાવવો છે. કોઈ પ્રધાન જાહેરમાં ખોટા વચનો આપતો હોય તો એને ખુલ્લો પાડવો છે. આત્મવિલોપનના માર્ગે જતા કિશોરને અટકાવવો છે. મોતની પોટલીઓ પીનારાઓને રોકવા છે. જ્યાં જાહેર કે ખાનગી મિલકતોની તોડફોડ થતી હોય ત્યાં જઈને તમારા પોતાના જ લેખોનું મોટેથી વાંચન કરવું છે. તમે પોતે તો તમારા વિચારો ભૂલ્યા નહી હો.’

સનતકુમાર ખોખલું હસ્યા ને બોલ્યા, ‘દોસ્ત,તમે મારી પાસેથી બહુ મોટી અપેક્ષા રાખો છો.’

‘તમે પણ લોકો પાસેથી ઓછી અપેક્ષા નથી રાખતા. તમારી માન્યતા પ્રમાણે ન ચાલનારા લોકોને તમે કાયર, મૂર્ખા, લુચ્ચા કે અપ્રમાણિક ગણો છો. તમારી કલમ મારફતે ચાબખા વિંઝો છો. પરંતુ, ઘરમાં બેસીને લખવાથી વધારે જોખમ ઉઠાવવાની તમારી તૈયારી નથી.’

‘તમે કહો છો તેવા કામ તો કોઈ રાજકીય વ્યક્તિ કરી શકે. અમારાથી ન થઈ શકે.’

‘બધાં આવું જ કહે છે. ઓળઘોળ જાય બધું રાજકારણ પર. પછી તગડા રાજકારણ વિષે પણ તમે પાનાં ભરી ભરીને લખી શકો. એવા રાજકારણને દૂર કરવા માટે સૂચનો, માર્ગદર્શન કે હાકલા ને પડકારા કરી શકો. ખરેખર, તમે તો સમાજની રાતદિવસ સેવા કરો છો.’

સનતકુમાર ચૂપ થઈ ગયા. તેઓ વિચારોમાં ડૂબી ગયા.

યુવાન ઊભો થયો. ‘માફ કરજો. મેં તમારો ઘણો સમય બગાડ્યો. તમે આજની આ સાંજનો ઉપયોગ કોઈ વાર્તા લખવા માટે કરશો જ એવી મને ખાતરી છે. એનાથી કોઈ મોટી ધાડ મારવાનું તમારું ગજું નથી.’

યુવાન ત્યાંથી ચાલ્યો ગયો. જતાં જતાં કાઉન્ટર પર બે ચાના પૈસા ચૂકવતો ગયો.

સનતકુમાર જવા માટે ઊભા થયા ને ફરીથી બેસી ગયા. એમણે ફરીથી ચાનો ઓર્ડર આપ્યો અને એવી ગડમથલમાં ડૂબી ગયા કે- એ યુવાન સાથેની મુલાકાતનો ઉપયોગ એકાદ નવી વાર્તા બનાવવામાં કઈ રીતે કરવો.

[સમાપ્ત]

૭. બીક

‘જેને મોઢે રૂમાલ બાંધવો હોય એ બાંધી લેજો. હું સુરતથી આવ્યો છું.’

કાનાનો અવાજ સાંભળીને શાંતિ ચમકી. આમ તો ચમકવા માટે સુરતનું નામ પૂરતું હતું. પણ આ તો કાનો! સગો નાનો ભાઈ! ‘એ તો રહેવા જ આવ્યો હશેને? કોને ખબર! એના શરીરમાં પ્લેગનાં કેટલાં જંતુઓ ભરાયાં હશે? હે ભગવાન! આ મુસીબત સામે મારી રક્ષા કરજે. એક તો સાજાંમાંદાં છીએ ને એમાં સુરતથી મહેમાન તરીકે નાનો ભાઈ! હવે શું થશે?’ શાંતિને ડરામણા વિચારો આવવા લાગ્યા.

‘મોટીબહેન, આવુંને? કે પછી અહીંથી જ પાછો જાઉં?’ ઘરના દરવાજે આવીને કાનાએ હસતાં હસતાં પૂછ્યું.

શાંતિ ફિક્કું ફિક્કું હસી. બીજો કોઈ દિવસ હોત તો વાત જુદી હતી. તો તો પોતે પણ ખુલ્લું ખુલ્લું હસી લેત. દોડીને કાનાના ફૂલેલી રોટલી જેવા બંને ગાલને પોતાની હથેળીઓ વચ્ચે ભીંસી દેત ને મીઠો ગુસ્સો કરીને કહેત : ‘તું તો કાનિયા, એવો ને એવો જ રહ્યો. બહેનના ઘરમાં આવવા માટે વળી રજા લેવાની હોય?’

પરંતુ આજની વાત તો સાવ જુદી છે. આજે તો...શાંતિને છાપાનાં મથાળાં યાદ આવવા માંડ્યાં...પ્લેગના દર્દીને રસ્તા વચ્ચે છોડીને ભાગી ગયેલા મુસાફરો...સુરતથી મોટાપાયે હિજરત... ધર્મશાળામાં આશરો લઈ રહેલા સુરતીઓને કાઢી મુકાયા.... સુરતથી આવેલાં દીકરીજમાઈને મળેલો જાકારો!

‘કાનો શા માટે સુરત ગયો હશે? લાડવા લેવા?’ શાંતિને અકળામણ થઈ.

‘મોટી બહેન, વિચારમાં પડી ગયાંને? બીક લાગતી હોય તો અહીંથી જ પાછો ફરું.’ કાનાએ બૂટ કાઢતાં કાઢતાં ફરીથી પૂછ્યું. જેવી રીતે પહેલાં પૂછ્યું હતું એવી જ રીતે, હસતાં હસતાં.

‘હેં? શું કહ્યું?’ પોતે પકડાઈ ગઈ હોવાનો ખ્યાલ આવતાં, શાંતિ પોતાના બચાવ માટે ફાંફા મારતી હોય એમ બોલી : ‘તું ગાંડો થઈ ગયો છે? બહેનના ઘરના બારણેથી પાછો ફરવાની વાત કરે છે? શરમ નથી આવતી?’

‘તો આ પધાર્યો.’ ચપટી વગાડીને કાનો ઘરમાં આવીને બેસી ગયો. દર વખતની જેમ આ વખતે પણ એણે ઘરમાં ચારે તરફ નજર નાંખી. — ‘આ કેરમ ક્યારે લીધું? આ બારણું કેમ આવું થઈ ગયું? અહીંથી કુંડું ક્યાં ગયું?’ - આવા સવાલો કર્યા. શાંતિએ જેમતેમ જવાબો દીધા. એને તો કાનામાં જાણે પ્લેગપૂડો જ દેખાતો હતો. ને દેખાતાં હતાં પ્લેગનાં નર્યાં જંતુઓ, જંતુઓ ને જંતુઓ!

‘ફૂલોં કા તારોં કા સબકા કહના હૈ, એક હજારોં મેં મેરી બહના હૈ...’ ગીત ગણગણતો કાનો પોતાનો ટુવાલ લઈને બાથરૂમમાં ગયો અને હાથપગ ધોવા માંડ્યો.

‘અરેરે!’ શાંતિ મનમાં બબડી : ‘બાથરૂમનું પણ સત્યાનાશ વાળી નાંખ્યું! ઠીક છે, આવ્યો છે તો ભલે આવ્યો. પાણી પીને રવાના થાય. પણ કાનાને પાણીનો ગ્લાસ તો આપ્યો જ નથી! સાવ ભુલાઈ ગયું. આ પ્લેગની બીક જ એવી છે. મોત, જાણે આસપાસ હવામાં વહેતું હોય એમ લાગે છે. ચાંચડ કેવું હોય એ ખબર નથી પણ એકેએક જંતુ ચાંચડ જેવું લાગે છે. ઉંદર તો દીઠયોય ગમતો નથી. પાડોશીના ઘરમાંથી ક્યારેક આવી ચડે છે ત્યારે એની પૂંછડી પકડીને મોત પણ ઘરમાં ઘૂસતું હોય એમ લાગે છે.’

‘મોટીબહેન, તમે આ વખતે મને પાણીનોય ભાવ પૂછ્યો નથી હોં. હું જાણું છું કે, તમે મને જોઈને જ ગભરાઈ ગયાં છો.’ કાનાએ બાથરૂમમાંથી બહાર આવીને કહ્યું.

‘ના...ના. એમાં ગભરાવાનું શું? તું સુરતથી આવ્યો તો શું થઈ ગયું? ભાઈ થોડો મટી જવાનો છે? લોકો તો ગાંડા છે. સુરતનું નામ સાંભળીને ભડકે છે. પાણી આપું જ છું. ચા પીશને?’

‘લો કરો વાત. ચા પીશને? ત્યાં જ તમે પકડાઈ જાઓ છો. મોટીબહેન, તમે ખરેખર ગભરાઈ ગયાં છો. નહીં તો આવા ફાલતુ સવાલો ન કરો. ચાલો જવા દો. આજે ચા નથી પીવી. નાસ્તો પણ નથી કરવો. ને આ પાણી પણ ઊંચેથી જ પીવું છે.’

કાનો પાણી ઊંચેથી પીવા ગયો ને ઓતરાઈ ગયો. શાંતિને થયું કે પોતે બોલેઃ ‘ગાંડિયા, ગ્લાસ મોઢે માંડને.’ પરંતુ, એનાથી બોલાયું જ નહીં. એ સ્વસ્થ થવાનો હજી પ્રયત્ન કરતી હતી ત્યાં તો કાનો બોલ્યોઃ ‘શું કરું મોટીબહેન? રવાના થાઉંને?’

‘હવે તો હદ થાય છે.’ શાંતિને થયું... ‘ઠીક છે. નાનો ભાઈ છે. પહેલેથી જ હસમુખો છે. ખમી ખાઈએ. પણ ખમવાની હદ હોયને? એક તો રોગચાળામાંથી આવ્યો છે. ને પાછો ઉપરથી વાતવાતમાં મમરા મૂકે છે. હવે તો જવાબ આપવો જ જોઈએ. ભલે જતો રહેતો. ઓછી ઉપાધિ.’

એણે કહ્યુંઃ ‘તને યોગ્ય લાગે તેમ કર. હું શું કહું? મને તો ભાઈ, મનમાં એવું કશું નથી. તારા મનની વાત તું જાણે.’

‘યે બાત હૈ.’ કાનાએ ફિલ્મી સ્ટાઈલ શરૂ કરી. એણે સોફા પર ધબ દઈને બેસતાં કહ્યું : ‘આમ તો મોટીબહેન, હું પાણી પીને નીકળી જ જવાનો હતો. પણ હવે થાય છે કે, જે થવાનું હતું એ તો થઈ ગયું. હવે જવાનો પણ કશો અર્થ નથી. જેટલાં જંતુઓ ફેલાવાનાં હતાં એટલાં તો ફેલાઈ ગયાં હશે. આ ઓરડામાં.... બાથરૂમમાં... અરે! મોટીબહેન, તમને મારા શરીર પર ક્યાંય પ્લેગનાં જંતુ ચોંટેલાં દેખાય છે ખરાં?’

‘જો કાના, તારે સીધી વાત કરવી હોય તો કર. નહિ તો ચૂપ બેસ. હું ક્યારની કશું બોલતી નથી. એટલે....’ શાંતિ આગળ બોલી શકી નહિ. એનું ગળું રૂંધાતું હતું. એની આંખોમાંથી આંસુ દદડવાની અણી પર હતાં.

‘‘ઓહ! આઈ એમ વેરી સૉરી મોટીબહેન. મારો કહેવાનો મતલબ એમ હતો કે મને કકડીને ભૂખ લાગી છે. ચા સાથે થોડો નાસ્તો હશે તો મજા આવશે.’ કાનો તાળી પાડીને ઊભો થયો. ફ્રીજ પર પડેલી ટેટ્રઆસાઈકિલન દવાનું પેકેટ હાથમાં લઈને બોલ્યોઃ ‘મોટીબહેન, નાસ્તાની ડિશમાં થોડીક આ દવા પણ મૂકી દેશો તો ચાલશે.’

હવે શાંતિને ખરેખરું હસવું આવ્યું. એ પોતાનાં આંસુ લૂછતાં બોલીઃ ‘જવા દેને. તારા જીજાજી કેટલીય લાગવગ લગાવીને લઈ આવ્યા. અમે તો રોજ ત્રણ ત્રણ વખત લેવા પણ માંડેલાં. ત્યાં તો છાપામાં આવ્યું કે, ડૉક્ટરની સલાહ વગર કોઈ દવા લેવી નહિ.’

‘અરે મોટીબહેન, અશોકકુમાર આટલા હોશિયાર થઈને વગર બીમારીએ આવી ભારે દવા ખાવા માંડ્યા? ઉપરથી તમને પણ ખવડાવી? એમને મારી સામે આવવા દો. ધૂળ ન કાઢી નાંખું તો મારું નામ કાનો નહિ.’

‘બીક તો બીમારીથીય મોટી છે ભઈલા. સુરતમાં જ્યારથી બીમારી ફેલાણી છે ત્યારથી; તુ નહિ માને કાના, તારા જીજાજી શાંતિથી બેઠા નથી. સોસાયટીના લોકોને એમણે જ ભેગા કર્યા. પૈસા ઉઘરાવ્યા. ખાડા પુરાવ્યા. કેટલીય દવા છંટાવી.’

‘એ તો મોટીબહેન, મને સોસાયટીમાં પગ મૂકતાંની સાથે જ ખ્યાલ આવી ગયો છે. પણ, સંદીપ કેમ દેખાતો નથી?’

‘રમવા ગયો છે.’ શાંતિએ જવાબ આપ્યો ને ફરીથી મનમાં ભગવાનને પ્રાર્થના કરવા માંડી : ‘હેં પ્રભુ, સંદીપને રમવા દેજે. ઘેર જલ્દી આવે નહિ એવું કરજે. એ તો છોકરું છે. પણ આ કાનો તો નાના છોકરાથીય જાય એવો છે.’

‘કાના, તુ સુરત કેમ ગયો હતો?’ શાંતિએ પૂછ્યું.

‘જવા દો ને મોટીબહેન, જિંદગીની મોટામાં મોટી ભૂલ થઈ ગઈ. નહોતું જવું...નહોતું જવું ને જવાઈ ગયું. બાકી, ધંધામાંથી જરાય નવરા થવાય એવું નહોતું. પણ...’

‘પણ તુ સુરત ગયો‘તો ક્યારે એ તો કહે.’

‘પ્લેગનું ભોપાળું બહાર પડ્યું એના આગલા દિવસે જ. મારા સાળાએ ઘર ઉપર બીજો માળ લીધેલો એટલે કેટલાય દિવસોથી તેડાવતો‘તો. મેં કહ્યું કે ભાઈ, આ બધા તો પૈસાના ખેલ છે. તેં બીજો માળ લીધો એ જોઈને હું શું કરું? પણ મોટીબહેન, ન જાઉં તો બિચારાને ખોટું લાગે. એને ખોટું ન લાગે એટલે હું ગયો. ગયો ને ફસાયો. હું સુરતમાં દાખલ થયો ને લોકો સુરતની બહાર!’

‘તારે પણ તરત નીકળી જવું‘તુને.’

‘હું નીકળવા તૈયાર થયો પણ મને મારા સાળાએ નીકળવા ન દીધો. એણે મને તાણ કરીને કહ્યું કે, આવ્યા છો તો નિરાંતે રહોને. બીકના માર્યા ભાગો છો શું? મેં કહ્યું કે, બીવે છે કોણ? આ રોકાયા લે.’

‘તે ત્યારથી આજ સુધી તુ સુરત રોકાણો?’

‘હા વળી. બીજું શું થાય?’

‘તુ ને તારો સાળો એક નંબરના મૂરખ છો.’ શાંતિએ ઠપકો આપવાનું શરૂ કર્યું.

...એનો ઠપકો અધૂરો જ રહી ગયો. સંદીપ રમીને ઘરમાં આવ્યો ને કાનાને જોઈને જ એના ગળે વળગી પડ્યો.

‘મમ્મી, મામા ક્યારે આવ્યા?’ એણે પૂછ્યું.

‘ક્યારના આવ્યા છે.’ શાંતિ બોલી.

કાનો તો સંદીપના ગાલે બચી પર બચી ભરવા માંડ્યો. શાંતિ ધ્રૂજી ગઈ. કાનાના હાથમાંથી સંદીપને છોડાવવાના ઇરાદાથી એણે સંદીપનો હાથ પકડીને કહ્યુંઃ ‘ચાલ, બહારથી આવ્યો છે તો હાથપગ ધોવા નથી જવું?’

‘ભુલાઈ ગયું...મમ્મી’ સંદીપે કહ્યું. બાથરૂમ તરફ જતાં જતાં એ કાનાને કહેતો ગયો, ‘મામા, હું હાથપગ ધોઈને આવું. પછી આપણે કેરમ રમીએ.’

‘ના સંદીપ, મારે તો હમણાં જવું છે. આપણે પછી ક્યારેક રમીશું.’

‘મામા, હું તમને નહિ જવા દઉં. મમ્મી, તું પણ મામાને જવા ન દેતી.’

‘ભલે.’ શાંતિ બોલી. એ છોભીલી પડી ગઈ. પોતે વિચારતી હતી કે, કાનો જલ્દી જાય. જ્યારે સંદીપ એને રોકવા માટે હઠ કરતો હતો. ‘બાળકને ક્યાં વિકાર હોય છે! ને બાળક જેવું થવું ક્યાં સહેલું છે!’ એ મનમાં બોલી.

સંદીપ હાથપગ ધોઈને બાથરૂમની બહાર આવ્યો. શાંતિએ મામાભાણીયાને ચાનાસ્તો આપ્યાં. ચાનાસ્તો પતાવીને બંને જણા કેરમ રમવા બેઠા. શાંતિને હવે ભાભી અને ભત્રીજીની ખબર પૂછવાનું સાંભર્યું. કાનાએ ટૂંકા ટૂંકા જવાબો આપ્યા. એનો જીવ કેરમમાં પરોવાઈ ગયો હતો.

પરંતુ, શાંતિના જીવને નિરાંત નહોતી. ‘કાનો સાજોસમો તો હશેને? આટલા દિવસો સુરતમાં રોકાણો છે તો એને રોગનાં જંતુઓ તો નહીં વળગ્યાં હોયને? ચેક કરાવીને આવ્યો હોય તો સારું. ચેક તો કરાવ્યું જ હશેને? સુરતથી આવનારાં બધાંની તપાસ તો થાય છે. પણ તો તો એ વાત ન કરે? ભલું પૂછવું એનું! એ તો તપાસ કરાવ્યા વગર ઘૂસી જાય એવો છે. જૂઠું બોલવામાં પાછો પડે એવો નથી. અશોક આવે ત્યારે વાત કરવી કે નહિ? કરવી તો પડશેને? સંદીપ કહ્યા વગર રહેવાનો નથી કે, મારા મામા આવ્યા‘તા. કાનો તો ભલો હશે તો રોકાઈ જશે. એ એના જીજાજીનો અસલ સ્વભાવ જાણતો નથી ને પડ્યો રહેશે. સાંભળવું મારે પડશે. કાનો સુરતથી આવ્યો છે એવું અશોક જાણશે તો એ એને એક પળ માટે પણ ઊભો રહેવા નહીં દે. હે ભગવાન! આજે તેં શું ધાર્યું છે?’

...અને કાનો એકદમ જ ઊભો થઈ ગયો. ‘અચ્છા તો હમ ચલતે હૈ’ કહીને એણે પોતાની સુટકેશ હાથમાં લીધી. સંદીપને તેડીને વહાલ કર્યું. ‘આવજો મોટીબહેન.’ કહીને ઝડપથી ઘરમાંથી બહાર નીકળી ગયો.

‘કાનાને એકદમ શું થયું?’ શાંતિ ડઘાઈ ગઈ. ‘આવજે’ સિવાય એનાથી બીજું કશું જ બોલાયું નહીં. મામાનું જવું સંદીપને જરાય ગમ્યું નહીં. એ રડવા જેવો થઈ ગયો.

શાંતિએ નિરાંતનો શ્વાસ લીધો.

એણે ઘડિયાળમાં જોયું તો સાડાદશ થયા હતા. એને વિચાર આવ્યો : ‘બાઈ તો કામકાજ પતાવીને ક્યારની જતી રહી છે. હવે તો બધું કાલે થાય.’

‘ના..ના’ શાંતિના મનમાં વિચારો ધડાધડ દોડવા લાગ્યા.... ‘એક આખો દિવસ ને આખી રાત! આટલી બધી રાહ ન જોવાય...અશોક તો જમવા બે વાગે આવશે. થોડી ઉતાવળ કરવી પડશે પણ બધું પતી જશે... સફાઈ તો કરવી જ પડશે. અશોકને તો ઠીક, પણ મને પોતાનેય ત્યાં સુધી ઉબકા આવ્યા કરશે. ચક્કર ચડ્યા કરશે. માથું દુઃખ્યા કરશે. શરીર ગરમ લાગ્યા કરશે. એના કરતાં જેમ બને તેમ જલ્દી બધું સાફ કરી નાંખું. કરવું જ જોઈએ.’

શાંતિ ઊભી થઈ. પલંગ પરની ચાદરો, ઓશીકાંનાં કવર, કાનાએ હાથ લૂછ્યા હતા એ નેપકિન ... બધું જ બાથરૂમમાં ફેંક્યું. સંદીપે પહેર્યાં હતાં એ કપડાં ધોવામાં નાંખ્યાં. સંદીપને બીજાં કપડાં પહેરાવીને રમવા મોકલી દીધો. એણે મોં પર રૂમાલ બાંધ્યો અને દવાનો પંપ હાથમાં લીધો. એ ઝડપથી દવા છાંટવા લાગી. કપડાં પર, અંદરનાં ઓરડામાં, બેઠકરૂમમાં

ને ત્યાં તો

‘મોટીબહેન, આવું કે?’ કાનાનો જ અવાજ!!

શાંતિને થયું કે પોતે પંપ જલ્દીથી સંતાડી દે. પણ કાનો તો બારણામાં આવીને ઊભો રહી ગયો હતો. હવે તો બચાવ કરવો પણ નકામો હતો. છતાંય એ બોલવા ગઈ કેઃ ‘હમણાં મચ્છર બહુ થઈ ગયાં છે.’ ત્યાં તો કાનો જ બોલ્યોઃ ‘સૉરી ટુ ડિસ્ટર્બ યુ. મોટીબહેન, હું મારાં ગોગલ્સ બાથરૂમમાં ભૂલી ગયો છું. એક જ મિનિટમાં લઈ આવું.’

કાનાએ બૂટ કાઢ્યાં. સુટકેશ એક ખૂણામાં મૂકીને એ બાથરૂમ તરફ દોડ્યો. ઝડપથી પાછો ફર્યો અને બૂટ પહેરતાં બોલ્યોઃ ‘હવે તમે બરાબર દવા છાંટો. બધું વાતાવરણ જંતુમુક્ત કરો. પછી સરસ મજાની રસોઈ બનાવો એટલે હું અને મારા જીજાજી આવીને સાથે જમીશું.’

શાંતિ કાના તરફ જોઈ રહી. ‘આ મૂરખને શું કહેવું?’ એ વિચારવા લાગી... એનાં હોઠને બોલવા માટે શબ્દો મળ્યા નહીં. પણ, એની આંખોને વ્યક્ત કરવા માટે નારાજગી મળી. એના ચહેરા પરનું લખાણ કોઈપણ વાંચી શકે તેમ હતું. કાનો પણ!

છતાંય કાનો તો જાણે સાવ નફ્‌ફટ! ‘મોટીબહેન, તમે તો જાણો જ છો ને કે મને શાનું શાક વધારે ભાવે છે? ને તમારા હાથની દાળ તો તપેલીમોઢે પીવાનો છું. મારી સુટકેશ અહીં રહેવા દઉં છું. ઓકે... ઠીક દો બજે હમ આતે હૈ.’

શાંતિને થયું કે, ‘છુટ્ટો પંપ જ મારું. એક તો સુરતના રોગચાળામાથી આવ્યો છે ને પાછો ખોટા મસ્કા મારીને રોકાવાની વાત કરે છે.’

‘બાઝીગર મૈં બાઝીગર’ ગીત ગણગણતો કાનો ચાલતો થયો... દરવાજે પહોંચ્યો ને પાછો ફર્યો.

‘હવે શું છે?’ શાંતિએ ગુસ્સામાં પૂછ્યું.

‘મોટીબહેન, હું તો માત્ર એટલું જ કહેવા પાછો ફર્યો છું કે, તમે ગભરાતાં નહિ. હું સુરતથી નથી આવ્યો. હું સુરત ગયો જ નથી. સુરતથી મારે ત્યાં પણ કોઈ આવ્યું નથી. હું તો રાજકોટથી સીધો જ આવ્યો છું. અહીનું થોડું કામ હતું તે પતાવવાનું છે. બપોરે મારા જીજાજીની સાથે બેસીને જમીશ. ઓકે... આઈ એમ ગોઈંગ.’ કાનો ધડાધડ બોલી ગયો ને દરવાજે પહોંચી પણ ગયો.

કાનાએ દરવાજેથી ફરી બૂમ પાડી : ‘મોટીબહે..ન, સૉરી ફોર મજાક.’

[સમાપ્ત]

૮. મોટીબહેન

નયનાનો પત્ર આવ્યો. પૂરાં ચાર પાનાં ભરેલું લખાણ હતું. કુસુમબહેને બે વખત વાંચ્યો. એક વખત ઉતાવળે અને બીજી વખતે નિરાંતે. નયનાએ છેલ્લે લખ્યું હતું કે, વિશેષ વાતો રૂબરૂમાં કરીશું.

આખો પત્ર વાંચ્યા પછી વૈશાલી હસતાં હસતાં બોલી, ‘મમ્મી, મોટીબહેને કેવું કેવું લખ્યું છે નહીં? આટલું બધું લખતાં એમને કંટાળો નહીં આવતો હોય?’

‘હરખની વાતો લખવામાં કંટાળો શાનો? લખવામાં તો એ જીવ રેડી દે એવી છે. એ ભણતી’તી ત્યારે એની નોટબુકો વાંચવા માટે તો પડાપડી થતી’તી. એક તો મોતીના દાણા જેવા અક્ષરો ને વળી લખાણ એવું લખે કે જાણે સામે જ ઊભી ઊભી વાતો ન કરતી હોય!’

કુસુમબહેને આવી કેટલીય વાતોનું પુનરાવર્તન કરી નાંખ્યું. વૈશાલીએ આ વાતો અનેક વખત સાંભળી હતી. કુસુમબહેને બીજા અનેક લોકોની સામે પણ આ વાતો દોહરાવી હતી. વર્ષો વીતી ગયાં હતાં છતાં હજુ પણ, આજકાલની જ વાતો હોય તેમ એ નયનાની હોશિયારીની વાતો થાક્યા વગર કરી શકતાં. નયના ભણવામાં હોશિયાર હતી, એ ગરબામાં નંબર લાવતી હતી, એને ગાવાનો ખૂબ શોખ હતો કે એ નાટકમાં પણ ભાગ લેતી હતી વગેરે વાતોમાં સાંભળનારને રસ પડે છે કે નહીં એની પરવા કર્યા વગર કુસુમબહેન સતત બોલ્યા કરતાં ત્યારે વૈશાલી મનમાં ને મનમાં અકળાયા કરતી.

વૈશાલી કોમર્સના બીજા વર્ષમાં હતી. એણે કોર્સ પૂરો કરવા માટે ઉજાગરા શરૂ કરી દીધા. એની પરીક્ષા મે મહિનામાં હતી અને નયના એ પહેલાં આવી જવાની હતી. નયનાના આવ્યા પછી એને વાંચવાનો બહુ સમય મળવાનો નહોતો. કુસુમબહેને તો નયના સાથે વાતો કરવામાં જ રોકાઈ રહેવું પડે એટલે ઘરકામનો બોજો પણ એના પર વધવાનો હતો.

ૂૂૂરિક્ષા આવી. કુસુમબહેન દોડીને ઘરની બહાર આવ્યાં. નયના એમના ગળે વળગી પડી. મા દીકરી બંનેની આંખોમાં હર્ષનાં આંસુ ઊભરાઈ આવ્યાં. વૈશાલીએ સામાન ઊંચકીને ઘરમાં મૂક્યો. કુસુમબહેને નાનકડાં મયૂર અને મમતાને વારાફરતી ઊંચકીને વહાલ કર્યું.

પછીથી જેમ વૈશાલીએ વિચાર્યું હતું એમ જ થવા લાગ્યું. નયનાને ભાવે એવો નાસ્તો, નયનાને ફાવે એવી ચા, નયના માટે ખાસ સાચવીને રાખેલું અથાણું, નયનાને ભાવે એવું શાક, નયનાને ભાવે એવી દાળ, નયના માટે ખાસ ઓરડો ને નયના માટે ભેગી કરી રાખેલી વાતો..

દર વખતે આમ જ થતું. નયના આવે એ પછી ઘરમાં જે કાંઈ થતું તે નયનાઓ ખ્યાલ રાખીને જ થતું. પંખાનું રેગ્યુલેટર કે ટી.વી. નું વોલ્યુમ પણ નયનાની ઈચ્છા પ્રમાણે જ રહેતું. વૈશાલીની દશા પણ ક્યારેક ક્યારેક પંખાના રેગ્યુલેટર જેવી થઈ જતી..

બપોરે ગિરીશભાઈ દુકાનેથી જમવા આવ્યા.

‘બેટા, કેમ છે?’ એમણે નયનાને પૂછયું.

‘મજામાં છું, બાપુજી.’

‘હરેશકુમાર શું કરે છે?’

‘એ પણ મજામાં છે, બાપુજી.’

‘ને તારાં ટાબરિયાં સારાં છે ને?’

‘હા બાપુજી.’

‘તો બસ.’

ગિરીશભાઈ હાથપગ ધોઈને બાથરૂમમાંથી બહાર આવ્યા એ દરમ્યાન નયનાએ મયૂર અને મમતાને બૂમ પાડીને બોલાવી લીધાં.

‘ખબર છેને? આ મારા બાપુજી છે. એમને પગે લાગો.’ નયનાએ બંને બાળકોને કહ્યું.

બંને બાળકો ગિરીશભાઈના પગમાં લાંબા થઈ ગયાં. કુસુમબહેને વહાલથી બંનેને ઊભાં કર્યાં. ગિરીશભાઈએ બંનેનાં માથાં પર હાથ ફેરવ્યો.

‘છોકરાંને જે જોઈએ તે આપજો. એમને રાજી રાખજો.’ ગિરીશભાઈએ કુસુમબહેનને કહ્યું ને જમવા બેઠા.

દર વખતે આમ જ થતું. નયનાના આગમનથી ગિરીશભાઈની દિનચર્યામાં ખાસ ફરક પડતો નહીં. એમનો ખોરાક પણ સાદો જ રહેતો. નયના આગ્રહ કરતી ત્યારે એનું માન રાખવા એકાદ બટકું મીઠાઈનું કે ફરસાણનું ખાઈ લેતા ને કહેતાઃ ‘બેટા, મને આવુંબધું હવે ફાવતું નથી. તમે ધરાઈને ખાઓ. મને તો શાકરોટલા સિવાય બીજું કશું ન જોઈએ.’

રાત્રે પણ તેઓ બેચાર વાતો કરીને પોતાની પથારી તરફ ચાલ્યા જતા.

નાનો ભાઈ પ્રણવ તો મનમોજી હતો. એ તો રમવામાંથી જ નવરો પડતો નહોતો. મોટીબહેનની વાતો એને સમજાતી નહોતી. પરંતુ, મોટીબહેન સાસરેથી આવે એ એને બહુ જ ગમતું. મયૂર અને મમતાને એ ખૂબ જ રમાડતો. વિદાય લેતી વખતે નયના કુસુમબહેનના ગળે વળગીને રડી પડતી ત્યારે એ પણ રડવા જેવો થઈ જતો.

‘અલ્યા, તું તો સંજયદત્ત જેવો ઊંચો થઈ ગયો છે ને?’ નયનાએ પ્રણવની મજાક કરી ત્યારે એ શરમાઈ ગયો.

વાતવાતમાં એકાદ ફિલ્મને યાદ કરવી કે કોઈને કોઈ અભિનેતા કે અભિનેત્રીનું ઉદાહરણ આપવું એ નયનાની આદત હતી. કેટલાંક જૂનાં ગીતો તો તેને આખે આખાં યાદ હતાં. એમાંય ‘આરાધના’ કે ‘કટીપતંગ’નું કોઈ ગીત જ્યારે ટી.વી.ના પરદા પરથી સાંભળતી ત્યારે ખૂબ જ ભાવુક થઈ જતી. દોઢ દાયકા પહેલાંનો સમય તેની આંખોમાં ઉછાળે ચડતો. વૈશાલી જાણીજોઈને રાજેશખન્નાની નાની અમસ્તી ટીકા કરતી તે પણ એનાથી સહન થતી નહીં. રાજેશખન્નાની લોકપ્રિયતાનું લાંબું લાંબું વર્ણન કર્યા પછી એ કહેતીઃ ‘તને શી ખબર પડે? એ તો અમારા જમાનાનો સુપરસ્ટાર હતો.’

‘તમારો જમાનો હવે નથી?’ એક વખત એવો સવાલ વૈશાલીએ નયનાને કર્યો હતો. જેના જવાબમાં નયનાએ ફિક્કું ફિક્કું હસીને કહ્યું હતું કેઃ ‘કોઈનો જમાનો કાયમ માટે રહેતો નથી.’

વારંવાર ભૂતકાળમાં ડૂબકીઓ મારવાની નયનાની આદતથી વૈશાલીને નવાઈ લાગતી. વૈશાલીની પોતાની પાસે ભૂતકાળની કોઈ વાતો નહોતી. અને, એની પાસે વર્તમાનની જે વાતો હતી એ કોઈને કહેવા માટે નહોતી!

‘વૈશાલી, તું ખાવામાં રોજ ધ્યાન રાખજે નહિ તો જાડી થઈ જઈશ...’ નયનાએ રાત્રે વૈશાલીને ટકોર કરી : ‘તારું શરીર જેવું છે એવું જ કાયમ...’

નયનાને વચ્ચેથી જ અટકાવીને વૈશાલીએ કહ્યું : ‘મોટીબહેન, આપણે તો ખાઈ-પીને મસ્તીથી જીવવામાં માનીએ છીએ. પછી જે થવું હોય તે થાય.’

‘હમણાં મસ્તીથી જીવી લે. લગ્ન થશે પછી ખબર પડશે કે મસ્તીથી કેમ જીવાય!’

‘કેમ? લગ્ન પછી મસ્તીથી ન જીવાય?’

‘ન જ જીવાયને! જવાબદારી આવી જાય પછી તો મસ્તી ઊભી પૂંછડીએ ભાગે!’

‘જવાબદારી વળી શાની?’

‘ઘર સાચવવાની, ઘરવાળાને સાચવવાની. સાસુસસરાને સાચવવાની.’

‘એ બધાં નાના કીકલા હોય?’

‘નાના કીકલા તો ઘણા સારા...’

નયના આગળ બોલે એ પહેલાં કુસુમબહેન આવી ગયાં.

‘શું છે? કોની વાત કરો છો?’ એમણે પૂછ્યું.

‘કોઈની નહિ. મમ્મી, આ તો હું વૈશાલીને કહું છું કે જવાબદારી ઉપાડતાં શીખી જજે જેથી સાસરે તકલીફ ન પડે’ નયનાએ કહ્યું.

‘જવા દે ને એની વાત. એ તો માથાની ફરેલી છે. દુઃખી થવાની છે. મારી તો એકેય વાત એ ધ્યાનમાં લેતી નથી. એને કૉલેજ કરવા દીધી એ જ મોટી ભૂલ થઈ ગઈ છે.’

‘હું એને સમજાવી દઈશ. મમ્મી, તમે ચિંતા ન કરો.’ નયનાએ કુસુમબહેનને ધરપત આપી.

‘મારે કશું સમજવું નથી. હું જે છું તે બરાબર છું.’ વૈશાલીએ ગરદનને ઝાટકો મારીને કહ્યું.

નયનાનો ચહેરો ઝાંખો થઈ ગયો.

‘એના બોલ્યા સામું ન જોઈશ. એ આજકાલ ચઢી વાગી છે.’ કુસુમબહેન બબડયાં.

દર વખતે આવું નહોતું થતું. આ વખતે પહેલે જ દિવસે આવું થઈ ગયું.

મોડી રાત સુધી નયના કુસુમબહેનના મોંઢે પોતાની, બાળકોની ને પોતાના પતિની વાતો કરતી રહી. વૈશાલી એ વાતો સાંભળવા ન બેઠી. એ તો પથારીમાં જઈને ઘસઘસાટ ઊંઘી ગઈ.

નયનાથી એ આઘાત જીરવાયો નહીં. એ આખી રાત પડખાં ફેરવતી રહી.

બીજે દિવસે નયના મન મૂકીને વૈશાલી સાથે બોલી નહીં. એને એમ હતું કે વૈશાલી પોતાની માફી માંગશે. પણ વૈશાલી તો જાણે કશું જ બન્યું ના હોય તેમ ‘મોટીબહેન, મોટીબહેન’ જ કરતી રહી. છેવટે બપોરે નયનાએ જ વૈશાલીને પૂછ્યુંઃ ‘તું આજકાલમાં બ્યુટીપાર્લરમાં જવાની છે?’

‘નક્કી નથી. કેમ?’

‘જાય તો મને સાથે લઈ જજે.’

‘એમાં શું? આપણે આજે જ જઈ આવીએ.’

બ્યુટીપાર્લરમાંથી આવ્યા પછી નયના ક્યાંય સુધી અરીસા સામે ઊભા રહીને વાળમાં કાંસકો ફેરવતી રહી ને એ બહાને પોતાનો ચહેરો જોતી રહી.

‘મમ્મી, મોટીબહેન તો ક્યારનાં ઊભાં ઊભાં અરીસામાં પોતાનું મોઢું જોતાં હતાં.’ વૈશાલી બોલી.

‘બિચારીના મોઢા પર લોહી ક્યાં રહ્યું છે?’

‘મમ્મી, એવું કેમ થયું હશે? મોટીબહેન પહેલાં તો સ્માર્ટ હતાં, નહીં?’

કુસુમબહેને નયના પહેલાં કેવી હતી એની વાત માંડી. નયનાના રતુમડા ગાલ, લીંબુની ફાડ જેવી આંખો, નાગણ જેવો ચોટલો, હરણી જેવી ચાલ.એ બધી વાતો કર્યા પછી બોલ્યાંઃ ‘જોતાં જ કોઈની નજર લાગી જાય એવી હતી બિચારી! દેશપરદેશથી માગાં આવતાં હતાં. પણ, તારા બાપુજીએ જ ના પાડી હતી કે- ના, પરદેશમાં તો આપવી જ નથી ને અજાણ્યામાં પણ આપવી નથી. એ તો જ્યાં અંજળ હોય ત્યાં જ થાય. હરેશકુમારનું કુટુંબ તો જાણીતું હતું. મામામામી સાથે એમની ભાવના માટે અમે પણ હરેશકુમારને જોવા ગયાં હતાં. એ વાત આગળ વધી નહીં. પણ, છ મહિના પછી એ લોકોએ જ નયનાનું માગું નાંખ્યું. કુટુંબ સારું. ખાધેપીધે સુખી. પછી શું જોવાનું હોય? સુખી છે બિચારી.’

‘કોની વાત કરો છો?’ નયનાએ રસોડામાં આવીને પૂછ્યું.

‘મોટીબહેન અમે તમારી જ વાતો કરતાં હતાં...’ વૈશાલીએ નયનાની આંખો નીચેનાં કાળાં કૂંડાળાં તરફ જોતાં કહ્યુંઃ ‘...મમ્મી કહેતાં હતાં કે તમે ખૂબ સુખી છો.’

‘સુખી તો છું જ ને...’ નયના ફિક્કુ ફિક્કુ હસીને બોલીઃ ‘... જો વૈશાલી, સાચું સુખ તો મનમાં જ છે. મનથી માનીએ તો સુખી અને ન માનીએ તો દુઃખી. બાકી બધી વાતનું સુખ કોઈને હોતું નથી.’

પછી તો નયના પોતાના સુખની વાતો સતત કરતી જ રહી... ‘હરેશકુમારે એક નવો ફલેટ નોંધાવ્યો છે. ..ધનતેરશના દિવસે જ બે તોલા સોનું લીધું....મયૂરનો ચિત્રકામમાં હંમેશા પહેલો નંબર આવે છે. મમતા સારું નૃત્ય કરે છે.... સાસુ પહેલાં કરતાં હવે ઠંડાં પડ્યાં છે. નણંદનાં લગ્ન થશે પછી એનું જોર પણ ઓછું થશે.... હરેશકુમારને તો નવું નવું ખરીદવાનો બહુ જ શોખ. હમણાં જ ટીવી બદલાવી નાંખ્યું. છ મહિનામાં તો જૂના ડાઈનિંગ ટેબલનો પણ ફેંસલો થઈ જશે....’

‘પણ તમારું શરીર તો જૂઓ મોટીબહેન.’ વૈશાલી બોલીઃ ‘હું હરેશકુમારને કહેવાની છું કે તમે મારી મોટીબહેનની આ કેવી દશા કરી નાંખી છે!’

’ નાના... તું એવું ન કહેતી.’ નયના ભયભીત થઈ ગઈ. ‘મમ્મી, વૈશાલીને કહી દેજો કે આડુંઅવળું ન બોલે. નહીં તો’

‘પણ એમાં શું ખોટું કહેવાનું છે? જે છે તે જ કહેવાનું છે ને?’ વૈશાલી બોલી.

‘તને સમજણ ન પડે. જમાઈ ને જમ સરખા. એક પણ શબ્દ ખોટો બોલાઈ જાય તો સહન નયનાએ જ કરવું પડેને?’ કુસુમબહેન બોલ્યાં.

’ જમાઈ!’ વૈશાલી હાથનો લટકો કઈને બોલીઃ ‘તમે લોકો જ પહેલાં જમાઈને વધારે પડતાં માનપાન આપો એટલે જમાઈ ચઢી વાગે ને જમ થઈ જાય. તમને લોકોને નોર્મલ લાઈફ જીવતાં આવડતું જ નથી.’

‘અત્યારે તારે જેમ બોલવું હોય તેમ બોલી લે. વખત આવશે ત્યારે તને પણ સમજણ પડશે.’ નયના બોલી.

પરતુ, વૈશાલી એ શબ્દો સાંભળવા ઊભી નહોતી રહી.

નયના માટે આ બીજો આઘાત હતો.

ૂૂૂ

‘વૈશાલી. હું આવી એને દસ દિવસ થઈ ગયા. તું તો આ વખતે પિક્ચર જોવા જવાનું નામ જ નથી લેતી.

‘ટીવી પર એટલી બધી ફિલ્મ બતાવે છે કે હવે તો થિયેટરમાં જવાનું મન જ થતું નથી.’ વૈશાલીએ જવાબ આપ્યો.

‘તો પણ મોટા પર્દા પર એકાદ જોઈ નાંખીએ. જો તને ટાઈમ હોય તો.’ .

વૈશાલીએ તૈયારી બતાવી. નયનાએ ’રાજશ્રી’માં મેટેની શૉમાં ચાલતી ફિલ્મ ‘અમરપ્રેમ’ જોવા જવાનો પ્રસ્તાવ મૂક્યો તો વૈશાલીને હસવું આવ્યું.

‘મોટીબહેન, રાજેશખન્નાનો જાદુ હજુ સુધી તમારા પરથી ઊતર્યો નથી?’

‘એ તો અમારો હીરો છે. જેમ આમિરખાન તમારો હીરો છે.’

‘હટ્‌હું તો કોઈને મારો હીરો માનતી નથી. ફિલ્મ જોઈ નાખવાની પછી બધુ ભૂલી જવાનુ.’

‘નથી ભુલાતું. મારાથી તો ઘણું ઘણું નથી ભુલાતું.’

‘તમને તો બધું યાદ પણ બહુ રહે છે.’

’ હા. ને કેટલીક વાતો યાદ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે’

‘રણમાં મીઠી વીરડી મળી. નહીં?’ વૈશાલી વચ્ચે જ બોલી.

વૈશાલીની એ વાત પર નયના ખૂશ થઈને હસી પડી.

.’અમરપ્રેમ’ જોઈને આવ્યા પછી પણ નયના મોડે સુધી એની અસર તળે રહી.

મોડી રાત સુધી વૈશાલી વાંચતી હતી ત્યારે પણ એને મોટી બહેનનો ગણગણાટ સંભળાતો હતોઃ ચિનગારી કોઈ ભડકે તો સાવન ઉસે બુઝાયે...સાવન જો અગન લગાયે, ઉસે કૌન બુઝાયે...

ૂૂૂ

‘વૈશાલી આજે હું તને વાંચવા નહીં દઉં. આજે તો તારે મારી સાથે મન ભરીને વાતો કરવી પડશે.’

‘પણ મોટી બહેન, મારે કોર્સ પૂરો કરવાનો છે.’

‘થઈ જશે. આજે છેલ્લો દિવસ છે. થોડીઘણી વાતો કરી લઈએ. કાલે હું તને કહેવાની છું?’

‘આજે છેલ્લો દિવસ કેમ? તમે કાલે જ જવાના છો?’

‘ના. કાલે તો તારા જીજાજી આવશે.ત્રણેક દિવસ રોકાશે. પછી અમે એમની સાથે જતાં રહીશું. પંદર દિવસ જતાં વાર ન લાગી! મયૂર ને મમતા તો મામાની સાથે ને સાથે. જવાનું નામ પડે છે ને રડવા જેવાં થઈ જાય છે.’

‘અચ્છા! એમ વાત છે. જીજાજી આવશે એટલે તમને તો અમારી સાથે વાતો કરવાનો સમય જ નહીં મળે! બરાબરને?’

‘એ તો એમ જ હોય. મારે તો નવાં પિક્ચર જોવા નથી. પણ એ તો માનશે જ નહીં. રોજરોજ પિક્ચરનો પ્રોગ્રામ ગોઠવી કાઢશે. એવા શોખીન છે કે ન પૂછો વાત.’

નયના હરેશકુમારના શોખ વિષે ક્યાંય સુધી બોલતી રહી.

‘અલી વૈશાલી, સાંભળે છે કે ઊંઘી ગઈ?’ હોકારા ન મળતા નયનાએ પૂછ્યું.

‘સાંભળું છું મોટીબહેન.’ વૈશાલી નયનાની આંખોમાં તાકીને બોલીઃ ‘પણ મોટીબહેન, મારા એક સવાલનો જવાબ આપશો?’

‘બોલને.’

‘તમે ખરેખર સુખી છો?’

નયના માટે આવો સવાલ અણધાર્યો હતો. એ થોડી અસ્વસ્થ થઈ ગઈ.

‘તને શું લાગે છે?’ નયના માંડમાંડ બોલી.

‘મને તો લાગે છે કે તમે સુખી હોવાનો અભિનય કરો છો.’ વૈશાલીએ નીચું જોઈને ધીમા છતાં મક્કમ અવાજે કહ્યું.

નયનાએ કશો જવાબ ન આપ્યો..

થોડી ક્ષણો એ રીતે જ પસાર થઈ ગઈ.

વૈશાલીએ નયનાની સામે જોયું ત્યારે નયનાની આંખોમાંથી વહેતાં આંસુઓ એના ગાલોને ભીંજવી રહ્યાં હતાં.

‘આઈ એમ સૉરી મોટીબહેન. મારો ઇરાદો.’ વૈશાલી પસ્તાવો કરતી હોય તેમ બોલી.

પણ એ પોતાનું વાક્ય પૂરું કરે તે પહેલાં તો

નયના વૈશાલીના ગળે વળગીને ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડી.

[સમાપ્ત]

૯. સુખડી

ચંદુ રમતાં રમતાં દોડ્યો ને એની ચડ્ડી ગોઠણની નીચે ઊતરી ગઈ.

રેવા ખડખડાટ હસી પડી. ’અલી બોન, તારા છોકરાને સારી ચડ્ડી તો પહેરાવ.’

‘હોવી જોઈએ ને.’ કમુ બોલી.

‘ન હોય તો લઈ દે બિચારાને.’

‘એના બાપને મેં કેટલીય વાર કીધું, પણ મૂઓ પીવામાંથી ઊંચો આવે તો ને?’

‘તું પીવા દે છે ત્યારેને? મારા ધણીને તો હું અડવાય ન દઉં.’

‘આ તો મને ગાંઠતો જ નથી. મૂઓ મારવા લે છે. અબી હાલ પીવા જ ગ્યો છે. આવીને ઉપાડો લેવાનો જ છે.’

‘મારો ધણી તો’ રેવાએ ખુશાલનાં ગુણગાન શરૂ કર્યાં. વચ્ચે વચ્ચે કમુ વાલજીનાં અપલક્ષણો કહેતી ગઈ.

કમુના વાસામાં પડેલી સોળો એનાં વસ્ત્રોથી ઢાંકી ઢંકાતી નહોતી. કમુ બોલે કે ન બોલે એ સોળો બોલ્યા વગર રહેતી નહોતી.

વાલજીને આવતો જોઈને કમુ બોલીઃ ’આ આવ્યો. મૂઓ સો વરસ જીવવાનો છે.’

‘પી ને જ આવ્યો લાગે છે.’

‘ના...ના. આજે પીધો નથી લાગતો. પીધો હોય તો એની ચાલ જ ફરી જાય.’

‘મને તો કાંઈ ફેર લાગતો નથી.’

‘તને ખબર ન પડે. મારા ધણીને હું ઓળખું એટલો તું ન ઓળખે.’

‘એ તો એમ જ હોય.’

રેવા પોતાનાં ઝૂંપડામાં જતી રહી. વાલજીએ આવીને ઝૂંપડાની બહાર, લીમડાના ઝાડ નીચે ખાટલામાં પોતાની જાતને ફેંકી.

‘કેમ આજે કોરા?’ કમુએ પૂછ્યું.

‘એની બોનને.માલ જ નહિ આયો.’ વાલજીએ જવાબ દીધો ને ખાટલામાં લાંબો થઈ ગયો.

‘સારું થયું.’ કમુએ છણકો કરીને કહ્યું.

‘તારી માની ટાંગ સારું થયું.’ વાલજી ખાટલામાં બેઠો થઈ જતાં બોલ્યો.

કમુ ચૂપ થઈ ગઈ. વાલજી થોડો બબડાટ કરીને પાછો ખાટલામાં લાંબો થઈ ગયો.

રેવાની મોટી છોકરી ગંગા કમુને પૂછી ગઈ કેઃ ‘માસી, ચંદુને ઘર ઘર રમાડું?’

‘રમાડને મારી બોન.’ કમુ કુંડી પાસે બેસતાં બોલી. કુંડી ઉલેચાતી ગઈ. કુંડીનું પાણી રસ્તા પર ફેલાતું ગયુંકમુને હાંફ ચડતી ગઈ.

મેદાનની સામે પારની સોસાયટીમાંથી માઈકનો અવાજ આવ્યો ને વાતાવરણ આળસ મળડીને બેઠું થઈ ગયું. ઝૂપડાંની બાઈઓ છોકરાંને લઈ ને બહાર આવી ગઈ. ચંદુ ને ગંગા ઊભાં થઈને જોઈ રહ્યાં.

‘અલી કમુ, સરઘસ આવ્યું લાગે છે.’ રેવા ઝૂંપડામાંથી બહાર આવીને બોલી.

‘કોને ખબર!’ કમુએ કહ્યું.

‘માસી, ચંદુને જોવા લઈ જાઉં?’ ગંગાએ કમુની રજા માંગી.

’લઈ જા ને બોન. તો તો તારા જેવું કોઈ નહીં’.

પરંતુ, વાલજી ફરીથી ખાટલામાં બેઠો થઈ ગયો. એ ખીજવાયો. ‘નથી જવાનું. ફાળો ઉઘરાવે છે એમાં શું જોવાનું છે? તમે આલવાના છો કાંઈ?’

ચંદુ અને ગંગાના હાથ છૂટી ગયા. પગ રોકાઈ ગયા. આંખો વાલજીના ચહેરા પર ખોડાઈ ગઈ.

‘શાનો? ગણપતિનો ફાળો?’ કમુએ પૂછ્યું.

વાલજી વધારે ખીજવાયો. ’હવે તારે ચૂપ મરવું છે? કાંઈ ખબર ના પડતી હોય તો બોલવું જ નહિ.’

રેવા હસી. કમુને મજા પડી ગઈ. ’ખબર ના પડતી હોય તો પૂછવું ય નહિ?’ એણે છણકો કર્યો.

‘ગણપતિને ડુબાડી દીધા પછી ક્યાંય ગણપતિનો ફાળો જોયો છે?’ વાલજી બોલ્યો.

‘તો નોરતાંનો હશે.’ કમુ હસી.

‘અલી નવરીની, આ તારા કાકા ધરતીકંપનો ફાળો ઉઘરાવે છે.’ વાલજીએ હાથ લાંબો કર્યો.

‘હું તો ભૂલી જ ગઈ.’ કમુએ કહ્યું.

કમુ અને રેવા ધરતીકંપની વાતોએ ચડ્યાં. તેઓ પાયમાલ થઈ ગયેલાં લોકોની દયા ખાવા માંડ્યાં ત્યારે વાલજીથી બોલ્યા વગર ન રહેવાયું.

એણે બીડી સળગાવતાં કહ્યુંઃ ’પણ મદદ કેટલી આવી છે એની ખબર છે? ઠેઠ અમેરિકાથી વિમાન આવ્યાં છે! ને એ ગાડીઓ ને ગાડીઓ ન્યા ઠલવાય છે.’

‘અલી બોન. સુખડીની પણ ગાડીઓ ભરી ભરીને ન્યા જાય છે.’ રેવાએ કહ્યું.

‘સુખડીને શું કરશે?’ કમુએ જાણીજોઈને પૂછ્યું.

ને વાલજી બગડ્યો. ’નવરીના પેટની, ભૂખ્યાંતરસ્યાં લોકો ખાશે. તને તો કાંઈ ભાન પડે છે કે નહિ?’

‘હાલોને આપણેય ન્યા પોગી જાઈ.’ કમુ હસતાં હસતાં બોલી.

-વાલજીનાં હૈયામાં રહેલી મોટી ગાળ એના હોઠ પર આવી જવાની તૈયારીમાં હતી ત્યાં તો- ‘હા મા, હાલો આપણેય ન્યા પોગી જાઈ.’ ચંદુ કમુનો સાડલો પકડતાં બોલ્યો.

‘ન્યા તારા બાપનું કાંઈ દાટ્યું છે?’ વાલજીએ થોડા કૂણા થઈને ચંદુને પૂછ્યું.

‘ન્યા સુખલી ખાવા મળશે.’ ચંદુએ આંખો નચાવતાં કહ્યું.

ને બધાં હસી પડ્યાં. વાલજી પણ. ગંગાએ ચંદુના ગાલે બકી ભરી લીધી.

માઈકનો અવાજ સંભળાતો બંધ થયો પણ ચંદુનો કજિયો ચાલુ જ રહ્યો. બસ એક જ વાત : ‘મારે સુખલી ખાવી છે. અબી ને અબી. નઈં તો હાલો સલઘસમાં સુખલી ખાવા.’

‘અરે ગાંડા, સુખડી આંય નથી વહેંચવાના.’ વાલજીએ કુંડીમાં બીડીના ઠુંઠાનો ઘા કરતાં કહ્યું.

‘તો ક્યાં વહેંચવાના છે?’ ચંદુએ પૂછ્યું.

‘ધરતીકંપ થયો છે ન્યા.’

‘ધલતીકંપ થાય ન્યા સુખલી વહેંચાય?’

‘એ હા.’

‘આંય ધલતીકંપ ક્યારે થાશે?’

‘મર મૂઆ. આવું શું બોલસ?’ કમુએ ચંદુના વાંહામાં એક ધબ્બો મારતાં કહ્યું.

ચંદુએ ભેંકડો તાણ્યો.

વાલજી ઉકળ્યો, ’નવરીની, છોકરા પર હાથ ઉપાડસ? શરમ વગરની.’

‘પણ જુવોને. કેવું બોલ્યો?’

‘એને ખબર પડે છે?’ ભાળ્ય કોઈ દાડો છોકરા પર હાથ ઉપાડ્યો છે! મારા જેવો કોઈ ભૂંડો નહિ હોય.’

‘ઉપાડવોય પડે.’ કમુએ જવાબ દીધો.

એ જવાબ પર વાલજી ખાટલામાંથી ઊભો થઈ ગયો ને કમુને મારવા ફરી વળ્યો. રેવા પોતાના ઝૂંપડામાં જતી રહી. ચંદુ બીકનો માર્યો સુખડીને ભૂલી ગયો ને ગંગાની પાસે જઈને ઊભો રહી ગયો. ગાળાગાળીનો અવાજ સાંભળીને બીજાં ઝૂંપડામાંથી કોઈને જોવા આવવાની જરૂર લાગી નહીં. રસ્તે જનારાં થોડી વાર ઊભાં રહીને ચાલ્યાં ગયાં.

થોડી વાર પછી એ તમાશો પણ ત્યાંથી બીજું ઝૂપડું શોધવા રવાના થઈ ગયો. ફરીથી બધું હતું એમ ને એમ જ ! વાલજી ફરીથી ખાટલામાં લાંબો થઈ ગયો. કમુ ફરીથી ઘરનાં કામમાં વળગી.

ચંદુની જીભે ફરીથી ‘સુખલી’ નું રટણ શરૂ થઈ ગયું. ’મા.મારે સુખલી ખાવી છે.’ એણે કમુની પાસે આવીને રડતાં રડતાં કહ્યું.

કમુથી રહેવાયું નહીં તે બહાર આવી. ’આજે તમારી પોટલીના પૈસા બચ્યા છે તો આ છોકરાને કાંઈક ભાગ તો લઈ દો’ એણે વાલજીને કહ્યું.

‘હેં’ વાલજી બોલ્યો.

‘હેં હેં શું કરો છો? એના નસીબના હશે એમ માનો ને બિચારાનો કજિયો ભાંગો.’

‘હા. સાલી એ વાત બરાબર છે. હાલ્ય દીકરા, આજ તો તને ચોકલેટ ખવડાવું.’ વાલજી ખાટલામાં બેઠો થઈને બોલ્યો.

ચોકલેટનું નામ સાંભળીને ચંદુ રાજી થઈને કૂદવા માંડ્યો. એની ચડ્ડી પાછી ગોઠણની નીચે પહોંચી ગઈ.

વાલજી ખીજવાયો. ’આની ચડ્ડીનાં તો ઠેકાણાં નથી. તબાલામાંથી એને દુકાને લઈ જાઉં.’

‘એવું જ હોય. આપણે કાંઈ અલકાપુરીમાં નથી રહેતાં, સમજ્યા?’

‘એટલે? માણસની રીતે નહિ રહેવાનું?’

‘જોઈ હવે તમારી માણસની રીત.’ કમુએ છણકો કર્યો.

‘તું મારી વાત રહેવા દે. માણસના પેટની હો તો મારી હારે મગજમારી રહેવા દે કહું છું. નહિ તો..’ વાલજી ઊભો થઈ ગયો.

‘સારું હવે. હાથ ઉપાડવાની કાંઈ જરૂર નથી. આજ બહુ થઈ ગયું છે.’

‘તો મગજમારી કેમ કરી?’

‘નહિ કરું હવે. જાવ.’

‘છોકરાને ચડ્ડી સરખી પહેરાવ.’

‘હું શું કરું? રહેતી જ નથી.’

‘ના કેમ રહે? સૂતળી બાંધ. તારું નાડું બાંધ. મારે બધું કહેવાનું? નવરીની’

વાલજી બબડતો રહ્યો. કમુએ ચંદુની ચડ્ડીને એની કમર સાથે સૂતળીથી કચકચાવીને બાંધી દીધી.

‘જાવ.’ કમુએ ચંદુને મીઠો ગુસ્સો કરીને કહ્યું. ચંદુ મલકાતો મલકાતો વાલજી પાસે ગયો.

વાલજી ઊભો થયો. ચંદુનું બાવડું પકડીને તે બોલ્યો : ’હાલો. હીરો હીરાલાલ.’

ચંદુ ખડખડાટ હસી પડ્યો. કમુ વહાલથી ચંદુને જોઈ રહીચંદુએ વાલજીની આંગળી પકડી.

ને, ધનિયાએ વાલજીના ઝૂંપડાની સામે જ રસ્તાની કોરે સાઈકલ ઊભી રાખી દીધી.

વાલજીને થોડીઘણી સમજણ પડી ગઈ. ચંદુને લઈને તે ધનિયા પાસે પહોંચ્યોં.

‘કેમ લ્યા? છે કાંઈ ખબર?’ વાલજીએ પૂછ્યું.

‘હા. માલ આઈ ગયો છે એ કહેવા આયો છું.’ ધનિયાએ ધીમેથી કહ્યું.

‘હત તેરીકી. હું તો આ છોકરાને ભાગ અલાવવા જતો’તો.’

‘મેં તો મારી ફરજ પૂરી કરી. હવે તમે જાણો.’

‘એમ કર ને. તું જા. હું તારી પાછળ પાછળ જ આયો.’ વાલજીએ તરત જ નિર્ણય લઈ લીધો. ધનિયાએ સાઈકલ દોડાવી.

ચંદુ પાસેથી આંગળી છોડાવતાં વાલજીએ કહ્યુંઃ ’તને કાલ ચોકલેટ લઈ દઈશ હોં.’

ચંદુ રડવા જેવો થઈ ગયો. કમુને દૂર ઊભા ઊભા જ વાત સમજાઈ ગઈ. ’કહું છું કે આજ ન જતા હોં. બિચારા છોકરાને ભાગ વગરનો ન રાખતા.’ એણે બૂમ પાડીને કહ્યું.

‘તું ચૂપ મર.’ વાલજીએ સામી બૂમ પાડી.

ચંદુને મૂકીને વાલજી ચાલતો થયો. કમુએ કકળાટ કર્યો પણ વાલજીએ પાછું વળીને જોયું જ નહીં. ચંદુએ રડવાનું શરૂ કર્યું.

‘શું થયું કમુ?’ ઝૂંપડામાંથી બહાર આવીને રેવાએ પૂછ્યું.

‘ધનિયોએની માનો.. ક્યાંથી આવી પડ્યો! એનું નખ્ખોદ જાય. મારા છોકરાની મનની મનમાં રહી ગઈ.’

‘મારે સુખલી ખાવી છે.’ ચંદુનો કજિયો ફરી શરૂ થયો. કમુએ એને છાતીએ વળગાડ્યો.

’અલી બોન, આજે આનો બાપ ભાગ લેવા લઈ જતો’તો ત્યાં તો નખ્ખોદિયો ધનિયો આંય પોગી ગ્યો ને આના બાપને પીવા લઈ ગ્યો.’

‘અરેરે!’

‘ભાગનું નામ સાંભળીને મારો છોકરો બિચારો રાજી રાજી થઈ ગ્યો’તો. પણ, એના નસીબમાં નહિ હોય! નહિતર આજ તો માલેય નહોતો આયો. ધનિયાએ માલ આવ્યાની વધામણી દીધી હશે એટલે આનો બાપ આને મૂકીને થયો હેંડતો. હવે જોજે ઈ પીધા વગર નહિ આવે’

‘મારો ધણી તો કોઈની વાદે ચડે જ નહિ.’ રેવાએ પોતાના ધણીનાં વખાણ શરૂ કર્યાં

કમુ પોતાના નસીબનો દોષ કાઢતી રહીસમય લથડિયાં ખાતો આગળ ચાલ્યોકમુ ચૂલે વળગી.

ગંગા ચંદુને પટાવીને રમવા લઈ ગઈ. રસ્તાને કાંઠે એક ખાબોચિયા પાસે બંને રમવા લાગ્યાં. ખાબોચિયાનું પાણી સુકાઈ જવાથી એમાં કાદવ જામી ગયો હતો. ગંગાએ એક લાકડાના ટુકડાથી કાદવમાં ચોસલાં પાડ્યાં.

એક પછી એક ચોસલાને ઉપાડીને ખાબોચિયાની બહાર જાળવી જાળવીને ગોઠવતાં એ બોલીઃ ‘જો ચંદુ, સુખડી અસલ આવી જ હોય.’

સુખડી આવી હોય એ જાણીને ચંદુની ખુશીનો પાર ન રહ્યો. એ ઊછળી ઊછળીને બૂમો પાડવા લાગ્યોઃ ‘સુખલી...સુખલી...સુખલી...સુખલી...’

ચંદુની બૂમો સાંભળીને, ઝૂંપડાની અંદર ચૂલો ફૂંકતી કમુનું રોમરોમ રાજી થઈ ગયું. એણે માન્યું કે, ‘મૂઆને અક્કલ આવી હશે એટલે છોકરા સારું મીઠાઈ-બીઠાઈ લઈને આવ્યો હશે.’ એ દોડતી બહાર આવી ને ચંદુને જોઈ રહી.

ને જોતી જ રહી ગઈ એને બે ધડી તો સમજણ પણ ન પડી કે છોકરાના રાજીપા પર હસવું કે રડવું.

ને એ હસવા માંડી. મન મૂકીને હસવા માંડી. એની આંખોમાં આંસુ આવી ગયાં તો ય એ હસતી રહી.

‘અલી, ગાંડી તો નથી થઈ ગઈને?’ કમુને એકધારી હસતી જોઈને રેવાએ પૂછ્યું.

‘જો તો ખરી. મારા છોકરાની સુખડી!’ કમુએ કાદવનાં ચોસલાં તરફ આંગળી ચીંધી. રેવાને પણ ભીનું ભીનું હસવું આવ્યું.

રેવા હસી એટલે કમુ વધારે હસવા માંડી

‘અલી બોન, બસ કર. ગાંડી થઈ જઈશ.’ રેવા બોલી.

પણ, કમુ તો હસતી જ રહી.

ને કમુ અટકી ગઈ. જાણે વીણાનો તાર તૂટી ગયો. એ હોઠ બીડીને સ્થિર નજરે એ તરફ જોઈ રહી જે તરફથી વાલજી લથડિયાં ખાતો ખાતો ઘર તરફ આવી રહ્યો હતો.

[સમાપ્ત]

૧૦. આવકારો

ચોથા કવિએ પોતાનું કાવ્યપઠન પૂરું કર્યું. પાયલ સિવાય તમામ શ્રોતાઓએ તાળીઓ પાડી.

‘તાળીઓ તો પાડ. કેમેરો આપણાં પર છે.’ હેમંતે ધીમેથી પાયલને કહ્યું.

‘ભલે રહ્યો. ખોટી તાળીઓ પાડવાનું મન નથી થતું.’ પાયલે જવાબ આપ્યો.

‘તો શા માટે આવી છે?’

‘હું મારી મરજીથી નથી આવી. તુ પરાણે લાવ્યો છે.’

‘સૉરી, મને એમ કે તને આ કાર્યક્રમમાં મજા આવશે.’

‘મજા આવે એવું આમાં શું છે?’

‘ધીરે બોલ. કોઈ સાંભળશે તો..’

‘ચાલ બહાર. મને કંટાળો આવે છે.’

‘ચાલુ કાર્યક્રમમાં બહાર નીકળશું તો ખરાબ લાગશે. બેસી રહે.’

... પાંચમા કવિએ પોતાનું કાવ્યપઠન શરૂ કર્યુંઃ ‘યુગોના યુગો સુધી ઊભો રહ્યો તારી પ્રતીક્ષામા...’

‘બસની રાહ જોતા હશે’ પાયલને મજાક સૂઝી.

‘પાયલ, પ્લીઝ ..’ હેમંતે કહ્યું.

પાયલ મોઢા પર હાથ મૂકીને હસતી રહી.

... પાંચમાં કવિએ પોતાનું કાવ્યપઠન પૂરું કર્યું. ફરીથી શ્રોતાઓએ તાળીઓ પાડી.

‘પાયલ, જરા તો વિવેક જાળવ. વિચાર તાળીઓ પાડવામાં તારું શું જાય છે?’

‘શા માટે? દંભ કરવા?’

‘દંભ કરવા માટે નહિ. કવિનું માન રાખવા.’

‘મારે નથી રાખવું. તારે રાખવું હોય તો રાખ. હું તો આ ચાલી.’

પાયલ ઊભી થઈને, ખુરશીઓ વચ્ચેથી જગ્યા કરતી સભાખંડની બહાર નીકળવા લાગી.

હેમંત એને જતી જોઈ રહ્યો. એ મૂંઝાયો કે, હવે શું કરવું? આટલાં બધાં લોકોની વચ્ચેથી બહાર કેમ નીકળવું? જોનારા તો એમ જ વિચારે ને કે, કવિતાના કાર્યક્રમમાં રસ નહોતો તો આવ્યાં શાં માટે? વળી, આ કાર્યક્રમનું પ્રસારણ ટેલિવિઝન દ્વારા થવાનું હોવાથી કેમેરો પણ સતત સક્રિય હતો.

પાયલે દરવાજે પહોંચીને હેમંત તરફ જોયું. એની નજરમાં આદેશ હતો. હેમંત એ આદેશ ઉથાપી ન શક્યો. એ પણ ઊભો થયો અને સંકોચ સાથે સભાખંડની બહાર નીકળી ગયો. આ રીતે બહાર નીકળવું એને યોગ્ય લાગ્યું નહિ. પરંતુ, પાયલના સહવાસ વગર બેસી રહેવાનું કામ તો એનાં કરતાં પણ કપરું હતું.

‘હાશ!’ પાયલે ખુલ્લી હવામાં ઊંડો શ્વાસ લેતાં કહ્યું.

‘પાયલ, આ રીત છે? અવિનાશકાકાને કેવું લાગશે?’

‘એમની માફી માંગી લઈશું.’

‘થોડી વાર માટે બેસી રહી હોત તો સારું હતું. એમનો વારો આવવાનો જ હતો.’

‘ક્યારે આવવાનો હતો? યુગોના યુગો પછી?’ પાયલની ચંચળતા કાબૂ બહાર જવા લાગી.

‘એમણે કેટલા પ્રેમથી આમંત્રણ આપ્યું હતું! આપણે આવું કરવા જેવું નહોતું!’ હેમંતનો અફસોસ હજી ઓછો થયો નહોતો.

‘હેમંત, શું કરું? મને જરાય મજા આવતી નહોતી. કાર્યક્રમનું નામ તો ‘વસંતને આવકારો’ હતું. પણ, ક્યાંય વસંતનો અનુભવ થતો નહોતો. બધું જ જાણે કે બનાવટી લાગતું હતું. આયોજકોનો પરિચય, પ્રમુખશ્રીનો પરિચય, એમનો પરિચય આપનારનો પણ પરિચય, કવિઓનો પરિચય, એ તમામનું સ્વાગત! માઈક સામે આવનાર જાણે માઈક છોડવા માંગતો જ નહોતો. કેટલાં ભાષણો? ખરો કાર્યક્રમાં તો એક કલાક પછી શરૂ થયો. એમાંય સંચાલક પાછા ચાંપલું ચાંપલું બોલ્યાં કરે. ને કવિઓની કવિતામાં ક્યાંય વસંતનો ખરો રંગ હોય એવું લાગતું નહોતું. બધું જ ત્રાસદાયક!’

‘ચલાવવું પડે. કવિતાના કાર્યક્રમો તો આવા જ હોયને?’

‘એવું કોણે કહ્યું? કવિતાના કાર્યક્રમો પણ મજાના કેમ ન બની શકે? પાંચદસ વસૂકી ગયેલા કવિઓની સામે; ઊભા થઈને ચાલતી ન પકડી શકે એવા લાચાર, ઉમરલાયક અને કહ્યાગરા શ્રોતાઓને બેસાડી દેવાથી શું વસંતને સાચો આવકારો આપ્યો કહેવાય? તેં જોયુંને? તારીમારી ઉમરના શ્રોતાઓ કેટલા હતા? માંડ ચારપાંચ! એ પણ ઊંચાનીચા થતા હતા’

‘આપણે તો અવિનાશાકાકાનું માન રાખવા આવ્યાં હતાં. એમને સાંભળી લીધા હોત તો સારું હતું.’

‘એમને એમની ઘેર જઈને, મન ભરીને સાંભળી લઈશું. બસ? હવે જવા દે એ વાત.’

‘ચાલ, ક્યાં જવું છે? બોલ.’ હેમંતે પોતાની બાઈક પાસે ઊભા રહીને પૂછ્યું.

‘લાવ. ચાવી મને આપ.’ પાયલે ચાવી માટે હાથ લંબાવ્યો.

‘કેમ?’ હેમંતે પૂછ્યું. ‘આજે બાઈક ચલાવવાનું મન થયું છે?’

‘હા, આજે હુ તને કશેક લઈ જઈશ. તુ પાછળ બેસી જા.’

... પાયલે બાઈક ભગાવી. નગર વીંધાતું ગયું.

... નગર પૂરું પણ થઈ ગયું અને પાછળ રહી ગયું.

એક તો પાયલનો સહવાસ અને ઉપરથી વાસંતી હવાનો સ્પર્શ! હેમંતનો કાવ્યપઠનનો કાર્યક્રમ અધૂરો છોડ્યાનો અફસોસ પણ પાછળ રહી ગયો.

‘પાયલ, તુ ક્યાં લઈ જાય છે?’

‘બેસી રહેને. મજા નથી આવતી કે શું?’

‘મજા તો આવે છે પણ, દૂર જવું હોય તો બાઈક હુ ચલાવી લઉં.’

‘કેમ? મારા પર ભરોસો નથી કે પછી પાછળ બેસવા બદલ શરમ આવે છે? બાઈકની ચાવી આપવા બદલ પસ્તાવો તો નથી થતોને?’

‘ના યાર! એમાં પસ્તાવો કેવો? દિલ જેવું દિલ આપી દીધા પછી ચાવી તો કઈ મોટી ચીજ છે?’

‘વાહ! યે બાત હૈ. આને કહેવાય કાવ્યપઠન.’

‘જોજે. તાળીઓ ન પાડતી.’

‘મરવાની બીક લાગે છે?’

‘બીક તો લાગે જ ને. માંડ જીવવાની મજા આવી છે.’

હાઈવે પર બાઈક ભાગતી રહી... વાહનોના અવાજ વચ્ચેથી બંને વચ્ચેના સંવાદો રસ્તો કાઢતા રહ્યા... વગડાઉ હવાને બંનેના ચહેરા ઝીલતા રહ્યા.

..ને પાયલે બાઈક ધીમી પાડીને રસ્તાના કાંઠે ઊભી રાખી દીધી.

‘શું થયું?’ હેમંતે પૂછ્યું.

‘જો હેમંત, પેલી રહી વસંત. ચાલ, આવકારો આપી દઈએ.’ પાયલે એક ટેકરી તરફ આંગળી ચીંધી.

હેમંતે જોયું તો, લાલ લાલ ફૂલોથી ભરચક એક કેસૂડો કોઈ નવયુવાન કવિની અદાથી ઊભો હતો!

[સમાપ્ત]

૧૧. ચોકડી

જયેશભાઈ માટે ડૉ. ભાવસારના દવાખાનાનો સ્પેશ્યલ રૂમ જાણે કે પોતાનો દીવાનખંડ બની ગયો હતો. કુટુંબનાં સભ્યો,સગાં,મિત્રો,નાસ્તો,જમણ,મુખવાસ,વાતો વગેરેની અહીં પણ હાજરી રહેતી હતી. જયેશભાઈને આ બધાંની હાજરી ગમતી હતી. એમનું માનવું હતું કે, આ બધું ન હોય તો નરકમાં અને દવાખાનામાં ફેર શો?

જયેશભાઈને ત્રણ દિવસ પહેલાં ખૂબ જ ગભરામણ થઈ ગઈ હતી. બ્લડ પ્રેશર વધી ગયું હોવાની બીક લાગી હતી. ડૉ.ભાવસારને તબિયત બતાવવા પહોંચ્યા તો એમણે દાખલ થઈ જવાની સલાહ આપી હતી.

ત્રણ દિવસની સારવારે જયેશભાઈને હરતાફરતા અને વાતો કરતા કરી દીધા હતા. ખબર કાઢનારાંની અવરજવર એટલી બધી રહેતી હતી કે, એમનાં પત્ની સરલાબહેન સાથે વાતો કરવાનો મોકો પણ મળતો નહોતો.

એવો મોકો મળ્યો ત્યારે...

‘શું લાગે છે?કાલે રજા આપી દેશે?’ સરલાબહેને પૂછ્યું.

‘એવું લાગે તો છે. રજા આપે તો ભલે, બાકી આપણે ઉતાવળ નથી કરવી.’ જયેશભાઈએ નિરાંત દાખવી.

‘ઘેર આવી સારવાર થાય નહિ. દવા પણ સમયસર ન લેવાય. ત્રણ દિવસમાં તો કેટલો ફેર પડી ગયો!’

‘પડી જ જાયને. અમસ્તાં લોકો દાખલ થતાં હશે.?’

‘પણ ડૉક્ટરે નિદાન શું કર્યું? બીપી વધી ગયું હતું?’

‘ખાસ નહોતું વધ્યું.પણ ડૉકટરે કહ્યું કે, સમયસર દવાખાને આવી ગયા એ સારુ કર્યું.’

‘હમણાં તો પેટ સાફ કરવાની દવા આપી છે ને?’

‘હા સાલું પેટ બહુ વધી ગયું હતું.’

‘મને તો લાગે જ છે કે, તમને ગેસને લીધે જ ગભરામણ થઈ હશે.’

‘જે હોય તે. આપણે ગફલતમાં નહિ રહેવાનું.’

‘ખરી વાત છે. અહીં આવ્યા તો શંકા નીકળી ગઈને? બાજુવાળા મનુભાઈનું કેવું થયું? ગેસ ટ્રબલ માનીને ઘરે બેસી રહ્યા. પણ હતો હાર્ટએટેક! જો તરત જ દવાખાના ભેગા થયા હોત તો બચી જાત.’

‘તબિયતનું ક્યારે શું થાય તે નક્કી નહિ. સાવચેત રહેવું સારું.’

‘ત્રણ દિવસમાં તો ઘણાંખરાં ખબર કાઢી ગયાં.’

‘આપણા સર્કલમાંથી તો કોઈ બાકી રહ્યું હોય એમ લાગતું નથી. જો ને...’.

ગણતરી થઈ.નામ લેવાયાં. કુટુંબ ખાતે માત્ર દલસુખ જ બાકી રહ્યો હતો.

‘બિચારાને ખબર જ નહિ હોય.’ જયેશભાઈ શંકાનો લાભ આપતા હોય તેમ બોલ્યા.

‘ન કેમ હોય?મામાને મળ્યો’તો અને મામાએ વાત પણ કરી છે.’

‘ખબર પડી તોય ન આવ્યો? ટાઈમ નહિ મળ્યો હોય.’

‘એને તો ટાઈમ હોય જ ને? સરકારી નોકરી છે. ને ટાઈમ ન હોય તોય કાઢવો પડે. આપણે કોઈને કહેડાવ્યું’તું? પણ જેમ જેમ ખબર પડતી ગઈ એમ એમ બધાં આવતાં ગયાં કે નહિ?’

‘દલસુખ તો ઠેકાણાં વગરનો છે. એને તો વહેવારમાં રહેતાં આવડતું જ નથી.’

જયેશભાઇને સારું ન લાગ્યું. કુટુંબ ખાતે એક માત્ર દલસુખ જ ખબર કાઢવા નહોતો આવ્યો. ટકાવારીને માર પડ્યો હતો!

જયેશભાઈએ મનને મનાવ્યું કેઃ ‘દલસુખ ગમેતેમ તોય નોકરિયાત માણસ! વહેવારમાં ઢીલો પડી જ જાય.’ પરંતુ મન બીજી જ ક્ષણે આડું ફાટ્યું કે, ‘નોકરિયાત હોય તો શું થઈ ગયું? ગમેતેમ તોય કુટુંબી તો ખરો જ ને? પેઢીએ પણ ભાઈ તો ખરો જ ને? આ શરદભાઈ કરોડપતિ છે તોય મારી ખબર કાઢી ગયા! ભલે ઝાઝું બેઠા નહિ પણ આવી તો ગયા ને?’

‘એક બે દિવસમાં આવશે તો ખરો જ.’ સરલાબહેને વિશ્વાસ દાખવ્યો.

‘આવે તો ભલે અને ન આવે તો પણ ભલે. એની ઇચ્છા. આપણે ક્યાં એની રાહ જોઈને બેઠાં છીએ?’

‘સવાલ જ નથી. એ આવે કે ન આવે. કશો ફરક પડવાનો નથી.’

‘પણ એટલું તો નક્કી જ છે કે દલસુખ આ વખતે મારી ખબર કાઢવા ન આવે તો, એને પડતો જ મૂકી દેવાનો.’

‘હા,વળી. એના નામ પર ચોકડી જ મારી દેવાની. એને ટાઈમ ન મળતો હોય તો આપણે ક્યાં નવરાં બેઠાં છીએ? બીમારી તો બધાંનો વારો કાઢે. આજે આપણો તો કાલે એનો.’

‘આપણે તો પહોંચી વળીએ. પણ, દલસુખને તો રડતાં જ નહિ આવડે.’

જયેશભાઈને ધોળા દિવસનું સપનું આવ્યું.

સપનામાં જોયું તો, દલસુખ સરકારી દવાખાનાના જનરલ વૉર્ડમાં પથારીવશ થઈને પડ્યો પડ્યો કણસતો હતો. પોતાને જોઈને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો.

રડતાં રડતાં દલસુખે ફરિયાદ કરીઃ ‘જયેશભાઈ, અઠવાડિયાથી તરફડું છું. કોઈ સગુંવહાલું સામું જોવાય નથી આવ્યું. બીજાં તો ઠીક પણ તમેય..’

‘હું ય આવવાનો નહોતો. પણ મને થયું કે ચાલ, જઈ આવું. મારાથી કાઈ તારાં જેવું થવાય છે?’ પોતે સાચવીને રાખેલું તીર મોકો જોઈને છોડ્યું.

‘એમ કેમ બોલો છો? દલસુખભાઈ, મારી કોઈ ભૂલ?’

‘ભૂલી ગયો? હું ભાવસાર સાહેબના દવાખાનામાં દાખલ થયો’તો. આખું કુટુંબ ખબર કાઢી ગયું’તુ. પણ તુ ડોકાવાય નહોતો આવ્યો.’

પછી તો દલલસુખની દશા જોવા જેવી થઈ ગઈ. હાથ જોડી ગયો. હૈયે ટાઢક વળી ગઈ. પોતે આશ્વાસન આપ્યું. ‘દલસુખ, અમે તારાં છીએ તે મટી નથી જવાનાં. પણ એક વાત યાદ રાખજે કે, જેવું વાવીએ તેવું લણીએ. આપણે કોઈને ત્યાં દોડીને ગયા હોઈએ તો કોઈ આપણે ત્યાં દોડીને આવે.’

પોતાની વાત પર મંજૂરીની મહોર મારતાં હોય એમ બીજાં દર્દીઓ, હાથ ઊંચા કરી કરીને કહેવા લાગ્યાંઃ ‘વાત સાચી છે. શેઠની વાત સાવ સાચી છે’

ડૉકટર અને નર્સ પણ પણ પોતાની તરફ અહોભાવથી જોઈ રહ્યાં.

સુખની આવી ક્ષણે જ જયેશભાઈનું ધોળા દિવસનું સપનું તૂટી ગયું! ડૉક્ટર ભાવસાર વિઝિટ માટે આવ્યા હતા.

‘કેમ લાગે છે હવે?’ ડૉક્ટરે પૂછ્યું.

‘સારું છે.’ જયેશભાઈએ જવાબ આપ્યો.

‘ખરેખર સારું લાગે છે? કે પછી ઘેર જવાની ઉતાવળ છે?’ ડૉક્ટરે હસતાં હસતાં પૂછ્યું.

‘ના સાહેબ. ખરેખર સારું છે. તમારી દવા બરાબર લાગુ પડી ગઈ છે.’

ડૉક્ટરે જયેશભાઇને તપાસ્યા પછી ચિંતા ન કરવાનુ કહ્યુ. બે દિવસ વધારે રોકાવાની સલાહ પણ આપી.

ૂૂૂ

જયેશભાઈ દવાખાનેથી ઘેર આવી ગયા પછી ખબર કાઢનારાંનો બીજો દોર શરૂ થયો. જે લોકો દવાખાને નહોતાં પહોંચી શક્યાં એ લોકો પણ જયેશભાઈની બીમારી વાસી થઈ જાય તે પહેલાં ઘેર પહોંચવા લાગ્યાં.ખબર કાઢનારાંને ખરાબ ન લાગે તે કારણથી,જયેશભાઈએ થોડા દિવસ માટે દુકાને જવાનું બંધ રાખ્યું.

પરંતુ, દલસુખ હજી પણ ખબર કાઢવા આવ્યો નહોતો.

‘દલસુખ દેખાયો કે નહિ?’ અરલાબહેન પૂછી લેતાં.

‘એ દેખાતો હોય?’ જયેશભાઈ કટાયેલા સ્વરમાં જવાબ આપીને, પરાણે દેવું ચૂકવતા હોય તેવું હસી લેતા.

પછી દલસુખની વાતો થતી. જેવી કેઃ એ નાનપણથી જ અતડો હતો. છાત્રાલયમાં રહીને ભણ્યો. નસીબે સરકારી નોકરી મળી ગઈ. ઠેકાણું પણ સારું મળી ગયું. સુખી છે,પણ વહેવારમાં સાવ કાચો.

દરેક વખતે વાતને અંતે નક્કી કરવામાં આવતું કે, ‘હવેથી એનું નામ જ લેવાનું નહિ. એના નામ પર ચોકડી જ મારો.’

... એક દિવસે દલસુખ જયેશભાઈની દુકાને દેખાયો! એ બાજુ કોઈ કામે નીકળ્યો હતો.

જયેશભાઇને થયું કે, ‘હાશ! માંડ મોકો હાથમાં આવ્યો છે. આજે સાલાને બરાબરનું સંભળાવી દઉં.’

‘કેમ છો?’.. ‘મજામાં.’ ... જેવાં રસહીન વાક્યોની આપલે થઈ.

જયેશભાઈને મનમાં હતું કે, ‘દલસુખ હમણાં મારી તબિયતનાં ખબર પૂછશે.’

પરંતુ દલસુખ તો જવા લાગ્યો!

જયેશભાઈએ જ કહેવું પડ્યુંઃ ‘મારી તબિયત બગડી ગઈ’તી, એ વાતની ખબર પડી’તીને?’

‘ક્યારે?’ દલસુખ ઊભો રહી ગયો.

‘બે મહિના થઈ ગયા..ભાવસાર સાહેબના દવાખાનામાં પાંચેક દિવસ રહેવું પડ્યું’તુ.’

‘હા!,હા!... મને મામાએ વાત કરી હતી. એ વખતે હું મારા મુન્નાના અડિ્‌મશન માટે દોડધામમાં હતો. પછી તો તમને સારું થઈ ગયું અને રજા મળી ગઈ, એ ખબર પણ મામાએ જ આપી હતી.’

‘રજા મળી ગઈ તો શું થયું? ખબર કાઢવા ઘેર ન અવાય?’ જયેશભાઈ છંછેડાયા.

‘આવવું તો હતું જ. પણ ત્યાં તો મારે જ દવાખાનામાં દાખલ થવું પડ્યું.’

‘કેમ? તને વળી શું થયું?’

‘મારે અપેન્ડિક્સનું ઑપરેશન કરાવવું પડ્યું.’

‘કયા દવાખાને કરાવ્યું?’

‘સરકારી દવાખાનામાં. અઠવાડિયું આરામ પણ કરવો પડ્યો.’

‘અમને ખબર ન અપાય?’

‘એવું છે ને જયેશભાઈ, આપણે દૂર દૂર રહીએ એટલે તમને તકલીફ આપવાનું ઠીક ન લાગ્યું. એવી જરૂર પણ ન લાગી. પાડોશી સારાં છે. એ લોકોએ ઘણી મદદ કરી.’

‘પાડોશી એ પાડોશી અને સગાં એ સગાં. જેવી તારી મરજી. ખબર કાઢવાનો મોકો પણ ન આપ્યો.’

દલસુખ થોડી વાર માટે ચૂપ થઈ ગયો. પછી બોલ્યોઃ ‘દવાખાનામાં બધાં ખબર કાઢવા આવે તો આવનારને અને બીજાં દર્દીઓને પણ તકલીફ થાય એટલે મેં કોઈને કહેડાવ્યું જ નહોતું.’

‘ખબર કાઢવા તો આવેને? ભલા માણસ! કુટુંબ કોને કહેવાય? હું બીમાર પડ્યો’તો ત્યારે દવાખાનામાં માણસો માતાં નહોતાં.’

દલસુખ કશું બોલ્યો નહિ. જયેશભાઈની વાત એના મગજમાં બેઠી નહિ. એ રજા લઈને ત્યાંથી નીકળી ગયો.

જયેશભાઇને બીજો ઘા લાગ્યો. એ ઘામાં બળતરા થવા લાગી કે, સાલો બીમાર પડ્યો અને દવાખાનામાં દાખલ થયો તોય ખબર ન આપી. મોટો પાડોશીવાળો થઈ ગયો છે! મારી તો એને જરૂર જ નથી. ઠીક છે. પાડોશી કાંઈ દરવખતે ઊભાં નહિ રહે. ક્યારેક તો અમારી પણ જરૂર પડશેને? ત્યારે ખબર પડશે કે, કેટલી વીસે સો થાય છે!’

જયેશભાઈનું દલસુખને તરફડતો જોવાનું સપનું સપનું જ રહી ગયું.

ૂૂૂ

રાત્રે જયેશભાઈના દીવાનખંડમાં ટેલિવિઝન જરા શાંત પડ્યું કે એમણે દલસુખની વાત કાઢીઃ ‘આજે દલસુખ દુકાને આવ્યો’તો.’

‘આજે છેક? તમારી તબિયતનાં ખબર પૂછ્યાં કે નહિ?’ સરલાબહેને પૂછ્યું.

‘એ પૂછતો હોય? મેં સામેથી કહ્યું કે, મારી તબિયત બગડી હતી અને દવાખાને દાખલ થવું પડ્યું’તુ.’

‘કહેવું’તુ ને કે, તારી સિવાય બધાં ખબર કાઢી ગયાં.’

‘કહ્યુંને. એ છોકરાને સ્કૂલમાં દાખલ કરવાની દોડધામમાં હતો એટલે ન આવી શક્યો. હશે!’

‘હશે શું? દવાખાને ન અવાયું તો ઘેર તો આવવું જોઈએને? હવે એ બીમાર પડે તો આપણે એની ખબર કાઢવા જવું જ નહિ.’

‘તમને ખબર આપે તો તમે જાવને? એ બીમાર પડી ગયો ને સાજોય થઈ ગયો.’

‘શું થયું’તુ?’

‘એણે અપેન્ડિક્સનું ઑપરેશન કરાવ્યું.’

‘લે! આપણને કહેવડાવ્યું પણ નહિ?’

‘ઓછી ઉપાધિ.આપણને નિરાંત. હવે એ આપણી ખબર કાઢવા આવે એવી આશા રાખવાની જ નહિ. .. ને એની ખબર કાઢવાની આપણી જવાબદારી નહિ.’

‘એ બીમાર પડે તોય આપણને કહેડાવે નહિ તો એના નામ પર ચોકડી જ મરાય.’

‘હા. ચોકડી જ મારો એના નામ પર.’

... ડોરબેલના અવાજે વાત અટકાવી દીધી.

સરલાબહેને દરવાજો ખોલીને જોયું તો દલસુખ, એની પત્ની માલતી અને મુન્નો હતાં!

‘આવો’ સરલાબહેને આશ્ચર્ય અને આનંદ સાથે આવકારો આપ્યો.

દીવાનખંડની હવા ‘જય શ્રીકૃષ્ણ’ ના શબ્દોથી સુગંધિત થઈ ગઈ.

માલતી, સરલાબહેન અને જયેશભાઇને પગે લાગી. એ બોલીઃ ‘અમે ઘણા વખતથી આવું આવું કરતાં’તાં પણ અવાતું જ નહોતું. ભાઈની તબિયત કેમ છે હવે?’

‘સારી છે હો.’ સરલાબહેન બોલ્યાં. એમને પણ દલસુખની તબિયતનાં ખબર પૂછ્યાં

‘બેસો, હું પાણી લઈ આવું.’ સરલાબહેન રસોડા તરફ જવા લાગ્યાં.

‘તમે રહેવા દો ભાભી. હું લઈ આવું છું.’ માલતીએ એમને રોક્યાં.

‘સારું, એમ કર. તુ ક્યાં મહેમાન છે? પાણી પીવડાવીને બધાને તારાં હાથની મજાની ચા પણ પીવડાવી દે.’

એક તરફ, એકબીજાં માટે ભેગી થયેલી વાતો થવા લાગી તો બીજી તરફ, જયેશભાઈના મનમાંથી, દલસુખના નામ પર મરાયેલી ચોકડી ભુસાવા લાગી!

[સમાપ્ત]

૧૨. અવાજ

બીડી જલઈલે... જિગર સે પિયા, જિગરમાં બડી આગ હૈ...

ડીજે સિસ્ટમના જોરે મોટા અવાજે ગીત વાગવાનું શરૂ થયું ને અંજલિની આંખો પહોળી થઈ ગઈ. એણે સુધાંશુ સરને કહ્યું, ‘સર,આ અવાજ બંધ કરાવો. ડિસ્ટર્બ થાય છે.‘

આચાર્ય સુધાંશુએ હાથમાં રહેલુ પુસ્તક બંધ કર્યું. એમનાં હોઠ પર પોતાનું આગવું સ્મિત ફરકી ગયું. ‘આપણે ભણવાનું બંધ કરીએ એ જ વધારે ઇચ્છનીય રહેશે.’ મધુર અવાજમાં એ બોલ્યા.

‘એવું ન ચાલે સર. કોલેજમાં ડી.જે. વગાડી જ ન શકાય.’ અંજલિએ દલીલ કરી.

‘કૉલેજમાં તો બીજું ઘણું ઘણું ન થઈ શકે, પરંતુ એ બધું થાય છે. આપણે સહન કરીએ છીએ. એક પ્રવૃત્તિ વધારે સહન કરી લઈએ. વાર્ષિક ઉજવણીનું વાતાવરણ છે. રંગમાં ભંગ શા માટે પાડવો?’

‘નહીં સર, મેં મીટિંગમાં જ ડી.જે. માટે વાંધો ઉઠાવ્યો હતો. જીએસને મેં ચોખ્ખું કહ્યું હતું કે, આ સાલ કૉલેજમાં ડીજેનું દૂષણ નહિ જોઈએ.‘

‘તમે અને હું એને દૂષણ માનીએ. આમાંથી કેટલાંક વિદ્યાર્થીઓ પણ એવું માને. પરંતુ, જે લોકો એને આભૂષણ માનતા હોય એમને આપણે કઈ રીતે રોકી શકીએ?’

‘સર,આ કાયદા વિરુદ્ધનું કામ છે.‘

‘કાયદા ઉપરાંત પોતપોતાની સમજની આ વાત છે. આ વાતને વધારે મહત્ત્વ ન આપીએ.’

‘મહત્ત્વતો આપવું જ પડશે. સર, હું એને બંધ કરાવીને આવું છું.’

આચાર્ય સુધાંશુ અંજલિને, ડીજેના તાલે નાચી રહેલા છોકરાઓ પાસે ન જવા માટે સમજાવે એ પહેલાં તો એ વર્ગની બહાર નીકળી ગઈ.

અંજલિ સોશિયોલોજીના વિષય સાથે આર્ટસનો અભ્યાસ કરતી હતી. એ અન્યાય સહન ન કરવાની ગજબની જિદ ધરાવતી હતી. સ્વાભાવિક રીતે જ, ‘કૉલેજ એટલે માત્ર ધમાચકડી કરવાની જગ્યા’ એવું માનનારા છોકરાઓ સાથે એને અવારનવાર વાંધો પડતો હતો. ખાસ કરીને રાહુલ સાથે, જે કૉલેજનો જીએસ હતો.

રાહુલ, શહેરના કેટલાક રાજકીય નેતાઓના જોરે કૉલેજમાં જીએસ તો બની ગયો હતો. પરંતુ, એનામા જીએસના પદને ચાર ચાંદ લગાવી શકે એવી પ્રતિભા નહોતી. ચીલાચાલુ કાર્યક્રમોનું આયોજન કરીને એ અને એના સાગરીતો રાજી થતા હતા. એમની અને અંજલિ વચ્ચે અવારનવાર નાનામોટા ઝઘડા થયા કરતા હતા. જેને કારણે કૉલેજના વાતાવરણમાં જીવંતતા છવાઈ રહેતી હતી.

‘બંધ કરો આ તમાશો.’ અંજલિએ કૉલેજના મેદાનમાં ડીજેના તાલ પર નાચી રહેલા છોકરાઓની પાસે જઈને બૂમ પાડી.

અંજલિની બૂમની અવળી અસર થઈ. કેટલાક છોકરાઓ એની સામે જોઈ જોઈને વધારે ઝનૂનથી કિકિયારીઓ પાડવા લાગ્યા. એમને તો અંજલિ પર દાઝ ઉતારવાનો એક સારો મોકો મળી ગયો હતો. અંજલિ સમસમીને એમની એ હરકતો જોઈ રહી. આ દૃશ્ય જોઈ રહેલાંઓને લાગ્યું કે, ‘હવે જરૂર કશી નવાજૂની થવાની.’

અંજલિ કોઈ મક્કમ ઇરાદા સાથે ડીજે સિસ્ટમ તરફ આગળ વધી. લાંબાં પગલાં, મનનો આદેશ પાળવા તત્પર બંને હાથ, દાંત નીચે દબાયેલો નીચલો હોઠ, રોષ વ્યક્ત કરતી આંખો, વાળના ઉછળતા જુલફા... અંજલિનું આ રૂપ જોઈને કોઈ એને રોકવાનું સાહસ ન કરી શક્યું.

જોનારાં, અંજલિ જેવી જિદ્દી છોકરી શું કરશે એ બાબત અનુમાન કરવા લાગ્યાં.

પરંતુ, અંજલિએ જે કર્યું એની કલ્પના કોઈએ કરી નહોતી.

એણે ડીજે સિસ્ટમના વાયરોને બેટરી સાથે જોડનારો પ્લગ જ ખેંચી કાઢ્યો.

જાણે જામેલી બીડી ઠરી ગઈ. નાચ અટકી ગયો. બધાં ફાટી આંખે અંજલિને જોઈ રહ્યાં.

અંજલિ હાથમાં વાયર પકડીને અડીખમ ઊભી રહી ગઈ હતી જાણે તલવાર ખેંચીને ઊભેલી ઝાંસીની રાણી! એની આંખો જાણે પૂછતી હતી કે. ‘બોલો, હવે શું કરશો?’ .

અંજલિનાં સાગરીતો રાહુલ તરફ જોવા લાગ્યા.

રાહુલ માટે તો પ્રતિષ્ઠાનો સવાલ ઊભો થયો હતો. એ અંજલી તરફ આગળ વધ્યો.

‘આટલા મોટા અવાજે ગીતો વગાડતાં શરમ નથી આવતી? જીએસ થઈને એટલી પણ સમજ નથી કે કલાસ ચાલુ છે.’ રાહુલ કશું બોલે એ પહેલા જ અંજલિએ એને સણસણતો સવાલ કર્યો.

‘અંજલિ વધારે હોશિયારી ન કરીશ. ડીજે ચાલુ રહેવા દે.’ રાહુલે કહ્યું.

‘ડીજે કોઈ સંજોગોમાં ચાલુ નહીં થાય. તમારે નથી ભણવું પણ જેને ભણવું હોય એમને તો ભણવા દો.’

‘ભણવાનું તો આખું વર્ષ છે. તારી જેવાં પંતુજીઓને લીધે અમારે મજા નહીં કરવાની? જ્યાં સુધી એન્યુઅલ ફંકશન ચાલશે ત્યાં સુધી અમને નાચતાંગાતાં કોઈ રોકી નહીં શકે. સમજી?’

‘મજા કરવાની ના નથી. નાચાવાગાવાનો પણ વાંધો નથી. પણ ડીજેનો અવાજ તો નહીં જ ચાલે. બીજાંને ત્રાસ આપીને મજા કરવાની વાત બરાબર નથી.‘

‘તને ત્રાસ થતો હોય તો તું ઘરભેગી થા.’ રાહુલે કહ્યું.

‘પોતાની જાતને કિરણ બેદી સમજે છે.’ જીએસને એકલા પડવા નહીં દેવાના ઇરાદાથી કોઈ બોલ્યું.

‘હા યાર, સોશિયોલોજી ભણે છે એટલે સામાજિક કાર્યકર થવાની પ્રેક્ટિસ કરે છે.’ બીજો અવાજ આવ્યો.

‘પોતાને મજા કરવી નથી ને બીજાને કરવા દેવી નથી આવા લોકો કૉલેજમાં જખ મારવા આવતા હશે!’ ટોળામાંથી ત્રીજો અવાજ આવ્યો.

‘કોણ છે આ બીકણ બબૂચકો? જે કહેવું હોય એ મારી સામે આવીને કહોને. જવાબ મળી જશે. આવો, મારી સામે આવીને વાત કરો.’ અંજલિએ પડકાર ફેંક્યો.

કોઈ સામે આવી ન શક્યું.

‘અંજલિ, જવા દે. વાત બગડી જશે. આ ફંકશન વર્ષમાં એક જ વાર આવે છે. હું તારી સાથે સીધી વાત કરું છું તો તું પણ મને સહકાર આપ.’ રાહુલે અંજલિને મનાવી લેવાના ઇરાદે કહ્યું.

‘રાહુલ, મારો સહકાર મળશે. બધાંનો સહકાર મળશે. તમે લોકો રક્તદાનનો કાર્યક્રમ કરો. ડીબેટનું આયોજન કરો. સંગીતનો કાર્યક્રમ ગોઠવો. અને, નાચવાનો કાર્યક્રમ રાખવો હોય તો એને માટેનો સમય અગાઉથી જાહેર કરો. પણ આ શું? મનફાવે ત્યારે ડીજે ચાલુ કરીને દેકારા કરવા એ ઉજવણી છે? એને લીધે બીજાનો અભ્યાસ બગાડે છે. ઘોંઘાટથી પોલ્યુશન થાય છે. એનો ખ્યાલ નથી આવતો?’

‘ડીજે વગર નાચવાનું જામે જ નહિ. ઘોંઘાટથી વેદિયાઓને પોલ્યુશન થતું લાગે. અમને તો મજા આવે છે.’

કેટલાક છોકરાઓ ખડખડાટ હસ્યા. એમાંથી કોઈએ અંજલિનો હુરિયો બોલાવ્યો એટલે બાકીના છોકરાઓને પણ જોર ચઢ્યું. અંજલીનાં વિરોધમાં સૂત્રો પણ પોકારાયાં. ‘ઝિંદાબાદ ઝિંદાબાદ. વિદ્યાર્થી એકતા ઝિંદાબાદ. મુર્દાબાદ મુર્દાબાદ... ડીજે કી દુશ્મન મુર્દાબાદ.’

આચાર્ય સુધાંશુએ આવીને છોકરાઓને સમજાવવાના પ્રયાસો કર્યા તો એમનો પણ હુરિયો બોલી ગયો.

અંજલિથી વધારે સહન ન થયું. એણે પોતાના મોબાઈલથી પોલીસ સ્ટેશને જાણ કરી કે, ‘કોલેજમાં કેટલાક છોકરાઓ વગર રજાએ ડીજે વગાડીને ત્રાસ ફેલાવી રહ્યા છે. તમારા તરફથી કોઈ પગલાં નહિ લેવાય તો હું પોલીસ કમિશ્નરને ફરિયાદ કરીશ.’

પોલીસની રાહ જોતી અંજલિ ડીજેના વાયરો પકડીને અડીખમ ઊભી રહી. એનો હુરિયો બોલાતો રહ્યો. . અપમાનભર્યા શબ્દો બોલાતા રહ્યા. રાહુલ અંજલિને અલગ અલગ રીતે સમજાવતો રહ્યો. પરંતુ એણે મચક ન આપી. એનું તો એક જ રટણ હતું કે, ‘કોઈ પણ સંજોગોમાં, કૉલેજમાં ડીજે તો નહિ જ વાગે.’

પોલીસ અધિકારી આવ્યા. એમણે બંને પક્ષોની રજૂઆત સાંભળી. સમાધાનના પ્રયાસો થયા. અંજલિએ ખાતરી માંગી કે, ‘કૉલેજમાં કલાસ ચાલતા હોય ત્યારે ડીજે નહીં વાગે.’ તો રાહુલ અને એના સાગરીતો એ વાત પર અડગ રહ્યા કે, ‘ડીજે તો વાગશે, વાગશે ને વાગશે જ!’

‘તો પછી તમે તમારી ફરજ બજાવો. અમારું ન માનો. કાયદાનું માનો.’ અંજલિએ પોલીસ અધિકારીને કહ્યું.

‘પોલીસ સ્ટેશનેથી ડીજે વગાડવાની પરવાનગી લેવાણી નથી એટલે ગુનો તો બને છે. પણ, ફરિયાદી કોણ બનશે?’ પોલીસ અધિકારીએ પૂછ્યું.

‘કોઈ નહીં બને. એવું જોખમ લેવા કૉલેજનો કોઈ અધિકારી કે વિદ્યાર્થી તૈયાર નહીં થાય.’ રાહુલે કહ્યું.

‘સાચી વાત છે. પણ હું તૈયાર છું.’ અંજલિએ કહ્યું.

‘તમારે પોલીસ સ્ટેશને આવવું પડશે. વિચારી લેજો. વારેવારે પૂછપરછ પણ થશે. પછી એવું ન થાય કે ખોટા લફરામાં પડ્યાં.’ પોલીસ અધિકારીએ બીક બતાવી.

અંજલિએ જવાબ આપ્યોઃ ‘ભલે. મારે માટે આ કરવા જેવું કામ છે. લફરું નથી. તમે મારી ચિંતા ન કર્યા વગર તમારી ફરજ બજાવો.’

પોલીસ અધિકારીએ ડીજે સિસ્ટમ જપ્ત કરી. રાહુલ સહિતના કેટલાક વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશને લઈ જવાયા. અંજલિ અને એને સાથ આપનારાં પણ પોલીસસ્ટેશને પહોંચ્યાં. રાહુલ અને એના સાગરીતોને છોડાવવા માટે એમના વાલીઓ અને કેટલાક સ્થાનિક નેતાઓ પણ મારતી ગાડીઓએ પોલીસસ્ટેશને આવી પહોંચ્યાં.

રાહુલના સાગરીતોએ પોલીસ સ્ટેશને પણ અંજલિ વિરુદ્ધ સૂત્રો પોકારીને વાતાવરણ ગજવી મૂક્યું. વાલીઓ અને નેતાઓના દબાણને વશ થઈને, પોલીસ અધિકારીએ ફરીથી અંજલિને ફરિયાદ ન કરવા માટે સમજાવી. પરંતુ, અંજલિએ પોતાની મક્કમતા જાળવી રાખી. એ મક્કમતાએ પોલીસ અધિકારીને કાયદેસર કાર્યવાહી કરવા મજબૂર કર્યા. રાહુલ અને એના સાગરીતો વિરુદ્ધ ગુનો નોંધાયો.

બીજા દિવસના અખબારમાં આ ઘટના તમતમતા સમાચાર રૂપે પ્રગટ થઈ. રાહુલની નેતાગીરીમાં ઘોબો પડી ગયો. જ્યારે અંજલિ ‘ડીજેની દુશમન’ તરીકે છવાઈ ગઈ.

કૉલેજના સત્તાધીશોને અંજલિનું પરાક્રમ માફક ન આવ્યું. કૉલેજમાં પોલીસની દખલગીરી કરાવવા બદલ, ઉપકુલપતિશ્રી રમાકાંત જાની તરફથી એને ઠપકો મળ્યો ત્યારે એણે પોતાના બચાવમાં કહ્યું કેઃ ‘સર, આપનું ખરેખર શું માનવું છે? ઉજવણી માટે કૉલેજના મેદાનમાં ડીજે વગાડવું જરૂરી છે? એ પણ કલાસ ચાલતા હોય ત્યારે? બીજાંને ત્રાસ ન થાય એ રીતે ઉજવણી ન થઈ શકે? આવા તમાશા રોકવાની ફરજ કોઈકે તો બજાવવી પડેને? આપ લાચાર હતા એટલે મેં એ ફરજ બજાવી છે. આપ ચાહો તો મારા પર પગલાં લઈ શકો છો, અને જો એમ થશે તો હું આપની સામે પણ લડીશ.’

‘જિદ્દી છોકરી, તું કેટલાની સામે લડીશ અને ક્યા સુધી લડીશ?’ રમાકાંતે વહાલથી પૂછ્યું.

‘સર, જ્યાં સુધી મને મારો અંતરાત્મા સાથ આપશે ત્યાં સુધી હું જેટલાની સામે લડવું પડે એટલાની સામે લડીશ.’ અંજલિએ પૂરા આત્મવિશ્વાસથી જવાબ આપ્યો.

રમાકાંતને પાસે એને આશીર્વાદ આપવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો.

રાહુલ પાસે અંજલિને પાઠ ભણાવવા માટે મોકાની રાહ જોવા સિવાય વિકલ્પ નહોતો.

પરંતુ, એને એ મોકો મળે એ પહેલાં અંજલિએ કૉલેજ જ નહીં, શહેર પણ છોડી દીધું. એના પપ્પાની મુંબઈ બદલી થવાથી એને પણ મુંબઈ જવું પડ્યું.

જતાં પહેલાં એ રાહુલને મળી અને બોલીઃ ‘બાય રાહુલ, જઉં છું. આપણી વચ્ચે જે તકરાર થઈ એ ભૂલી જજે. વિશ યુ બેસ્ટ લક.’

‘એ ભૂલી જવાય એવી વાત નથી. એ તો ત્યાં સુધી યાદ રહેશે જ્યાં સુધી આપણો હિસાબ ચૂકતે નહીં થાય.’ રાહુલે કડવાશ છોડીથી કહ્યું.

‘ઓકે...વાંધો નહીં. મને પણ હિસાબ સરભર કરવામાં મજા પડશે.’ અંજલિ બેફિકરાઈથી હસી અને વટપૂર્વક ત્યાંથી ચાલી ગઈ.

ૂૂૂ

પાંચ વર્ષો પછી...

ઢિંક ચિકા ઢિંક ચિકા ઢિંક ચિકા ઢિંક ચિકા રે એ એ એ ...

‘દીકરા, આ અવાજ સહન નથી થતો.’ જમનાદાસે રાહુલને કહ્યું. એમના અવાજમાં પીડા હતી.

‘પપ્પા, કોઈનાં લગ્નનો વરઘોડો નીકળ્યો છે હમણાં જતો રહેશે.’ રાહુલે કહ્યું.

‘જતો તો રહેશે. પણ એ પહેલા મારો જીવ જતો રહેશે.’

‘શું કરીએ? કોઈને વરઘોડો કાઢવાની નાતો ન પડાયને?’

‘આવા વરઘોડા હોય? આટલો અવાજ! મારું હ્‌રદય બેસી જશે.’

‘ડીજે વગાડે છે એટલે અવાજ તો થવાનો, પપ્પા.’

‘એમને ના પાડ જા. કહેજે કે હાર્ટપેશન્ટને તકલીફ થાય છે.’

રાહુલ ઘરના દરવાજે જઈને જોયું તો વરઘોડામાં છોકરાઓનું એક ટોળું પૂરી મસ્તીથી નાચી રહ્યું હતું. ટ્રાફિક પણ જામ થઈ ગયો હતો એટલે વાહનોનાં હોર્ન પણ સતત વાગવા લાગ્યાં હતાં. જમનાદાસ જેવા લોકો કે જેમણે હદયનાં ઓપરેશન કરાવ્યાં હોય એમના માટે તો ભારે જોખમી વાતાવરણ હતું.

‘પ્લીઝ, આવાજ ઓછો કરો. મારા પપ્પા હાર્ટના પેશન્ટ છે. થોડા દિવસો પહેલાં જ ઓપરેશન કરાવ્યું છે.’ રાહુલે વરઘોડાની આગળ રહેલા એક વડીલને કહ્યું.

એ વડીલ નાચી રહેલા છોકરાઓની પાસે ગયા. પરંતુ એમની વાત જાણે કે કોઈના કાને પડી જ નહિ. એ ફરીથી કહેવા ગયા ત્યાં તો નાચી રહેલા એક છોકરાનો ધક્કો વાગ્યો અને એ બિચારા પડતાં પડતાં બચ્યા.

લાચાર વડીલે રાહુલ પાસે આવીને આશ્વાસન આપ્યુંઃ ’ થોડી વારમાં આગળ વધી જશે. નહિ વાર લાગે.’

‘અરે પણ! મારા પપ્પાથી આ અવાજ સહન નથી થતો.’ રાહુલે કહ્યું.

‘તો તમે જઈને વાત કરો. કદાચ તમારું માને.’ વડીલે સલાહ આપી.

રાહુલ ગુસ્સે થઈને, નાચી રહેલા છોકરાઓ પાસે પહોંચ્યો.

‘ડીજેનો આવાજ ધીમો રાખો.’ એણે મોટેથી કહ્યું.

‘કેમ?’ એક છોકરાએ ઊભા રહીને પૂછ્યું.

‘અમને તકલીફ થાય છે. ઘરમાં બીમાર માણસ છે.’

‘બીમાર હોય તો દવાખાને લઈ જાવ. ડીજે તો વાગશે જ. તમારે લીધે અમારે મજા નહિ કરવાની?’ એ છોકરો મજાકમાં હસ્યો અને ફરીથી નાચવા લાગ્યો.

રાહુલ ડીજે વગાડનાર પાસે પહોંચ્યો તો ત્યાં પણ બે છોકરાઓ પહોંચી ગયા અને ડીજે વગાડનારને અવાજ ઓછો ન કરવા અગાઉથી જ કહી દીધું.

ઢિંક ચિકા ઢિંક ચિકા ઢિંક ચિકા ઢિંક ચિકા રે એ એ એ ...

ગીત વાગતું રહ્યું.... રાહુલની વાત કોઈએ સાંભળી નહિ. એ અપમાનિત અને લાચાર દશામાં ઊભો રહ્યો... વરઘોડો જરા પણ આગળ વધતો ન હતો. અવાજ જરા પણ ધીમો થતો ન હતો. ટ્રાફિક વધારે જામ થતો જતો હતો. હોર્નના અવાજો પણ વધતા જતા હતા. રાહુલની અકળામણ વધતી જતી હતી.

કૉલેજનો અભ્યાસ પૂરો થયા પછી એણે જમનાદાસનો ધંધો સંભાળ્યો હતો. રાજકારણનાં ક્ષેત્રમા કટ્ટર હરીફાઈને કારણે એનો ગજ વાગ્યો નહોતો. અત્યારે ઊભી થયેલી સમસ્યા માટે એને કોઈ રાજકીય નેતા તાત્કાલિક મદદ કરે એમ નહોતો. પોલીસને ફોન કરવાથી પણ ડીજેનો અવાજ તાત્કાલિક બંધ થાય એમ નહોતો.

રાહુલને થયું કે, ‘એક વખત પપ્પા પાસે જઈ આવું. જો માને તો એમના કાનમાં રૂનાં પૂમડાં નાખી દઉં.’ એ ઘરના દરવાજે પહોંચ્યો અને...

સાવ અચાનક જ ડીજે વાગતું બંધ થઈ ગયું! નાચનારાઓના હાથપગ થંભી ગયા. એમના હાથપગની ચંચળતા જાણે કે ડીજે પર જ આધારિત હતી. સર્વત્ર શાંતિ વ્યાપી ગઈ!

રાહુલ રાહતના શ્વાસો લેતો દરવાજે જ ઊભો રહી ગયો.

‘શું થયું?.. શું થયું?’ના સવાલો થવા લાગ્યા. ડીજેમાં ગરબડ થઈ હોવાના અનુમાનો થવા લાગ્યાં. ડીજેની આસપાસ ટોળું થઈ ગયું. હોહા વધવા લાગી. ઝઘડો થયો હોય એવું વાતાવરણ થઈ ગયું.

રાહુલ કુતૂહલથી ટોળામાં ભળ્યો અને એણે કોઈની ત્રાડ સાંભળી... ‘તમને લોકોને આટલા મોટા અવાજે ડીજે વગાડતાં શરમ નથી આવતી? એટલો તો વિચાર કરો કે, અહિંયા બીજા લોકો રહે છે. એમાં કોઈનો અભ્યાસ ચાલતો હોય, કોઈ બીમાર હોય, કોઈનાથી વધારે અવાજ સહન ન થતો હોય... એ બધું નહિ વિચારવાનું? બસ, તમારા આનંદ ખાતર બીજાની પરવા જ નહિ કરવાની? ઘોંઘાટને તો તમે પોલ્યુશન ગણતા જ નથી! ગમે તે થાય હું અહીં ડીજે નહિ વગાડવા દઉં.’

રાહુલના મનમાં એક ચમકારો થયો કે, ‘આ અવાજ તો ક્યારેક સાંભળેલો છે! કદાચ...’

એ ટોળાને વીંધીને આગળ પહોંચ્યો. અને, એણે જોયું તો એની ધારણા સાચી પડી!

ડીજેનો ખેંચેલો પ્લગ હાથમાં લઈને રણચંડી સમાન અંજલિ ઊભી હતી.

પાંચ વર્ષો પહેલાં જોઈ હતી એવી જ આક્રમક અને એવી જ તેજસ્વી મુદ્રામાં!

[સમાપ્ત]

૧૩. શિકાર

ભૂપતરાયે જ્યારે જ્યારે શરદભાઈને ફોન કરીને ક પાછો આપવાની વાત કરી હતી ત્યારે ત્યારે શરદભાઈએ ઑફિસે નહિ આવી શકવાનું કોઈને કોઈ બહાનું કાઢ્યું હતું. ઉપરથી એ મતલબની શિખામણ આપવાનું પણ નહોતા ભૂલ્યા કેઃ ‘તમને ફલેટ મળી ગયોને ભલા માણસ, નિરાંતે રહોને. તમારો ચેક પાછો મળી જશે. વિશ્વાસ રાખો.’

છ છ મહિના સુધી ધીરજ રાખ્યા પછી આજે એમની ચિંતાનો જે અંત આવવાનો હતો એ ન આવ્યો. ઘેરથી ઉતાવળે ભાગ્યાનો, બસની રાહ જોયાનો, ધક્કામુક્કી સહન કરીને બસમાં ચડ્યાનો, બસમાં હડદોલા ખાધાનો, બસમાંથી ઉતરીને શરદભાઈની ઑફિસે ઝડપથી પહોંચ્યાનો.. એ બધો જ થાક હવે એમને સામટો લાગ્યો.

એમણે ગજવામાંથી મોબાઈલ કાઢીને શરદભાઈને ફોન લગાડ્યો. ‘હલો.. શરદભાઈ, હું ભૂપતરાય બોલું છું. તમારી ઑફિસે આવી ગયો છુ.’

‘અરે ભૂપતરાય! હું અત્યારે હોસ્પિટલમાં છુ. મારા કાકાને દાખલ કર્યા છે. કલાક પછી મળીશ.’ શરદભાઈએ પોતાના આગવા અને આકરા અવાજે કહ્યું.

‘ચોક્કસ?’ ભૂપતરાયનો એ સવાલ સાંભળ્યા પહેલાં જ શરદભાઈએ ફોન બંધ કરી દીધો.

એમણે ફલેટ નોંધાવ્યો ત્યારે શરદભાઈએ ફલેટના જરૂરી દસ્તાવેજ આપતાં પહેલાં બાકી રકમનો એક ચેક આગોતરા લઈ લીધો હતો મોટાભાગના બિલ્ડર પોતાની સલામતી માટે આવું કરતા હોય છે. પૂરી રકમ મળી જાય પછી એ ગ્રાહકની નજર સામે ફાડી નાખતા હોય છે અથવા તો પરત આપી દેતા હોય છે. આમ તો આ એક સામાન્ય વાત કહેવાય. પરંતુ, ભૂપતરાય જેવા સરળ માણસ માટે આ એક અસામાન્ય વાત હતી.

એક કલાક સુધી બિલ્ડરની ઓફિસના બંધ દરવાજે ઊભા રહેવું ઠીક ન લાગવાથી ભૂપતરાય ત્યાંથી ચાલવા લાગ્યા. ક્યા જવું એ નક્કી નહોતું. શું કરવું એ નક્કી નહોતું. નક્કી માત્ર એટલું હતું કે, એક કલાકનો સમય ગમે ત્યાં અને ગમે તે રીતે પસાર કરવાનો છે.

શેરીની બહાર નીકળીને ટાવરરોડ પર, ટાવરની બિલકુલ સામે, રસ્તાની એક બાજુએ ઊભા રહી ગયા. એક જમાનામાં જેનો વટ પડતો હતો, જેની ઘડિયાળના સમય સાથે નગરજનો પોતાની ઘડિયાળનો સમય મેળવતા હતા એ ટાવર તરફ આજે, બંદુકમાંથી છૂટેલી ગોળીની જેમ ભાગતા લોકોમાંથી કોઈ એકાદ નજર પણ નહોતું નાખતું. ભૂપતરાયને ટાવર પણ પોતાની માફક નિમાણો થઈને ઊભેલો લાગ્યો.

‘મોટાભાઈ હટો. મારી રોજની જગ્યા છે.’ બૂમ સાંભળીને ભૂપતરાય ચોંક્યા. જોયું તો સોડાની લારીવાળો એમને હટાવવા માટે અધીરો થઈ રહ્યો હતો. ભૂપતરાય ત્યાંથી ઝડપથી ન ખસ્યા હોત તો લારી એમની સાથે અથડાઈ ગઈ હોત.

‘કોઈએ બે ઘડી ઊભા રહેવા જેટલી જગ્યા પણ બાકી રહેવા નથી દીધી. વેપારીઓ, દલાલો, બિલ્ડરો, ભિખારીઓ; એ બધાએ શહેરની તસુએ તસુ જમીન દબાવી દીધી છે.’ કોઈ કટારલેખકના વિચારો જેવા વિચારો કરતાં કરતાં ભૂપતરાય આગળ ચાલ્યા.

‘સૂર્યનારાયણ બાગ’ આવ્યો. ભૂપતરાય બાગના દરવાજે ઊભા રહી ગયા. પોતે છેલ્લે ક્યારે આ બાગમાં આવ્યા હતા, એ દિવસ યાદ કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ એમને કોઈ ચોક્કસ દિવસ યાદ ન આવ્યો. માત્ર એટલું યાદ આવ્યું કે, નોકરીમાં બદલી થવાથી પોતે આ શહેરમાં રહેવા આવ્યા ત્યારે; શરૂશરૂમાં દર રવિવારે સાંજે પત્ની રમા સાથે જુદા જુદા બાગમાં બેસવા જતા. એમાં ક્યારેક ક્યારેક ‘સૂર્યનારાયણ બાગ’નો પણ વારો આવતો. બાગમાં તેઓ, ક્યારેક ‘બાલુભાઈનાં ખમણ’ તો ક્યારેક ‘જગદીશનો ચેવડો’ લઈને આવતાં.

અનાયાસે જ ભૂપતરાય બાગમાં પ્રવેશી ગયા. એમને કોઈ જૂનો ભાઈબંધ વર્ષો પછી જોવા મળ્યો હોય એવી લાગણી થઈ. બાગમાં ખાલી બાંકડા જોઈને એમના મનને ઘણું સારું લાગ્યું. નવાઈ પણ લાગી કે, વેપારધંધાથી ધમધમતા આ શહેરની વચ્ચે નિરાંતે બે ઘડી બેસાય એવી જગ્યા હજી પણ જળવાઈ રહી છે. એ પણ મફતમાં બેસાય એવી!

‘અહીં સુધી આવ્યો છું તો પહેલાં મંદિરમાં જઈને સૂર્યનારાયણના દર્શન કરી લઉં પછી નિરાંતે બેસું.’ એવી ગણતરી સાથે એ સૂર્યનારાયણના મંદિર તરફ આગળ વધ્યા. ‘સારું છે કે, કોઈ બિલ્ડરે સૂર્યનારાયણનું મંદિર વેચાતું નથી લઈ લીધું. નહિ તો સૂર્યનારાયણ ભગવાન માટે સો ચોરસફૂટ જેટલી જગ્યા રાખીને બાકીની જગ્યામાં દુકાનો ઊભી કરી દીધી હોત.’ ભૂપતરાયને મંદિરના પગથિયાં ચડતા ચડતા વિચાર આવ્યો. ‘સ્વપ્નભૂમિ’ કૉમ્પ્લેક્સમાંનો પોતાનો ફલેટ પણ યાદ આવ્યો કે જેમાં; ઓરડા, રસોડું, બાથરૂમ, ટૉઇલિટ, ગૅલરી વગેરે બધું જ સાંકડું સાંકડું હતું. વળી, એ પણ ખાસ યાદ આવ્યું કે, ઉનાળામાં તો ફલેટ જાણે ભઠ્ઠીમાં ફેરવાઈ જતો હતો.

ભૂપતરાય સૂર્યનારાયણને બે હાથ જોડીને પ્રાર્થના કરવા લાગ્યાઃ ‘હે દેવ, ઉનાળામાં બહુ આકરા ન થાવ તો સારું. હવે તો શિયાળા અને ચોમાસાં ટૂંકાં થતાં જાય છે. બારમાંથી આઠ મહિના તો ગરમીના જ હોય છે. ઘેર ઘેર એસી બેસવા લાગ્યાં છે. પણ, મને એસી માફક ન આવે. ગમેતેમ તોય પરંપરાનો માણસ છું. મારું જીવનધોરણ તો તમારી કૃપા પર નિર્ભર છે. દેવ, માપસર તડકોછાંયો આપજો. બીજુ તો શું માંગુ?’

ભૂપતરાયની પ્રાર્થના પૂરી થવાની અણી પર હતી ત્યાંતો, પોતાનામાં આખો સૈકો સાચવીને જીવતી હોય એવી એક ડોશી પૂજા કરવા આવી. ભૂપતરાયને એ ડોશીના ચહેરા પરની કરચલીઓ જોઈને શહેરના જૂના રસ્તાઓ સાંભરી આવ્યા. ડોશી સૂર્યનારાયણની ભાવપૂર્વક પૂજા કરવા લાગી. પરંપરાથી છલકાતી પૂજાવિધિ નિહાળીને ભૂપતરાયને પ્રસન્નતાનો અનુભવ થયો.

શહેરની જૂની ગલીઓના સંભારણાં પ્રસાદ રૂપે લઈને ભૂપતરાય મંદિરના પગથિયાં ઊતર્યા. બાગમાં પ્રવેશતી વખતે એમણે જે બાંકડા ખાલી જોયા હતા, એ હવે ભરાઈ ગયા હતા. ખાલી બાંકડાની તરસ સાથે એ બાગમાં લટાર મારવા લાગ્યા. કોકિલના ટહુકા એમના ચિત્તની પ્રસન્નતામાં વધારો કરવા લાગ્યા.

એક બાંકડા પર કોઈ સાધુ બેઠો હતો. ‘આ બાગમાં પ્રવેશવાથી મને તો શાંતિનો અનુભવ થાય છે તો સાધુને કેવું લાગતું હશે?’ એવા વિચાર સાથે એમણે સાધુના ચહેરા તરફ નજર નાખી. સંસાર છોડ્યા છતાં સાધુના ચહેરા પર સંસારનો ભાર હોય એવું એમને લાગ્યું. ‘એ ભૂતકાળની સ્મૃતિઓમાં ખોવાયો પણ હોય!’ ભૂપતરાયે ચાલતાં ચાલતાં જ ધારણા બાંધી. ‘દરેક માણસનું મન એક પાણિયારું છે!..’ એમનું મન ચિંતને ચડ્યું. ‘એ પાણિયારે સ્મૃતિઓથી સદાય છલોછલ રહેતું એક માટલું હોય છે. જેમાંથી સતત સ્મૃતિઓ ટપક્યા કરે છે. ટપક... ટપક...ટપક.’ એમને પોતાનું ગામડું, ઘર, ઓસરી,પાણિયારું, માટલું અને માટલામાંથી ટપકતાં પાણીનાં ટીપાં સાંભર્યાં. ટપક! ટપક! ટપક!

બીજા એક બાંકડા પર, રંગબેરંગી ફૂગ્ગા વેચનારી એક બાઈ પોતાની નાની છોકરીને ખવડાવતી હતી. એની બાજુમાં લાકડીએ બાંધેલા ફૂગ્ગાઓ ગરીબ માદીકરીની જિંદગીની રંગીનતાને જોઈ રહ્યા હતા. નકારાત્મક ભાવ ધરાવતો હોય તેવો એક ફૂગ્ગો જાણે કે, માદીકરીની ગરીબી સહન ન થઈ શકી હોય એમ મૂરઝાઈ ગયો હતો. ભૂપતરાયને બાળપણનો પોતાનો ફૂગ્ગાપ્રેમ સાંભરી આવ્યો. જ્યારે જ્યારે ફૂગ્ગો ફૂટતો ત્યારે ત્યારે જે દુઃખનો અનુભવ થતો એ દુઃખ તાજું થયું.

જેનું પોતાનું જ વજન ઘટી ગયું હોય એવો એક દુબળોપાતળો માણસ પડખામાં વજનકાંટો લઈને છાંયડામાં આડો પડ્યો હતો. ભૂપતરાયને એ અને એનો વજનકાંટો બંને થાકેલા લાગ્યા. એમને પોતાનું એક કિલો ઘટેલું વજન યાદ આવ્યું. ‘જેટલો ખોરાક લેવાય એટલો લો તો તમારું વજન વધશે.’ ભૂપતરાયને ફેમિલી ડૉકટરની એ સલાહ પણ યાદ આવી ગઈ. પોતે જવાબમાં કહ્યું હતું કે, ‘સાહેબ, ગમે એટલું ખાઉં તો પણ વજન વધતું નથી.’ ડોકટરે હસતાં હસતાં આશ્વાસન આપ્યું હતું કે, ‘ચિંતા છોડી દેવાની. હવે તો તમારો દીકરો અમેરિકા પહોંચી ગયો છે.પછી શાની ચિંતા?’... ‘દીકરો અમેરિકા પહોંચી ગયો એ જ તો ચિંતા છે.’ પોતે પણ ડૉકટરને મજાકમાં જવાબ આપ્યો હતો.

છેવટે બે ખાલી બાંકડા દેખાયા. એક બાંકડા પર ભૂપતરાય નિરાંતે સાથે બેઠા. બેસતાંની સાથે જ, એમની નજર બાગમાં આંટા મારી રહેલી એક યુવતી પર પડી. યુવતીના કાને મોબાઈલ હતો. એ આંટા મારતાં મારતાં જ કોઈની સાથે વાતો કરી રહી હતી. મોબાઈલ જોઈને ભૂપતરાયને પોતાના મોબાઈલના હોવાનું વજૂદ સાંભર્યું. એમણે ઘેર રમાને ફોન કરીને ‘આવવામાં મોડું થશે’ એવી ખબર આપી દીધી.

પરંતુ, પેલી યુવતીની વાતો તો ખૂટતી જ નહોતી. સામેની વ્યક્તિને દેખાતું હોય એમ એ હાથના હાવભાવ સાથે વાતો કરતી હતી. આસપાસની દુનિયાની એને કશી જ પરવા ન હતી. ભૂપતરાયને પોતાની સગાઈ વખતના દિવસો યાદ આવ્યા; કે જે દિવસોમાં મોબાઈલ નહોતા અને રમાનો ફોન લાગવામાં કલાકો નીકળી જતા. ક્યારેક તો કલાકો પછી પણ ન લાગતો.

થોડેક જ દૂરના ખાલી બાંકડા પર, જેના માથે વહેલાસર ટાલ પડવાની શરૂઆત થઈ ગઈ હોય હોય એવો, કાને મોબાઈલ સાથેનો એક યુવાન આવીને બેસી ગયો. ભૂપતરાય ચોર નજરે એના તરફ જોવા લાગ્યા. એ અકળાયેલો જણાતો હતો. વળી, એનો અવાજ એટલો મોટો હતો કે, ભૂપતરાયને એના શબ્દો ચોખ્ખા સંભળાતા હતા. એ કોઈને રીઝવતો હતો. ‘હલો.. સર, હું આદર્શ બેન્કમાંથી વિકાસ બોલું છું. સર, અમારી બેન્કે એક નવી મેડિકલ પોલિસી ‘સુંદર જિંદગી’ લોન્ચ કરી છે. આ પોલિસી એવી છે કે.... શું કહો છો?... આપને રસ નથી? સર, પહેલાં પોલિસી તો સમજો. સમજ્યા વગર જ... ’ સામેથી ફોન બંધ થઈ ગયો હોવાથી એ નારાજ થઈને બબડ્યો, ‘લોકો પૂરી વાત સાંભળતા પણ નથી.’

હવે, એણે પોતાની પાસે રહેલી બેગમાંથી એક ડાયરી કાઢી. એમાં જોઈને બીજા એક નંબર પર ફોન લગાડ્યો. ‘હલો.. બહેનજી. હું આદર્શ બેન્કમાંથી વિકાસ બોલું છું. હું મુકેશ અમીન સાથે વાત કરી શકું? .... બહાર ગયા છે? એમનો મોબાઈલ નંબર આપશો?... નથી ખબર? સારું, હું પછી ફોન કરીશ. એ ક્યારે આવશે એ કહી શકો? ... નક્કી નહીં? ભલે. હું કાલે ફોન કરીશ.’ એની નારાજગી વધી ગઈ. એ ડાયરીમાંથી જોઈને ફરી કોઈ નંબર પર ફોન કરવા લાગ્યો.

બાગમાં બેસીને ‘બેન્કમાંથી બોલું છું’ એવું કહેનારા એ યુવાનની હરકતો જોઈને ભૂપતરાયને, ભર બપોરે પોતાના ફોન પર આરામના સમયે આવતા ફોન સાંભર્યા. પહેલાં તો પોતે દરેક ફોન વખતે ધ્યાનથી બધું સાંભળતા અને સાચા જવાબો આપતા. ‘લેવાં જેવી પોલિસીઓ લઈ લીધી છે. હવે મારી પાસે ફંડ નથી.’ એવી ચોખવટ પણ કરતા. પરંતુ, અનુભવે એમને સમજાઈ ગયું હતું કે, આ જમાત તો બહુ લપળી છે. એમને તો ‘નો ઇન્ટરેસ્ટ’ કહીને ઊગતી જ ટાળવાની હોય. છતાંય ઘણી વખત તો એવા ફોનથી પીછો છોડાવવામાં એમને ભગવાન યાદ આવી જતા.

યુવાનની સંપર્કયાત્રા વણથંભી હતી. ‘હલો..શૈલેશ માધવાણી? ...સર, હું આદર્શ બેન્કમાંથી વિકાસ બોલું છું. સર, આપ મને પાંચ મિનિટનો સમય આપો તો હું અમારી બેન્કની નવી મેડિકલ પોલિસી વિષે આપને જવાવવા માંગુ છું. ... ઓહ સોરી! આપ દવાખાનામાં દાખલ થયા છો તો સર, હું જાણી શકું કે આપની પાસે કોઈ મેડિકલ પોલિસી છે કે નહિ? ... પૂરતી છે... એ વાત બરાબર છે છતાં અમારી આ પોલિસી ખૂબ જ ફાયદાકારક છે. .. ઓકે સર. જ્યારે જરૂર લાગે ત્યારે મારો કોન્ટેક્ટ કરજો. થેન્ક્યુ સર.’

‘......જયસુખભાઈ, આ ‘સુંદર જિંદગી’ પોલીસીમાં આપે દર વર્ષે ફક્ત પચીસ હજાર રૂપિયા રોકવાના છે. એ ફક્ત પાંચ વર્ષ સુધી જ રોકવાના છે. સર, પાંચ વર્ષમાં આપ કુલ એક લાખ પચીસ હજાર રોકશો. બરાબર? પાંચ વર્ષ પછી આપને ઇન્ટરેસ્ટ સાથે બે લાખ રૂપિયા પાછા મળી જશે. એટલું જ નહિ સર, બેંક તરફથી આપને બે લાખની વીમા સુરક્ષા પણ મળશે. એ પણ પૂરાં દસ વર્ષ સુધી. સર, આ સ્કીમ ટૂંક સમય માટે જ છે. હું આપને ત્યાં આવીને આજે જ ફોર્મ ભરાવી શકું? હલો સર, .. આપની નોકરી છૂટી ગઈ છે?. ઓહ! સોરી સર!..’

હાર્યો જુગારી બમણું રમે એમ એ યુવાન ડાયરીમાં જોઈ જોઈને જુદા જુદા નંબર પર ફોન કરતો રહ્યો. ભૂપતરાય એને છૂપી નજરે જોતા રહ્યા. એમને એ યુવાનના પ્રયાસો જોઈને ‘કરતાં જાળ કરોળિયો..’ કવિતા સાંભરી ગઈ. જે ગામની નિશાળમાં ચુનીલાલ માસ્તર મોટે અવાજે ગવડાવતા.

યુવાનની નિરાશા હવે ભૂપતરાય માટે પણ અસહ્ય બનવા લાગી. ‘હું જો કરોડપતિ હોત તો આવા કેટલાંય છોકરાઓ પાસે પોલિસીઓ ઊતરાવી ઊતરાવીને એમના ટાર્ગેટ પૂરા કરી દેત.’ એ વિચાર આવતાની સાથે જ એમને એ કહેવત પણ યાદ આવી ગઈ કેઃ ‘વો દિન કહાં કિ મિયાંકે પાંવમે જૂતી!’

‘કેમ? કોઈ શિકાર મળ્યો કે નહિ?’ એ યુવાનની પાસે આવીને એક માણસે પૂછ્યું. એ માણસ યુવાન કરતાં ઉમરમાં મોટો દેખાતો હતો. ભૂપતરાયને ખ્યાલ આવી ગયો કે એ બંને એક જ ડાળનાં પંખી છે.

‘કોઈ મંડાતું જ નથી. સાલો, આજનો દિવસ જ બેકાર છે.’ યુવાને જવાબ આપ્યો.

‘ચાલ, ચા પીવડાવી દે. પછી ચમત્કાર થશે. કોઈને કોઈ તો મંડાઈ જશે.’

‘હું ચા પીવડાવું? ટાર્ગેટ તો તારો પૂરો થયો છે.‘

‘ટાર્ગેટ એમનમ નથી થયો દોસ્ત. મહેનત કરી છે.’

‘મહેનત તો હું પણ ક્યા નથી કરતો? કોઈ મળવા પણ તૈયાર નથી થતું. સાલી, આ તે જિંદગી છે?’

‘અરે યાર! આવી ફાલતુ વાત કરે છે? ટ્રાય ચાલુ રાખ. કોઈ તો તૈયાર થશે જ.’

‘નથી થતું યાર. તું મને સારા કોન્ટેકટ્‌સ આપને.’

‘આપ્યા તો ખરા. કેટલા આપવાના? તું બધા સાથે વાત કરને. સારી રીતે સમજાવ.‘

‘બધું કરું છું. હવે આ થોડા નંબર બાકી રહ્યા છે. હું ટ્રાય કરી લઉં. પછી ચાની લારી પર જઈએ.’

‘તું ટ્રાય કરીને આવ. હું લારી પર તારી રાહ જોઉં છું.’ એવું કહીને એ માણસ રવાના થયો.

‘હલો.. સર, ..’ યુવાને ફરીથી પ્રયાસો શરૂ કર્યા.

સામેથી ફોન બંધ થતા રહ્યા. એ યુવાન અકળાતો રહ્યો. બાગનું રળિયામણું વાતાવરણ, કોકિલના ટહુકા, મંદિરનો ઘંટારવ, યુવતીના લટકાઝટકા એ કશું જ એને રાહત આપનારું નહોતું. એ કશાંમાં એનું ચિત્ત પણ નહોતું.

યુવાનના ધમપછાડા જોઈને ભૂપતરાયનું મન ચિંતને ચડ્યું. ‘આ દુનીયા પણ એક જંગલ જેવી જ છે. જેમાં દરેક જણ શિકારની શોધમાં છે. જેવી જેની શક્તિ! કોઈ નાનો શિકાર શોધે તો કોઈ મોટો.’

ભૂપતરાયનું ચિંતન આગળ વધે એ પહેલાં એમના મોબાઈલમાં રિંગ વાગી. એમણે ગજવામાંથી મોબાઈલ કાઢીને મોબાઈલ સ્ક્રિન પર એક નજર નાખી. નંબર અજાણ્યો લાગ્યો.

‘હલો..’ એમણે ફોન અટેન્ડ કરતાં કહ્યું.

‘હલો.. સર, હું આદર્શ બેન્કમાંથી બોલું છું. આપ કોણ ભૂપતરાય બોલી રહ્યા છો?’ સામેથી અવાજ આવ્યો.

[સમાપ્ત]

૧૪. ‘પિયરિયાં

‘મેહુલ, આજે તું ઑફિસેથી વહેલો આવી શકે?’ સ્વાતિએ પૂછ્યું.

‘કેમ?’

‘આજે રાત્રે આઠ વાગે ટાઉનહદ્વહૉલમા કવિ સંમેલન છે. સારા સારા કવિઓ આવવાના છે. તું આવતો હોય તો જઈએ.’

દર વખતે કવિતા, નાટક કે સાહિત્યનું નામ પડે ને જે રીતે મેહુલને હસવું આવતું, એવું આ વખતે પણ આવ્યું. હસતાં હસતાં એ બોલ્યો : ‘કવિઓ સાલા કલ્પનાની દુનિયામાંથી બહાર નથી આવતા. એમને બીજો કામધંધો નહિ હોય.’

‘મેહુલ, ન જવું હોય તો મને વાંધો નથી. પણ આમ કોઈને ઉતારી પાડવું એ ઠીક નથી.’

‘લે, તું તો નારાજ થઈ ગઈ. મેં જાણે તારાં પિયરિયાંને ઉતારી પાડ્યાં હોય એવી વાત કરે છે.’

સ્વાતિ દર વખતની જેમ ચૂપ થઈ ગઈ. પરંતુ, મનોમન મેહુલને સવાલો કર્યા વગર ન રહી શકી. ‘મેહુલ, આ મારાં પિયરિયાંને ઉતારી પાડવા જેવું નથી? પિયરિયાં એટલે શું માત્ર મારાં માતાપિતા, ભાઈબહેન કે કાકાકાકી, મામામામી વગેરે જ? લગ્ન પહેલાંની મારી આદતો, મારી મનગમતી પ્રવૃત્તિઓ, મારા રસના વિષયો... એ બધાં મારાં પિયરિયાં નહિ? જે કવિઓની કવિતાઓએ મને પ્રેમ કરતાં શીખવ્યું, સપનાં જોતાં શીખવ્યું, એકલાં એકલાં મરકતાં શીખવ્યું, એકલાં એકલાં રડતાં શીખવ્યું... એ કવિઓ મારાં પિયરિયાં નહિ? આજે હું જે કાંઈ છું, જેવી છું... એમાં મારાં માતાપિતા, મારા શિક્ષકોની સાથેસાથે આ કવિઓનો પણ ફાળો છે એ હું તને કેમ સમજાવું? તારી પાસે એ સમજવા લાયક દિલ જ નથી તો!’

...સ્વાતિ મેહુલ માટે ટિફિન તૈયાર કરવાના કામે લાગી. મેહુલ ઓફિસે જવાની તૈયારીમાં લાગ્યો. પરંતુ, વાતાવરણ ઉદાસીના ઘેરા રંગે રંગાઈ ગયું હતું.

ઑફિસે જતી વખતે મેહુલે વાતાવરણને હળવા બનાવવાના ઇરાદે કહ્યું, ‘સશ્રાસૉરી સ્વાતિ, તું જાણે છે ને કે હું પહેલેથી જ પ્રેક્ટિકલ છું. મને હવે આવા કલ્પનાના ઘોડા દોડાવવા ગમતા નથી. કામ બહુ રહે છે. જવાબદારીઓ પણ બહુ છે. આપણે અંશના ભવિષ્યનો પણ વિચાર કરવો પડે. એને હજુ વધારે સારી હોસ્ટેલમાં મૂકવો છે. વધારે ભણાવીને વિદેશ મોકલવો છે...’

સ્વાતિનું મૌન તૂટ્યું નહિ.

મેહુલે વાતાવરણને હળવું બનાવવાનો પ્રયાસ ચાલુ રાખ્યો. ‘સ્વાતિ, જો તને કવિતા, નાટક, વાર્તા એ બધાંનો શોખ છે તો ટીવીમાં બધું આવે જ છેને? હવે તો નેટ પર પણ બધું જ મળી જાય છે.’

’ મેહુલ, નેટ પર તો રોટીશાક પણ હોય છે પણ એનાથી પેટ નથી ભરાતું. આપણે એ બનાવવાં પડે છેને? ટીવીમાં લીલાંછમ ઝાડ પણ હોય છે પણ એનો છાંયડો આપણને લાગતો નથી. ટીવીનો વરસાદ આપણને ભીંજવતો નથી. પણ વાંધો નહિ. આ કાંઈ બહુ મોટી વાત નથી. ન જઈએ તો ચાલે. આપણી જવાબદારી પહેલાં.’

સ્વાતિએ હસવાનો પ્રયાસ કર્યો. પરંતુ એની ભીની થયેલી આંખો મેહુલથી છાની ન રહી.

‘તને ખુશ રાખવા માટે તો ઊંધું ઘાલીને મહેનત કરું છું તોય તારી આંખોમાં આંસુ! તને શું જોઈએ છે એ જ મને નથી સમજાતું.’ મેહુલનો અવાજ જરા મોટો થઈ ગયો.

‘મને મારો ખોવાયેલો મેહુલ જોઈએ છે. જે નાની નાની વાતોથી પણ ખુશ થતો હતો.’ સ્વાતિ માંડ માંડ બોલી શકી.

‘નાની નાની વાતો!’ મેહુલ મજાકભર્યું હસ્યો અને ઑફિસે જવા નીકળી ગયો.

એકલી પડેલી સ્વાતિ મન મૂકીને રડી. એને લાગ્યું કે, ‘જિંદગી હવે જીવાતી નથી, રોજે રોજ કૉપી-પેસ્ટ થતી હોય એવું લાગે છે. એમાં હવે કશું જ નવું નહિ બને. જે બનવાનું હતું એ બની ગયું. હવે તો રોજ જે બને છે એ તો એકનું એક જ! કવિતા, નાટક, સંગીત, પ્રવાસ .. એ બધાં .વગર જિંદગી અટકી નથી જતી. પરંતુ, એ બધાંને લીધે જિંદગીને ગતિ પણ મળે છે. પણ મેહુલ પાસે આ બધું સમજવા માટે સમય જ નથી. કદાચ, એની જિંદગી ઝડપથી ભાગતી ટ્રેન જેવી છે અને મારી જિંદગી યાર્ડમાં પડેલા ડબ્બા જેવી! ’

એ પલંગમાં પડી પડી વિચારતી રહી.. એની આંખો ઘેરાતી ગઈ....

... મોબાઈલમાં રિંગ વાગી ત્યારે એની આંખો ખૂલી. મેહુલનો ફોન હતો. એણે વાત શરૂ કરતા પહેલાં ઘડિયાળમાં નજર કરી. ચાર વાગવા આવ્યા હતા.

‘હલો, સ્વાતિ, શું કરે છે.’

‘હમણાં જ ઊઠી.’

‘કહું છું કે રિક્ષા કરીને છ વાગે તું સિટીમાં આવી જજે. હું લેવા આવીશ તો મોડું થશે. આપણે લક્ષ્મી હૉલ પાસે ભેગા થઈશું.’

‘પણ કેમ? કશું ખરીદવાનું છે? મારી પાસે ઘણાં કપડાં છે. હવે ...’

‘હું ભેગાં થવાની વાત કરું છું. ખરીદી કરવાની નહિ. હું મૂકું છું. કામમાં છું. આવવાનું ભૂલતી નહિ.’

‘ભલે.’ સ્વાતિએ જવાબ આપ્યો. આપવો પડ્યો.

‘હવે મને મનાવવાના ઇરાદે એકાદ નવી સાડી કે ડ્રેસ અપાવવાની વાત કરશે. પણ એનો શો અર્થ છે! નાની નાની ખુશીઓમાં એને રસ નથી. એની ગણતરીની રીત જ જુદી છે. પણ આજે તો ના જ પાડી દઈશ. મારે કપડાં કે ઘરેણાં ભેગાં નથી કરવાં.’ સ્વાતિને વિચાર આવ્યો.

... એ લક્ષ્મી હૉલ પાસે પહોંચી ત્યારે મેહુલ બાઈક પાર્ક કરીને એની રાહ જોતો ઊભો હતો.

‘મેહુલ, કશી ખરીદી કરવાની છે?’ સ્વાતિએ સાડીની દુકાન તરફ નજર કરતાં બોલી..

‘હા’

‘શું ખરીદવાનું છે?’

‘આ..’ ફૂટપાથ પર બેસીને એક બાઈ માથામાં નાખવાનાં બોરિયાં વેચી રહી હતી, મેહુલે એ તરફ હાથ કર્યો.

‘ઓહ! એની તો મારે ખરેખર જરૂર છે.’ સ્વાતિએ જાણે કે દોટ મૂકી. એ બોરિયાં પસંદ કરવામાં મશગૂલ થઈ ગઈ.

મેહુલ સ્વાતિને ઉકેલતો હોય એમ એને જોઈ રહ્યો.

‘દસ રૂપિયા આપને.’ સ્વાતિએ મેહુલ તરફ જોઈને બોલી.

‘ક્રેડિટ કાર્ડ નહિ ચાલે?’ મેહુલે મજાકમાં પૂછ્યું. સ્વાતિને મેહુલ દ્વારા બહુ વખતે થયેલી મજાક ગમી.

બોરિયાં ખરીદ્યાં પછી મેહુલે સ્વાતિને કપડાંની ખરીદી કરવાની વાત કહી. પરંતુ, સ્વાતિએ ના પાડી.

‘તો ચાલો બજારમાં એકાદ લટાર મારીએ. કદાચ બોરિયાં જેવું સસ્તું બીજું કશું મળી જાય.’ મેહુલે ફરી મજાક કરી.

સ્વાતિએ યાદ કરવા કોશિશ કરી કે,પોતે છેલ્લે ક્યારે આ બજારમાં આવી હતી. ચોક્કસ દિવસ તો યાદ ન આવ્યો પણ પંદરેક વર્ષો પહેલાંના એ દિવસો યાદ આવી ગયા કે જે દિવસોમાં મેહુલનો ધંધો હજી જામ્યો ન હતો, આવક ઓછી હતી અને ખરીદી માટે આ બજારમાં જ આવવું પડતું હતું.

બજાર આજે પણ એવું જ હતું. ચીજોથી અને માણસોથી ઉભરાતું હતું. ગરીબ અને મધ્યમ વર્ગના લોકો; કપડાં,ચંપલ, શણગારની ચીજો, કપ-રકાબી, રમકડાં વગેરેની ખરીદી માટે બજારનો હિસ્સો બન્યા હતા. ફેરિયાઓ અને પથારાવાળાઓ પોતાની ચીજો વેચવા માટે ગોઠવાઈ ગયા હતા. એમાંથી ઘણાને તો માત્ર એક ફૂટ જમીન પણ કમાવા માટે પૂરતી હતી. તેઓ ગ્રાહકોને રીઝવવા માટે તેઓ પોતાની તમામ આવડત કામે લગાવી રહ્યા હતા. ગ્રાહકો પણ ભાવ ઓછા કરવા માટે રકઝક કરી રહ્યા હતા. ફેરિયાઓ અને વેપારીઓની બૂમો, પપૂડાં અને સીસોટીઓનું સંગીત, હોર્નનો અવાજ, મોટેથી વાગતાં ગીતો, ‘જગ્યા આપો ...જગ્યા આપો’ કે ‘ગાય આવી ગાય આવી’ની ચીસો...આ બધું જ બજારના વાતાવરણમાં એ રીતે ભળી જતું હતું કે જે રીતે કોઈ ગીતકારના ગીતમાં સંગીત ભળી જતું હોય.

રોજિંદા નિર્જીવ વાતાવરણના બદલે આવું જીવંત વાતાવરણ જોઈને સ્વાતિને કોઈ જૂનું સગું મળ્યા જેટલો આંનદ થયો. એને તો સમગ્ર વાતાવરણ જ મન મૂકીને માણવા લાયક લાગ્યું. ગ્રાહકોની આંખોમાંથી ડોકિયાં કરતાં આશા, ઉમંગ, લાચારી વગેરે વિવિધ પ્રકારના ભાવ એને ઓળખીતા લાગ્યા. આવા જ ભાવ લઈને એ પણ એક સમયે અવારનવાર આ બજારમાં આવતી હતી. વર્ષો પહેલાનો એ સમય, જાણે એની સામે જ આવીને ઊભો રહી ગયો હતો.

બંને જણાં કપડાંની એક લારીથી થોડે દૂર ઊભાં રહી ગયાં. ગામડેથી આવી હોય એવી એક બાઈ પોતાના બાળકને માટે એ લારીવાળા પાસેથી કપડાં ખરીદી રહી હતી. એણે બાળકને માપનાં કપડાં પહેરાવ્યાં હતાં. બાળક પણ નવાં કપડાં પહેરીને રાજી રાજી થઈ ગયો હતો. હવે માત્ર પૈસા જ ચૂકવવાના બાકી હતા એટલે એ બાઈ ભાવ માટે વેપારી સાથે રકઝક કરી રહી હતી.

‘મેહુલ., તને યાદ છે? અંશનો પહેલો જન્મદિવસ હતો ત્યારે આપણે આ બજારમાં એને માટે કપડાં લેવા આવ્યાં હતાં.’ સ્વાતિએ બાળક તરફ પ્રેમભરી નજર નાખતાં પૂછ્યું.

‘હા, ત્યારે આપણી પણ મજબૂરી હતી. આવક ઓછી હતીને.?’

‘આવક ઓછી હતી પણ નાની નાની ખુશીઓથી જિંદગી કેવી છલકાતી હતી! હું પણ આ બાઈની જેમ જ વેપારીઓ સાથે રકઝક કરતી હતી અને કિંમત ઓછી કરાવીને ખુશ થતી હતી.’

પરંતુ, એ બાઈ અને એના બાળકના નસીબમાં જાણે આજે એવી ખુશી નહોતી. બહુ રકઝકના અંતે લારીવાળા વેપારીએ જે છેલ્લો ભાવ કહ્યો હતો એ ભાવ પણ બાઈને પોસાતો નહોતો. એની પાસે વીસ રૂપિયા ઓછા હતા. વીસ રૂપિયા ઓછા લઈને કપડાં આપવા માટે એ એ કરગરી તો વેપારીએ પણ પોતાની મજબૂરી દર્શાવી, ‘બહેન, આનાંથી એક રૂપિયો પણ ઓછો નહિ થાય. મારી ઘેર પણ મારો પરિવાર છે. મારે એનું પણ જોવાનુંને?’

છેવટે એ બાઈ પાસે, બાળકના શરીર પરથી કપડાં ઉતારીને વેપારીને પાછાં આપવાનો એક જ ઉપાય બાકી રહ્યો હતો. એ એવું કરવા ગઈ ત્યાં તો બાળકે રિસાઈને પોક મૂકી. જોતજોતામાં તો બાળકની આંખોમાંથી આંસુના રેલા દદડ્યા. એ કાલીઘેલી ભાષામાં દલીલ કરવા લાગ્યો કે, ‘તું મને નવાં કપડાં અપાવવા તો અહિ લાવી છે, તો પછી કેમ નથી લઈ આપતી?’ બાઈ એને સમજાવવા લાગી, ‘દીકરા, માની જા. આ કપડાં સારાં નથી. તને આનાથી પણ સારાં કપડાં લઈ દઈશ.’ પરંતુ, બાળહઠ હાર માનતી નહોતી. બાઈ પોતે જાણે ધર્મસંકટમાં મુકાઈ ગઈ હતી. એ બાળકના શરીર પરથી કપડાં ઉતારવા મથતી હતી અને બાળક પોતાનામાં હોય એટલી તાકાતથી કપડાંને પકડી રાખતો હતો.

સ્વાતિની સાથેસાથે આ દૃશ્ય જોઈ રહેલો મેહુલ એકદમ જ લારીવાળા વેપારી પાસે પહોંચ્યો. એણે વેપારીને પેલી બાઈ ન સાંભળે એટલા ધીરા અવાજે પૂછ્યું, ‘કેટલા ખૂટે છે?’

‘વીસ રૂપિયા. સાહેબ, મારાથી થાય એટલા ઓછા કર્યા. હવે ઓછા થાય એમ નથી. નહિ તો હું નાના બાળકને રડવા જેવું ન કરું.’

‘તમે એને કપડાં આપી દો. એ જાય પછી વીસ રૂપિયા હું આપું છું. એને કહેતા નહિ કે બાકીના પૈસા હું આપું છું. એને ખરાબ લાગશે.’ મેહુલ ધીમેથી બોલીને સ્વાતિ પાસે પાછો આવતો રહ્યો.

‘રહેવા દો. ભલે પહેર્યાં.’ વેપારીએ બાઈને કહ્યું, ‘લાવો વીસ રૂપિયા ઓછા હશે તો ચાલશે.’

... બાઈ વેપારીને આશીર્વાદ આપતી આપતી અને બાળકના ગાલ પરથી આંસુ લૂછતી લૂછતી ગઈ. બાળકે પણ પાછું જોઈ જોઈને વેપારી સામે આભારી નજર નાખી.

એ બાઈ અને બાળક દૂર ગયાં એટલે મેહુલે વેપારીને વીસ રૂપિયા ચૂકવી દીધા.

‘આજે મને મારો ખોવાયેલો મેહુલ પાછો મળ્યો છે.’ ખુશ થયેલી સ્વાતિ બોલી.

‘સ્વાતી, આજે આખો દિવસ ઑફિસમાં એ ખોવાયેલા મેહુલને શોધવા સિવાય મેં બીજું કશું કામ કર્યું નથી. ચાર વાગ્યે એ મને મળ્યોને મેં તરત તને ફોન કર્યો.’ મેહુલે પૂરી ગંભીરતા સાથે કહ્યું.

સ્વાતિએ મેહુલનો હાથ પકડી લીધો. ‘ચાલ, હવે મારે કશું ન જોઈએ. જે જોઈતુ હતું એ મળી ગયું.’

‘અરે! અહી સુધી આવ્યાં છીએ ને રાજસ્થાની કચોરી ખાધાં વગર જઈશું?’

...રાજસ્થાની કચોરી ખાધાં પછી એમણે એ હોટેલમાં આઇસક્રીમ ખાધો કે જે હોટેલમાં એમણે અંશને પહેલી વખત આઇસક્રીમ ખવડાવ્યો હતો.

બજારમાં લટાર મારીને બંને, જ્યાં મેહુલે બાઈક પાર્ક કર્યું હતું ત્યાં આવ્યા.

સ્વાતિને બાઈક પર પાછળ બેસાડીને મેહુલે બાઈક દોડાવી. એને ઘર તરફનો રસ્તો ન લીધો એટલે સ્વાતિથી પૂછાઈ ગયું, ‘કેમ આ તરફ? ઘેર નથી જવું?’

‘ના, હજુ એક ઠેકાણે જવાનું બાકી છે.’ મેહુલે જવાબ આપ્યો.

‘ક્યા?’’

‘નજીક જ છે.’

મેહુલ ક્યાં લઈ જાય છે. એ વિષે સ્વાતિ વધારે ધારણા બાંધે એ પહેલાં તો મેહુલે બાઈક ઊભું રાખી દીધું. ‘અહી જવાનું છે.’ એણે આંગળી દર્શાવતાં કહ્યું.

કવિતાપ્રેમીઓને આવકારતું ટાઉનહદ્વહૉલ સ્વાતિને પોતાનાં કોઈ પિયરીયાં જેવું લાગ્યું. .

[સમાપ્ત]

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED