તલાશ - 2 ભાગ 57 Bhayani Alkesh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

તલાશ - 2 ભાગ 57

 ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે.  આ લખવાનો હેતુ માત્ર મનોરંજન નો છે. 
બપોરના લગભગ 1 વાગ્યો હતા. નિનાદ હમણાં જ બહાર એના કોઈ મિત્રને મળવા ગયો હતો. એ બપોરનું જમવાનું બહાર જ પતાવવાનો હતો, અને છેક સાંજે આવવાનો હતો. સુમિતને અને સ્નેહાને કોઈ બિઝનેસ લંચ પર જવાનું હતું. એટલે એ લોકો પણ તૈયાર થઈને અર્ધો કલાક પહેલા નીકળ્યા. અનોપચંદે એની રવિવારની યોગા ટ્રેનિંગ પુરી કરી પછી ફરીથી નાહીને ચા પીધી. અમુક ફોન કર્યા. મોહનલાલ ના ખબર પૂછ્યા. પછી બેલ મારી. એક નોકર દોડતો આવ્યો. "જા નીતા ને કહે મારી સાથે લંચ મને નીચેના હોલમાં ડાયનિંગ ટેબલ જ કરે, અને તમે લોકો બધું ટેબલ પર સજાવીને તમારું લંચ પતાવો પછી 4 વાગ્યા સુધી કોઈ કામ નથી." આ સ્પષ્ટ ઈશારો હતો કે લંચ ટેબલ સજાવીને આઘા પાછા થઈ જાવ કોઈ ડિસ્ટર્બ ન કરતા. નોકર જૂનો અને સમજદાર હતો એને સવિતાને નીતાને મેસેજ આપવા મોકલી અને રસોડામાં મહારાજને હોલમાં ડાઇનિંગ ટેબલ પર ખાવાની વસ્તુઓ મુકવાનું જણાવ્યું અને બીજા પરચુરણ કામ ફટાફટ પતાવવા મંડ્યા. 10 મિનિટ પછી એણે અનોપચંદ ને કહ્યું. "સાહેબ હોલમાં ડાઇનિંગ ટેબલ સજાવાઇ ગયું છે. અને અમે લોકો જઈએ છીએ. નીતા વહુ પણ હમણાંજ નીચે આવશે." 

"ઓકે. તો તું જા અને સાંભળ 4 વાગ્યે સવિતાને કહેજે ચા મૂકી દે."

"ભલે સાહેબ" કહી એ વિદાય થયો.

xxx 

"હવે બોલ દીકરી શું વાત છે?" અનોપચંદે જમવાનું પીરસતી નીતાને સ્નેહથી પૂછ્યું. 

"કઈ વાત?" નીતાએ અજાણ્યા હોવાનો ડોળ કર્યો. 

"ઓકે.તો તારે વાતને ગોળ ગોળ ફેરવવી છે તો મને વાંધો નથી. ફેરવ તું તારે જયારે તારી સહનશક્તિની હદ આવી જાય ત્યારે કહેજે. એક વર્ષમાં આ 5મી વાર તને પૂછ્યું. મને હતું કે તું મને માત્ર તારો સસરો જ નહીં. બાપ સમજે છે. અને મેં હંમેશા તારી સાઈડ લીધી છે." કહીને એણે ચુપચાપ જમવા માંડ્યું. નીતાએ એક કોળિયો હાથમાં લીધો અને અનોપચંદ સામે જોયું. પણ અનોપચંદના ચહેરા પર કોઈ ભાવ દેખાતા ન હતા. ના ના જરા ઉદાસી ડોકિયાં કરી રહી હતી. જાણે કોઈએ છાતીમાં જોરથી મુક્કો માર્યો હોય અને જેવી પીડા ચહેરા પર દેખાય એવી પીડા અનોપચંદના ચહેરામાં સ્પષ્ટ દેખાઈ રહી હતી. નીતાએ હાથમાં નો કોળિયો પાછો થાળીમાં મુક્યો. ઉભી થઇ વોશબેસિન માં હાથ ધોયા અને પછી પોતાની ખુરશી પર બેઠી.

"જો તું ખાઈશ નહીં તો તારી તબિયત બગડશે અને માણસે કઈ સહન કરવા માટે શક્તિની જરૂર હોય છે." અનોપચંદે કહ્યું અને પોતે પણ જમવાનું બંધ કરીને હાથ ધોવા ઉભો થયો. 

"પપ્પાજી જમવાનું તો પૂરું કરો" ફાટેલા અવાજે નીતા એ કહ્યું. 

"જેનો દીકરો પોતાની સુંદર, સુશીલ, સંસ્કારી અને ઘર તથા બિઝનેસ અને બાળકોને સંભાળતી પત્નીને મૂકીને બહાર છનગપતિયા કરતો હોય. અને જેના ઘરમાં દીકરી સમાન પુત્રવધુ મનમાં ને મનમાં મુંઝાતી, પીડાતી રહેતી હોય એને પેટ ભરીને જમવાનો કોઈ હક્ક નથી. પીરસેલા અન્નનું અપમાન ન થાય એટલે 2 કોળિયા ખાઈ લીધું. કઈ નહિ હું તને કંઈ કહેવા ફોર્સ નહિ કરું. જા તારા રૂમમાં જઈને આરામ કર."

"પપ્પાજી તમે આમ મારાથી નારાજ ..."

"હું તારાથી નારાજ નથી બલ્કે મને મારી જાત પર ગુસ્સો આવે છે. કે મારો દીકરો આવા છિનાળાં કરે છે."

"પપ્પાજી તમને આખી વાતની ખબર નથી."

"એ જ તો તને કહું છું કે શુંવાત છે. પણ તારે સહનશીલતાની મૂર્તિ બનીને દુનિયા માં પ્રસ્થાપિત થવું છે. હું દુનિયા આખીના દુઃખ દર્દ દૂર કરવાનો પ્રયાસ કરતો હોઉં છું. મહેરબાની કર દીકરી કંઈક તો બોલ. હું તને હાથ...."

"બસ. પપ્પાજી" કહીને નીતા દોડીને એના પગમાં પડી ગઈ અને રડવા માંડી. 

"ઉભી થા  દીકરી. અને રડવાનું બંધ કર. અને મને બધું સાચે સાચું કહી દે. તમે ધારો તો પણ મારાથી  કઈ છુપાવી શકવાના નથી. મેં પહેલા પણ તને પૂછેલું પણ તું ચૂપ રહી, પણ હવે બસ, બહુ થયું."

"ઠીક છે. પપ્પાજી નિનાદે મને નિકુંજના સમ આપ્યા હતા એટલે અને મને હતું કે હું આ સિચ્યુએશન હેન્ડલ કરી લઈશ. અને હવે લગભગ બધું પતી ગયું છે. પણ તમે મને હાથ જોડવાની વાત કરી તો હું નિકુંજ ના સમ પણ તોડી નાખું છું. શાંતિથી બેસો આપણે જમતા જમતા વાતો કરીએ. કહી એણે પોતાની પ્લેટ માંથી એક કોળિયો મોમાં મુક્યો એ જોઈ અનોપચંદના ચહેરા પર એક હલકી મુસ્કુરાહટ આવી એ પાછો પોતાની ખુરશી પર બેઠો બન્ને એ જમવાનું શરૂ કર્યું અને નીતાએ વાત ચાલુ કરી.

xxx

 લગભગ 6 વાગ્યે નિનાદે ઘરમાં પ્રવેશ કર્યો. આખો દિવસ મિત્રો સાથે રખડી મોજ કરીને એ થાક્યો હતો. એણે વિચાર્યું કે ઘરે જય ફ્રેશ થઈને આરામથી પોતાના બેડ પર પડ્યા પડ્યા કૈક મ્યુઝિક સાંભળીશ. ઘરમાં પ્રવેશતા જ એને નવાઈ લાગી. નીતા અનોપચંદ, સુમિત સ્નેહા બધા હોલમાં બેઠા હતા. વચ્ચે ટિપોઈ પર ચાની કીટલી અને નાસ્તાની ટ્રે હતી અને કોઈ નોકરચાકર દેખાતું ન હતું. રવિવારની સાંજ માટે આ અણધાર્યું કહી શકાય એવી ઘટના હતી. કેમ કે અનોપચંદના બંગલે રવિવારની સાંજે એના ખાસ મિત્રો નો મેળાવડો જામતો. જેમાં અનોપચંદ ઉપરાંત, મોહનલાલ, સુભાસ અંકલ, સ્નેહાના પિતા ગિરિરાજ પ્રસાદ, કંપનીના બીજા 2-3 સ્લીપિંગ પાર્ટનર આટલા લોકો આરામથી ગપસપ કરતા બેઠા હોય સાંજે 5 થી 8-30 વાગ્યા સુધી પછી બધા ડિનર કરે અને છૂટા પડે. પણ આજે આજે એમાંથી કોઈ હાજર ન હતું. અને મોહનલાલ અને સુભાષ અંકલ ને મોટા સસરા ગિરિરાજ પ્રસાદ તો મુંબઈ માં જ હતા. એની છઠ્ઠી ઇન્દ્રિય જાગ્રત થઈ ચુકી હતી. નક્કી, નક્કી કંઈક અણધાર્યું સામે આવવાનું છે. એકાદ ક્ષણમાં એ સ્વસ્થ થયો અને બધાને કહ્યું. "હેલો. શું વાત છે આજે ફ્રેન્ડ્સ ને બદલે ફેમિલી મિટિંગ. વાઉ  આમેય આપણે બધા ઘણા દિવસથી સાથે બેઠા નથી." કહેતા એ એક ખુરશી પર ગોઠવાયો અને કહ્યું. નીતા મને થોડી ચા આપને. આ સવિતા માસી કેમ દેખાતા નથી?"

"બધા નોકરો પિક્ચર જોવા ગયા છે અને પછી ડિનર કરવા જવાના છે. ઘરમાં આપણે માત્ર આટલાં જ છીએ, ન તો એ લોકો કે ન મારા મિત્રો, કોઈ આપણને ડિસ્ટર્બ નહીં કરે." અનોપચંદે કહ્યું. દરમિયાનમાં નીતાએ એક કપમાં ચા ભરીને અને એક પ્લેટમાં નાસ્તો ભરીને નિનાદ ને આપી.     

"પણ અચાનક આ બધું નવાઈ ભર્યું છે." નિનાદે કહ્યું. 

"વાછરડો મોટો થાય તો એના નાક માં નકેલ નાખવી પડે છે નિનાદ. નહિતર એ ભુરાયો થઈને ગમે એને ઢીક મારે છે." કડક અવાજે અનોપચંદે કહ્યું. અને નિનાદ સજાગ થઈ ગયો. નક્કી મારી વાત ફૂટી ગઈ છે. એને બધાના ચહેરા સામે જોયું અનોપચંદ સિવાય કોઈના ચહેરા પર કઈ ભાવ ન દેખાય. માત્ર નીતા નો ચહેરો અસ્પષ્ટ વંચાયો કે જાણે એણે  બધી વાત બધાને કહી દીધી છે. 

"શું વાત છે. પપ્પા કઈ સમજાયું નહીં? આ વાછરડો ને નકેલને એ બધું. "

"કાશ, હું તારા જેટલો ના સમજ બની શકતો હોટ તો કેટલું સારું હતું. અનોપચંદે કહ્યું. અને ઉમેર્યું. "હવે ફટાફટ બોલવા માંડ તારા મગજમાં શું ચાલી રહ્યું છે?"

"મને કઈ સમજાતું નથી. તમે શું કહેવા માંગો છો એ."

"આ તારું 'કટિંગ એન્ડ ફિટિંગ' નું શું ફિતૂર છે?” સુમિતે કહ્યું. અને એક ક્ષણ માટે નિનાદ ખામોશ થઇ ગયો. પછી સહેજ સ્વસ્થ થઈને નીતા ને કહ્યું. "નીતલી , મેં તને નિકુંજ ના સમ આપ્યા હતા ને કે કોઈ ને આ વાત ન કરતી."

"મારા માટે પપ્પાજીની લાગણી નિકુંજ કરતા વધુ છે નિનાદ, 24 કલાકમાં અડધી દુનિયાને ઉથલ પુથલ કરાવી શકનારની આંખોમાં હું આંસુ ન જોઈ શકું. સોરી નિનાદ તારી સરપ્રાઈઝના ચક્કરમાં પપ્પાજીએ મને હાથ જોડ્યા એ મારાથી સહન ના થયું. તારી બેવફાઈ તો મેં સહન કરી લીધી પણ પપ્પાજીનો ગળગળો અવાજ અને કાંપતા હાથ મારાથી ન જોવાયા." બોલતા બોલતા નીતા રડી પડી. ઘરમાં સન્નાટો છવાઈ ગયો હતો માત્ર નીતાના ડૂસકાં નાં અવાજ સિવાય સદંતર શાંતિ હતી. 

"નીતા હવે અહીં આ ઘરમાં નહીં રહે. એ મારા પપ્પાને ત્યાં શિફ્ટ થાય છે આજ રાત્રે. અને પછી અંકલ આપણા છોકરાઓને 10 દિવસમાં મુકવા આવશે ત્યારે નીતાને સાથે અમેરિકા લઇ જશે." સ્નેહા એ કહ્યું.

"ભાભી," 

"બસ નિનાદ, એક પણ અક્ષર નહિ. આ મારું ફાઇનલ ડિસિઝન..." એની વાતને કાપતા અનોપચંદે કહ્યું. "સ્નેહા, દીકરી મેં જિંદગીમાં કદી કોઈ પાસે કંઈ માંગ્યું નથી. આજે એક વસ્તુ તારી પાસે માંગુ છું. તારું આ નિર્ણય ખોટો છે, એવું નહિ કરતી. જોકે તને આ નિર્ણય લેતા રોકવા નો હક્ક તો મેં નિનાદે બેવફાઈ કરી ત્યારે જ હું ગુમાવી ચુક્યો છું. પણ નીતાના ભલા માટે કહું છું એ આપણા બધા થી દૂર નહિ રહી શકે."

"તો હું શું કરું પપ્પાજી. મારી નાની બહેન ની જિંદગી બરબાદ થતા જોતી રહું." કહીને સ્નેહા પણ નીતા સાથે રુદનમાં જોડાઈ.લગભગ 2 મિનિટ ખામોશી છવાઈ રહી. પછી સુમિતે ઉભા થઈને બધાને પાણી આપ્યું."હવે તારે કઈ કબૂલાત કરવાની છે આ નીતા જેની સાથે પરણવા તે મને સુમિત અને સ્નેહાને સેંકડો વાર મનાવ્યા હતા. એ આજે કલાકમાં તને અને અમને છોડીને હંમેશા માટે ચાલી જવાની છે. કૈક તો બોલ બેશરમ" ફાટેલા અવાજે અનોપચંદે કહ્યું.

"ઓસ્ટ્રેલિયામાં ગ્રેસ સાથે જે કઈ મારા સંબંધ શરૂ થયા એ એક અકસ્માત હતો. અને પછી મેં એ સંબંધ ચાલુ રાખ્યા એ મારી હલકટાઇ  હતી. પણ મેં રાત્રે જ નીતાને વચન આપ્યું છે કે હવે એ બધું પૂરું થઇ ગયું છે. અને મારા જીવનમાં નીતા સિવાય કોઈ સ્ત્રીને સ્થાન નથી. રહી વાત મારા નવા બિઝનેસ ની વાત છુપાવવાની તો એ હું પપ્પાને એમના બર્થડે પર ભેટ આપવા માંગતો હતો. મારે આ સિવાય કોઈ ખુલાસા નથી કરવા. પ્લીઝ નીતા તું ક્યાંય ન જતી તારા વગર ભાભી ભાઈ અને ખાસ તો પાપા નહિ રહી શકે, કોઈને જવું જરૂરી હોય તો હું ઘર છોડી દઈશ. હાફ્તા સ્વરે નિનાદે કહ્યું.

"પપ્પાજી તમારી લાડકી વહુને એક વસ્તુ આપશો? અચાનક નીતા એ કહ્યું.

"બોલ દીકરી શું જોઈએ છે બસ તું સ્નેહાને સમજાવ કે...."

"માફી, નિનાદ ને માફ કરી દો. એના વગર હું નહિ જીવી શકું. કડવા ઝેર નો ઘૂંટ પી ને મેં એની બેવફાઈ માફ કરી દીધી છે અને હું ઇચછું છું કે તમે, જીજુ અને દીદી પણ એને માફ કરી દો."

xxx

ગ્રેટ ઇન્ડિયા હોટેલ આખી દુલ્હન ની જેમ સજાવાઇ હતી. ચારે તરફ ઝગમગ રોશની હતી ખુશનુમા વાતાવરણ હતું વેઈટરો હમણાં જ પધારેલા મહેમાનોની સરભરામાં દોડી રહ્યા હતા. મેનેજમેન્ટનો ખાસ આદેશ હતો કે એક પણ ગેસ્ટ નાનું કે મોટું કોઈ નારાજ ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. 2-3 ઇવેન્ટ મેનેજર ની દેખરેખ માં બધું સ્મૂધી ચાલી રહ્યું હતું જોકે હોટેલના માલિકને એ માટે મોટા રૂપિયા માંડવાના હતા. અને હોટેલની ઇમેજ જો આ પ્રસંગ બરાબર પાર પડે તો ચમકી જવાની હતી. ભવિષ્યમાં આજ પાર્ટીની દીકરીના લગ્ન પણ આજ હોટલમાં ગોઠવાય કે એના રેફરન્સ થી બીજા કરોડોપતિ લોકોના પ્રસંગોનો કોન્ટ્રેક મળે એવી પૂરી શક્યતા હતી. એક ખૂણામાં એક લોબી મેનેજર સાથે ઊભીને મનોજ આ બધું નિરીક્ષણ કરી રહ્યો હતો. આજે એની લાડકી બહેન ની સગાઈ હતી. મુરતિયો ખાનદાની હતો રૂપિયા વાળો હતો અને જીગ્ના દુઃખી નહિ થાય એની ખાતરી હતી વળી એ 2-3 વર્ષમાં મુંબઈ શિફ્ટ થવાનો હતો એના કઝીન સાથે, બધું બરાબર ચાલી રહ્યું હતું. મનોજે મનોમન ઈશ્વરનો આભાર માન્યો. એજ  જીતુભા અને પૃથ્વીએ પ્રવેશ કર્યો જોકે એ લોકો અહીં માત્ર સોનલ મોહિની અને જીગ્ના સિવાય કોઈને ઓળખતા ન હતા. જીતુભા માત્ર એક વખત મનોજને કોલેજના ફંક્શનમાં એકાદ મિનિટ મળેલો. 

"યાર, જારેજા, આ છોકરીયું ક્યાં ફસાવી દીધા આપણને."

"સાચી વાત છે પરબત, મેં મોહિનીને કહ્યું હતું કે મને નહીં ફાવે પણ અને જીજ્ઞાએ પણ સવારે ફોન પર બહુ આગ્રહ કર્યો." એટલામાં પૃથ્વીને જોઈ એને કોઈએ કહ્યું. "અરે કુંવર સા, તમે વાહ" એ રાજસ્થાનનો ફ્લોદી  આસપાસના કોઈ મોટો વેપારી હતો પૃથ્વી એની સાથે વાત કરવા રોકાયો. ત્યાં જીતુભા એ મનોજ ને જોયો અને એની તરફ આગળ વધ્યો એજ વખતે પાછળથી એક રાડ સંભળાઈ.

"આંધળા જોઈને ચાલતો હોય તો" કોઈ યુવાને એક વેઈટરો કાંઠલો પકડતા કહ્યું.

"સોરી સર, પણ તમેજ અચાનક આ મેડમ સાથે વાત કરતા કરતા.."

"એટલે તને એમ લાગે છે કે હું આંધળો છું અને તારી સાથે અથડાયો. બસ બહુ થયું." મનોજ એના તરફ દોડ્યો અને જોયું તો વેઈટર સાથે અથડાનાર જીગ્ના નો થનારો જેઠ(કઝીન) હતો એ અને એની થનારી પત્ની કૈક વાતો કરતા ચાલતા હતા અને અચાનક વેઈટર અથડાયો હતો. 

"અરે નવીનભાઈ, શું થયું? કહેતા મનોજ દોડ્યો.

"આ કેવા લોકોને સર્વિસમાં રાખ્યા છે. એ ધરાર મારી સાથે ભટકાયો અને જુઓ એના હાથમાંની સરબતની ટ્રે એ મારી પત્ની ના 5 લાખના ચણિયાચોળીની પત્તર ઝીકી નાખી."

"હશે, સોરી હું માફી માંગુ છું અને દીદી માટે હમણાંજ નવા ચણિયાચોળીની વ્યવસ્થા કરવું છું. સાગર ભાઈ, અરજન્ટ જાઓ અને સેન્ચ્યુરી બજાર પાસેના નવા ખુલેલા ચણિયાચોળીની શોપ પરથી આવા જ પિંક કલરના 4 જોડી લઇ આવો." 

"મને તમારી ભીખ નથી જોઈતી મનોજ ભાઈ. રૂપિયા તો મારી પાસે બહુ છે. અડધું જેસલમેર ખરીદી લઉ એટલા, બસ બહુ થયું તમે આવા અણધડ માણસોને સર્વિસમાં રાખ્યા અને પાછા રૂપિયાનો રુવાબ દેખાડો છો. મુકેશ, (જીજ્ઞા નો દુલ્હો) એ મુકેશ, ચલો ગાડીમાં બેસો. આપણે સગાઈ નથી કરવી." સાંભળીને મનોજના હાથપગ ફૂલી ગયા એને ચક્કર આવી ગયા એ જમીન પર પડવાનો જ હતો કે પાછળથી આવેલા જીતુભા એ એને પકડી લીધો. 

ક્રમશ:

તમને આ વાર્તા કેવી લાગે છે. અથવા આ વાર્તા અંગેના કોઈ સૂચનો હોય તો મને 9619992572 પર વોટ્સઅપ કરી ને જરૂરથી જણાવશો. 

 

રેટ કરો અને રિવ્યુ આપો

Rakesh

Rakesh 5 માસ પહેલા

Hetal Modi

Hetal Modi 5 માસ પહેલા

Umesh Donga

Umesh Donga 5 માસ પહેલા

Parash Dhulia

Parash Dhulia 5 માસ પહેલા

Bhayani Alkesh

Bhayani Alkesh માતૃભારતી ચકાસાયેલ 6 માસ પહેલા