ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજન નો છે.
બહુ જ ભયાવહ દ્રશ્ય હતું. NASA ના મુખ્ય ગેટ પર 2 સિક્યુરિટી ગાર્ડ ના શરીર લોહીથી લથબથ રોડ પર પડ્યા હતા. જીતુભા અને સિન્થિયાને પાર્કમાંથી ભાગીને ત્યાં પહોંચતા લગભગ 4 મિનિટ થઈ હતી. બન્ને સિક્યુરિટી ગાર્ડને ઓછામાં ઓછી 7-8 ગોળી મારવામાં આવી હતી.એ દ્રશ્ય જોઈને સિન્થિયા ત્યાં રોડ પર જ ફસડાઈ પડી. એ સતત આક્રંદ કરી રહી હતી. એને ધ્રુજારી ઉપડી હતી. આંખમાંથી આસું સરી રહ્યા હતા.
"સિન્થિયા હિંમત થી કામ લે હું અંદર જાઉં છું. તું પોલીસ અને એમ્બ્યુલસ બોલાવ" કહી જીતુભા NASA ના બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં ઘુસ્યો. મુખ્ય ગેટ પછી 40 ફૂટ પછી બિલ્ડીંગ હતું. પણ જીતુભાની અનુભવી આંખો એ જોયું કે ક્યાંય કોઈ ઘર્ષણના ચિન્હો દેખાતા ન હતા. "સિન્થિયા કોલ ધ પોલીસ" કહી જીતુભા બિલ્ડિંગમાં પ્રવેશ્યો.અંદર ડાબા ખૂણે રિસેપશન ડેસ્ક હતું અને જમણી બાજુથી ઉપર તરફ જવાનો દાદરો હતો જયારે એનાથી સહેજ પાછળ ની સાઈડ 2-3 નાના રૂમ હતા. એક વોશરૂમ. જીતુભા એ સોલ્ડર પાઉચ માંથી પોતાની ગન કાઢી અંદર પ્રવેશીને રીશેપ્શન ડેસ્ક તરફ નજર કરી. ડેસ્ક પર માથું ઢાળીને રિસેપ્શનિસ્ટ પડી હતી એના માથામાં, કપાળ પર ગોળી મારવામાં આવી હતી. એ લોલા હતી 4 મહિના પહેલા જ એણે નાસા જોઈન્ટ કર્યું હતું. એનો બાપ ત્યાંનો લોકલ કાઉન્સિલર હતો અને કાકો પોલીસ સાર્જન્ટ હતો. જીતુભા સાવચેતીથી આગળ વધ્યો અને દાદરા ચડવા માંડ્યું. આજે રવિવાર હતો. એટલે ગનીમત હતું કે સ્ટાફ ઓછો હતો. માંડ 3-4 એજન્ટ કંઈક કામ માટે આજે બપોરે જયારે જીતુભા ટ્રેનિંગ માંથી બ્રેક લઈને સિન્થિયા સાથે ઓફિસમાં આવ્યો ત્યારે હાજર હતા. જો કે જીતુભા બધા ને ઓળખતો પણ ન હતો. પહેલે માળે આવેલા એક જિમ અને મીની ટ્રેનીંગ રૂમ અને બાથરૂમ. બાથરૂમના દરવાજામાં એક એજન્ટ માર્કોર્સની લાશ હતી લોહીથી લથબથ એનું શરીર અડધું બાથરૂમમાં અને અડધું હોલમાં હતું. 7-8 ગોળી તેને પણ મારવામાં આવી હતી એને ભાગવાનો કે સામનો કરવાનો મોકો મળ્યો ન હોય એવું લાગતું હતું એની આંખો વિસ્ફારિત હતી જાણે કોઈ અજાયબ દ્રશ્ય જોતાં જોતાં જ એનું મોત એને આંબી ગયું હતું. જીતુભા એ બીજા માળના દાદરા ચડવા મંડ્યો, ત્યારે ગ્રાઉન્ડ ફ્લોરમાં દાદરાની પાછળ રહેલા બાથરૂમનું બારણું ખુલ્યું. જીતુભાએ ગ્રાઉન્ડ ફ્લોરનો બાથરૂમ ચેક કર્યો ન હતો એ એની ભૂલ હતી.
xxx
બીજા માળે પહોંચી જીતુભા એ જોયું તો ખુલમખુલા ગોળીબાર ત્યાં થયા હોય એમ બધી દીવાલોમાં લગભગ 20-22 ગોળી ખૂંપેલી હતી. કાળજું કંપાવનારી આવી કેટલીયે ઘટનાઓનો સાક્ષી જીતુભા પહેલા પણ બન્યો હતો. ત્યાં 2 લોકો પડ્યા હતા. ડેવિડ અને હેનરી, જીતુભાની જ ઉંમરના. અને બન્ને હમણાં 2 મહિના પહેલાં નાસા માં જોડાયા હતા. ડેવિડ નો બાપ MI 6 માં સિન્થિયાનો ઉપરી હતો. અને એની ઈચ્છા હતી કે એનો દીકરો એક દિવસ મોટો માણસ બને અને નાસામાં જેમ માઈકલે નામ કમાયું છે અને પોતાની ઓળખ ઉભી કરી છે એવી ઓળખ ઉભી કરે. જયારે હેનરી નો બાપ મિલિટરીમાં હતો. હેનરી એ ક્રિમિનલ સાયકોલોજી માં ગ્રેજ્યુએશન કર્યું હતું. જીતુભા એ બન્ને જીવે છે કે નહીં એ જોવા એની તરફ આગળ વધ્યો ત્યાં સામે માઈકલની કેબિનમાંથી કણસવાનો અવાજ આવ્યો. જીતુભાએ એક નજર હેનરી અને ડેવિડ તરફ નાખી બંને લોહીના ખાબોચિયા માં પડ્યા હતા. અને બે લોકો જીવતા હોય એવી શક્યતા નહિવત હતી. એક ક્ષણ વિચારીને પછી જીતુભા માઈકલની કેબિનમાં ધસી ગયો. કેબિનમાં ઘુસતા જ એણે જોયું કે ફ્રેન્ચ વિન્ડોનો ભુક્કો નીકળી ગયો અને એની નીચેની દીવાલ લોહીથી ખરડાઈ હતી. માઈકલની ખુરશીની આગળનું ઓકનું મજબૂત ટેબલ વાંકુ થઇ ગયું હતું. ટેબલ પર રહેલા કોમ્પ્યુટરમાં ગોળીઓ ઘૂસી હતી. ટેબલની પાછળ રહેલી ખુરશી કે જેના પર માઈકલ બેસતો એ ખુરશી ઉંધી પડી હતી 2-3 ગોળીઓ એમાં ઘૂસી હતી. કોઈએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. માઈકલે સમયસૂચકતા વાપરીને ખુરશી નીચે ભરાયો હતો એટલે એ જીવતો બચ્યો હતો. ખુરશી નીચે માઈકલનો દેહ દબાયેલો હતો. એનો કણસાટ ચાલુ હતો. "થેન્ક ગોડ માઈકલ હજુ જીવે છે." બોલતા બોલતા જીતુભા એની નજીક પહોંચ્યો ત્યાં એમ્બ્યુલન્સની સાયરન સંભળાઈ સાથે સાથે પોલીસની જીપ પણ રસ્તા પર દેખાઈ. જીતુભાએ ટેબલ ને ધક્કો મારીને સહેજ સીધું કર્યું અને ખુરશી ને ઉંચકીને માઈકલની પાસે ગયો. "માઇકલ માઇકલ" એણે સાદ દીધો..માઇકલ ટૂંટિયું વાળીને પડ્યો હતો એના જમણા હાથ પર ગોળી વાગી હતી એની ગન એની બાજુમાં જ પડી હતી, હુમલાખોરને જોઈને એણે ગન કાઢી હશે પણ પહેલી જ ગોળીમાં એનો હાથ ઘવાયો હશે. એક ગોળી એના ડાબા પડખામાં થઇ અને પાંસળીઓમાં ઘૂસી હતી અને જાણે કોઈ નળ ટપકતો હોય એમ એના ઘાવ માંથી લોહી ટપકતું હતું એની હાલત બહુ જ ખરાબ હતી..જીતુભાએ એના પડખામાં હાથ નાખીને એને બહાર ખેંચ્યો એ લગભગ બેહોશ હતો. કણસાટ કરતા કરતા એણે પોતાની આખો ફોક્સ કરી અને જીતુભા સામે જોયું અને જીતુભાને ઓળખ્યો. "માર્શા, માર્શા" એમ બોલીને એ બેહોશ થઇ ગયો.
xxx
2-3 મિનિટમાં જ પોલીસ અને એમ્બ્યુલન્સનો સ્ટાફ ઉપર પહોંચ્યો હતો. 2 જે માળે પ્રવેશી. પહેલા એમણે હેનરી અને ડેવિડ ને ચેક કર્યા હતા. બન્ને જીવતા તો હતા પણ એમની હાલત અત્યંત ખરાબ હતી. પોલીસ સાર્જન્ટ વિલિયમ આર્ચરે રિસેપ્શનિસ્ટ લોલાનો કાકો હતો, એ ગુસ્સાથી ધમધમતો હતો. પરિસ્થિતિ જોઈ બીજી એમ્બ્યુલન્સ બોલાવી. પછી તેઓ માઈકલની કેબિનમાં ઘુસ્યા. ત્યારે જીતુભા માઈકલ ને જમણા પડખે સુવડાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. "આ કોણ છે". પોતાની ગન જીતુભા તરફ તાકતા પોલીસ સાર્જન્ટે પાછળ રહેલી સિન્થિયાને પૂછ્યું એની પાછળ જ ચાર્લી હતો. સિન્થિયા સરખું ચાલી કે બોલી શક્તિ ન હતી. એ હેબતાઈ ગઈ હતી. એની પાછળ રહેલા ચાર્લીએ એને પાછળથી કમરમાં હાથ નાખી ને મજબૂત રીતે પકડી હતી અને પોતાનું માથું સિન્થિયાના ખભા પર ઢાળ્યું હતું.
"એ અમારા બોસ છે." ચાર્લી એ જવાબ આપ્યો.
"પણ તમે તો કહ્યું કે અમારા બોસને કોઈએ મારી નાખ્યા છે." પોતાની આંખ માં આવતા આંસુ લૂછતાં, રાડ નાખતા વિલિયમે પૂછ્યું. સાર્જન્ટ વિલિયમ આર્ચર મજબૂત કાળજાનો આદમી હતો. માઈકલ અને સિન્થિયાનો ફેમિલી ફ્રેન્ડ હતો. હજી માંડ 1-2 મિનિટ પહેલા પોતાની યુવાન ભત્રીજીની લાશ એણે જોઈ હતી.પણ પોતાની ડ્યુટીના ભાગ રૂપે શંકા કરવી એના સ્વભાવમાં હતું.
"એમાં એવું છે ને વિલિ" માઈકલ જયારે ચાર્લી સાથે હોય અને મળતો ત્યારે સાર્જન્ટ ને વિલી તરીકે જ સંબોધતો. એટલે ચાર્લી એ પણ વિલી જ કહ્યું
"કોલ મી સાર્જન્ટ વિલિયમ ઓર ઓન્લી સાર્જન્ટ મિસ્ટર ચાર્લી"
"સોરી સર, અમારા બોસ મિસ્ટર માઈકલ મરી ગયા છે જયારે આ જીતુભા છે. અમારી પેરેન્ટ કંપની કે જે ઇન્ડિયામાં છે ત્યાંથી અહીં ડેપ્યુટી થયેલા બોસ."
"મિસ્ટર જીતુભા તમે જરા બોડી પાસેથી દૂર હટશો. તમે એક સિક્યુરિટી કંપની ના ઇન્ચાર્જ છો. તમને ખ્યાલ હોવો જોઈએ.કે ક્રાઇમ સીન પર કઈ અડવું ન જોઈએ."
"તમને કોણે કહ્યું કે માઈકલ મરી ગયો છે. એ હજી જીવે છે. તમે જલ્દી એમ્બ્યુલન્સનો બંદોબસ્ત કરો. મેં 4 વર્ષ મિલિટરીમાં ગાળ્યા છે. પ્રાઇવેટ ડિટેક્ટિવ તરીકે 4 વર્ષ કામ કર્યું છે અને હાલમાં ઇન્ડિયાની ટોપ 10 માં આવતી કંપની 'અનોપચંદ એન્ડ કુ.માં બધી કંપની નો સિક્યુરિટી ઇન્ચાર્જ છું. મને ખબર છે કે ક્રાઇમ સીન પર છેડછાડ ન કરાય. હવે તમે પરમિશન આપો તો સામે ના કબાટમાંથી ફસ્ટ એઇડ બોક્સ માંથી રૂ લઈને માઈકલ ના ઘાવ પર મુકું જેથી લોહી ઓછું વહે"
"શું માઈકલ જીવે છે." ચાર્લી નો અવાજ ફાટ્યો હતો એ માઈકલ પાસે ઘસી ગયો. પણ જીતુભાએ એને રોક્યો. એટલામાં બીજી એમ્બ્યુલન્સ આવી પહોંચી અને ફટાફટ માઈકલને એમાં ખસેડાયો.
"સિંથી તારે શું કરવું છે? હોસ્પિટલ જવું છે કે પછી ઘરે?" વિલિયમે પૂછ્યું.
"હું જીતુભા સાથે હોસ્પિટલ જાઉં છું." ચાર્લીનો હાથ પોતાની કમર પરથી દૂર કરતા સિન્થિયા એ કહ્યું.
"બાઈ ધ વે જીતુભા" વિલિયમે જીતુભા તરફ ફરીને પૂછ્યું. "તમે સૌથી પહેલા અહીં પહોંચ્યા છો. તમે આવ્યા ત્યારે માઈકલ ભાન માં હતો? કોણે આ હુમલો કર્યો છે એવું એણે કઈ કહ્યું તમને?
"ના" જીતુભા એ મનોમન કંઈક વિચારીને કહ્યું.
"હું કહું છું ને સાર્જન્ટ એ માર્શા હતી, એણેજ ગેટ પર સિક્યુરિટી વાળાને ઇન્સ્ટ્રક્શન આપીને ગેટ ખોલાવ્યો હતો અને 4 નકાબપોશ ને અંદર લીધા હતા.એટલેકે એ લોકો અંદર ઘૂસ્યા ત્યારે મોં પર નકાબ બાંધેલા હતા. તમે ફૂટેજ ચેક કરી શકો છો." ચાર્લી એ ફરીથી સિન્થિયાની કમર માં હાથ નાખતા કહ્યું. સિન્થિયા હવે થોડી સ્વસ્થ થઇ હતી.એણે ઝટકો મારીને ચાલી ને દૂર કર્યો અને જીતુભા સામે દયામણી નજરે જોયું અને કહ્યું. "જીતુભા મારી સાથે હોસ્પિટલ આવીશ કે તારે તારી હોટેલ પર આરામ કરવા જવું છે?"
"સિન્થિયા તું હોસ્પિટલ પહોંચ. હું જરા બધું નિરીક્ષણ કરીને આવું છું. ત્યાં માઈકલ ઉપરાંત હેનરી અને ડેવિડ ને બેસ્ટ ટ્રીટમેન્ટ ચાલુ કરવું અને ખર્ચની ચિંતા બિલકુલ ન કરતી. બેસ્ટ ટ્રીટમેન્ટ એમને મળવી જોઈએ.આ સિવાય બીજું કોઈ ક્યાંય ઘવાયેલ હોય તો એને હું ચેક કરી ને આવું છું પેલી લોલા બિચારી.. "
"એ મારી એકની એક ભત્રીજી હતી. અમારી 3જી જનરેશનમાં જન્મેલી અમારા 4 ભાઈઓના 9 સંતાનમાં એક માત્ર દીકરી હતી " બોલતા બોલતા વિલિયમે ભાંગી પડ્યો.સિન્થિયા એને ભેટી ને સાંત્વના આપવા લાગી લગભગ 30 સેકન્ડ પછી એ સ્વસ્થ થયો અને કહ્યું "સિન્થિયા તું અને ચાર્લી હોસ્પિટલ જાઓ. બાર્બરાની બીજે ડ્યુટી છે. મારે એને ઇન્ફોર્મ કરવી પડશે. અને પોસ્ટમોર્ટમ પછી લોલાના ફ્યૂનરલ ની તૈયારી કરવી પડશે."
"સર ઇફ યુ ડોન્ટ માઈન્ડ, તમારી સાથે રહું?" જીતુભા એ પૂછ્યું.
"થેન્ક્સ યંગ મેન. પણ આ વિલી બહુ મજબૂત છે. ડોન્ટ માઈન્ડ હમણાં મારા વાઈફ અને બ્રધર્સ આવી પહોંચશે તમે પ્રાઇવેટ ડિટેક્ટિવ હતા.તો જરા અહીં નિરીક્ષણ કરો તો હું હોસ્પિટલ પહોંચું. મારા આ 2 સાથી તમારી સાથે છે.ચાલ સિન્થિયા" કહીને સિન્થિયા સાથે એ હોસ્પિટલ જવા નીકળ્યો. જીતુભા 2 પોલીસ કોન્સ્ટેબલ અને ચાર્લી બધા નીચે ઉતરતા હતા ત્યારે અચાનક જીતુભાનાં દિમાગમાં કૈક સ્ફૂર્યું. એ જ વખતે એના ફોનમાં ઘંટડી વાગી.
xxx
"હેલ્લો, મિસ્ટર જીતુભા?" બ્રિટિશ એસન્ટ અંગ્રેજીમાં એક છોકરી પૂછી રહી હતી.
"યસ સ્પીકિંગ"
"હું એમ વિચારતી હતી કે તું હવે શું કરીશ? આઈ મીન પહેલા ક્યાં જઈશ હોસ્પિટલ કે પછી, સૌથી પહેલા તું મિશેલને બચાવવા જઈશ. કેમ કે એક સાથે બે જગ્યાએ તું જઈ નહીં શકે. સુપરમેન નથી." સાંભળીને જીતુભા એક ક્ષણ ફોનને તાકી રહ્યો.
"કોણ બોલે છે.?"
"તારું મોત, હવેના 10 કલાક તારા માટે ભારે છે. જીતુભા. મારી સલાહ માન તો ભારતની ફ્લાઇટ વહેલી પકડી લે. પરમ દિવસ સુધી રાહ જોઇશ તો ટિકિટના રૂપિયા વેડફાશે. તારી પરમ દિવસની અર્લી મોર્નિંગની ફ્લાઇટ છે. એને બદલે આજ રાતના 11.30 વાગ્યાની ફ્લાઇટ પકડી લે. હજી 4 કલાક તારા હાથમાં છે તારી હોટેલ રિલેક્સ ઇન્ટરનેશનલ ના રૂમ નંબર 1313 માં જઈને પેકિંગ કરવા માટે. બાકી માઈકલ તો ગયો અને પેલી યુરોપિયન બીચ એ કૂતરાને મોતે જ મરશે લંડનની સડક પર. જા તને મોકો આપ્યો ભાગવાનો. જીવી લે 2-4 દિવસ. નહીં તો સવારે સાડા પાંચ વાગ્યા પહેલા તું મરીશ." કહીને ફોન ડિસકનેક્ટ થઇ ગયો.
xxx
"પાગલ છોકરી તે આ શું કર્યું." સામે ઉભેલો યુવાન ફોન કરનાર પર ગુસ્સો કરી રહ્યો હતો.
"કેમ શું થયું.આપણો પ્લાન એને ભારતમાં જ મારવાનો છે ને?"
"એ નહીં. પેલી મિશેલને બચાવવા શું કામ મોકલ્યો. આપણો માણસ હજી પહોંચ્યો પણ નહીં હોય."
"એ જ મારે જોઈતું હતું ગાંડા. એ એ 12 વર્ષની છોકરી મરી જાય કે જીવે એથી મને કઈ ફરક નથી પડતો. પણ એને મારવા જનારો ન જીવવો જોઈએ. મને સબુતો છોડવા નથી ગમતા."
"તો પછી આ 3 જણા?" યુવકે થોડે દૂર બેસી દારૂ પીતા 3 જણાને દેખાડીને કહ્યું.
"એ ભલે પીતા. સવારે પોલીસને એની બોડી મળી જશે. 10 મિનિટમાં ઝેર એમને પેરેલાઈઝ કરી દેશે. અને 3 કલાક માં મોત.
"તો આપણે નીકળીએ?"
"ના 10 મિનિટ રાહ જોશું પછી એમના ફોન અને id આપણા કબ્જે કરીને પછી, આ ત્રણ અહીં મરશે અને ઓલો ચોથો ત્યાં માઈકલના ઘરે. આ એનું વોલેટ મેં કાઢી લીધું છે. હવે એ લોકોને આપણે જીવનમાં ક્યારેય પણ મળ્યા હતા એનું કોઈ સબૂત રહ્યું નથી."
ક્રમશ:
કોણ છે નાસા પર આવો ઘાતકી હુમલો કરનાર? કોણ છે એ બ્રિટિશ એસન્ટ અંગ્રેજીમાં બોલતી છોકરી? જીતુભાને એ કેવી રીતે ઓળખે છે? અચાનક જીતુભાનાં દિમાગમાં શું સ્ફૂર્યું? શું એને કોઈ કડી મળી છે, નાસા પરના હુમલા બાબત ? જાણવા માટે વાંચો તલાશ 2 ભાગ 3
તમને આ વાર્તા કેવી લાગે છે. અથવા આ વાર્તા અંગેના કોઈ સૂચનો હોય તો મને 9619992572 પર વોટ્સઅપ કરી જરૂરથી જણાવશો.