Talash - 2 - 6 books and stories free download online pdf in Gujarati

તલાશ 2 - ભાગ 6

 ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. 

 જીતુભા સાથે વાત પુરી થયા પછી અનોપચંદ પોતાની પથારીમાંથી ઉભો થયો. સરદાર વલ્લભભાઈ પટેલ સાથેની પહેલી મુલાકાતના 50 -52 વર્ષમાં પહેલીવાર એવું બન્યું હતું કે એ ઘસઘસાટ સૂતો હોય અને કોઈએ એને ફોનમાં કૈક ગંભીર ખબર આપી એને ઉઠાડ્યો હોય. ખાસ કરીને જ્યારથી સુમિત 17-18 વર્ષનો થયો એ પછી બાપની ચિંતા એણે પોતાના માથે લઇ લીધી હતી. ગોઠવણ જ એવી હતી કે અનોપચંદ સુવા જાય એ સાથે જ એ સુમિત કે નિનાદના મોબાઈલમાં કોલ ટ્રાન્સફર કરી નાખતો અને બીજો એક મોબાઈલ એક્ટિવ કરીને પોતાના તકીયાની બાજુમાં રાખતો. જેનો નંબર માત્ર 5 જણા પાસે જ હતો સુમિત સ્નેહા નિનાદ નીતા અને મોહનલાલ. એક તો આજે થોડીવાર પહેલા જ સુમિતે ફોન કરીને નાસા પર થયેલા હુમલાના ખબર આપ્યા હતા અને અનોપચંદની નીંદર ઉડી ગઈ હતી. એટલે જ એણે પોતાનો ફોન એક્ટિવ કર્યો હતો અને એમાં જીતુભાનો કોલ રિસીવ કર્યો હતો. બાથરૂમમાં જઈને એ થોડો ફ્રેશ થયો પછી બેડરૂમમાંથી હોલમાં આવ્યો હોલમાં ચારે બાજુ સન્નાટો હતો. ઉપરના બેડરૂમમાં નીતા સૂતી હતી. છોકરાઓનો બેડરૂમ એના રૂમની બાજુમાં હતો.હોલમાં ઠેકઠેકાણે સજાવેલ કલાત્મક વસ્તુઓ એક અબજોપતિના ઘરનો અહેસાસ કરાવતી હતી. પણ આ બધું માત્ર દેખાવ હતો. અનોપચંદે પોતાના સંતાનોને અરે પોતાની પુત્રવધુને પણ ગમે તે પરિસ્થિતિમાં સર્વાઇવ થવા જેવી તૈયાર કરી હતી અને પૌત્રોને પણ એવી જ ટ્રેનિંગ અપાવવાનો હતો. લાખો રૂપિયાના કલાત્મક વસ્તુની સાથે જ એક દીવાલ લગભગ 7-8 ફૂટ ઉપર કૃષ્ણ અર્જુનને ગીતાનો ઉપદેશ આપે છે એ આલીશાન પેઇન્ટિંગ શોભી રહ્યું હતું. હોલના એક ખૂણામાં રહેલા ફ્રીજમાંથી પાણીની બોટલ કાઢો અને અનોપચંદે પાણી પીધું અને પછી એ પેઇન્ટિંગની પાસે ગયો. અને પેઇન્ટિંગ નીચે નતમસ્તક ઉભો રહી ને સ્વગત મનોમન બોલ્યો. 'હે પ્રભુ શું થવા બેઠું છે? આજે 50-52 વર્ષમાં પહેલીવાર મારી ઓફિસ પર હુમલો થયો અને મારા 4 માણસો મરાયા અને 3 મરણતોલ હાલતમાં છે. આવું શું કામ?' અને જાણે કૃષ્ણે જવાબ આપ્યો હોય એમ એના અંતર માંથી અવાજ આવ્યો.'અનોપચંદ તું ક્યાં દુધે ધોયેલ છે. તું જ તો બહુ ગર્વ થી કહેતો ફરે છે કે રોજના 25-30 માણસો મારા ઈશારે દુનિયા છોડે છે. અને આમેય આટલા વર્ષોમાં આ કઈ પહેલીવાર તારા માણસો થોડા મર્યા છે?'

'પણ, એ તો કોઈ અથડામણમાં મરતા હોય છે. અને એમના મરણ પછી હું એમના પરિવારને ઉની આંચ નથી આવવા દેતો બધાનું ભરણપોષણ હું કરું છું.'

"તું... હા હા હા ' અંતર ના અવાજથી અનોપચંદ ચોંક્યો.એને પોતાની ભૂલનો અહેસાસ થયો.

 'પ્રભુ હું ભુલ્યો. જગત નિયંતાતો તમે છો તમારી ઈચ્છા વગર પાંદડું પણ ના હલી શકે. મારા દ્વારા તમે એ બધું કરાવો છો માફી આપો પ્રભુ'.

'ચાલ તને સમજાયું તો ખરું કે જગતમાં તારાથી પણ ઉપર કોઈ છે. તારી એ સમજણનું ઇનામ તને આપું છું. સાંભળ, ધ્યાનથી સાંભળજે.. તારા જીવનના કપરા દિવસો શરૂ થયા છે. હિંમતથી કામ લેજે. નાસા પરનો હુમલો એ શરૂઆત છે."

"ઓહ્હ નો" સ્વગત સવાલ જવાબ કરતા અનોપચંદના મોંમાંથી અચાનક એક ચીસ નીકળી ગઈ. ચીસ એટલી જોરદાર હતી કે ઉપરના બેડરૂમમાં સૂતેલી નીતા પણ સફાળી જાગી ગઈ અને પોતાના રૂમમાંથી બહાર ધસી આવી. હોલની પાછળની સાઈડ સર્વન્ટ ક્વાર્ટમાંથી 2-3 નોકર-નોકરાણી  દોડતા આવ્યા. શું થયું. શું થયું એવો કોલાહલ જામી ગયો. બધાએ જોયું તો અનોપચંદ શૂન્ય મસ્તક થઈને કૃષ્ણ અર્જુનના પેઇન્ટિંગને જોઈ રહ્યો છે. એનું ધ્યાન નીતા કે નોકરો તરફ પડ્યું ન હતો. 

"શું થયું પપ્પાજી. તબિયત તો ઠીક છે ને? ડોક્ટરને બોલવું?" નીતાએ એની બાજુમાં જઈને હળવેથી પૂછ્યું. અચાનક અનોપચંદ જાણે વર્તમાનમાં આવ્યો હોય એમ નીતા સામે જોયું અને પાછળ રહેલા નોકરોનો કોલાહલ પણ સાંભળ્યો.સહેજ સ્મિત કરીને એણે નીતાને કહ્યું. "કઈ નહીં બેટા હું આજે એક કામ ભૂલી ગયો હતો એટલે મારી જાત પર ગુસ્સો આવ્યો એમાં રાડ પડી ગઈ. ચાલો જાવ બધા સુઈ જાઓ" કહીને બધા નોકરોને વિદાય કર્યા પછી નીતાને પણ કહ્યું "તું પણ સૂઈ જા" કહી એના માથા પર હાથ ફેરવ્યો. નીતાએ અનોપચંદનો હાથ પોતાના હાથમાં લઈને એમને હોલમાં રહેલા સોફા તરફ દોર્યા અને કહ્યું. "પપ્પાજી, આ ઘરમાં આવ્યે મને 13 વર્ષ થયા એ પહેલા પણ દીદીના સાસરે હું રોકવા આ ઘરમાં આવતી અરે એ છોડો હું જન્મી ત્યારે થોડા દિવસ પછી મારા પપ્પાએ આપેલી પાર્ટીમાં તમે સજોડે અને આશીર્વાદ આપવા આવેલા. એવું પપ્પાએ કહ્યું હતું. અને જ્યારથી સમજણી થઈ ત્યારથી વારંવાર તમને મળવાનું થતું રહેતું હતું. દીદીના લગ્ન પછી હું થોડા દિવસ અહીં રોકવા આવી અને મેં અને નિનાદે એકબીજાને પસંદ કર્યા. અમે પરણ્યા." 

"હા.બેટા પણ એ બધું અત્યારે યાદ કરવાનું કારણ.."

"કારણ છે પપ્પા મેં સમજણી થયા પછી એટલે કે 25-27 વર્ષથી ક્યારેય તમને આટલા વ્યગ્ર નથી જોયા. 'કંપની' પર આવેલ મુસીબત હોય કે દુનિયામાં થતી ઉથલ પાથલ હોય કે ઘરમાં કે ઓફિસમાં કઈ પ્રોબ્લેમ હોય. અરે, મમ્મીજીના અકાળે અવસાન વખતે પણ નહીં. અત્યારે આયનામાં તમારો ચહેરો જોશો તો સમજાશે કે લગભગ દોઢ કલાક પહેલા મને અને છોકરાઓને ગુડ નાઈટ કહી ને ગયા ત્યાર પછી જાણે તમારી ઉંમર 10 વર્ષ વધી ગઈ હોય એવું લાગે છે. શું તમારા સંતાનોને તમારી ચિંતા ન જણાવી શકો? શું હું એટલી અપરિપક્વ છું કે જીજુ દીદી અને નિનાદ જયારે અહીં હાજર ન હોય તો તમારી મુશ્કેલી મારી સાથે શેર ન થાય?" કહી ને એ રડી પડી. અનોપચંદને એની સમજણ શક્તિનો ફરીથી પરિચય થયો. એણે વ્હાલથી નીતાના માથે હાથ ફેરવ્યો અને કહ્યું. "દીકરી આ ઘરમાં સૌથી વધુ સમજુ તું છે.અને તે જે રીતે મારી મન:સ્થિતિ પકડી પાડી એ કાબીલે તારીફ છે. બોલ શું ઇનામ આપું?" વાતને ટાળી દેવા એને કહ્યું.

"પપ્પાજી ઇનામ આપવું હોય તો એ વાત શેર કરો જે જે વાતે તમારી નીંદર ઉડાવી દીધી."

"બેટા વાતમાં કઈ માલ નથી તું ખોટી ચિંતા કરે છે." અનોપચંદે કહ્યું એ જ વખતે નીતાનો મોબાઇલ રણક્યો. નિનાદે ક્રિસ્ટોફર સાથે વાત પુરી કરીને નીતાને ફોન કર્યો હતો. "હા બોલ જાનુ" અનોપચંદની સામે નિનાદને જાનુ નીતાને સહેજ સંકોચ આવ્યો. એ અનોપચંદ સાથે સોફા પર બેઠી હતી ત્યાંથી ઊભી થઈ. નિનાદ જર્મનીમાં હતો અને કાલે પાછો આવવાનો હતો. 

"સોરી જાનુ, મારે અર્જન્ટ લંડન જવું પડશે. ત્યાં નાસામાં કૈક થોડો પ્રોબ્લેમ થયો છે. એટલે હવે ઇન્ડિયા આવતા એક અઠવાડિયું તો થશે જ"

"જરૂરી હોય તો જા. હું કોણ રોક્વા વાળી," કહેતા નીતા સોફાથી દૂર ગઈ અને પૂછ્યું. "જીતુભા તો ત્યાં હાજર છે તો પણ? શું બહુ મોટો પ્રોબ્લેમ છે." અનોપચંદની અમુક કંપનીમાં નીતા ડાયરેક્ટર હતી ઉપરાંત કંપનીના ઘણા કાર્ય એની દેખરેખ હેઠળ થતા એટલે એને ખ્યાલ હતો.

"હા. પણ કંપની પર પહેલીવાર ખુલ્લેઆમ હુમલો થયો છે એટલે મારે જવું જરૂરી છે. ચિંતા ન કર ડાર્લિંગ તારા માટે લંડનથી શું લાવું?" એકદમ ઠંડા દિમાગે નિનાદે પૂછ્યું. 

"મારે કઈ નથી જોઈતું. બસ જીવતો પાછો આવજે  નહીં તો." નીતા આજે લગ્નના 13 વર્ષ પછી પણ નિનાદના અવાજમાં રહેલી ચિંતા ઓળખી ન શકે એટલી મૂર્ખ ન હતી. 

"નહીતો શું.." વાતને હળવી કરવા નિનાદે પૂછ્યું. 

"નહીતો હું તારું ખૂન કરી નાખીશ." સહેજ મુશ્કુરાઈને નીતાએ ફોન બંધ કર્યો અને પછી અનોપચંદ પાસે આવી. અને ઉલટતપાસ લેતી હોય એમ એની સામે ઊભી, આંખોના ભવ ઉંચા કર્યા અને કહ્યું. "બોલો પપ્પાજી હવે શું કહેવું છે તમારું. ત્યાં જર્મનીમાં નિનાદને ખબર છે તો ચોક્કસ દીદી અને જીજુ પણ જાણતા જ હશે માત્ર હું જ આ ઘરમાં અણસમજુ છું કે આ ઘર પર આવેલ મુશ્કેલી મારાથી છુપાવી રહ્યા છો. કહીને સોફા પર બેસી ને રડી પડી. અનોપચંદે ઉભા થઈને ફ્રીજમાંથી પાણીની બોટલ કાઢી નીનાના હાથમાં આપી અને એના માથે હાથ રાખીને કહ્યું. "દીકરી તું તો સમજદાર છે. અને આ સમાચાર સવારે નાસ્તા વખતે તને કહેવાનો જ હતો અડધી રાત્રે તને જગાડીને કહેવા જેટલા અગત્યના આ સમાચાર ન હતા. અને નિનાદતો નાસાનો મેઈન પાર્ટનર છે વળી જર્મનીમાં છે એટલે એણે પોતે ત્યાં જવાનું નક્કી કર્યું છે. હજી મને પણ કહ્યું નથી. પણ મારી ચિંતા બીજી હતી."

"શું ચિંતા છે પપ્પાજી, તમારી આ લાડકી વહુ ને નહીં કહો." નીતા જયારે જયારે આ 'લાડકી વહુ' તરીકે અનોપચંદ પાસે કોઈ પણ માંગ કરતી ત્યારે અનોપચંદ એની દરેક ઈચ્છા પૂરી કરતો. 

"દીકરી આ સમાચાર પછી મારી નીંદર ઉડી ગઈ અને હું અહીં આવીને આ ગીતાના ઉપદેશ વાળા પેઇન્ટિંગ પાસે આવ્યો એ જ વખતે મને અંતરમાંથી ભણકારા ઉપડ્યા કે આ તો હજી શરૂઆત છે. આપણા મુશ્કેલ દિવસો શરૂ થઈ રહ્યા છે." કૈક હતાશાથી એણે કહ્યું સાંભળીને નીતા થથરી ગઈ. પણ મન મક્કમ રાખી એણે કહ્યું. 

"પપ્પાજી ગીતામાં શ્રી કૃષ્ણજી એ શું કહ્યું છે એ યાદ કરો જરા. એમણે ચોખ્ખું કહ્યું છે કે તું માત્ર કર્મ કર. ફળની અપેક્ષા ન રાખ. ફળ મળે, ન મળે, આપણે ધાર્યું હોય એવું ન મળે. તો પછી આ ચિંતા શું કામની. અત્યારે તો કોઈ ચિંતા નથી તો આ પળને માણો અને અત્યારે તમારું કર્મ સુવાનું છે એ કરો પ્લીઝ."

"તારી વાત સાવ સાચી છે મારી લાડકી વહુ. એટલે જ હું તને આ ઘરમાં સૌથી સમજદાર માનું છું. ઓકે ચાલ હવે સુઈ જા ગુડ નાઈટ" કહી અનોપચંદ પોતાના બેડરૂમમાં સુવા ગયો ત્યારે એને ખબર ન હતી કે બીજી મુસીબતના પગરણ મંડાઈ ગયા છે.

xxx

રવિવારની રાત હતી. "ઇન્ડિયન કરી''માં ખુબ ગીર્દી હતી લંડનની આ પ્રખ્યાત ભારતીય (ઓરીજનલ પાકિસ્તાની ની માલિકીની) રેસ્ટોરાં ગ્રાહકોથી ઊભરાતી હતી. અને બહાર વેઇટિંગમાં પણ કેટલાક લોકો પોતાનો નંબર આવે એની રાહ જોતા ઉભા હતા. આમ તો આ રેસ્ટોરાં + હોટેલ હતા. રોડ સાઈડ રેસ્ટોરાં પછી પાછળ થોડો કમ્પાઉન્ડ એરિયા અને પછી 4 માળની હોટેલ. એ વખતે ત્યાં એક કપલે પ્રવેશ કર્યો.યુવક ભારતીય હતો જયારે યુવતી યુરોપિયન હતી. મસ્તીથી ઝુમતાં આ કપલે રેસ્ટોરાંના પ્રાંગણમાં પ્રવેશ કર્યો અને એક ટેબલ માટે લોબી મેનેજરને પૂછ્યું.

"સોરી સર, તમારે થોડી રાહ જોવી પડશે. તમે સામેની બેન્ચ પર બેસી શકો છો." કહી પ્રાંગણમાં પડેલી બેન્ચ તરફ હાથ દેખાડ્યો. 

"ઓકે. થેન્ક્સ, કહી યુવક એ બેન્ચ બાજુ ચાલ્યો. જયારે યુવતીએ લોબી મેનેજરની થોડી નજીક ગઈ અને કહ્યું. "પ્લીઝ મને તમારા કિચનમાં ઓબ્ઝર્વેશન કરવા દેશો. એક્ચ્યુઅલમાં મારા બોયફ્રેન્ડના મોમ ડેડ નેક્સ્ટ વીક મને જોવા આવવાના છે. જો હું પસંદ પડીશ તો મારા મેરેજ થઈ જશે. કોઈ કિચન સ્ટાફ ફ્રી હશે તો એક કવિક રેસિપી હું શીખી લઈશ.હું તમને ગુડલક તરીકે 250 પાઉન્ડ પણ આપીશ.'

લોબી મેનેજરે એક મિનિટ એની સામે જોયું. લગભગ 33-34 ની લગતી આ યુવતી પેલા ભારતીય યુવક કરતા ચોક્કસ વધુ ઉંમરની હતી એ તો એક નજરે જ સમજાતું હતું. કોઈકની દુવાઓ મળે તો સારું. વિચારીને એણે કહ્યું. “પાછળથી કિચનમાં જવાશે 10 મિનિટમાં બહાર આવી જજો અંદર જઈને મખ્ખન લાલને મળજો એ ઇન્ડિયન રેસિપીનો બાદશાહ છે. મોડું ન કરતા નહિતર મારી નોકરી જશે.”

"થેંક્યુ.” કહી એ યુવતીએ પોતાના પર્સમાં હાથ નાખ્યો."

"રહેવા દે એની કોઈ જરૂર નથી." લોબી મેનેજરે કહ્યું. જવાબમાં યુવતીએ એક સ્માઈલ આપી અને પાછળની સાઇડથી કિચન તરફ ભાગી. પોતાના ફોનમાં ગુમ થયેલ યુવાને પાંચેક મિનિટ પછી આજુબાજુમાં પેલી યુવતીને શોધવા લાગ્યો. લોબી મેનેજરના ધ્યાનમાં આવતા એણે કહ્યું એ પાંચ મિનિટમાં આવી જશે. કિચન જોવા ગઈ છે. રાહત અનુભવતા યુવકે થેંક્યુ કહ્યું. અને પછી વોશરૂમ વિશે પૂછ્યું. લોબી મેનેજરે કહ્યું રેસ્ટોરાંમાં અંદર જઈને લેફ્ટ કોર્નર પર છે"

"હું યુઝ કરી શકું?." યુવકે પૂછ્યું. 

"ચોક્કસ, સર ત્યાં સુધીમાં મેમ પણ કિચનમાંથી આવી જશે."

"થેન્ક્યુ" કહીને યુવક અંદર પ્રવેશ્યો.રેસ્ટોરાં ખરેખર ભવ્ય હતી. લગભગ 40  ટેબલ કસ્ટમર માટે હતા. રોશનીના ઝળહળાટ ની સાથે જ મોગરાનું એર ફ્રેશનર થોડી થોડી વારે સ્પ્રે થતું અને વાતાવરણમાં એક મદહોશી છવાઈ જતી હતી યુવકે લેફ્ટ કોર્નર માં રહેલા વોશરૂમમાં પ્રવેશ કર્યો. અને લગભગ 3 મિનિટ પછી એ બહાર આવ્યો. એક અડછતી નજર એણે જમી રહેલા લોકો તરફ નાખી. એની નજર ફરતા ફરતા એક ટેબલ પર અટકી ત્યાં એક યુવાન કપલ જમી રહ્યું હતું. યુવક-યુવતી બંનેની ઉંમર લગભગ 24-25 આસપાસ હતી યુવતીનો ચહેરો સામે હતો, યુવકની પીઠ નજરે પડતી હતી. એકાદ ક્ષણ એ યુવાન કપલ સામે જોતો રહ્યો. અચાનક એના હૃદયના ધબકારા જાણે થંભી ગયા હોય એવું એને લાગ્યું. એ યુવતીનો ચહેરો જાણીતો હતો. પણ કોણ? ઓહ્હ ગોડ ચતુર સામે બારેટા તાકીને ઊભેલી યુવતીને પોતે બુલેટની લાઇટમાં જોઈ હતી. એ વાત એ યુવાન( જીતુભા) નાં ધ્યાનમાં આવી. ગુલાબચંદની ભત્રીજી નીના ગુપ્તા. ઉર્ફે નાઝનીન એની સામે બેસીને ડિનર કરી રહી હતી હવે નાસા પર કોણે એટેક કરાવ્યો એ સમજાઈ રહ્યું હતું. પણ જીતુભાને ખબર ન હતી કે જમણી બાજુના 4 નંબરના ટેબલ પર બેઠેલું બીજું એક કપલ એની સામે જોઈ રહ્યું હતું અને જેમ જીતુભાએ નાઝને ઓળખી હતી એમ એ કપલમાંની પ્રૌઢ સ્ત્રીએ એને ઓળખ્યો હતો.  

 ક્રમશ:

 શું ખરેખર અનોપચંદ ને એના ફેમિલીના કપરા દિવસો શરૂ થઈ ગયા છે? હવે એમના પર બીજી કઈ મુસીબત આવવાની છે? ત્યાં લંડનમાં જીતુભાને ઓળખી કાઢનાર પ્રૌઢ સ્ત્રી કોણ છે. એ મદદગાર છે કે મુસીબત? જાણવા માટે વાંચતા રહો. તલાશ 2 ભાગ 7

 તમને આ વાર્તા કેવી લાગે છે. અથવા આ વાર્તા અંગેના કોઈ સૂચનો હોય તો મને 9619992572 પર વોટ્સઅપ કરી ને જરૂરથી જણાવશો. 

 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED