talash 2 part 3 books and stories free download online pdf in Gujarati

તલાશ 2 - ભાગ 3

 ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. 

 

જીતુભા સ્તબ્ધ થઈને ઉભો હતો. એને કઈ સુઝકો પડતો ન હતો. એકાદ મિનિટ વિચારી એણે ચાર્લીને કહ્યું "તું મારી સાથે ચાલ,માઈકલ ના ઘરે." અને  વિલિયમના સાથી 2 પોલીસ વાળાને કહ્યું. "તમે અહીં તપાસ કરો મારે માઈકલના ઘરે જવું પડશે. એની દીકરીનો જીવ જોખમમાં છે. " 

"હું વાયરલેસ થી જણાવું છું પોલીસ ડિપાર્ટમેન્ટ એની હેલ્પમાં પહોંચશે." 2 માંથી જે સિનિયર હતો એણે કહ્યું. એ માઈકલ અને સિન્થિયાનો પરિચિત હતો. 

"થેન્ક્યુ." કહી જીતુભા ચાર્લીએ ચાલુ કરેલી કારમાં બેઠો. અને પછી સિન્થિયાને ફોન લગાવ્યો.

xxx

 માઈકલ અને બીજા ઘાયલોને લઈને એમ્બ્યુલન્સ હોસ્પિટલ પહોંચી ત્યારે 7-40 વાગ્યા હતા. ફટાફટ એમને ICU માં શિફ્ટ કરાયા જયારે લોલાનાં અને માર્કોસના શરીરને પોસ્ટમોર્ટમ માટે લઇ જવાયા. આમ તો આવા શૂટ આઉટ ના કિસ્સામાં ડોક્ટર અને ખાસ તો વોર્ડબોય અને ક્લાર્કની હોસ્પિટલના પ્રોસિજર વિષે મગજમારી આખી દુનિયામાં હોય છે, પણ આ એરિયાનો પોલીસ સાર્જન્ટ ખુદ સાથે હતો એટલે પહેલા ફટાફટ ઘાયલોની સારવાર શરૂ થઈ. દરમિયાનમાં વિલિયમે પોતાની પત્ની અને સગાવહાલાને હોસ્પિટલમાં બોલાવ્યા. સિન્થિયા એની સાથે જ હતી એ જ વખતે જીતુભાનો ફોન સિન્થિયાને આવ્યો અને સાથે સાથે કંટ્રોલ રૂમમાંથી વિલિયમને પણ મેસેજ ગયો કે, મિશેલનો જીવ જોખમમાં છે. બન્નેના ફોન ડિસકનેક્ટ થયા એટલે સિન્થિયાએ વિલિયમને કહ્યું. "હું ઘરે જાઉં છું તું આ લોકોની સારવાર બરાબર ચાલે એમ જોજે"

"સિંથી, પોલીસ પહોંચતા જ હશે. મિશેલને કંઈ નહીં થાય. મેં હમણાં જ 1 દીકરી ગુમાવી છે. બીજીને ચોક્કસ ભગવાન કઈ નહિ થવા દે."

"વિલી, મને પોલીસ ડિપાર્ટમેન્ટ અને જીતુભા બન્ને પર ભરોસો  છે. અને ચાર્લી પણ સાથે છે. પણ હવે મારે થોડા દિવસ અહીં દોડા રહેશે અને મિશેલ ને એકલી ઘરે રાખવી યોગ્ય નથી. હું એકાદ કલાકમાં જ કંઈક વ્યવસ્થા કરીને આવી જઈશ. અને તારે લોલાનાં ફયુરનલની તૈયારીમાં જવું હોય તો એકાદ કાબેલ ઓફિસર ને અહીં પ્રોટેક્શન માટે મોકલી દેજે. ઓફિસીયલ લેટર હું પછી આપી દઈશ. 

xxx

સિન્થિયા સાથે વાત પૂરી કરી જીતુભાએ ચાર્લીને પૂછ્યું "કેટલી વાર"

"બસ 2-3 મિનિટ અને આપણે ત્યાં પહોંચી જઈશું. હું તમને પાછળથી કવર આપીશ તમે આગળ જજો."

"ના ચાર્લી તું આગળ જ જે. હું તને કવર આપીશ" કંઈક વિચારીને જીતુભા એ કહ્યું.

"કેમ મોતનો ડર લાગે છે બોસ" કંઈક વ્યંગ થી ચાર્લી બોલ્યો. જીતુભાને મન થયું કે એક અડબોથમાં આનું જડબું તોડી નાખું. જે રીતે માઈકલની ચેમ્બરમાં એ સિન્થિયાને પાછળથી વળગ્યો હતો એ બાબતનો ગુસ્સો એના મનમાં હતો પણ અત્યારે એને એ ઉચિત ન લાગ્યું. 

"કેમ જવાબ ન આપ્યો." ચાર્લી એ ફરીથી એને ઉશ્કેર્યો. 

"એનો જવાબ અત્યારે આપવાનો સમય નથી ચાર્લી. ફોલો ધ ઓર્ડર" કૈક ઉંચો અવાજ કરીને જીતુભાએ કહ્યું. એ ચાર્લીના સ્વભાવથી થી સારો એવો પરિચિત હતો. હમણાં થોડી વાર પહેલા જ જે રીતે નાસામાં ખૂની ખેલ ખેલાયો એના વિશે વિચારતો હતો. પણ એના ડિટેક્ટિવ દિમાગમાં કૈક ખુંચતું હતું. કંઈક ગરબડ છે એવું સતત એને લાગી રહ્યું હતું.ચાર્લીનો પરિચય માઈકલે જે રીતે આપ્યો હતો એ મુજબ એનું સ્થાન નાસામાં માઈકલ અને સિન્થિયા પછીનું હતું. જીતુભાના જ કદ કાઠીનો અને દુનિયાની બેસ્ટ ટ્રેનિંગ એણે નાસામાં આવીને મેળવી હતી  લગભગ 3-4 વર્ષ એણે પોતાની નાનકડી સિક્યુરિટી સર્વિસ એજન્સી ચલાવી હતી. માઈકલ ને પાંચેક વરસી ઓળખતો હતો અને  માઈકલના કહેવાથી જ એણે નાસામાં પોતાની કંપની મર્જ કરી હતી એના ઘણા કારણો હતા એમાં એક મકસદ સિન્થિયાને પામવાનો પણ હતો અને એમાં એ સફળ પણ રહ્યો હતો.  

xxx

જે વખતે જીતુભા અને ચાર્લી માઇકલના ઘરે પહોંચ્યા, એના 2 મિનિટ પહેલા હત્યારો ત્યાં પહોંચ્યો હતો. એ મીડીયમ સાઈઝનું રો હાઉસ હતું. મેઈન ગેટ પછી લગભગ 25 ફૂટ સુધી ગાર્ડન એરિયા કમ્પાઉન્ડમાં હતો મેઈન ગેટની સામે જ ઘરમાં પ્રવેશવાનો મુખ્ય દરવાજો હતો અને એટલા ભાગમાં મોટર વે હોવાથી ઘાસ ન હતું બાકી ઘરની ચારે તરફ લીલુંછમ ઘાસ ઊગ્યું હતું જેને ટ્રિમ કરવા 15 દિવસે એક વખત એક ગાર્ડનર આવતો હતો મુખ્ય દરવાજા થી ડાબી તરફ ગેરેજ હતું નીચે મસ્ત મોટો હોલ ,કિચન અને એક સ્ટડી રૂમ હતા જયારે ઉપર 2 મોટા બેડરૂમ અને એક નાનકડું જિમ બનાવેલું હતું. હત્યારો પ્રવેશ્યો ત્યારે મિશેલ પોતાના બેડરૂમમાં સ્કૂલનું હોમવર્ક કરી રહી હતી. હાઉસ કીપર મિસિસ બ્રિગેન્ઝાએ 10 મિનિટ પહેલા એના હાથમાંથી વિડિઓ ગેમ મુકાવી હતી અને સ્કૂલનું હોમવર્ક પૂરું કરવા કહ્યું હતું. પછી પોતે નીચે કિચનમાં ડિનરનું પ્રિપેરેશન કરવા આવી હતી લગભગ 50-52 વર્ષની એ વિધવા યુરોપિયન બાઈ ધાર્મિક હતી દર રવિવારે ચર્ચમાં હાજરી આપતી એનો ઘણી મિલિટરીમાં હતો અને એક પ્લેન ક્રેશ માં 5 વર્ષ પહેલા મરી ગયો હતો એની પોતાની એક નાનકડી એસેટ્સ હતી પણ ટાઈમ પસાર કરવા માટે એને માઈકલ અને સિન્થિયાના ઘરની જવાબદારી સાંભળી હતી અને જાણે સિન્થિયા કે માઈકલની માં હોય એમ એ ઘર અને મિશેલ ને સાંભળતી એટલે જ એ બન્ને નિશ્ચિત થઈને પોતપોતાના કામ કરી શકતા. મિસિસ બ્રિગેન્ઝા અચૂક સવારે સાત સવા સાત વાગ્યે આવી જતા. એનું ઘર માઈકલના ઘરથી માંડ 5 મિનિટના અંતરે હતું. સાંજે જયારે માઈકલ અથવા સિન્થિયા આવી જાય પછી ડિનર કરીને જ એ પોતાના ઘરે જતા. અને જો બન્ને ન આવવાના હોય કે અડધી રાત પછી આવવાના હોય તો મિશેલના જ બેડરૂમમાં એમના માટે એક સોફા બેડ બનાવેલો હતો એમાં સુઈ જતા. આજે સન્ડે હતો એટલે એ મોડા આવ્યા હતા. અને માઈકલ જર્મનીમાં હતો અને સિન્થિયા જીતુભાને ટ્રેનિંગ આપવા વહેલી નીકળી ગઈ હતી એટલે સવારના ભાગમાં મિશેલે મસ્ત રવિવાર માણ્યો હતો પોતાની વિડીયોગેમ લઈને એ પડોશમાં રહેતી એની ફ્રેન્ડ એનાના ઘરમાં ખૂબ મોજ કરી હતી. બપોરે 1 વાગ્યે મિસિસ બ્રિગેન્ઝા આવ્યા હતા અને મિશેલને એનાના ઘરેથી બોલાવી અને પછી થોડી પ્રેયર કરાવી સુવડાવી હતી. પછી સ્કૂલનું હોમવર્ક કરવા કહ્યું પણ મિશેલે હજી વિડિઓ ગેમ રમવી છે એવી જીદ કરી છેવટે એક કલાક પિયાનો લેશન અને એક કલાક વિડીયો ગેમ પછી હોમવર્ક એવી ડીલ થઈ હતી. એ મુજબ મિશેલને હોમવર્ક કરવાનું કહી મિસિસ બ્રિગેન્ઝા કિચનમાં ડિનરની તૈયારીમાં લાગ્યા 'આજે સન્ડે છે એટલે માઈકલને ચિલ્ડ રમ જોઈશે.' વિચારીને એમણે રમની 2 બોટલ ફ્રિઝમાં મૂકી કદાચ ચાર્લી પણ આવે એટલે ઓવેનમાં થોડા બ્રેડ વધુ શેક્યા. અને પછી ડીશ વોશર શરૂ કરીને બપોરના વાસણ સાફ કરવા લાગ્યા. એજ વખતે હત્યારા એ બંગલાના મેઈન ગેટ ની અંદર પ્રવેશ કર્યો.  

xxx

'આવડી મોટી સિક્યુરિટી એજન્સી ચલાવે છે અને પોતાના ઘરમાં એક પણ સિક્યુરિટી ગાર્ડ નથી રાખ્યા.' મનોમન વિચારતા એ આગળ ચાલ્યો. પોતાની ગન પર લગાડેલા સાઇલેન્સર ને ચેક કરીને આગળ વધતા એણે જોયું કે કોઈ બાઈ કિચનમાં કંઈક કરી રહી છે. કિચનની ખુલ્લી બારીમાંથીએ જોતા જ એને યાદ આવ્યું કે પોતાને હાયર કરનારે કહ્યું હતું કે એની કામવાળી કદાચ ઘરે હશે. હમણાં જ ઘરના માલિક ને એ લોકો ખતમ કરીને આવ્યા હતા. પોતાના 3 સાથીને 1000 પાઉન્ડ અને પોતાને આ એક્સ્ટ્રા કામ કરવાના વધારાના બીજા એમ કુલ 2000 પાઉન્ડ રોકડા એડવાન્સમાં મળી ગયા હતા. આજકાલ લુંટફાટમાં જોખમ જાજુ હતું અને વળતર ઓછું હતું, વળી ડ્રગનો નસો વળગ્યા પછી રોજ પૈસા ખૂટતાં. પોતાના જેવા નશેડી સાથે એ બપોરે એક બારમાં ટાઈમ પાસ કરતો હતો ત્યાં એક કપલે આવ્યું હતું બંનેના ચહેરા પર માસ્ક હતા. અને આવીને એમને ઓફર કરી હતી કે સાંજે એક ઓફિસમાં અને પછી એક ઘરમાં શૂટ આઉટ કરીને જેટલા દેખાય એ લોકોને ઉડાવી દેવાના છે. બધાને 1000 પાઉન્ડ અને ઘરે જઈને એક નાનકડી છોકરી અને એની મેઈડ ને મારવાના બીજા 1000 પાઉન્ડ એક્સ્ટ્રા.ગન પણ એ કપલે જ બધાને આપી હતી. અને પોતાને અહીં આવવા સુધી કાર પણ એ કપલે આપી હતી. બસ માંડ 3 મિનિટ અને પછી છુટા. વિચારીને એ કિચનની બારી તરફ ચાલ્યો.

xxx

ઓવેનમાં મુકેલા પાઉંની સુગંધે મિસિસ બ્રિગેન્ઝાનું ધ્યાન ખેંચ્યું અને એ ડીશવોશર બંધ કરવા સ્વીચ બોર્ડ તરફ ફર્યા એજ વખતે હત્યારાએ ફાયર કર્યો પણ એકાદ ફૂટ દૂર સ્વીચ બોર્ડમાં સ્વીચ બંધ કરવા એ ફર્યા હતા અને નિશાન ફેલ ગયું. સાઇલેન્સર ના કારણે માત્ર 'પિટ' એવો નાનો અવાજ આવ્યો પણ જ્યાં તેનું માથું હતું ત્યાં રહેલા અનાજના ડબ્બાઓમાં ગોળી ઘૂસી એને એમાં મોટું ભગદાળુ પાડી દીધું એના અવાજથી મિસિસ બ્રિગેન્ઝા ચોંક્યા. માત્ર 10 સેકન્ડમાં આ બધું બની ગયું. એ વિસ્ફારિત નેત્રે તૂટેલા ડબાને જોઈ રહ્યા. થોડી સેકન્ડ પછી એને સમજાયું કે શું થયું છે એમની નજર બારીમાંથી બહાર પડી અને એક નસેડી ને ગન ઝુલાવતા ત્યાં ઊભેલો જોયો એને એક ચીસ એમના મોં માંથી નીકળી ગઈ. એ ચીસથી હત્યારો પણ ચોંક્યો. એને હતું કે એક જ ગોળીથી કામ પતિ ગયું છે. પણ એણે જોયું કે મિસિસ બ્રિગેન્ઝા તો ભાગી રહ્યા છે. એને બીજી વખત નિશાન સાધ્યું પણ એટલા વખતમાં મિસિસ બ્રિગેન્ઝા કિચનમાંથી બહાર હોલમાં ધસી ગયા હતા. પહેલા એણે ઘરના મુખ્ય દરવાજા ને અંદરથી લોક છે કે નહીં એ ચેક કર્યું અને પછી એક ખૂણામાં પડેલા લેન્ડલાઈન ફોન પાસે પહોંચ્યા. અને પોલીસ કન્ટ્રોલ લાઈનમાં ફોન લગાવવા માંડ્યા. પણ એમણે  એક ભૂલ કરી હતી. હોલની બારીઓ ખુલ્લી હતી. 

xxx

હત્યારો કિચનની બારી તરફ ચાલ્યો  એને મનમાં થોડો ડર પણ લાગી રહ્યો હતો. આ સિક્યુરિટી કંપની વાળાનું ઘર છે કદાચ ઘરમાં ગન પણ હોય એ સાવધાની કિચનની બારી પાસે પહોંચ્યો. બારીમાં લોખન્ડની મજબૂત ગ્રીલ લગાવેલી હતી એમાંથી અંદર પ્રવેશવું શક્ય ન હતું. પણ બારીમાંથી હોલનું થોડી દ્રશ્ય દેખાતું હતું પણ કોઈ માણસ નજરે પડતા ન હતા. 'ઓહ શીટ' કહીને એ મુખ્ય દરવાજા પાસે ગયો અને ધકેલીને અંદર જવાનો પ્રયાસ કરવા લાગ્યો એ જ વખતે મિસિસ બીરીગેન્ઝા પોલીસ કંટ્રોલમાં ફોન લગાવી રહ્યા હતા અને મિશેલ એમની ચીસ સાંભળી પોતાના બેડરૂમમાંથી નીચે આવી હતી. 

"તું અહીં શું કરે છે. પાગલ છોકરી જ ઉપર તારા બેડરૂમમાં ભરાઈ જા અને અંદરથી લોક કરી નાખજે અને તારા મોમ કે ડેડ જ્યાં સુધી આવીને તને બહાર ન બોલાવે ત્યાં સુધી ન આવતી.અહીં હત્યારાઓ આવ્યા છે.” રાડ પડતા મિસિસ બ્રિગેન્ઝા એ મિશેલને જોતા જ કહ્યું.  

આ વાક્ય હત્યારા એ પણ સાંભળ્યું અને પોતાના બન્ને શિકાર હોલમાં જ છે આજ મોકો છે વિચારીને એ ઝડપથી હોલની દીવાલે દીવાલે પાછળની સાઈડ પહોંચ્યો એને જોયું તો હોલની બારી ખુલ્લી હતી ફલાંગ મારતા એ બારી પાસે પહોંચ્યો અને અંદર નજર કરી. એક બાઈ જે કિચનમાં હતી એ ફાથમાં રીસીવર લઈને ઉભી છે અને એક ટીનેજ છોકરી પિન્ક ફ્રોકમાં એની બાજુમાં ઉભી છે. એણે નિશાન સાધ્યું એજ વખતે મિસિસ બ્રિગેન્ઝાની વાત સમજીને ડરથી કાંપતી મિશેલનું ધ્યાન બારીમાં ગયું. ત્યાં કોઈ ઉભું હતું અને એના હાથમાં ગન હતી. "મિસિસ બ્રિગેન્ઝા ઝુકો" બોલતા મિશેલ એના ગળે જોરથી વળગી અને બંને સમતુલન ગુમાવીને હોલમાં પાથરેલા ગાલીચા પર પડ્યા. એજ વખતે હત્યારાએ ચલાવેલ ગોળી જ્યાં મિસિસ બ્રિગેન્ઝાનું માથું હતું ત્યાંથી પસાર થતી અને હોલની કિચનના બહારના ભાગની દીવાલમાં ઘુસી. હત્યારા એ સેફટી કેચને હટાવીને ગન ફરીથી લોડ કરી 7-8 સેકન્ડ આમા લાગી એ દરમિયાનમાં મિસિસ બ્રિગેન્ઝા અને મિશેલ હોલમાં રહેલા સોફા પાછળ ભરાયા. "મારી બચ્ચી તે આજે મારો જીવ બચાવ્યો." એણે મિશેલના માથે વ્હાલથી હાથ ફેરવતા કહ્યું. 

"બન્ને સોફાની પાછળથી બહાર આવો નહીતો એક જ ગોળી અને દરવાજાનું લોક ઉડાવી દઈશ. અને એ ય નેની. તું જીવતી રહે તો મને વાંધો નથી છોકરીને બહાર ધકેલ અડધી મિનિટમાં છોકરી સોફા પાછળથી બહાર નહીં આવે તો તું નાહકની મરીશ" ક્રૂર અવાજે હત્યારાએ ત્રાડ પાડી. એજ વખતે ચાર્લી અને જીતુભા માઈકલના રો હાઉસના મેઈન ગેટ પર પહોંચ્યા.  

 

 ક્રમશ:

 

શું મિશેલ અને મિસિસ બ્રિગેન્ઝાનો જીવ બચશે? કોણ હતા એ માસ્ક્ધારી કપલ જેણે માઈકલને અને મિશેલને મારી નાખવાની સોપારી આપી હતી. શું  નાસામાંથી જ કોઈ ફુટેલુ છે? માર્શા ક્યાં છે? જાણવા માટે વાંચો તલાશ 2 ભાગ 4

 

 તમને આ વાર્તા કેવી લાગે છે. અથવા આ વાર્તા અંગેના કોઈ સૂચનો હોય તો મને 9619992572 પર વોટ્સઅપ કરી ને જરૂરથી જણાવશો. 

 

 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED