તલાશ 2 - ભાગ 1 Bhayani Alkesh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તલાશ 2 - ભાગ 1

ડિસ્ક્લેમર એક કાલ્પનિક વાર્તા છેતથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે લખવાનો  હેતુ માત્ર મનોરંજન નો છે

તલાશ પોતાના અસ્તિત્વની. 

તલાશ પોતાના સ્વજનો ની સલામતી, સુખ, શાંતિની.

તલાશ દેશ માટે જાનની બાજી લગાવનાર નરબંકાઓની 

તલાશ દેશના દુશમનોની  

તલાશ દેશમાં છુપાયેલા દેશદ્રોહીઓની.  

 

તલાશ 1 વાંચવા માટે માતૃભારતી ગુજરાતી એપ જુઓ.  https://www.matrubharti.com/bhayani

આભાર અને અપેક્ષા

તલાશ 2 આજથી શરૂ થઇ રહી છે, ત્યારે હર્ષની લાગણી અનુભવાઈ રહી છે. તલાશ 1ને જે રીતે વાચકો એ આવકારી, સરાહી એ બદલ તમામ વાચકોનો ખુબ ખુબ આભાર. તલાશ 2માં અમુક મુખ્ય પાત્રો એજ છે જે તલાશ 1 માં હતા. અને તલાશ પણ એ જ છે, દેશના અંદરના અને બહારના દુશમનોને શોધીને એને ઠેકાણે પાડવાના. આને સિક્વલ રૂપે પણ વાંચી શકાશે અને એક અલગ નોવેલ તરીકે પણ. તલાશ 1 જ્યાં પૂરી થઈ હતી એના લગભગ 2 મહિના પછી (એટલે કે 28 માર્ચ 1999) તલાશ 2 શરૂ થાય છે. તો તમારા સગા-વ્હાલા કુટુબીઓ અને મિત્રો સાથે જોડાઈ જાઓ આ તલાશ-2માં.

 

તલાશ 2 ભાગ 1

‘હું... હું... હું ઉ...  હું... ‘એમ હાંફતા હાંફતા જીતુભા દોડી રહ્યો હતો. 67 આલબર્ટ સેન્ટ રોડ ના કોર્નર પર આવેલા પબ્લિક પાર્કમાં આવેલા જોગિંગ ટ્રેક પર ભાગતા ભાગતા એણે જમણી બાજુ સાઈડમાં લાગેલી બેંચો પર એક નજર કરી. એક ગોરી ચિટ્ટી લગભગ 33-34 વર્ષની યુવતી ખુલ્લા ગળાના પિન્ક ટોપ અને બ્લેક કલરનું ટેંક પેન્ટ પહેરીને બેઠી હતી.લગભગ પોણા છ ફૂટ હાઈટ અને લોન્ગ રોઝર કટ બોબ્ડવાળ એના યુરોપિયન ફીચર્સ વાળા ચહેરા પર ખુબ જ શોભી ઉઠતા હતા. કસાયેલું શરીર ધરાવતી એ યુવતી વારંવાર જીતુભા સામે અને પછી પોતાના હાથમાં રહેલી ઘડિયાળ સામે જોતી હતી લગભગ 250 મિટરનો જોગિંગ ટ્રેક હતો. દોઢ મિનિટ પછી જીતુભા ફરીથી એની નજીક આવ્યો ત્યારે એ યુવતી બેન્ચ પરથી ઉભી થઇ અને જીતુભા સામે સ્માઈલ કર્યું. અને જીતુભા દોડવાનું બંધ કરીને હળવે પગલે ચાલતો એની નજીક ગયો. જીતુભાનો શ્વાસ ફૂલી ગયો હતો એની છાતી ધમણની જેમ હાંફતી હતી. પૂરું શરીર પરસેવાથી રેબઝેબ હતું.

"12 મિનિટમાં 16 ચક્કર એટલે કે 4 કિ મી. વાઓ. જીતુભા તું કમાલ છે." 

"દીદી, આમાં કમાલ શું. મારે 20 ચક્કર મારવા સુધી પહોંચવું હતું પણ હવે એ શક્ય નથી 2 દિવસમાં તો મારે પાછું જવાનું છે."

આ 2 દિવસમાં પાછા જવાવાળુ વાક્ય એ યુવતીને ચુભ્યું. એના હૃદયમાં શેરડો પડ્યો. કમાલનો છે આ માણસ. હું આટલા દિવસથી એની સામે રોજ નવા શૃંગાર કરીને આવું છું પણ એનું ધ્યાન તો માત્ર અને માત્ર ટ્રેનિંગમાં જ છે. કદી મારી સામે, મારા શરીર સામે ધ્યાનથી જોતો પણ નથી અને આ "દીદી" એટલે શુ? વારંવાર મને દીદી કહીને સંબોધે છે. જાણવું પડશે.

"બેસો જીતુભા" એણે ધરાર માનયુક્ત બેસો શબ્દ વાપર્યો જ્યારે જીતુભાએ એને પહેલેથી જ પરમિશન આપી હતી કે મને માનવાચક શબ્દ ન કહેવા. "અને મારુ નામ સિન્થિયા છે. તમે મને સિંથી કે બીજું કંઈ કહી શકો છો પણ આ દીદી એટલે શું?" આખરે એણે પૂછીજ લીધું. એ સિન્થિયા હતી યુરોપની 'NASA' (નિનાદ અગ્રવાલ સિક્યુરિટી એજન્સી)ના હેડ માઈકલની પત્ની અને નાસાની સૌથી કાબેલ એજન્ટ. 

"અરે દીદી, તમને દીદી નો અર્થ નથી ખબર દીદી એટલે કે મોટી બહેન એલ્ડર સિસ્ટર" જીતુભા એ મુસ્કુરાતા કહ્યું. સાંભળીને સિન્થિયાને ઝટકો લાગ્યો. પોતે MI 6 માં કામ કરતી ત્યારે, અને 2-3 વખત નાસામાં પણ હનીટ્રેપ તરીકે કામગીરી બજાવી હતી એને પોતાના રૂપ સૌંદર્ય પર અભિમાન હતું કોઈ પણ પુરુષ પોતાની રૂપજાળથી બચી ન શકે એવો અહંકાર એને હતો અને આ આ જીતુભા ભલે એનો બોસ હતો એને હાયર કરનાર કંપની એ નીમેલો એનો ઉપરી પણ હતો તો આખરે પુરુષ જ ને. જ્યારે લગભગ 22 દિવસ પહેલા જીતુભા બેલ્જીયમ અને ફ્રાન્સથી તાલીમ લઇ અને લંડન આવ્યો અને પહેલીવાર એને જોયો ત્યારે જ એ જીતુભાનાં મર્દાના શરીરને જોઈને. 'આને તો ગમે તે ભોગે મારી સાથે રાત ગુજારવી જ પડશે.' મનોમન સિન્થિયા એ નક્કી કરી લીધું હતું અને જીતુભા ને ડિનર કરાવવા માટે એની હોટેલ પર લેવા જતા રસ્તામાં એણે માઈકલને આ બાબતનો ઈશારો પણ કરી દીધો હતો. માઈકલ પણ સિન્થિયાના ભમરાળા વિચારોથી વાકેફ હતો. એને એ બાબતનો કોઈ છોછ ન હતો. એ પોતે પણ કામના ભાગ રૂપે અને એમ જ કેટલીય યુવતીઓના સંપર્ક રહેતો અને એ બધું સિન્થિયાની નજર સમક્ષ રહેતું. હમણાં છેલ્લા 7-8 મહિનાથી આવેલ ચાર્લી સિન્થિયાની ખુબ જ નજીક છે, એ પણ માઈકલ ને ખ્યાલમાં હતું. એને એમાં બહુ વાંધો ન હતો. પતિ -પત્ની બન્ને યુરોપિયન માહોલમાં જન્મી અને મોટા થયા હતા અને પોતપોતાની લાગણી અને ઈચ્છા એક બીજા સાથે કઈ પણ છુપાવ્યા વગર શેર કરતા હતા. પોતાની દીકરીને સિન્થિયા સારી રીતે ઉછેરે છે અને સાથે સાથે ઓફિસની કામગીરી પણ બરાબર કરે છે પછી બીજી બધી બાબતો એના માટે નગણ્ય હતી. પણ જીતુભા વિશેના વિચારો સિન્થિયાએ કહ્યા એનાથી એ ચોંક્યો હતો. અને એણે સિન્થિયાને ચેતવણી આપતા કહ્યું પણ ખરું. "સિંથી એ આપણા બન્નેના બોસ છે ખબર છે ને કે ભૂલી ગઈ?"

"ખબર છે. અને જો એને હું મારી પથારીમાં નાખીશ તો આપણા બંનેનું પ્રમોશન પાક્કું છે." સિન્થિયાએ હસતા હસતા કહ્યું.

"પણ તું સમજતી નથી એ યુરોપનો કોઈ છેલબટાઉ વાસના ભૂખ્યો બોસ નથી. એ હિન્દુસ્તાનમાં જન્મેલો કૌટુંબિક વિચારોમાં માન્યતા ધરાવનારો છે. જ્યાં આવા સંબંધો તો ઠીક, છૂટાછેડા લેવા એ પણ સમાજના ગળે ઉતરવું અઘરું છે. તું એને કેવી રીતે.." કહી માઈકલે વાક્ય અધૂરું મૂક્યું. 

"તું એની ચિંતા છોડી દે" હોટેલની પાર્કિંગમાં કાર પાર્ક કરતા સિન્થિયા એ હસતા હસતા માઈકલને કહ્યું. "તું ફક્ત એટલું એરેન્જ કરી દે કે એની ટ્રેનિંગના છેલ્લા 3-4 દિવસ જે ટ્રેનર આવવાનો છે એ ક્યાંક ગાયબ થઇ જાય બાકી બધું હું ફોડી લઇશ." 

"ઉભી રહે, 2 પ્રશ્ન છે." કહી માઈકલે એને રોકી. "ચાર્લી સાથેની તારી નિક્ટતાનું શું? છેલ્લા 3 મહિનામાં ઘણી રાતો...."

"બીજો પ્રશ્ન બોલ, માઈક, ચાર્લી તો ટાઈમ પાસ માટે છે. તું મોટા લોકોની સલામતીના પ્રોજેક્ટના બહાને આફ્રિકા રશિયા હવાઈ ટાપુ પર 4-5 મહિનાથી ફર્યા કરે છે. હું એકલી બોર થતી હોઉં છું અને મને એની કંપની ગમે છે."

"શું જીતુભા સાથે વન નાઈટ. સ્ટેન્ડ કે પછી,...." કંઈક ખિન્નતા થી માઈકલે પૂછ્યું. 

"જોઈએ, પણ મને નથી લાગતું કે વન નાઈટ થી મારું મન ભરાય. પણ એટલું યાદ રાખજે માઈકલ કે હું ગમે ત્યાં અને ગમે તેની સાથે રખડીશ, પણ છેવટે તું જ મારો પતિ છે અને મિશેલ મારી દીકરી. મારી દુનિયા તમે 2 જ છો. અને તને પણ બધી છૂટ છે પણ યાદ રાખજે તારી પત્ની અને દીકરી તારી રાહ જોઈ રહ્યા છે તારા ઘરે. ખબરદાર જો અમને અધવચ્ચે મુકવાનું વિચાર્યું તો. છુટાછેડા તો દૂરની વાત છે. મોત પણ આપણને અલગ નહીં કરી શકે.”  

"દીદી, શું વિચારમાં ચડી ગયા." જીતુભાનાં આ વાક્યથી સિન્થિયા પાછી વાસ્તવિકતામાં આવી. એ છેલ્લા બે-ત્રણ દિવસથી જીતુભાની ટ્રેનર બની હતી. યુરોપ અને અમેરિકા રશિયા અને ખાસ તો ઈઝરાઈલ કમાન્ડો દ્વારા એ તાલીમ પામી હતી અને એ પોતે એક કાબેલ એજન્ટ હતી. જીતુભા ને એણે ઘણું શીખવ્યું હતું. એ પહેલા માઈકલે પણ જીતુભા ને 3 દિવસ ટ્રેન કર્યો હતો. પણ જીતુભા સિન્થિયાની સામે પણ જોતો ન હતો, જો કોઈ બીજો એજન્ટ હોય તો પહેલા કે બહુ બહુ તો બીજાજ દિવસે એ સિન્થિયા નો શય્યાસંગિ બની ગયો હોત. માઈકલ પણ 2 દિવસ લંડન બહાર ગયો હતો. પણ સિન્થિયાનો એકેય દાવ સફળ થયો ન હતો. એ ટ્રેનિંગને બહાને જીતુભા ને અણછાજતી રીતે.અડતી કે પકડતી તો તરત જ અનુભવતી કે જીતુભાનો વર્તાવ એક કોચલામાં પુરાયેલ કાચબા જેવો થઇ જતો. સિન્થિયા આનાથી અકળાતી. જીતુભાનાં વાક્યથી ચોંકી સિન્થિયા એ જીતુભા ને કહ્યું. "જીતુભા, મારે કૈક વાત કરવી છે."

"બોલો ને દીદી શું કહો છો?"

"શું હું આકર્ષક નથી દેખતી? હું ઘરડી ઓરત લાગુ છું?" પોતે પહેલા બેઠી હતી એ બેન્ચ પર પડેલા જીતુભાનાં સોલ્ડર પાઉચને દૂર કરી બેસવાની જગ્યા કરી જીતુભાનો હાથ પકડીને બેસાડતા એણે પૂછ્યું. 

"ના રે શું મજાક કરો છો દીદી, તમે એવરગ્રીન ખુબસુરત છો મેં તમને પહેલી વાર જોયા ત્યારથી અત્યાર સુધી મેં કદી તમને લઘરવઘર નથી જોયા. તમારે તો બ્યુટી પેજન્ટ માં ભાગ લેવો જોઈએ. તમે આરામથી મિસિસ યુનિવર્સનો ખિતાબ જીતી જશો." હસતા હસતા જીતુભાએ કહ્યું. જેનાથી સિન્થિયા નો અહમ થોડો સંતોષાયો પણ પછી એણે અકળાઈને એવો પ્રશ્ન ફેંક્યો કે જીતુભા મૂંઝાઈ ગયો. "તો પછી તારામાં કોઈ ડિફેક્ટ છે?" સિન્થિયાએ પૂછ્યું. એકાદ મિનિટ એની સામે તાકતા રહીને પછી જીતુભાએ જવાબ આપ્યો "સિન્થિયા મેં તને દીદી કહી તો પણ ન સમજાયું. તું તો મારી ગુરુ છે. ગુરુ પત્ની છે. અને મેં તારા વિશે જ્યારે સુમિત ભાઈ પાસે સાંભળ્યું અને પછી તે જે રીતે નવીનને છોડાવ્યો એનાથી હું અભિભૂત છું. તારા એ પરાક્રમ વિશે સાંભળીને તરત મારા મગજમાં એક વાત આવી કે કદાચ મારી કોઈ મોટી બહેન હોત તો ચોક્કસ આવી જ હોત. તું જે મનમાં વિચારે છે એ અમારા ક્લચરમાં નથી. બાકી હા હું 100% પુરુષ છું પણ જેને તમે કહો છો ને જેન્ટલમેન એક સ્ત્રીનો પુરુષ, મારી માશુકા ત્યાં હજારો કિલોમીટર દૂર ક્ષણે ક્ષણે મને યાદ કરતી રહેતી હોય છે એ હું અનુભવી શકું છું. અને આમ તો એ તમારો અંગત મામલો છે છતાં આજે જયારે તે આ મુદ્દો ઉખેડ્યો છે તો તને કહું છું મને તારા અને માઈકલ વચ્ચે પણ બધું બરાબર હોય એવું નથી લાગતું. તું ઓલા ચાર્લી સાથે જે રીતે હળતીભળતી હોય છે. એ મેં અનુભવ્યું છે. ઇવન એક-બે વખત મિશેલની સામે જ જે રીતે તું એને વળગતી હતી અને લિપ ટુ લિપ કિસ... પણ એ કદાચ અહીંનું ક્લચર હશે. ખેર..." લાંબો શ્વાસ લેતા જીતુભાએ કહ્યું. અને અચાનક સિન્થિયાની આખોમાથી આંસુ સર્યા. અને એ હીબકે ચડી ગઈ અને જીતુભાને વળગી પડી રડતા રડતા એણે કહ્યું. "સોરી જીતુભા, મેં તને પણ બીજા બધા જેવો જ ધાર્યો હતો. પણ તું તો કોઈ અજબ જ પ્રાણી નીકળ્યો." કહીને એ સહેજ મુસ્કુરાઈ. પછી જીતુભાથી અળગા થતા કહ્યું. હા તારી વાત અર્ધ સત્ય છે. મારુ અને માઇકલનું તમારી ભાષામાં કહીયે તો નૈતિક પતન થયેલું છે. પણ એ અહીંનું ક્લચર છે. વળી મારી ફિલોસોફી છે કે, લગભગ રોજ જ, કોઈને કોઈ એસાઇન્મેન્ટ હોય છે જેમાં જીવનું જોખમ હોય તો જયારે કૈક મનને ગમતી મજા કરવાનો મોકો હોય તો શા માટે છોડવો." જીતુભા એ એના ખભે હાથ રાખીને સાંત્વના આપતા કહ્યું. "તારી વાત સાચી છે સિન્થિયા. જ્યારે જીવનમાં આગળની 10 મિનિટ પછી શું થશે એ ખબર ન હોય એવા વખતે આવું નૈતિક પતન બહુ સ્વાભાવિક છે. પણ ચાલ હવે ઓફિસમાં જઈએ ત્યાં અત્યારે માઈકલ જર્મનીથી આવી ગયો હશે અને માર્શાએ એને બધા અપડેટ આપ્યા હશે. નક્કામો એ મનોમન મારુ પણ નૈતિક પતન થયું છે એવો વિચાર કરતો હશે." બંને ઉભા થયા સામે જ NASA નું બિલ્ડીંગ દેખાતું હતું. પણ પાર્કની બહાર નીકળવાનો રસ્તો થોડું ડાબી બાજુ ચાલ્યા પછી હતો. બંનેનું ધ્યાન NASA ના બિલ્ડીંગ પર જ હતું. સામે જ માઈકલની કેબિનની ફ્રેન્ચ વિન્ડો દેખાતી હતી. અચાનક જીતુભા ને લાગ્યું કે, એ ફ્રેન્ચ વિન્ડોમાં એક મોટું ભગદાળુ પડી ગયું છે. અને એમાંથી વેરાયેલા કાચના ટુકડા પણ એને ઉડતા દેખાય. જીતુભાએ એક ક્ષણ સિન્થિયા સામે જોયું એ પણ એજ વસ્તુ જોઈ રહી હતી જે જીતુભા એ જોઈ હતી. અચાનક સિન્થિયા એ ચીસ પાડી. "જીતુભા. તે જોયું કંઈક ગરબડ છે." એટલામાં જાણે એ ફ્રેન્ચ વિન્ડોની પાસેથી એક મરણ ચીસ સંભળાઈ લગભગ 300 ફૂટ દૂર હોવા છતાં સિન્થિયા અને જીતુભા એ એ ચીસ સાંભળી અને એ બન્ને રીતસર ધ્રુજી ઉઠ્યા. જીતુભા એ સોલ્ડર પાઉચ ઉંચકીને સિન્થિયાનો હાથ પકડીને લગભગ ઘસડતાં પાર્કની બહાર જવાના રસ્તે ભાગવા માંડ્યું સિન્થિયા કોઈ પૂતળીની જેમ જીતુભાનાં ખેંચવાથી આગળ વધી એને કંઈ સૂઝતું ન હતું એ બેહોશ થવાની તૈયારીમાં હતી કેમ કે એ ચીસ પાડનારને એ બહુ સારી રીતે ઓળખતી હતી એ માઈકલની ચીસ હતી...     

 

ક્રમશ:  

શું સિન્થિયાની ઐહિક લાલસા ઓ માઈકલ પરના હુમલા પાછળ જવાબદાર છે? શું માઈકલ જીવતો છે કે મરી ગયો? કોણ છે આ નાસા પરના હુમલા માટે જવાબદાર? જાણવા માટે વાંચો તલાશ 2- પાર્ટ 2

 

તમને આ વાર્તા કેવી લાગે છે. અથવા આ વાર્તા અંગેના કોઈ સૂચનો હોય તો મને 9619992572 પર વોટ્સઅપ કરી જરૂરથી જણાવશો.