તલાશ 2 - ભાગ 7 Bhayani Alkesh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

તલાશ 2 - ભાગ 7

 ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. 

 જીતુભા ચારે તરફ નિરીક્ષણ કરતા વોશ રૂમની બહાર આવ્યો અને અચાનક એની નજર એક કપલ પર સ્થિર થઇ એ યુવતીને જીતુભા ઓળખ્યો એ નાઝ હતી. જોકે નાઝનું ધ્યાન જીતુભા પર નહોતું પડ્યું. પણ જમણી સાઈડના ચોથા ટેબલ પર બેઠેલા એક પ્રૌઢ કપલમાંની સ્ત્રીએ જીતુભાને ઓળખ્યો હતો. એ શિવ શંકર પંડ્યા અને એની પત્ની પાર્વતી પંડ્યા હતા. "શિવ, જરા ત્યાં નજર કરો પેલો સફેદ શર્ટ પહેરીને ઉભેલા યુવકની સામે જલ્દી જુઓ. મને લાગે છે કે એ જીતુભા છે."

"કોણ? પેલો વ્હાઇટ શર્ટમાં ધીરેથી ટહેલી રહ્યો છે એ? અને જીતુભા કોણ?" પોતાના ચશ્માં સાફ કરીને જીતુભાનું નિરીક્ષણ કરતા શિવ શંકરે કહ્યું. 

"અરે રામ.તમને તો કઈ યાદ રહેતું નથી.અરે તે દિવસે જીજીનો ફોન આવ્યો હતો ને જીતુભા વિષે કહ્યું હતું ને. એનો ફોટો ઇમેઇલ કર્યો હતો. યાદ આવ્યું?"

"અરે.. હા પણ તને ખાતરી છે કે આ એ જીતુભા જ છે? તો તો બોલાવ એને આપણી સાથે જમવા"

"હા જરા તમે જ જઈને એને અહીં આપણા ટેબલ પર બોલાવી લાવો. હું મુંબઈ ફોન કરું? અત્યારે ઇન્ડિયામાં રાત્રીના અઢી વાગ્યા હશે." એટલામાં સિન્થિયાએ જીતુભા ને શોધતા શોધતા અંદર પ્રવેશ કર્યો. રેસ્ટોરાંના દ્વાર પર આવીને એણે જોયું તો જીતુભા ડાબી લાઇનના ખૂણેના ટેબલ પર બેઠેલા કપલ તરફ જોઈ રહ્યો હતો. એને સમજાયું કે જીતુભાએ લોકોને ઓળખે છે. 'કોણ હશે એ લોકો?' વિચારતા એ જીતુભા તરફ આગળ વધી. એજ વખતે શિવ શંકર પંડ્યા જીતુભાની બરાબર પાછળ પહોંચ્યા અને કહ્યું.

"એક્સક્યુઝ મી તમે મિસ્ટર જીતુભા?" સાવ નજદીકથી આવેલા એ અવાજથી જીતુભા ચોંકી ઉઠ્યો. 

"યસ" જીતુભાએ જવાબ આપ્યો. એને સમજાતું ન હતું કે અહીં લંડનમાં પોતાને ઓળખનાર કોણ નીકળ્યું. એને પાછળ ફરીને જોયું તો લગભગ 55-57 વર્ષના માથે ત્રિપુન્ડ કરેલા પણ આધુનિક વેશભૂષામાં સજ્જ એક સજ્જન ત્યાં ઉભા હતા. "તમે તમે મને ઓળખો છો?"

"હા. હું તમને ઓળખું છું. ત્યાં સામે મારા પત્ની છે ત્યાં આવો.બેસી ને વાત કરીએ."

"પણ પણ હું તમને ઓળખતો નથી અને હું કોઈની રાહ જોઈ રહ્યો છું મને કદાચ અર્જન્ટ અહીંથી જવું પડશે?"

"તો અર્જન્ટ હોય તો તમે નીકળી જજો અને જેની રાહ જોઈ રહ્યા છે એ આવે ત્યાં સુધી તો આવો અમારા ટેબલ પર"

"પણ એમ સાવ અજાણ્યા?" વાત કરતા કરતા જીતુભા અટકી ગયો કેમ કે એણે નીના ગુપ્તા અને એની સાથે રહેલા યુવક(અઝહર)ને ઉભા થતા જોયા. એ લોકો હજી ધીમા અવાજે કંઈક વાત કરી રહ્યા હતા એમનું ધ્યાન જીતુભા તરફ ન હતું. "અંકલ મારે જવું પડશે. તમારે મારું કંઈ કામ હતું? એક કામ કરો મને તમારો નંબર ...."

જીતુભાનું વાક્ય અધૂરું રહ્યું કેમ કે રેસ્ટોરાંમાં જમવા આવેલા કસ્ટમર માંથી એક ટાબરિયો અચાનક બીજા છેડે બેઠેલા એના કોઈ સગા તરફ દોડ્યો.અને હાથમાં રહેલી 5-6 ડીશોને માંડ બેલેન્સ કરીને ચાલતા વેઈટર સાથે અથડાયું. અને 'ભફાંગ' એવા મોટા અવાજ સાથે વેઇટરના હાથમાં રહેલી ખાદ્યપદાર્થોની ડીશો છટકી અને રેસ્ટોરાં ની ફર્શ પર પટકાઈ. ચારે બાજુ સબ્જી અને દાળના છાંટા  ઉડ્યા રોટી-નાન અથાણું સલાડ આજુબાજુ બેઠેલા લોકોને કપડાં પર ઉડ્યું અને જબરો દેકારો થયો. જીતુભા અને શિવ શંકર ઉભા હતા એનાથી માંડ 7-8 ફૂટ દૂર આ થયું હતું બધાનું ધ્યાન અહીં પડ્યું અને કોલાહલ થવા લાગ્યો સિન્થિયા દોડીને જીતુભા પાસે આવી. જ્યાં બધું ખાવાનું ઉડ્યું હતું ત્યાં ચાર પાંચ વેઈટર અને બીજો સ્ટાફ જમા થઇ ગયો હતો. "જીતુભા, ચલ આપણે પાછળની સાઈડ જવાનું છે." સિન્થિયાએ કહ્યું. શિવશંકર જીતુભા પાસે ઉભેલી આ આકર્ષક યુરોપિયન યુવતીને જોઈ રહ્યો.

"આ કોણ છે?" અચાનક એણે જીતુભાને પૂછ્યું.

"તમે કોણ છો?" સિન્થિયા બ્રિટિશ એસેન્ટમાં શિવ શંકરને સામે પૂછ્યું.

"હું. હું આ જીતુભાનો સગો થાઉં છું. તમે કોણ છો? એની ગર્લફ્રેન્ડ?" શિવ શંકર પૂછી લીધું.

"એક મિનિટ." જીતુભા બોલ્યો. "સિન્થિયા જો પેલા દરવાજે પહોંચ્યા છે એ લોકો" કહી દરવાજા તરફ આંગળી ચીંધીને કહ્યું. "એ લોકો આપણી કંપની માટે ખાસ છે. એ લોકો જતા રહેશે તો આપણી કંપનીને બહુ નુકશાન થશે. એમને મનાવી પટાવી ગમે તે રીતે રોક. જરૂર પડે તો વિલિની મદદ લે જે. હું પાંચ મિનિટમાં તને મળું છું." જીતુભાનાં મગજમાં એ ચટપટી ઉપડી હતી કે અહીં એને ઓળખનાર કોણ નીકળ્યું ઉપરાંત એ વડીલે કહ્યું હું એનો સગો છું. આ બાબતો જાણવી બહુ જરૂરી હતી. ઉપરાંત એને ખાતરી હતી કે સિન્થિયા એની વાત સમજી ગઈ હશે કે એ કપલ બહુ ખાસ છે અને એને ગમે એ ભોગે રોકવાનું છે ગમે તેમ. જરૂર પડે તો  પોલીસની મદદ લઈને પણ. 

xxx

"ક્રિસ્ટોફર, શું ખબર છે?" નિનાદ પૂછી રહ્યો હતો. 

"સર, જીતુભા અને સિન્થિયા બન્ને બહાર ગયા છે. કદાચ માર્શાની કોઈક ઇન્ફોર્મેશન મળી છે એટલે."

"ઓકે, તું માઈકલની રૂમમાં જ રહેજે જ્યાં સુધી એ લોકો પાછા ન આવે ત્યાં સુધી.

"હું રૂમની બહાર જ છું."

"મેં તને કહ્યું કે રૂમની અંદર. સમજાયું. ઇન્ડિયામાં અનેક વાર હોસ્પિટલોમાં અરે. કોર્ટરૂમમાં પણ દુશમનને ઉડાવી દેવાય છે મારે કોઈ જોખમ નથી લેવું. તારા ગેટઅપમાં પોસિબલ ન હોય તો બીજી વ્યવસ્થા કરું."

"ના. સર આઈ વીલ મેનેજ."

“ગુડ બીજી વાત કોઈ પણ પર જરા પણ વહેમ કોઈ પર પડે, તો બિન્દાસ ઉડાવી દેજે. તને અઠવાડિયામાં બહાર કઢાવી લઈશ."

"આય નો સર. અને તમારા ખાતર 20 વર્ષની જેલ થાય તો પણ કઈ ફિકર નથી."

"એવા દિવસ નહીં આવે. અને  બીજી વાત જ્યારે જીતુભા આવે ત્યારે એને કહેજે..."કહી નિનાદે એને કંઈક સમજાવવા માંડ્યું. 

xxx

"ઓ કે. જીતુભા. હું આ લોકો ને રોકું છું. પણ મને લાગે છે કે તમારે ઝડપથી હોટેલના બેઝમેન્ટમાં જવું જોઈએ."

"ભલે હું આ વડીલ સાથે 2-3 મિનિટ વાત કરીને ત્યાં જાઉં છું. તું પેલા કપલ ને રોક અને આપણી કંપની ની પોલીસી એમને સમજાવ. 

"ઓકે." કહી સિન્થિયા ઝડપથી નાઝ - અઝહરની પાછળ ભાગી. 

xxx

"બોલો વડીલ શું નામ તમારું અને તમે હમણાં કહ્યું કે હું એમનો સગો થાઉં. તો તમે મારા શું સગા થાવ છો મને જલ્દી કહો તમને સમજાયું હશે કે મારે કેટલું અગત્યની ભાગદોડી ચાલુ છે."

"સામે મારી પત્ની બેઠી છે એ ટેબલ પર બેસીને વાત કરીએ તમારી માત્ર પાંચ મિનિટ લઈશ." કહી જીતુભા નો હાથ પકડીને શિવ શંકર એમને પોતાના ટેબલ પર લઇ ગયા અને બેસવાની ઈશારો કરીને પૂછ્યું. "એ છોકરી કોણ હતી.તમારી."

"હું તમને શું કામ કહું કે એ કોણ હતી. પહેલા તમે મને કહો તમે મને શી રીતે ઓળખો છો." સહેજ ઉશ્કેરાટથી જીતુભાએ પૂછ્યું. 

"બધું સમજાઈ જશે. આ ફોનમાં વાત કરો એટલે " કહીને પાર્વતી પંડ્યાએ પોતાનો ફોન જીતુભાને આપ્યો જીતુભાએ કંઈક અણગમાથી ફોન પોતાના કાન પર માંડ્યો. અને કહ્યું. "હલ્લો."

જવાબમાં સામેથી આવેલા અવાજે જીતુભાને રોમાંચિત કરી નાખ્યો, મોહિની બોલી રહી રહી. "જીતુ તું લંડનમાં શું કરી રહ્યો છે. અને મુંબઈ ક્યારે આવે છે." 

xxx

 ક્રિસ્ટોફરનો ફોન પૂરો કરી ને નિનાદે નીતાને ફોન લગાવ્યો. નીતાએ ફોન ઉચક્યો એટલે  કહ્યું. "સોરી તારી નીંદર ખરાબ કરવા બદલ પણ જાનુ તને ગૂડબાય કિસ આપવાનું તો રહી જ ગયું હતું." 

"ઓહ. મારા લવલી હસબન્ડ, કેટલો સારો છો તું. જલ્દી બધા કામ પુરા કર અને જલ્દી પાછો આવજે."

"હા અને તારા વોર્ડરોબમાં ટ્રેડિશનલ ઓર્નામેન્ટના ડ્રોવરમાં તારા માટે એક સરપ્રાઈઝ રાખી છે. પણ તને મારી કસમ છે એ સવારે જોજે. હમણાં જ ઉભી થઈને નહીં જોતી પ્લીઝ..”

“અરે પણ એની શું જરૂર હતી. અને તે ક્યારે એ મૂકી? તું ઝટ પાછો આવી જા બસ. અહીં પપ્પાજી જીવનમાં પહેલીવાર બહુ મુંઝારો અનુભવે છે હું તો સવારે જીજુને પણ ફોન કરી પાછા બોલાવવાની છું."

"જેમ ચાલે છે એમ ચાલવા દે પપ્પાનું ધ્યાન રાખજે અત્યારે ફેમિલીમાં તું જ એની સાથે છે. ડોન્ટ વરી. આઈ વીલ બી બેક." કહી ફોન કટ કર્યો.

xxx

બહાર ભાગીને સિન્થિયા એ જોયું તો એ કપલ (નાઝ અને અઝહર) રેસ્ટોરાંની પાછળની સાઈડ જતા હતા. "ઓહ્હ ગોડ નક્કી એ લોકો માર્શા ને ટોર્ચર કરવા કે મારવા જ જઈ રહ્યા લાગે છે. તો આ લોકો જ નાસા પરના હુમલા માટે જવાબદાર છે પણ જીતુભા એ લોકો ને કેવી રીતે ઓળખી ગયો.' દાંત પીસતા એ મનોમન બોલી.એને નવાઈ લાગતી હતી  હવે એ ખૂંખાર પ્રાઇવેટ એજન્ટ બની ચુકી હતી ઝડપથી ચાલતા એણે પોતાના જીન્સના પોકેટમાંથી એક પિસ્તોલ ખેંચીને બહાર કાઢી. અને બીજા હાથમાં મોબાઈલ લઈને ફોન લગાવ્યો. સામેથી ફોન ઉંચકાયો એટલે એને કહ્યું "હેલો વિલિ, લોલાનાં કાતિલ અત્યારે 'ઇન્ડિયન કરી નોર્થ મિડલસેક્સ'માં પાછળ આવેલ હોટેલમાં છે. હું એને રોકવા જાઉં છું. એ લોકોએ માર્શાને ત્યાં કેદ કરી છે. જીતુભા પણ હમણાં અહીં પહોંચશે. તારે લોલાનો બદલો લેવો હોય તો જલ્દી પહોંચ" કહી જવાબની રાહ જોયા વગર ફોન ડિસકનેક્ટ કરી નાખ્યો.

xxx

નાઝ અને અઝહર હોટેલના પ્રાંગણમાં પહોંચ્યા. પણ હોટેલમાં પ્રવેશ કરવાને બદલે એ લોકો હોટેલની બાઉન્ડરી પાછળના ભાગ તરફ ગયા. એનાથી 5-7 કદમ પાછળ ચાલતી સિન્થિયા અચાનક ગરજી. "હેન્ડ્સ અપ એન્ડ ડોન્ટ મુવ" અચાનક આવેલા અવાજથી એ બન્ને ચોંક્યા અને અનાયાસે પાછળ ફરવાનો પ્રયાસ કર્યો કે બીજી જ સેકન્ડે સિન્થિયાની પિસ્તોલ ગરજી અને એક ગોળી અઝહરના જમણા કાનની બાજુમાંથી 'સનનન' કરતી પસાર થઇ સાઈલ્સરનાં કારણે ધડાકો તો ન થયો પણ સિન્થિયાએ ફરીથી ત્રાડ પાડી. "હવે જરા પણ મૂવમેન્ટ થશે કે ગોળી સીધી ખોપડીમાં ઉતારી દઈશ. હાથ ઉપર કરીને જ્યાં છો જેમ છો એમ જ ઉભા રહો" કહી દોડીને એ લોકો પાસે પહોંચી.અને નાઝના માથા પર પિસ્તોલ ટેકવીને અઝહરને કહ્યું "કોઈ ચાલાકી નહીં નહીતો આ છોકરી બીજી જ સેકન્ડે મરી જશે ફટાફટ તારા ખિસ્સામાં હોય એ હથિયાર મને પાછળ જોયા વગર આપ." અઝહરે તીરછી નજરે જોયું તો એની જ લાઈનમાં એનાથી 3 ફૂટ દુર રહેલી નાઝની બરાબર પાછળ એક યુરોપિયન યુવતી ઉભી હતી અને જે મજબૂતીથી એણે પિસ્તોલ પકડી હતી અને 10 સેકન્ડ પહેલા જે રીતે ગોળી એના કાન પાસેથી પસાર થઇ હતી તેનાથી સાબિત થતું હતું કે આ કોઈ પ્રોફેશનલ યુવતી છે. કમને હાર માનતા એને પોતાની પિસ્તોલ પાછળ તરફ લંબાવી જે સિન્થિયા એ લઇ લીધી અને કહ્યું. "હજી કંઈક હશે તારી પાસે. જલ્દી કર" નાઝના માથામાં પાછળના ભાગમાં પિસ્તોલ ખૂંપાવતા સિન્થિયાએ કહ્યું.

"ચાકુ છે શૂઝમાં ભરાવેલું એ કાઢવા હું ઝૂકુ છું મારો ચાલાકી કરવાનો કોઈ ઈરાદો નથી." અઝહરે કહ્યું

"ઓ કે એ ચાકુને દીવાલની પાછળ ફેંકી દે." અઝહરે ચાકુ ફેક્યુ.એટલે કહ્યું હવે ચાર કદમ આગળ જા અને તારો જમણો પગ ઉપર કરીને ઉભો રહે. પગ નીચે રાખીશ કે તરત આ છોકરી ઉપર" અઝહર જરા આગળ વધ્યો એટલે નાઝને કહ્યું "તારી ગન આપવાનું તને અલગથી કહેવું પડશે?" નાઝે પોતાની બેરેટા પાછળની તરફ લંબાવી એ લઇ લીધા પછી સિન્થિયા એ કહ્યું. "હવે તું ચાર કદમ પાછળ ચાલ પણ પાછળ ન જોતી નહીતો...ઓઓઓઓ " અચાનક એનું વાક્ય એક ચીસ માં  બદલાઈ ગયું. માથાના પાછળના ભાગમાં વાગેલો કોઈ ધાતુના ફટકાથી એની ચીસ નીકળી ગઈ હતી એને આંખો સામે રંગબેરંગી તારાઓ નાચતા હોય એવું લાગ્યું અને એ ઢળી પડી. 

ક્રમશ:

 નિનાદે નીતા માટે શું સરપ્રાઈઝ રાખી છે? એ અઠવાડિયાથી જર્મનીમાં છે તો આજે જ આટલી મુશીબતો વચ્ચે કેમ એ સરપ્રાઈઝ યાદ કરી? શું ક્રિસ્ટોફર ભરોસાપાત્ર છે? નવી મુસીબત ક્યાં સ્વરૂપમાં અનોપચંદ એન્ડ કૂ સામે આવશે.? સિન્થિયાનું શું થશે? જાણવા માટે વાંચતા રહો. તલાશ 2 ભાગ 8 

તમને આ વાર્તા કેવી લાગે છે. અથવા આ વાર્તા અંગેના કોઈ સૂચનો હોય તો મને 9619992572 પર વોટ્સઅપ કરી ને જરૂરથી જણાવશો. 

 

રેટ કરો અને રિવ્યુ આપો

Priti Patel

Priti Patel 2 દિવસ પહેલા

Varsha Prajapati

Varsha Prajapati 7 માસ પહેલા

Bhavisha R. Gokani

Bhavisha R. Gokani માતૃભારતી ચકાસાયેલ 10 માસ પહેલા

Kenil

Kenil 10 માસ પહેલા

Sheetal

Sheetal 10 માસ પહેલા