વારસદાર પ્રકરણ 53
" હા મંથન... તારા પિતા જ તારો વારસદાર બનીને પૃથ્વી ઉપર જન્મ લેશે. એમણે એ પણ કહ્યું છે કે જેવો બાળકનો જન્મ થશે કે તરત જ આ બાબતની વિસ્મૃતિ થઈ જશે. એટલે કે જન્મેલું બાળક પૂર્વ જન્મના તારા પિતા છે એ તને યાદ નહીં રહે. કદાચ મારા મગજમાંથી પણ વિસ્મૃતિ થઈ જશે." રાજન બોલ્યો.
મંથન રાજનની વાત સાંભળીને અવાક થઈ ગયો. એણે ફોન કટ કરી દીધો. ગુરુજીની કૃપા સામે એ નત મસ્તક થઈ ગયો !!!
અદિતિને ગર્ભ રહેવાનો અને નવ મહિના સુધી ગર્ભ ટકવાનો જે પ્રોબ્લેમ છે એ પણ ગુરુજી જાણતા હતા ? ગુરુજીએ ગિરનારની તળેટીમાં જે પ્રસાદ આપ્યો એમાં પણ અદિતિને સંતાન જન્મ થાય એવા આશીર્વાદ આપ્યા ? ગુરુજીએ તો ત્યાં સુધી કહ્યું કે મારા પિતા જ આ જન્મમાં ફરી પાછા મારા સંતાન રૂપે આવી રહ્યા છે !!
મંથન ગુરુજીની વાતો મનમાં મમળાવી રહ્યો. એણે મનોમન ગુરુજીને વંદન કર્યા. પિતા સંતાન રૂપે આવી રહ્યા છે એ વાત અદિતિને કરવી યોગ્ય નથી. ગુરુજીએ આ વાત માત્ર મારી માહિતી માટે જણાવી છે અને સંતાનજન્મ પછી આ વાત પણ વિસ્તૃતિમાં જતી રહેવાની છે. એટલે આ રહસ્ય અદિતિને કહેવાની જરૂર નથી.
મારું ધ્યાનનું લેવલ હજુ ગુરુજીના શબ્દો સ્પષ્ટ સાંભળી શકે એ કક્ષામાં પહોંચી શક્યું નથી. ગુરુજીએ મને કહેવા માટે કોશિશ કરી પરંતુ રાજન કહે છે એમ આલ્ફા લેવલમાં હજુ હું જઈ શકતો ન હોવાથી ગુરુજીએ રાજનના ધ્યાનમાં આ બધી વાતો કરી.
મારે રાજન પાસેથી ધ્યાન હજુ શીખવાની જરૂર છે. આજે ઓફિસમાં જ એને હું બોલાવી લઉં. - મંથને નિર્ણય કર્યો.
ઓફિસમાં જઈને લગભગ ૧૨ વાગે મંથને રાજનને ફોન કર્યો.
" રાજન તને ટાઈમ હોય તો આજે ઓફિસમાં જરા રૂબરૂ મળી જજે ને ! મારે તારી જોડે થોડી ચર્ચા કરવી છે. " મંથન બોલ્યો.
" તું કહે તે ટાઈમે આવી જાઉં. તું બોલાવે અને હું ના આવું એવું બને ? બોલ કેટલા વાગે ફાવશે ? " રાજને કહ્યું.
" તો પછી સાંજે ૫ વાગે જ આવી જા. એ સમયે હું સંપૂર્ણ ફ્રી હોઈશ." મંથન બોલ્યો.
સમય પ્રમાણે સાંજે ૫ વાગ્યે રાજન મંથનની ઓફિસમાં હાજર થઈ ગયો.
" બોલ શું હુકમ છે ? " રાજને ખુરશી ઉપર બેસતાં જ કહ્યું.
" બસ તને આઈસ્ક્રીમ ખવડાવવાનું મન છે. " મંથન હસીને બોલ્યો.
" થેન્ક્સ.. પણ આજે આઈસ્ક્રીમ મંગાવવાની જરૂર નથી. મારા જીવનમાં શીતલને આપીને આઇસ્ક્રીમની આખી ફેક્ટરી તેં ઊભી કરી દીધી છે. આખી જિંદગી ચાલે એટલી મીઠાશ તેં ભરી દીધી છે. હું ખૂબ જ ખુશ છું મંથન. કાલે મારું ફેમિલી શીતલના ઘરે જમવા જવાનું છે. લગ્નનું મુહૂર્ત પણ એ લોકો નક્કી કરી દેશે. " રાજન ઉત્સાહમાં બોલ્યો. શીતલને પ્રાપ્ત કરીને એ ખૂબ જ ઉત્તેજિત દેખાતો હતો.
" કોન્ગ્રેચ્યુલેશન્સ. તારા પ્રારબ્ધમાં જે હતું તે જ તને મળ્યું છે. ગુરુજીએ જ કહેલું કે તારા માટે કન્યા તૈયાર જ છે અને મંથન નિમિત્ત બનશે. એટલે બધો યશ મને આપવાની જરૂર નથી." મંથન બોલ્યો.
" હું તને વર્ષોથી ઓળખું છું. તું કદી યશ લેવાનો જ નથી. બોલ હવે મને કેમ યાદ કર્યો હતો ? " રાજને પૂછ્યું.
" મેં તને સવારે ૮ વાગે જે ફોન કર્યો એની મારે ચર્ચા કરવી છે. ગુરુજીએ તને શું કહ્યું એ મારે ફરી સાંભળવું છે. અને ધ્યાનના આલ્ફા લેવલમાં કેવી રીતે જવું એ અત્યારે તારી પાસેથી ફરી શીખવું છે. " મંથન બોલ્યો.
" આજે સવારે ૮ વાગે ? પરંતુ તેં તો મને ફોન બપોરે ૧૨ વાગ્યાની આસપાસ કર્યો. આજે સવારે તો તારો કોઈ ફોન આવ્યો જ નથી અને આ ગુરુજીની વળી કઈ વાત છે ?" રાજન આશ્ચર્યથી બોલ્યો.
" વ્હોટ !!! અરે મેં તને સવારે ૮ વાગે ફોન કર્યો એની વાત કરું છું. તે કહ્યું કે ગુરુજીએ તારો સંપર્ક કર્યો અને અદિતિની પ્રેગ્નન્સી માટે મને કોઈ ચિંતા ન કરવાનું કહ્યું. તળેટીના પ્રસાદની પણ વાત કરી. " મંથન બોલ્યો.
" અરે મંથન હું તારા સોગંદ ખાઈને કહું છું કે આજે તારો એક જ ફોન આવ્યો એ પણ બપોરે ૧૨ વાગ્યાની આસપાસ. સવારે આપણા બંને વચ્ચે કોઈ જ વાત આજે થઈ નથી. તને નક્કી કોઈ ભ્રમ થયો છે " રાજન બોલ્યો. એને પણ મંથનની વાતથી આશ્ચર્ય થયું હતું.
" રાજન એવું કઈ રીતે બને ? મેં મારા મોબાઈલથી તને નંબર લગાવ્યો. તેં ફોન ઉપાડ્યો. મારી સાથે બધી ચર્ચા કરી. તું ફોનમાં આજનું કૉલ લોગ જોઈ લે. સવારે ૮ વાગ્યાનો મારો ફોન બતાવે છે કે નહીં એ ચેક કર. " મંથન બોલ્યો.
રાજને પોતાના મોબાઈલમાં મંથનના નંબર નું કૉલ લોગ ચેક કર્યું.
આજની તારીખમાં માત્ર ૧૨:૮ કલાકે મંથને જે કોલ કર્યો એ એક જ એન્ટ્રી હતી. કૉલ ના રેકોર્ડમાં સવારે ૮ વાગ્યા આસપાસની કોઈ જ એન્ટ્રી ન હતી !!
મંથન સ્તબ્ધ થઈ ગયો. આ એક અદભુત ચમત્કાર હતો ગુરુજીનો. ગુરુજી ધ્યાનમાં જે કહી શક્યા ન હતા એ એમણે રાજનનો ફોન પોતે લઈને રાજનના સ્વરમાં વાત કરી દીધી હતી ! આવું કઈ રીતે બને ? મતલબ સવારે ૮ વાગે રાજનને જે ફોન કર્યો એ પ્રેરણા પણ ગુરુજીની જ હશે ? - મંથન કંઈ સમજી શકતો ન હતો.
ગુરુજીએ આજે એને પરોક્ષ રીતે અદિતિ માટે કોઈ ચિંતા કરવાની જરૂર નથી એવું કહ્યું હતું. નવ મહિના સુધી ગર્ભ સુરક્ષિત રહેશે એવો પણ એમનો સંકેત હતો અને આવનાર વારસદાર મંથનના જ પિતાનો પુનર્જન્મ હતો એવું સ્પષ્ટ કહ્યું હતું !! અદભુત !!!
"રાજન.. ખરેખર મારા ગુરુજી ખૂબ જ સમર્થ છે. મેં તો એમને વિધિપૂર્વક ગુરુ કર્યા જ નથી કે કોઈ દીક્ષા પણ નથી લીધી છતાં પણ મારું અંગત રીતે આટલું બધું ધ્યાન રાખે છે. " મંથને કહ્યું.
"તું તારા પૂર્વ જન્મોને જાણતો નથી પરંતુ આવા સમર્થ સિધ્ધ મહાત્માઓ તો બધું જાણતા જ હોય છે. તારો ક્યાંક ને ક્યાંક એમની સાથે ચોક્કસ સંબંધ છે. મારો પણ કદાચ હશે. એમની શક્તિઓને સમજવી એટલું બધું સહેલું નથી. સમાધિ સ્થિતિએ પહોંચેલા મહાત્માઓ બહુ દુર્લભ હોય છે મંથન. " રાજન બોલ્યો.
" તારી વાત સાચી છે. પરંતુ મને હવે એ વાતનો દ્રઢ વિશ્વાસ થઈ ગયો છે કે અદિતિને કોઈ જ તકલીફ નહીં થાય. પુરા નવ મહિના સુધી પ્રેગ્નન્સી ટકી રહેશે અને તંદુરસ્ત બાળકનો જન્મ થશે. " મંથન બોલ્યો.
" હા મંથન ગુરુજી કર્મનાં બંધન પણ તોડી શકે છે. અને તારી ગાયત્રી ઉપાસના પણ તારી ઈચ્છા પૂરી કરશે." રાજન બોલ્યો.
" આજે અદિતિને આ સમાચાર આપીશ તો બહુ જ ખુશ થઈ જશે. એ બિચારી સતત ચિંતામાં રહે છે. કેતા પણ અદિતિની ખૂબ ચિંતા કરે છે. " મંથન બોલ્યો.
" મંથન ખોટું ના લગાડે તો એક વાત પૂછું ? ઘણા સમયથી આ પ્રશ્ન પૂછવાનું મન છે. તું કેતાબેનને ટ્રેનમાં મળ્યો અને તેં એમને મુંબઈમાં કંઈક મદદ કરી એવું શીતલે મને કહ્યું પણ એના ફેમિલી સાથે આટલા અંગત સંબંધો કેવી રીતે છે ? તું શીતલને કેવી રીતે ઓળખે ? તારી બોરીવલીની સ્કીમમાં એ લોકોને ફ્લેટ પણ અપાવ્યો છે અને શીતલને આટલું મોટું ઇન્ટિરિયરનું કામ પણ અપાવ્યું છે." રાજન બોલ્યો.
" તું મારો અંગત મિત્ર છે રાજન. તને જાણવાનો પૂરો હક છે. અને તારાથી કોઈ વાત હું છુપાવવા માગતો પણ નથી. મોડા વહેલા આ વાત હું કહેવાનો જ હતો. હજુ સુધી સમય નથી મળ્યો એટલે એ ચર્ચા થઈ નથી." મંથન બોલ્યો.
અને મંથને ટ્રેઇનમાં જે દિવસે કેતાની મુલાકાત થઈ ત્યાંથી શરૂ કરીને અત્યાર સુધીની તમામ વાતો નિખાલસતાથી રાજનને કરી દીધી. કેતા ફસાઈ ગઈ હતી અને પ્રેગ્નેન્ટ થઈ ગઈ હતી એ બધી જ વાતો કરી. શીતલ એના તરફ આકર્ષાઈ હતી એ વાત એણે ઉડાડી દીધી કારણ કે ભલે એના મનમાં શીતલ તરફ કોઈ આકર્ષણ ન હતું પરંતુ આ વાત જાણીને રાજનને ચોક્કસ દુઃખ થાય.
" તું મારો સ્વભાવ તો જાણે છે. ઈશ્વર કૃપાથી પિતાજીનો કરોડોનો વારસો મને મળ્યો છે અને મારી મહેનતથી હું આજે અબજોપતિ બની ગયો છું તો મને એક બે કરોડમાં કોઈ ફરક નથી પડતો. હું ગણતરીબાજ નથી રાજન. બોરીવલીનો ફ્લેટ મેં ગિફ્ટ માં જ આપી દીધો છે. ખાલી હાથે આવ્યો છું ને ખાલી હાથે જવાનો છું એ સનાતન સત્ય હંમેશા મારા હૃદયમાં હોય છે. " મંથન બોલ્યો. રાજને મંથનની આ મહાનતાને મનોમન વંદન કર્યાં.
" મારી અમદાવાદમાં એક ગર્લફ્રેન્ડ હતી તોરલ. એ મને ખૂબ જ પ્રેમ કરતી હતી પરંતુ એના પિતા મારી ગરીબીના કારણે મને બિલકુલ પસંદ કરતા ન હતા. તોરલનાં લગ્ન સાડીઓની દુકાન ધરાવતા એક જૈન યુવક સાથે થયાં. લગ્ન પછી તોરલના પતિએ સટ્ટામાં ૭૫ લાખ રૂપિયાનું દેવું કરી દીધું. ૧૦% વ્યાજે પૈસા લીધેલા. ગુંડાઓ ઘરે આવતા. તોરલ પરેશાન થઈ ગઈ હતી. મને ખબર પડી એટલે મેં દેવાની એ તમામ રકમ ચૂકવી દીધી. પૈસાનો કોઈ હિસાબ હું રાખતો નથી. મારી સંપત્તિનો હું માત્ર વહીવટકર્તા છું." મંથન બોલ્યો.
" ગર્ભપાત કરાવ્યા પછી કેતા ખૂબ જ ગિલ્ટી ફીલ કરે છે. મારા તરફ એની ખૂબ જ લાગણી છે. મેં એને જે મદદ કરેલી એનાથી એ મારા તરફ આકર્ષાઈ પણ હતી છતાં અદિતિ સાથે મારા વિવાહ થયા એટલે એ બિચારી પાછળ ખસી ગઈ. ગર્ભપાત ના કારણે એ હવે બીજી વાર લગ્ન કરવા માગતી જ નથી. કોઈ સારું પાત્ર જોઈને કેતા માટે હવે આપણે જ વિચારવાનું છે. હવે તો એ તારી પણ મોટી સાળી છે. " મંથન લાગણીથી બોલ્યો.
" હું તારી વાત બિલકુલ સમજી શકું છું મંથન. આજે તારી વાત સાંભળીને તારા પ્રત્યેનું મારું માન વધી ગયું છે. આટલું બધું કરવા છતાં તું એકદમ નિર્લેપ ભાવે બધા સાથે વર્તે છે. આજે તેં મારા મનના ઘણા બધા પ્રશ્નો ક્લિયર કરી દીધા. " રાજન બોલ્યો.
" કેતા મારી એક સારી મિત્ર છે. મારા મનમાં એના માટે કોઈ જ ખેંચાણ નથી. હું અદિતિને ખૂબ જ પ્રેમ કરું છું અને એને જ વફાદાર છું. " મંથન બોલ્યો.
" અરે નહીં નહીં. મારા પૂછવાનો આ મતલબ જરા પણ નથી. હું તારા માટે એવું વિચારી પણ ના શકું. મને તો માત્ર કુતૂહલ હતું કે શીતલની ફેમીલી સાથે તારો આટલો ગાઢ સંબંધ કઈ રીતે !! "
" કોઈ ને કોઈ જનમમાં તો આ બધા સાથે ઋણાનુબંધ હશે જ. " મંથન હસીને બોલ્યો.
ઘરે ગયા પછી સૌથી પહેલા ખુશખબર મંથને અદિતિને આપ્યા.
" અદિતિ એક ખુશ ખબર છે. રાજન દેસાઈને આજે પરોઢિયે ધ્યાનમાં આપણા ગુરુજીએ દર્શન આપ્યાં અને કહ્યું કે અદિતિને કોઈ જ વાંધો નહીં આવે. નવ મહિને તંદુરસ્ત બાળકનો જન્મ થશે. ગિરનારની તળેટીમાં મને જે પ્રસાદ આપવામાં આવ્યો હતો એમાં તારી સુરક્ષાના પણ આશીર્વાદ હતા. " મંથન બોલ્યો.
" ખરેખર સાચું જ કહો છો ? કે પછી મારો ડર દૂર કરવા માટે ? " અદિતિ હજુ પણ માની શકતી ન હતી.
" તારા સમ. એકદમ સત્ય. સ્વયં
ગુરુજીએ પોતે જ કહ્યું. તારે હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી મિસકેરેજ શબ્દ જ તારા મગજમાંથી દૂર કરી દે." મંથન બોલ્યો.
અદિતિને ગુરુજીમાં ખૂબ જ વિશ્વાસ હતો. આજે એનો બધો જ ડર દૂર થઈ ગયો. મનોમન એણે ગુરુજીને યાદ કરીને પ્રણામ કર્યા.
********************
સમય પસાર થતો ગયો. વૈશાખ સુદ પાંચમના દિવસે રાજન દેસાઈ અને શીતલનાં ધામધૂમથી લગ્ન થયાં. લગ્ન પછી જેનો સૌથી વધુ ઇન્તજાર હોય છે એ સુહાગરાત પણ આવી ગઈ !
" આમ દૂર દૂર કેમ બેઠો છે રાજ ? કમ ઓન ડાર્લિંગ ! આજે તો આપણી સુહાગરાત છે. તને પામવા કેટલી બેચેન હતી હું ? મારું અંગે અંગ તારા માટે તડપી રહ્યું છે ! આઈ એમ સો એકસાઇટેડ !" શીતલ બોલી.
લગ્નની સુહાગરાતે શીતલ શરીર ઉપરના તમામ દાગીના ઉતારીને રાજન દેસાઈને બેડ ઉપર આમંત્રણ આપી રહી હતી. પારદર્શક નાઇટીમાં એ અદભુત લાગતી હતી. રાજન બેડની સામે સોફા ઉપર બેઠો હતો. એ થોડો ધીર ગંભીર પ્રકૃતિનો હતો.
રાજન દેસાઈને ' તું... તારી ' નું સંબોધન થોડુંક ડિસ્ટર્બ કરી ગયું. શીતલ હજુ ગઈકાલ સુધી તમે તમે કરીને રિસ્પેક્ટ આપતી હતી અને લગ્ન પછી આજે આમ અચાનક તું ઉપર કેમ આવી ગઈ !!
જમાનો મોડર્ન છે એ રાજન જાણતો હતો. ઘણા આધુનિક પરિવારોમાં પતિ પત્નીના સંબંધો તું તારી ના હોય છે એ પણ એને ખબર હતી. છતાં પોતાના ઘરના સંસ્કારો થોડાક જૂનવાણી હતા. પોતે કદાચ સહન કરી લે પરંતુ મમ્મી પપ્પાની વચ્ચે એ કાલે સવારે મને તું તારી કરીને વાત કરે તો મમ્મી-પપ્પાને તો નહીં જ ગમે.
રાજનને શીતલ અતિ પસંદ હતી. એને પણ સુહાગરાતનું આકર્ષણ હતું જ. શીતલનું સૌંદર્ય માદક અને દઝાડનારુ હતું. વર્ષોથી એ પણ શીતલ પાછળ પાગલ થયેલો હતો. છતાં પ્રથમ ગ્રાસે જ મક્ષીકા જેવો ઘાટ થયો હતો. કઈ રીતે શીતલને સમજાવવી ?
" શીતલ આપણી જિંદગીની સફરનો આજે પ્રથમ દિવસ છે. તું મારા ઘરની લક્ષ્મી છે. મારા ઘરમાં અને મારા જીવનમાં હું તારું સ્વાગત કરું છું. મારી તને એક જ રિક્વેસ્ટ છે. મારો પરિવાર મોડર્ન જમાનાનો નથી. તું મને કોઈ પણ સંબોધન કરે મને કોઈ ફરક નથી પડતો પરંતુ મારા પરિવારને ચોક્કસ પડે છે. ગઈકાલ સુધી તું જે રીતે સંબોધન કરતી હતી એ જ રીત ચાલુ રાખ. તું મને તું કહીને સંબોધે એ મને ઠીક નથી લાગતું. " રાજન બોલ્યો.
" શીટ યાર ! મુંબઈ જેવા શહેરમાં રહીને પણ તું નડિયાદી વાતો કરે છે ! તું શબ્દમાં જે મજા અને મસ્તી છે એ તમે માં ક્યાંથી હોય રાજ ? તમે માં પોતીકાપણું નથી રહેતું. આજની રાત તો ' તું તારી' કહીને એકબીજાને માણવાની રાત છે. બેડ ઉપર આવી જા બેબી. આજે તને ખ્યાલ આવશે કે શીતલ શું ચીજ છે !! તું અને તમે... શું ફરક પડે છે ડાર્લિંગ ? તું આજે મારો બની જા. શીતલમાં કેટલી ગરમી છે એનો અનુભવ તો કર !! " શીતલ એકદમ આવેશમાં આવીને બોલતી હતી.
શીતલની વાતોથી રાજન દેસાઈ ઉત્તેજિત તો ખૂબ જ થઈ ગયો પણ એ સોફા ઉપરથી ઉભો ના થયો. શીતલને કેમ સમજાવવી ? તું સંબોધન અંદરથી ડંખતું હતું.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)